બોલીવૂડનાં સૌથી ક્યૂટ કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે મમ્મી પપ્પા બની ગયાં છે. તેમને ત્યાં દીકરીનો જન્મ થતાં કપૂર ખાનદાન સહિત સમગ્ર બોલીવૂડમાં જશ્નનો માહોલ સર્જાયો છે.

આજે બપોરે બરાબર ૧૨.૦૫ કલાકે એક ખાનગી હોસ્પિટલમાં આલિયાની ડિલિવરી થઈ હતી. સંયોગોવસાત આ એ જ હોસ્પિટલ છે જ્યાં ઋષિ કપૂરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્યાંથી જ કપૂર ખાનદાનમાં નવા પરિવારની પધરામણી થઈ હતી.
અગાઉ સવારે ૭.૩૦ કલાકના અરસામાં રણબીર કપૂર આલિયાને લઈ હોસ્પિટલ પહોંચ્યો હતો. તે પછી ભટ્ટ અને કપૂર ખાનદાનના પરિવારના એક પછી એક સભ્યો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.
આલિયાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દ ીકરી જન્મની સત્તાવાર વધામણીમાં કહેવાયું હતું કે, ‘અમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ સમાચાર છે, અમારી બેબી અહીં આવી પહોંચી છે અને તે અદ્ભૂત મેજિકલ ગર્લ છે. અમે હવે ભરપૂર આશીર્વાદ અને પ્રેમથી ઘેરાયેલાં માતાપિતા બન્યાં છીએ.’
રણબીરની બહેન રિદ્ધિમાએ પણ ભત્રીજીનાં જન્મની વધામણી ખાતાં કહ્યું હતું કે સમગ્ર પરિવાર ભારે હર્ષ અને ગૌરવ અનુભવે છે. આ ભત્રીજીને ફઈ પહેલેથી જ બહુ પ્રેમ કરે છે.
બોલીવૂડના તમામ ટોપના સ્ટાર્સ અને હિરોઈનોએ આલિયા તથા રણબીરને માતા-પિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યું હતું. સોનમ કપૂર સહિતની હિરોઈનોએ જણાવ્યું હતું કે તેઓ આલિયાની બેબીને વહેલી તકે રમાડવા માટે ઉત્સુક છે.
ઉલ્લેખનીય છે કે આલિયા અને રણબીરે ગયાં એપ્રિલ માસમાં લગ્ન કર્યાં હતાં. તેના ચાર મહિના પછી તેમણે આલિયા માતા બની રહી હોવાનું જાહેર કર્યું હતું.
આલિયા બેબીનું નામ અલમા રાખશે કે નહીં
એક ટીવી રિયાલિટી શોમાં આલિયાએ કહ્યું હતું કે તેને અલમા નામ પસંદ છે. પોતાને દીકરી જન્મશે તો તેનું નામ અલમા રાખશે. હવે આલિયા ટીવી શોમાં જાહેર કરેલી આ વાત નિભાવે છે કે કેમ તે જાણવા તેના ચાહકો આતુર છે.
ભાવિ સુપરસ્ટારનો જન્મ
આલિયા અને રણબીરની બેબીનાં ભવિષ્ય વિશે જાતભાતની અટકળો પણ શરુ થઈ ગઈ છે. બોલીવૂડના એક ન્યૂમરોલોજિસ્ટે કહ્યું હતું આ બેબી બુધ અને શુક્રનો શુભ યોગ લઈને આવી છે. તેનો ભાગ્યાંક ૫ છે. આલિયા માટે ૩૦મું વર્ષ શુકનવંતું છે અને તેમાં આ બેબી જન્મી છે. આ તારીખ પર શુક્રનો પ્રભાવ છે એટલે માની લો કે ભવિષ્યના સુપરસ્ટારનો જન્મ થઈ ગયો છે. જન્મકુંડળીમાં સૂર્યનાં સ્થાન પ્રમાણે તેની રાશિ વૃશ્ચિક આવી છે. તેની માસી શાહીન ભટ્ટની સૂર્યરશિ પણ વૃશ્ચિક છે. બોલીવૂડમાં ઐશ્વર્યા રાય અને શાહરુખ ખાન બંનેની સૂર્યરાશિ વૃશ્ચિક છે.