એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર તેમની કારમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવ્યા હતા. કારમાં તેમની સાથે તેમનો પુત્ર પણ હતો. આરએફઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સીટી સ્કેન કરતાં તેમના માથામાં ગોળી હોવાનું સામે આવ્યું હતું.
કામરેજના જોખા ગામે રહેતા સોનલબેન સોલંકી સુરત વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. તેણે 2020માં સુરત ખાતે આરટીઓ ઓફિસર તરીકે ફરજ બજાવતાં નિકુંજ ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા એકાદ વર્ષથી બંને વચ્ચે કોઈ કારણોસર તકરાર ચાલતી હતી. જેના કારણે આરએફઓ માતા-પિતા અને ભાઈ સાથે રહેતા હતા.
તાજેતરમાં તેઓ તેમની પર્સનલ કારની સફાઈ કરતા હતા ત્યારે પાછળના ભાગેથી જીપીએસ ચાલુ હાલતમાં મળ્યું હતું. જે અંગે તેમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુરુવારે સવારે સોનલ સોલંકી તેમના ચાર વર્ષના પુત્ર સાથે કામરેજ જવા નીકળ્યા હતા. આ સમયે જોખાથી કામરેજ જતાં રોડ પર ફાયરિંગ થતાં માથાના ભાગે ગોળી વાગી હતી અને તેમણે કારનું સંતુલન ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી.
પોલીસે આ મામલે હાલ પરિવારજનોની પૂછપરછ કરીને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની ઘટના ટૉક ઓફ ધ ટાઉન બની હતી.
મિત્ર-પરીવાર સાથે સુરતથી બાયરોડ ઉદયપૂર જઇ રહેલા સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ આશિષ ગુજરાતી પર ગઇ તા.26મી ઓક્ટોબરે ઉદયપુર હાઇ-વે પર લૂંટારાઓએ હુમલો કરીને સાડાત્રણ લાખથી વધુની માલમતાની લૂંટ ચલાવી હોવાની કેફિયત ખુદ આશિષ ગુજરાતીએ ટેલિફોનિક સંદેશાથી વ્યક્ત કરી હતી. આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસમાં ફરીયાદ દાખલ કરાવી છે.
ટેલિફોનિક વાતચીતમાં જાણિતા ટેક્ષટાઇલ ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે તેઓ તા.26મી ઓક્ટોબરે સવારે સુરતથી ઉદયપુર જવા માટે તેમની પત્ની અને મિત્ર પરીવાર સાથે ટોયોટા હાઇરાઇડર કારમાં નીકળ્યા હતા. રાત્રે સાડા અગિયારના સુમારે તેમણે ઉદયપુર હાઇ-વે પર રામદેવજી મંદિરની સામે પીપલી નજીક લઘુશંકા માટે કાર થોભાવી હતી. એ દરમિયાન બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ આશિષ ગુજરાતી જ્યાં ઉભા હતા ત્યાં બાઇક ઉભી રાખીને આશિષ ગુજરાતી કંઇ સમજે એ પહેલા જ હુમલાખોરોએ આશિષ ગુજરાતીને તેમની પાસેના બધા રૂપિયા આપી દેવા હિન્દીભાષામાં ધમકી આપી હતી. આશિષ ગુજરાતી સ્વસ્થતા કેળવે એ પહેલા તો એક લુંટારાએ તેમનું પાકીટ અને અને ખિસ્સામાંથી રોકડા રૂપિયા લૂંટી લીધા હતા. આશિષ ગુજરાતીએ સ્વસ્થતા કેળવીને પ્રતિકાર કરવાની કોશિષ કરી હતી, એ દરમિયાન લૂંટારાઓ તેમની કાર પાસે પહોંચી ગયા અને તેમના પત્ની તથા કારમાં બેઠેલા બીજા મુસાફરોને ધમકી આપવા લાગ્યા કે જો તમે બધા પૈસા નહીં આપો તો તેઓ મને મારી નાંખશે. પ્રતિકાર કરતાં આશિષ ગુજરાતી પણ કાર પાસે પહોંચી જતા લૂંટારામાંથી એક લૂંટારાએ આશિષ ગુજરાતીના માથા પર લાકડાના ફટકાથી જોરદાર ફટકો મારતા તેમના માથામાંથી લોહી નીકળવા લાગ્યું હતી એ દરમિયાન લૂંટારાએ વધુ હુમલો કરીને આશિષ ગુજરાતીના હાથની આંગળીમાં પહેરેલી હીરાની વીંટી પણ લૂંટી લીધી હતી.
આ દરમિયાન આશિષ ગુજરાતીના પત્નીએ સમયસૂચકતા વાપરીને કાર રોડ પર આડી મૂકાવી દીધી જેથી પસાર થતાં અન્ય વાહનો ફરજિયાત ઉભા રહ્યા હતા અને એ જોઇને લૂંટારાઓ ભાગી છૂટ્યા હતા. એ પછી લોહી નીગળતી હાલતમાં આશિષ ગુજરાતીને અન્ય કારચાલકે ફર્સ્ટ એઇડ બોક્સ આપીને તેમના માથામાંથી નીકળતું લોહી બંધ કરાવ્યું હતું અને એ પછી સ્વસ્થતા કેળવીને આશિષ ગુજરાતીએ સમગ્ર ઘટનાની જાણ પોલિસને કરી હતી.
ચેમ્બરના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીએ આ અંગે રાજસ્થાન પોલિસને આપેલી ફરીયાદમાં તેમના પર હુમલો કરીને હુમલાખોરો રોકડા રૂ.15 હજાર, રૂ.3 લાખની કિંમતની હીરાની વીંટી ડેબિટ કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે ધરાવતું પાકીટ વગેરેની માલમતા લૂંટી હોવાનું જણાવ્યું હતું.
દિલ્હીની એક ખાનગી સંસ્થામાં 17 વિદ્યાર્થિનીઓનું શોષણ કરવાના આરોપી અને બની બેઠેલા સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતીની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. વિદ્યાર્થિનીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાવવામાં આવી તે બાદથી પોલીસ આ બાબાને શોધી રહી હતી, જોકે તે આગરાની એક હોટેલમાં છુપાયો હતો જ્યાંથી પોલીસે તેને ઝડપી પાડયો હતો અને કોર્ટમાં રજુ કર્યો હતો. ચૈતન્યાનંદને દિલ્હીની કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ૬૨ વર્ષીય આ બાબાએ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતી ગરીબ વર્ગની અનેક વિદ્યાર્થિનીઓનો વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો અને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. વિદ્યાર્થિનીઓને બદલામાં વિદેશ મોકલવાની લાલચ આપતો હતો. રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ આ બાબાની સામે પોલીસમાં જઇને ફરિયાદ કરી દીધી હતી. જે બાદથી પોલીસ તેને શોધી રહી હતી.
કોર્ટમાં જ્યારે બાબાને રજુ કરવામાં આવ્યો ત્યારે આ સમગ્ર મામલે નવા ખુલાસા થયા હતા, તપાસકર્તાઓએ કહ્યું હતું કે બાબાએ અનેક વિદ્યાર્થિનીઓને ધમકીઓ આપી હતી, વિદ્યાર્થિનીઓની અવર જવર પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવાયા હતા, કેટલાક કેમેરા તો બાથરૂમ સુધી લગાવાયા હતા. બીજી તરફ બાબાના વકીલે દલીલ કરી હતી કે મને પરેશાન કરવા પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી રહ્યો છે. જોકે ફરિયાદીના વકીલે દલીલ કરી હતી કે બાબાને કસ્ટડીમાં લેવો જરૂરી છે કેમ કે તેની પૂછપરછ કરવાની બાકી છે. બીજી તરફ બાબાને શોધવામાં પોલીસે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, કેમ કે બાબા પોતાને પીએમઓ સાથે સંકળાયેલો હોવાનું જુઠ બોલીને બચાવતો ફરતો હતો, તેણે અત્યાર સુધીમાં અનેક સ્થળો બદલ્યા હતા. જોકે અંતે પોલીસે તેને આગરાની એક હોટેલમાંથી ઝડપી પાડયો હતો.
સુરત પોલીસે હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી પાર્ક પેવેલિયન હોટેલમાં હાઈ-પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતું હોવાની બાતમી મળતી પોલીસે રેડ પાડી હતી.
સુરત પોલીસે પાર્ક પેવેલિયન હોટેલમાંથી13 વિદેશી મહિલાઓ અને 9 પુરુષ સહિત કુલ 22 લોકોની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ પ્રમાણે આ હાઈ-પ્રોફાઇલ સેક્સ રેકેટ વોટ્સએપ દ્વારા ચાલતું હતું. પોલીસે રેડ પાડીને તેનો પર્દાફાશ કરી દીધો છે.
વિગતે વાત કરવામાં આવે તો, પોલીસ જ્યારે પાર્ક પેવેલિયન હોટેલના ચોથા માળે પહોંચી ત્યારે દરવાજો બંધ હતાં. જેથી પોલીસે લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર 7 લોકો મળ્યા હતા. જેમાંથી મેનેજર તરીકે કામ કરતો રૂપેશ ઉર્ફે મેક્સી રમેશ મિશ્રાએ સ્વીકાર્યું કે, તે ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને મહિલાઓને મોકલતો હતો.
આ સાથે સંજય હિંગડે, રાહુલ સોલંકી અને બિપીન ઉર્ફે બંટી બાબરીયા પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હોવાનું સામે હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. આ રેકેટનો મુખ્ય સંચાલક વિજય મોહન કસ્તુરે હોવાનું ખુલ્યું છે, જે હોટલના ખર્ચા અને સ્ટાફના પગારનું સંચાલન કરતો હતો.
આ સમગ્ર કૌભાંડ મામલે જ્યારે રૂપેશ મિશ્રા સાથે પુછપરછ કરવામાં આવી ત્યારે તેણે ખુલાસો કર્યો હતો કે, એક ગ્રાહક પાસેથી મળતા 3,500 રૂપિયામાંથી 2,000 રૂપિયા કમિશન તરીકે રાખવામાં આવતા અને 1,500 રૂપિયા મહિલાઓને આપવામાં આવતા હતાં.
પોલીસે આ મામલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 તથા ભારતીય ન્યાય સંહિતા, 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હોટલના સંચાલકો અને ગ્રાહકો સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 13 વિદેશી મહિલાઓને વધુ પૂછપરછ પોલીસ સ્ટેશન મોકલવામાં આવી હતી.
ગુજરાતમાં મનરેગા, નલ સે જલ સહિત અન્ય સરકારી યોજના જાણે કમાણીની યોજના બની રહી છે. રાજનેતા અને અધિકારી ભેગા મળીને ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે છતાંય સરકાર-મંત્રી છેવાડાના માનવીને લાભ મળ્યો છે તેવા ગુણગાન ગાઈ રહ્યાં છે. ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતાં ખુદ મંત્રીએ એ વાતનો સ્વીકાર કર્યો કે, મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યુ છે, જેમાં અત્યાર સુધીમાં 12 સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મંત્રી બચુ ખાબડના બંને દીકરાની સંડોવણી બહાર આવી છે. જોકે, આના કારણે સરકારની પ્રતિષ્ઠાનું ધોવાણ થયુ છે. મનરેગા યોજના પછી નલ સે જલ યોજનામાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મહીસાગરમાં આ યોજનામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી છે. આ મામલે વિધાનસભામાં વિપક્ષે આરોપોની છડી વરસાવતાં મંત્રી કુંવરજી બાવળિયાએ એ વાતનો સ્વીકાર કર્યો કે, નલ સે જલ યોજનામાં ગોટાળો થયો છે.
ગૃહમાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ સવાલ કર્યો કે, લેખિતમાં એવો જવાબ અપાયો છે કે, કોઈ ગેરરીતી થઇ નથી. સાચુ શું છે? ત્યારે મંત્રીએ કબૂલ્યું કે, નલ સે જલ યોજના મામલે ફરિયાદ મળતાં મહીસાગર જિલ્લાના 630 ગામોમાં તપાસ કરવામાં આવી ત્યારે ગેરરીતિ ધ્યાને આવી હતી. અત્યાર સુધીમાં 122 એજન્સી પાસેથી 2.97 કરોડની વસૂલાત કરાઈ છે. આ ઉપરાંત 43 પાણી સમિતિઓ પાસેથી નાણાંની રિકવરી કરવા આદેશ કરાયા છે અને 122 એજન્સીઓને ડીબોર્ડ કરાઈ છે.
એવો ખુલાસો થયો છે કે, તાલુકા પંચાયતના સભ્યોની પણ નલ સે જલ કાંભાડમાં સંડોવણી હોય શકે છે, તેથી આ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. મનરેગા અને નલ સે જલ યોજનામાં ભાજપના મળતિયાઓએ જ ભ્રષ્ટાચાર આચર્યો છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. અત્યાર સુધીમાં મહીસાગર જિલ્લામાં 714 ગામો પૈકી 680 ગામોમાં ઘરે-ઘરા નળ લગાવવાની કામગીરી કરાઈ રહી છે. જોકે, સરકારે દાવો કર્યો કે, જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ રાજ્યમાં કુલ 91 લાખ ઘરને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે.
કેન્દ્રના 72માંથી 29 અને રાજ્ય સરકારોના 273 પ્રધાનો ‘ક્રિમિનલ’ : એડીઆર
કુલ 302 પ્રધાનોમાંથી 174 મંત્રી સામે ગંભીર ફોજદારી ગુનો ભાજપના 336માંથી 40 ટકા એટલે કે 136 મંત્રી ક્રિમિનલ
આંધ્રની તેલુગુદેશમના પાર્ટીના 96 ટકા મંત્રીઓ એટલે કે 23માંથી 22ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે
દેશના રાજકારણને અપરાધમુક્ત કરવાની વાતો ફક્ત વાતો જ લાગે છે, દેશનું રાજકારણ ગુનાખોરીથી મુક્ત થવાની સંભાવના સ્વપ્નવત લાગે તેવી વાત એડીઆર રિપોર્ટમાં આવી છે. એડીઆર રિપોર્ટ મુજબ દેશના કુલ ૪૭ ટકા પ્રધાનો એટલે કે લગભગ અડધો અડધ પ્રધાન સામે ફોજદારી કેસ ચાલી રહ્યા છે. આ સંજોગોમાં રાજકારણ ગુનામુક્ત તો ન થાય, પણ ગુનાયુક્ત થયું હોવાની જરૂર કહી શકાય.
એડીઆર (એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ) પણ ત્યારે આવ્યો છે જ્યારે સંસદમાં ત્રણ બિલ રજૂ કરવામાં આવ્યા છે જેમા વડાપ્રધાન, મુખ્યપ્રધાનો અને પ્રધાનોની ધરપકડ થાય કે પાંચ વર્ષ કે તેનાથી વધારે સમયની સજા માટેના ગંભીર ફોજદારી ગુના માટે સળંગ ૩૦ દિવસ સુધી અટકાયતમાં રાખવામાં આવે તો તેમણે હોદ્દા પરથી રાજીનામુ આપવું પડશે. એડીઆરે આ માટે દેશની કુલ ૨૭ વિધાનસભા, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય કેબિનેટ પ્રધાનોના કુલ ૬૪૩ સોગંદનામાની ચકાસણી કરી હતી, તેમા તેણે જોયું કે કુલ ૩૦૨ પ્રધાનો એટલે કે અડધોઅડધ કહેવાય તેટલા પ્રધાનોની સામે ફોજદારી કેસો હોવાનું જણાઈ આવ્યું હતું. આ ૩૦૨ પ્રધાનોમાં ૬૦ ટકાથી પણ વધારે એટલે કે ૧૭૪ પ્રધાનોની સામે તો ગંભીર ફોજદારી કેસ છે, એમ રિપોર્ટે જણાવ્યું હતું.
એડીઆર વિશ્લેષણ મુજબ ભાજપના કુલ ૩૩૬ પ્રધાનમાં ૪૦ ટકા એટલે કે ૧૩૬ પ્રધાનાએ તો પોતે જ તેમની સામે ફોજદારી કેસ હોવાનું જાહેર કર્યુ છે. તેમા ૨૬ ટકા એટલે કે ૮૮ પ્રધાનોની સામે ગંભીર ગુના છે.
કોંગ્રેસ ચાર રાજ્યોમાં સત્તામાં છે. તેના ૭૪ ટકા એટલે કે ૪૫ પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેમા ૩૦ ટકા એટલે કે ૧૮ની સામે ગંભીર ગુના નોંધાયેલા છે.
આ ઉપરાંત ડીએમકેના કુલ ૩૧ પ્રધાનોમાંથી ૨૭ એટલે કે ૮૭ ટકા સામે ફોજદારી કેસ છે. જ્યારે ૪૫ ટકા એટલે કે ૧૪ની સામે ગંભીર ફોજદારી ગુના નોંધાયેલા છે. તૃણમૂલ કોંગ્રેસના ૩૩ ટકા એટલે કે ૪૦માંથી ૧૩ની સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા ૨૦ ટકા એટલે કે ૮ની સામે ગંભીર ગુના છે.
તેલુગુદેશમ પાર્ટીમાં ગુનેગાર પ્રધાનોનું સૌથી ઊંચું પ્રમાણ છે. તેમા કુલ ૨૩ પ્રધાનોમાંથી ૨૨ પ્રધાનો સામે એટલે કે ૯૬ ટકા પ્રધાનો સામે ગુના નોંધાયેલા છે. તેમાથી ૫૭ ટકા એટલે કે ૧૩ પ્રધાનની સામે ગંભીર ગુના નોંધાયેલા છે. આમ આદમી પાર્ટી (આપ)ના પ્રધાનોમાં જોઈએ તો ૧૬માંથી ૧૧ એટલે કે ૬૯ ટકા પ્રધાનો સામે ફોજદારી કેસો છે. તેમાથી પાંચ એટલે કે ૩૧ ટકા સામે ગંભીર કેસો છે. હવે રાષ્ટ્રીય સ્તરે જોઈએ તો ૭૨ કેન્દ્રીય પ્રધાનોમાંથી ૪૦ ટકા એટલે કે ૨૯ પ્રધાનોએ તેમની સામે ફોજદારી કેસ હોવાનું સોગંદનામામાં જણાવ્યું છે.
રાજ્યોમાં જોઈએ તો કુલ ૧૧ વિધાનસભામાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક, પંજાબ, તેલંગણા, હિમાચલ પ્રદેશ અને પુડુચેરીના ૬૦ ટકાથી વધારે પ્રધાનોની સામે ફોજદારી કેસ છે. તેનાથી વિપરીત હરિયાણા, જમ્મુ-કાશ્મીર, નાગાલેન્ડ અને ઉત્તરાખંડના પ્રધાનોની સામે કોઈ ફોજદારી કેસ જ નોંધાયા નથી.
સુરતનાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તિજોરી કટરથી કાપી ૨૦ કરોડથી વધુના ડાયમંડ અને રોકડની ચોરી કરવામાં આવી હતી. જન્માષ્ટમી રજાનો લાભ લઇ તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
આ ઘટનામાં મોટો વળાંક આવ્યો હતો. આ ફરિયાદી અને ડી.કે.સન્સના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરી (ડીકે મારવાડી) જ શંકાના ઘેરામાં આવ્યો ગહતો.. પોલીસ તપાસમાં એવું સામે આવ્યું છે કે આ ચોરી એક તરકટ હતું અને હકીકતમાં કોઈ હીરાની ચોરી થઈ જ નથી.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 17 ઓગસ્ટ, રવિવારની રાત્રે કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે.સન્સ કંપનીમાં ચોરીની ઘટના બની હતી. રાત્રિના 2 વાગ્યાની આસપાસ પાંચ ચોર બે રિક્ષા લઈને આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજી રિક્ષામાં બે ચોર હતા, જેમની પાસે ગેસ કટર સહિતનો સામાન હતો. ચોરીને અંજામ આપ્યા બાદ તેઓ સુરત રેલવે સ્ટેશન પર રિક્ષામાંથી ઉતરીને ફરાર થઈ ગયા હતા, અને મુંબઈ કે રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.
લીસે કરેલી સઘન તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ચોરીનો પ્લાન કંપનીના માલિક દેવેન્દ્ર કુમાર ચૌધરીએ જ બનાવ્યો હતો. આ ચોરીનું તરકટ કરવા માટે પાંચ લોકોને તૈયાર કરવામાં આવ્યા હતા. ચોરીના આ નાટક માટે કુલ રૂ. 10 લાખ આપવાની વાત થઈ હતી, જેમાંથી રૂ. 5 લાખ તેમને એડવાન્સમાં ચૂકવી દેવામાં આવ્યા હતા, અને બાકીના રૂ. 5 લાખ આપવાના બાકી હતા. કરોડોનું ટર્ન ઓવર ધરાવતા વેપારી દ્વારા આવા પ્રકારનું તરકટ શા માટે રચવામાં આવ્યું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ટૂંક સમયમાં જ પોલીસ આ અંગે મોટો ખુલાસો કરશે.
શું હતો મામલો
સુરતમાં જન્માષ્ટમીની રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ એક મોટી ચોરીને અંજામ આપ્યો હતો. સુરતના કાપોદ્રામાં આવેલી ડી.કે.એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરોએ ત્રાટકીને ૨૦ કરોડથી વધુની ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ કંપનીની ઓફિસની તિજોરીને કટરથી કાપી હતી અને 20 કરોડથી વધુના હીરા, રોકડની ચોરી કરી હતી. જો કે તેની સાથે જ તસ્કરો કંપનીની ઓફીસના સીસીટીવી-ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તેમજ સુરત શહેર ક્રાઈમ બ્રાંચનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે જનસુનાવણી દરમિયાન હુમલો કરનારાની ઓળખ થઈ ગઈ છે. આ હુમલાખોરની તાત્કાલિક ધોરણે ધરપકડ થઈ હતી. સૂત્રો મુજબ, દિલ્હી પોલીસની પ્રારંભિક પૂછપરછમાં હુમલાખોરે પોતાનું નામ રાજેશ ખીમજીભાઈ સાકરિયા જણાવ્યું છે. તે ગુજરાતના રાજકોટનો રહેવાસી છે.
હુમલાખોરની વય 41 વર્ષની છે. આ હુમલામાં રેખા ગુપ્તાના માથા પર સામાન્ય ઈજા થઈ હોવાનું ભાજપ પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા રોજની જેમ સવારે સાત વાગ્યે પોતાની ઓફિસમાં જનસુનાવણી કરી રહ્યા હતા. જ્યાં રોજિંદા સેકડોં લોકો પોતાની ફરિયાદો લઈને તેમની પાસે આવે છે. આ હુમલાખોર પણ એક બેગ અને હાથમાં થોડા કાગળો સાથે મુખ્યમંત્રી નજીક આવ્યો હતો.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા અનુસાર, હુમલાખોર ફરિયાદના બહાને મુખ્યમંત્રી નજીક પહોંચ્યો હતો. શરૂઆતમાં તેણે મુખ્યમંત્રીને અમુક કાગળ આપ્યા અને બાદમાં જોર-જોરથી બુમો પાડવા લાગ્યો હતો. તે દરમિયાન જ તેણે CM રેખા ગુપ્તા પર હુમલો કરી દીધો હતો. મુખ્યમંત્રીને માથાના ભાગ પર સામાન્ય ઈજા થઈ હતી. હાલ તેઓ સુરક્ષિત છે. ભાજપ નેતાઓએ આ હુમલા પાછળ રાજકીય ષડયંત્ર હોવાની આશંકા વ્યક્ત કરી છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરી છે.
દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ આ મામલે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો અક્ષમ્ય ગુનો છે. એક મહિલા, એક દિકરી જે રાત-દિવસ દિલ્હીવાસીઓની સેવામાં જોડાયેલી છે. તેના પર હુમલો કરનારા અને કરાવનારાઓ કાયર છે. બંને ગુનેગાર છે. જ્યારે ગુનેગાર તર્ક અને તથ્યોના આધારે વાત કરવા સક્ષમ ન હોય ત્યારે તે આ પ્રકારનો ગુનો કરે છે. આ અત્યંત શરમજનક અને નિંદનીય ઘટના છે. પોલીસ આ મામલે સીસીટીવી ફુટેજ તપાસી રહી છે.
કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડ રૂપિયાથી વધુની કિંમતનો દાણચોરીનો ગાંજો પકડી પાડ્યો હતો અને આ પ્રકરણે સુરતના યુવક સહિત બે જણની ધરપકડ કરી હતી.
એઆઇયુના અધિકારીઓએ ધરપકડ કરેલા બંને જણની ઓળખ સુરતના કતારગામ, સિંગણપોર ખાતે રહેતા હાર્દિક પ્રાગજીભાઇ ભદાણી (24) અને દિલ્હીના રહેવાસી મોહંમદ સામી (23) તરીકે થઇ હતી. બંનેને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેમને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. હાર્દિક ભદાણીના વકીલ તરીકે અરુણ ગુપ્તા અને આશિષ સિંહ કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી.
બૅંગકોક ખાતેથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા હાર્દિક ભદાણીને એઆઇયુના અધિકારીઓએ શંકાના આધારે આંતર્યો હતો. તેના સામાનની તલાશી લેવામાં આવતાં છ વેક્યુમ સીલ્ડ પેકેટ્સમાંથી 2.87 કરોડ રૂપિયાની કિંમતનો 2873 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. આથી હાર્દિક ભદાણી સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
દરમિયાન બૅંગકોકથી ફ્લાઇટમાં રવિવારે મુંબઇ એરપોર્ટ પર આવેલા મોહંમદ સામીની 2.39 કરોડ રૂપિયાની કિંમતના ગાંજા સાથે ધરપકડ કરાઇ હતી. સામીની અંગત તલાશીમાં કશું મળ્યું નહોતું, પણ તેની ટ્રોલી બેગમાં આઠ ફૂડ પેકેટ, બે સ્નેક બોક્સ તથા છ સિગારેટ પેકેટ્સમાં એરટાઇટ પ્લાસ્ટિકના પેકેટમાંથી ગાંજો મળી આવ્યો હતો.
સામીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે 4 ઑગસ્ટે દિલ્હીના શહજાદ નામના શખસે તેને બૅંગકોકથી ટ્રોલી બેગ લાવવા માટે કહ્યું હતું, જેની વિમાન ટિકિટની વ્યવસ્થા પણ કરી આપી હતી. બેગ મુંબઈમાં લાવીને સોંપાતા પચાસ હજાર રૂપિયા તથા અન્ય ખર્ચ આપવાનું તેને આશ્ર્વાસન અપાયું હતું.
રાજ્યમાં નકલીનો જાણે કે રાફડો ફાટ્યો તેમ લાગે છે. નકલી લોકો પછી હવે નકલી તંબાકુ ફેક્ટરી ઝડપાઈ હતી. શહેરના વરાછા વિસ્તારના તિરુપતિ નગરમાં એક બિલ્ડિંગના પ્રથમ માળેથી આ ફેક્ટરી ઝડપાઈ હતી. 22 દિવસથી આ કારોબાર ચાલતો હતો.
2.13 લાખનો મુદ્દામાલ જપ્ત ઝોન 1 ડીસીપી આલોક કુમારના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે નકલી તંબાકુ બનાવતા આરોપી હર્ષદ કાછડીયા નામના યુવકની ધરપકડ કરી હતી. પોલીસે સ્થળ પરથી 2.13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં બાગબાન તંબાકુના 15,100 પાઉચ, 10-10 કિલોની તંબાકુ ભરેલી 6 બેગ, 1.75 કિલોનો રેપર રોલ, 3 સિલ્વર પ્લાસ્ટિક રેપર રોલ, ઈલેકટ્રોનિક વજન કાંટો અને તંબાકુ બનાવતા મશીન સીલ કર્યા હતા.
પોલીસ મુજબ, આરોપી હર્ષદ કાછડીયા પહેલા પણ નકલી માલ બનાવવા અને જુગારના મામલે પકડાયો હતો. નકલી તંબાકુના રેકેટમાં તેની સાથે કોણ કોણ સામેલ છે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત તેણે 22 દિવસમાં કોને કોને તંબાકુ વેચી તેની પણ તપાસ શરૂ કરી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.