CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 41 of 43 - CIA Live

June 5, 2018
anaathfeture-1280x853.jpg
1min16940

સુરતના ચિલ્ડ્રન હોમના ૬૦ અનાથ બાળકો મનાલીના પ્રવાસે
સુરતના ચિલ્ડ્રન હોમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં મનાલી જતાં ૬૦ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો 
સરકારી બાળગૃહમાં રહેતા બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલી ખાતે બાળ સાહસિકતા શિબિરનું આયોજન
સુરતના બાલગૃહના ૬૦ બાળકો સહિત ગુજરાતના ૧૪૭ બાળકોને બે બેચમાં આવરી લેવાશે
બાળકોની સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિર જેવા કાર્યક્રમો સહાયરૂપ બને છે: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર

સરકારી બાળગૃહમાં રહેતા બાળકો પણ અન્ય બાળકોની જેમ કુદરતને ખોળે આનંદ-પ્રમોદ કરી શકે તે માટે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આ બાળકો માટે હિમાચલ પ્રદેશના મનાલીમાં બાળ સાહસિકતા શિબિરનું આયોજન કરાયું છે. જેમાં સુરત ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ, કતારગામ અને ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, રામનગર-રાંદેરના ૬૦ બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં કતારગામના વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમ ખાતે આ બાળકોનો અભિવાદન સમારોહ યોજાયો હતો

આ પ્રસંગે મનાલી પ્રવાસે જતા બાળકોનું અભિવાદન કરતાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા બાળગૃહના બાળકો પણ અન્ય બાળકોની જેમ બાળસહજ પ્રવૃત્તિઓ થકી આનંદ અને જ્ઞાન મેળવી શકે તે માટે બાળ સાહસિકતા શિબિરનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રાજસ્થાનના આબુ ખાતે અનાથ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે પ્રકારે શિબિરનું આયોજન કરાયું હતું. આ વર્ષે હિમાચલના મનાલીમાં આયોજિત શિબિરમાં બાળકો સાહસિક અને ખડતલ બને તે માટે ટ્રેકિંગ-જોગિંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે.

મંત્રીશ્રી પરમારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્યને બહાર લાવવા બાળ સાહસિકતા શિબિરો ખૂબ સહાયરૂપ હોવાનું જણાવી ઉપસ્થિત સૌ બાળકોને જીવનમાં સાહસિકતાના ગુણો ખીલવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે દરેક બાળકોને ગુલાબનું ફૂલ ભેટ ધરી તેમના સુખમય અને આનંદદાયક પ્રવાસની શુભકામનાઓ પાઠવી હતી.
સ્વાગત પ્રવચન કરતાં ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ અને કોર્પોરેટરશ્રી ડો. જગદીશ પટેલે સમગ્ર કાર્યક્રમ વિષે વિસ્તૃત જાણકારી આપી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી, સુરત દ્વારા ત્યજી દેવાયેલા બાળકો, અનાથ બાળકો, બાળમજૂરીમાંથી મુક્ત કરાવેલા બાળકોની સારસંભાળ, કાળજી અને રક્ષણની કામગીરીથી સૌને વાકેફ કરાવ્યા હતા.

બે બેચમાં યોજાનાર આ શિબિરમાં આગામી ૧૧ મી જુને સુરતના ૩૬ બાળકો અને ૨૪ બાળાઓ સહિત કુલ ૬૦ બાળકો મનાલી જવા રવાના થશે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા આયોજિત આ શિબિરની પ્રથમ બેચ તા.૫ જૂન થી ૧૪ જૂન ૨૦૧૮ દરમિયાન તેમજ બીજી બેચ ૧૧ જૂનથી ૨૦ જૂન ૨૦૧૮ દરમિયાન યોજાશે. પ્રથમ બેચમાં સુરત, વડોદરા તથા અમદાવાદથી રાજધાની ટ્રેનમાં ૭૭ બાળકો તથા બીજી બેચમાં સુરત, વડોદરા, અમદાવાદ અને પાલનપુરથી ૭૦ બાળકો પ્રસ્થાન કરશે. જેમાં સોસાયટીના અધિકારી/કર્મચારીઓ સાથે રહી બાળકોને માર્ગદર્શન આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બંન્ને બેચની શિબિરમાં જોગણી વોટર હોલ્સ, હિડિમ્બા ટેમ્પલ, સ્નો/ભ્રીગુ, મનાલી જેવા પર્વતોમાં પર્વતારોહણની પ્રવૃત્તિ કરવામાં આવશે. તેમજ સાહસિકતા તાલીમ શિબિરમાં બાળકોને રિપલીંગ, ઝિપ લાઇન, રિવર ક્રોસિંગ, કેમ્પ ફાયર જેવી પ્રવૃત્તિઓ તેમજ નેતૃત્વ, જીવન કૌશલ્ય, હકારાત્મક વિચાર શૈલી અંગે સવિસ્તૃત માર્ગદર્શન અપાશે.

મંત્રીશ્રીએ ચિલ્ડ્રન હોમના વિવિધ વિભાગોની મુલાકાત લઇ અહી નિવાસ કરતાં બાળકોના ખબર-અંતર પણ પૂછ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી વિનુભાઈ મોરડિયા, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જે.એમ.ઠાકોર, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના સભ્ય શ્રીમતી રૂપલબેન શાહ, સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશભાઈ ચૌધરી અને ઉર્વીબેન પરમાર સહિત ચિલ્ડ્રન હોમના કર્મચારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

June 3, 2018
jbcscmain.jpg
1min18350

ભારત વૈશ્વિક કક્ષાએ “વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી(૫-જુન-૨૦૧૮) માટે યજમાન બન્યુ છે, આ વર્ષની મુખ્ય થીમ “પ્લાસ્ટિક પ્રદુષણને મહાત કરો (beat plastics pollution) પર એક અઠવાડિયું જનજાગૃતિ, સફાઈ ઝુંબેશ વગેરે કાર્યક્રમો માતા પાયે હાથ ધરવામાં આવનાર છે, તેનાં ભાગ રૂપે ગુજરાત સરકારનાં વન અને પર્યાવરણ વિભાગના, સુરત વન વિભાગ, અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર-સુરતના  સંયુક્ત ઉપક્રમે ૫-જુન-૨૦૧૮ના રોજ સમગ્ર જીલ્લામાં મહુવા, માંડવી, ઉમરપાડા, ચોર્યાસી, રેન્જ(ડુમસ) પર અને સુરત શહેર કક્ષાએ વિવિધ કાર્યક્રમો જેવાકે  બાળકો માટે ચિત્ર સ્પર્ધા, પ્લાસ્ટિક કચરાની સફાઈ, વૃક્ષારોપણ, રોપાવિતરણ,  જનજાગૃતિ રેલીઓ, પ્રવચનો,વગેરે કાર્યક્રમો/પ્રવૃતિઓ રાખવામાં આવેલ છે, 

 

રસ ધરાવનાર બાળકો જે તે રેન્જ ઓફિસનો સંપર્ક કરવા, શ્રી પુનીત નાયર, નાયબ વન સંરક્ષક,સુરત વન વિભાગ અને જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરતના ડાયરેકટર શ્રી જી.એન.કાકડીયા, દ્વારા જણાવામાં આવે છે, આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી પ્લાસ્ટિકના પ્રદુષણથી થતા નુકશાન અને તેને દુર કરવા અત્યારથી જાગૃત થાય તે મુખ્ય આશય છે. બાળકોએ ચિત્રો દ્વારા પોતાની વેદના અને સામે ઉપાયો ચિત્રણ દ્વારા ખુજ સરસ રીતે પ્રસ્તુત કરવામાં આવશે.ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ-સુરત દ્વારા પણ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર- સુરત, વાસુદેવ સ્માર્ત પ્રાથ. શાળા નં.૪ , પીપલોદ ખાતે વૃક્ષારોપણ અને સફાઈ જેવા કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

June 1, 2018
rutu1.jpg
1min17290

એર એશિયાની બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટના કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામીને ખાસ ડ્યૂટી સોંપવામાં આવી કેમકે એર એશિયાની વિશિષ્ટતા છે કે જે તે શહેરની પહેલી ફ્લાઇટના પાઇલટ તેમજ કેબિન ક્રુ મેમ્બર્સ જે તે શહેરના મૂળ વતની હોય તેવા સ્ટાફને મોકલે છે

આજે એર એશિયા દ્વારા બેંગ્લોર ટુ સુરતની ફ્લાઇટનું પહેલું વિમાન બેંગ્લોરથી સુરત આવ્યું હતું. આ ફ્લાઇટની અનેક વિશેષતાઓ હતી પરંતુ, એક વિશેષતા એ પણ નોંધનીય છે કે આ ફ્લાઇટમાં કો-પાઇલટ તરીકે રુતુ ગોસ્વામી નામનો યુવાન હતો. રુતુ ગોસ્વામી જન્મે સુરતી છે. રુતુ ગોસ્વામીનો જન્મ સુરત થયો અને એ પછી પાંચ વર્ષ સુધી રુતુ ગોસ્વામીનો ઉછેર સુરત થયો હતો.

એર એશિયા કંપનીની ખાસિયત છે કે જે શહેરમાં પહેલી ફ્લાઇટ રવાના કરતી હોય ત્યારે એ ફ્લાઇટમાં જે તે શહેરના વતની હોય તેવા પાઇલટ અગર તો કેબિન ક્રુ મેમ્બરને ખાસ ડ્યૂટી સોંપે છે. આ પરંપરાના ભાગરૂપે રુતુ ગોસ્વામીની પસંદગી કરવામાં આવી હતી.

બેંગ્લોરથી ફ્લાઇટ સુરત આવી પહોંચી ત્યારે વોટરકેનનથી તેનું સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે રુતુ ગોસ્વામીએ ફ્લાઇટ ડ્યૂટી પૂરી કરીને એરપોર્ટ પર આવ્યા ત્યારે સુરતીઓનો આનંદ સાતમે આસમાને હતો. સુરતને નવી ફ્લાઇટ બેંગ્લોરની તો મળી જ પરંતુ, સાથોસાથ તેને પહેલી વખત ઉડાડીને જે પાઇલટ લાવ્યા તે પણ જન્મે સુરતી છે.

રુતુ ગોસ્વામીએ એરપોર્ટ પર સી.આઇ.એ. સંવાદદાતાને જણાવ્યું કે સ્વાભાવિક છે કે જ્યાં જન્મ થયો હોય તે શહેરમાં પહેલી ફ્લાઇટ ફ્લાય કરીને આવવાનો આનંદ સવિશેષ હોય. રુતુ ગોસ્વામીએ કહ્યું કે તેનો પરિવાર મૂળ ભૂજના છે. તેમના પિતાની સુરત ટ્રાન્સફર થઇ ત્યારે પરિવાર સુરત આવ્યો હતો અને એ સમયે જ રુતુ ગોસ્વામીનો જન્મ સુરતમાં થયો હતો. રુતુના જન્મ પછી પાંચ વર્ષ સુધી તેમનો પરિવાર સુરતમાં રહ્યો હતો આમ, સુરતમાં જન્મીને ઉછરેલા રુતુ ગોસ્વામીએ આજે બેંગ્લોરથી સુરતની પહેલી ફ્લાઇટ ઉડાડી એ એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. સુરત એરપોર્ટ પર પ્લેન ઉડાડીને આવેલા રુતુ ગોસ્વામીને આવકારવા ખુદ તેનો સમગ્ર પરિવાર પણ એરપોર્ટ પર ઉપસ્થિત હતો.

એરપોર્ટ પર નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ,  શ્રીમતી દર્શનાબેન જરદોષ, ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી હેતલ મહેતા, શ્રી કલ્લુભાઇ દેસાઇ તેમજ અન્ય અાગેવાનોએ રુતુ ગોસ્વામીને ફ્લાવર બુકે આપીને શુભેચ્છાઓ પાઠવી હતી.

May 30, 2018
water-recycle.jpg
1min14470

સમગ્ર વિશ્વમાં બે દાયકા પૂર્વેથી જે સિસ્ટમ અમલી બની છે એ વોટર રિસાઇકલ પોલીસીનો અમલ ગુજરાતમા મોડે મોડે પણ, દેર આયે દૂરસ્ત આયે ની રુએ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે મોડે મોડે પણ એક વખત ઉપયોગમાં લેવાયેલા પાણીને શુદ્ધ કરીને તેનો ઉપયોગ પીવાના પાણી સિવાય અન્ય સ્થળો પર કરવા માટેની એક યોજના ઘડી કાઢી છે.

રાજ્યમાં સુરત મહાનગરપાલિકા એવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે જેણે સૌ પ્રથમ વખત વોટર રિસાઇકલ પ્રોજેક્ટ સાકાર કરી બતાવ્યો હતો. સુરતમાં ઇન્ડસ્ટ્રીઝમાં વપરાયેલા પાણીને ટર્શરી પ્લાન્ટમાં ટ્રીટ કર્યા બાદ હાલમાં ફરીથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યનાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વોટર રીસાઇકલ પૉલિસીની જાહેરાત કરી છે. રાજ્યમાં પ્રથમવાર વોટર રીસાઇકલ પૉલિસી અમલમાં આવી છે. આ પૉલિસી પ્રમાણે શહેરોનાં ગંદા પાણીને ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. ગંદા પાણીને રીસાઇકલ કરી ઇન્ડસ્ટ્રીઝનાં ઉપયોગમાં લેવામાં આવશે.

અમદાવાદમાં આવેલી સાબરમતી નદી રીસાઇકલ વોટરથી ભરાશે. રાજ્યનાં આઠેય મહાનગરો સમેત દરેક મોટા નગરમાં ગંદા પાણી રીસાઇકલ કરીને ફરીથી ઉપયોગ કરવામાં આવશે.

મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. કે, ગંદા પાણીને શુદ્ધ કરવા 161 એકમો છે. 2030 સુધીમાં 100 ટકા પાણીને શુદ્ધ કરવાની પૉલિસી બનાવવામાં આવી છે. અત્યારે 2600 એમએલડી પાણીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. બે વર્ષમાં 2800 એમએલડી પાણીનાં શુદ્ધિકરણની યોજના છે. જેમાં દરિયાનાં ખારા પાણીને મીઠું બનાવવાનો પણ પ્લાન છે.

May 26, 2018
social-security-scheme.jpg
1min12650

સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજ દ્વારા અનોખી ‘સામાજિક સુરક્ષા યોજના’ અમલમાં મુકવામાં આવી છે. આ યોજનામાં ૧,૪૦૦થી વધુ સભ્યો નોંધાયા છે. ચાર વર્ષમાં સમાજના ૨૮ સભ્યોના અવસાન થયા છે. તેમણે યોજનામાં ૨.૮૯ લાખ જમા કરાવ્યા હતા. જ્યારે તેમના પરિવારને રૂ. ૨૦.૩૩ લાખ ચૂકવવામાં આવ્યા છે.

સમાજના પ્રમુખ પ્રફૂલભાઇ આર. તલસાણીયા કહે છે કે, સમાજના જ રૂપિયા સમાજના લોકોના કામમાં આવે તેના માટે આ યોજના શરૂ કરાઇ છે, જેમાં ૨૧ વર્ષથી માંડીને ૬૫ વર્ષ સુધીનો સમાજનો કોઇ પણ વ્યકિત સભ્ય બની શકે છે. જેણે એક વખત નક્કી કરેલું પ્રીમિયમ ભરવાનું હોય છે. ૨૧ વર્ષના યુવક માટે રૂ. ૫૦૦ જયારે ૬૫ વર્ષના સભ્ય માટે રૂ. ૧૪,૮૦૦ પ્રીમિયમ નક્કી કરાયું છે.

આ પ્રીમિયમમાંથી એક રૂપિયો પણ વાપરવામાં આવતો નથી. ઉદાહરણ તરીકે પ્રથમ વર્ષે જ્યારે યોજનામાં ૫૦૦ સભ્યો હતા. પ્રથમ વર્ષે બે સભ્યોના અવસાન થયા હતા. તે બે સભ્યો માટે તમામ સભ્યદીઠ રૂ. ૨૦૦ (દરેક મૃતકના રૂ.૧૦૦) ઉઘરાવવામાં આવ્યા. એટલે રૂપિયા એક લાખ એકત્રિત થયા. જે પૈકી ૮૦ ટકા રકમ એટલે કે બન્ને મૃતકોના સ્વજનોને રૂ. ૪૦-૪૦ હજાર આપી દેવામાં આવે છે. ૨૦ ટકા રકમ ટ્રસ્ટ પાસે રાખવામાં આવે છે. જેનો ઉપયોગ કોઇ હોનારત વખતે ઉપયોગમાં લઇ શકાય.

ડોક્ટરોની યોજના પરથી યોજના તૈયાર કરી

ડોક્ટર સમાજના સૌથી જાગૃત નાગરિકો ગણાય છે. તબીબોએ આવી યોજના અમલમાં મૂકી હતી. તેના ઉપરથી પેરણા લઇને અમારા સમાજ માટે પણ આ યોજના શરૂ કરી છે. જેને ખૂબ જ સરસ આવકાર મળી રહ્યો છે. ગયા વર્ષે તો વ્યાજના આવક થતાં તમામ સભ્યોને ચાંદીનો સિકકો બોનસ તરીકે આપવામાં આવ્યો હતો. દરેક સમાજ જો આવી યોજના અમલમાં મૂકે તો ચોક્કસ ફાયદો જ થાય.

કોઇ પણ સભ્યનું અવસાન થાયો તે અઠવાડિયામાં જ તેને મળવાપાત્ર રકમ કોને આપવી? તેની વિગતો સભ્ય ફોર્મ સાથે જ ભરી દેવામાં આવતી હોય છે. જેમાં એક પ્રિન્સિપલ નોમીની હોય. જો તે ન હોય તો પ્રથમ વૈકલ્પિક નોમીની અને દ્વિતીય વૈકલ્પિક નોમીનીની વિગતો પણ સબમીટ કરવાની હોય છે. જેને લઇને ચોક્કસ વ્યક્તિના હાથમાં ચેક સોંપી શકાય.

May 26, 2018
kanya.jpg
1min12360
વડોદરાની 25 વર્ષિય નિશીતા રાજપૂતે શરૂ કરેલા બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને ભારે સફળતા મળી રહી છે. છેલ્લા 6-7 વર્ષથી નિશીતા રાજપૂત આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતા પરિવારોની દિકરીઓના અભ્યાસ માટે શાળાની ફી ભરીને દીકરીઓને શિક્ષિત કરવાની નેમ શરૂ કરી છે. ત્યારે આ વર્ષે નિશીતા 10 હજાર વિદ્યાર્થીનીઓની કુલ એક કરોડ રૂપિયા જેટલી ફી વિવિધ શાળાઓમાં ભરશે. અત્યાર સુધીમાં અસંખ્ય દિકરીઓ આ અભિયાનને કારણે શાળામાં અભ્યાસ કરી શિક્ષિત બની રહી છે. જેના કારણે દિકરીના વાલીઓ પણ નીશિતાની આ કામગીરીને ખૂબ આવકારી રહ્યા છે.
ગુલાબ રાજપુત અને તેમની દીકરી નિશિતા રાજપુતે ગરીબ છોકરીઓને ભણાવવા માટે ફી પેટે દરેકને 1000 રૂપિયા આપી રહ્યા છે. ગરીબ બાળકીઓના શિક્ષણ માટે તેઓ એક કરોડનું ડોનેશન ભેગું કરશે. નીશિતા પોતાની આ કામગીરી દાતાઓની મદદથી આગળ વધારી રહી છે. જેમાં અભિયાનની શરૂઆતમાં ફંડની અછત અનુભવાતી હતી. પરંતુ ધીરે ધીરે નિશીતાને વિવિધ દાતાઓ તરફથી નાણાકીય મદદ મળતી ગઈ.
ગુલાબભાઈ રાજપૂતે કહ્યું કે ફી પેટે તેઓને અત્યાર સુધીમાં 22 લાખ રૂપિયાના ચેક મળ્યા છે. ચેક સ્વરૂપે મળતી આ મદદને સીધી શાળામાં જમા કરાવવામાં આવે છે. એટલુ જ નહી દાતાઓની મળેલી રકમ કઈ શાળામાં કઈ દિકરીની ફી પેટે વપરાઈ છે તેની લેખિતમાં પણ જાણકારી આપવામાં આવે છે. દાતાઓ દ્વારા પણ દર વર્ષે વિદ્યાદાનની રકમમાં વધારો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. નિશીતાના આ ભગીરથ અભિયાનને વડોદરાવાસીઓએ ખૂબ બિરદાવ્યુ છે.
અમારી આર્થીક સ્થિતી એવી ન હતી કે મારી બે દિકરીઓ છે એ શાળામાં આગળ અભ્યાસ કરી શકે નીશીતાએ મારી દિકરીઓની ફિ ભરી આજે અમને એક આશા બંઘાઇ છે અને મારી દિકરીઓ ઉત્સાહથી અભ્યાસ કરી રહી છે, આંમ બેટી બચાવ- બેટી પઢાવને સાચા અર્થમાં વડોદરાની એક દીકરીનાં અનોખા અભિયાનની મદદ થી પ્રોત્સાહન મળી રહ્યું છે.
May 25, 2018
parenting.jpg
1min5560

આજકાલ પેરન્ટિંગ ક્લાસિસ કે પ્રી-નેટલ ક્લાસિસ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા જાય છે એટલે હું પણ જાઉં છું એટલું જ નહીં, પેરન્ટિંગ પોતાનામાં એક બિઝનેસ બની ગયું છે. જે લોકો આ પ્રકારના કોર્સ કરવા જાય છે એમાંથી કેટલાક ખરેખર એવા હોય છે જેમને પેરન્ટિંગને વધુ સમજવાની ઇચ્છા હોય છે, પરંતુ બાકીના લોકો એવા પણ હોય છે કે જે ફક્ત બીજાને જોઈને આ પ્રકારના ક્લાસિસમાં જતા હોય છે. પોતાના બાળકને બેસ્ટ દેવાની હોડ દરેક માતા-પિતાની હોય છે, પરંતુ બાળકને બેસ્ટ એની પાછળ પૈસા ખર્ચવાથી, મોંઘા ક્લાસિસમાં જવાથી કે કોઈ બીજાની સલાહથી આપી શકાતું નથી. બાળકને બેસ્ટ ત્યારે મળે છે જ્યારે બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ બેસ્ટ હોય. એક અભણ માતા-પિતા પણ બાળકને ચળકતો સિતારો બનાવી શકે છે, ખૂબ ભણાવી શકે છે અને ખૂબ આગળ વધવામાં પૂરો સહયોગ આપી શકે છે. અંતે તો પેરન્ટિંગ ક્લાસમાં જઈને નહીં, બાળક સાથે રહીને જ આવડે છે. પેરન્ટિંગ દરમ્યાન ઘણી ભૂલો પણ થાય છે, પરંતુ એ ભૂલોમાંથી શીખે અને પોતાના બાળકની પરવરિશના માર્ગમાં એ ભૂલોને ન આવવા દે એ જ યોગ્ય પેરન્ટિંગનો માર્ગ છે. ભૂલો કરતાં-કરતાં શીખવાથી જે પેરન્ટિંગ આવડે એ કોઈ ક્લાસમાં શીખવાતું નથી. લોકો પહેલાં કરતાં પેરન્ટિંગ બાબતે ઘણા જાગ્રત થયા છે. હકીકત એ છે કે નવા પેરન્ટ્સ તરીકે બાળક માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સજ્જ રહેવું અત્યંત જરૂરી છે. જો એ સજ્જતા ક્લાસમાં જઈને આવતી હોય તો પણ ઠીક છે કે પછી જો ખુદના પ્રયત્નો સાથે કે ફૅમિલીની મદદથી આવી હોય તો પણ બેસ્ટ જ છે. જરૂર છે સજ્જ થવાની પછી રીત કોઈ પણ હોય.

આજે સમય ઘણો જુદો છે. દરેક યુવાન માતા-પિતા બનવા માટે પહેલાં પોતે સજ્જ થાય છે. આ સજ્જતામાં આર્થિક પાસું મોટું છે. એની સાથે-સાથે દરેક યુગલ પોતાના બાળકને કેવું જીવન આપવા માગે છે, કેવા સંસ્કાર આપી શકશે કે તેનું ઘડતર કેમ કરશે એ બાબતે પણ સજ્જ થવાના પ્રયત્નો પોતાની ક્ષમતા પ્રમાણે કરતું જોવા મળે છે. મારે મારા બાળકને કેમ મોટું કરવું એ બાબતે વિચાર કરતાં માતા-પિતા ઘણાં જોવા મળે છે. જોકે અમુક એવાં પણ છે જેમને ખાસ સમજ નથી પડતી, પરંતુ તેમને એટલી સમજ ચોક્કસ પડે છે કે બાળકો એમનેમ મોટાં નથી થઈ જતાં. પોતાને સજ્જ કરવાં, બાળક મોટું કેમ કરવું અને તેને મોટું કરવામાં નડતા અઢળક પ્રશ્નોને ઉકેલવા માટે આજકાલ પ્રોફેશનલ હેલ્પ મળવા લાગી છે. ઠેર-ઠેર પેરન્ટિંગ કોર્સ શરૂ થયા છે. ઠેર-ઠેર પ્રી-નેટલ ક્લાસિસ પણ શરૂ થયા છે. આ કોર્સ અને ક્લાસમાં જનારાં યુવા યુગલોની સંખ્યા વધતી જાય છે. જે જાણે છે એ સમજે છે કે પેરન્ટિંગમાં કોઈ પણ મેથડ ૧૦૦ ટકા સાચી ન હોય શકે. દરેક બાળકે અને દરેક પેરન્ટ્સે એ મેથડ બદલવાની. કોઈ પણ પ્રકારના પેરન્ટિંગને આદર્શ પેરન્ટિંગ ન ગણાવી શકાય. તો પછી આ કોર્સમાં શીખવાનું શું? શું ખરેખર કોઈ કોર્સ આપણને સારાં માતા-પિતા બનવાનું શીખવી શકે? જો એવું ન હોય તો બધાં શું કરવા માટે કોર્સ શીખી રહ્યાં છે?

 

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંનું પેરન્ટિંગ ઘણું અલગ હતું. લોકો માનતા હતા કે બાળક ઈશ્વરની દેન છે, એ પોતાના નસીબનું લઈને આવશે, આપણે ચિંતા કરવા જેવી નથી. બાળકો ક્યાં રમે છે? શું કરે છે? શું વિચારે છે? કયા ધોરણમાં ભણે છે? પાસ થયાં કે નહીં એની ઝાઝી ચિંતા એ સમયનાં મા-બાપ કરતાં નહીં. એકંદરે બાળક તેનો રસ્તો ખુદ પસંદ કરતું અને આગળ વધતું. જે આગળ વધી શકે એ વધી જતું, જે રહી જાય તેના બાબતે પણ માતા-પિતા ટેન્શન લેતાં નહીં, તેને જરૂર પડ્યે સપોર્ટ કરતાં અને બધાં એકસાથે જીવી જાણતાં. જોકે એવું નથી કે પહેલાંનું પેરન્ટિંગ ઘણું સારું હતું. એ સમયે બાળકોના દરેક પ્રૉબ્લેમને એક ઝાપટ સાથે સૉલ્વ કરવાનો રિવાજ હતો. જીદ કરે તો ઝાપટ, ખોટું બોલે તો ઝાપટ, પૂછો એનો જવાબ ન આપે તો ઝાપટ, જે કહો એ ન માને તો ઝાપટ. બાળક કહે કે મને આ જોઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની અને એ ના કહેવું જ બસ થઈ ગયું. તેને એ સમજાવવાની જરૂર નહોતી કે શું કામ તને ના પાડી.

May 25, 2018
agri.jpg
1min18470

૭૭ વર્ષના વયોવૃદ્ધ ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અન્યોને પ્રેરણા પુરી પાડી રહ્યા છેઃ

સમગ્ર ગ્રીન હાઉસ પ્રોજેક્ટ સોલાર પેનલની પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ચાલે છેઃ

૪૦ ગુંઠાના ગ્રીન હાઉસમાં કાકડી અને ટામેટાનું વાવેતર કર્યું છેઃ

દક્ષિણ ગુજરાતના ખેડૂતો ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે.

હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. પણ નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે કુદરત પર આધાર રાખ્યા વિના ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજય સરકારે કૃષિ મહોત્સવની શરૂઆત કરી ત્યારથી જ કૃષિ અર્થતંત્રમાં બદલાવ આવ્યો છે. હજારો ખેડૂતોએ આધુનિક ટેકનોલોજી અપનાવીને પોતાની આવક બમણી કરી છે.
સુરત જિલ્લામાં ગ્રીનહાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.

એમ.એસ.યુનિવર્સિટીમાંથી ઈલેકટ્રીક એન્જિનિયરીંગ કરીને ઈલેકટ્રીક એન્જિનિયર તરીકેની નોકરી છોડી નવતર ખેતી કરતા સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કદરામા ગામના ૭૭ વર્ષના વયોવૃધ્ધ ખેડૂત લલિતભાઈ નાથુભાઈ પટેલે ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી કાકડીનું માતબર ઉત્પાદન મેળવીને અન્યોને પણ પ્રેરણા પુરી પાડી છે.
સુરત માહિતી ખાતાની ટીમ સાથેની એક મુલાકાતમાં વાત કરતા લલિતભાઈ કહે છે કે, શરૂઆતમાં અમો શેરડી, ડાંગર જેવા પરંપરાગત પાકોની ખેતી કરતા હતા. પરંતુ બદલાતા સમય સાથે આજના આધુનિક અને ઝડપી યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ નથી.
લલિતભાઈ પુત્ર જતીનભાઈ પટેલ સાથે ત્રણેક વર્ષ પહેલા જિલ્લામાં યોજાયેલા કૃષિ મહોત્સવમાં ગયા હતા. જયાં વૈજ્ઞાનિકોએ આધુનિક ટેકનોલોજી અંતર્ગત ગ્રીન હાઉસ/નેટ હાઉસ વિશેની માહિતી આપી. ત્યાર બાદ પિતા-પુત્રએ બાગાયત ખાતાના અધિકારીઓનો સંપર્ક કર્યો, જ્યાં ગ્રીન હાઉસ-નેટ હાઉસની વિગતો મેળવી. બાગાયતના અધિકારીએ આણંદ જિલ્લામાં યોજાયેલા પ્રેરણા પ્રવાસમાં આવવા જણાવ્યું. જેથી જતીનભાઈએ ૧૫ દિવસ દરમિયાન આણંદ ખાતે પ્રેરણા પ્રવાસ, ટ્રેનિંગ દરમિયાન ત્યાંના પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લઈને અનુભવોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉપરાંત ગ્રીન હાઉસ અને નેટ હાઉસમાં આપવામાં આવતી સબસીડી તથા કેવા વાતાવરણમાં કયું ઉત્પાદન લઈ શકાય તેની પ્રત્યક્ષ મુલાકાત લીધી. પુત્ર જતિનભાઈ સાથે લલિતભાઈએ ચર્ચા કરીને કહ્યું કે, ‘હવે આધુનિક ટેકનોલોજી વિના ચાલે તેમ નથી. સ્વભાવે સાહસિક અને પ્રયોગશીલ એવા પિતા-પુત્રએ તમામ વિગતો મેળવીને પ્રથમ ૨૦ ગુંઠામાં નેટહાઉસ બનાવ્યું. તેમા પ્રથમ પ્રયાસે ૧૩ ટન ખીરા કાકડીનું ઉત્પાદન લીધા બાદ આ જ નેટહાઉસમાં કેપ્સિકમ મરચાનું ઉત્પાદન લીધું, જેમાં સવા લાખના ખર્ચ બાદ કરતા ચોખ્ખો ચાર લાખનો નફો થયો હતો.

સારૂ એવું ઉત્પાદન મળતા હવે ગ્રીન હાઉસમાં કાકડીનું વાવેતર કરવાનો નિર્ધાર કર્યો. ગ્રીન હાઉસ એટલે, પ્લાસ્ટિક અથવા પારદર્શક આવરણવાળું ગૃહ. જેમાં વધુ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે જરૂરી વાતાવરણનું નિયંત્રણ કરી શકાય છે. લલિતભાઈએ ૪૦ ગુઠા જમીનમાં હાઈટેક ગ્રીન હાઉસ તૈયાર કર્યું. જેમાં કુલ ૩૭ લાખના ગ્રીન હાઉસમાં સરકારની ૬૫ ટકા એટલે ૨૪ લાખ જેટલી રકમની સબસીડી પ્રાપ્ત થઈ છે. આ પ્રોજેકટમાં ૨૦ ગુંઠામાં કાકડી અને ૨૦ ગુંઠામાં ટામેટાનું વાવેતર કર્યું છે.
લલિતભાઈ કહે છે કે, કાકડી એ ચાર મહિનાનો પાક છે. અમોએ, જાન્યુઆરી-૨૦૧૮માં એક બીજ ૭ રૂા.ના ભાવે લાવીને કાકડીના ૬ હજાર રોપાઓ તૈયાર કરીને વાવેતર કર્યું. ૪૦ દિવસમાં ઉત્પાદન ચાલુ થયું. સમયાંતરે ૨૫૦ થી ૫૦૦ કિલો કાકડીનું ઉત્પાદન મળે છે. ૩૦૦ થી ૪૦૦ મણદીઠ બજાર ભાવ મળ્યો છે. ચાર મહિના દરમિયાન ૧૪ થી ૧૫ ટન કાકડીનું ઉત્પાદન મળ્યું છે. આમ, રૂ. ૧,૮૦,૦૦૦માં ૪૦ હજારનો ખર્ચ બાદ કરતા ૧.૪૦ લાખનો નફો થયો છે. જ્યારે ટામેટાનું ઉત્પાદન ટુંક સમયમાં શરૂ થઈ જશે. વેચાણની વિશે વાત કરતા તેઓ કહે છે કે, સામાન્ય રીતે કાકડીનો ઉપયોગ કચુંબર-સલાડ બનાવવા હોટેલોમાં વધુ થતો હોઈ તેની ભારે માંગ રહે છે. ગ્રીન હાઉસમાં ઉત્પાદિત કાકડીની ઉચ્ચ ગુણવત્તા હોવાના કારણે માંગ સારી રહે છે.
ગ્રીન હાઉસની વિશેષતા વિશે વાત કરતા લલિતભાઈ કહે છે કે, કાકડીના પાક માટે ૨૫ થી ૨૭ ડિગ્રી તાપમાન અનુકૂળ રહે છે. જેથી અમોએ ગ્રીન હાઉસની ઉપર આઉટર સ્પ્રિંકલર ગોઠવ્યા છે, જે ચાલુ કરતા પાણીનો છંટકાવ થાય છે. જેના કારણે અંદરનું તાપમાન જાળવી શકાય. અંદર પણ ફોગીંગ દ્વારા વાતાવરણને નિયંત્રિત રાખી શકાય છે.
નવાઈની વાત તો એ છે કે, આ સમગ્ર પ્રોજેકટમાં ડ્રીપ ઈરિગેશન પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. જેમાં સોલાર પાવર પેનલ મૂકવામાં આવી છે. ૫ એચ.પી.ની મોટર સોલાર પેનલથી ચાલે છે. નાબાર્ડ મારફતે મળતી સોલાર પેનલની યોજનામાં ૫ લાખમાં ૫૦ ટકા સબસીડી મેળવી ઉપરાંત જી.જી.આર.સી. યોજનામાં ૫ લાખના પ્રોજેકટમાં ૭૫ હજાર ભર્યા, જયારે બાકી ૪.૫૦ લાખની સબસીડી પ્રાપ્ત થઈ હોવાનું લલિતભાઈએ કહ્યું હતું. આ પુનઃપ્રાપ્ય ઉર્જા હોવાને કારણે લાઈટ બિલમાંથી તો જાણે કાયમી મુકિત મળી છે. તેઓ ગર્વભેર કહે છે કે, જો હુ આ ઉમરે આટલી મહેનતથી ખેતીમાં સફળતા મેળવી શકું છું, તો યુવા ખેડૂતો ચોક્કસથી ખેતીમાં નવા અભિગમ સાથે પ્રયોગાત્મક પગલા લે તો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. મહાત્મા ગાંધી કહેતા કે, ચીલાચાલુપણું અને નકલ એ ગર્દભનું લક્ષણ છે. આધુનિક ટેકનોલોજી અપનાવીને ચાલીશું તો ઝડપભેર આગળ વધી શકાય છે. ખેતીમાં નાના પાયે કરેલી શરૂઆતનો અંત પણ સુખદ હશે.

May 25, 2018
1812.jpg
1min12750

હતાશ મહિલાને કૂનેહપૂર્વક સમજાવીને ૧૮૧ અભયમે નવજીવન આપ્યું

૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમ મહિલાઓ માટે આધાર સમાન બની રહી છે. વિકટ પરિસ્થિતિમાં સ્ત્રીઓની વ્હારે આવીને અભયમે ઉમદા કામગીરી બજાવી છે. સુરતમાં તાજેતરમાં જ બનેલા એક કિસ્સામાં સુરત અભયમ ટીમે ફરીવાર એક મહિલાને ત્વરિત મદદ પહોચાડીને મહિલાઓ ની સંકટમોચક હોવાનો પરિચય આપ્યો છે. એક જાગૃત્ત વ્યક્તિએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર કૉલ કરી જણાવ્યું કે એક મહિલા રેલવે ટ્રેક પર ગુમસુમ બેઠી છે, કદાચ તે આત્મહત્યા કરવાના ઈરાદાથી રેલ્વે ટ્રેક પર બેઠી હોય એવું તેના હાવભાવ પરથી જણાઈ આવે છે. અમે તેને સમજાવીને ઊભી કરી, પરંતુ વારંવાર રેલવે ટ્રેકમાં જવા પ્રયત્ન કરે છે.

કોલ મળતાની સાથે જ કતારગામ સ્થિત અભયમ રેસ્કયુવાન તાત્કાલિક દર્શાવેલ સ્થળે પહોંચીને મહિલાને મળીને તેને સાંત્વના આપી નરમાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની આપવીતી જણાવી હતી. તેણે કહ્યું કે તેનું નામ રીમાબેન (નામ બદલ્યું છે) છે. પોતાના પતિ અને સંતાનો સાથે સપરિવાર પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે. તેના મોટા દીકરાના લગ્ન આગામી ૧૫મી તારીખે થવાના છે. લગ્નના ખર્ચને પહોંચી વળવા નાણાની જરૂરિયાત હોવાથી ગાંધીધામમાં રહેતા સંબંધી પાસે ઉછીના પૈસા લેવા માટે વાત કરતા તેમણે નાણા આપવા માટે ખાતરી આપી હતી. આમ, લગ્ન પહેલા તેઓએ પૈસાની મદદ કરવાની હા પાડી હતી, પરંતુ લગ્નની તારીખ નક્કી થતા અમે પૈસા લેવા ગયા તો સંબંધીએ અમને ઘસીને ના પાડી દીધી કે ‘પૈસાની વ્યવસ્થા મારાથી થઈ શકી નથી, તમે બીજેથી શોધી લો.’

સંબંધી પાસેથી આવો જવાબ મળશે તેવી કલ્પના પણ તેમણે કરી ન હતી. ઘેરી ચિંતામાં મૂકાઈ ગયેલા આ દંપતિને કઈ રસ્તો ન સુઝતા રીમાંબેને હવે ‘આત્મહત્યા કરવા સિવાય કોઈ માર્ગ ન હોવાનું પ્રતિત થતાં રેલવે ટ્રેક પર આપઘાત કરવાનું નક્કી કરી ઘરેથી નીકળી ગયા હતા. ટ્રેકની પાસે જતાં આવતા રાહદારીઓએ તેને સમજાવીને રોકી રાખી હતી. અને બાદમાં ૧૮૧ પર સંપર્ક કર્યો હતો.

મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલરે તેમને ખૂબ જ ધીરજથી સાંત્વના આપીને આપઘાતના વિચારો મનમાંથી કાઢી મૂકવાનું સમજાવી તથા આપઘાત કરવાથી સમસ્યાનું નિરાકરણ થઈ શકે નહીં, પરંતુ ઉલટાની સમસ્યામાં વધારો થશે એમ કહીને હૈયાધારણા આપી હતી. આવા અવિચારી પગલાથી સંતાનો નોંધારા થઇ જશે તેમજ પતિ અને પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ જશે.

સમજાવટથી મહિલાને પોતાની ભૂલ સમજાઈ હતી. મહિલાએ પરિવાર પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરતા તેને પરિવાર પાસે પહોંચાડવામાં આવી હતી. અભયમ દ્વારા પરિવારના સભ્યોને આવી પડેલી મુશ્કેલીનો હિંમતથી સામનો કરવા અને લગ્નની નાણાકીય જરૂરિયાત માટે બીજો વિકલ્પ શોધી પ્રસંગને સુખરૂપ પાર પાડવા અનુરોધ કરી સમજાવવામાં આવ્યા હતા.

આમ, અભયમના ધીરજપૂર્વકની કામગીરીથી એક મહિલાનો જીવ બચાવી શકાયો હતો. અભયમ સેવાનો મૂળ હેતુ આ રીતે મહિ‌લાઓને જીવન ટૂંકાવવાનું અંતિમવાદી પગલું ભરતા રોકવાનો છે. ભૂતકાળમાં પણ સંખ્યાબંધ મહિ‌લાઓને આ હેલ્પલાઈન થકી જ નવજીવન મળ્યું છે.