
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી તા. ૦૬-૦૮-૨૦૨૬ ના રોજ યોજાયેલ ૧૭૧ માં વિચારોના વાવેતર કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, દેશના મોટા ભાગના લોકોના શરીર ઉપરનું કાપડ સુરતના પાવર લુમ્સમાં વણાયેલું હોય છે. અને ડાઈંગમિલમાં રંગાયેલું હોય છે. સુરતએ ભારતનું ગ્રોથ એન્જીન છે. કાપડ ઉદ્યોગ એ સુરતની ઓળખ છે. કાપડ ઉદ્યોગે મોટી રોજગારીનું સર્જન કર્યું છે. જમનાબા વિધાર્થી ભવન ખાતે યોજયેલા કાર્યક્રમમાં કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, સુરતમાં કાપડ ઉદ્યોગનો ૪૦૦ વર્ષ જુના ઈતિહાસ છે. ભારતના પશ્ચિમ કિનારે સુરત બંદર વેપાર માટે જાણીતું હતું. અહીં અન્ય વેપાર સાથે હાથ વણાટ અને રેશમી કપડાનો વેપાર થતો હતો. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝનો હુમલો, ત્યારબાદ મોગલ સામ્રાજ્ય અને છેલ્લે અંગ્રેજોના કાર્યકાળમાં સુરત કાપડ વેપારનું કેન્દ્ર વિકસાતું રહ્યું છે. પરંતુ ૧૯૬૦ પછી પાવર લુમ્સનો વિકાસ શરૂ થયો હતો.
૧૯૮૦ પછી પોલીએસ્ટર યાર્નનો ઉપયોગ શરુ થયો અને કાપડ ઉદ્યોગને એક દિશા મળી હતી. પરંતુ ખરો વિકાસ ૧૯૯૦ ઉદારીકરણ પછી ઝડપી વિકાસ થયો છે. આજે સુરત સિન્થેટીક ટેક્ષટાઈલ કેપિટલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે. સુરતમાં કાપડ ઉદ્યોગના વિકાસ માટે ભૌગોલિક પરિસ્થિતિ અને સુવિધાઓ સાથે લોકોની ઉદ્યોગ સાહસિકતા છે. શ્રમ, સર્જનશીલતા અને સાહસિકતાએ સુરતના લોકોના લોહીમાં છે. આજે સુરતમાં કાપડ અને હીરા ઉદ્યોગને કારણે ૩૦ લાખ શ્રમિકો છે. દેશના ૨૬ રાજ્યના લોકો સુરતમાં છે. ગુજરાતના ૨૯ જીલ્લાના લોકો સુરતમાં રોજગારી મેળવે છે.
જે શહેરમાં વધુ રોજગારી મળે છે. તે શહેર દેશનું ગ્રોજ એન્જીન બને છે. કાપડ ઉદ્યોગ સુરતની માત્ર ઓળખ નથી તે અર્થ વ્યવસ્થાનો મોટો આધાર છે. સુરત કાપડ ઉદ્યોગનું હબ બન્યું છે. કાપડ ઉદ્યોગમાં યાર્ન, વિવિંગ, ડાઈંગ, પેકેજીંગ અને ટ્રાન્સપોટીંગ સહીત અનેક ક્ષેત્રોમાં રોજગારીની વિપુલ તકો છે. કપડું એ પ્રાથમિક જરૂરિયાત છે. તેમાં રોજગારીની વિપુલ તકો છે. સુરતમાં કાપડ ઉદ્યોગની ઇકોસીસ્ટમ ખુબ સારી છે. સામાન્ય વ્યક્તિ પણ રોજગારી મેળવી શકે છે. સુરતમાં દરરોજ ૫ કરોડ મીટર થી વધુ કાપડ બને છે. છતાં જોઈએ તેવી બ્રાંડ નથી તેટલું સુરતમાં ખૂટે છે. ગ્લોબલ માર્કેટમાં ટકવું પડે તેવી ગુણવત્તાની પણ જરૂર છે. તેમ છતાં ડીઝીટલ પ્રિન્ટીંગ અને ઈ-કોમર્સમાં કાપડ ઉદ્યોગે ખુબ સારી પ્રગતિ કરે છે.
વિકસિત ભારતનું સપનું સુરતના સાહસ વગર અધૂરું છે. – કૈલાશ હાકીમ (ફોસ્ટા)
૧૭૧ માં વિચારોના વાવેતર કાર્યક્રમના વક્તા અતિથી પદે ફેડરેશન ઓફ ટેક્ષટાઈલ ટ્રેડર્સ એસોસિએશનના પ્રેસિડન્ટ કૈલાસ હાકીમ ઉપસ્થિત રહ્યા હતા. કાપડ ઉદ્યોગની આજ અને આવતીકાલ વિષય ઉપર બોલતા તેમણે જણાવ્યું હતું કે, દુનિયામાં કપડાની જે માંગ છે. તેમાંથી ભારત માત્ર ૪ ટકા માંગ પૂરી કરે છે. હજુ પણ કાપડ ઉદ્યોગમાં ૯૬ ટકા બીઝનેસ સ્પેસ છે. સુરતની વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે ડોમેસ્ટિક કાપડનું ઉત્પાદન થાય છે. પરંતુ સમય સાથે ચાલવા માટે બ્રાન્ડેડ કાપડનું પણ ઉત્પાદન કરવાની જરૂરિયાત છે. ગુજરાતી લોકોમાં ભણતર કરતા સાહસ ખુબ જ વધારે પ્રમાણમાં છે. ૩૦ બિલિયન ડોલર થી આવતા ચાર વર્ષમાં ૧૦૦ બિલિયન ડોલર સુધી એક્ષ્પોર્ટ પહોચાડવાનો ભારત દેશનો ટાર્ગેટ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતનું સ્વપન સુરતના સાહસ વગર અધુરૂ છે. પરંતુ તે માટે માત્ર સાહસ પુરતું નથી ટેકનીકલ નોલેજ હોવું જરૂરી છે. કાપડ ઉત્પાદનમાં ગુણવત્તા અને બ્રાન્ડીંગની જરૂર છે. ટેક્ષટાઇલ ઉદ્યોગના અગ્રણી ટ્રસ્ટી નિલેશભાઈ લીંબાસીયા, મિતુલભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સિદ્ધિની પણ નોંધ લેવામાં આવી હતી.
કાપડ ઉદ્યોગમાં સફળ ઉદ્યોગ સાહસિકોનું કાર્ય અભિવાદન
ટેક્ષ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા યુવા ઉદ્યોગ સાહસિકોએ નોંધનીય સફળતા મેળવી છે. વિસ્કોસ યાર્ન બનાવતી રાધવ વિવ્ઝના ડાયરેક્ટર યુવાન જીગ્નેશભાઈ દેવજીભાઈ કાકડિયાએ અને તેમની ટીમે ખુબ ટૂંકા ગાળામાં ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝમાં સફળતાની હરણફાળ ભરી છે. તેમની કંપનીમાં દરરોજ ૨૩ ટન થી વધું યાર્નનું ઉત્પાદન થાય છે. તેમણે તેમની સફળતાનું રહસ્ય જીવનની સરળતા ગણાવી હતી. સ્વપન પૂરું કરવા તે સરળ થતો ગયો અને ધંધા અને વેપારમાં સફળતા મળતી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે કાપડ ઉદ્યોગમાં ધંધા-વેપારની વિપુલ તકો છે. યુવાનોએ તે તક ઓળખી કામે લાગી જવું જોઈએ. આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી ગગજીભાઇ કાકડિયા તથા ટ્રસ્ટીશ્રી બાબુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સામાન્ય હેન્ડવર્કથી રોજગારીનું સર્જન કરનાર મહિલાનું સન્માન
સામાન્ય ગૃહિણીમાંથી સિલાઈકામથી શરૂઆત કરી અને હેન્ડવર્ક ૪૦૦ થી વધુ બહેનોને કામ આપનાર પ્રાંજલબેન બિપીનભાઈ ધામેલીયાનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે અભિવાદન કર્યું હતું. પતિ બિપીનભાઈને રૂ. ૬૦૦૦ ની નોકરી હતી. તેથી પ્રાંજલબેન ઘેર સિલાઈકામ શરુ કર્યું. પછી પતિ-પત્નીએ સાથે મળી માર્કેટમાંથી હેન્ડવર્કનું કામ લાવી અન્ય બહેનોને આપવાનું શરુ કર્યું. આજે ટ્રેડિંગ માટે પોતાનું હાઉસ, ફેકટરી માટે પ્લોટ અને વેપાર માટે પોતાની દુકાન છે. દિકરીને ડૉકટર બનાવી છે.મૂળ સગાપરા ગામના ખુબ ઓછું ભણેલ આ દંપતિને કાપડ ઉદ્યોગમાં હેન્ડવર્ક અને ટ્રેડીંગ ક્ષેત્રે મોટી સફળતા પ્રાપ્ત કરી છે.
ઓર્ગન ડોનેશનનો નિર્ણય લેનાર ડોબરિયા પરિવારનું અભિવાદન
સૌરાષ્ટ્રના ધારગણી ગામના વતની મનુભાઈ લાલજીભાઈ ડોબરીયાના બ્રેઈનડેડ થતા તેમના પરિવારે અંગદાનનો નિર્ણય લેતા જીવનદીપ ઓર્ગેન ડોનેશન ફાઉનડેશન તરફથી જરૂરીયાત મંદ વ્યક્તિ સુધી ઓર્ગેન પહોચાડવામાં આવ્યા હતા. મનુભાઈ ડોબરિયાના ઓર્ગેન ડોનેશન માટેના નિર્ણય લેતા તેમના પરિવારનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી અભિવાદન કરવામાં આવ્યું હતુ. માનવીય સેવાનું ઉમદા કાર્ય કરતી સંસ્થા ઓર્ગેન ડોનેશન ફાઉનડેશનના પીયુષભાઈ ગોંડલીયાએ પરીવારને સન્માનપત્ર અર્પણ કર્યું હતું.
ગત ગુરુવારનો વિચાર કિરણ ઠુંમરે રજુ કર્યો હતો. અને જયારે કાર્યક્રમનું સંકલન હાર્દિક ચાંચડ અને અંકિત સુરાણીએ કર્યું હતું.
















