CIA ALERT

ઇન્ડીયન પોલિટીક્સ Archives - Page 27 of 53 - CIA Live

August 24, 2020
gandhiparivar.jpg
1min4480

કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પદ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી છે. કોંગ્રેસ કાર્ય સમિતિની સોમવારે યોજાનાર બેઠક પહેલા પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ પાર્ટીમાં પરિવર્તનની માંગ કરતા સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. જેમાં 20થી વધારે પાર્ટી નેતાઓએ આંતરિક સમસ્યાઓનો ઉલ્લેખ કરતા નેતૃત્વના મુદ્દે સોનિયા ગાંધી સાથે ચર્ચાની માંગ ઉઠાવી હતી. બીજી તરફ માનવામાં આવી રહ્યુ છે કે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં વર્તમાન સ્થિતિ સામે સવાલ ઉઠાવતા સામૂહિક નેતૃત્વનો મુદ્દો ઉભો કરવામાં આવ્યો હતો. 

નોંધનીય છે કે કોંગ્રેસમાં નેતૃત્વના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે સોમવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોંગ્રેસ કાર્ય સમિતિની મહત્વની બેઠક યોજાવાની છે. જેમાં આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહે તેવી સંભાવના છે. 

જોકે વિતેલા કેટલાક સમયથી કોંગ્રેસમાં કેટલાક વરિષ્ઠ નતાઓ હવે ખુલીને માંગ કરી રહ્યા છે કે પાર્ટીની કમાન રાહુલ ગાંધીને સોંપી દેવી જોઇએ. હાલમાં સુરજેવાલાએ કહ્યું હતું કે કોંગ્રેસના દરેક કાર્યકર્તાની ભાવના છે કે રાહુલ ગાંધી પાર્ટી નેતૃત્વ સંભાળે. બીજી બાજુ રાહુલ અને પ્રિયંકા ગાંધી જાહેર કરી ચૂક્યા છે કે, હવે પછી પાર્ટી અધ્યક્ષનુ પદ ગાંધી પરિવારથી બહારનુ વ્યક્તિ સંભાળશે. 

August 14, 2020
modi-1280x720.jpg
1min8640

વડા પ્રધાન તરીકે સૌથી લાંબો સમય સેવા આપનાર નરેન્દ્ર મોદી દેશના ચોથા વડા પ્રધાન બન્યા છે. નરેન્દ્ર મોદી ભારતના ઈતિહાસમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન તરીકે સેવા આપનાર ચોથા પીએમ બન્યા છે.

બિનકૉંગ્રેસી વડા પ્રધાન તરીકે સૌથી વધુ સમય હોદ્દા પર રહેવાનું માન મોદીને જાય છે. અગાઉ અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન તરીકેની તેમની તમામ મુદત દરમિયાન કુલ ૨૨૬૮ દિવસ હોદ્દા પર રહ્યા હતા. ૧૩ ઑગસ્ટે મોદીએ વાજપેયીના કુલ ૨૨૬૮ દિવસ વડા પ્રધાન રહેવાના વિક્રમને પાર કર્યો હતો, એમ ભાજપના આવકવેરા ખાતાનો હવાલો સંભાળતા અમિત માલવિયાએ ટ્વિટર પરના સંદેશામાં જણાવ્યું હતું.

અગાઉ જવાહલાલ નહેરુ, ઈંદિરા ગાંધી અને મનમોહનસિંહ (તમામ કૉંગ્રેસી) વડા પ્રધાનના હોદ્દા પર સૌથી લાંબો સમય રહ્યા હતા.

August 9, 2020
bjp_logo.png
1min5620

રાજસ્થાનમાં કોંગ્રેસની અશોક ગેહલોતની સરકાર સામે ચાલતા રાજકીય ખેલમાં ઊંટે કરવટ બદલી છે. સચિન પાયલોટ અલગ થયા અને એમના સામે ગેહલોત સરકારે સરકાર તોડવાનો કેસ કર્યો. અને હવે ધારાસભાનું સત્ર તા. 14મીએ મળવાનું છે એ પહેલા એસ.ઓ.જી. તપાસનો સંકેલો કર્યો છે.

બીજી બાજુ, ભાજપના ધારાસભ્યો ન તૂટે એટલે એમને ગુજરાતમાં ખસેડયા છે. આ ધારાસભ્યો વસુંધરા રાજે જૂથના હોવાનું મનાય છે. બાર ધારાસભ્યો ગુજરાત આવ્યા છે એમાંના 6 બાવળાના કોઇ રિસોર્ટમાં રોકાયા છે તો 6 ધારાસભ્યો સોમનાથ દર્શને પહોંચ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસ એના ધારાસભ્યોને બચાવતી રહી અને રિસોર્ટમાં રાખતી હતી. હજુ ય ગેહલોતે આવી જ વ્યવસ્થા કરી છે. નંબર ગેમ ચાલે છે.

ગુજરાતમાં આવેલા બારેક ધારાસભ્યો પૈકી સોમનાથ દર્શને આવેલા ભાજપના ધારાસભ્યોએ ગેહલોત સરકાર પર આક્ષેપ કરતા જણાવેલું કે, ભાજપના ધારાસભ્યોને પરેશાન કરવામાં આવે છે. આ સ્થિતિમાં અમે સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. પોરબંદર વિમાન મથકે ભાજપના નિર્મલ કુમાવતે જણાવ્યું કે, કોંગ્રેસ અમારા ઉપર દબાણ લાવી રહી છે. અમે અહીં બે દિવસ રોકાવાના છે.

આ છ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેનમાં પોરબંદર આવ્યા હતા. નિર્મલ ઉપરાંત ગોપીચંદ મીણા, જબ્બર સિંહ, ધર્મેન્દ્ર મોચી, ગુરુદીપ શાહપિની સામેલ છે. જયપુર આ બધાને મૂકવા આવેલા ધારાસભ્ય અશોક લાહિરીએ કહ્યું હતું કે, તેઓ પોતાની મરજીથી તિર્થાટન પર જઇ રહ્યા છે. રાજસ્થાન પોલીસ, તંત્ર પરેશાન કરે છે.

6 ધારાસભ્યો સાંજે પાંચેક વાગ્યે ચાર્ટર પ્લેન મારફત પોરબંદર પહોંચ્યા છે. જ્યાં પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ ધારાસભ્યોને આવકાર્યા હતા. જ્યાં ચા-નાસ્તો કર્યા બાદ છએય ધારાસભ્યો કાર મારફતે રવાના થઇ મોડીસાંજે સોમનાથ સાંનિધ્યે પહોંચ્યા છે. અહીં સ્થાનિક ભાજપ સંગઠનના હોદેદારોએ ધારાસભ્યોને આવકાર્યા હતા.

આ અંગે ગીર સોમનાથ ભાજપ પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારએ જણાવેલ કે, ભાજપ પક્ષના રાજસ્થાન એકમના છ ધારાસભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવી રહ્યા છે જેથી તેઓ માટે સોમનાથના સાગર દર્શન વીઆઈપી ગેસ્ટ હાઉસમાં છ રૂમો બૂક કરાવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અહીં રાત્રી રોકાણ કરી સવારે સોમનાથ મહાદેવના દર્શન કરશે.

અન્ય ધારાસભ્ય અમદાવાદના બાવળામાં હોવાની ચર્ચા છે. ધારાસભ્યો સાચવવાની વાત આવે ત્યારે અનેકવાર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજસ્થાનમાં શરણ લીધી છે ત્યારે હવે ભાજપે રાજસ્થાનમાં પોતાના ધારાસભ્યોને સાચવવા કવાયત હાથ ધરી છે. ગુજરાતમાં ભાજપની સત્તા છે, આવામાં અહીં ધારાસભ્યો સલામત ગણી શકાય. ગુજરાતમાં પણ ભાજપ સરકાર હોવાથી જગ્યા સલામત તથા રાજસ્થાનથી નજીક પણ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ ધારાસભ્યોને ક્યાય બહાર લઇ જવામાં નહિ આવે. જે સ્થળ પર રાખવામાં આવ્યા છે ત્યાં પાસેના તમામ રસ્તા પર ખાનગી ડ્રેસ પર પોલીસ કર્મચારી ગોઠવાયા છે. રાજકીય હેતુ પાર ન પડે ત્યાં સુધી તમામને અહીં રાખવામાં આવશે. આ ધારાસભ્ય 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે. ભાજપના જ એક સિનિયર આગેવાનને ધારાસભ્યોના રોકાણની જવાબદારી સોંપવામાં આવી છે.

ગીર સોમનાથના ભાજપ પ્રમુખે સાગર દર્શન ધામમાં 6 રૂમ બૂક કરાવ્યા છે. આ હોટલ સોમનાથમાં આવેલી છે પરંતુ સૂત્રોનું માનીએ તો રાજસ્થાનના ઝાલોર, ઉદેપુર, સિરોહી, ડુંગરપુર અને બાંસવાડાના ભાજપના 12 ધારાસભ્યોને પાર્ટીએ ગુજરાતમાં અમદાવાદ ખાતે મોકલ્યા છે.

આ ધારાસભ્યોમાં સમારામ ગરાસિયા, જાગસી રામ કોળી, પૂરારામ ચૌધરી, ધર્મનારાયણ જોશી, ફૂલસિંહ મીણા, અમૃતલાલ મીણા, પ્રતાપ ગામેતી, બાબુલાલ ખરાડી, ગૌતમ મીણા, અર્જુનલાલ જીનગર, હરેન્દ્ર નિનામાનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. આ ધારાસભ્યો 12 ઓગસ્ટ સુધી ગુજરાતમાં રહેશે અને આગામી 14 ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભાનું સત્ર મળવાનું છે.

બીજી બાજુ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ આ ધારાસભ્યોને ગુજરાત શિફટ કર્યા હોવા પર અલગ અલગ ધારણાઓ કરવામાં આવી રહી છે. તેમાંથી સૌથી વધુ ધારાસભ્ય વસુંધરા રાજેના સમર્થક હોવાનું કહે છે. જો કે, વસુંધરા રાજેના નજીકના સૂત્રોએ જણાવ્યું છે કે વસુંધરા રાજેએ જેપી નડ્ડા સાથે પાર્ટીની કાર્યશૈલીને લઇને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વસુંદરા રાજેના જૂથનું માનીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જેપી નડ્ડા સાથે વસુંધરા રાજેએ સ્પષ્ટ કહી દીધું છે કે, અમે પાર્ટીની સાથે છીએ. પરંતુ સ્વાભિમાન સાથે કોઇ સમજૂતી નહીં થાય. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે વસુંધરા રાજે અત્યારે 12 ઓગસ્ટ સુધી દિલ્હીમાં જ રહેશે અને 13 તારીખે જયપુર પાછા ફરશે. જો કે, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ જણાવ્યું કે, બીજેપી પોતાના ધારાસભ્યોને નજરકેદ કરી રહી નથી. પરંતુ જરૂર પડશે તો વિધાનસભા પહેલા પ્રશિક્ષણના નામે ધારાસભ્યોને જયપુરમાં બોલાવવામાં આવી શકે છે.

August 3, 2020
educationpolicyjpg.jpg
1min5380

કેન્દ્ર નવી નેશનલ એજ્યુકેશન પૉલિસી (એનઇપી), ૨૦૨૦ મારફત કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ, એવી સ્પષ્ટતા કેન્દ્રના શિક્ષણ પ્રધાન રમેશ પોખરિયાલ નિશાંકે રવિવારે કરી હતી.

તમિળનાડુમાં આ નવી શિક્ષણ નીતિ સામે જે વિરોધ નોંધાયો એને પગલે નિશાંકે તમિળ ભાષામાં એક ટ્વીટ દ્વારા આ ખુલાસો કર્યો હતો. એનઇપીએ કથિતપણે રાજ્યો પર હિન્દી અને સંસ્કૃત ભાષા લાદી છે, એવો આક્ષેપ તમિળનાડુમાં કરવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકારે બહુભાષીય ઝોકને પ્રોત્સાહિત કરવાના હેતુથી પાંચમા ધોરણ સુધી બાળકોને માતૃ ભાષા/સ્થાનિક ભાષા/પ્રાદેશિક ભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂક્યો છે.

તમિળનાડુના પોન રાધાકૃષ્ણન ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન છે. તેમને નિશાંકે લખેલા ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘તમિળનાડુમાં એનઇપીનો અમલ કરાવવાની બાબતમાં હું તમારા માર્ગદર્શનની અપેક્ષા રાખું છું. હું ફરી ભારપૂર્વક કહેવા માગું છું કે કેન્દ્ર સરકાર કોઈ પણ રાજ્ય પર કોઈ પણ ભાષા લાદશે નહિ.’

તમિળનાડુમાં એમ. કે. સ્ટાલિનની આગેવાનીવાળા ડીએમકે પક્ષે તેમ જ ઘણા વિરોધ પક્ષોએ એનઇપીનો વિરોધ કર્યો છે અને ધરખમ સુધારા ધરાવતી આ નીતિની સમીક્ષા માટેની માગણી કરી છે.

શનિવારે ડીએમકેના ચીફે કહ્યું હતું કે ‘નવી શિક્ષણ નીતિ રાજ્યો પર હિન્દી તથા સંસ્કૃત ભાષા ઠોકી બેસાડવાનો પ્રયાસ છે.’ આવું કહીને સ્ટાલિને આ નીતિ સામે લડત ચલાવવાનો સંકલ્પ જાહેર કર્યો હતો અને એ માટે તેમણે સમાન વિચારધારાવાળા રાજકીય પક્ષો સાથે તેમ જ અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે હાથ મિલાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.

‘આ સુધારા કોઈ નવી શિક્ષણ નીતિ નથી, પરંતુ જૂની દમનકારી મનુસ્મૃતિ પરના ચળકતા ઢોળ સમાન છે,’ એવું સ્ટાલિને કહ્યું હતું.

દેશમાં, ખાસ કરીને દક્ષિણના રાજ્યો દ્વારા વર્ષોથી રાષ્ટ્ર ભાષા હિન્દીનો વિરોધ કરાઈ રહ્યો છે. ભૂતકાળમાં હિન્દીના વિરોધમાં દક્ષિણ ભારતમાં હિંસક આંદોલનો પણ થયા હતા. મોટા ભાગના દક્ષિણના રાજ્યોમાં પોતપોતાની સ્થાનિક ભાષાને તો મહત્ત્વ અપાય જ છે, હિન્દી પ્રત્યે ત્યાંના લોકોનો વર્ષોથી અણગમો રહ્યો છે. તેઓ બ્રિટિશોની અંગ્રેજી ભાષા પ્રત્યે વળગણ ધરાવે છે, પણ રાષ્ટ્રભાષા હિન્દીને ક્યારેય અપનાવવા તૈયાર નથી થતા. આવો ભાષાવાદ માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં, દેશના બીજા ઘણા રાજ્યોમાં પણ છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે દેશની દરેક ભાષા મહત્ત્વની છે અને એનું ગૌરવ જળવાવું જ જોઈએ, પરંતુ દેશને એક તાંતણે બાંધીને રાખી શકે એવી હિન્દી ભાષાની ઉપેક્ષા ન જ થવી જોઈએ.

July 31, 2020
sumul_dairy.jpg
2min7770

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી અને બેરોકટોક વહીવટ થઇ શકે તેવું સ્ટ્રક્ચર ધરાવતી દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીનો વહીવટ હસ્તગત કરવા માટે ભાજપના બે મોટા માથાઓ હાલ આકાશપાતાળ એક કરી રહ્યા છે. એક તરફ વર્તમાન ચેરમેન રાજુ પાઠક છે તો બીજી તરફ ભાજપના જ નેતા અને સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાનું જૂથ છે. વર્તમાન ચેરમેન રાજુ પાઠક જૂથ જો ચૂંટણી લડે તો તેમનો એકડો નીકળી જાય તેમ છે. આમ છતાં ભાજપાના દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધોને કારણે તેઓ હારવાની બાજી સમાધાનના ફોરમ પર લઇ જવા મથી રહ્યા છે.

સુમુલની ચૂંટણીમાં CR પાટીલની દરમિયાનગીરી પછી પણ બાખડી રહ્યા છે ભાજપના બે મોટા નેતાઓ, હવે હુકમનું પાનું ઉતરશે સી.આર. પાટીલ

ભાજપના જ નેતા અને વર્તમાન ચેરમેન રાજુ પાઠકની સામે દિગ્ગજોની આખી ફૌજ છે. રાજ્ય સરકારના કેબિનેટ મંંત્રી ગણપત વસાવા ઉપરાંત પૂર્વ સાંસદ અને બીજેપીના નેતા માનસિંહ પટેલ સાથે તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને ખેડૂત સમાજમાં મોટું નામ એવા જયેશ દેલાડ થી લઇને અનેક મોટા માથા રાજુ પાઠકની વિરુદ્ધમાં છે.

ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દરમિયાનગીરી કરીને બન્ને મોટા નેતાઓના જૂથો વચ્ચે સમાધાનકારી ફોર્મ્યુલા મૂકી છે. પરંતુ, પ્રદેશ પ્રમુખની દરમિયાનગીરી પછી પણ ભાજપના બન્ને નેતાઓ અઠંગ રાજકીય રીતે મની, મસલ્સ પાવરથી એક બીજાનો એકડો કાઢી નાંખવા માટેની પેંતરાબાજીમાં પડ્યા છે.

ભાજપાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સમાધાન માટેની મિટીંગો બાદ ફોર્મ્યુલા આપી હોવા છતાં ભાજપના બેઉ નેતાઓ મની મસલ્સ પાવરથી લઇ રહ્યા છે અને બદનામી ભાજપાની થઇ રહી છે. આવી સ્થિતિમાં હવે ખુદ ભાજપે મેન્ડેટ આપીને બન્ને નેતાઓની લડાઇ પર પૂર્ણવિરામ મૂકવું પડે તેમ છે. જો રાજુ પાઠક જૂથ અને ગણપત વસાવા-માનસિંહ પટેલ જૂથ સુમુલની ચૂંટણીમાં લડી લેશે તો આગામી દિવસોમાં આવી રહેલી નગરપાલિકા, તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાને જ આ લડાઇ ભારે પડી જાય તેવી સ્થિતિ છે.

સમજાવટ નાકામ હવે સીધો પાર્ટીલાઇન આદેશ

સૂત્રોના જણાવ્યા અનુસાર સી.આર. પાટીલે સુમુલ ડેરીની ચૂંટણીમાં થઇ રહેલી ગતિવિધિઓને ગંભીરતાથી લઇને સમાધાનની એક ફોર્મ્યુલા નક્કી કરી આપી છે. અને આગામી 2-3 ઓગસ્ટ કે એ પહેલા સુમુલ ડેરીની ચૂંટણીને અનુલક્ષીને ભાજપાના પરિવારમાં થઇ રહેલા ઝગડાઓ બંધ થઇ જાય તેવી શક્યતા હાલ જોવાય રહી છે. સમજાવટથી કામ વિવાદોનો નિવેડો નહીં આવતા છેવટે હવે પ્રદેશ હાઇકમાન્ડે સીધો જ મેન્ડેટ આપવો પડશે અને એ પણ લગભગ અપાઇ ચૂક્યો છે. આગામી દિવસોમાં સુમુલની ચૂંટણીનો ઝઘડો સમી જાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

સુમુલની ચૂંટણીમાં ભાજપીઓ જો લડશે તો સીધી અસર હવે પછીની ગ્રામીણ ચૂંટણીઓ પર પડશે

14 બેઠકો માટે 31 ઉમેદવારો મેદાનમાં

ક્યાં ક્યાં ચૂંટણી યોજાવાની છે

  • ઓલપાડ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે હુકમના એક્કા સમાન જયેશ પટેલ દેલાડ, જેઓ કોંગ્રેસમાંથી તાજેતરમાં જ ભાજપામાં જોડાયા છે
  • ચોર્યાસી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે સંદીપ દેસાઇ, સુરત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ છે
  • પલસાણા Palsana બિનહરીફ વિજેતા ભરતસિંહ સોલંકી (માજી પલસાણા બીજેપી ચીફ) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
  • કામરેજ
  • બારડોલી
  • માંગરોળ અહીંથી લડી રહ્યા છે વર્તમાન ચેરમેન રાજેશ કાંતિલાલ પાઠક, જેઓ પણ ચેરમેનશીપ માટે દાવેદાર મનાય છે
  • માંડવી
  • મહુવા અહીં લડી રહ્યા છે માનસિંહ પટેલ, ચેરમેનશીપ માટેના પ્રબળ દાવેદાર
  • વાલોડ
  • વ્યારા
  • સોનગઢ
  • નિઝર
  • ઉચ્છલ
  • કુકરમુંડા
  • ઉમરપાડા Umarpada બિનહરીફ વિજેતા રીતેશસિંહ વસાવા (ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવાના સંબંધી) માનસિંહ પટેલની પેનલના ઉમેદવાર
  • ડોલવણ Dolvan

જયેશ પટેલ (દેલાડ) પાટીદાર અને ખેડૂત આગેવાન, કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા પછી સુમુલ ડેરીમાંથી રાજુ પાઠકનો એકડો નીકળી જાય તેવી સ્થિતિ

અત્યાર સુધીની સુમુલ ડેરીની ચૂંટણીમાં હુકમનો એક્કો પુરવાર થયેલા એક સમયના કોંગ્રેસી નેતા જયેશ પટેલ દેલાડ હવે હાલની સુમુલની ચૂંટણી પૂર્વે જ ભાજપમાં સામેલ થતા હવે સુમુલ ડેરીની ચૂંટણીમાંથી કોંગ્રેસનો એકડો નીકળી ગયો છે પણ હવે લડાઇ ભાજપાના ઘરમાં ઘૂસી ગઇ છે. માનસિંહ પટેલની પેનલમાંથી ચૂંટણી લડી રહેલા જયેશ પટેલ કહેવાય છે કે સુમુલ ડેરીના સંગઠનમાં મોટું અને નિર્વિવાદ નામ છે. તેમના આવ્યા પછી આમેય રાજુ પાઠક જૂથના પાટીયા બેસી ગયા છે. જયેશ દેલાડને સુુમુલ ડેરીના વાઇસ ચેરમેન બનાવવા પડે તેવી સ્થિતિ છે. કેમકે તેઓ પાટીદાર હોવા ઉપરાંત ખેડૂત આગેવાન, સહકારી ક્ષેત્રમાં નામધારી નેતા છે.

July 27, 2020
hanuman-beniwal.jpg
1min7750

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરનારા રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના નાગૌર સાસંદ હનુમાન બેનીવાલ પોતે જ કોરોનાની અડફેટે ચઢી ગયા છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર આ અંગે જાણ કરી છે.

આરએલપી અધ્યક્ષ નાગૌરના સાંસદ સભ્ય છે. અહીં ભારતીય જનતા પાર્ટીએ બેનીવાલને સપોર્ટ કર્યો હતો જેથી તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. રાજસ્થાન વિધાનસભામાં પણ તેમની પાર્ટીના ત્રણ ધારાસભ્યો છે. આ અગાઉ તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની કોરોનાની તપાસ કરવાની માગ કરીને વિવાદોમાં સંપડાયા હતા.

હનુમાન બેનીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, કોરોનાના લક્ષણ અનુભવાતા મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મારી પત્ની કનિકાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મારી અપીલ છે કે છેલ્લા 10 દિવસોમાં જેટલા પણ લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે અને મારા નજીકના લોકો જે વારંવાર મારા સંપર્કમાં આવ્યા હોય તેવા લોકો ક્વોરન્ટાઈન થઈ જાય.

July 26, 2020
ram-nath-kovind.jpg
1min5660

શનિવારે રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમના પદ પર રાષ્ટ્રપતિ ભવનમાં ત્રણ વર્ષ પૂરા કર્યા હતા. કોરોના વાઇરસ સામેની લડતમાં તેમણે દેશને માર્ગદર્શન આપ્યું છે. આખા વર્ષ દરમિયાન તેઓ સૈનિકો અને વૈજ્ઞાનિકો સહિત ૭,૦૦૦ લોકોને મળ્યા હતા.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પદ પર ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે, એમ એક ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું.

તેમને અને તેમના પરિવારજનોને કોરોનાનું જોખમ હોવા છતાં રાષ્ટ્રપતિ કોવિંદ, તેમના પત્ની અને ફર્સ્ટ લેડી અને તેમના પરિવારના સભ્યો અન્ય નાગરિકો સાથે જોડાયા હતા અને કોરોના સામે દેશના લોકોની રક્ષા માટે મહેનત કરી રહેલા ફ્રન્ટલાઇન વૉરિયર્સ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ કોવિંદે પણ પીએમ-કેઅર્સ ફંડમાં તેમના એક મહિનાના પગારનું દાન કર્યું હતું અને તેમણે એક વર્ષ માટે તેમનો ૩૦ ટકા પગાર ઓછો લેવાનું નક્કી કર્યું છે.

July 25, 2020
shivraj.jpg
1min5830

મધ્યપ્રદેશમાં ધારાસભ્યો અને મંત્રીઓ પછી હવે આજરોજ તા.25મી જુલાઇએ બપોરે બાર વાગ્યા બાદ ખુદ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણ ટ્વીટ કરીને માહિતી જાહેર કરી હતી કે તેમનો પોતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

ભારતમાં કોઇ મુખ્યમંત્રીને કોરોના થયો હોય તેવા શિવરાજ સિંહ દેશમાં પહેલા મુખ્યમંત્રી છે.

July 24, 2020
crpatil.jpg
1min36290

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ખરો રાજકીય નેતા એ ને કહેવાય કે જે લોકોની નાડ પારખીને ચાલે. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ અને સુરતના કદાવર નેતા એ આજે પુરવાર કરી દીધું કે એ ખરા લોક નેતા છે. જ્યારથી સુરતમાં તેમના સન્માન માટે કાર રેલીની જાહેરાત થઇ ત્યારથી ગુજરાતના બુદ્ધીજીવી વર્ગથી લઇને ખુદ ભાજપમાં પણ કોવીડ-19 પેન્ડેમિકમાં સુરત જેવા હોટસ્પોટ શહેરમાં રેલી યોજવાની વિરોધમાં મત આપી રહ્યા હતા. જો રેલી યોજાઇ હોત અને એ પછી સુરતમાં કોરોના કેસો વધ્યા હોત તો દોષનો ટોપલો સી.આર. પાટીલના શિરે ઢોળાયો હોત. આમેય રેલી યોજીને જેટલું માન સન્માન મળવાનું હતું એ મળી ચૂક્યું હતું, છેલ્લી ઘડીએ રેલી રદ કરીને સી.આર. પાટીલ રેલી યોજવા કરતા વધુ માન ખાટી ગયા.

બાજીગર ફિલ્મના ડાયલોગની યાદ આવી ગઇ

कभी कभी कुछ जितने के लिए कुछ हारना पडता है और हार कर जितने वाले को बाजीगर कहेते है

લાખો રૂપિયાના ખર્ચાની સામે કોરોના કેસોની નાલેષીની વધુ કિંમત ચૂકવવી પડી હોત

બીજી તરફ સુરતમાં સીઆર પાટીલના આગમન માટે તડામાર તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી. તેમના રેલી રૂટ માટે લાખો રૂપિયાના ખર્ચે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલીના બબ્બે વખત રૂટ બદલવામાં આવ્યા હતા. અંદાજે એક લાખ માણસ કાર રેલીમાં જોડાય, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરે એવું જડબેસલાક પ્લાનિંગ હતું.

તા.24મી જુલાઇએ બપોરે 2.25 કલાકે ખુદ સી.આર. પાટીલએ એવી જાહેરાત કરી કે વર્તમાન કોરોનાની પરિસ્થિતિને જોતા તેઓ પોતાના સન્માન માટે યોજાયેલી રેલી અને અભિવાદન કાર્યક્રમ રદ કરી રહ્યા છે.

રેલી યોજાઇ હોત તો કોરોનાના કેસોની નાલેષી મળી હોત

જો રેલી યોજવામાં આવી હોત તો હવે પછી સુરતમાં કોરોના કેસોની સંખ્યા માટે સીઆર પાટીલની રેલીને પર દોષારોપણ કરીને તેનો દોષનો ટોપલો સીઆર પાટીલના નામે નાલેષી સ્વરૂપે ઢોળાયો હોત. આ બધી બાબતોને ગંભીર ગણીને એ પ્રમાણે નિર્ણય લે એ ને જ ખરો લોક નેતા કહેવાય.

Read Also

July 24, 2020
sachin-pilot.jpg
1min6960

રાજસ્થાન હાઈ કૉર્ટના નિર્ણયને પડકારતી રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશીની અરજીની સુનાવણી બાદ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે હાઈ કૉર્ટના ચુકાદા પર સ્ટે આપવાનું નકારી કાઢ્યું હતું. આ સાથે સચિન પાયલટ અને તેમના સાથી વિધાનસભ્યોનો અદાલતમાં પ્રારંભિક વિજય થયો હતો. જોકે, તેમણે કહ્યું હતું કે હાઈ કૉર્ટનો આદેશ સુપ્રીમ કૉર્ટના ચુકાદાને આધિન હશે.

આ મામલે હાઈ કૉર્ટ આજે ચુકાદો આપશે અને સુપ્રીમ કૉર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે.

સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને મામલે હાઈ કૉર્ટ સુનાવણી કરી શકે કે નહીં એ મામલે સુપ્રીમ કૉર્ટ સુનાવણી હાથ ધરશે. સુપ્રીમ કૉર્ટ સ્પીકરના અધિકાર તેમ જ કૉર્ટના અધિકારક્ષેત્ર અંગે વિચારણા કરશે.

સ્પીકર સી. પી. જોશી વતી કૉર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે કૉર્ટમાં કહ્યું હતું કે હાઈ કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. નિર્ણયનો લેવાનો સમય વધારવા માટે કૉર્ટ સ્પીકરને આદેશ આપી શકે નહીં. જ્યાં સુધી સ્પીકર કોઈ અંતિમ નિર્ણય ન લે ત્યાં સુધી કૉર્ટ દખલગીરી કરી શકે નહીં, એમ તેમણે કહ્યું હતું.

ગેરલાયક ઠેરવવાને સંબંધિત તમામ કાર્યવાહી વિધાનસભા સુધી જ સીમિત રહેવી જોઈએ એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જ્યારે સ્પીકર નિર્ણય લેતા હોય તો ત્યારે હાઈ કૉર્ટ આદેશ બહાર ન પાડી શકે. બંધારણની ૧૦મી કલમના છઠ્ઠા ફકરામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગેરલાયક ઠેરવવાને મામલે સ્પીકરનો નિર્ણય અંતિમ હોય છે.

સિબલે કહ્યું હતું કે કૉર્ટ માત્ર ત્યારે જ દરમિયાનગીરી કરી શકે છે જ્યારે સ્પીકરે ધારસભ્યને સસ્પેન્ડ કે ગેરલાયક જાહેર કર્યો હોય.

અગાઉ, રાજસ્થાનના બરતરફ કરાયેલા નાયબ મુખ્ય પ્રધાન સચિન પાઈલટ સહિત ૧૯ બળવાખોર ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાને લગતી પ્રક્રિયા શરૂ કરવા વિધાનસભાના સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને મામલે સુપ્રીમ કૉર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનું નકારી કાઢ્યું હતું.

વિધાનસભાના સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવાને લગતી પાઠવવામાં આવેલી નૉટિસને પડકારતી કૉંગ્રેસના બળવાખોર ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલી અરજીને મામલે ચુકાદો આપવાની સુપ્રીમ કૉર્ટે ગુરુવારે રાજસ્થાન હાઈ કૉર્ટને મંજૂરી આપી હતી.

બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાને લગતી સ્પીકર દ્વારા આપવામાં આવેલી નૉટિસને પડકારનાર બળવાખોર ધારાસભ્યોએ પક્ષકાર તરીકે કેન્દ્ર સરકારનો પણ સમાવેશ કરવાની માગણી કરતી અરજી કૉર્ટમાં દાખલ કરી હતી.

અરજીની સુનાવણી માટે ૨૭ જુલાઈ મુકરર કરતા ખંડપીઠે કહ્યું હતું કે તેનો આધાર અરજી અંગે સુપ્રીમ કૉર્ટના ચુકાદા પર રહેશે.

બંધારણની કલમ ૧૦ હેઠળ હાથ ધરવામાં આવેલી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયામાં હાઈ કૉર્ટ દખલગીરી ન કરી શકે એ પ્રકારનો આક્ષેપ કરતી દાખલ કરેલી અરજીને મામલે વચગાળાની રાહત મેળવવામાં રાજસ્થાન વિધાનસભાના સ્પીકર સી. પી. જોશી નિષ્ફળ ગયા હતા.

ન્યાયાધીશ અરુણ મિશ્રા, બી. આર. ગાવઈ અને કૃષ્ણમુરારીની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે જોશીની અરજીમાં મહત્વના પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હોવાને કારણે તે માટે લાંબી સુનાવણી જરૂરી છે.

લોકશાહીમાં બળવાખોરોનો અવાજ દબાવી ન શકાય, એમ ખંડપીઠે કહ્યું હતું.

કૉંગ્રેસના ૧૯ બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયા શરૂ કરવાના કારણો અંગે જોશીને પ્રશ્ર્ન કરતા કૉર્ટે કહ્યું હતું કે બળવાખોર નેતાઓને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાને મંજૂરી આપી શકાય એમ છે કે નહીં તે શોધી કાઢવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.

જોશી વતી કૉર્ટમાં ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબલે એમ કહીને ગેરલાયક ઠેરવવાની પ્રક્રિયાનો આરંભ કરવાનું જણાવ્યું કહ્યું હતું કે આ બળવાખોર ધારાસભ્યોએ વ્હીપની અવગણના કરીને પક્ષની બેઠકમાં હાજરી નહોતી આપી અને પક્ષની જ સરકારને અસ્થિર કરવા કાવતરું ઘડી કાઢ્યું હતું. જોકે, ખંડપીઠે કહ્યું હતું કે આ સાધારણ કેસ નથી અને આ ધારાસભ્યો ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે.