બર્મિંગહામના એજબેસ્ટન મેદાનમાં ભારતની 58 વર્ષના ટેસ્ટ વિજયની આતુરતાનો અંત
બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ 608ના ટાર્ગેટ સામે ૨૭૧માં સમેટાતા ૩૩૬ રનથી હાર્યું ભારતે જીત સાથે શ્રેણીમાં 1-1થી બરોબરી મેળવી : પ્લેયર ઓફ ધ મેચ કેપ્ટન ગીલ
બીજી ઈનિંગમાં આકાશ દીપની છ સાથે ટેસ્ટમાં કુલ 10 વિકેટ
રોહિત-કોહલીની નિવૃત્તિ અને બુમરાહ જેવા સ્ટાર બોલરની ગેરહાજરી છતાં પ્લેયર ઓફ ધ મેચ યુવા કેપ્ટન ગીલના ૨૬૯ અને ૧૬૧ રન તેમજ બીજી ઈનિંગમાં આકાશદીપની છ વિકેટની મદદથી ભારતે બર્મિંગહામમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ૩૩૬ રનથી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે બર્મિંગહામના એજબેસ્ટનમાં ભારતના ટેસ્ટ વિજયના ૫૮ વર્ષના ઈંતજારનો આખરે અંત આવ્યો હતો અને ટીમ ઈન્ડિયાએ અહીં નવમી ટેસ્ટમાં આખરે જીતનું ખાતું ખોલાવ્યું હતુ.
ભારત બર્મિંગહામમાં ટેસ્ટ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. ભારતે જીતવા માટે આપેેલા ૬૦૮ રનના વિશાળ પડકારનો પીછો કરતાં ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રન સમેટાઈ ગઈ હતી. આકાશ દીપે પ્રથમ ઈનિંગમાં ચાર અને બીજી ઈનિંગમાં છ એમ ટેસ્ટમાં કુલ ૧૦ વિકેટની સિદ્ધિ પણ મેળવી હતી.
કોઈ પણ ખાસ અપેક્ષાઓના ભાર વિના ઈંગ્લેન્ડ પ્રવાસે આવેલી ભારતની યુવા ટીમે સ્ટોક્સની ‘બાઝબોલ’ના વ્યુહને આંચકો આપતાં પાંચ ટેસ્ટની શ્રેણીમાં ૧-૧થી બરોબરી મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ તારીખ ૧૦મી જુલાઈ ને ગુરુવારથી લોર્ડ્ઝના મેદાન પર શરૂ થશે, જેમાં બુમરાહનું પુનરાગમન થવાનું છે.
પ્રથમ ઈનિંગમાં ૧૮૦ રનની લીડ બાદ ભારતે બીજી ઈનિંગ છ વિકેટે ૪૨૭ રને ડિકલેર કરી હતી. આ સાથે ઈંગ્લેન્ડને જીતવા માટે ૬૦૮ રનનો પડકાર મળ્યો હતો. જેની સામે ઈંગ્લેન્ડે ચોથા દિવસે જ ત્રણ વિકેટે ૭૨ રન કર્યા હતા. આજે પાંચમા અને આખરી દિવસે ભારતીય બોલરોએ વિકેટ ઝડપવાનો સિલસિલો જારી રાખ્યો હતો. વિકેટકિપર બેટસમેન જેમી સ્મિથે ૮૮ રન સાથે લડત આપી હતી. બુમરાહના સ્થાને ટીમમાં સમાવાયેલા આકાશ દીપે શાનદાર દેખાવ કરતાં છ વિકેટ ઝડપી હતી. સુંદરે ઈંગ્લેન્ડના કેપ્ટન સ્ટોક્સની નિર્ણાયક વિકેટ મેળવી હતી. સીરાજની સાથે જાડેજા-પ્રસિધ ક્રિશ્નાએ પણ એક-એક વિકેટ મેળવી હતી.
શુભમન ગિલના સુકાનમાં ભારતીય ટીમનો અહીં મંગળવારે શરમજનક પરાજય થયો હતો. ઇંગ્લૅન્ડે (ENGLAND) 371 રનનો પડકારરૂપ લક્ષ્યાંક પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. એ સાથે, ભારતે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની નવી સીઝનમાં હાર સાથે આરંભ કર્યો છે, જ્યારે બ્રિટિશરોએ 373/5ના સ્કોર સાથે વિજય મેળવીને પાંચ મૅચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી છે. બેન સ્ટૉક્સના સુકાનમાં ઇંગ્લૅન્ડે ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીની પ્રથમ મૅચ પોતાના નામે કરી લીધી. બીજા દાવમાં બેન ડકેટ (149 રન) તેમ જ સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (53 અણનમ), કૅપ્ટન બેન સ્ટૉક્સ (33 રન) અને વિકેટકીપર જૅમી સ્મિથ (44 અણનમ)ના સૌથી મોટા યોગદાન હતા. સ્મિથે વિનિંગ સિક્સર ફટકારી હતી.
ભારતીય ટીમમાં પહેલા દાવમાં ત્રણ અને બીજા દાવમાં બે એમ કુલ મળીને પાંચ સેન્ચુરી થઈ હોવા છતાં ભારતે પરાજય જોવો પડ્યો. ભારતની અસરહીન બોલિંગ પહેલી જ મૅચમાં ઉઘાડી પડી ગઈ. બેઉ દાવમાં ભારતે નીચલી હરોળમાં ધબડકો (પ્રથમ દાવમાં 41 રનમાં સાત વિકેટ અને બીજા દાવમાં 31 રનમાં છ વિકેટ) જોયો જે છેવટે પરાજય માટેનું મોટું કારણ બન્યો. ભારતીય (INDIA) ટીમે ઇન્ફૉર્મ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને અવગણીને ખાસ કરીને શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ પર ભરોસો રાખ્યો, પણ તેઓ મૅચમાં કુલ મળીને માંડ બે-બે વિકેટ લઈ શક્યા. શાર્દુલ બૅટિંગમાં પણ કામ ન લાગ્યો. તેણે મૅચમાં કુલ પાંચ જ રન કર્યા હતા. કરુણ નાયર પણ ફ્લૉપ રહ્યો અને તેના સ્થાને નીતીશ રેડ્ડીને લીધો હોત તો તે બોલિંગમાં પણ પાર્ટ-ટાઇમ બોલર તરીકે કામ લાગ્યો હોત.
પહેલા દાવમાં યશસ્વી, જાડેજાએ કુલ ચાર કૅચ છોડ્યા હતા. બુમરાહની બોલિંગમાં કૅચ છૂટ્યા એમ છતાં તેણે પાંચ વિકેટ લીધી હતી, પણ એ પર્ફોર્મન્સ પર પણ પાણી ફરી વળ્યું. રિષભ પંતની બન્ને દાવની સેન્ચુરી એળે ગઈ. મંગળવારે પણ યશસ્વીથી એક કૅચ છૂટ્યો હતો. કૅચ છોડવાની હારમાળાએ ભારતની હારને નોતરું આપી દીધું એમ કહીએ તો પણ ખોટું નથી.
ઉત્તરાખંડના કેદારનાથ ધામના યાત્રીઓ ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે. રવિવારે (15મી જૂન) કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં 5 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ગૌરીકુંડના જંગલોમાં તૂટી પડ્યું હતું. દુર્ઘટના થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
ઉત્તરાખંડના એડીજી (કાયદો અને વ્યવસ્થા) ડૉ. વી. મુરુગેશને જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ 86 કિ.મી. દૂર રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તેમાં છ લોકો સવાર હતા. ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. તેમણે પુષ્ટી કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલ હેલિકોપ્ટર ક્રેશ થયું છે.
ઘટનાની જાણ થતાં જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ આ મામલે ‘X’ પર પોસ્ટ કરીને હેલિકોપ્ટરના મુસાફરો સુરક્ષિત હોય તેવી કામના કરી હતી. તેમણે લખ્યું ‘જનપદ રુદ્રપ્રયાગમાં હેલકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. એસડીઆરએફ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય રેસ્ક્યૂ દળ બચાવ કામગીરી કરી રહ્યા છે.’
નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ આજે જેના પરીણામોની દેશના 22 લાખ પરીવારો આતુરતાથી રાહ જોતા હતા એ નીટ અન્ડરગ્રેજ્યુએટ 2025 ટેસ્ટના પરીણામો ઘોષિત કર્યા હતા. ગઇ તા.7મી મે એ લેવાયેલી નીટ યુજીની પરીક્ષાના પ્રશ્નપત્રો કઠિન હોવાના રિવ્યુ બાદ એ વાત નિશ્ચિત હતી કે નીટ યુજીના પરીણામ પર કઠિન પ્રશ્નપત્રની અસર વર્તાવાની છે અને એ જ થયું. આજે જાહેર થયેલા નીટ યુજીના પરીણામોમાં માર્કસ ગયા વર્ષની તુલનામાં નીચા આવ્યા છે. ગયા વર્ષે હાઇએસ્ટ માર્કસ 720માંથી 720 આવ્યા હતા. જ્યારે આ વર્ષે 720માંથી 686 માર્કસ આવ્યા છે. એવી જ રીતે દરેક સ્તરે જોઇએ તો ગયા વર્ષની તુલનામાં 80થી 100 માર્કસ જુદી જુદી કેટેગરી અનુસાર ઓછા આવ્યા છે. જેને કારણે મેડીકલ કોલેજોમાં મેરીટ પણ ગયા વર્ષની સરખામણીમાં અત્યંત નીચે આવશે. એવું પણ અનુમાન થઇ રહ્યું છે કે આ વખતે 550 માર્કસ લાવનાર વિદ્યાર્થીને સરકારી કોલેજમાં પણ નંબર લાગી શકે છે. એવી જ રીતે ગયા વર્ષે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ જેટલા માર્કે મળ્યો હતો તેટલા માર્કે આ વખતે કદાચ સેમિ સરકારી કોલેજમાં પણ એડમિશન મળી શકે છે. અલબત્ત આ વખતે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ માટે એપ્લિકેશન કરે છે તેના આધારે મેરીટ રેન્ક મળશે એ પછી જ ચિત્ર ફાઇનલ થશે.
આજના નીટ યુજીના પરીણામમાં સુરતનો વિદ્યાર્થી જેનિલ વિનોદભાઇ ભાયાણી ગુજરાતમાં પ્રથમ આવ્યો છે જ્યારે દેશમાં તેણે 6ઠ્ઠો ક્રમ હાંસલ કર્યો છે. જેનિલ ભાયાણીએ 99.9999 પર્સન્ટાઇલ રેન્ક હાંસલ કર્યા છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના ત્રીજા રાઉન્ડ (2023-25)ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકા ઐતિહાસિક જીતથી માત્ર 69 રન દૂર છે. લોર્ડ્સમાં રમાઈ રહેલા આ મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 282 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્રીજા દિવસે એટલે કે 13 જૂનના રોજ દક્ષિણ આફ્રિકાએ બે વિકેટ ગુમાવીને 213 રન બનાવી લીધા છે, જેનાં કારણે તે જીતની નજીક પહોંચી હતી. જેમાં એઈડન માર્કરામ 102 રન અને કેપ્ટન ટેમ્બા બાવુમા 65 રન બનાવીને અણનમ રહ્યા હતા અને હવે ચોથા દિવસે તેમની પાસેથી જીતની આશા રાખવામાં આવી રહી છે.
હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાનો જુસ્સો પ્રસંશનીય
એઇડન માર્કરામે 159 બોલમાં 11 ફોર ફટકારી છે. તેમજ ટેમ્બા બાવુમાએ 121 બોલમાં 5 ફોર ફટકારી છે. બાવુમા અને માર્કરામે અત્યાર સુધીમાં ત્રીજી વિકેટ માટે 232 બોલમાં 143 રનની ભાગીદારી કરી છે. માર્કરામે રન ચેઝ દરમિયાન સેન્ચુરી ફટકારી છે, પરંતુ હેમસ્ટ્રિંગની ઇજા છતાં બાવુમાએ જે જુસ્સો બતાવ્યો તે પ્રશંસનીય છે. બાવુમાની આ શાનદાર ઇનિંગ સામે એઇડન માર્કરામની સેન્ચુરી પણ ફિક્કી લાગે છે.
1998માં નોકઆઉટ ટ્રોફી (હવે ચેમ્પિયન્સ ટ્રોફી) જીત્યા પછી દક્ષિણ આફ્રિકાએ એક પણ વાર ICC ટાઇટલ જીત્યું નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ છેલ્લે ICC ટાઇટલ જીત્યું હતું, ત્યારે ટીમના ક્રિકેટરો માર્કો જેન્સન અને ટ્રિસ્ટન સ્ટબ્સનો જન્મ પણ થયો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમ છેલ્લા અમુક વર્ષોમાં સેમિફાઇનલ કે ફાઇનલમાં પહોંચી છે, પરંતુ ટ્રોફી જીતી શકી નથી.
ફાઇનલમાં, ઓસ્ટ્રેલિયન ટીમ ટોસ હારી ગઈ અને પ્રથમ બેટિંગ કરી. તેની પ્રથમ ઇનિંગમાં 212 રન બનાવ્યા. જવાબમાં, પેટ કમિન્સની 6 વિકેટે દક્ષિણ આફ્રિકાની પ્રથમ પારી માત્ર 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ત્યારબાદ પ્રથમ ઇનિંગના આધારે, કાંગારૂ ટીમને 74 રનની લીડ મળી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ તેની બીજી પારીમાં 207 રન બનાવ્યા અને દક્ષિણ આફ્રિકા સામે 282 રનનો ટાર્ગેટ રાખ્યો.
ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં 242 યાત્રીઓ ઉપરાંત જે બિલ્ડીંગ પર પ્લેન તૂટી પડ્યું એ મેડીકલ કોલેજની હોસ્ટેલના ઇન્ટર્ન ડોક્ટર તેમજ અન્ય લોકો મળીને 13મી જૂન 2025ની સવારે મળેલી લેટેસ્ટ માહિતી અનુસાર 265 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની વિગતો જાહેર કરવામાં આવી છે.
ગુજરાતના અમદાવાદમાં થયેલા એર ઈન્ડિયાની પ્લેન ક્રેશની ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં કુલ 242 મુસાફરો સવાર હતા. પ્લેન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં ભારતીય અને બ્રિટિશ નાગરિકો સવાર હતા. વિમાન દુર્ઘટનાને લઇને સમગ્ર વિશ્વના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું.
બ્રિટનના વડા પ્રધાન કિર સ્ટાર્મર, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, મલેશિયાના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ અને નેપાળના ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટાર્મરે ‘એક્સ’ પર શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, “અમદાવાદમાં લંડન જતી એક ફ્લાઇટ દુર્ઘટના થઇ હોવાના સમાચાર અત્યંત હૃદયદ્રાવક છે. હું સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. મુસાફરો અને તેમના પરિવારો સાથે મારી સંવેદના છે.”
યુરોપિયન કમિશનના પ્રમુખે લખ્યું હતું કે અમદાવાદમાં થયેલા દુ:ખદ વિમાન દુર્ઘટનાથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. આ ભયંકર નુકસાનથી પીડિત પરિવારો અને પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના. અમે તમારા દુ:ખમાં સહભાગી છીએ. દુ:ખની આ ઘડીમાં યુરોપ તમારી અને ભારતના લોકો સાથે છે.
અભિનેતા ડિનો મોરિયા હાલમાં પોતાની ફિલ્મો માટે નહીં પરંતુ મુંબઈના બહુચર્ચિત મીઠી નદી કૌભાંડ મામલે ચર્ચામાં છે. તે આ કૌભાંડની તપાસમાં ફસાઈ રહ્યો છે. આ કેસમાં અભિનેતાના ભાઈ સેન્ટિનો મોરિયાનું નામ પણ સામેલ છે. કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લગભગ એક ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. EDના સૂત્રોએ જણાવ્યું કે, ડિનો મોરિયાના ભાઈ સેન્ટિનોને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે.
મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા
સૂત્રો પાસથી મળેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં મુખ્ય આરોપીના કોલ રેકોર્ડ્સ પરથી અનેક લોકના નામ સામે આવ્યા છે. મીઠી નદી કૌભાંડના મુખ્ય આરોપી કેતન કદમના કોલ રેકોર્ડસની તપાસમાં ડિનો મોરિયાનું નામ સામે આવ્યું છે. આરોપ છે કે, મીઠી નદી કૌભાંડના આરોપી કેતન સાથે ડિનો મોરિયા અને તેના ભાઈ સેન્ટિનોએ ઘણી વખત ફોન કોલ પર વાતચીત થઈ છે.
ED પહેલાં મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાની ટીમે અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઈ બંનેની પૂછપરછ કરી છે. બંનેને ગત અઠવાડિયે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા.
વાસ્તવમાં મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલા મીઠી નદીની સફાઈ કરાવી હતી. આ કૌભાંડ મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મીઠી નદીની સફાઈમાં ઉપયોગમાં લેવાતા સ્લજ પુશર્સ અને ડ્રેજિંગ મશીનોની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. એવો આરોપ છે કે, આ મશીનો કોચી સ્થિત કંપની મેટપ્રોપ ટેકનિકલ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ઊંચા ભાવે ભાડે લેવામાં આવ્યા હતા અને આમાં મોટી નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આ કેસમાં કેતન કદમ અને જય જોશી મુખ્ય આરોપી છે.
આ બંને પર મેટપ્રોપ કંપનીના અધિકારીઓ અને બીએમસીના સ્ટોર્મ વોટર ડ્રેનેજ વિભાગના અધિકારીઓની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે. કથિત રીતે મીઠી નદીના કથિત ડિસિલ્ટિંગ કૌભાંડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 65.54 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ ઘટાડા પછી રેપો રેટ 6%થી ઘટીને 5.50% થઈ ગયો છે. આવું કરીને સેન્ટ્રલ બૅન્કે સામાન્ય માણસને મોટી રાહત આપી છે. જેના કારણે મોંઘવારીમાં રાહત મળશે તેમજ હોમ લોન, ઓટો લોન, રિયલ એસ્ટેટમાં રાહત મળશે.
જો તમે પણ બૅન્કમાંથી લોન લીધી હોય, તો તમારી લોનના EMIમાં ઘટાડો થવાની શક્યતા છે. રેપો રેટમાં ઘટાડા પછી લોનના વ્યાજ દરમાં પણ ઘટાડો થશે. એવામાં જાણીએ કે 20, 30 અને 50 લાખની હોમ લોન પર તમારી EMI કેટલી હશે અને તે પહેલા કરતાં કેટલી ઓછી થશે.
50 લાખની લોન પર કેટલી રાહત મળશે?
જો તમે 30 વર્ષ માટે 50 લાખની હોમ લોન લીધી છે અને તેના બદલામાં તમે 9% વ્યાજ ચૂકવો છો તો તમારે મહિને રૂ. 40,231નો હપ્તો ભરવાનો રહે છે. એવામાં હવે આરબીઆઇએ 50 બેસિસ પોઇન્ટ ઘટાડી દેતાં રૂ. 38,446 હપ્તો ભરવાનો રહેશે. આથી મહિને હપ્તામાં રૂ. 1785 ઓછા ભરવાના થશે.
એવી જ રીતે 30 લાખની હોમ લોન પર 20 વર્ષ માટે 8.5% વ્યાજ ચૂકવવાનું રહે છે. જેનો મહિને રૂ. 26,035નો હપ્તો ભરવાનો રહે છે. હવે રેપો રેટ ઘટતાં વ્યાજ 8% થઈ જશે આથી મહિને રૂ. 25,093 ચૂકવવાના રહેશે એટલે કે રૂ. 942 ઓછા ચૂકવવા પડશે.
ધારો કે રૂ. 20 લાખની લોન 20 વર્ષ માટે 9% વ્યાજે લેવામાં આવી હોય, તો માસિક EMI રૂ. 17,995 થશે. હવે લોનના વ્યાજમાં 50 બેસિસ પોઇન્ટના ઘટાડા પછી, તમારે રૂ.17,356 હપ્તો ભરવાનો થશે એટલે કે તમારે દર મહિને EMIમાં રૂ. 639 ઓછા ચૂકવવા પડશે.
રેપો રેટમાં ઘટાડાથી મોંઘવારીમાં પણ રાહત મળશે. રેપો રેટમાં 0.50%ના બમ્પર ઘટાડા અંગે માહિતી શેર કરતાં RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેઠકમાં SDF દર 5.75%થી ઘટાડીને 5.25% કરવામાં આવ્યો છે, જ્યારે MSF દર પણ 6.25%થી ઘટાડીને 5.75% કરવામાં આવ્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2026 માટે મોંઘવારીનો અંદાજ વ્યક્ત કરતાં કહ્યું કે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા છે. એટલે તેને 3.7% પર રાખવામાં આવ્યો છે. અગાઉ તે 4 ટકા કરવામાં આવ્યો હતો. આ સાથે, RBI ગવર્નરે કહ્યું કે બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો(CRR)ને 100 બેસિસ પોઇન્ટ ઘટાડીને 4 ટકાથી 3 ટકા કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.
આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું.
કૃણાલ પંડ્યા 2017 અને 2025 એમ બે IPLની ફાઇનલમાં પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડ જીતનારો એકમાત્ર ખેલાડી બન્યો
IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, ‘પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું – 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.’
પ્રિયાંશ આર્યની કમાલ, ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો
IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
IPLની સિંગલ સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બન્યો શ્રેયસ અય્યર
IPL 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ અય્યર 2 બોલમાં 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જો કે, ફાઇનલમાં ખરાબ પ્રદર્શન કર્યો હોવા છતા આ સિઝનમાં શ્રેયસ અય્યરના નામે એક મોટો રેકોર્ડ સર્જાયો છે. શ્રેયસ અય્યર આઇપીએલના એક સીઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો કેપ્ટન બની ગયો છે. શ્રેયસે આઇપીએલ 2025માં કુલ 39 છગ્ગા ફટકાર્યા છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો. તેણે વર્ષ 2016માં કેપ્ટન તરીકે એક સીઝનમાં RCB માટે 38 છગ્ગા ફટકાર્યા હતા.
IPL 2025ના ક્લોઝિંગ સેરેમનીમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવને પરફોર્મ કર્યું. શંકર મહાદેવન સાથે તેમના પુત્રો શિવમ અને સિદ્ધાર્થ મહાદેવન પણ હાજર રહ્યા હતા. સ્ટેડિયમ ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું. સ્ટેડિયમમાં ‘જો લક્ષ્ય હૈ તેરા, લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘સબસે આગે હોંગે હિન્દુસ્તાની’, ‘વંદે માતરમ્’, ‘કંધો સે મિલતે હે કંધે કદમો સે કદમ મિલતે હે’ જેવા રાષ્ટ્રભક્તિના ગીતો ગાઈને માહોલ બનાવી દીધો છે. આખું અમદાવાદ સ્ટેડિયમ દેશભક્તિમાં ડૂબેલું લાગે છે. ‘જય હો’ ગીત સાથે ક્રૂએ ભારતીય સેનાને સન્માન આપ્યું.
સુનકે આરસીબી પ્રત્યે દર્શાવ્યો પ્રેમ
સુનકે કહ્યું કે, મારા લગ્ન બેંગલુરૂ પરિવારમાં થયા છે.જેથી આરસીબી મારી ટીમ છે. મેં કન્નડ ભાષામાં મારી પત્ની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. મારા સાસુ-સસરાએ મારા લગ્ન બાદ મને આરસીબીની જર્સી ગિફ્ટ કરી હતી.
આઈપીએલમાં બેંગલુરૂ અને પંજાબ વચ્ચે અત્યારસુધી 36 મેચ રમાઈ છે. જેમાં બંને ટીમ 18-18 વખત વિજયી રહી છે. પંજાબ કિંગ્સ સામે આરસીબીનો સર્વોચ્ચ સ્કોર 241 રનનો રહ્યો છે. જે તેણે ગતવર્ષે બનાવ્યો હતો. બીજી બાજુ બેંગલુરૂ સામેની મેચમાં પંજાબ ટીમનો સર્વોચ્ચ સ્કોર 232 રન રહ્યો છે. જે 2011માં બનાવ્યો હતો.
છેલ્લા પાંચ મુકાબલાની વાત કરીએ તો આરસીબી સંપૂર્ણ રીતે પંજાબ કિંગ્સ પર હાવી બની શકે છે. છેલ્લી પાંચ મેચમાંથી ચાર વખત આરસીબી જીતી છે. તેણે ત્રણ મેચમાંથી બે વખત પંજાબને હરાવી છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર અત્યાર સુધી બેંગલુરૂ અને પંજાબ કિંગ્સ એક વખત જ આમને-સામને આવી છે. 2021માં આ સ્ટેડિયમમાં બંને વચ્ચે રમાયેલી મેચમાં પંજાબ ચાર વિકેટથી વિજયી રહી છે. જો કે, 2025ની આઈપીએલમાં પંજાબની હાર થઈ છે.
ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો અને મેચ વિલંબથી શરૂ થઈ હતી. આ સ્થિતિમાં જો આઈપીએલ 2025 ફાઈનલમાં વરસાદ પડે કે કોઈ અન્ય કારણોસર મુકાબલો ન રમાય તો ચેમ્પિયનનો નિર્ણય કેવી રીતે થશે તે જાણવું જરૂરી છે.
જો વરસાદ કે અન્ય કારણોસર 3 જૂને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો મેચ રિઝર્વ ડે (4 જૂને) રમાશે. પરિણામ એક જ દિવસે આવે તે માટે બીસીસીઆઈએ વધારાનો 120 મિનિટનો સમય રાખ્યો છે. તેમ છતાં રિઝલ્ટ ન આવે તો મેચ રિઝર્વ ડે પર રમાશે. રિઝર્વ ડે પર મેચ જ્યાં અટકી હતી ત્યાંથી જ શરૂ થશે. વરસાદ રિઝર્વ ડેના દિવસે પણ આવે અને 5-5 ઓવરની રમત શક્ય ન બને તો ઈન્ડિયન પ્રીમિયર લીગના વિજેતાનો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે.
જો સુપર ઓવર પણ ન થાય તો પોઈન્ટ ટેબલના આધારે વિજેતાનો નિર્ણય થશે. વર્તમાન સિઝનમાં પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાન પર છે. જ્યારે આરસીબી બીજા ક્રમે છે. આ સ્થિતિમાં પંજાબ કિંગ્સને વિજેતા જાહેર કરવામાં આવી શકે છે.
રવિવારે (1 જૂન, 2025) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ના ક્વોલિફાયર-2 મુકાબલામાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે 11 વર્ષ પછી IPL ની ફાઇનલમાં જગ્યા બનાવી છે. હવે 3 જૂને પંજાબ અને બેંગ્લોર વચ્ચે ફાઇનલ રમાશે.
રવિવારની મેચમાં પંજાબે ટોસી જીતીને મુંબઈને પહેલા બેટિંગ આપી હતી. જેમાં મુંબઇએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં 204 રનના લક્ષ્યાંકનો પીછો કર્યો હતો. કેપ્ટન શ્રેયસે છગ્ગો ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. તેણે 41 બોલમાં 87 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.