CIA ALERT

ડેવલપમેન્ટ Archives - CIA Live

July 19, 2024
ms-outage.png
3min11

દુનિયાભરની એરલાઇન્સને લગતા સર્વરમાં મોટી ખામીના અહેવાલ સામે આવ્યા હતા. માહિતી અનુસાર ટેક્નિકલ ખામીને કારણે વિમાનોના સંચાલનમાં તકલીફ ઊભી થઈ છે. અનેક કંપનીઓના વિમાનો ઉડાન ભરી શકી રહ્યા નથી.

માઈક્રોસોફ્ટના સર્વર ડાઉનને કારણે સૌથી વધુ અસર અમેરિકામાં થઈ છે, અત્યાર સુધીમાં 200થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે.  આ ઉપરાંત વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર ચેક-ઈન પ્રક્રિયા મેન્યુઅલી શરૂ કરવામાં આવી રહી છે. હાલ 74 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટના સ્ટોરમાં લોગિન કરવામાં મુશ્કેલી પડી રહી છે. તો 26 ટકા યુઝર્સને માઇક્રોસોફ્ટ એપમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

કયા કયા દેશોમાં કેવી કેવી ખામીઓ સર્જાઈ ?

માઈક્રોસોફ્ટ આઉટેજને કારણે અનેક દેશોની એરલાઈન્સ સેવા ખોરવાઈ ગઈ છે. જેમાં સ્પેનિશ હવાઈ સેવાઓને પણ અસર થઈ છે. તો ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ ચેનલ એબીસીના પ્રસારણને પણ અસર થઈ છે. ત્યારે સ્પાઇસજેટે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે અમે હાલમાં અમારા સેવા પ્રદાતા સાથે ટેકનિકલ પડકારોનો અનુભવ કરી રહ્યા છીએ, જે બુકિંગ, ચેક-ઇન અને બુકિંગ કાર્ય સહિતની ઓનલાઈન સેવાઓને અસર કરી રહી છે. આ કારણે, અમે એરપોર્ટ પર મેન્યુઅલ ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયાઓ સક્રિય કરી છે. 

દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક પ્રભાવિત

હાલમાં આ ટેક્નિકલ ખામીને કારણે બ્રિટિશ રેલ્વેએ તેની તમામ સેવાઓ બંધ કરી દીધી છે. ઈન્ડિગોએ કહ્યું છે કે હાલમાં અમારી સિસ્ટમ્સ માઈક્રોસોફ્ટ આઉટેજથી પ્રભાવિત છે, જે અન્ય કંપનીઓને પણ અસર કરી રહી છે. આ સમય દરમિયાન, બુકિંગ, ચેક-ઇન, તમારા બોર્ડિંગ પાસની તેમજ ઍક્સેસ અને કેટલીક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે. ભારતની રાજધાની દિલ્હી એરપોર્ટ પર ઓનલાઈન સેવાઓ ઠપ થઈ ગઈ છે. અને સર્વરની ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી બેંક કેપિટેક પણ આ સમસ્યાથી પ્રભાવિત થઈ છે.

બ્રિટનમાં રેલવે મુસાફરીને અસર, લંડન સ્ટોક એક્સચેન્જ ખોરવાયું

યુરોપમાં રાયનએરે કહ્યું છે કે નેટવર્કની ખામીને કારણે ફ્લાઇટ્સ સંચાલનને અસર થઇ છે. મુસાફરોને ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં રાયનએર એપ પર ફ્લાઇટ્સના અપડેટ્સ ચકાસતા રહેવા કહેવાયું છે. બ્રિટનમાં રેલવે સિસ્ટમ પણ પડી ભાંગી છે. માઈક્રોસોફ્ટ આઉટેજના કારણે રેલવે કંપનીઓએ મુસાફરોને કહ્યું છે કે તેઓને ચાલતી ટ્રેનોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આઉટેજને કારણે સ્કાય ન્યૂઝ ચેનલ બંધ કરવી પડી હતી. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ કામકાજ બંધ થઈ ગયું છે.

માઈક્રોસોફ્ટમાં ગ્લોબલ ટેકનિકલ ખામી સર્જાતા ઓસ્ટ્રેલિયા સરકાર હરકતમાં આવી છે. સરકારે આ મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી છે. મહત્ત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પણ એરલાઈન્સ, સુપર માર્કેટ, મોલ અને મીડિયા સેવાઓ પર અસર થઈ છે. અહીં ABC ન્યૂઝ ચૅનલમાં ખામી સર્જાતા બંધ થઈ હતી.

અમે સેવાઓમાં સતત સુધારો કરી રહ્યા છીએ : માઈક્રોસોફ્ટ 

સર્વરમાં ખામીન પર માઈક્રોસોફ્ટનું મોટું નિવેદન સામે આવ્યું. માઈક્રોસોફ્ટે કહ્યું કે અમે સેવાઓમાં સતત સુધારાના પ્રયાસો કરી રહ્યા છીએ. અમને આ ખામીની જાણ થઈ છે. અનેક ટીમ કામે લાગી છે. અમે આ ખામીનું કારણ જાણવાના પ્રયાસો પણ કરી રહ્યા છીએ.

અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત 

માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીને લીધે અમેરિકાની ફ્રન્ટિયર એરલાઇન સૌથી વધુ પ્રભાવિત થઇ છે. તેણે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે સર્વરમાં ખામીને લીધે 131 ફ્લાઈટો રદ કરવામાં આવી છે. જ્યારે 200થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી. આ ખામીને લીધે અમેરિકાની ઈમરજન્સી સર્વિસને પણ અસર થઇ હતી.

વિશ્વની જાણીતી ટીવી ન્યૂઝ ચેનલ પણ બંધ થઈ

માઈક્રોસોફ્ટની આ એરરને કારણે બ્રિટનની જાણીતી સ્કાય ન્યૂઝ પણ ઓફ એર થઈ ગઈ હતી. તો બીજી બાજુ લંડન સ્ટોક એક્સ્ચેન્જમાં પણ આ એરરને કારણે ટેકનિકલ ખામી સર્જાતા અસર થઈ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા અને અમુક અન્ય દેશોમાં સુપર માર્કેટ અને મોલમાં પણ સેવાઓ પ્રભાવિત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.

કયા કયા ક્ષેત્રો પર અસર થઇ? 

Microsoft Global Outage: માઈક્રોસોફ્ટમાં મોટી ખામીથી દુનિયાભરમાં હડકંપ, વિમાન, બેંક, ફોન, સ્ટોક માર્કેટ જેવી તમામ સેવાઓ ખોરવાઈ 2 - image

આ ખામી ક્યારે સર્જાઈ? 

આ ખામી તાજેતરની ક્રાઉડ સ્ક્રાઈક અપડેટ બાદ આવી છે. તેમાં ખામી સર્જાતા મોટી સંખ્યામાં લોકોને અસર થઈ છે. માઈક્રોસોફ્ટે આ મામલે જાણકારી શેર કરી હતી. શુક્રવારે સવારે તેની ક્લાઉડ સર્વિસિઝ અવરોધિત થવાને કારણે દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં ખામી સર્જાઈ હતી. તેના કારણે એરલાઈન્સની ઉડાનો પ્રભાવિત થઇ હતી. ભારત, અમેરિકા સહિત અનેક દેશોમાં વિમાનોની ઉડાનો પર આ આઉટેજની અસર દેખાઈ.

કયા કયા દેશોમાં અસર થઇ? 

અમેરિકાના અનેક ભાગોમાં ઈમરજન્સી સેવા 911 ને અસર થઈ છે. અમેરિકા ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં પણ બેન્કિંગ, ટેલીકોમ, મીડિયા આઉટલેટ અને એરલાઈન્સની સેવાઓ પ્રભાવિત થઈ છે. ઓસ્ટ્રેલિયાના નેશનલ સાઈબર સિક્યોરિટી કોઓર્ડિનેટરે કહ્યું કે દેશમાં આજે બપોરે મોટાપાયે અનેક કંપનીઓની સેવાઓ પ્રભાવિત થઇ હતી. 

ભારત અને અમેરિકા સહિત દુનિયાભરની અનેક એરલાઇન્સ વિમાન સેવાઓ ઠપ થઈ ગઈ છે. માઈક્રોસોફ્ટના સર્વરમાં ખામીઓને કારણે ઉડાન સેવાઓ પ્રભાવિત થઈ છે. અનેક કંપનીઓના વિમાન ઉડાન ભરી શકી રહ્યા નથી. સ્પાઈસજેટ અને ઈન્ડિગોએ પણ આ પ્રકારની સમસ્યાનો હવાલો આપ્યો હતો. ફક્ત વિમાન સેવાઓ જ નહીં પણ અનેક દેશોમાં બેન્કિંગ સેવાઓથી લઈને ટિકિટ બુકિંગ અને સ્ટોક એક્સચેન્જ ઉપર પણ અસર થઇ છે. 

ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી! 

માહિતી અનુસાર ક્રાઉડ સ્ટ્રાઈકે ભૂલ સ્વીકારી હતી અને તે આ ખામીની તપાસ કરી રહી છે. આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે અમને આ એરરની માહિતી મળી છે. તે વિન્ડોઝની મોટાભાગની સિસ્ટમમાં દેખાઈ રહી છે. ઘણાં યૂઝર્સ તેના વિશે ફરિયાદ કરી રહ્યા છે. આ ખામીને કારણે લાખો યૂઝર્સ પ્રભાવિત થયા છે. અનેક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમની સિસ્ટમ કાં તો શટડાઉન થઈ છે કે પછી તેમને બ્લૂ સ્ક્રિન દેખાઈ રહી છે. તેની અસર પ્રમુખ બેન્ક, ઈન્ટરનેશનલ એરલાઈન્સ, જીમેઈલ, એમેઝોન અને બીજી ઈમરજન્સી સર્વિસ પર થઇ રહી છે.

શું છે આ ખામીનું કારણ? 

માહિતી અનુસાર સાઈબર સિક્યોરિટી પ્લેટફોમર્ ક્રાઉડ સ્ટ્રાઈકમાં ખામીને કારણે સેવાઓ પ્રભાવિત થઈ છે. ઈન્ડિગો અને સ્પાઈસજેટ જેવી એરલાઈન્સ કંપનીઓ કહે છે કે સર્વરમાં ખામીને કારણે જ સેવાઓ ઠપ છે. એરપોર્ટ પર ચેક ઈન અને ચેક આઉટ સિસ્ટમ ઠપ થઈ ગઇ છે. બુકિંગ સેવા પણ પ્રભાવિત થઇ છે. જેના લીધે સૌથી વધુ અમેરિકન વિમાન સેવા પર અસર થઇ છે. 

July 17, 2024
august-holidya.png
1min18

આજકાલ દરેક વ્યક્તિ બેંકમાં જાય છે અને રોજબરોજના અનેક બેંક સંબંધિત કામ કરવા માટે આપણને બેંક જવું જ પડે છે. ડિજિટલ ઈન્ડિયાના જમાનામાં અનેક કામ એવા પણ હોય છે કે જે ઘરે બેઠા ઓનલાઈન જ થઈ જાય છે તો કેટલાક કામ એવા પણ હોય છે કે જેના માટે ફરજિયાત બેંક જવું જ પડે એમ હોય છે.

જુલાઈ મહિનો અડધો પૂરો થઈ ગયો છે અને થોડા જ દિવસોમાં ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. જો તમે પણ ઓગસ્ટ મહિનામાં બેંક સંબંધિત કામ પતાવવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે. ઓગસ્ટ મહિનામાં આવી રહેલાં બેન્ક હોલીડે (Bank Holiday In August)ની યાદી વાંચી લો, જેથી તમારે ધક્કો ના ખાવો પડે-

 • આ દિવસે બેંકોમાં હશે રજા (Bank Holiday)
 • ચોથી ઓગસ્ટના રવિવારની રજાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
 • 10મી ઓગસ્ટના મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
 • 11મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
 • 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ હોવાથી દેશભરની બેંકોમાં રજા આપવામાં આવી છે
 • 18મી ઓગસ્ટના પણ રવિવારની રજા નિમિત્તે બેંકો બંધ રહેશે
 • 19મી ઓગસ્ટના રક્ષાબંધનના તહેવાર નિમિત્તે ઉત્તરાખંડ, દમણ, દીવ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હરિયાણા, ગુજરાત, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશમાં બેંક હોલીડે રહેશે
 • 24મી ઓગસ્ટના ચોછો શનિવાર હોવાથી દેશભરમાં બેંકોમાં રજા રહેશે
 • 25મી ઓગસ્ટના રવિવારની રજાને કારણે બેંકો બંધ રહેશે
 • 26મી ઓગસ્ટના જન્માષ્ટમી હોવાને કારણે આંદામાન અને નિકોબાર, પંજાબ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, બિહાર, હરિયાણાસ હિમાચલ પ્રદેશ, તેલંગણા, ઉત્તર પ્રદેશ, દમણ અને દીવ, નાગાલેન્ડ, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, ઓડિશા, સિક્કીમ, ગુજરાત, મેઘાલય, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ અને ત્રિપુરાની બેંકો બંધ રહેશે.
July 12, 2024
anant-marriage.png
1min35

આજે મુકેશ અંબાણી અને નીતા અંબાણી (Mukesh Ambani-Nita Ambani)ના નાના દીકરા અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના (Anant Ambani-Radhika Merchant)ના લગ્નની વિધિઓની શરુઆત થઈ ગઈ છે. મુંબઈના બીકેસી ખાતે આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં વીવીઆઈપી મહેમાનોનું આગમન શરુ થઈ ગયું છે અને આ બધા વચ્ચે જાન પણ વેન્યુ જવા માટે રવાના થઈ ગઈ છે.

Anant Ambani-Radhika Merchant Wedding: Groom Anant Ambani went out with the Ambani Family with dignity like a prince

અનંત અંબાણીની જાન એટલી ધામધૂમથી નીકળી હતી કે જોનારાઓની આંખો પહોળી થઈ ગઈ હતી. એન્ટિલિયાથી જેવી ફૂલોથી સજેલી કાર રવાના થઈ ત્યારે આ કાર અને વરરાજાની શાન જોઈને ઉપસ્થિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર અનંત અંબાણીની જાનના ફોટા અને ફૂલોથી સજાવવામાં આવેલી કારના ફોટા વાઈરલ થઈ રહ્યા છે. વરરાજા સાથે આખો અંબાણી પરિવાર વેડિંગ વેન્યુ જવા રવાના થયા હતા.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani Dance Video Viral) નો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જાન નીકળતાં પહેલાં ઢોલના તાલે ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ સમયે નીતા અંબાણીના ચહેરા પર વહુ લાવવાની, દીકરાને પરણાવવાની ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે.

અનંત અંબાણીના લગ્ન સમયે અંબાણી પરિવારે પરિવારના વડીલોને યાદ કર્યા છે અને એની સાબિતી મળે છે વેડિંગ વેન્યુ પર જોવા મળેલા બે ફોટો પરથી. મળી રહેલી માહિતી પ્રમાણે વેડિંગ વેન્યુ પર મુકેશ અંબાણીના પિતા ધીરુભાઈ અંબાણી (Mukesh Ambani’s Father Dhirubhai Ambani) અને નીતા અંબાણીના પિતા રવિન્દ્રભાઈ દલાલ (Nita Ambani’s Father Ravindra Dalal)ના ફોટો લગાવવામાં આવ્યા છે. બંનેની ફોટોફ્રેમને સુંદર રીતે ફૂલોથી સજાવવામાં આવી છે.

July 11, 2024
agniveer.jpg
1min34
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 9, 2024
rathyatra_2019.jpg
1min44

ઓડિશાના પુરીમાં ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાં ફરી મોટી દુર્ઘટના બની છે. અહીં રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાની પ્રથમવાર ઘટના બની છે, જેમાં આઠ સેવકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે, જેમાંથી પાંચને ગંભીર ઈજા પહોંચી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા જોવા મળી રહ્યા છે.

ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા : જિલ્લા મેજિસ્ટ્રેટ

જિલ્લા મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે ઘટના અંગે માહિતી આપતા કહ્યું કે, ભગવાન બલભદ્રના રથ પર એક નાની ઘટના બની છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. કોઈએ પણ ગભરાવાની જરૂર નથી. ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરાયા છે. તમામ સેવકોએ સ્થિતિને કાબુમાં કરી લીધી છે.

પુરીમાં પ્રથમવાર બે દિવસની  રથયાત્રા

ઉલ્લેખનીય છે કે, પુરીમાં 1971થી એક દિવસની રથયાત્રા યોજાતી રહી છે, ત્યારે આ વખતે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. અહીં દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના અસંખ્ય શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોય છે.

સાતમી જુલાઈએ રથયાત્રામાં નાસભાગ મચી હતી

આ પહેલા સાતમી જુલાઈએ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રા અટકાવી દેવાઈ હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો. ઈજાગ્રસ્ત થયેલા કેટલાક શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી.

July 7, 2024
assam-floods.png
1min35
Seven lakhs affected by floods in Assam 13 rivers flow at alarming levels

દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં(Assam)શનિવારે પૂરના કારણે સ્થિતિ ગંભીર બની હતી. અહીંની મુખ્ય નદીઓ ઘણી જગ્યાએ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 30 જિલ્લાઓમાં 24.50 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. આ વર્ષે પૂરના(Flood)કારણે 52 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે ભૂસ્ખલન અને વાવાઝોડાને કારણે 12 લોકોના મોત થયા છે. પૂર પ્રભાવિત ડિબ્રુગઢ જિલ્લામાંથી પરત ફરેલા મુખ્યમંત્રી હિમંતા વિશ્વ શર્માએ શુક્રવારે અધિકારીઓ સાથે બેઠક કરી અને રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી.

મુખ્યમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી

સીએમ હિમંતા વિશ્વ શર્માએ કહ્યું, ડિબ્રુગઢના પૂર પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધા પછી અમે કેટલાક અન્ય મુદ્દાઓ સાથે સ્વાસ્થ્ય નાણાકીય સહાય યોજના ‘આસામ આરોગ્ય નિધિ’ની સમીક્ષા કરી હતી, શર્માએ પણ કહ્યું હતું કે અધિકારીઓને ખાસ કરીને તે આપવા માટે કહેવામાં આવ્યું છે. દુર્લભ કેસો અને હાલની કોઈપણ યોજના હેઠળ આવરી લેવામાં આવતા ન હોય તેવા કેસોને અગ્રતા આપવામાં આવે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પૂર પ્રભાવિત લોકો સાથે વાત કર્યા પછી, અધિકારીઓને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે સૂચનાઓ આપવામાં આવી છે.

આ જિલ્લાઓ પૂરથી વધુ પ્રભાવિત છે

સ્વચ્છ પીવાના પાણીના પુરવઠા અંગે તેમણે કહ્યું કે ‘જલ જીવન મિશન’ યોજના ‘આ મુશ્કેલ સમયમાં આશાના કિરણ’ તરીકે ઉભરી આવી છે. કચર, કામરૂપ, હૈલાકાંડી, હોજાઈ, ધુબરી, નાગાંવ, મોરીગાંવ, ગોલપારા, બરપેટા, ડિબ્રુગઢ, નલબારી, ધેમાજી, બોંગાઈગાંવ, લખીમપુર, જોરહાટ, સોનિતપુર, કોકરાઝાર, કરીમગંજ, દક્ષિણ સલમારા, દરરંગ અને તિનસુકિયા જિલ્લા પૂરથી પ્રભાવિત છે.

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના બુલેટિન મુજબ, સૌથી વધુ પૂર પ્રભાવિત જિલ્લાઓમાં ધુબરી, દારંગ, કચર, બરપેટા અને મોરીગાંવનો સમાવેશ થાય છે. કુલ 47,103 અસરગ્રસ્ત લોકોએ 612 શિબિરોમાં આશ્રય લીધો છે, જ્યારે 4,18,614 લોકોને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી છે.

July 5, 2024
mobile-india.jpg
1min32

ત્રણ જુલાઈ-2024થી પ્રીપેડ અને પોસ્ટપેડ મોબાઈલ ટેરિફની કિંમતો વધારવામાં આવી છે. દેશની ત્રણ મુખ્ય ટેલીકૉમ કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા (Reliance Jio, Bharti Airtel and Vodafone Idea)એ મોબાઈલ ટેરિફમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. હવે આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા (Randeep Surjewala)એ કેન્દ્ર સરકાર પર આક્ષેપ કર્યો છે કે, ‘મોદી સરકારે 109 કરોડ મોબાઈલ યુઝર્સ (Mobile Users) પર વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો નાખ્યો છે.’

Airtel vs Vodafone Idea vs Reliance Jio tariff hike: Check out new cheapest, costliest plans - BusinessToday

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી કહ્યું કે, ‘ત્રણ અને ચાર જુલાઈના રોજ દેશની ત્રણ ટેલીકૉમ કંપનીઓએ મોબાઈલ ટેરિફની કિંમતો વધારી છે. ત્રણેય સેલ ફોન કંપનીઓ રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોટાફોન આઈડિયાનો માર્કેટ શેર 91.6 ટકા છે અને તેમના 109 કરોડ સેલ ફોન યુઝર્સ છે. મોદી સરકારની મંજૂરી બાદ આ કંપનીઓએ ટેરિફમાં વાર્ષિક 34,824 કરોડ રૂપિયાનો બોજો ગ્રાહકો પર નાખી દીધો છે.’

રણદીપ સુરજેવાલાએ ટ્રાઈના રિપોર્ટને ટાંકીને કહ્યું કે, ‘ટેલીકૉમ કંપનીઓ પોતાના યુઝર્સો પાસેથી 31 ડિસેમ્બર-2023 સુધીમાં દર મહિને સરેરાશ 152.55 રૂપિયા કમાતી હતી. રિલાયન્સ જિયોએ ટેરિફ રેટમાં 12થી 27 ટકા, એરટેલે 11થી 21 ટકા અને વોડાફોન આઈડિયાએ 10-24 ટકાનો વધારો કર્યો છે.’

તેમણે આક્ષેપ કર્યો છે કે, ત્રણેય કંપનીઓએ પરામર્શ કરીને 72 કલાકની અંદર મોબાઈલ ટેરિફ વધારવાની જાહેરાત કરી હતી. આ ટેરિફ વધારાથી રિલાયન્સ જિયોને 17,568 કરોડ રૂપિયા, એરટેલને 10,704 કરોડ રૂપિયા અને વોડાફોન આઈડિયાને વાર્ષિક 6552 કરોડ રૂપિયાની કમાણી થશે.

કોંગ્રેસે મોબાઈલ ટેરિફમાં વધારા મુદ્દે સરકારને ઘણા પ્રશ્નો કર્યા છે. પાર્ટીએ પૂછ્યું છે કે, ‘92 ટકા બજાર હિસ્સો ધરાવતી ટેલિકોમ કંપનીઓને એકતરફી રૂ.34,824 કરોડનો ટેરિફ વધારવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી? શું સરકાર અને TRAI 109 કરોડ યુઝર્સ પ્રત્યેની તેમની ફરજ અને જવાબદારીથી દૂર થઈ ગયા છે? શું મોબાઈલ ટેરિફમાં વધારો લોકસભા ચૂંટણીના અંત સુધી મોકૂફ રખાયો હતો? શું સરકાર કે ટ્રાઈએ કંપનીઓની કેપિટલ એક્સપેન્ડિચરની જરૂરિયાતો પર અભ્યાસ કર્યો છે કે નહીં?

July 4, 2024
monsoon.jpg
1min41

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસની અંદરમાં સૌથી વધુ આજના (4 જુલાઈ) દિવસે વરસાદનું જોર રહેશે.  રાજ્યના બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (4 જુલાઈ)  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણના ભાગોમાં નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ ધબળાટી બોલાવશે. આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.

05 જુલાઈના દિવસે રાજ્યના ઉત્તર ગુજરાત, પૂર્વ-પશ્ચિમ ભાગોના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.

06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

07 જુલાઈમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

08 જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલી રહેશે.

July 3, 2024
image.jpeg
1min32

કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી પેન્શન યોજના, 1995માં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ, હવે એવા કર્મચારીઓ પણ પોતાનો પીએફ ઉપાડી શકશે કે, જેઓએ છ મહિનાથી ઓછા સમય સુધી યોગદાન આપ્યું હોય. આ ફેરફારથી દેશભરના સાત લાખથી વધુ ઈપીએસ (EPS) સભ્યોને લાભ થશે. અગાઉ, ઉપાડ લાભો ફક્ત તે કર્મચારીઓને જ ઉપલબ્ધ હતો, જેમણે ઓછામાં ઓછા 6 મહિના માટે યોગદાન આપ્યું હતું. આ નિયમના કારણે છ મહિનાથી ઓછા સમયમાં (પ્રિ-મેચ્યોર) આ સ્કીમ બંધ કરાવનાર ઈપીએસ સભ્યોને નુકસાન થતુ હતું. પરંતુ હવે તમામને ઈપીએસ ઉપાડનો લાભ મળશે.

નવા નિયમમાં ફેરફાર

સંશોધિત નિયમો અનુસાર, હવે ઉપાડના લાભો સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને EPS યોગદાનના પગારના આધારે નક્કી કરવામાં આવશે. જેમાં કોષ્ટક Dમાં કરાયેલા ફેરફારો સમાવિષ્ટ છે, અગાઉ 6 મહિના કરતાં ઓછું યોગદાન આપરનારા લોકો માટે ફ્રેક્શનલ સર્વિસ પિરિયડ્સની અવગણના કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સુધારો તમામ ઈપીએસ સભ્યો, સેવાના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, યોજનામાંથી દૂર થવા પર યોગ્ય વળતર આપવાની ખાતરી આપે છે.

અગાઉ, ઘણા ઈપીએસ સભ્યો પેન્શન પાત્રતા માટે નિર્ધારિત 10 વર્ષની યોગદાન સેવા પૂર્ણ કર્યા પહેલા જ યોજના છોડી દેતા હતા. આ સભ્યોને હવે ઉપાડની જોગવાઈઓનો લાભ મળશે. જે કર્મચારીઓએ તાજેતરમાં નોકરી છોડી દીધી છે અથવા 6 મહિનાના યોગદાન બાદ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે તેઓએ નવા નિયમો હેઠળ ઉપાડ લાભો માટેની તેમની પાત્રતા ચકાસવી જોઈએ. તેઓ તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરી શકે છે અથવા દાવાની પ્રક્રિયા અને ક્લેમ સંબંધિત જરૂરી માહિતી માટે EPFO વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોષ્ટક Dના સરળીકરણના કારણે આ સ્કીમ હેઠળ 23 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. દરવર્ષે 95 લાખથી વધુ ઈપીએસ સભ્યો પેન્શન માટે 10 વર્ષનું ફરિજ્યાત યોગદાન આપ્યા વિના જ સ્કીમ બંધ કરાવી રહ્યા છે.

July 3, 2024
zika-virus.png
1min29

મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના વધતા જતા કેસોને જોતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઝિકા વાયરસના કેસો મળી આવ્યા છે. જેના પગલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઈઝરી જારી છે. જેમાં દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યોને સગર્ભા સ્ત્રીઓના ઝિકા વાયરસની તપાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને સંક્રમિત જોવા મળેલી મહિલાઓના ભ્રૂણ વિકાસ પર ધ્યાન આપવા પર ખાસ ધ્યાન રાખવા જણાવ્યું છે. 

હેલ્થ સર્વિસ ડિરેક્ટર જનરલ ડૉ. અતુલ ગોયલ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, આ ઉપરાંત મંત્રાલયે આરોગ્ય સુવિધાઓ માટે એક નોડલ અધિકારીની નિમણૂક કરવાની પણ સુચના આપી હતી. જે એડીસ મચ્છરોથી થતાં ચેપ પર નજર રાખશે અને તેની સામે પગલાં લેશે. ઝિકા વાયરસનો ચેપ એડીસ મચ્છર કરડવાથી ફેલાય છે. તેમજ આ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનું કારણ પણ બને છે. 2 જુલાઈ, 2024 સુધી પુણેમાં ઝિકાના છ કેસ અને કોલ્હાપુર અને સંગમનેરમાં એક-એક કેસ નોંધાયા છે.

ઝિકા વાયરસના લક્ષણો

ઝિકા વાયરસ એ મચ્છરજન્ય વાયરસ છે, જે મુખ્યત્વે એડીસ મચ્છરો દ્વારા ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વહન કરતા મચ્છરો જેવા જ હોય છે. આ વાયરસ સૌથી પહેલા 1947માં યુગાન્ડાના ઝિકા જંગલમાં જોવા મળ્યો હતા, અને તેથી તેનું નામ ઝિકા પડ્યું હતું.

સામાન્ય રીતે ઝિકા વાઇરસનો ચેપ હળવો હોય છે, અને તેના લક્ષણો પણ ખૂબ ઓછા હોય છે. પરંતુ ત્યારે સામાન્ય રીતે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. 

તાવ:  હળવો તાવ આવી શકે છે.

ફોલ્લીઓ:  ચામડી પર લાલ ફોલ્લીઓ હોઈ શકે છે.

સાંધામાં દુખાવો:  ખાસ કરીને હાથ અને પગના નાના સાંધામાં દુખાવો થઈ શકે છે.

સ્નાયુમાં દુખાવો:  સામાન્ય સ્નાયુમાં દુખાવો થઈ શકે છે.

માથાનો દુખાવો: હળવાથી મધ્યમ માથાનો દુખાવો થઈ શકે છે.

આંખમાં બળતરા: આંખોમાં લાલાશ અથવા બળતરા થઈ શકે છે.

શું છે ઝિકા વાયરસ ?

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની જેમ ઝિકા એ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. જો કે, ઝિકાથી સંક્રમિત સગર્ભા સ્ત્રીઓમાં જન્મેલા બાળકોમાં માઇક્રોસેફાલી (માથાનું કદ ઘટે છે), જે એક મોટી ચિંતાનો વિષય છે.

ભારતમાં ઝિકાનો પ્રથમ કેસ વર્ષ 2016માં ગુજરાતમાંથી નોંધાયો હતો. ત્યાર બાદ તમિલનાડુ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને કર્ણાટક સહિત અન્ય ઘણા રાજ્યોમાં કેસ નોંધાયા છે.