CIA ALERT

Alert Archives - Page 3 of 519 - CIA Live

August 8, 2026
E-Textiles.jpg
1min47

જો તમે આધુનિક અને ફ્યુચરીસ્ટીક કપડાં વિશે વિચારો છો, ત્યારે મનમાં શું વિચાર આવે?

કદાચ એવા શર્ટનો વિચાર આવે કે જે પહેરનાર વ્યક્તિના લોહીમાં સુગર લેવલ વધે તેને માપીને સુગર લેવલ ઓછું કરવાની ચેતવણી આપશે અથવા એવા મોજાં (શોક્સ)નો વિચાર આવશે કે જે પહેર્યા પછી રનિંગ(દોડ)ના સ્વરૂપ, સ્ટેપ કાઉન્ટ્સ (પગલાઓની ગણતરી) અને તમારી દોડવાની સ્પીડ (ગતિ)ને ટ્રેક કરી આપશે? અથવા એવા પાયજામાંનો વિચાર આવે કે જે પહેરીને તમે સૂતા હોવ ત્યારે શરીરમાં થતાં સૂક્ષ્મ શારીરિક ફેરફારોનું અવલોકન કરે છે જેના આધારે કેન્સર જેવી જીવલેણ બિમારીનું વહેલું નિદાન કરી શકશે અથવા આ પ્રકારના દર્દીઓની સંભાળ રાખનારાઓ કેર ટેકરોને થોડા સમયમાં થનારા સંભવિત હુમલાની ચેતવણી આપી શકશે?

તમે ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો તો કલ્પના કરો કે જો ઉપરોક્ત પ્રકારના ફેબ્રિક અને તેમાંથી બનેલા ગારમેન્ટ્સને જે તે કામગીરી કરવા માટે કોઈ એક્ષ્ટર્નલ પાવર સોર્સ (બાહ્ય શક્તિ સ્ત્રોત)ની જરૂર ન હોય, આવે ફેબ્રિક કે ગારમરેન્ટ્સ ફક્ત તેને પરીધાન કરનારના પોતાના શરીર (બોડી) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાની મદદથી જ ઉપરોક્ત કામો કરી આપશે. આવા ફેબ્રિકનું હાલમાં વિશ્વની પ્રયોગશાળાઓમાં પરીક્ષણ થઇ રહ્યું છે, જોકે આ ઉત્પાદનો હજુ સુધી કમર્શિયલ દુકાનો સુધી પહોંચ્યા નથી, પણ પહોંચે તે દિવસો પણ દૂર નથી.

ટેક્સટાઇલ રિસર્ચર્સ સતત એવા આધુનિક કાપડ ડિઝાઇન કરી રહ્યા છે જે એક્ઝેટ આપણા રેગ્યુલર રેડીમેડ ગારમેન્ટ્સ, કપડાં અથવા કાપડ ફેબ્રિક જેવા દેખાય છે પરંતુ એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક ટેકનિક્સ તેમાં વણી લેવાયેલી હોય છે. ભવિષ્યમાં આવા ફેબ્રિક કે ગારમેન્ટ્સને ઇ-ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ કાપડ અથવા સ્માર્ટ કાપડ તરીકે ઓળખવામાં આવશે.

ઇ-ટેક્સટાઇલ સેન્સિંગ, ગણતરી (કમ્પ્યુટેશન) અને શક્તિ (પાવર)ને કાપડમાં એકીકૃત કરે છે જેથી થ્રેડ્સ (દોરા-ધાગા) પોતે સેન્સર બને અને ટાંકા (સ્ટીચીસ) સર્કિટ બની જાય. આ પ્રકારે ઉત્પાદિત થનારું ફેબ્રિક (કાપડ) આરોગ્ય (હેલ્થ), તાપમાન (ટેમ્પરેચર), ગતિ (મોશન) અને હવાની ગુણવત્તા (એર ક્વોલિટી)ને સતત મોનિટર કરી શકે છે. તેઓ (કમ્યુનિકેટ વાયરલેસલી) વાયરલેસ રીતે વાતચીત, (સંકલન સાધી) કરી શકે છે અને વિવિધ પ્રકારની ઊર્જા એકત્રિત કરી શકે છે.

ઉપરોક્ત પ્રકારના ઇ-ટેક્સટાઇલ્સ વિશ્વની જુદી જુદી યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ પ્રોટોટાઇપ હાલમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી આગળ વધી રહ્યા છે અને પ્રયોગશાળાઓની બહાર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવો અંદાજ છે કે ૨૦૨૮ સુધીમાં ઈ-ટેક્સટાઈલનું વૈશ્વિક બજાર ૧૫ બિલિયન યુએસ ડોલર (૧૧.૧૪ બિલિયન પાઉન્ડ)થી વધુ થવાનો અંદાજ છે.

August 7, 2026
01-1-1280x379.jpeg
1min42
  • ભારત-શ્રીલંકા વચ્ચે ૩ મુખ્ય ક્ષેત્રોમાં વેપાર વધારવા સકારાત્મક ચર્ચા
  • સોલર એનર્જી અને ગ્રે કાપડ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે શ્રીલંકામાં વેપાર અને નિકાસની વિશાળ તકો
  • શ્રીલંકાના સ્પાઇસિસ અને ફૂડ-બેવરેજિસ માટે ભારતીય માર્કેટમાં તકો અંગે હાઇ કમિશનર સંતોષ ઝા દ્વારા વિગતો રજૂ કરાઈ
  • શ્રીલંકામાં ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર માર્કેટનો વ્યાપ મોટો હોવાથી સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે નવી સંભાવનાઓ
  • ભારત-શ્રીલંકા FTAનો લાભ લઈ સુરતનું ગ્રે કાપડ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને સીધું એક્સપોર્ટ કરવા વિશે વિશિષ્ટ ચર્ચા

સુરત, 07 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલના નેતૃત્વ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયેલા 13 સભ્યોના પ્રતિનિધિમંડળે કોલંબો ખાતે ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝા તથા ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ) શ્રી સૌરભ સભલોક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે 3 પાયાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી:

  1. ફૂડ, બેવરેજિસ અને સ્પાઇસિસ (મસાલા) માર્કેટ: બેઠક દરમિયાન ભારતના હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ગુણવત્તાયુક્ત સ્પાઇસિસ (મસાલા) તથા ફૂડ એન્ડ બેવરેજિઝ સેક્ટર માટે ભારતીય માર્કેટમાં મોટી તકો રહેલી છે અને તેને કઈ રીતે ભારતીય બજાર ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી.
  2. ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર ક્ષેત્ર: શ્રીલંકામાં ક્લીન એનર્જી અને સોલર સેક્ટરનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ સોલર તેમજ રેસિડેન્શિયલ સોલર સેક્ટરમાં કામકાજ કરવા માટે વિપુલ પ્રમાણમાં મોટું માર્કેટ ઉપલબ્ધ છે, જ્યાં ભારતીય સોલર ઇન્ડસ્ટ્રીઝ સક્રિય રીતે ભાગીદારી કરી શકે છે.
  3. સુરતના ગ્રે ફેબ્રિકની શ્રીલંકાના ગાર્મેન્ટ સેક્ટરમાં નિકાસ: શ્રીલંકામાં વિશાળ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કાર્યરત છે. જ્યારે સુરત એ દેશનું સૌથી મોટું ગ્રે કાપડ ઉત્પાદન કરતું હબ છે. મુક્ત વ્યાપાર કરાર (FTA) મુજબ શ્રીલંકા દ્વારા નિકાસ કરાતા ફેબ્રિક સામે ભારતમાંથી આશરે 6 મિલિયનની આસપાસ ફેબ્રિકની આયાત કરવાની રહે છે. આ સ્થિતિમાં સુરતના ગ્રે કાપડ મેન્યુફેક્ચર્સ સીધા જ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને ગ્રે ફેબ્રિક એક્સપોર્ટ કરી શકે છે, જે સુરત માટે વેપારની અઢળક તકો પૂરી પાડે છે.

શ્રીલંકા અને ભારત વચ્ચે ટ્રેડ કનેક્ટિવિટીનો નવો તબક્કો: અશોક જીરાવાલા

બેઠક દરમિયાન ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ હાઇ કમિશનરને દક્ષિણ ગુજરાતની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક તાકાત તથા સુરતની ટેક્સટાઇલ, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, હેવી એન્જિનિયરિંગ, MSME અને સ્ટાર્ટઅપ સેક્ટરની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે શ્રીલંકાના વિવિધ સરકારી મંત્રાલયો, બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ (BOI) અને સ્થાનિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ સાથે યોજાયેલી સફળ બેઠકોનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપારી સહયોગ માટે અત્યારે અત્યંત સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ટેક્સટાઇલ, સોલર, અને ટુરિઝમ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે રોકાણ અને નિકાસની વિશાળ ક્ષમતા છે.

ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ આ ત્રણેય ક્ષેત્રોમાં વેપારી આદાન-પ્રદાન વધારવા માટે હાઇ કમિશન તરફથી સંપૂર્ણ સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી.

August 7, 2026
image-12.png
1min52

ગુજરાતના ફરવાલાયક સ્થળો પર દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગૂગલ મેપ અને નકલી વેબસાઇટ્સ મારફતે હોટેલ બુકિંગના નામે ઠગાઈ કરતી એક નવી સાઇબર ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ગેંગ વિવિધ પ્રખ્યાત પર્યટક સ્થળો, હોટેલ્સ અને ટ્રસ્ટની અસલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટો બનાવીને સામાન્ય નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા આરોપીઓએ કાવતરું ઘડીને આ છેતરપિંડી આચરી હતી. સાયબર હેલ્પલાઇન પર મળેલી વિવિધ અરજીઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિત 24 જેટલી ભળતા નામવાળી ફેક વેબસાઇટ્સ તૈયાર કરી હતી. આ વેબસાઇટ્સને ગૂગલ સર્ચ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી, પોતે હોટેલના અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતા હતા.

લોકો જ્યારે હોટેલ કે ધર્મશાળા બુકિંગ માટે આ નકલી વેબસાઇટ્સ કે તેમાં આપેલા સંપર્ક નંબરો પર કોલ કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે યુપીઆઈ કે અન્ય ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પૈસા મળ્યા બાદ આ ગેંગ બુકિંગ ન આપતી, ખોટી માહિતી આપતી કે ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખતી હતી. આ રીતે દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે નાની-નાની રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

August 6, 2026
textile.jpg
1min42

Intertextile Shanghai અને SPINEXPO સહિતના આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પોમાં જવા ઇચ્છુક ઉદ્યોગકારોની 65થી 70 ટકા વીઝા અરજીઓ રિજેક્ટ; મશીનરી ખરીદી અને નવા વેપાર સંબંધો પર અસરની ભીતિ

સુરત: વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી બજારોમાં સ્થાન ધરાવતા ચીનમાં આગામી દિવસોમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પો પહેલાં ભારતીય ઉદ્યોગકારોને મોટો ઝટકો લાગ્યો છે. સુરત, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરના સેંકડો ટેક્સટાઇલ ઉદ્યોગકારો, મશીનરી આયાતકારો અને વેપારીઓની ચીનના વીઝા માટે કરવામાં આવેલી અરજીઓ તાજેતરમાં મોટા પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 65થી 70 ટકા વીઝા અરજીઓ નામંજૂર થઈ છે.

વિશેષ ચિંતાજનક બાબત એ છે કે અગાઉ અનેક વખત ચીનની મુલાકાત લઈ ચૂકેલા અને નિયમિત વ્યાપારિક વ્યવહાર ધરાવતા ઉદ્યોગકારોની પણ વીઝા અરજીઓ મંજૂર કરવામાં આવી નથી. પરિણામે આગામી 25થી 27 ઑગસ્ટ દરમિયાન શાંઘાઈમાં યોજાનારા Intertextile Shanghai Apparel Fabrics (Autumn Edition) તથા SPINEXPO Shanghai જેવા મહત્વના ટેક્સટાઇલ એક્સ્પોમાં ભારતીય પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ઘટી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

સુરતના ગ્રે, પ્રોસેસ્ડ ફેબ્રિક, ગાર્મેન્ટ ફેબ્રિક, ટેક્નિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગકારોને ચીનના આયોજકો તથા મશીનરી ઉત્પાદકો તરફથી સત્તાવાર આમંત્રણપત્રો (Invitation Letters) અને સ્પોન્સર્ડ લેટર પણ પ્રાપ્ત થયા હતા. તેમ છતાં વીઝા ન મળતાં તેઓ પ્રવાસ કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ચીનના ટેક્સટાઇલ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી. અહીં નવીન ફેબ્રિક ટ્રેન્ડ્સ, ઓટોમેશન ટેક્નોલોજી, હાઇ-સ્પીડ લૂમ્સ, ડિજિટલ પ્રિન્ટિંગ, ડાઇંગ-ફિનિશિંગ મશીનરી, એનર્જી-સેવિંગ ટેક્નોલોજી અને નવા સપ્લાયર્સ સાથે વ્યાપારિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ બને છે. વીઝા ન મળતાં આ તમામ વ્યવસાયિક તકો પર સીધી અસર થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના મોટા ટેક્સટાઇલ એક્સ્પો અંગે પણ ચિંતા

ઉદ્યોગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં યોજાનારા વધુ એક મોટા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ પ્રદર્શન માટે પણ અનેક ભારતીય ઉદ્યોગકારોએ અગાઉથી આયોજન કર્યું છે. જો હાલ જેવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો તે એક્સ્પોમાં પણ ભારતીય ભાગીદારી પર ગંભીર અસર પડી શકે છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક મશીનરીમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવી ટેક્નોલોજી અપનાવવા માટે ઉદ્યોગકારો ચીનની મુલાકાત લેતા હોય છે. વીઝા પ્રક્રિયામાં સર્જાયેલી અનિશ્ચિતતાથી નવા પ્રોજેક્ટ, મશીનરી અપગ્રેડેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર પણ અસર થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે જો વ્યાપારિક વીઝા મંજૂરીમાં વિલંબ અથવા અસ્વીકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત-ચીન વચ્ચેના વેપાર સંબંધો ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા રોકાણ અને ટેક્નિકલ સહયોગ પર પણ તેની અસર જોવા મળી શકે છે.


બોક્સ : લેબગ્રોન ડાયમંડ ખરીદદારોને પણ વીઝાનો ઝટકો

ટેક્સટાઇલ ક્ષેત્ર ઉપરાંત સુરત અને મુંબઈના HPHT લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે જરૂરી મશીનરી, કાચા માલ, સાધનો અને વેપારિક બેઠકઓ માટે ચીનની નિયમિત મુલાકાત લેતા અનેક વેપારીઓની પણ ચાલુ મહિનામાં વીઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ વેપારીઓ અગાઉ અનેક વખત ચીન જઈ ચૂક્યા હોવા છતાં આ વખતે વીઝા ન મળતાં વેપારિક મુલાકાતો અટકી ગઈ છે. જેના કારણે નવા સપ્લાય કરાર, કાચા માલની ખરીદી, ટેક્નિકલ ચર્ચાઓ અને વ્યવસાયિક વિસ્તરણના આયોજન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

August 5, 2026
image-9.png
3min46

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

August 3, 2026
image-8.png
1min89

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 3, 2026
WhatsApp-Image-2026-08-03-at-17.36.03.jpeg
1min61

કર્મચારીઓના પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારોના વાર્ષિક વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને મળે તો વિકાસકાર્યોને મળશે વેગ

સુરત, તા. 3 ઓગસ્ટ :
સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરીને સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં અંદાજે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ એકમોમાં આશરે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલ કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતો પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે. જોકે, ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ આ પ્રકારની વસૂલાત સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાને મળે છે, તો સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગો માટે પણ સમાન નિયમ લાગુ થવો જોઈએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા સત્તા પ્રાપ્ત સ્થાનિક સંસ્થાઓને આ પ્રકારનો વેરો વસૂલવાનો અધિકાર છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના વર્ષ 2010ના એક ચુકાદામાં સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

સોસાયટીએ જણાવ્યું છે કે વર્ષોથી સચીનના ઉદ્યોગોનો વ્યવસાય વેરો રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે, જેના કારણે સ્થાનિક તંત્રને તેની આવકનો લાભ મળતો નથી. જો આ આવક સચીન નોટીફાઈડ એરીયાને મળશે તો રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ મુજબ પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. સચીનમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈ મુજબ વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને સોંપવામાં આવે તો સચીન નોટીફાઈડ એરીયાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.

August 1, 2026
image-1.png
1min48

જૂડોમાં દેશને અપાવ્યો ઐતિહાસિક ગોલ્ડઃ હર્ષ સિંહે દેશને આ રમતની મેન્સ કૅટેગરીનો પ્રથમ સુવર્ણ અપાવી દીધો

ભારતની અસ્મિતા ડેએ દેશને કૉમનવેલ્થ ગેમ્સ (CWG)માં જૂડો (JUDO)ની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભારત અગાઉ આ રમતની હરીફાઈમાં સિલ્વર અને બ્રૉન્ઝ જીત્યું હતું, પરંતુ ક્યારેય ગોલ્ડ હાથ નહોતો લાગ્યો, પણ હવે એક કલાકની અંદર બે ગોલ્ડ મળ્યા. અસ્મિતાએ ફાઇનલમાં કૅનેડાની હૈદી ક્વૉચને રોમાંચક અને નાટ્યાત્મક મુકાબલામાં હરાવીને વિજય મેળવ્યો હતો અને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. તે કૉમનવેલ્થની જૂડોમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની છે. પુરુષોમાં હર્ષ સિંહે પણ પોતાના વર્ગની ફાઇનલ જીતીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. તે આ રમતોત્સવની જૂડોમાં ચૅમ્પિયન બનેલો બીજો ભારતીય અને પ્રથમ ભારતીય પુરુષ જૂડોકા બન્યો છે.

23 વર્ષની અસ્મિતા ત્રિપુરાની છે અને તેના પિતા સાઇકલ મિકેનિક છે. તેમણે પુત્રીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચાડવા ખૂબ સંઘર્ષ કર્યો હતો. 23 વર્ષનો હર્ષ સિંહ અગાઉ ભારત વતી ગ્રાં પ્રિ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યો છે. હર્ષ સિંહની આ પહેલી જ કૉમનવેલ્થ છે. બન્નેએ ગોલ્ડ મેડલ જીતી લેતાં ભારતના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા પાંચ ઉપર અને કુલ ચંદ્રકોની સંખ્યા 19 ઉપર પહોંચી હતી.

પુરુષોની 60 કિલો કૅટેગરીમાં ભારતના હર્ષ સિંહે ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાના જોશુઆ કાટ્ઝને પરાસ્ત કર્યો હતો. ઑસ્ટ્રેલિયા આ વખતની કૉમનવેલ્થમાં હાઇએસ્ટ 50થી વધુ ગોલ્ડ મેડલ અને કુલ 115 ચંદ્રક જીત્યું છે, પણ હર્ષ સિંહે એના જૂડોકાને આ રમતમાં ગોલ્ડ નહોતો જીતવા દીધો. તેનો આ ઑસ્ટ્રેલિયન હરીફ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂક્યો છે તેમ જ ઑસ્ટ્રેલિયાની નૅશનલ ચૅમ્પિયનશિપ અને ઑસનિયા ચૅમ્પિયનશિપ જીત્યો હતો, પણ હર્ષ સિંહ સામે તેનું કંઈ નહોતું ચાલ્યું.

કૉમનવેલ્થમાં જૂડોને 1990માં પ્રવેશ મળ્યો ત્યાર બાદ ક્યારેય ભારતીય સ્પર્ધકો ગોલ્ડ મેડલ નહોતા જીત્યા. 36 વર્ષમાં ભારતને આ રમતની સ્પર્ધામાં બ્રૉન્ઝ અને સિલ્વરની સફળતા બાદ પહેલી જ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે.

મહિલાઓની જૂડોમાં આ 48 કિલો વર્ગનો મુકાબલો હતો જેમાં અસ્મિતા શરૂઆતમાં હરીફથી ઘણી પાછળ હતી. યુકો કૅનેડિયન જૂડોકાની તરફેણમાં જવા ઉપરાંત અસ્મિતાને પેનલ્ટી પણ અપાઈ હતી. જોકે અસ્મિતાએ જોરદાર કમબૅક કરીને તેને હરાવી દીધી હતી.

ચાર મિનિટના આ મુકાબલામાં એકંદરે અસ્મિતાએ જબરદસ્ત દૃઢતા બતાવી હતી. મુખ્ય મુકાબલાના સમયમાં બન્ને સ્પર્ધક એકસરખી સ્થિતિમાં હતી એટલે મુકાબલો ગોલ્ડન સ્કોર પિરિયડમાં ગયો હતો. આ નિર્ણાયક રાઉન્ડમાં પ્રથમ સ્કોરિંગ ઍક્શન પરથી વિજેતા નક્કી થાય છે અને એમાં અસ્મિતા જીતી ગઈ હતી.

અસ્મિતાએ ભયંકર પ્રેશરની સ્થિતિમાં ગજબની પ્રતિબદ્ધતા બતાવી હતી અને કૅનેડિયન હરીફથી પાછળ રહ્યા બાદ તેને માત આપી હતી.

August 1, 2026
image.png
1min72

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર Gen-Zને સંબોધિત કરતો ખાસ વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે જંતર-મંતર પર થયેલા પ્રદર્શનમાં પોતાની અને સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને આવા બાળકોને માફ કરીને તેમને સાચો રાહ બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, બાળપણમાં થતી ભૂલો સુધારી શકાય છે. સમાજમાં ફેલાયેલા આક્રોશને તેઓ સમજે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મોડી રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક ખાસ વીડિયો સંદેશ જાહેર કરીને દેશવાસીઓ અને યુવા પેઢીને સંબોધિત કર્યા હતા. આ વીડિયોમાં તેમણે જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોતાના અને પોતાની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ વપરાયેલી અભદ્ર ભાષા અંગે ખુલીને વાત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ આ ભૂલો કરનારા બાળકોને માફ કરવા માગે છે અને તેમને સાચો રાહ બતાવવા માગે છે.

શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવ્યા હતા. તેમણે આ લાઈવ સેશન દરમિયાન ખાસ કરીને Gen-Z એટલે કે દેશના યુવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે વાતચીતની શરૂઆતમાં કહ્યું કે, ‘ફ્રેન્ડ્સ, આજે તો મન કરે છે કે બસ તમારી સાથે જ વાતો કરું.’

પોતાના વીડિયો સંદેશમાં જંતર-મંતર પર થયેલા પ્રદર્શનનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ત્યાં જે કંઈ પણ બન્યું તે આખા દેશે અને દુનિયાએ જોયું છે. તેમણે ઉમેર્યું કે, ‘કેટલાક શરારતી બાળકોએ અત્યંત ભદ્દી ગાળો બોલી, જે કોઈપણ સભ્ય સમાજને શોભા ન આપે. આવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મને તો ગાળો આપવામાં આવી જ, પરંતુ મારી સ્વર્ગસ્થ માતાને પણ ગાળો આપવામાં આવી. આ ઘટનાનું સ્વરૂપ ખૂબ જ ખરાબ હતું.’

અભદ્ર ભાષાના પ્રયોગ છતાં વડાપ્રધાનએ ઉદારતા દર્શાવતા કહ્યું કે, બાળપણમાં ભૂલો થતી હોય છે અને તે ભૂલોમાંથી સુધરવાની તક પણ બાળપણમાં જ મળતી હોય છે, આ જ તો બાળપણ છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ ઘટનાને કારણે સમાજમાં જે આક્રોશ ફેલાયો છે તેને હું સારી રીતે સમજી શકું છું. આપણી દીકરીઓ આ પ્રકારની ભાષા કેવી રીતે બોલી શકે છે, તે સમાજ માટે એક સાંસ્કૃતિક આંચકો છે. આમ છતાં, આ બાળકોને માફ કરીને તેમને સન્માર્ગે લાવવા જરૂરી છે.’

July 30, 2026
image-69.png
1min83

રાજયસભામાં વંદે માતરમ બિલ પસાર થયું છે. આ બિલમાં સુધારા બાદ હવે વંદે માતરમમાં અપમાન બદલ ત્રણ વર્ષ જેલની સજા અને દંડની જોગવાઇ છે. આ સુધારા હેઠળ વંદે માતરમના અપમાન સંબંધિત જોગવાઈઓને કાનૂની રક્ષણ મળશે. એકવાર આ કાયદો અમલમાં આવ્યા પછી જે કોઈ પણ વ્યક્તિ જાણી જોઈને ‘વંદે માતરમ’નું અપમાન કરે છે અથવા રાષ્ટ્રગીતમાં ખલેલ પહોંચાડે છે તેને ત્રણ વર્ષ સુધીની જેલ- દંડ અથવા બંને થઈ શકે છે.

વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ

આ અંગે ભાજપ સાંસદ  વિનોદ તાવડેએ એકસ પર લખ્યું કે, વંદે માતરમનો આદર એ ભારતનું ગૌરવ છે. રાષ્ટ્રગીત વંદે માતરમના જય ઘોષે દેશની સ્વતંત્રતા ચળવળને ઉર્જા આપી, પ્રેરણા આપી અને બલિદાન અને તપસ્યાનો માર્ગ બતાવ્યો. તેનું ગર્વથી સ્મરણ કરવું એ આપણા માટે સૌભાગ્ય છે.

મોદી સરકારે ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુન:સ્થાપિત કર્યું 

તેમણે જણાવ્યું હતું કે, આજે રાજ્યસભામાં પસાર થયેલ ‘રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ- 2026 ભારતના સાંસ્કૃતિક ગૌરવને પુનઃસ્થાપિત કરવાના મોદી સરકારના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે.

વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન અપાશે 

આ બિલનું નામ પ્રીવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર( એમેન્ડમેન્ટ) બિલ 2026 છે. આ બિલમાં વંદે માતરમ ને રાષ્ટ્રગીત જન ગણ મન જેટલું જ સન્માન આપવામાં આવશે. આ બિલ સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓમાં રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવશે.