રાજ્ય સરકારની એક અભિનવ પહેલ: યુવાઓને પગભર બનાવવા માટે
‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’
એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી.
તા.૧૯ અને ૨૮મીના રોજ મજુરાગેટ આઈ.ટી.આઈ. ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશેઃ
ગુજરાતનો આજનો યુવાન ગુજરાતનું ભવિષ્ય છે. ગુજરાત એ તકોની ધરતી- લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી છે. રાજ્યના યુવાનો-યુવતીઓને રોજગારીની પૂરતી તકો મળે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
રાજ્ય સરકારે યુવાઓને પગભર બનાવવા માટે ‘મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના’ અન્વયે એક અભિનવ પહેલ કરી છે. જે યુવાનો અને યુવતીઓ એપ્રેન્ટીસ કાયદા હેઠળ આવરી લીધેલ કારખાના, હોટલો, હોસ્પિટલો, ટ્રાન્સપોર્ટ, બેન્કો, ખાણ ઉદ્યોગ, આઈ.ટી. ઉદ્યોગ, ફાઈનાન્સિયલ સર્વિસીસ વગેરે જેવા વ્યાપક રોજગારી આપતા એકમોમાં એપ્રેન્ટીસ તરીકે જોડાશે. તેમને જે તે કંપનીના વળતર ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના અંતર્ગત એક વર્ષ સુધી પ્રોત્સાહક રકમની સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ, સ્નાતક યુવાઓને માસિક રૂ. ૩૦૦૦, ડિપ્લોમાં ધારકને માસિક રૂ. ૨૦૦૦ અને અન્યોને માસિક રૂ. ૧૫૦૦ આપવામાં આવશે. જેના માટે બજેટમાં રૂ.૨૭૨ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાત સરકારની આ સહાય ઉપરાંત જે એકમોને એપ્રેન્ટીસ એકટ અન્વયે ભારત સરકાર તરફથી માસિક રૂ. ૧૫૦૦ની સહાય આપવામાં આવે છે તે પણ મળવાપાત્ર થશે.
સુરત જિલ્લામાં આગામી તા.૧૯/૫/૨૦૧૮ અને તા.૨૮/૫/૨૦૧૮ના રોજ આઈ.ટી.આઈ. કેમ્પસ, મજુરાગેટ ખાતે સવારે ૧૦.૩૦ થી સાંજે ૫.૩૦ વાગ્યા દરમિયાન એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધો.૭,૮,૯ પાસ અને ૧૦,૧૧,૧૨ પાસ/નાપાસ, આઈ.ટી.આઈ. તમામ ટ્રેડ, બી.એ., બી.કોમ. વગેરેના ઉમેદવારો પોતાના પ્રમાણપત્રો સાથે ભાગ લઈ શકશે. ભરતી મેળામાં નામાંકિત કંપનીઓ ભાગ લેનાર છે.
એપ્રેન્ટીસશીપ તાલીમમાં જોડાવા માટે www.apprenticeship.gov.in પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત માટે ઈ-મેઈલ એકાઉન્ટ જરૂરી છે. આ સિવાય રાજ્યની વિવિધ આઇ.ટી.આઇ. ખાતે ઓફ-લાઇન રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે એપ્રેન્ટીસ પાસેથી કોઇ પણ પ્રકારની તાલીમી ફી લેવામાં આવતી નથી..
તાલીમનો નિયત સમયગાળો પૂર્ણ થયા બાદ વ્યાવસાયિક તાલીમ માટેની રાષ્ટ્રીય કાઉન્સીલ તરફથી વર્ષમાં બે વાર એપ્રિલ અને ઓકટોબરમાં અખિલ ભારતીય વ્યવસાય કસોટી યોજવામાં આવે છે. સફળ થયેલા એપ્રેન્ટીસોને જે તે વ્યવસાયનું રાષ્ટ્રીય પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ પ્રમાણપત્ર ભારત સરકારના સાહસો જેવા કે રેલ્વે, ઓ.એન.જી.સી. વગેરેમાં કાયમી સેવા માટે પણ માન્ય છે. કોઈ પણ ઉમેદવારો કે જે એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઇચ્છતા હોય, તેઓએ નજીકની આઇ.ટી.આઇ. અથવા જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
વધુ માહિતી માટે કોલ સેન્ટરનો ટોલ ફ્રી નં. ૧૮૦૦-૨૫૮-૫૫૮૮ પર પણ સંપર્ક કરી શકાય છે. તેમજ www.employment.gujarat.gov.in અને www.apprenticeship.gov.in આ બંને વેબસાઇટ પર ઓનલાઈન જાણકારી મેળવી શકાય છે.














