CIA ALERT

WE Archives - CIA Live

August 30, 2026
image-34-1280x427.png
1min93

એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ઓગસ્ટ 09, 2026ના રોજ યોજાયેલી INCA મેપ ક્વિઝ વેસ્ટ ઝોન 2026માં વેસ્ટ ઝોનલ ચેમ્પિયન બની છે. શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સપ્ટેમ્બર 13, 2026ના રોજ અમદાવાદમાં યોજાનારી નેશનલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે.

ઇન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશન (INCA), ગુજરાત શાખાના નેજા હેઠળ આયોજિત વેસ્ટ ઝોનલ રાઉન્ડમાં સુરત, વડોદરા અને અમદાવાદ ખાતેના કેન્દ્રોમાંથી ક્વોલિફાય થયેલી 100થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી 27 વિદ્યાર્થીઓની બનેલી કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બે કલાકની ક્વિઝમાં ભાગ લીધો, જેમાં ટોપોગ્રાફિકલ મેપ્સ, સેટેલાઇટ ઇમેજરી, ભારતીય અને વિશ્વ ભૂગોળ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો તેમજ ISRO અને સ્પેસ સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

ધોરણ 10ના અથર્વ ત્રિપાઠી, મન ત્રિવેદી અને કનક જૈનની વિજેતા ટીમે ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ની અન્ય બે ટીમોએ પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું – શ્રાવ્યા પટેલ, જતન મોદી અને શ્લોકા ચોક્સીએ 7મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે આરાધ્યા જૈન, કૃષ્ણ કુમાર ભટ્ટ અને જિહાન પટેલ 10માં ક્રમે રહ્યા હતા.
આ જીત એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલ માટે ચોથું ઝોનલ ટાઇટલ છે, જે વિદ્યાર્થીઓની ભૂગોળ, કાર્ટોગ્રાફી, અવકાશીય અર્થઘટન અને વિવિધ વિષયોના જ્ઞાન પરની મજબૂત પકડને પ્રતિબિંબિત કરે છે.

આ સિદ્ધિ અંગે સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલે જણાવ્યું હતું: “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને સમર્પણને ઉજાગર કરે છે. એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલમાં અમે શીખવાના દરેક ક્ષેત્રમાં જિજ્ઞાસા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છીએ.”

August 24, 2026
image-28.png
1min74

જંતર-મંતર ખાતે 1 મહિનાથી વધુ સમય સુધી આંદોલન ચલાવનાર કૉકરોચ જનતા પાર્ટી(CJP) દ્વારા ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીમાં મોટા પાયે એકત્ર થવાની જાહેરાત કરવામાં આવી છે. પક્ષે 5 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ વિરોધ માર્ચ યોજવાની જાહેરાત કરતાં આરોપ લગાવ્યો છે કે, ભારત સરકારે 25 જુલાઈના રોજ યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. પક્ષના જણાવ્યા અનુસાર, સરકારના વચનો બાદ જ યુવાનોએ સદ્ભાવના દર્શાવીને પોતાનો દેશવ્યાપી વિરોધ પાછો ખેંચ્યો હતો.

5 સપ્ટેમ્બરના રોજ યોજાનારી આ શાંતિપૂર્ણ માર્ચ ઇન્ડિયા ગેટથી શરૂ થઈને નવી દિલ્હી પોલીસ મુખ્યાલય તરફ આગળ વધશે. CJPના સહ-સંયોજક સૌરવ દાસ(Sourav Das)ના જણાવ્યા પ્રમાણે, આ વિરોધ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો અને કથિત પોલીસ બર્બરતાનો ભોગ બનેલા લોકો કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તેવી શક્યતા છે. પક્ષે જણાવ્યું કે, ‘અમે જેન જી, યુવા પ્રદર્શનકારીઓ અને મૃતકોના પરિવારો સાથેનો વિશ્વાસઘાત સ્વીકારીશું નહીં. 5 સપ્ટેમ્બર, ઈન્ડિયા ગેટ. યુવાનો ફરી એકવાર એકઠા થશે.’

પક્ષ દ્વારા સોમવારે રાષ્ટ્રીય કાર્યસમિતિની ઓનલાઇન બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં કેન્દ્ર સરકાર અને શાસિત રાજ્યો દ્વારા આપવામાં આવેલા વચનોની સમીક્ષા કરવામાં આવી હતી, જેના આધારે 25 જુલાઈના રોજ વિરોધ પ્રદર્શન પાછો ખેંચાયો હતો. સમિતિના સભ્યોએ સરકારની દાનત પર શંકા વ્યક્ત કરી હતી.

CJP તરફથી બહાર પાડવામાં આવેલા લેખિત નિવેદનમાં જણાવાયું કે, ‘1 મહિનો વીતી ગયો છે. વચનો પૂરા કરવાને બદલે સરકારે માત્ર વિલંબ કર્યો છે અને સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ સ્પષ્ટ ખાતરી આપી નથી. આ સ્થિતિ ચાલુ રહી શકે નહીં. અમારી ધીરજને નબળાઈ ન ગણવામાં આવે. અમારી સદ્ભાવના સરકાર માટે છેતરપિંડી કરવાની તક બની શકે નહીં. રાષ્ટ્રીય કાર્યસમિતિએ 5 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીમાં શાંતિપૂર્ણ માર્ચ યોજવાનો નિર્ણય કર્યો છે.’

નીટ પેપર લીક મામલે જંતર-મંતર ખાતે આંદોલન દરમિયાન પક્ષે સરકાર સમક્ષ મુખ્ય 3 માંગણીઓ રાખી હતી. જેમાં સૌથી મોટી માંગ તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની હતી, જે માંગ પૂરી થયા બાદ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું હતું. આ સિવાય અન્ય 2 મુખ્ય માંગણીઓમાં પેપર લીકની ઘટનાઓને કારણે આપઘાત કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપવું અને આંદોલનકારીઓ સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવાનો સમાવેશ થાય છે. પક્ષનો આરોપ છે કે સરકારે આ બંને વચનો પૂરા કરવાની ખાતરી આપી હતી, જેનો હજુ સુધી અમલ થયો નથી.

August 6, 2026
WhatsApp-Image-2026-08-06-at-07.48.10.jpeg
1min130
  • CA હોય કે CMA કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ RCI જ બેસ્ટ
  • વિદ્યાર્થીઓએ ફાઇનલ અને ઇન્ટરમીડિયેટ બંને પરીક્ષાઓમાં ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યા

જૂન 2024માં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICMAI) દ્વારા લેવામાં આવેલી CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની રાષ્ટ્રવ્યાપી પરીક્ષાઓના પરિણામો આજે જાહેર કરાયા હતા. સુરત કે ગુજરાત જ નહીં બલ્કે સમગ્ર ભારતમાં સી.એ. હોય કે સીએમએ કે અન્ય સર્ટિફિકેશન કોચિંગમાં રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ જ બેસ્ટ છે એ દરેક પરીણામ વખતે પુરવાર થઇ રહ્યું છે. તા.5મી ઓગસ્ટે જાહેર થયેલા સી.એમ.એ.ના પરીણામોમાં પણ રવિ છાવછરીયા ઇન્સ્ટીટ્યુટ, સુરતના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે રેન્ક હાંસલ કરીને અસાધારણ પ્રતિભા દર્શાવી છે. આ સફળતાએ માત્ર સુરતને જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત પ્રદેશને ગૌરવ અપાવ્યું છે.

ઘોડ-દોડ રોડ પર સ્થિત CA રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટ (RCI) ના છ વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.
CMA ફાઇનલ પરીક્ષામાં, પ્રથમ ચૌરાવાલાએ 800 માંથી 603 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 5 મેળવ્યો. દરમિયાન, મહેક જૈન – મૂળ રાજસ્થાનના શ્રીડુંગરગઢના રહેવાસી – 549 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 33 મેળવ્યો. વધુમાં, ક્રિશ મહેતાએ 527 ગુણ મેળવીને ફાઇનલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે.

સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં, હર્ષ જૈન – મૂળ બિકાનેરના – 621 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવ્યો; દિયા ખલાસીએ 614 ગુણ સાથે 7મો ક્રમ મેળવ્યો; પાર્થ અગ્રવાલ – મૂળ અલવર, રાજસ્થાનના – 600 ગુણ સાથે 13મો ક્રમ મેળવ્યો; અને સંકેત રુંગટાએ 571 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 30 મેળવ્યો છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર, 25 માંથી 18 વિદ્યાર્થીઓએ સીએમએ ફાઇનલ પરીક્ષા પાસ કરી, જ્યારે સંસ્થાના 55 થી વધુ વિદ્યાર્થીઓ સીએમએ ઇન્ટરમીડિયેટ પરીક્ષામાં સફળ થયા.

સંસ્થાના મેનેજમેન્ટે તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી, નોંધ્યું કે આ સિદ્ધિ વિદ્યાર્થીઓની સખત મહેનત, શિસ્તબદ્ધ તૈયારી અને ગુણવત્તાયુક્ત માર્ગદર્શનનું પરિણામ છે.

August 1, 2026
image-1.png
1min96

જૂડોમાં દેશને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહે દેશને આ રમતની મેન્સ કૅટેગરીનો પ્રથમ સુવર્ણ અપાવી દીધો

ભારતની અસ્મિતા ડેએ દેશને કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં જૂડો (JUDO)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત અગાઉ આ રમતની હરીફાઈમાં સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યું હતું, પરંતુ ક્યારેય ગોલ્ડ હાથ નહોતો લાગ્યો, પણ હવે એક કલાકની અંદર બે ગોલ્ડ મળ્યા. અસ્મિતાએ ફાઇનલમાં કૅનેડાની હૈદી ક્વૉચને રોમાંચક અને નાટ્યાત્મક મુકાબલામાં હરાવીને વિજય મેળવ્યો હતો અને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. તે કૉમનવેલ્થની જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. પુરુષોમાં હર્ષ સિંહે પણ પોતાના વર્ગની ફાઇનલ જીતીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તે આ રમતોત્સવની જૂડોમાં ચૅમ્પિયન બનેલો બીજો ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ જૂડોકા બન્યો છે.

23 વર્ષની અસ્મિતા ત્રિપુરાની છે અને તેના પિતા સાઇકલ મિકેનિક છે. તેમણે પુત્રીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. 23 વર્ષનો હર્ષ સિંહ અગાઉ ભારત વતી ગ્રાં પ્રિ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. હર્ષ સિંહની આ પહેલી જ કૉમનવેલ્થ છે. બન્નેએ ગોલ્ડ મેડલ જીતી લેતાં ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા પાંચ ઉપર અને કુલ ચંદ્રકોની સંખ્યા 19 ઉપર પહોંચી હતી.

પુરુષોની 60 કિલો કૅટેગરીમાં ભારતના હર્ષ સિંહે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પરાસ્ત કર્યો હતો. ઑસ્ટ્રેલિયા આ વખતની કૉમનવેલ્થમાં હાઇએસ્ટ 50થી વધુ ગોલ્ડ મેડલ અને કુલ 115 ચંદ્રક જીત્યું છે, પણ હર્ષ સિંહે એના જૂડોકાને આ રમતમાં ગોલ્ડ નહોતો જીતવા દીધો. તેનો આ ઑસ્ટ્રેલિયન હરીફ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે તેમ જ ઑસ્ટ્રેલિયાની નૅશનલ ચૅમ્પિયનશિપ અને ઑસનિયા ચૅમ્પિયનશિપ જીત્યો હતો, પણ હર્ષ સિંહ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું.

કૉમનવેલ્થમાં જૂડોને 1990માં પ્રવેશ મળ્યો ત્યાર બાદ ક્યારેય ભારતીય સ્પર્ધકો ગોલ્ડ મેડલ નહોતા જીત્યા. 36 વર્ષમાં ભારતને આ રમતની સ્પર્ધામાં બ્રૉન્ઝ અને સિલ્વરની સફળતા બાદ પહેલી જ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.

મહિલાઓની જૂડોમાં આ 48 કિલો વર્ગનો મુકાબલો હતો જેમાં અસ્મિતા શરૂઆતમાં હરીફથી ઘણી પાછળ હતી. યુકો કૅનેડિયન જૂડોકાની તરફેણમાં જવા ઉપરાંત અસ્મિતાને પેનલ્ટી પણ અપાઈ હતી. જોકે અસ્મિતાએ જોરદાર કમબૅક કરીને તેને હરાવી દીધી હતી.

ચાર મિનિટના આ મુકાબલામાં એકંદરે અસ્મિતાએ જબરદસ્ત દૃઢતા બતાવી હતી. મુખ્ય મુકાબલાના સમયમાં બન્ને સ્પર્ધક એકસરખી સ્થિતિમાં હતી એટલે મુકાબલો ગોલ્ડન સ્કોર પિરિયડમાં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં પ્રથમ સ્કોરિંગ ઍક્શન પરથી વિજેતા નક્કી થાય છે અને એમાં અસ્મિતા જીતી ગઈ હતી.

અસ્મિતાએ ભયંકર પ્રેશરની સ્થિતિમાં ગજબની પ્રતિબદ્ધતા બતાવી હતી અને કૅનેડિયન હરીફથી પાછળ રહ્યા બાદ તેને માત આપી હતી.

July 6, 2026
image-4.png
1min170

વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં લંડનના લોર્ડ્સ મેદાન પર ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવી ટ્રોફી જીતી. 151 રનનો લક્ષ્યાંક ઓસ્ટ્રેલિયાએ 17.1 ઓવરમાં હાંસલ કર્યો. બેથ મૂનીના 64 અને ફોએબે લિચફિલ્ડના 48 રનની મદદથી કાંગારુ ટીમે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે.

ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ ફરી એકવાર ક્રિકેટ જગતમાં પોતાનું આધિપત્ય સાબિત કર્યું છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રવિવારે (5 જુલાઈ) રમાયેલી ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 7 વિકેટે કરારી હાર આપીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આપેલા 151 રનના ટાર્ગેટને ઓસ્ટ્રેલિયાની ટીમે માત્ર 17.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આસાનીથી હાંસલ કરી લીધો હતો. સોફી મોલિનક્સની કપ્તાની હેઠળની કાંગારૂ ટીમે આ સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ મેચ ગુમાવી નથી, જે તેમના મજબૂત ફોર્મને દર્શાવે છે.

મહિલા ટી20 ક્રિકેટના ઇતિહાસમાં ઓસ્ટ્રેલિયાની ટીમ સૌથી સફળ ટીમ રહી છે અને આ વર્ષે જીત સાથે તેમણે રેકોર્ડ 7મી વખત આ ખિતાબ જીત્યો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં પણ વર્લ્ડ ચેમ્પિયન બની ચૂકી છે. ઓસ્ટ્રેલિયા સિવાય અન્ય ટીમોની વાત કરીએ તો ઈંગ્લેન્ડ (2009), વેસ્ટઇન્ડીઝ (2016) અને ન્યૂઝીલેન્ડ (2024) માત્ર એક-એક વાર જ આ ટ્રોફી જીતવામાં સફળ રહ્યા છે.

બેથ મૂની અને લિચફિલ્ડની વિસ્ફોટક બેટિંગ

151 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત નબળી રહી હતી અને બીજી જ ઓવરમાં ઓપનર જોર્જિયા વોલ આઉટ થઈ ગઈ હતી. જોકે, ત્યારબાદ ફોએબે લિચફિલ્ડ અને વિકેટકીપર બેટર બેથ મૂનીએ શાનદાર વાપસી કરાવી હતી. આ બંને વચ્ચે બીજી વિકેટ માટે 100 રનની મેચ વિનિંગ ભાગીદારી થઈ હતી, જેણે ઈંગ્લેન્ડની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.

લિચફિલ્ડે 35 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી ધમાકેદાર 48 રન બનાવ્યા હતા. જ્યારે બેથ મૂનીએ 49 બોલમાં 10 ચોગ્ગા ફટકારીને 64 રનનું મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ બંનેના આઉટ થયા બાદ એલિસ પેરી (અણનમ 13) અને એશ્લે ગાર્ડનર (અણનમ 3)ની જોડીએ ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. ઈંગ્લેન્ડ તરફથી ચાર્લોટ ડીન, સોફી એક્લેસ્ટોન અને લોરેન બેલે 1-1 વિકેટ ઝડપી હતી.

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 150 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ માટે કેપ્ટન નેટ સાઇવર-બ્રન્ટે સૌથી વધુ 53 બોલમાં 5 ચોગ્ગા સાથે અણનમ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બીજી તરફ ફ્રેયા કેમ્પે પણ આક્રમક બેટિંગ કરતા 28 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 44 રન ફટકાર્યા હતા. આ બંને પ્લેયર્સે પાંચમી વિકેટ માટે અણનમ 80 રનની ભાગીદારી કરીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. જોકે, એમી જોન્સ (6 રન), ડેની વ્યાટ-હોજ (8 રન) અને હીથર નાઇટ (2 રન) જેવી સ્ટાર પ્લેયર્સ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કિમ ગાર્થ, લુસી હેમિલ્ટન, સોફી મોલિનક્સ અને એનાબેલ સધરલેન્ડે 1-1 વિકેટ મેળવી હતી.

July 4, 2026
cia_edu-1280x925.jpg
1min138

04/07/2026
એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ફરી એકવાર પોતાની રમત-ગમતની પ્રતિભાને સાબિત કરતાં ગુજરાત સરકારની ફ્લેગશિપ સ્પોર્ટ્સ પહેલ, ખેલ મહાકુંભ 2025 2026ના જિલ્લા સ્તરની ફાઇનલમાં ઓવરઓલ રનર અપ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

વિદ્યાર્થીઓએ ટુર્નામેન્ટની કુલ પોઇન્ટ સિસ્ટમ હેઠળ વિવિધ રમતોમાં ભાગ લીધો અને એથ્લેટિક્સ, સ્વિમિંગ, બાસ્કેટબોલ, ફૂટબોલ, કરાટે, સ્કેટિંગ, લોન ટેનિસ, બેડમિન્ટન તથા ટેબલ ટેનિસમાં ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. તેમના આ પ્રદર્શનને માન્યતા આપતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓને વ્યક્તિગત રોકડ ઇનામ આપવાની સાથો-સાથ એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલને પણ રૂ. 90,000નું રોકડ ઇનામ એનાયત કરવામાં આવ્યું છે.

આ સિદ્ધિ સ્કૂલના રમત-ગમત ક્ષેત્રે સતત રેકોર્ડમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓમાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

આ સિદ્ધિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલે જણાવ્યું છે કે, “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકો દ્વારા દર્શાવાયેલી સમર્પણ, શિસ્ત અને રમત-ગમતની ઉત્તમતા પ્રતિબિંબિત કરે છે. એએમએનએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમે માનીએ છીએ કે રમત-ગમત આત્મવિશ્વાસ, વ્યક્તિત્વ અને નેતૃત્વ ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, અને આ માન્યતા અમને સર્વાંગી ઉત્તમતા પ્રોત્સાહિત કરવા માટે પ્રેરણા આપે છે.”

June 15, 2026
image-7.png
1min201

ભારતની મહિલા ટી-20 ટીમે અહીં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી હરાવીને એને વર્લ્ડ કપના ઇતિહાસમાં વધુ એક નાલેશી તરફ મોકલી હતી. ટી-20 વિશ્વ કપ (T20 WC)માં ભારત હવે પાકિસ્તાન કરતાં 7-2થી આગળ છે. બૅટિંગમાં સ્મૃતિ મંધાના (68 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને બોલિંગમાં દીપ્તિ શર્મા (4-0-10-5)નો દમદાર પર્ફોર્મન્સ હતો. દીપ્તિએ વિક્રમજનક બોલિંગમાં પહેલાં બે વિકેટ લીધી હતી અને મૅચની આખરી બનેલી 17મી ઓવરમાં પાંચ બૉલમાં આખરી ત્રણ વિકેટ લઈ લીધી હતી.

પાકિસ્તાન 171 રનના લક્ષ્યાંક સામે 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી સ્પિનર શ્રી ચરનીએ ત્રણ અને શેફાલી વર્માએ એક વિકેટ મેળવી હતી. વિકેટકીપર ઓપનર મુનીબા અલીના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પાકિસ્તાન વર્લ્ડ કપમાં 10 વર્ષથી ભારત સામે નથી જીત્યું એ જોતાં આ મૅચમાં પણ ભારત જીતવા ફેવરિટ હતું.

ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પાકિસ્તાન (Pakistan)ની 10 ઓવરમાં 72 રનના સ્કોર સુધીમાં ત્રણ વિકેટ લઈ લીધી એને પગલે ફાતિમા સનાની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. ભારતને પાકિસ્તાની ખેલાડીઓને વધુ માનસિક દબાણમાં લાવીને આ મૅચ જીતવાની સારી તક હતી અને એવું જ બન્યું હતું.

એ પહેલાં, ભારતે બૅટિંગ પસંદ કરીને છ વિકેટે 170 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના ભારત વતી ટી-20માં સૌથી વધુ સિક્સર ફટકારવાનો હરમનપ્રીતનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. હરમનની 86 સામે હવે મંધાનાની 87 સિક્સર છે. ભારતની ઇનિંગ્સમાં હરમનપ્રીત કૌર (36 રન, 35 બૉલ, ચાર ફોર) અને વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 17 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ના પણ મહત્વના યોગદાન હતા. વન-ડે વર્લ્ડ કપની સુપરસ્ટાર સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા 12 રન બનાવીને અણનમ રહી હતી. સાદિયા અને કૅપ્ટન ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડનો શ્રીલંકા સામે, સ્કૉટલૅન્ડનો આયરલૅન્ડ સામે, ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે, વેસ્ટ ઇન્ડિઝનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને બાંગ્લાદેશનો નેધરલૅન્ડ્સ સામે વિજય થયો હતો.

February 23, 2026
image-27.png
1min153

ગુજરાત હાઈકોર્ટે એક પિતાની હિબસ-કૉર્પ્સ પિટિશન ડિસમિસ કરી હતી અને કહ્યું હતું કે તેમની 18 વર્ષીય દીકરીએ પોતાની મરજીથી લગ્ન કર્યા છે અને કાયદાકીય દૃષ્ટિએ તેને પોતાનો જીવનસાથી પસંદ કરવાની છૂટ છે. 

પિતાએ અરજીમાં જણાવ્યું હતું કે તેમની દીકરીને એક પુરુષે ગેરકાયદે પોતાની સાથે રાખી છે. જોકે દીકરીએ પરિવારની સંમતિ વિના પોતાની મરજીના પુરુષ સાથે લગ્ન કર્યા હતા. કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે અરજદારની દીકરીને પૂરતી સુરક્ષા સાથે કોર્ટમાં બોલાવવામા આવી હતી અને તેણે જણાવ્યું હતું કે તેણે પોતાની ઈચ્છાથી આ પુરુષ સાથે લગ્ન કર્યા છે. યુવતીએ કોઈપણ પ્રકારના દબાણનો ઈનકાર કર્યો હતો. આ સમયે તેનાં માતા-પિતા પણ હાજર હતા.

પિતાએ પણ લગ્નનો ઈનકાર કર્યો ન હતો અને તેણે પોતાની અરજી સાથે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ જોડ્યું હતું. 
કોર્ટે એમ પણ નોંધ્યું કે અરજદાર પિતા તેમનાં પત્ની અને તેમની દીકરી સાથે વાતચીત કરી હતી, પરંતુ તેમની વચ્ચેનો મતભેદ ઉકેલી શકાયો ન હતો અને પિતા દીકરીને માફ કરવા તૈયાર ન હતા. દીકરીએ પણ સાફ કહ્યું હતું કે તે તેનાં પતિ સાથે જ રહેવા માગે છે. કોર્ટે પિતાની અરજીને ડિસમિસ કરી હતી અને 18 વર્ષની દીકરી 18 વર્ષની થઈ છે અને પોતાની મરજીથી પોતાનું લગ્નજીવન શરૂ કરી રહી છે.

February 4, 2026
image-4.png
1min165

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ત્રણ સગીર સગી બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક પગલા પાછળ ઓનલાઇન કોરિયન લવ ગેમની લત હોવાનું બહાર આવ્યું છે.

ગાઝિયાબાદના ટીલા મોડ વિસ્તારની ભારત સિટી સોસાયટીમાં રહેતા ચેતન કુમારની ત્રણ દીકરીઓ – નિશિકા (16 વર્ષ), પ્રાચી (14 વર્ષ) અને પાખી (12 વર્ષ) એ એકસાથે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. પોલીસના જણાવ્યા મુજબ, કોરોના કાળ દરમિયાન આ ત્રણેય બહેનોને મોબાઈલ ગેમની લત લાગી હતી. તેઓ નિયમિત સ્કૂલે પણ જતી નહોતી અને પોતાનો મોટાભાગનો સમય મોબાઈલ સ્ક્રીન પાછળ વિતાવતી હતી.

પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આ બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ ગેમ્સ રમતી હતી. મંગળવારે મધરાત્રે આશરે 2 વાગ્યે જ્યારે આખું શહેર ઊંઘતું હતું, ત્યારે આ ત્રણેય બહેનોએ તેમના ફ્લેટની ગેલેરીમાંથી એકસાથે છલાંગ લગાવી દીધી હતી. તેમના પિતા ચેતન કુમાર હાલ આઘાતમાં છે અને કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નથી.

પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ ગેમમાં તેમને આત્મહત્યા કરવા માટે કોઈ ચોક્કસ ‘ટાસ્ક’ આપવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટના ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે તેઓ પોતાના બાળકોના મોબાઈલ વપરાશ અને ઓનલાઇન પ્રવૃત્તિઓ પર કડક નજર રાખે.

January 30, 2026
nirbhayasuprem.png
1min409

સુપ્રીમ કોર્ટે 30 જાન્યુઆરી શુક્રવારના રોજ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, જેમાં દેશના દરેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યો છે કે ખાનગી કે સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થિનીઓ (ધોરણ 6-12)માટે મફતમાં સેનેટરી પેડની વ્યવસ્થામાં શાળામાં જ કરવામાં આવે, તે સાથે ઉચ્ચ કોર્ટે એ પણ કહ્યું છે કે માસિક ધર્મ સ્વાસ્થ્યના અધિકાર હેઠળ બંધારણના જીવનના મૂળભૂત અધિકારનો એક ભાગ છે.

આ સાથે જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની દરેક શાળામાં વિદ્યાર્થિની અને વિદ્યાર્થીઓ માટે અલગ અલગ શૌચાલય સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ કહ્યું છે કે તમામ શાળાઓ તે સરકારી હોય, સરકાર દ્વારા સંચાલિત હોય તેમાં દિવ્યાંગજનો માટે અનુકૂળ શૌચાલય પણ ઉપલબ્ધ કરાવે.

સુપ્રીમ કોર્ટે એ પણ ટાંક્યું છે કે, માસિક ધર્મ સંબંધી સ્વાસ્થ્ય અધિકાર બંધારણના અનુચ્છેદ 21 મુજબ જીવન જીવવાના અધિકારનો એક હિસ્સો છે. જો કોઈ પ્રાઈવેટ શાળા આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેની માન્યતા રદ કરી દેવામાં આવશે. જો સરકારો છોકરીઓ માટે શૌચાલય અને મફતમાં સેનેટરી પેટ ઉપલબ્ધ કરાવવામાં નિષ્ફળ રહે તો તેમણે જવાબદાર ગણવામાં આવશે.

જસ્ટિસ જે બી પારદીવાળા અને જસ્ટિસ આર મહાદેવનની પીઠે કહ્યું કે, જીવનનો અધિકાર માત્ર જીવત રહેવા પૂરતો સીમિત નથી, પણ તેમાં ગરિમા, સ્વાસ્થ્ય, સમાનતા અને શિક્ષણનો અધિકાર પણ સામેલ છે. માસિક ધર્મ, સ્વાસ્થ્યના એ જ અધિકારનો ભાગ છે. કોર્ટે એ પણ માન્યું કે માસિક ધર્મ સાથે જોડાયેલી આરોગ્ય સુવિધાઓની ઉણપને કારણે બાળકીઓની ગરિમાનું ઉલ્લંધન થઈ રહ્યું છે. કારણ કે ગરિમાનો અર્થ અપમાન, ભેદભાવ અને બિનજરૂરી દુઃખ વિના જીવન જીવવું છે.

આ મામલો કેન્દ્ર સરકારની ‘શાળા જતી સગીર બાળકીઓના માસિક ધર્મ સ્વચ્છતા નીતિ’ સાથે જોડાયેલો છે. કોર્ટ સામે સવાલ હતો કે શાળામાં અલગ અલગ શૌચાલયની ઉણપ, સેનેટરી પેડ કે અન્ય સાધનોની ઉપલબ્ધતા ન હોવી એ શિક્ષણના અધિકાર અને સન્માનજનક જીવનનું ઉલ્લંઘન છે? આ મુદ્દા પર કોર્ટે સાફ કહ્યું કે, આ સુવિધાઓનો અભાવ બાળકીઓને શાળા છોડવી અથવા તે દિવસોમાં હાજરી ન ભરવી તેના માટે મજબૂર કરે છે. જે સીધો જ શિક્ષણના અધિકારનું હનન કરે છે.

આ નિર્દેશમાં સુપ્રીમ કોર્ટેએ પણ કહ્યું કે, ગોપનીયતા પણ ગરિમા સાથે જોડાયેલી છે. દરેક રાજ્યની જવાબદારી છે કે તે ફક્ત ગોપનીયતાનું ઉલ્લંઘન ન કરે પણ તેના રક્ષણ માટે નક્કર પગલાં પણ લે. બાર એન્ડ બેન્ચ મુજબ, કોર્ટે કહ્યું ‘સમાન અવસર ત્યારે જ સંભવ છે જ્યારે તમામને જરૂરી સંસાધન અને જાણકારી મળે’ આ ચુકાદામાં કોર્ટે સમાજને પણ ઉંડો સંદેશ આપતા કહ્યું કે, આ નિર્દેશ એ બાળકીઓ માટે છે જે ખચકાટને કારણે મદદ માંગી શકતી નથી, એ શિક્ષક માટે છે જે મદદ કરવા માંગે છે પણ પણ સુવિધાના અભાવે તેના હાથ બાંધી રાખ્યા છે, તે માતા પિતા માટે છે જે મૌનના અસરને નથી સમજી શકતા. માસિક ધર્મના કારણે કોઈ બાળકી શાળાએ ન જઈ શકતી હોય તો તે તેની ભૂલ નથી પણ વ્યવસ્થા અને વિચારની ભૂલ છે.