ચેમ્બર દ્વારા તા. 26થી 28 સપ્ટેમ્બર દરમિયાન સરસાણા ખાતે ત્રિ-દિવસીય ‘સીટેક્ષ એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન
- સુરત ઇન્ટરનેશનલ ટેક્સ્ટાઈલ એક્સ્પોમાં આધુનિક મશીનરી અને એડવાન્સ્ડ ટેક્નોલોજીનો અનોખો સમન્વય જોવા મળશે
- ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી દિશા અને ગતિ આપવી એ ચેમ્બરનું મુખ્ય લક્ષ્ય: પ્રમુખ અશોક જીરાવાલા
- વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે 26 સપ્ટેમ્બરે ઉદ્ઘાટન; અગ્રણી ઉદ્યોગપતિઓ રહેશે ઉપસ્થિત
- પ્રોડક્શન લોસ અને ડાઉનટાઇમ રોકવા ‘વીવિંગ પ્રોડક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ રજૂ થશે: રવિ રાજ દેસાઈ
- દેશભરના 150થી વધુ શહેરોમાંથી હજારો વેપારીઓ મુલાકાત લેશે; 100થી વધુ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય એક્ઝિબિટર્સ ભાગ લેશે

સુરત, 24 સપ્ટેમ્બર 2026:ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 26, 27 અને 28 સપ્ટેમ્બર 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે સવારે 10:00થી સાંજે 07:00 વાગ્યા દરમિયાન ત્રિ-દિવસીય ‘સીટેક્ષ – સુરત ઇન્ટરનેશનલ ટેક્સ્ટાઈલ એક્સ્પો-2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ટેક્સ્ટાઈલ સેક્ટરને ગ્લોબલ ગતિ મળશે: અશોક જીરાવાલા
ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આ પ્રદર્શન સીટેક્ષ શ્રેણીનું 14મું સફળ સંસ્કરણ છે. ચેમ્બરના આ અત્યંત મહત્વકાંક્ષી આયોજનનો મુખ્ય હેતુ સુરતના ધમધમતા ટેક્સ્ટાઈલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ, દિશા અને તીવ્ર ગતિ આપવાનો છે. આધુનિક ટેક્સ્ટાઈલ ટેક્નોલોજી અને હાઇ-સ્પીડ મશીનરી માટે યોજાનારા આ પ્રદર્શનનો સીધો આર્થિક અને તકનીકી લાભ સુરત તથા દક્ષિણ ગુજરાતના ટેક્સ્ટાઈલ સેક્ટરને મળશે. સીટેક્ષ એ ચેમ્બરનું અત્યંત પ્રતિષ્ઠિત ફ્લેગશિપ પ્રદર્શન છે, જેણે સુરતને વિશ્વના ટેક્સટાઇલ મેપ પર અગ્રણી સ્થાન અપાવ્યું છે. વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે પરંપરાગત પદ્ધતિઓથી આગળ વધીને અદ્યતન ટેક્નોલોજી, ઓટોમેશન અને હાઇ-સ્પીડ મશીનરી અપનાવવી અનિવાર્ય છે. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વધુ સ્પર્ધાત્મક, ગુણવત્તાસભર અને આધુનિક બનાવવા માટે સીટેક્ષ-2026 ટેકનોલોજીકલ ક્રાંતિનું માધ્યમ પૂરું પાડશે. આ ફ્લેગશિપ પ્લેટફોર્મ સ્થાનિક ઉત્પાદકોને વૈશ્વિક સ્તરના ઇનોવેશન સાથે જોડીને ‘મેક ઇન ઇન્ડિયા’ને નવી ઊંચાઈ આપશે.
આ એક્ઝિબિશનમાં વોટરજેટ જેકાર્ડ સહિત વીવિંગ સેક્ટરમાં એરજેટ અને વોટરજેટ મશીનરીમાં આવતા જાળા અને ફની સાફ કરવા માટેની ઓટોમેટિક મશીનરી સુરતમાં પ્રથમવાર પ્રદર્શિત થશે. આ મશીનરીના ઉપયોગથી સમયના વ્યયની સાથે પૈસાની બચત પણ થાય છે. એક્ઝિબિશનમાં સ્પિનિંગ, વાઇન્ડિંગ, ટેક્સચરાઇઝિંગ, ટ્વિસ્ટિંગ, રેપિયર, એરજેટ, હાઇ-સ્પીડ વાર્પિંગ, સર્ક્યુલર નીટિંગ, હોઝિયરી, એમ્બ્રોઇડરી, બ્રેઇડિંગ અને ગાર્મેન્ટ મેકિંગ ક્ષેત્રની અદ્યતન મશીનરી પ્રદર્શિત કરાશે. સાથોસાથ ટેકનિકલ ટેક્સ્ટાઈલ, ક્વોલિટી ટેસ્ટિંગ, માપન સાધનો અને પ્રદૂષણ નિયંત્રણ તથા રિસાયકલિંગ માટેના અદ્યતન ઉપકરણો એક જ છત નીચે જોવા મળશે.
વીવિંગ પ્રોડક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ આકર્ષણનું કેન્દ્ર: રવિ રાજ દેસાઈ
ચેમ્બર ઉપપ્રમુખ શ્રી રવિ રાજ દેસાઈએ જણાવ્યું હતું કે, “સીટેક્ષમાં માત્ર પરંપરાગત મશીનરી જ નહીં, પરંતુ ‘વીવિંગ પ્રોડક્શન ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ’ પણ રજૂ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ મશીન ડેટાના આધારે ડાઉનટાઇમ, પ્રાયોરિટી મશીન્સ અને પ્રોડક્શન લોસ ઓળખવામાં વીવિંગ યુનિટ્સને મદદરૂપ થશે. લાઈવ મોનિટરિંગથી આગળ વધીને સ્ટોપેજ એનાલિસિસ અને પર્ફોર્મન્સ ઇનસાઇટ્સ થકી ઉત્પાદકતામાં મોટો વધારો શક્ય બનશે.”
26મીએ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ: નિખિલ મદ્રાસી
ચેમ્બરના તત્કાલીન પૂર્વ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ વિગતો આપતાં જણાવ્યું કે, શનિવાર, તા. 26 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 10:00 કલાકે સરસાણા સ્થિત ઉષાકાંત મારફતિયા હોલ ખાતે એક્સ્પોનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી તેજસભાઈ શેઠ, અશોકા એન્ટરપ્રાઇઝના ડિરેક્ટર શ્રી અશોકભાઈ અડવાણી તેમજ એલાયન્સ એમ્બ્રોઇડરી મશીન પ્રા.લિ.ના ડિરેક્ટર શ્રી સુભાષભાઈ દવાર ઉપસ્થિત રહી શોભા વધારશે.
100થી વધુ એક્ઝિબિટર્સ અને 150થી વધુ શહેરોમાંથી મુલાકાતીઓ
માનદ્ મંત્રી શ્રી પરેશ લાઠીયા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલે જણાવ્યું હતું કે દેશભરના 150થી વધુ શહેરોમાંથી હજારો વેપારીઓ-ઉદ્યોગકારો સુરતની મુલાકાતે આવશે.
ચેમ્બરના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી મનિષ કાપડિયાએ ઉમેર્યું હતું કે સુરત ઉપરાંત મુંબઈ, પુણે, અમદાવાદ, ભીલવાડા, તિરુપુર, કોટા, ભાવનગર અને વડોદરા જેવા દેશભરના ટેક્સ્ટાઈલ સેન્ટરોમાંથી 100થી વધુ ટોચના એક્ઝિબિટર્સ વિશ્વસ્તરીય મશીનરી પ્રદર્શિત કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ સૂચના:
આ એક્ઝિબિશન ભારે ઔદ્યોગિક મશીનરી અને ટેકનિકલ સાધનોનું લાઇવ પ્રદર્શન ધરાવતું હોવાથી સુરક્ષાના ભાગરૂપે 16 વર્ષથી નાની વયના બાળકોનો પ્રવેશ સદંતર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે, જેની સર્વે મુલાકાતીઓએ ખાસ નોંધ લેવી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now

