CIA ALERT
06. May 2024

Related Articles



વૈશાલી મિતેષ ઉમરીયા, તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાનું અરંગેત્રલ શનિવારે જીવનભારતી રંગમંચ ખાતે યોજાશે

Share On :
Print Friendly, PDF & Email

મુદ્રા ડાન્સિંગ એકેડેમીના કલાગુરુ શ્રીમતી કાશ્મીરા જયકુમાર પટેલની ત્રણ શિષ્યાઓ શ્રીમતી વૈશાલી મિતેષ ઉમરીયા, શ્રીમતી તન્વી બકુલેશ ચૌધરી અને હેનાલી સુરેશચંદ્ર પરવટીયાએ અરંગેત્રલની સંપૂર્ણ તાલિમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આગામી તા.4 નવેમ્બરને શનિવારના રોજ સાંજે 4થી 7 કલાક દરમિયાન નાનપુરા સ્થિત જીવનભારતી સંકુલના રંગભવન ખાતે ત્રણેય શિષ્યાઓ પોતાની ક્લાસિકલ ડાન્સિંગની કલા અરંગેત્રલમાં રજૂ કરશે.

આ પ્રસંગે વૈશાલીબેનના પિતા મિતેષ ઉમરીયા તેમજ પરીવારના સભ્ય હિતેષ ઉમરીયાએ જણાવ્યું હતું કે ઉમરીયા પરિવાર માટે આ એક અત્યંત ખુશીનો અવસર છે.

હિતેષભાઇ ઉમરીયાએ જણાવ્યું કે શાસ્ત્રીય નૃત્યમાં તાલીમ તથા સાધનાની ફલશ્રુતિ રૂપે યોજાતો દીક્ષા સમારંભ એટલે અરંગેત્રલ. સૌપ્રથમ વાર રંગમંચ પર જાહેરમાં નૃત્યકારનું પદાર્પણ તે વખતે થાય છે. તમિળ ભાષામાં ‘આરંગુ’ એટલે રંગમંચ અને ‘એત્રલ’ એટલે આરૂઢ થવું. મૂળ ક્રિયાપદ ‘અરંગેત્રલ’ ઉપરથી નામ ‘આરંગેત્રમ્’. આરંગેત્રમ્ માટેની નૃત્યકારની પાત્રતા તેણે નૃત્યની તાલીમ પાછળ ગાળેલાં વર્ષોને આધારે નહિ, પરંતુ નૃત્યકાર તરીકેની તેની નિપુણતા તથા ગુણવત્તા પર જ આધારિત હોય છે. પ્રાચીન સમયમાં શિષ્યો ગુરુકુળમાં રહીને નૃત્યસાધના કરતા હતા એ પરંપરા સદીો પછી પણ આજે અકબંધ છે. વર્ષોની કઠોર સાધના તથા પરિશ્રમને અંતે નૃત્યકારે પ્રાપ્ત કરેલ પરિપક્વતાની ફલશ્રુતિ રૂપે આરંગેત્રમનો મંગલ પ્રસંગ, ગામના મંદિરના પટાંગણમાં ભગવાનના આશીર્વાદ સાથે, વિદ્વજ્જનોની ઉપસ્થિતિમાં ઊજવાય છે.

શું છે અરંગેત્રલનો ઇતિહાસ

ભારતની શાસ્ત્રીય નૃત્યકલામાં દક્ષિણ ભારતની નૃત્યકલાનું વિશિષ્ટ પ્રદાન છે, જેનો પ્રારંભ આજથી આશરે 5,000  વર્ષ પહેલાં થયો હતો અને આશરે 2,000 વર્ષ પૂર્વે તે પૂર્ણત્વ પામી હતી તેવું માનવામાં આવે છે. તે સમયથી ભારતની બધી શાસ્ત્રીય નૃત્યશૈલીમાં આરંગેત્રમ્ દીક્ષાન્ત સમારોહ ઊજવાતો આવે છે. વિદ્વાનો તથા તજજ્ઞોની હાજરીમાં કલાકાર પોતાની નિપુણતા પ્રસ્તુત કરે છે તથા પરંપરાથી નિર્ધારિત થયેલા ક્રમમાં તે નૃત્યનાં વિવિધ અંગોમાંથી કેટલાંક રજૂ કરે છે. ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરતનાટ્યમનું સ્થાન મોખરે છે અને તેમાં મંદિરની દેવદાસીઓ અને નટુવંગમ્ વગાડનાર નટુવનાર એટલે કે નૃત્ય-આચાર્યોનું મુખ્ય પ્રદાન હોય છે. યુવાન દેવદાસી મંદિરમાં જ્યારે પ્રથમ વાર નર્તકી તરીકે નૃત્ય કરે છે ત્યારે તે પોતાની જાતને નટરાજને સમર્પિત કરે છે. આ પ્રસંગમાંથી આરંગેત્રમનો ઉદભવ થયો છે. ભરતનાટ્યમ્ નૃત્યશૈલીનાં સુવિખ્યાત નૃત્યકાર મૃણાલિની સારાભાઈએ આરંગેત્રમ્ માટે ‘આરાધના’ પર્યાય આપ્યો છે.

આ સમારોહમાં નૃત્યકાર નૃત્યનાં વિવિધ અંગોમાંથી ખાસ પસંદ કરેલાં કેટલાંક રજૂ કરે છે. મંગલાચરણમાં તેમજ સમારોહની સમાપ્તિ પહેલાં નટરાજવંદના, ગુરુવંદના તથા સભાવંદનાનો સમાવેશ થાય છે. મંગલાચરણ પછી અલારિપ્પુ, જતિસ્વરમ્, શબ્દમ્, વર્ણમ્, પદમ્, તિલ્લાના, શ્લોકમ્ અને મંગલમ્ રજૂ કરવામાં આવે છે. અલારિપ્પુ એટલે કે કુમુદના પુષ્પની માફક ખીલતું. આ એક પુષ્પાંજલિની વિધિ છે, જેમાં નર્તિકા ઉચ્ચ ગ્રીવા રાખી ઈશ્વરને, સન્મુખ ઊભેલા ગુરુને તથા પ્રેક્ષકગણને વંદન કરે છે અને આશીર્વાદ આપવા માટે એ બધાનું આહવાન કરે છે. જતિસ્વરમ્ એટલે કે તાલબદ્ધ નૃત્ય અને નિશ્ચિત રાગમાં ગવાતી સ્વરાવલીનું સુંદર આયોજન. શબ્દમ્ એટલે અભિનય સાથે રજૂ થતું દેવનું યશોગાન, જે દરમિયાન નર્તકી તાલબદ્ધતામાંથી અભિનયમાં સરે છે. અલારિપ્પુ અને જતિસ્વરમની તુલનામાં શબ્દમમાં ભાવપ્રદર્શનનું પ્રાધાન્ય હોય છે. નર્તિકા પ્રેક્ષકગણને રામ, કૃષ્ણ કે શિવની કથા આદર અને અર્થનિષ્પત્તિ સહિત સમજાવે છે. વર્ણમમાં નર્તકીએ શીખેલા આડવુ(steps)ના સ્રોતમાંથી ગ્રહણ કરેલા વૈવિધ્યપૂર્ણ આડવુની ચઢતા ક્રમમાં ભવ્ય રંગભરી રજૂઆત થાય છે. તેમાં દેવનું સ્તુતિગાન હોય છે. પદમ્ અત્યંત મૃદુ રીતે રજૂ થતો નૃત્યપ્રકાર છે, જેમાં આડવુ કરતાં અભિનયનો ભાગ વધારે હોય છે અને તેથી એમાં વિવિધ નાયિકાલક્ષણો દર્શાવવાની તક રહે છે. આ પદમ્ ગુજરાતી ગીત સાથે પણ રજૂ થાય છે. તિલ્લાના ઉત્તર ભારતના તરાનાને મળતી કૃતિ છે, જેમાં વિલંબિત, મધ્ય અને દ્રુત – આ ત્રણેય લયોનો આવિષ્કાર હોવાથી તાલનું વૈવિધ્ય હોય છે. શ્લોકમમાં ઈશ્વરને ઉદ્દેશીને રચાયેલા સંસ્કૃત, તમિળ કે તેલુગુ શ્લોક પર નૃત્ય અને અભિનયની રજૂઆત થાય છે.

આરંગેત્રમ્ પ્રસંગે ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શિષ્ય તેને પુષ્પ, ફળ તથા ગુરુદક્ષિણા અર્પણ કરે છે તથા ગાયકવૃંદનું અભિવાદન કરે છે.

આરંગેત્રમ્ બાદ જ શિષ્ય નૃત્યકાર તરીકે પોતાની કલા જાહેરમાં રજૂ કરવા માટે લાયક ગણાય છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :