
ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથની રાજસ્થાન રોયલ્સના સુકાની તરીકે અજિંક્ય રહાણેની બદલીમાં શનિવારે નિમણૂક કરાઈ હતી અને આશા કરાય છે કે આ ફેરફારથી આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં ટીમના અત્યાર સુધીના નિરાશાજનક સંગ્રામમાં પલટો લાવશે.
પોતાના રાષ્ટ્રની ટીમના દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લાં પ્રવાસ દરમિયાન કેપટાઉન ટેસ્ટ મેચમાં બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ પોતાની પર મુકાયેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ફરી રમતા થયેલા સ્મિથને ટીમનું ફરી સુકાન સોંપવામાં આવ્યું છે અને આ અંગેની જાહેરાત મુંબઈ ઈન્ડિયન્સ સામે અહીં મેચ પહેલા કરવામાં આવી હતી.
રોયલ્સની ટીમ તેની છેલ્લી આઠ મેચમાંથી છ હારી ગઈ હતી અને સ્પર્ધાના નોક-આઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે તેણે પોતાની છ મેચમાંથી ઓછામાં ઓછી પાંચ મેચ જીતવાની રહે છે.
સ્મિથને 2018ની સ્પર્ધાની શરૂઆતમાં પણ સુકાન સોંપાયું હતું, પણ બોલ ટૅમ્પરિંગના બનાવના પગલે તેની ગેરહાજરીમાં આ જવાબદારી અજિંક્ય રહાણેને સોંપવામાં આવી હતી.
પણ, સ્મિથ 1લી મે સુધી સ્પર્ધાની મેચો માટે ઉપલબ્ધ હશે અને ત્યાં સુધીમાં રોયલ્સની ટીમે તેની ઘણીખરી લીગ મેચ રમી લીધી હશે.
સ્મિથે સાત મેચમાં ભાગ લઈ 37.20 રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ 186 રન કર્યા છે જેમાં 73 રન તેનો શ્રેષ્ઠ દેખાવ રહે છે. રહાણેએ 25.12 રનની સરેરાશ સાથે કુલ 201 રન કર્યા છે જેમાં તેનો શ્રેષ્ઠ દેખાવ 70 રનનો છે.























