CIA ALERT

આધ્યાત્મિક Archives - CIA Live

July 22, 2026
image-42.png
1min44

અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં શ્રાવણ મહિનાના દર્શન, વહીવટી સુધારા અને ધાર્મિક સંચાલન અંગે મહત્વના નિર્ણયો લેવાયા. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવવા ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરાયું, જેના અધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરી બન્યા. SBIની દાનની રકમની ગણતરીમાં બેદરકારી સામે ટ્રસ્ટે નારાજગી વ્યક્ત કરી. નવા સચિવ અને પ્રવક્તાની નિમણૂક કરાશે.

અયોધ્યામાં ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસની અધ્યક્ષતામાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી શ્રાવણ મહિનામાં આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા, દર્શન વ્યવસ્થા, વહીવટી સુધારા અને મંદિરના પરંપરાગત ધાર્મિક સંચાલનને લઈને અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે.

રામ મંદિરના તમામ ધાર્મિક કાર્યોનું સંચાલન હવે સંતોના માર્ગદર્શન હેઠળ જ થશે. પૂજા-પદ્ધતિની પવિત્રતા જાળવી રાખવા માટે ધાર્મિક સમિતિનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. ટ્રસ્ટના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરીને આ સમિતિના અધ્યક્ષ બનાવાયા છે, જેમાં જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી સહિત દેશના દિગ્ગજ સંતોનો સભ્યો તરીકે સમાવેશ કરાયો છે.

દાનની રકમની ગણતરી માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સાથે થયેલા કરાર (MOU)ની સમીક્ષા કરવામાં આવી હતી. બેંકની કાર્યપ્રણાલી અને બેદરકારી સામે ટ્રસ્ટે ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે. આ અંગે નાણાકીય સમિતિને SBI સાથેના ભવિષ્યના સંબંધો અને નિયમોની સમીક્ષા કરીને નિર્ણય લેવા આદેશ અપાયો છે.

દાનની રકમની ગણતરીમાં ગડબડના આરોપો અંગેની તપાસ કરી રહેલી SITનો આખરી રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી, જેથી તે મુદ્દે આખરી નિર્ણય બાકી રાખવામાં આવ્યો છે. આ સિવાય, મંદિર પરિસરમાં દાન ગણતરી રૂમ સહિત તમામ મહત્વના CCTV કેમેરાનું એક્સેસ સુરક્ષા એજન્સીઓને પૂરું પાડવામાં આવ્યું હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

મંદિરમાં CEOની પસંદગી પ્રક્રિયા માટે કમિટીએ વધુ 1 મહિનાનો સમય માંગ્યો છે, જેને ટ્રસ્ટે મંજૂરી આપી છે. વહિવટી કામગીરી સરળ બનાવવા માટે હાલ એક નવા સચિવની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ મીડિયા અને સમાજ સાથે યોગ્ય સંવાદ જાળવી રાખવા માટે ટ્રસ્ટ દ્વારા પહેલીવાર સત્તાવાર પ્રવક્તા નીમવામાં આવશે.

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે વિવિધ અફવાઓ અને આરોપો છતાં રામ મંદિરે આવતા રામભક્તોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. ટ્રસ્ટે આને કરોડો ભક્તોની અટૂટ શ્રદ્ધા ગણાવીને તમામ શ્રદ્ધાળુઓ અને સંત સમાજનો આભાર માન્યો છે.

July 16, 2026
image-16-1280x854.png
1min81

જય જગન્નાથ…, 16/07/2026 આજે અષાઢી બીજ છે. સૂર્યોદય થતાની સાથે જ જગતના નાથ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળશે અને નગરજનોને અલૌકિક દર્શન આપશે. ત્યારે આ 149મી રથયાત્રાની પળેપળની ખબર ગુજરાત સમાચાર ડિજિટલ તમારા સુધી પહોંચાડી રહ્યું છે. રથયાત્રાના અવસરે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઊઠ્યું છે.

મંદિરની બહાર વહેલી સવારે 3.30 વાગ્યે ભક્તો લાઈનમાં ઊભા રહીને ભગવાનની મંગળા આરતીનો લહાવો લેવા તરસી રહ્યા છે. આ સાથે જ જય રણછોડ માખણ ચોરના જયઘોષ કરી રહ્યા છે. તો મંદિરની અંદર પણ ઢોલ નગારા અને શરણાઇના સૂર ગુંજી રહ્યા છે. એટલું જ નહીં મંદિરની અંદર – બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદના જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થઈ ચૂક્યું છે. ગજરાજના પ્રસ્થાન બાદ, હવે ધાર્મિક અને સામાજિક સંદેશા આપતા વિવિધ આકર્ષક ટેબ્લોથી સજ્જ ટ્રકો પણ યાત્રાના માર્ગે રવાના થયા છે. ભક્તોના ભારે ઉત્સાહ વચ્ચે આ અદભુત ટેબ્લો નગરચર્યા દરમિયાન સમગ્ર યાત્રા માર્ગ પર આકર્ષણનું કેન્દ્ર બનશે.

સુરતમાં રથયાત્રા બપોર પછી રેલ્વે સ્ટેશનથી શરૂ થશે

જય જગન્નાથના નાદ સાથે આજે સુરતમાં નીકળશે ભવ્ય રથયાત્રા, હજારો ભાવિકો બનશે સાક્ષી

આષાઢ સુદ બીજના પાવન અવસરે આજે સુરત શહેરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રા નીકળશે. બપોરે રેલવે સ્ટેશન વિસ્તારથી પ્રસ્થાન કરનારી રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રિંગરોડ, સરદાર બ્રિજ, અડાજણ અને રાંદેર રોડ થઈને ઇસ્કોન મંદિર ખાતે વિરામ પામશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો, વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ તેમજ શહેરવાસીઓ જોડાશે તેવી શક્યતા છે.

રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન માટે સમગ્ર રૂટ પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટે તેવી અપેક્ષા છે. અનેક સ્થળોએ ભગવાનનું પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવશે, જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા ઠંડા પીણા, પ્રસાદ, પાણી અને મેડિકલ સેવા સહિતના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. યુવાનો, મહિલાઓ અને બાળકો પણ પરંપરાગત વેશભૂષામાં રથયાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લેશે.

રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર રૂટ પર પોલીસ જવાનોની તૈનાતી, ટ્રાફિક ડાયવર્ઝન, સીસીટીવી કેમેરા તેમજ કંટ્રોલ રૂમ મારફતે સતત નજર રાખવામાં આવશે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થામાં સરળતા રહે.

સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિ, શિસ્ત અને સામાજિક એકતાનું પ્રતિક બની રહી છે. વિવિધ સમાજો અને વેપારી સંગઠનો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે, જે શહેરની સર્વધર્મ સમભાવ અને સાંસ્કૃતિક એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ભગવાન જગન્નાથની આ પવિત્ર યાત્રા શહેરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંદેશ લઈને નીકળશે તેવી ભાવિકોમાં શ્રદ્ધા જોવા મળી રહી છે. સમગ્ર સુરત આજે “જય જગન્નાથ”ના ગુંજતા જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણમાં રંગાઈ જશે.

June 23, 2026
image-16.png
1min142

જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી પ્રારંભ થઇ રહેલી અમરનાથ યાત્રા માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પગલે સુરક્ષા દળોએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે.જોકે, અમરનાથ યાત્રા જતાં શ્રદ્ધાળુઓ માટે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે.

જેમાં અમરનાથ યાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓએ પીવાની પાણીની બોટલ સાથે રાખવી હિતાવહ છે. કારણ કે વધુ ઉંચાઇ પર તમને પાણીની તરસ વધુ લાગી શકે છે. તેમજ થાક પણ લાગી શકે છે તેથી પાણી પાસે રાખવું હિતાવહ છે. આ ઉપરાંત જો તમે કોઇ સ્વાસ્થય સબંધી સમસ્યાથી પીડાઇ રહ્યા હોવ તો દવા સાથે રાખવી જરૂરી છે.

આ ઉપરાંત પહાડી વિસ્તારમાં યાત્રા દરમિયાન શરીરમાં થાક લાગે છે. જેના લીધે સંભવિત રીતે માથાનો દુ:ખાવો, અને ઉબકા અથવા અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. આવા સમયે સ્વસ્થ રહેવા માટે શ્રદ્ધાળુઓએ જરૂરી દવાઓ સાથે રાખવી જોઇએ.

આ ઉપરાંત પ્રાથમિક સારવાર કીટ, બેન્ડેઝ, પેઇન કીલર, અને હવામાન મુજબ જરૂરી કપડા સાથે રાખવા જરૂરી છે. જયારે યાત્રા દરમિયાન પહાડી પ્રદેશોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી ગરમ કપડાં, છત્રી અને વોટરપ્રૂફ શૂઝ સાથે રાખવા જરૂરી છે.

જયારે આ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ ચહેરાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. યાત્રા દરમિયાન ચહેરાને સૂર્યપ્રકાશ અને ઠંડા પવનથી બચાવવો જોઈએ. સૂર્ય પ્રકાશથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમજ આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે સનગ્લાસ પહેરવા પણ હિતાવહ છે.

અમરનાથ યાત્રા દરમિયાન અનેક પડાવ આવે છે. તેમજ રાત્રી રોકાણ દરમિયાન અનેક વસ્તુઓની જરૂર પડે છે. તેથી સાથે હેડ લેમ્પ અથવા ફ્લેશ લાઇટ સાથે રાખવી જોઈએ. જે અંધારામાં ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન સાથે ટ્રેકિંગ સ્ટીક સાથે રાખો જેનાથી ઢોળાવ પર ચઢાણ સરળ બનશે.

આ લાંબી યાત્રા દરમિયાન એનર્જી લેવલ પણ ઘટે છે. તેથી શ્રદ્ધાળુઓ સાથે ખાટી-મીઠા કેન્ડી, સૂકા ફળો, શેકેલા ચણા અને ચોકલેટ સાથે રાખવી હિતાવહ છે. આ દરમિયાન તમારી માટે મહત્વના એવા મોબાઈલ ફોન માટે ચાર્જર, પાવર બેંક અને નાણા સુરક્ષિત રાખવા માટે વોટર પ્રૂફ કવર સાથે રાખો.

આ દરમિયાન જમ્મુ કાશ્મીર પોલીસે શ્રદ્ધાળુઓ માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં યાત્રીઓને તેમના પ્રવાસ સમયપત્રકનું અગાઉથી આયોજન કરવાની સલાહ આપી છે. તેમને નિયત કટ-ઓફ સમય પહેલાં કાશ્મીર તરફની તેમની યાત્રા શરૂ કરવા અને સુરક્ષા તપાસ હવામાન સંબંધિત વિલંબ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પૂરતો સમય આપવા વિનંતી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, 57 દિવસની અમરનાથ યાત્રા 3 જુલાઈના રોજ શરૂ થશે. આ યાત્રા બે માર્ગો દ્વારા કરવામાં આવશે. જેમાં પરંપરાગત 48 કિલોમીટર લાંબો નુનવાન-પહલગામ માર્ગ અને પ્રમાણમાં ટૂંકો પરંતુ વધુ મુશ્કેલ 14 કિલોમીટર લાંબો બાલટાલ માર્ગ છે. આ યાત્રા 28 ઓગસ્ટના રોજ રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

June 9, 2026
image-4.png
1min177

વર્ષ 2026માં બે ગ્રહણ લાગી ચૂક્યા છે અને હજુ બે ગ્રહણ લાગવાના બાકી છે. ચિંતાની વાત એ છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે જ લાગવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે હવે રક્ષાબંધન કેવી રીતે ઉજવાશે? રાખડી ક્યારે બાંધવામાં આવશે અને રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત શું છે?

જો તમારા મનમાં પણ આ તમામ મૂંઝવણો અને સવાલો હોય, તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. આ અહેવાલ વાંચીને તમે તમારી તમામ શંકાઓ દૂર કરી શકો છો. હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય કરવા માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે અને ગ્રહણ કાળ દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવામાં નથી આવતું.

વર્ષ 2026માં રક્ષાબંધનનો તહેવાર 28મી ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ જ દિવસે પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં લાગશે. બીજી તરફ વૈજ્ઞાનિક ભાષામાં તેને બ્લડ મૂન કહેવામાં આવશે. આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હશે.

ભારતીય સમય પ્રમાણે આ ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ સવારે 6:53 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:32 વાગ્યે પૂર્ણ થઈ જશે. આ ચંદ્રગ્રહણ દિવસે લાગી રહ્યું હોવાથી તે ભારતમાં નહીં દેખાશે.

આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું ન હોવાથી તેનો સૂતક કાળ પણ માન્ય ગણાશે નહીં. તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં કોઈ જ અડચણ આવશે નહીં અને બહેનો કોઈપણ પ્રકારની બાધા વિના પોતાના ભાઈઓને રાખડી બાંધી શકશે.

આ વર્ષે 28 ઓગષ્ટના રોજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત સવારે 6:10 વાગ્યાથી 9:48 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ રાહુકાળ શરૂ થતો હોવાથી તે સમયગાળામાં રાખડી બાંધવી અશુભ ફળ આપી શકે છે. બીજી તરફ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે, જે આ વર્ષે 27 ઓગસ્ટ 2026ની સવારે 9:09 વાગ્યાથી શરૂ થઈને 28 ઓગસ્ટ 2026ની સવારે 9:48 વાગ્યા સુધી રહેશે.

આ ચંદ્રગ્રહણ મુખ્યત્વે પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, યુરોપ, આફ્રિકા અને અમેરિકાના કેટલાક ભાગોમાં દેખાશે.

May 10, 2026
image-4-1280x853.png
1min218

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રીરણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી જેઠ અધિક માસને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવ મનોરથોની ન્યોછાવર રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર કમિટીની જાહેરાત મુજબ, તારીખ અધિક માસ દરમિયાન તેમજ અન્ય ખાસ તિથિઓ પર ઉજવવામાં આવતા મનોરથો માટે ભક્તોએ નવી નિર્ધારિત રકમ ચૂકવવાની રહેશે. આ નવી યાદીમાં મનોરથની લાગણી રકમ અને સામગ્રી ખર્ચ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ ભક્તિ સેવાઓના દરમાં વધારો જોવા મળ્યો છે.

નવી દર યાદી મુજબ, કમળ મનોરથ અને કેરી મનોરથ (નિજમંદિર) માટે કુલ 12,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 7500 રૂપિયા લાગાની રકમ અને 5000 રૂપિયા સામગ્રી ખર્ચ છે. કુંજ મનોરથ, બગીચા મનોરથ, ફૂલ બંગલા અને ચિત્રહરણ મનોરથ માટે ભક્તોએ કુલ 16000 રૂપિયાની ન્યોછાવર આપવી પડશે. સૌથી વધુ રકમ તુલસી વિવાહ મનોરથ અને નંદમહોત્સવ મનોરથ માટે 56000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

આ ઉપરાંત, દર શુક્રવાર અને અગિયારસના દિવસે કુંજ મનોરથનો લાગો હવેથી 11000 રૂપિયા લેવામાં આવશે તેવી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર કમિટીએ મનોરથો માટેના કેટલાક કડક નિયમો પણ જાહેર કર્યા છે, જે મુજબ મનોરથનો સમય મર્યાદા વધુમાં વધુ ૪૫ મિનિટની જ રહેશે અને મનોરથી દ્વારા એક જ મનોરથ કરાવી શકાશે. શુક્રવાર અને અગિયારસ સિવાયના મનોરથો ગર્ભગૃહ કે ઘુમ્મટમાં કરવામાં આવશે તેમ મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

April 22, 2026
image-11.png
1min272

આજે 22/04/2026 સવારે 8 વાગ્યે કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું અને આશરે 51 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ ઉદઘાટન સમયે હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે પ્રાર્થના કરી હતી. મંદિર 22 એપ્રિલથી શરૂ થતા આગામી છ મહિના સુધી ખુલ્લું રહેશે.

કેદારનાથ ધામમાં ડોલી આવી ત્યારે લગભગ છ થી આઠ હજાર ભક્તો હાજર હતા. આખો વિસ્તાર “હર હર મહાદેવ” ના નારાથી ગુંજી ઉઠ્યો. ભક્તોએ બાબા કેદારનું ભવ્ય સ્વાગત કર્યું, જેનાથી શ્રદ્ધાથી ભરેલું વાતાવરણ સર્જાયું. બુધવારે સવારે મંદિરના દરવાજા ખુલ્યા બાદ, મંદિરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થઈ.

ગયા વર્ષે, 23 ઓક્ટોબર, 2025 (ભાઈ બીજ) ના રોજ, શિયાળાની ઋતુ માટે કેદારનાથ ધામના દરવાજા સવારે 8:30 વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. હવે, છ મહિનાથી વધુ સમય પછી, મંદિર ભક્તો માટે ફરી ખુલ્યું છે, જે ચારધામ યાત્રાના નવા તબક્કાની શરૂઆત દર્શાવે છે.

કેદારનાથ ધામના દરવાજા ખોલવાના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે લખ્યું હતું કે આજે, દેવભૂમિ ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર, શ્રી કેદારનાથ ધામના દરવાજા બધા ભક્તો માટે યોગ્ય વિધિ સાથે ખોલવામાં આવ્યા છે. તેમણે ચારધામ યાત્રાને શ્રદ્ધા, એકતા અને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓનો દિવ્ય ઉત્સવ ગણાવ્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે આ યાત્રા સનાતન સંસ્કૃતિની ઊંડી ઝલક આપે છે. તેમણે ચારધામ યાત્રાના પ્રારંભ પર ભક્તોને પત્ર લખીને પોતાની લાગણીઓ પણ વ્યક્ત કરી હતી. અંતે, તેમણે બાબા કેદારને પ્રાર્થના કરી કે તેઓ બધા યાત્રાળુઓને આશીર્વાદ આપે અને યાત્રાને શુભ બનાવે. હર હર મહાદેવ.

બીજી તરફ, બદ્રીનાથ મંદિરના દરવાજા ખોલવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. નરસિંહ મંદિરથી, આદિ ગુરુ શંકરાચાર્યનું સિંહાસન અને ગરુડ ડોલી બદ્રીનાથ ધામ માટે રવાના થયા છે, જે યાત્રાની ધાર્મિક પરંપરાને આગળ ધપાવે છે.

આ વર્ષે, ચારધામ યાત્રા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. 20 એપ્રિલ સુધીમાં, 2.1 મિલિયનથી વધુ ભક્તોએ નોંધણી કરાવી છે. આમાંથી, આશરે 700,000 લોકોએ કેદારનાથ માટે અને 600,000 લોકોએ બદ્રીનાથ માટે નોંધણી કરાવી છે.

April 6, 2026
chardham.jpg
1min218

ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાની ટૂંક જ સમયમા શરૂઆત થવાની છે. જેની શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ વર્ષે આ યાત્રા 19 એપ્રિલથી ગંગોત્રી અને યમુનોત્રી ધામથી શરૂ થશે. ત્યારબાદ કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલ બુધવારના રોજ અને બદ્રીનાથ ધામના કપાટ 23 એપ્રિલ, ગુરુવારના રોજ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. ચારધામ યાત્રા માટે યાત્રાળુઓની નોંધણી સંખ્યા 10 લાખને વટાવી ગઇ છે.

શ્રદ્ધાળુઓ સલાહ આપવામાં આવે છે કે તેઓ આ તારીખોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાનું અગાઉથી આયોજન કરે. જેમાં ખાસ કરીને કેદારનાથ ધામની યાત્રા તેના ટ્રેકિંગ રૂટને કારણે પડકારજનક છે. તેથી, સમયસર તૈયારી કરવી જરૂરી છે. ચાર ધામ યાત્રા માત્ર આધ્યાત્મિક અનુભવ જ નહીં પણ તેના મનમોહક દૃશ્યો બરફથી ઢંકાયેલા શિખરો અને વહેતા પ્રવાહો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

ચારધામ યાત્રામાં જનારા દરેક યાત્રાળુ માટે નોંધણી ફરજિયાત છે. ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કરાવવાથી યાત્રાળુઓને હેલિકોપ્ટર સેવાઓ, રૂટની માહિતી અને ધાર્મિક સ્થળોએ પ્રાથમિકતા પ્રાપ્તિનો લાભ મળે છે. ઉત્તરાખંડ રાજ્ય સરકારે યાત્રા સુરક્ષિત અને વધુ વ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા માટે આ સુવિધા ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.

આ ચારધામ યાત્રાનું બજેટ પ્રવાસીઓના પ્રવાસ કાર્યક્રમ અને તેમના દ્વારા પસંદ કરાયેલા પરિવહનના માધ્યમો પર આધાર રાખે છે. ચારધામ યાત્રા માટે નોંધણી કરાવનારા યાત્રાળુઓની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે. આમાં સૌથી વધુ 3,41,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ માટે નોંધણી કરાવી છે. રાજ્ય સરકારે ચારધામ યાત્રા માટે નોંધણી ફરજિયાત બનાવી છે. પ્રવાસન વિભાગે 6 માર્ચે યાત્રા માટે ઓનલાઈન નોંધણી શરૂ કરી હતી. આજ સુધીમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા કરવા માટે નોંધણી કરાવી છે.

February 13, 2026
Maha-Shivratri.png
1min286

ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રિનું પર્વ ખૂબ ફળદાયી માનવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિનું પર્વ 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મનાવાશે. હિન્દુ ધર્મની માન્યા અનુસાર વર્ષમાં ચાર રાત્રિને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. જેમાં હોળી, દિવાળી, દુર્ગાષ્ટમીની કાલરાત્રિ અને મહાદેવની પૂજા સાથે જોડાયેલી મહાશિવરાત્રિ છે. આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રિ પર એક લોટો ગંગાજળ શિવલિંગ પર ચઢાવવાથી વર્ષમાં આવતી તમામ માસિક શિવરાત્રિનું પુણ્ય મળે છે.

મહાશિવરાત્રિ પર 300 વર્ષ બાદ દુર્લભ સંયોગ બની રહ્યો છે. આ દિવસે બુધ-શુક્રની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ રહેશે. બુધ-સૂર્યની યુતિથી બુધાદિત્ય રાજયોગ રહેશે. સૂર્ય-શુક્રની યુતિથી શુક્રાદિત્ય યોગ બનશે. શનિ કુંભ રાશિમાં રહેવાથી રાશ નામના મહાપુરુષ રાજયોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની એકસાથે હાજરીથી ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે.

શાસ્ત્રો અને પુરાણોમાં જેટલા પણ દેવતાઓનું વર્ણન છે તેમાં દેવાધિદેવ મહાદેવ જ સરળતાથી મળી પ્રસન્ન થઈ શકે છે. જેમનો ગંગાજળના એક માત્ર ટીપાથી અભિષેક કરી શકાય છે. શિવનો અર્થ બ્રહ્મા થાય છે. શરીરમાં શક્તિ અને પુરુષનું જે સમાહિત સ્વરૂપ છે તે બ્રહ્મ છે અને તે શિવ છે. આ ગૂઢ રહસ્યને સમજવા માટે સાધકને શિવમય થવું પડે છે.

મહાશિવરાત્રિના દિવસે જે શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. મહાશિવરાત્રિ પર મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તોએ જલ, દૂધ, મધ અને ઘીથી પૂજન કરવું જોઈએ. મહાશિવરાત્રિ પર લક્ષ્મીની કામના કરનારા વ્યક્તિએ બિલીપત્ર, સુખની કામના કરનારાએ ભાંગ, મોક્ષની કામના માટે ધતૂરો ચઢાવવા જોઈએ.

પૌરાણિક માન્યતા અનુસાર એક ભીલ શિકારની રાહમાં બિલિના વૃક્ષ પર આખી રાત બેસી રહ્યો હતો. આ દરમિયાન તેને કોઈ શિકાર મળ્યો નહોતો પરંતુ શરીરની હિલચાલના કારણે બિલપત્ર તૂટીને નીચે શિવલિંગ પર પડ્યા હતા. આ કારણે શિવને જાણતા-અજાણતા જ અભિષેક થયો. માન્યતા છે કે તે રાત્રિ શિવરાત્રિ હતી. જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈને ભીલને કહ્યું કે, તે સમગ્ર રાત્રિ જાગરણ કરીને મારું પૂજન કર્યું છે, તેથી હું તને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપું છું અને તારી ઈચ્છા પૂર્ણ થશે.

January 18, 2026
chardham.jpg
1min307

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા પર જનારા શ્રદ્ધાળુ માટે આ વર્ષે મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ, કેદારીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામની પવિત્રતા અને મર્યાદા જાળવી રાખવા માટે ઉત્તરાખંડ સરકાર અને વહીવટી તંત્રએ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. હવેથી મંદિર પરિસરમાં મોબાઈલ ફોન અને કેમેરા લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ મંદિરોમાં વધતા જતા ‘રીલ’ કલ્ચર અને સોશિયલ મીડિયા બ્લોગિંગ પર લગામ કસવાનો છે.

આ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. વહીવટીતંત્રના જણાવ્યાનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે શ્રદ્ધાળુઓ દર્શન કરવાને બદલે મંદિરની અંદર ફોટા પાડવામાં અને વીડિયો કે રીલ બનાવવામાં વધુ સમય વિતાવે છે. આ કારણસર માત્ર મંદિરની ગરિમા તો જોખમાય જ છે, પરંતુ ત્યાં દર્શન માટે ઉભેલા અન્ય શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. ભીડનું વ્યવસ્થાપન કરવું પણ કઠિન બને છે. વળી, આ મુદ્દે અન્ય લોકો પણ વારંવાર ફરિયાદ કરે છે, જેથી પવિત્ર ધામોમાં કોઈ પણ વિવાદોને રોકવા માટે આ પગલું લેવાયું છે.

નવા નિયમ મુજબ, બદ્રીનાથમાં સિંહદ્વારથી આગળ અને કેદારીનાથ, ગંગોત્રી તેમજ યમુનોત્રીના મંદિર પરિસરમાં મોબાઈલ લઈ જવાની મનાઈ રહેશે. શ્રદ્ધાળુઓએ દર્શન કરતા પહેલા જ પોતાના મોબાઈલ ફોન અને કેમેરા નક્કી કરેલા કાઉન્ટર પર જમા કરાવવાના રહેશે. બદ્રીનાથ-કેદારીનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ફોન સુરક્ષિત રાખવા માટે અલગ વ્યવસ્થા કરાશે. જો કે, મંદિરની બહારથી બેકગ્રાઉન્ડમાં જવાબદારીપૂર્વક અને કોઈને ખલેલ ના પહોંચે તે રીતે ફોટો અને વીડિયોગ્રાફી કરવાની છૂટ રહેશે.

આ વર્ષે પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે, જેમાં 60% ઓનલાઇન અને 40% ઓફલાઇન પદ્ધતિ રખાઈ છે. ગત વર્ષે 50 લાખથી વધુ પ્રવાસીએ ચારધામના દર્શન કર્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે રસ્તા, આરોગ્ય અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવાઈ રહી છે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં દર્શન કરી શકે તે તંત્રની પ્રાથમિકતા છે.

January 13, 2026
makarsankranti.jpg
2min230

મકરસંક્રાંતિ 2026: સૂર્યનું મકર રાશિમાં પરિવર્તન, જાણો પુણ્યકાળનું વર્ષ 2026ની શરૂઆતમાં જ આવતા પર્વ મકરસંક્રાંતિને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. જ્યોતિષશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ આ દિવસનું વિશેષ મહત્વ છે. જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયાના જણાવ્યા અનુસાર, વર્ષ 2026માં સૂર્ય દેવ મકર રાશિમાં ક્યારે પ્રવેશ કરશે અને દાન-પુણ્યનું શું મહત્વ રહેશે તે અંગેની ખાસ વિગતો પર નજર કરીએ.

સંક્રાંતિનો સમય અને પંચાંગ

આ વર્ષે મકરસંક્રાંતિ એટલે કે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ 14 જાન્યુઆરી, 2026 ને બુધવારના રોજ થશે.

  • સમય: બપોરે 03:08 મિનિટે (IST)
  • તિથિ: પોષ વદ 11
  • નક્ષત્ર: અનુરાધા
  • ચંદ્ર રાશિ: વૃશ્ચિક
  • લગ્ન: વૃષભ

રાશિ મુજબ દાન: જાણો તમારે શું દાન કરવું જોઈએ?

મકરસંક્રાંતિના પવિત્ર દિવસે યથાશક્તિ દાન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. રાશિ મુજબ નીચે મુજબની વસ્તુઓના દાનનું સૂચન કરવામાં આવ્યું છે.

શાસ્ત્રોક્ત દાન ઉપરાંત પશુ-પંખીઓને ચણ નાખવું અને ગાયોને ઘાસચારો ખવડાવવો એ પણ આજના દિવસે અત્યંત ફળદાયી માનવામાં આવે છે. સૂર્ય ભગવાન જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેમની તેજસ્વિતા વધે છે, જે માનવ જીવન અને ખેતી-વેપાર પર પણ સકારાત્મક અસર કરે છે.

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનું રાશિ પરિવર્તન ‘સંક્રાંતિ’ તરીકે ઓળખાય છે. સૂર્ય જ્યારે મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે તે ઉત્તર તરફ પ્રયાણ કરે છે, જેને આપણે ‘ઉત્તરાયણ’ કહીએ છીએ. સાયન પદ્ધતિ મુજબ સૂર્ય 22 ડિસેમ્બરની આસપાસ રાશિ પ્રવેશ કરે છે, જે ઋતુ ફેરફાર માટે મહત્વનો છે, જ્યારે નિરયન પદ્ધતિ મુજબ 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ ઉજવાય છે. આ દિવસે કરવામાં આવતી સૂર્ય પૂજા અને દાનનું અનેરું ફળ મળે છે.