CIA ALERT
19. March 2024

ટેક ન્યુઝ Archives - CIA Live

November 25, 2022
-રિવ્યુ.png
1min306

ફેક રિવ્યુથી ગ્રાહકો છેતરાય નહીં તે માટેના કાયદા આજથી અમલમાં આવી રહ્યા છે. ફેક રિવ્યુ માત્ર ઇ-કોમર્સની સાઇટો માટે હોય છે એવું નથી હોતું. ફિલ્મોના રિવ્યુ આપનારા પણ ખોટા રિવ્ય ુઆપતા હોય છે. 

ગ્રાહકો રિવ્યુના કારણે છેતરાય નહીં તે માટે ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ સાથે અન્ય ખાતાઓએ મળીને ઓનલાઇન કન્ઝ્યુમર રિવ્યુ માટેના સ્ટાન્ડર્ડ નક્કી કર્યા છે. આ ધારાધોરણોને દરેક ઇ-કોમર્સ સાઇટે ફરજિયાતપણે અપનાવવા પડશે. નહીં અપનાવનારાઓ સામે દંડની જોગવાઇ છે. ખોટા રિવ્યુની સામે ગ્રાહક ફરિયાદ કરી શકશે. રિવ્યુ લખનારે પોતાનો ફોન નંબર સહિતની માહિતી તેમજ સરનામું આપવું પડશે. ખોટા રિવ્યુ લખનાર કોઇ પોતાનો  ફોન કે સરનામું આપવા તૈયાર નહીં થાય.

સરકારે ખોટા રિવ્યુની સિસ્ટમને ડામવા નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ઇ-કોમર્સની સાઇટ પર કામ કરનાર કોઇ  વ્યક્તિ રિવ્યુ ના લખી શકે. જેણે પ્રોડક્ટ ખરીદી હોય તે જ રિવ્યુ લખી શકે.  રિવ્યુ લખવા માટે ઇ-કોમર્સની સાઇટો કોઇ થર્ડ પાર્ટીનો ઉપયોગ નહીં કરી શકે. એટલે કે તેમના વતી બીજું કોઈ રિવ્યુ લખી નહીં શકે. હાલ ફેક રિવ્યુ્ બંધ કરવાનું સ્વૈચ્છિક છે, પરંતુ સરકાર તેને ફરજીયાત બનાવવાનું વિચારી રહી છે. આટલું વાંચ્યા પછી ગ્રાહકો સમજી ગયા છે કે મોટા ભાગના રિવ્યુ તેમને ફસાવવા માટે ઊભા કરાતા હતા. 

November 5, 2022
Elon-Musk-Twitter.jpg
1min266

એલોન મસ્કે ટ્વીટરની કમાન સંભાળી ત્યારથી કંપનીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ભારતમાં એલોન મસ્કે કંપનીના સમગ્ર સ્ટાફને હટાવી દીધો છે. લગભગ 250 લોકોને નોકરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. એટલું જ નહીં હવે એલોન મસ્કે આખી કંપનીના 50% લોકોને કાઢી નાખ્યા છે. જેના કારણે 7,500 લોકોએ નોકરી ગુમાવી છે. એલોન મસ્કે ટ્વિટર પર કબજો કર્યાના એક અઠવાડિયાની અંદર ઘણી મોટી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે 50% કર્મચારીઓની તાત્કાલિક અસરથી છટણી કરવામાં આવી છે. તેઓનો ઈમેલ અને કંપનીના કોમ્પ્યુટરનો એક્સેસ છીનવી લેવામાં આવ્યો છે.

વિશ્વની દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ટ્વિટર તરફથી આવી તાબડતોડ છટણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. કંપનીના કર્મચારીઓ દ્વારા પણ છટણીની પુષ્ટિ કરવામાં આવી છે. યુ.એસ. અને કેનેડામાં ટ્વિટરના પબ્લિક પોલિસી ડાયરેક્ટર મિશેલ ઓસ્ટિનએ ટ્વિટ કર્યું કે, આજનો દિવસ એ સમાચાર સાથે શરૂ થાય છે કે ટ્વિટરમાં મારી સફર પૂરી થઈ ગઈ છે. મારૂ દિલ તુટી ગયું. હું તેને સ્વીકાર નથી કરી શકતો. એલોન મસ્કે છટણી અંગે ટ્વીટ કર્યું કે, ટ્વિટરમાં છટણી વિશે ઘણી વાતો થઈ રહી છે. દુર્ભાગ્યની વાત એ છે કે, આ એવા સમયે કરવામાં આવી રહ્યું છે જ્યારે કંપનીને દરરોજ 4 મિલિયન ડોલરનું નુકશાન થઈ રહ્યું છે તેથી બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ મોટી છટણી પહેલા ટ્વીટરે કર્મચારીઓને ઓફિસ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેઓને તેમના ભવિષ્યની રાહ જોવા અને જે નિર્ણય લેવામાં આવશે તેના આધારે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું હતું. સોમવાર સુધી કર્મચારીઓને ઓફિસ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે, સોમવાર પહેલા જ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બરતરફ કરાયેલા ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારીએ કહ્યું કે, ‘લોકોની સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે અત્યંત અમાનવીય છે.’ તે કોઈ પણ કિંમતે પૈસા બચાવવા માંગે છે. એલોન મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું છે અને એવું માનવામાં આવે છે કે, તે બચતના માર્ગ પર છે અને નાણાંની ચૂકવણી કરવા માટે મોટા પાયે છટણી કરી રહ્યા છે.

September 25, 2022
5g.jpg
1min252

દેશમાં 5G સર્વિસ 1લી ઓક્ટોબરથી લોંચ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1લી ઓક્ટોબરના રોજ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવા લોંચ કરશે. મીડિયા અહેવાલો પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતમાં એશિયાના સૌથી મોટા ટેકનોલોજી એક્ઝિબિશન ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસમાં 5G સેવાનો શુભારંભ કરાવશે.

ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસને એશિયામાં સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી ફોરમ માનવામાં આવે છે. તેને સંયુક્ત રીતે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (Dot) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. 5Gની ઝડપ (સ્પીડ) 4G કરતાં 10 ગણી વધારે હશે. તેમા મોટા વિડિયો ગણતરીની સેકન્ડમાં જ ડાઉનલોડ કરી શકાશે. તેની સ્પીડનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે એક ફિલ્મને ડાઉનલોડ કરવામાં 4G નેટવર્ક પર છ મિનિટનો સમય લાગે છે,જે 5G નેટવર્ક પર આ કામ ફક્ત 20 સેકન્ડમાં જ થઈ જશે.

અત્યાર સુધી દેશમાં લોકો 4G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે. હવે 5Gના આગમન બાદ લોકોને હાઈ સ્પીડ ઈન્ટરનેટની સુવિધા મળવા લાગશે. તેનાથી સમય બચશે તેમ જ અનેક એપ્લિકેશનનો સરળતાથી ઉપયોગ કરી શકાશે. 5Gની મદદથી ગ્રાહકોનો અનુભવ અગાઉની તુલનામાં ઘણો સારો રહેશે, તે એક વર્ગ કિલોમીટરમાં આશરે એક લાખ સંચાર ઉપકરણોને સપોર્ટ કરશે.

5Gના આગમન બાદ મોબાઈલની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ જશે. 5Gની સ્પીડ 4G કરતાં 10 ગણી વધારે છે. 5Gના આગમનને લીધે ઓટોમેશન વધી જશે. અત્યાર સુધી બાબત ફક્ત શહેરો પૂરતી મર્યાદિત હતી તે ગામો સુધી પહોંચી જશે. ઈન્ટરનેટ ઓફ શિંગ્સ તથા ટેકનોલોજી IOT તથા રોબોટીક્સની ટેકનોલોજીને નવી પાંખ મળશે. દેશના અર્થતંત્રને ફાયદો થશે અને ઈ-ગવર્નન્સનું વિસ્તરણ થશે. કારોબાર, શિક્ષણ, હેલ્થ તથા કૃષિ ક્ષેત્ર જેવા સેક્ટરમાં ક્રાંતિ આવશે. 4G નેટવર્ક પર સરેરાશ ઈન્ટરનેટ સ્પીડ 45MBPS હોય છે પણ 5G નેટવર્ક પર તે વધીને 1000 MBPS સુધી પહોંચી જશે.

September 19, 2022
generic.jpg
1min250

ભારતમાં જેનેરિક દવાઓ પ્રત્યે લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. હકીકતે તે દવાઓનો એક સલામત અને પરવડે તેવો વિકલ્પ છે. ભારતમાં જેનેરિક દવાઓની અગ્રણી ઓમની-ચેનલ રીટેઈલર મેડકાર્ટે તાજેતરમાં જ બે સમર્પિત ઓનલાઈન પ્લેટફૉર્મ લૉન્ચ કર્યા છે, જેમાંથી એક પોર્ટલ છે અને એક એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન છે, જે ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે.

દેશમાં લાંબાગાળાની અને જીવનશૈલી સંબંધિત બીમારીઓના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે અને આ કારણે પરિવારો પર તેનું આર્થિક ભારણ પણ વધી રહ્યું છે. જોકે તેમ છતાં ભારતીય દવાઓના કુલ વેચાણમાં જેનેરિક દવાઓનો માર્કેટ હિસ્સો ખૂબ જ સામાન્ય કહી શકાય તેવો છે.

એક અભ્યાસ પ્રમાણે કોઈ પણ બીમારી પાછળ થતાં કુલ ખર્ચામાંથી 76% ખર્ચો દવાઓ પાછળ થાય છે. ભારતની સરખામણીએ અમેરિકામાં 85% પ્રીસ્ક્રિપ્શનોમાં દવાઓના જેનેરિક્સના નામો લખવામાં આવે છે. જ્યારે ભારતમાં ડૉક્ટરો દ્વારા લખી આપવામાં આવતાં પ્રીસ્ક્રિપ્શનોમાંથી માંડ 1% પ્રીસ્ક્રિપ્શનમાં દવાઓના જેનેરિક નામ લખવામાં આવે છે. આ કારણે વિશેષ, સલામત અને પરવડે તેવા જેનેરિક વિકલ્પો અંગે જાગૃતિનો સર્વસામાન્ય અભાવ તેની લોકપ્રિયતા અને તેને મોટા પાયે અપનાવવાને આડે રહેલા મુખ્ય અવરોધોમાંથી એક છે. 

મેડકાર્ટ દ્વારા લોન્ચ કરવામાં આવેલા 2 ઓનલાઈન પ્લેટફૉર્મ ગ્રાહકોને જેનેરિક દવાઓ શોધવા, તેના અંગે જાણકારી મેળવવા અને આ દવાઓ ખરીદવામાં મદદરૂપ બનશે. ઉપયોગમાં સરળ એવા આ પ્લેટફૉર્મ પરથી જેનેરિક દવાઓ અંગેની માહિતી મળી રહેશે. તેની મદદથી ગ્રાહકો 99.9% સારવારની 4,000થી વધારે સલામત દવાઓના મોલેક્યુલ્સમાંથી સૌથી પરવડે તેવા વિકલ્પોને સમજીને પસંદ કરી શકશે.

મેડકાર્ટના સહ-સ્થાપક અંકુર અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘તેમના પ્લેટફૉર્મ પરથી કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડના નામથી તેમજ મોલેક્યુલના નામથી પણ દવાઓ શોધી શકશે તથા ફક્ત ક્લિક અને સ્વાઈપ કરીને દરેક દવાની કિંમતો અને તેની સંરચનાની સરખામણી પણ કરી શકશે. ઉદાહરણ તરીકે કોઈ ડાયાબિટીસના દર્દીને સિટાગ્લિપ્ટિન લખી આપવામાં આવી હોય તો, તેઓ આ બ્રાન્ડના નામથી અથવા તેના મોલેક્યુલના નામથી સર્ચ કરી શકે છે તથા તેઓ તેના તમામ ઉપલબ્ધ વિકલ્પો અંગે જાણકારી મેળવી શકે છે અને તેની કિંમતોની સરખામણી પણ કરી શકે છે. તેનાથી ગ્રાહકો સૂચિત નિર્ણયો લઈ શકશે અને તેની ગુણવત્તા પ્રત્યે આશ્વસ્ત રહી શકશે, કારણ કે, મેડકાર્ટ પર રીટેઈલમાં વેચવામાં આવતી પ્રત્યેક જેનેરિક દવા ડબ્લ્યુએચઓ-જીએમપી પ્રમાણિત ઉત્પાદનકર્તાઓ પાસેથી મેળવવામાં આવે છે.’

September 19, 2022
fakefb.jpg
1min239

વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમને ફોન કરીને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો

ઉત્તર પ્રદેશમાં નોએડા પોલીસે સેક્ટર-63માંથી એક એવી ટોળકીનો પર્દાફાશ કર્યો છે જે દેશભરમાં બોગસ ડિગ્રીઓનું એક નેટવર્ક ચલાવી રહી હતી. આ ટોળકી 20થી 80 હજાર રૂપિયામાં MBA, MTech વગેરેની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા ડિગ્રી વેચી રહી હતી. તેઓ ગૂગલ પર બોગસ જાહેરાત આપીને લોકોને ફસાવવાનું કામ કરતા હતા.

પોલીસે આ કેસમાં પટનાના રહેવાસી આનંદ શેખર અને નોએડાના રહેવાસી ચિરાગ શર્માની ધરપકડ કરી છે. બંને પાસેથી વર્ષ 2000, 2002 સુધીની બોગસ ડિગ્રી અને ડિપ્લોમા પણ મળી આવ્યા છે. ADCP સેન્ટ્રલ ઝોન સાદ મિયાંએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, પોલીસને સેક્ટર-63ની B-44 સ્થિત ઈમારતમાં નકલી માર્કશીટ, ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો ચાલી રહ્યો હોવાની બાતમી મળી હતી.

ત્યાર બાદ પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીઓ આનંદ અને ચિરાગની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને તેમના પાસેથી 85 બોગસ માર્કશીટ, 7 ખાલી માર્કશીટ, 8 નકલી સ્ટેમ્પ, 33 મોબાઈલ ફોન, 14 કોમ્પ્યુટર અને 55 સિમકાર્ડ મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, નોએડા પહેલા બેંગલુરૂમાં પણ આ પ્રકારે ડિપ્લોમા અને ડિગ્રી વેચવાનો ધંધો કરવામાં આવ્યો હતો. બેંગલુરૂ પોલીસે જાન્યુઆરી 2022માં આનંદની ધરપકડ કરી હતી. ત્યાંથી જામીન મળ્યા બાદ માર્ચ 2022માં તેણે નોએડા આવીને ફરી પોતાનો ગેરકાયદેસર ધંધો શરૂ કર્યો હતો. તેણે પોતે 10 વર્ષથી આ પ્રકારે બોગસ માર્કશીટ, ડિગ્રી અને ડિપ્લોમા વેચવાનું કામ કરી રહ્યો હોવાનો ખુલાસો કર્યો છે.

આરોપી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગૂગલ દ્વારા જાહેરાત કરતો હતો. તેના માટે પ્રતિ દિવસના હિસાબથી 5,000 રૂપિયાની ચુકવણી પણ કરવામાં આવતી હતી. આ જાહેરાતોમાં તે ડિગ્રી અને ડિપ્લોમાની લાલચ આપીને લોકોને પોતાની જાળમાં ફસાવતો હતો અને એક વખત ફોન આવે અથવા તો કોઈ જાહેરાત પર ક્લિક કરે એટલે તે પોતે જ તે લોકોનો સંપર્ક કરતો હતો અને તેમને ઠગાઈનો શિકાર બનાવતો હતો.

તે સિવાય તે કોચિંગ સંસ્થાઓ, કોલેજીસ વગેરે પાસેથી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓની વિગતો એકઠી કરીને તેમને ફોન કરતો હતો અને ઓછા પૈસા અને ઓછી મહેનતમાં ડિગ્રી અને ડિપ્લોમા મેળવી આપવાની લાલચ આપતો હતો. આ માટે તે પોતે વિદ્યા ભારતી ઈન્સ્ટિટ્યુટ અને એમ્પિરિયલ ઈન્સ્ટિટ્યુટનો સંચાલક હોવાનું જણાવતો હતો. જોકે વાસ્તવમાં આ નામના કોઈ ઈન્સ્ટિટ્યુટ જ નથી.

September 4, 2022
cia_gst.jpg
1min574

નેટ બૅન્કિંગ અને ક્રેડિક કાર્ડ પેમેન્ટ કરવા ગેટ વેનો ઉપયોગ કરનારે કન્વિનિયન્સ ચાર્જ ચૂકવવો પડશે

કન્વિનિયન્સ ચાર્જ તરીકે ૧૦૦ રૃપિયે ૮.૫ પૈસા જમા કરાવવાના આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર

આવકવેરાના ઇ-ફાઈલિંગના પોર્ટલ પર ક્રેડિટ કાર્ડ કે પછી નેટ બૅન્કિંંગથી પેમેન્ટ એપ પરથી આવકવેરાના નાણાં જમા કરાવનારાઓને ટેક્સ ઉપરાંત ચોક્કસ રકમનો ચાર્જ ભરવાની અને તેના ઉપરાંત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ભરવાની પણ જવાબદારી આવી શકે છે. પરિણામે નેટબૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી આવકવેરાની રકમ જમા કરાવતા પૂર્વે તમારે માથે આવી પડનારી અન્ય જવાબદારીઓને પણ વિચારક રવો જરૃરી છે.

આવકવેરા ખાતાએ ઇ-ફાઈલિંગનું નવું પોર્ટલ ચાલુ કર્યું છે. તેના પર કોઈ વ્યક્તિગત કરદાતા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને ઇન્કમ ટેક્સ જમા કરાવશે તો તેવા સંજોગોમાં તેમણે ચોક્કસ ચાર્જ જમા કરાવવો પડશે. એક કાલ્પનિક ઉદાહરણ આપીને વાત કરીએ તો રૃા. ૧૦,૦૦૦નો ટેક્સ જમા કરાવનારે પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરવા માટે રૃા. ૧૦૦નો સર્વિસ ચાર્જ અને તેના પર નક્કી કરેલા દરે જીએસટી પણ જમા કરાવવો પડશે. આ ચાર્જને કન્વિનિયન્સ ચાર્જ તરીકે ઓળખાવવામાં આવશે. કયા કયા મોડથી પેમેન્ટ કરવામાં આવે તો ચાર્જ લાગશે તે અંગે હજી હવે નિર્ણય લેવામાં આવશે. 

બેન્ક દ્વારા લેવામાં આવતા ટ્રાન્ઝેક્શન ચાર્જ પર નજર નાખવામાં આવે તો નેટબૅન્કિંગથી પેમેન્ટ કરવા માટેની સુવિધા-સગવડ પૂરી પાડવા માટેના ચાર્જ તરીકે એચડીએફસી રૃા.૧૨, આઈસીઆઈસીઆઈ બૅન્ક રૃા. ૯, સ્ટેટ બૅન્ક અને એક્સિસ બૅન્ક રૃા. ૭-૭ વસૂલે છે. તેના પર ૧૮ ટકાના દરે જીએસટી પણ લેવૈામાં આવે છે. 

કન્વિનિયન્સ ચાર્જ પેટે ૦.૮૫ ટકા લેવામાં આવે છે. આ ચાર્જને કેન્દ્રમાં રાખીને વિચાર કરવામાં આવે તો રૃા. ૪૦,૦૦૦ આવકવેરા પેટે નેટબેન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરનારાઓએ ૩૪૦ રૃપિયા કન્વિનિયન્સ ચાર્જ તરીકે ચૂકવવા પડશે. તેમ જ તેના પર ૧૮ ટકાના દરે જીએસટી ચૂકવવો પડશે. આ સંજોગોમાં તેમણે જીએસટીના બીજા અંદાજે રૃા. ૬૦ મળીને કુલ ૃા. ૪૦૦નો ચાર્જ કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવો પડશે. આમ સરેરાશ ટેક્સની રકમના એક ટકા જેટલો ચાર્જ તેમણે કન્વિનિયન્સ ચાર તરીકે ચૂકવવાની નોબત આવી શકે છે. 

આમ ટેક્સની રકમ વધતી જાય તેમ તેમ આ ચાર્જ વધી શકે છે. ઇન્કમટેક્સના નવા પોર્ટલ પર પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને  આવકવેરો ચૂકવનારાઓને માથે આ જવાબદારી આવશે. તેમાંય ખાસ કરીને નેટ બૅન્કિંગ કે પછી ક્રેડિટ કાર્ડથી ટેકસ જમા કરાવનારાઓએ આ વધારોનો બોજ વેંઢારવાનો આવશે. હા, અધિકૃત કરેલી બેન્કોના ક્રેડિટ કાર્ડ જ આ પેમેન્ટ માટે માન્ય ગણાશે. પેમેન્ટ માટે જે બૅન્કોના ક્રેડિટ કાર્ડ અધિકૃત ગણાય છે તેમાં કોટક મહિન્દ્રા બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા અને ફેડરલ બેન્કનો સમાવેશ થાય છે.    એનએસડીએલની વેબસાઈટ પર જઈને આવકવેરો જમા કરાવવામાં આવશે તો તેને માટે કરદાતાઓ કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવો પડશે નહિ.

September 2, 2022
erupi.jpg
1min204

ઇલેકટ્રોનિક ને આઇ ટી રાજયમંત્રી રાજીવ ચંદ્શેખરે કહયું હતું કે ડિજિટલ ચુકવણા બાબતે ભારતે હરણફાળ પ્રગતિ ભરી છે. ભારત આ બાબતે વિકસિત દેશોને પણ દિશા આપી શકે છે. ત્યાં સુધી કે જર્મની જેવો વિકસિત દેશ પણ ડિજીટલ પધ્ધતિ ડીબીટી ચુકવણામાં ભારત કરતા પાછળ છે.  આઇ ટી મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 2021-22મા રોજ 90 લાખથી વધુ ડીબીટી ભુગતાન કરવામાં આવ્યા હતા.જેનાથી 9.5 કરોડ લાભાર્થીઓને ફાયદો મળ્યો હતો. 

એટલું જ નહી રોજ સરેરાશ 28.4 કરોડ ડિજિટલ ટ્રાન્જેકશન થાય છે. આ ટ્રાન્જેકશન વિશ્વમાં સૌથી વધારે છે. ડીજીટલ ટ્રાન્જેકશન મામલે ભારત ચીન કરતા પણ આગળ છે. ચીન ભારત પછી બીજા ક્રમે જયારે અમેરિકા ત્રીજા ક્રમે છે. આમ ડિજીટલ ટ્રાન્જેકશન બાબતે ભારત માત્ર વિકાસશીલ જ નહી વિકસિત દેશો માટે પણ ઉદાહરણ રુપ બન્યો છે. પીએમ સન્માન નીધિ યોજના અંર્તગત 9.5 કરોડ લાભાર્થીઓના બેંક ખાતામાં એક જ બટન કલિકથી એક જ દિવસમાં 1900 કરોડ રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આછી એક કલીકમાં 9.5 કરોડ જેટલા ટ્રાન્જેકશન થાય છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર 2021-22ના વર્તમાન વર્ષમાં 8800 કરોડ ડિજીટલ ભુગતાન ટ્રાન્જેકશન થયા છે. વર્તમાન વર્ષમાં કુલ 566 લાખ કરોડ રુપિયાનું ડિજિટલ ટ્રાન્જેકશન થયું છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર યુનિફાઇડ પેમેન્ટ  ઇન્ટરફેસ (યુપીઆઇ)ના માધ્યમથી આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 10.72 લાખ કરોડ રુપિયાના 6.57 અબજ ડિજીટલ ટ્રાન્જેકશ થયા છે. જે ગત જુલાઇ મહિનાની સરખામણીમાં 4.62 ટકા વધારે છે. 

July 30, 2022
socialmedia1-900px.jpg
1min232

– કેરળ હાઇકોર્ટે જાતિવાદી કોમેન્ટ કરનારાની અરજી ફગાવી

– જાતિનું અપમાન કરતી ટિપ્પણી કરી ત્યારે પીડિતા ત્યાં હાજર નહોતી: યૂટયુબરની દલીલોને હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર પોસ્ટ કે કોમેંટ આડેધડ થતી હોય છે, જેમાં જાતિ આધારીત કોમેંટ કે પોસ્ટ પણ કરવામાં આવતી હોય છે. જોકે હવેથી કોઇ જાતિ આધારીત પોસ્ટ કે કોમેંટ થાય તો તેવા કેસમાં એસસી, એસટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે. હાલ આ જ પ્રકારનો એક મામલો કેરળ હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. 

કેરળ હાઇકોર્ટમાં એક યૂટયૂબર દ્વારા અરજી કરવામાં આવી છે. જેની સુનાવણી ચાલી રહી છે. 

અરજદાર યૂટયૂબર દ્વારા એક ઇન્ટરવ્યૂમાં એસસી, એસટી સમાજની એક મહિલા સામે કથિતરુપે અપમાનજનક નિવેદન આપવામાં આવ્યું હતું. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થતા વાઇરલ થઇ ગયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આરોપી દ્વારા કેરળ હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી છે. 

જોકે કેરળ હાઇકોર્ટે આરોપી યૂટયૂબરની જામીન અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન જ્યારે કોર્ટમાં દલિલો ચાલી રહી હતી ત્યારે આરોપીએ એવો તર્ક આપ્યો હતો કે પીડિતા મારા આ ઇન્ટરવ્યૂ અને મે કોમેંટ કરી ત્યારે તે હાજર નહોતી. તેથી એસસી, એસટી એક્ટ અંતર્ગત આ મામલે કેસ જ નથી બનતો. 

July 30, 2022
5g.jpg
1min201

ભારત સરકારે ટેલીકોમ ક્ષેત્રે સૌથી મોટા ક્રાંતિકારી પગલાં એવા 5G સ્પેક્ટ્રમ માટે વિવિધ ફ્રિકવન્સીમાં કુલ 72 ગીગાહર્ટ સ્પેક્ટ્રમ વેચવા કાઢી છે. આ સ્પેક્ટ્રમથકી સરકારને કુલ રૂ.4.30 લાખ કરોડની આવક થશે એવો અંદાજ હતો પણ તા.26 જુલાઈથી શરૂ થયેલા અને ચાર દિવસ, 23 રાઉન્ડ પછી કંપનીઓએ જે બોલી લગાવી છે એ જોતા અપેક્ષા કરતા ઘણી ઓછી રકમ સરકારના હાથમાં આવશે એવી શક્યતા છે. 

5G સ્પેક્ટ્રમ માટે આટલી ઓછુ બિડિંગ થવાના બે કારણો છે. એક, આ ટેકનોલોજી માત્ર સ્પેક્ટ્રમ ખરીદી લેવાથી પૂર્ણ થતી નથી. ગ્રાહકને ઘરે-ઘરે, શેરી-ગલીમાં સેવા આપવા માટે નેટવર્કમાં જંગી રોકાણ કરવું પડે એવી શક્યતા છે. બીજું, મોટા ભાગની કંપનીઓ પાસે અત્યારે હાથ ઉપર સ્પેક્ટ્રમ ઉપલબ્ધ છે અને વર્તમાન 4G સેવામાં તેનો પૂરો ઉપયોગ થઇ રહ્યો નથી. ત્રીજું, એરટેલ અને વોડાફોન આઈડિયા ઉપર જંગી દેવું છે. વોડાફોન આઈડિયા તો છેલ્લા ત્રણ વર્ષથી ભારતના કોર્પોરેટ ઈતિહાસમાં સૌથી મોટી ખોટ કરતી કંપની છે ત્યારે આટલી આક્રમકતાથી સ્પેક્ટ્રમ ખરીદે એવી શક્યતા નહિવત જોવા મળી રહી છે. 

ચાર દિવસના અંતે કેન્દ્ર સરકારને જે કુલ રકમ મળે એવી શક્યતા છે તેની રકમ રૂ.1,49,823 કરોડ જ છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમની ખરીદી ક્યાં સર્કલમાં કોણે કરી, કોની બોલી વિજેતા થઇ તેની જાહેરાત નિલામી પૂર્ણ થયા પછી જ જાહેર કરવાની હોવાથી કંપની આધારિત માહિતી ઉપલબ્ધ હવે પછી જ બનશે. 

5G સ્પેક્ટ્રમ રાઉન્ડ અનુસાર કેટલી બોલી લાગી
દિવસએક દિવસમાં કેટલી બોલી રૂ. લાખ કરોડદિવસના અંતે અત્યારસુધીની બોલી રૂ. લાખ કરોડ
૨૬ જુલાઈ૧.૪૫૦૧.૪૫
૨૭ જુલાઈ૦.૦૪૫૧.૪૯
૨૮ જુલાઈ૦.૦૧૭૧.૫૦
૨૯ જુલાઈ૦.૦૨૩૧.૫૦

સ્પેક્ટ્રમની નિલામીના ચાર દિવસ અને ૨૩ રાઉન્ડની બોલી લાગ્યા પછી એટલું સ્પષ્ટ છે કે કંપનીઓ માત્ર જેટલી જરૂરીયાત છે એના માટે જ બિડિંગ કરી રહી છે. 5Gની નિલામીમાં અત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો માટે, ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને ગૌતમ અદાણીની અદાણી ડેટા સર્વિસ લીમીટેડ એમ ચાર જ કંપની બિડિંગ કરી રહી છે. વળી, અદાણીએ ગ્રાહકો માટે નહિ પણ માત્ર પોતાના જૂથ માટે, પોતાના વ્યવહાર માટે અને તેના ટેકનોલોજી સાહસની જરૂરીયાત માટે જ લાયસન્સ ખરીદ્યું છે. આ ઉપરાંત, અદાણીએ માત્ર ગુજરાત સર્કલનું જ લાયસન્સ ખરીદ્યું હોવાથી અન્ય રાજ્યોમાં તે બિડિંગ કરી શકે નહી તે પણ જાણવું જરૂરી છે. 

5G સેવાઓ માટે ગીગાહર્ટઝ જેમ ઓછા તેમ નાના સેલ સાઈટ કે નાના ટાવરથી આંતરિક વિસ્તારમાં સેવાઓ આપવી શક્ય બને છે. દૂરના વિસ્તારો માટે સૌથી ઉંચી ફ્રિકવન્સીનું સ્પેક્ટ્રમ જોઈએ છે. અત્યારે ચાલી રહેલી બિડિંગમાં સૌથી ઓછી અને સૌથી વધુ ફ્રિકવન્સીના બિડિંગમાં જ સ્પર્ધા જોવા મળી રહી છે. 

જેમકે 26 હર્ટઝની ફ્રિકવન્સી માટે દરેક રાજ્યમાં દરેક સર્કલમાં ભારે બોલી જોવા મળી રહી છે. એવી જ રીતે 3300 હર્ટઝની ફ્રિકવન્સી માટે પણ દરેક સર્કલમાં બોલી લાગી છે. નીચી ફ્રિકવન્સી માટે 600 હર્ટઝમાં કોઈ બીડ નથી, 700 હર્ટઝમાં એક કે બે બીડ જોવા મળી રહી છે. તો ઉપરની ફ્રિકવન્સીમાં 2600 અને 21૦૦માં કોઈ ખરીદવાવાળું નથી. સામે 17૦૦ અને 18૦૦ હર્ટઝમાં જરૂર અનુસાર એટલે કે જ્યાં કંપનીઓને જરૂર છે એટલા સર્કલમાં જ માંગ જોવા મળી રહી છે. 

July 21, 2022
5g.jpg
1min233

મોબાઈલ સેવાઓમાં સૌથી ઝડપી ડેટા ટ્રાન્સફર શકય હોય તેવી પાંચમી જનરેશન (5G) સેવાઓ દેશમાં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેથી પ્રારંભ થશે. આ સેવાઓ દેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમર્પિત કરશે અને તા.15 ઓગસ્ટના રોજ દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે શરૂ થશે એવું જાણવા મળી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી બાદ ગુજરાત આવશે અને સેવાઓનો પ્રારંભ કરે તેવી શક્યતા છે.

દેશમાં 5G સેવાઓ માટે સ્પેક્ટ્રમની નિલામી આ સપ્તાહમાં શરૂ થવાની છે અને તેમાં રિલાયન્સ જીયો, વોડાફોન આઈડિયા અને એરટેલ ઉપરાંત અદાણી જૂથે પણ બિડિંગ કરવા માટે રસ દાખવ્યો છે. 

જોકે, અદાણીએ આ સ્પેક્ટ્રમ ખરીદી માત્ર એન્ટરપ્રાઇસ સેવાઓ આપવા માટે જ કરવાની જાહેરાત કરી છે એટલે ગ્રાહકોને તો માત્ર ત્રણ કંપનીઓ તરફથી જ સેવા મળશે.

લોંચ પહેલા ગુજરાતમાં 5G સેવાઓનું ટેસ્ટિંગ ગાંધીનગર, જામનગર અને વડોદરામાં થયું હતું. જામનગર ખાતે રિલાયન્સ જીયો અને ગાંધીનગર ખાતે વોડાફોન દ્વારા ટેસ્ટ થયા હતા.

વડાપ્રધાન મોદી આ સેવા શરૂ કરે એ પહેલા વોડાફોન અને જીયો યુદ્ધના ધોરણે તેના લોંચ માટે તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરમાં આ સેવાઓ શરૂ કરવા માટે અત્યારે કામગીરી થઇ રહી છે. 

અત્યારે કોઈ કંપની પાસે 5Gની સેવા માટે સ્પેક્ટ્રમ ઉપલબ્ધ નથી. નિલામી પછી વિજેતા કંપનીઓને તાકીદે સ્પેક્ટ્રમ ફાળવવા માટે PMO અને ટેલિકોમ ડિપાર્ટમેન્ટ કામગીરી કરી રહ્યા છે જેથી તા.15 ઓગસ્ટના તેનું લોંચિંગ થઈ શકે.