25. September 2022

સૌરાષ્ટ્ર Archives - CIA Live

September 17, 2022
govt-guj.jpeg
1min26

ગુજરાત સરકારે 16/9/22, શુક્રવારના રોજ આંદોલન પર ઉતરેલા સરકારી કર્મચારીઓની કેટલીક માગણીઓ સ્વીકારી હતી અને રાજ્યના 9 લાખ સરકારી કર્મચારીઓને લાભ થાય તેવા નિર્ણયો જાહેર કર્યા હતા. આમ સરકાર અને આંદોલનકારી સરકારી કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ આજે 17/9/22 શનિવારે સવારે ફરી એક વખત સરકારી કર્મચારીઓના સરકાર સાથેના સમાધાનમાં ભંગાણ જોવા મળ્યું છે. માસ સીએલ પર ઉતરેલા હજારો કર્મચારીઓએ જૂની પેન્શન યોજના મામલે ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે રેલી યોજી છે. 

September 15, 2022
vipul-chaudhari.jpeg
1min28

– વિપુલ ચૌધરી યુવાન વયથી જ રાજકારણમાં સક્રિય છે અને ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી રહી ચુક્યા છે

અમદાવાદ, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર

ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરી, મહેસાણાના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી છે. બુધવારે મોડી રાતે વિપુલ ચૌધરીની ગાંધીનગર ખાતેથી અટકાયત કરવામાં આવી હતી. આ કારણે અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે. 

વિપુલ ચૌધરીની સાથે જ તેમના પર્સનલ CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ બંનેની ધરપકડ કરવામાં આવશે. 

વિપુલ ચૌધરીની મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના (સીઆર નંબર 5/2022)ના સંદર્ભમાં અટકાયત કરવામાં આવી છે. તેમની કલમો 406, 409, 420, 465, 467 હેઠળ અને IPCના 468, 471, 120(B) તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની 12, 13(1), 13(2) કલમો અંતર્ગત અટકાયત કરવામાં આવી છે. આ અટકાયતને વિપુલ ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન હતા તે સમયે થયેલી નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધ છે. ખાનગી ગાડીમાં અને સાદા કપડામાં પહોંચેલી પોલીસે ગાંધીનગરથી વિપુલ ચૌધરીની અટકાયત કરી હતી.

320 કરોડની ઉચાપાતના કેસમાં અટકાયત

જાણવા મળ્યા મુજબ દૂધસાગર ડેરીમાં જે ઉચાપાત થઈ તેની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં રૂપિયા 320 કરોડ જેટલી મોટી રકમની ઉચાપાત થઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગેનો રિપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગૃહવિભાગની સાથે પોલીસ ભવનને પણ મોકલવામાં આવ્યો હતો.

દૂધસાગર ડેરીમાં આશરે 320 કરોડના બોગસ વ્યવહારો મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેમના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ હતો કે, વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપનીઓ બનાવીને 320 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. નાણાંકીય ગેરરીતિનો મામલે હોવાથી તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

ત્યાર બાદ વિપુલ ચૌધરી અને તેમના CA સામે પગલાં ભરીને આખરે તેમની અટકાયત કરવામાં આવી છે. અટકાયત બાદ વિપુલ ચૌધરી અને તેમના CA શૈલેષ પરીખને ACB ઓફિસ લઈ જવામાં આવ્યા છે અને તેમની ધરપકડ કરીને ઉચાપાત અંગે વધુ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

September 12, 2022
police-votes.jpeg
1min26

રાજ્યના ગૃહ વિભાગે પોલીસ પે ગ્રેડ માટે જાહેર કરેલ એલાઉન્સના નિયમોમાં અંતે ફેરબદલ કરવાની ફરજ પડી છે. એલાઉન્સ મેળવનાર તમામ પોલીસ કર્મચારીઓ નારાજ હતા અને સરકાર એક યુદ્ધ છેડ્યું હતુ જેમાં અંતે આજે સરકાર ઝુકવું પડ્યું છે.

તા. ૨૯-8-૨૦૨૨ના ઠરાવ મુજબની ફિક્સ રકમ સ્વિકારી લીધા પછી અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા, લાભ મળવાપાત્ર થશે નહીં. આ બાબતે જાણકારી છે અને પોલીસ કર્મચારીને વાંધો વિરોધ નથી તેવી બાંહેધરી આપવાની છે. ફિક્સ રકમ ઉપર ભવિષ્યમાં અન્ય કોઈ ભથ્થાં, લાભ મેળવવા હક્ક, દાવો કોઈપણ રાહે નહીં કરાય કે નહીં કરાવાય તેવી બાંહેધરી મગાતા પોલીસ કર્મચારીઓમાં રોષ હતો. અંતે આજે ગૃહવિભાગે નવો પરિપત્ર બહાર પાડીને આ એફિડેવિટના પ્રસ્તાવને રદ્દ કર્યો છે.

પોલીસના સોશિયલ મીડિયામાં ચાલતા આંદોલનને ડામવા માટે સરકાર અને પોલીસ અધિકારીઓના ધમપછાડા છતાં પોલીસ કર્મચારીઓએ ટસના મસ ના થઈ એફિડેવિટ આપવાનો ઈન્કાર કરતાં આખરે સરકારે નવો ઠરાવ કરવો પડ્યો છે. હવે પોલીસ કર્મચારીઓએ પગાર વધારા પેટે એફિડેવિટ આપવાની જરૂર નથી.

કેજરીવાલના નિવેદન બાદ સલવાયેલી સરકારે પેકેજની જાહેરાત તો કરી દીધી પણ નિયમોને આધિન પગાર વધારો કરવો હતો, જે પોલીસ કર્મચારીઓને સ્વીકાર ન હતો. આખરે ઘીના ઠામમાં ઘી ઢળે એમ સરકારે એફિડેવિટનો નિર્ણય પડતો મૂક્યો છે.

સરકારના એફિડેવિટના નિર્ણય વિરૂદ્ધ પોલીસ કર્મચારીઓ ફરી એક વખત સોશિયલ મીડિયાનો સહારો લઈને પર પે ગ્રેડનું આંદોલન ચલાવ્યું હતું. પરિપત્રમાં તમામ પોલીસ કર્મચારીઓ સમહતિ પત્ર આપવું પડશે તેવી સૂચના આપવામાં આવી હતી. 

September 10, 2022
VIJAY_rupani.jpg
1min31

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બે મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ દ્વારા કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ 15 રાજ્યોના પ્રભારીઅને કેટલાક સહપ્રભારીઓની નિમણૂક જાહેર કરી છે. તેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ-ચંદીગઢ રાજ્યનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે સહપ્રભારી તરીકે નરેન્દ્ર સિંહ રૈનાને જવાબદારી સોંપવામાં આવી છે.

ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાળે જ રાજ્યમાંથી એક્ઝિટ આપતા લોકોને આશ્ચર્ય થયું છે. ગત મહિને જ સરકાર તથા સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય તે માટે કોર કમિટીમાં વિજય રૂપાણીને સામેલ કરવામાં આવ્યા હતા. તેવામાં હવે તેમને ચૂંટણી સમયે જ ગુજરાતમાંથી એક્ઝિટ આપતા ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, ભાજપ આવા આશ્ચર્યજનક નિર્ણયો માટે જાણીતો છે. ગત વર્ષે ભાજપે ગુજરાતમાં અચાનક જ નેતૃત્વ પરિવર્તન કરી દીધું હતું. ત્યારે પક્ષે તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વડપણ હેઠળના આખા મંત્રી મંડળને બદલી દીધું હતું. ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.

હવે રૂપાણીને પંજાબના પ્રભારી તરીકેની જવાબદારી સોંપીને નેતૃત્વએ મોડેલ સ્ટેજમાં રાજ કરતા લોકોને એક સંકેત આપ્યો છે. જોકે, હજી ગયા મહિને જ બે મંત્રીઓના મહત્વના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. ભાજપે પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના ખાતાઓ આંચકી લીધા હતા. આ રીતે પક્ષે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે પક્ષમાં કોઈ અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે.

આ વર્ષે પંજાબમાં આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસને હરાવીને સત્તા મેળવીને લોકોને ચોંકાવી દીધા હતા. આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી મેળવી હતી. હવે પંજાબમાં 2027માં ચૂંટણી યોજાશે તે પહેલા ભાજપે અત્યારથી જ ત્યાં સંગઠનાત્મ સુધારાઓ કરીને પક્ષ અને સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ આરંભી દીધી છે. હવે તેની સંપૂર્ણ જવાબદારી વિજય રૂપાણીની ખભા પર રહેશે.

September 7, 2022
nitin_gadkari.jpg
1min32

જો કે ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું છે, કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો

નવી દિલ્હી, 6 સપ્ટેમ્બર,2022,મંગળવાર 

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને સાયરસ મિસ્ત્રીનું કાર અકસ્માતમાં મુત્યુ ચર્ચાનો વિષય બન્યું છે. કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરીએ પણ પ્રતિક્રિયા આપી છે અને અમદાવાદ-મુંબઇ હાઇવેને ખતરનાક હોવાનો સ્વીકાર કર્યો છે. ગડકરીએ એ પણ જણાવ્યું હતું કે અમદાવાદ-મુંબઇ હાઇવે પર ટ્રાફિક વોલ્યૂમ 1 લાખ અને 25 હજાર પેસેન્જર કાર યૂનિટ છે.

આ સંખ્યા માપદંડ કરતા 6.25 ગણી વધારે છે.  એવામાં ડ્રાઇવિંગ દરમિયાન અકસ્માતની શકયતા વધારે રહે છે. ગડકરીએ ડ્રાઇવિંગ દરમિયાન સીટ બેલ્ટ નહી બાંધવોએ ખોટું હોવાનું ગણાવ્યું છે. ફ્રન્ટ સીટ જ નહી કારની પાછળની સીટમાં બેઠેલા પ્રવાસીઓ પણ સીટ બેલ્ટ બાંધવો એટલો જ જરુરી છે. કાર એકિસડન્ટનો ભોગ બનેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. 

સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે 

એક માહિતી મુજબ સીટ બેલ્ટ નહી બાંધવાથી રોજ 41 જેટલા મુત્યુ થાય છે. હવે દરેક કારમાં સીટ બેલ્ટ બાંધો એવો રિમાઇન્ડર લગાવવું ફરજીયાત કરી દેવાયું છે. આ એલાર્મ છતાં કારમાં સીટ બેલ્ટ નહી બાંધવાનું વલણ વધતું જાય છે. કારમાં ફ્ન્ટમાં બેઠેલા સીટ બાંધે છે પરંતુ પાછળ બેઠેલા 70 ટકા પ્રવાસીઓને સીટ બેલ્ટ હોતો નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાના સ્ટડીમાં પણ જણાવવામાં આવ્યું હતું કે સીટ બેલ્ટ બાંધવાથી અકસ્માત સમયે મુત્યુનું પ્રમાણ 25 થી 30 ટકા જેટલું ઘટે છે.

September 2, 2022
1min36

અરવલ્લીમાં કારે 12 પદયાત્રીઓને કચડ્યા, 6 લોકોના ઘટનાસ્થળે મોત

– પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો

– રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે 

ગુજરાતમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે 2/9/22 અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે અને આ ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં અંબાજી જતા પદયાત્રીઓને કાર ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના કાલોલના અલાલીના વતની હોવાનું જાણવા મળ્યું છે. રાજ્ય સરકારે મૃતકોને રૂ.4 લાખ અને ઈજાગ્રસ્તોને રૂ.50 હજારની સહાયની જાહેરાત કરી છે.

પંચમહાલથી અંબાજી ચાલતા જતા પગપાળા સંઘને અરવલ્લીના માલપુરમાં કૃષ્ણાપુર પાસે અકસ્માત નડ્યો હતો. એક ઈનોવા કાર ચાલકે 12 જેટલા પદયાત્રીઓને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે 7 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.

અકસ્માત અંગે મળી રહેલી પ્રાથમિક વિગતો મુજબ, પદયાત્રીઓ રોડ પર ચાલી રહ્યા હતા આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈનોવા કારે તેમને ફંગોળ્યા હતા. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના બોનેટનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ઘટના અંગે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે, અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અંબાજી દર્શને જઈ રહેલા પદયાત્રીઓને નડેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જાન ગુમાવનાર યાત્રિકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાય આપશે.

September 2, 2022
rajkot.jpg
1min45

આંખમાં કેમિકલ પ્રે છાંટી બે બુકાનીધારી ફરાર ! એક કર્મચારીની આંખો સોજી જતાં તેમજ બીજાને હાથમાં ચાંદા પડી જતાં સારવાર અર્થે ખસેડાયાંમ્યુનિ.કચેરીએ ઘટનાના ઘેરા પડઘા : કર્મચારી યુનિયનો, આગેવાનોની મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત : પોલીસે નોંધ્યો ફરજ રુકાવટનો ગુનો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં છાશવારે રખડતા ઢોરના કારણે વાહન ચાલકો અને રાહદારીઓના અકસ્માતો તેમજ અઘટિત મૃત્યુની ઘટના બાદ હાઈકોર્ટના આદેશથી ગુજરાતભરમાં ઢોર પકડ ઝુંબેશને સઘન બનાવામાં આવી છે ત્યારે રાજકોટમાં પણ ‘ડે-નાઈટ’ ઢોર પકડવાની કામગીરી કરતા બે કર્મચારીઓની આંખોમાં કેમિકલ પ્રે છાંટીને અજાણ્યા શખસો નાખી છૂટતા બન્ને કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મ્યુનિ.કચેરીએ આ ઘટનાના ઘેરા પડઘા પડયાં હતાં, એક તબક્કે પૂરતો સુરક્ષા બંદોબસ્ત ફાળવવાની માંગ સાથે મ્યુનિ.કર્મચારીઓ હડતાલ પર ઉતરી આવ્યાં હતાં અને મ્યુનિ.કમિશનરને ઉગ્ર રજૂઆત પણ કરી હતી.’

1/9/22 આજરોજ વહેલી સવારે થોરાળા વિસ્તારમાં શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ધીરુભાઈ નારણભાઈ ડોરસિયા (ઉ.વ.52) અને મેરુ કરણભાઈ ચાવડા (ઉ.વ.28) ઢોર પકડ પાર્ટી સાથે નિકળ્યાં હતાં, તેઓ ગાયો પકડીને ભાવનગર રોડ સ્થિત મનપાના ઢોરડબ્બે જઈ રહ્યાં હતાં ત્યારે અમૂલ સર્કલ નજીક બાઈક પર આવેલા બે અજાણ્યા બુકાનીધારી શખસે વાહન રોકી તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બાદમાં બન્નેએ અચાનક કેમિકલ પ્રે છાટીને નાસી છુટયાં હતાં. પ્રેની અસર થતાં ધીરુભાઈ અને મેરુભાઈની આંખોમાં બળતરા થવા લાગી હતી અને દેખાતું બંધ થઈ ગયું હતું. એક વ્યક્તિની આંખ સોજી ગઈ હતી અને જ્યારે બીજાને હાથમાં ચાંદા પડી ગયાં જતાં બન્નેને ઈન્સ્પેક્ટર નંદાણિયાએ તાબડતોબ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં.

બનાવ અંગે સારવાર લીધા બાદ હોસ્પિટલ ચોકી સ્ટાફે એમએલસી કેસ જાહેર કર્યા બાદ થોરાળા પોલીસ મથકે અજાણ્યા શખસો વિરુદ્ધ ફરજ રૂકાવટ સહિતની કલમનો ગુનો નોંધ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે પણ રેસકોર્સ તેમજ વિરાણી ચોકમાં ઢોર પકડ પાર્ટી પર પથ્થરમારો થયો હોવાનું ઈન્સ્પેક્ટર રવિભાઈએ જણાવ્યું હતું. દરમિયાન આજની ઘટનાના મનપામાં પણ ઘેરા પડઘા પડયાં હતાં. કર્મચારી પરિષદના પ્રમુખ કશ્યપ શુક્લ સહિતના હોદ્દેદારો, કર્મચારી આગેવાનો અને કર્મચારીઓએ મ્યુનિ.કમિશનર અમિત અરોરાને આવેદન પાઠવી ઉગ્ર રજૂઆતો પણ કરી હતી તેમજ ઢોર પકડ સ્ટાફને પૂરતો વિજીલન્સ બંદોબસ્ત આપવાની માંગણી કરી હતી જેને મ્યુનિ.કમિશનરને ગ્રાહ્ય રાખી હતી.

રખડતા ઢોર હવે ગામડાઓમાંથી પણ પકડાશે !

હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યવ્યાપી ઢોરપકડ કાર્યવાહીના આદેશ થયાં છે ત્યારે શહેરી વિસ્તારોની સાથોસાથ હવે ગામડાઓમાં પણ ઢોર પકડવાની કાર્યવાહી શરૂ કરાશે. આજરોજ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી દ્વારા આ અંગેનો પરિપત્ર જિલ્લાભરના અધિકારીઓને ઈસ્યુ કરવામાં આવ્યો હતો. પરિપત્રમાં જણાવાયું હતું કે, પંચાયત તલાટીઓએ આવતીકાલે ગ્રામ પંચાયતમાં બેઠક કરીને સભ્યોને વાકેફ કરવાના રહેશે. તાલુકા કક્ષાએ તાલુકા વિકાસ અધિકારીને પશુપાલન તથા જીવદયા સાથે સંકળાયેલા આગેવાનો સાથે બેઠક કરીને કામગીરી વિષે માહિતી આપવાની થશે. આગામી તા.5ને સોમવારથી પાલિકાની પાંચ કિ.મીની હદમાં આવતા ગામડાઓ, તાલુકા મથકે તથા 5000થી વધુ વસ્તી ધરાવતા ગામો અને હાઈવે ઉપર ઢોર પકડવા તેમજ તેના પર નિયમાનુસાર કાર્યવાહી કરીને દૈનિક રિપોર્ટ આપવાનો આદેશ કરાયો છે. જો કે, પકડાયેલા ઢોરને ક્યાં રાખવા ? તે મુદ્દો હજુ વણઉકેલ છે.

ઢોરને રખડતા મૂકનાર સામે ગુનો નોંધીને પગલાં લેવાશે

શહેરના માર્ગો પર ઢોરને રખડતાં મૂકી દેનાર પશુપાલક સામે ફોજદારી ગુનો નોંધીને કાર્યવાહી કરવાની કાયદામાં જોગવાઇ છે. આ જોગવાઇનો કડક અમલ કરાશે. એટલું જ નહીં પણ ઢોર પકડ પાર્ટીને એસઆરપી અને પોલીસનો પૂરતો બંદોબસ્ત આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારતીય ફોજદારી ધારામાં માનવ જિંદગી જોખમમાં મૂકે તે રીતે ઢોરને રખડતાં મૂકી દેનાર સામે ગુનો નોંધવાની જોગવાઇ છે. આઇપીસીની કલમ 289 હેઠળ પશુપાલક સામે ગુનો નોંધી શકાય છે. આ ગુનામાં છ માસની કેદ અને દંડની જોગવાઇ છે.

રાજકોટવાસીઓને ઢોરના ત્રાસમાંથી મુકત કરાવવા માટે મહાપાલિકા દ્વારા આયોજન કરાયું છે. મનપા દ્વારા રસ્તા પર રખડતાં ઢોરને પકડવા માટે ઢોર પકડ પાર્ટી પણ છે. આ ઢોર પકડ પાર્ટીના ફૂટેલા કર્મચારીઓ દ્વારા માલધારીઓને તે કયા વિસ્તારમાં જાય છે તેની સૂચના આપી દેવામાં આવે છે. તેના કારણે રસ્તા પર રખડતાં ઢોરને માલધારી યુવકો શેરીમાં ખદેડી મૂકે છે. કેટલાય કિસ્સામાં ઢોર પકડ પાર્ટી પર હુમલો પણ કરવામાં આવે છે. આ સંજોગોમાં ઢોર પકડ પાર્ટી સારી રીતે કામ કરી શકે અને તેના પર હુમલો ન થાય તે માટે એસઆરપી જવાન અને પોલીસનો બંદોબસ્ત આપવાનું પોલીસ કમિશનર દ્વારા આયોજન કરાયું છે. ઢોર પકડ પાર્ટી સાથે હથિયારધારી એસઆરપીમેન અને’ પોલીસનો બંદોબસ્ત રાખવાનું નક્કી કરાયું છે.

August 29, 2022
garba.jpg
1min43

પારંપરિક નૃત્યનો અવિનાશી સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ સંભવ

યુનેસ્કોની હેરિટેજ યાદી માટે ગુજરાતના ગરબાને નોમિનેટ કરવામાં આવ્યા છે. ભારતે ગુજરાતના વિખ્યાત પારંપરિક નૃત્ય ગરબાને યુનેસ્કોની અમૂર્ત (અવિનાશી) સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવા માટે નોમિનેટ કર્યા છે.

અધિકારી સૂત્રો અનુસાર આગામી વર્ષે નવીનતમ નામાંકન પર વિચાર કરવામાં આવશે. યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા શ્રેણીના સચિવ ટિમ કર્ટિસે ગત વર્ષ ડિસેમ્બરમાં કોલકત્તાના દુર્ગાપૂજા ઉત્સવને અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કરવાના ઉપલક્ષ્યમાં દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આયોજિત એક કાર્યક્રમમાં ગરબાનાં નોમિનેશન કરવા સાથે જોડાયેલી વિગતો પ્રસ્તુત કરી હતી. અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા પર યૂનેસ્કોએ વર્ષ ર003નાં સંમેલનની આંતર સરકારી સમિતિએ કોલકત્તામાં દુર્ગા પૂજાને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કર્યું હતું.

કર્ટિસે કહ્યંy કે આગામી વર્ષ માટે નવીનતમ નામાંકન પર વિચાર કરાશે અને ર0ર3ના મધ્ય સુધીમાં નામાંકન ફાઇલનની તપાસ કરાશે ત્યાર બાદ વર્ષના અંત સુધીમાં નામો પર આખરી ફેંસલો આવી જશે. કર્ટિસના પ્રેઝન્ટેશનની એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી. જેનું શીર્ષક હતું – ગુજરાતના ગરબા : ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ. વર્તમાન સમયમાં યૂનેસ્કોની આ યાદીમાં ભારતના 14 સાંસ્કૃતિક વારસા તત્ત્વ સામેલ છે જેમાં રામલીલા, વૈદિક મંત્ર, કુંભમેળો, દુર્ગાપૂજા વગેરે સામેલ છે.

August 16, 2022
monsoon.jpg
1min39

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરતમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા છે. નર્મદા નદીમાં પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. અંબાજીમાં પણ વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે રજાઓના સમયમાં ફરવા માટે નીકળેલા લોકોને પણ વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. સારા વરસાદના લીધે ખેડૂતોમાં ખુશીની લાગણી છે તો ક્યાં લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં લાંબાગાળા સુધી વરસાદ પડે એવી શક્યતા છે. 31 ઓગસ્ટ સુધી ગુજરાત, પશ્ચિમ બંગાળના વિસ્તાર સહીત કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, આસામ, બિહારમાં વરસાદની શક્યતા રહેલી છે. તો 1-09-2022થી 23-10-2022 સુધી કચ્છ, સૌરાષ્ટ્ર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. આ સિવાય આ જ સમયગાળા દરમિયાન ગોવા, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, રાંચી, કાવેરી નદીનો ભાગ, દક્ષિણના ભાગોમાં વરસાદની શક્યતા છે.

ગુજરાતભરમાં ચોમાસું ફરી એકવાર એક્ટિવ થયું છે. ત્રીજા રાઉન્ડ દરમિયાન અમદાવાદ સહિત આસપાસના વિસ્તારો અને મધ્ય તથા ઉત્તર ગુજરાતમાં મેઘ મહેર થઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ફરી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન અંગે આગાહી કરવા માટે જાણીતા અંબાલાલ પટેલે પણ રાજ્યમાં સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.

અરબી સમુદ્રમાં બનેલી લો પ્રેશરની અસર પણ ગુજરાતના હવામાન પર પડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

August 15, 2022
gujarat_rain_map.jpg
6min46

છેલ્લા ૮ વર્ષમાં સૌથી વધુ – ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી માત્ર ૩૭ ટકા વરસાદ હતો

-૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ : કપરાડામાં ૧૨૭, ધરમપુરમાં ૧૦૩ ઈંચ : કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા

અમદાવાદ, રવિવાર

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને અત્યારસુધી સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. છેલ્લા ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ છે. ગત વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ં ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગત વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે  પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય  ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ  દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો છે. ૪૩ તાલુકામાં સીઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે છે.

રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે તેમાં દાહોદ મોખરે છે. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાઇ શક્યો છે. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયેલો છે. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વરસાદની સ્થિતિ

રીજિયન પ્રમાણે

રીજિયન        વરસાદ સરેરાશ

કચ્છ            ૨૪.૨૨ ૧૩૫%

દક્ષિણ           ૫૪.૫૨ ૯૪%

સૌરાષ્ટ્ર         ૨૧.૧૨ ૭૯%

ઉત્તર           ૨૧.૧૫ ૭૫%

પૂર્વ મધ્ય       ૨૩.૦૨ ૭૩%

સરેરાશ       ૨૮.૨૦ ૮૪.૨૬%

કયા તાલુકામાં સૌથી વધુ?

તાલુકો       વરસાદ       સરેરાશ

કપરાડા      ૧૨૭.૦૮       ૧૧૪%

ધરમપુર      ૧૦૩.૦૦       ૧૦૬%

વાપી           ૮૭.૩૬         ૯૯%

ખેરગામ        ૮૬.૬૫       ૧૧૫%

વાંસદા          ૮૭.૦૦       ૧૧૨%

કયા જિલ્લામાં સૌથી વધુ?

જિલ્લો        વરસાદ સરેરાશ

વલસાડ        ૯૦.૯૪ ૧૦૧%

ડાંગ            ૭૬.૬૯ ૯૪%

નવસારી        ૭૦.૩૧ ૯૭%

નર્મદા        ૫૩.૨૬ ૧૨૭%

સુરત        ૪૯.૦૦ ૮૫.૩૦%

કયા જિલ્લામાં સૌથી ઓછો?

જિલ્લો       વરસાદ સરેરાશ

દાહોદ       ૧૩.૦૭ ૪૫.૯૭%

સુરેન્દ્રનગર  ૧૪.૧૩ ૬૦.૫૩%

ભાવનગર   ૧૫.૧૫ ૬૩.૦૦%

અમદાવાદ   ૧૫.૨૭ ૫૬.૩૮%

મોરબી      ૧૫.૭૪ ૭૨.૩૯%      


છેલ્લા પાંચ વર્ષમાં ૧૪ ઓગસ્ટ સુધી વરસાદ

વર્ષ    વરસાદ સરેરાશ

૨૦૧૫ ૧૯.૯૩૬૩.૪૯%

૨૦૧૬ ૧૭.૭૪ ૫૬.૫૪%

૨૦૧૭ ૨૬.૬૩ ૮૩.૫૧%

૨૦૧૮ ૧૮.૨૭ ૫૫.૮૭%

૨૦૧૯ ૨૭.૦૧ ૮૪.૦૯%

૨૦૨૦ ૨૩.૦૦ ૭૦.૩૨%

૨૦૨૧ ૧૨.૧૮ ૩૬.૮૪%

૨૦૨૨ ૨૮.૨૦ ૮૪.૨૬%

(*વરસાદના આંકડા ઈંચમાં.)