
27 સપ્ટેમ્બરના સ્વૈચ્છિક બંધની અસરકારક અસર : યાર્નના ભાવમાં મનસ્વી વધારા સામે વીવર્સની લડત હવે દિલ્હી સુધી પહોંચી
સુરત : યાર્નના ભાવમાં ક્રૂડ ઓઇલના ભાવવધારાના નામે મનસ્વી વધારો કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સુરતના વીવર્સ દ્વારા યોજાયેલા સુરત વીવર્સ મહાસંમેલન બાદ જાહેર કરવામાં આવેલા સ્વૈચ્છિક બંધની હવે નવી દિલ્હી સુધી નોંધ લેવાઈ છે. મળતી માહિતી મુજબ સુરતના વણાટ ઉદ્યોગની વર્તમાન સ્થિતિ અને યાર્નના ભાવવધારા અંગે ટેક્સટાઇલ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાક્રમના ઇનપુટ્સ મંગાવવામાં આવ્યા છે. સુરત વીવર્સ મહાસંમેલન અને 27 સપ્ટેમ્બરના બંધ અંગેના અખબારી અહેવાલો પણ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રવિવાર, તા.27 સપ્ટેમ્બરે સુરતના વણાટ ઉદ્યોગ દ્વારા જાહેર કરવામાં આવેલો સ્વૈચ્છિક બંધ પ્રભાવક રહ્યો હતો. શહેરના વિવિધ ઔદ્યોગિક વિસ્તારો તેમજ વીવર્સ સોસાયટીઓમાં મોટી સંખ્યામાં વણાટ ઉદ્યોગના કારખાનાઓ બંધ રહ્યા હતા. યાર્નના ભાવમાં સતત થઈ રહેલા વધારા સામે વીવર્સમાં વ્યાપક અસંતોષ હોવાનું આ બંધ દરમિયાન જોવા મળ્યું હતું.
બંધ અંગે કેટલાક કારખાનેદારો દ્વારા કોઈ બંધ નહીં હોવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે, વીવર આગેવાનોનું કહેવું હતું કે બંધ સંપૂર્ણપણે સ્વૈચ્છિક રાખવામાં આવ્યો હતો અને કોઈ પણ કારખાનેદારને દબાણપૂર્વક કારખાનું બંધ રાખવા માટે કહેવામાં આવ્યું નહોતું. જે કારખાનેદારો આ લડતમાં જોડાવા ન ઇચ્છતા હોય તેઓ પોતાની મરજી મુજબ કારખાનું ચાલુ રાખી શકે છે, પરંતુ કોઈના પર જબરદસ્તી કરવામાં આવશે નહીં તેવી સ્પષ્ટતા આગેવાનોએ કરી હતી. આ સ્થિતિમાં પણ 27 સપ્ટેમ્બરે વણાટ ઉદ્યોગમાં બંધની અસર જોવા મળી હતી.
યાર્નના ભાવવધારા પાછળ મૂળ કાચા માલના ભાવનો મુદ્દો
વીવર્સ આગેવાનોના જણાવ્યા મુજબ યાર્નના ભાવમાં વધારો માત્ર બજારની સામાન્ય સ્થિતિના આધારે થતો નથી. ખાસ કરીને એમઇજી, પીટીએ જેવા યાર્નના મૂળભૂત કાચા માલના ભાવમાં મોટા વધારા બાદ તેની અસર યાર્નના ભાવમાં જોવા મળે છે. મોટી ઉત્પાદક કંપનીઓ સહિત યાર્ન ઉત્પાદકો, ડિલરો અને ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા ક્રૂડ ઓઇલના ભાવવધારાને આધાર બનાવીને યાર્નના ભાવમાં વધારો કરવામાં આવતો હોવાનો વીવર્સનો આક્ષેપ છે.
વીવર્સનું કહેવું છે કે કાચા માલના ભાવમાં થતા વધારા અને તેના આધારે યાર્નના ભાવમાં કરવામાં આવતા વધારા વચ્ચે પારદર્શકતા રહેવી જરૂરી છે. યાર્નના ભાવમાં વારંવાર અને મનસ્વી રીતે વધારો થવાથી ગ્રે ફેબ્રિકના ઉત્પાદન ખર્ચમાં વધારો થાય છે અને સમગ્ર વણાટ ઉદ્યોગના નફાના ગણિત પર સીધી અસર પડે છે.
સુરતની માંગ હવે દિલ્હી સુધી પહોંચી
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ એ છે કે સ્થાનિક વીવર્સની આ લડત હવે કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયના ધ્યાન પર આવી છે. સુરત વીવર્સ મહાસંમેલન અને ત્યારબાદના બંધ અંગેની માહિતી મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યા બાદ સમગ્ર મામલે ઇનપુટ્સ મંગાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સુરતના વીવર્સ દ્વારા યાર્નના ભાવમાં પારદર્શકતા અને ભાવવધારા માટે ચોક્કસ વ્યવસ્થાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયે આ મુદ્દાની નોંધ લેતા આગામી દિવસોમાં યાર્નના ભાવવધારા અંગે કોઈ વ્યવસ્થિત મિકેનિઝમ અથવા નિયંત્રણાત્મક માળખા અંગે ચર્ચા શરૂ થાય તેવી શક્યતા ઉદ્યોગ વર્તુળોમાં વ્યક્ત થઈ રહી છે.
યાર્નના ભાવથી સમગ્ર ટેક્સટાઇલ ચેઇન પર અસર
યાર્નના ભાવમાં વધારો માત્ર વીવર્સ પૂરતો સીમિત રહેતો નથી. યાર્નના ભાવ વધવાથી ગ્રે ફેબ્રિકનો ઉત્પાદન ખર્ચ વધે છે અને તેની અસર પ્રોસેસિંગ, ટ્રેડિંગથી લઈને અંતિમ કાપડના ભાવ સુધી પહોંચી શકે છે. આ સમગ્ર પ્રક્રિયાની અસર ગ્રાહકો સુધી પહોંચતી હોવાથી યાર્નના ભાવનો મુદ્દો હવે માત્ર ઉદ્યોગની અંદરની સમસ્યા ન રહેતા મોંઘવારી સાથે પણ જોડાઈ રહ્યો છે.
સુરતના વીવર્સનું માનવું છે કે યાર્નના ભાવ નક્કી કરવાની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવે અને કાચા માલના ભાવમાં થતા ફેરફારના પ્રમાણમાં જ યાર્નના ભાવમાં વધારો થાય તે માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તો વણાટ ઉદ્યોગને રાહત મળી શકે છે.












