CIA ALERT

Alert Archives - Page 4 of 520 - CIA Live

August 9, 2026
WhatsApp-Image-2026-08-09-at-17.32.48-1280x625.jpeg
1min58

CiA Live ન્યુઝ વેબ, તા.9 ઓગસ્ટ 2026

આજે તા.9મી ઓગસ્ટે રવિવાર હોવા છતાં ડુમસ રોડ પર અદ્વૈતા બેંકવેટ ખાતે યોજાયેલી ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ટેક્સટાઇલ એસોસીએશન (ફોસ્ટા)ની વાર્ષિક કાર્યકારીણીમાં 2500થી વધુ વેપારીઓ, આમંત્રિતો પહોંચ્યા હતા. વિતેલા 3 વર્ષ દરમિયાન કૈલાશ હાકીમના નેતૃત્વમાં થયેલી કામગીરીનો હિસાબ આપવામાં આવ્યો હતો જ્યારે નવા ચૂંટાયેલા ડિરેક્ટર્સ અને નવા હોદ્દેદારોએ સત્તાવાર રીતે પદગ્રહણની ઔપચારીકતા પૂર્ણ કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેક્સટાઇલ વેપાર, ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનોને અપીલ કરી હતી કે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી નવી ઔદ્યોગિક પોલિસી તેમજ ગુજરાત ટેક્સટાઇલ પોલિસીનો લાભ નાનામાં નાના વેપારી, કારખાનેદાર, ઉદ્યમી સુધી પહોંચાડો, તેની માહિતી તેમને આપો એ જ ખરા અર્થમાં સેવા ગણાશે.

ફોસ્ટાએ આજે એજીએમની સાથે વ્યાપાર વિકાસ મહોત્સવ એમ બેવડું આયોજન કર્યું હતું. વ્યાપાર વિકાસ મહોત્સવમાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શૂન્યમાંથી સર્જન કરનારા પાંચ જુદીજુદી ટેક્સટાઇલ બ્રાન્ડના આગેવાનો જેમાં એપલ બ્રાન્ડના દિપક શેટા, સિગ્નેચર મશીનરીના અશોક અડવાણી, XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરા, ફોર બટન્સના ચારેય સ્થાપક અને રીઘન ફેશન્સના મહિલા ઉદ્યમી કરીશ્મા દિનેશ ધનકાનીએ પોતપોતાની બ્રાન્ડનું શૂન્યમાંથી સર્જન કેવી રીતે કર્યું તેના અનુભવો શ્રોતાઓ સાથે શેર કર્યા હતા.

એપલના દિપક શેટાએ સુરત ટેક્સટાઇલ ક્લસ્ટરમાં જે ચાલી રહ્યું છે તેનું ઓબ્ઝર્વેશન રજૂ કરતા કહ્યું હતું કે કોસ્ટ-કિંમતની જગ્યાએ ક્વોલિટી પર ભાર મૂકીને સુરતના ઉદ્યમીઓ આગળ વધે તો સુરત દેશ દુનિયાને અનેક બ્રાન્ડ આપી શકે તેમ છે. જે રીતે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગળાકાપ સ્પર્ધા થાય છે તેના પર અંગૂલી નિર્દેશ કરતા તેમણે અંગ્રેજીમાં કહ્યું કે, Do Not Compete, but Complete Each Other. જેનો મર્મ એ જ છે કે એક બીજા સાથે સ્પર્ધા કર્યા વગર એક બીજાને પૂર્ણતામાં મદદગાર બનવું જોઇએ.

XYXX અન્ડરવેયર બ્રાન્ડના ફાઉન્ડર યોગેશ કાબરાએ કહ્યું કે તેમના પરીવાર પાસે બધું જ હોવા છતાં તેમના પિતાએ જે રીતે પરવરીશ કરી અને કઇ રીતે ખર્ચા પર અંકુશ રાખીને ધંધો વિકસાવી શકાય એનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેઓ આજે દૈનિક 1 લાખ અન્ડરવેયરનું વેચાણ ઓનલાઇન કરી રહ્યા છે.

રિઘન ફેશનના કરિશ્મા દિનેશ ધનકાનીએ સુરતના ટેક્સટાઇલ ક્લસ્ટરમાં સાવચેતીપૂર્વક કેવી રીતે વ્યાપાર કરી શકાય અને કેવી રીતે તેમણે તેમના પરીવાર સાથે મળીને રિઘન બ્રાન્ડ ડેવલપ કરી તેના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે વુમન એમ્પાવરમેન્ટ તેઓ પોતે જ એક મિસાલ છે.

August 8, 2026
msmed.png
4min57

સરકારી કંપનીઓ પાસેથી પેમેન્ટ મેળવવું સરળ બનશે, વિવાદના ઝડપી ઉકેલની સમયમર્યાદા નક્કી થશે અને 6 મહિના કેસ લંબાય તો ઓછામાં ઓછા 50 ટકા રકમ મળવાનો માર્ગ ખુલશે

દેશના કરોડો નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે લાંબા સમયથી સૌથી મોટી સમસ્યા પૈસાની વસૂલાતની રહી છે. માલ સપ્લાય કરી દીધો, સેવા પૂરી પાડી દીધી, બિલ પણ આપી દીધું, પરંતુ પેમેન્ટ સમયસર ન મળે તો નાના ઉદ્યોગકારની મૂડી બજારમાં ફસાઈ જાય છે. પરિણામે કાચો માલ ખરીદવા, કર્મચારીઓનો પગાર ચૂકવવા કે નવો ઓર્ડર લેવા માટે પણ નાણાંની અછત ઊભી થાય છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Micro, Small and Medium Enterprises Development (Amendment) Bill, 2026 સંસદના બંને ગૃહોમાંથી પસાર થઈ ગયું છે. રાજ્યસભાએ 3 ઑગસ્ટે અને લોકસભાએ 7 ઑગસ્ટે બિલ મંજૂર કર્યું છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ MSME ક્ષેત્રમાં પેમેન્ટમાં થતો વિલંબ ઘટાડવો, વિવાદોનો ઝડપી નિકાલ કરવો અને વ્યવસાય કરવાનું સરળ બનાવવાનો છે.

સૌથી મોટો ફાયદો : સરકારી કંપની પાસેથી પેમેન્ટ મેળવવાની નવી વ્યવસ્થા

નાના ઉદ્યોગકારો માટે સૌથી મહત્વની જોગવાઈ TReDS સાથે જોડાયેલી છે.

હવે દરેક Central Public Sector Enterprise (CPSE)એ MSME પાસેથી ખરીદેલા માલ કે સેવાઓના તમામ ઇન્વૉઇસનું સેટલમેન્ટ TReDS મારફતે કરવાનું રહેશે.

સરળ ભાષામાં સમજીએ તો—

તમે સરકારી કંપનીને ₹10 લાખનો માલ આપ્યો → ₹10 લાખનું બિલ બન્યું → પેમેન્ટની રાહ જોવાને બદલે TReDS મારફતે એ ઇન્વૉઇસના આધારે નાણાં મેળવવાની વ્યવસ્થા થઈ શકે છે.

TReDS RBI દ્વારા નિયંત્રિત ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે, જેના માધ્યમથી MSME પોતાના બાકી ઇન્વૉઇસ સામે ફાઇનાન્સ મેળવી શકે છે.

એટલે નાના ઉદ્યોગકાર માટે શું ફાયદો?

પૈસા બજારમાં ફસાયેલા રહેવાની સમસ્યા ઘટશે અને વર્કિંગ કેપિટલની ઉપલબ્ધતા વધશે.

ખાસ કરીને નાના મેન્યુફેક્ચરર, કોન્ટ્રાક્ટર, સપ્લાયર અને સર્વિસ પ્રોવાઇડર માટે આ મહત્વની જોગવાઈ બની શકે છે.

વિવાદ થાય તો હવે વર્ષો સુધી રાહ નહીં જોવી પડે

નાના ઉદ્યોગકાર અને ખરીદદાર વચ્ચે પેમેન્ટને લઈને વિવાદ થાય તો હાલની પ્રક્રિયા લાંબી બની શકે છે. નવા સુધારામાં આ પ્રક્રિયાને સમયબદ્ધ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

મધ્યસ્થી માટે 90 દિવસ

વિવાદનું મેડિએશન (મધ્યસ્થી) કરવામાં આવે તો પ્રથમ હાજરી માટે નક્કી થયેલી તારીખથી 90 દિવસની અંદર મેડિએશન પૂર્ણ કરવાનું રહેશે.

મેડિએશન નિષ્ફળ જાય તો 30 દિવસમાં આર્બિટ્રેશન

જો મધ્યસ્થીથી વિવાદ ઉકેલાય નહીં તો મેડિએશન પૂર્ણ થયાની તારીખથી 30 દિવસની અંદર આર્બિટ્રેશન માટે રેફરન્સ કરવાનું રહેશે.

આર્બિટ્રેશનનો નિર્ણય પણ સમયબદ્ધ

પક્ષકારોની દલીલો અને દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 90 દિવસની અંદર આર્બિટ્રેશન એવોર્ડ આપવાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે.

નાના ઉદ્યોગકાર માટે તેનો સીધો અર્થ

“મારા પૈસા અટવાયા છે, પણ કેસ કેટલાં વર્ષ ચાલશે તેની ખબર નથી” — એવી સ્થિતિ ઘટાડવાનો પ્રયાસ.

સૌથી મહત્વની સુરક્ષા : 6 મહિના કેસ લંબાય તો 50% રકમ

આ જોગવાઈ નાના ઉદ્યોગકાર માટે ખાસ મહત્વની છે.

જો એવોર્ડ સામેનો કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહે, તો કોર્ટને સપ્લાયર MSMEને ઓછામાં ઓછા 50 ટકા એવોર્ડની રકમ ચૂકવવાનો આદેશ આપવો પડશે.

ઉદાહરણથી સમજીએ

માનો કે કોઈ નાના ઉદ્યોગકારને ₹20 લાખ મળવાના હતા અને તેના પક્ષમાં એવોર્ડ આવ્યો.

ખરીદદાર કોર્ટમાં ગયો અને કેસ 6 મહિનાથી વધુ સમય સુધી પેન્ડિંગ રહ્યો.

નવી જોગવાઈ હેઠળ ઓછામાં ઓછા ₹10 લાખ MSME સપ્લાયરને મળવાનો માર્ગ ખુલશે.

નાના ઉદ્યોગકાર માટે આ માત્ર કાનૂની જોગવાઈ નથી, પરંતુ વર્કિંગ કેપિટલ બચાવવાની વ્યવસ્થા બની શકે છે.

MSME તરીકે નોંધણી હવે વધુ સરળ બની શકે

નવા બિલમાં MSMEની નોંધણી માટેની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે.

હાલની વ્યવસ્થામાં અલગ-અલગ પ્રકારના MSME માટે મેમોરેન્ડમ ફાઇલ કરવાની જોગવાઈ છે. સુધારા બિલમાં તમામ MSME માટે આ ફાઇલિંગ સ્વૈચ્છિક બનાવવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર ડિજિટલ પ્લેટફોર્મ નક્કી કરી શકશે. રાજ્ય સરકારો પણ પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ નોટિફાઇ કરી શકશે.

એટલે નાના ઉદ્યોગકાર માટે ફાયદો શું?

કાગળની પ્રક્રિયા ઘટશે અને ડિજિટલ માધ્યમથી વ્યવસાયની નોંધણી તથા સરકારી પ્રક્રિયા વધુ સરળ બની શકે છે.

MSMEની વ્યાખ્યામાં પણ મોટો ફેરફાર

નવા બિલમાં MSMEનું વર્ગીકરણ માત્ર પ્લાન્ટ, મશીનરી કે સાધનોમાં કરવામાં આવેલા રોકાણના આધારે કરવાની હાલની પદ્ધતિ બદલવાનો પ્રસ્તાવ છે.

હવે સરકાર રોકાણ ઉપરાંત ટર્નઓવરને પણ ધ્યાનમાં રાખીને MSMEનું વર્ગીકરણ કરી શકશે. તેની ચોક્કસ મર્યાદા સરકાર નોટિફિકેશન દ્વારા નક્કી કરશે.

નાના ઉદ્યોગકાર માટે તેનો અર્થ

વ્યવસાય વધે, ટર્નઓવર વધે અને ઉદ્યોગકાર આગળ વધે ત્યારે MSME વર્ગીકરણને વર્તમાન અર્થતંત્ર અને વ્યવસાયના કદ પ્રમાણે વધુ લવચીક બનાવવાનો પ્રયાસ થશે.

ખરીદદાર માટે પણ જવાબદારી વધશે

MSME પાસેથી માલ કે સેવા લીધા પછી ચૂકવણી બાકી હોય તો ખરીદદાર દ્વારા તેની જાણ કરવાની જવાબદારી સંબંધિત જોગવાઈમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા બિલમાં પ્રથમ ભૂલ માટે ચેતવણી, બીજી વખત માટે ₹10,000થી ₹50,000 સુધી દંડ અને ત્યારબાદની ભૂલ માટે ₹50,000થી ₹1 લાખ સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આથી નાના ઉદ્યોગકારની બાકી રકમને માત્ર “વેપારી પક્ષો વચ્ચેનો મામલો” માનીને લાંબા સમય સુધી અવગણવાની સ્થિતિ પર દબાણ વધવાની શક્યતા છે.

ખોટી માહિતી આપનાર માટે પણ નિયમોમાં ફેરફાર

MSME નોંધણી વખતે જાણપૂર્વક ખોટી માહિતી આપવી અથવા અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતી ન આપવી હોય તો પ્રથમ વખત ચેતવણી અને ત્યારબાદ ₹1,000થી ₹50,000 સુધી દંડની જોગવાઈ કરવામાં આવી છે.

અર્થાત્ બિલનો એક હિસ્સો કાયદાકીય ગુનાહિતીકરણ ઘટાડીને દંડાત્મક-પ્રશાસકીય વ્યવસ્થા તરફ જવાનો પણ છે.

August 8, 2026
WhatsApp-Image-2026-08-08-at-18.07.40.jpeg
1min47

ગુજરાત સરકારના સેન્ટર ઓફ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટના સહયોગથી શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું. વેપાર વ્યવસાય ઉત્પાદન કે નાનકડો ગૃહ ઉદ્યોગ હાલ કાર્યરત હોય કે નવો શરૂ કરવાની ઈચ્છા હોય તેવા ઉદ્યોગ સાહસિક મિત્રો માટે ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યક્રમનો આયોજન થયું હતું.

૧૦૦૦ થી વધુ યુવા ભાઈ-બહેનો ઉત્સાહભેર નવી જાણકારી માટે કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ જમનાબા વિધાર્થી ભવન ખાતે એકત્ર થયા હતા. ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ રવિરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, ધંધા વેપારના વિકાસ માટે વિપુલ તકો છે. તેને ઓળખી ટેકનીકલ જ્ઞાન મેળવી જો સાહસ કરવામાં આવે તો સફળતા ઝડપથી મળે છે. આ પ્રસંગે એપલ લાઈફ સ્ટાઈલ ઇન્ડસ્ટ્રીઝના દીપકભાઈ શેટાએ સુરતના કાપડ ઉદ્યોગમાં ધંધા વેપાર વિકાસની લોકોને જાણકારી આપી હતી. સુરતમાં બ્રાન્ડીંગ અને નવા ક્રિએશનની ખૂબ જરૂર છે. કોઈપણ નાના-મોટા વેપાર કે ઉદ્યોગ માટે માર્ગદર્શન આપવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ શરૂ કરેલા પ્રયાસ નેબિરદાવ્યો હતો. ધંધા વ્યવસાય ની જાણકારી સફળતાનો મોટો આધાર છે.

આગામી 24મી ઓગસ્ટ થી એન્ટરપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ પ્રોગ્રામના વર્ગો શરૂ થનાર છે. જે ગુજરાત સરકારના CED તરફથી શરૂ થનાર વર્ગો અંગે નોંધણી શરૂ છે. આ પ્રસંગે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, જમનાબા વિદ્યાર્થી ભવન અભ્યાસ અને નોકરી માટે વિદ્યાર્થીઓની પરીક્ષાની તૈયારી માટે સુવિધા પૂરી પાડે છે. તે ઉપરાંત નવા ધંધા વેપાર માટે યુવાનોને માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડવાનો પણ પ્રયાસ શરૂ કર્યો છે. ટૂંક સમયમાં પાટીદાર નોલેજ સેન્ટર પણ શરૂ કરવા વિચારણા છે.

સેન્ટર ઓફ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટના રિજ્યોનલ હેડ અવનીષભાઈ હિરપરા તથા અંબુજા ફાઉન્ડેશનના ટી. એન. સંદીપે સરકારશ્રી તરફથી યોજાતા વિવિધ કાર્યક્રમો વર્ગો અને કૌશલ્ય તાલીમ અંગે માહિતી આપી હતી. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત નોકરી શોધવા ક્ષમતા આપવા ઉપરાંત નોકરીના સર્જક બનવા તાલીમ અંગે માર્ગદર્શન આપવાનું કામ કરશે તે માટે યુવાનોની ટીમ કાર્યરત બની છે. સ્વાગત પ્રવચનમાં સંસ્થાના ટ્રસ્ટી ભવનભાઈ નવાપરાએ જણાવ્યું હતું કે, યુવા ભાઈ-બહેનો પોતાના ગૃહ ઉદ્યોગ કે વેપાર ધંધાના વિકાસ માટે પ્રગતિ કરે તે માટે તાલીમ વર્ગો યોજવામાં આવનાર છે. કિરણભાઈ ઠુંમર, ડો. હરેશભાઈ બલર, સી.એ કૌશિક ભાલાળા, જુગલભાઈ હિરપરાએ વિનુભાઈ બગદાણા અને સભ્યોએ સ્વાગત કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. અજય દેસાઈએ કર્યું હતું.

August 8, 2026
E-Textiles.jpg
1min62

જો તમે આધુનિક અને ફ્યુચરીસ્ટીક કપડાં વિશે વિચારો છો, ત્યારે મનમાં શું વિચાર આવે?

કદાચ એવા શર્ટનો વિચાર આવે કે જે પહેરનાર વ્યક્તિના લોહીમાં સુગર લેવલ વધે તેને માપીને સુગર લેવલ ઓછું કરવાની ચેતવણી આપશે અથવા એવા મોજાં (શોક્સ)નો વિચાર આવશે કે જે પહેર્યા પછી રનિંગ(દોડ)ના સ્વરૂપ, સ્ટેપ કાઉન્ટ્સ (પગલાઓની ગણતરી) અને તમારી દોડવાની સ્પીડ (ગતિ)ને ટ્રેક કરી આપશે? અથવા એવા પાયજામાંનો વિચાર આવે કે જે પહેરીને તમે સૂતા હોવ ત્યારે શરીરમાં થતાં સૂક્ષ્મ શારીરિક ફેરફારોનું અવલોકન કરે છે જેના આધારે કેન્સર જેવી જીવલેણ બિમારીનું વહેલું નિદાન કરી શકશે અથવા આ પ્રકારના દર્દીઓની સંભાળ રાખનારાઓ કેર ટેકરોને થોડા સમયમાં થનારા સંભવિત હુમલાની ચેતવણી આપી શકશે?

તમે ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા છો તો કલ્પના કરો કે જો ઉપરોક્ત પ્રકારના ફેબ્રિક અને તેમાંથી બનેલા ગારમેન્ટ્સને જે તે કામગીરી કરવા માટે કોઈ એક્ષ્ટર્નલ પાવર સોર્સ (બાહ્ય શક્તિ સ્ત્રોત)ની જરૂર ન હોય, આવે ફેબ્રિક કે ગારમરેન્ટ્સ ફક્ત તેને પરીધાન કરનારના પોતાના શરીર (બોડી) દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાની મદદથી જ ઉપરોક્ત કામો કરી આપશે. આવા ફેબ્રિકનું હાલમાં વિશ્વની પ્રયોગશાળાઓમાં પરીક્ષણ થઇ રહ્યું છે, જોકે આ ઉત્પાદનો હજુ સુધી કમર્શિયલ દુકાનો સુધી પહોંચ્યા નથી, પણ પહોંચે તે દિવસો પણ દૂર નથી.

ટેક્સટાઇલ રિસર્ચર્સ સતત એવા આધુનિક કાપડ ડિઝાઇન કરી રહ્યા છે જે એક્ઝેટ આપણા રેગ્યુલર રેડીમેડ ગારમેન્ટ્સ, કપડાં અથવા કાપડ ફેબ્રિક જેવા દેખાય છે પરંતુ એમ્બેડેડ ઇલેક્ટ્રોનિક ટેકનિક્સ તેમાં વણી લેવાયેલી હોય છે. ભવિષ્યમાં આવા ફેબ્રિક કે ગારમેન્ટ્સને ઇ-ટેક્સટાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ કાપડ અથવા સ્માર્ટ કાપડ તરીકે ઓળખવામાં આવશે.

ઇ-ટેક્સટાઇલ સેન્સિંગ, ગણતરી (કમ્પ્યુટેશન) અને શક્તિ (પાવર)ને કાપડમાં એકીકૃત કરે છે જેથી થ્રેડ્સ (દોરા-ધાગા) પોતે સેન્સર બને અને ટાંકા (સ્ટીચીસ) સર્કિટ બની જાય. આ પ્રકારે ઉત્પાદિત થનારું ફેબ્રિક (કાપડ) આરોગ્ય (હેલ્થ), તાપમાન (ટેમ્પરેચર), ગતિ (મોશન) અને હવાની ગુણવત્તા (એર ક્વોલિટી)ને સતત મોનિટર કરી શકે છે. તેઓ (કમ્યુનિકેટ વાયરલેસલી) વાયરલેસ રીતે વાતચીત, (સંકલન સાધી) કરી શકે છે અને વિવિધ પ્રકારની ઊર્જા એકત્રિત કરી શકે છે.

ઉપરોક્ત પ્રકારના ઇ-ટેક્સટાઇલ્સ વિશ્વની જુદી જુદી યુનિવર્સિટીઓ અને ઉદ્યોગ પ્રોટોટાઇપ હાલમાં ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી આગળ વધી રહ્યા છે અને પ્રયોગશાળાઓની બહાર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એવો અંદાજ છે કે ૨૦૨૮ સુધીમાં ઈ-ટેક્સટાઈલનું વૈશ્વિક બજાર ૧૫ બિલિયન યુએસ ડોલર (૧૧.૧૪ બિલિયન પાઉન્ડ)થી વધુ થવાનો અંદાજ છે.

August 7, 2026
01-1-1280x379.jpeg
1min58
  • ભારત-શ્રીલંકા વચ્ચે ૩ મુખ્ય ક્ષેત્રોમાં વેપાર વધારવા સકારાત્મક ચર્ચા
  • સોલર એનર્જી અને ગ્રે કાપડ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે શ્રીલંકામાં વેપાર અને નિકાસની વિશાળ તકો
  • શ્રીલંકાના સ્પાઇસિસ અને ફૂડ-બેવરેજિસ માટે ભારતીય માર્કેટમાં તકો અંગે હાઇ કમિશનર સંતોષ ઝા દ્વારા વિગતો રજૂ કરાઈ
  • શ્રીલંકામાં ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર માર્કેટનો વ્યાપ મોટો હોવાથી સોલર ઇન્ડસ્ટ્રીઝ માટે નવી સંભાવનાઓ
  • ભારત-શ્રીલંકા FTAનો લાભ લઈ સુરતનું ગ્રે કાપડ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને સીધું એક્સપોર્ટ કરવા વિશે વિશિષ્ટ ચર્ચા

સુરત, 07 ઓગસ્ટ 2026: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના પ્રમુખ શ્રી અશોક જીરાવાલા અને માનદ્ ખજાનચી શ્રી અતુલ પટેલના નેતૃત્વ હેઠળ શ્રીલંકાના પ્રવાસે ગયેલા 13 સભ્યોના પ્રતિનિધિમંડળે કોલંબો ખાતે ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝા તથા ફર્સ્ટ સેક્રેટરી (ઇકોનોમિક એન્ડ કોમર્શિયલ) શ્રી સૌરભ સભલોક સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે 3 પાયાના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી:

  1. ફૂડ, બેવરેજિસ અને સ્પાઇસિસ (મસાલા) માર્કેટ: બેઠક દરમિયાન ભારતના હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ જણાવ્યું હતું કે, શ્રીલંકાના ગુણવત્તાયુક્ત સ્પાઇસિસ (મસાલા) તથા ફૂડ એન્ડ બેવરેજિઝ સેક્ટર માટે ભારતીય માર્કેટમાં મોટી તકો રહેલી છે અને તેને કઈ રીતે ભારતીય બજાર ઉપલબ્ધ કરાવી શકાય તે અંગે વિશેષ ચર્ચા કરાઈ હતી.
  2. ઇન્ડસ્ટ્રિયલ અને રેસિડેન્શિયલ સોલર ક્ષેત્ર: શ્રીલંકામાં ક્લીન એનર્જી અને સોલર સેક્ટરનો વ્યાપ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. ત્યાં ઇન્ડસ્ટ્રિયલ સોલર તેમજ રેસિડેન્શિયલ સોલર સેક્ટરમાં કામકાજ કરવા માટે વિપુલ પ્રમાણમાં મોટું માર્કેટ ઉપલબ્ધ છે, જ્યાં ભારતીય સોલર ઇન્ડસ્ટ્રીઝ સક્રિય રીતે ભાગીદારી કરી શકે છે.
  3. સુરતના ગ્રે ફેબ્રિકની શ્રીલંકાના ગાર્મેન્ટ સેક્ટરમાં નિકાસ: શ્રીલંકામાં વિશાળ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કાર્યરત છે. જ્યારે સુરત એ દેશનું સૌથી મોટું ગ્રે કાપડ ઉત્પાદન કરતું હબ છે. મુક્ત વ્યાપાર કરાર (FTA) મુજબ શ્રીલંકા દ્વારા નિકાસ કરાતા ફેબ્રિક સામે ભારતમાંથી આશરે 6 મિલિયનની આસપાસ ફેબ્રિકની આયાત કરવાની રહે છે. આ સ્થિતિમાં સુરતના ગ્રે કાપડ મેન્યુફેક્ચર્સ સીધા જ શ્રીલંકાના ગાર્મેન્ટ યુનિટ્સને ગ્રે ફેબ્રિક એક્સપોર્ટ કરી શકે છે, જે સુરત માટે વેપારની અઢળક તકો પૂરી પાડે છે.

શ્રીલંકા અને ભારત વચ્ચે ટ્રેડ કનેક્ટિવિટીનો નવો તબક્કો: અશોક જીરાવાલા

બેઠક દરમિયાન ચેમ્બર પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ હાઇ કમિશનરને દક્ષિણ ગુજરાતની આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક તાકાત તથા સુરતની ટેક્સટાઇલ, ડાયમંડ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ્સ, હેવી એન્જિનિયરિંગ, MSME અને સ્ટાર્ટઅપ સેક્ટરની સિદ્ધિઓથી માહિતગાર કર્યા હતા. તેમણે શ્રીલંકાના વિવિધ સરકારી મંત્રાલયો, બોર્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ (BOI) અને સ્થાનિક ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ સાથે યોજાયેલી સફળ બેઠકોનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે વ્યાપારી સહયોગ માટે અત્યારે અત્યંત સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ખાસ કરીને ટેક્સટાઇલ, સોલર, અને ટુરિઝમ ક્ષેત્રે દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો માટે રોકાણ અને નિકાસની વિશાળ ક્ષમતા છે.

ભારતીય હાઇ કમિશનર શ્રી સંતોષ ઝાએ આ ત્રણેય ક્ષેત્રોમાં વેપારી આદાન-પ્રદાન વધારવા માટે હાઇ કમિશન તરફથી સંપૂર્ણ સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી હતી.

August 7, 2026
image-12.png
1min63

ગુજરાતના ફરવાલાયક સ્થળો પર દેશવિદેશથી પ્રવાસીઓ આવતા હોય છે, ત્યારે ગૂગલ મેપ અને નકલી વેબસાઇટ્સ મારફતે હોટેલ બુકિંગના નામે ઠગાઈ કરતી એક નવી સાઇબર ગેંગ સક્રિય થઈ હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. આ ગેંગ વિવિધ પ્રખ્યાત પર્યટક સ્થળો, હોટેલ્સ અને ટ્રસ્ટની અસલ વેબસાઇટ જેવી જ નકલી વેબસાઇટો બનાવીને સામાન્ય નાગરિકો સાથે આર્થિક છેતરપિંડી આચરતી હતી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગરના પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ મામલે ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરી હતી.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 8 ઓક્ટોબર 2025થી 27 જુલાઈ 2026 સુધીના સમયગાળા દરમિયાન આ અજાણ્યા આરોપીઓએ કાવતરું ઘડીને આ છેતરપિંડી આચરી હતી. સાયબર હેલ્પલાઇન પર મળેલી વિવિધ અરજીઓનું ટેક્નિકલ વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ સોમનાથના મહેશ્વરી અતિથિ ભવન સહિત 24 જેટલી ભળતા નામવાળી ફેક વેબસાઇટ્સ તૈયાર કરી હતી. આ વેબસાઇટ્સને ગૂગલ સર્ચ અને અન્ય ઓનલાઇન પ્લેટફોર્મ પર પ્રદર્શિત કરી, પોતે હોટેલના અધિકૃત પ્રતિનિધિ હોવાનો દાવો કરી લોકોનો વિશ્વાસ જીતતા હતા.

લોકો જ્યારે હોટેલ કે ધર્મશાળા બુકિંગ માટે આ નકલી વેબસાઇટ્સ કે તેમાં આપેલા સંપર્ક નંબરો પર કોલ કરતા, ત્યારે આરોપીઓ એડવાન્સ રકમ પેટે યુપીઆઈ કે અન્ય ડિજિટલ માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. પૈસા મળ્યા બાદ આ ગેંગ બુકિંગ ન આપતી, ખોટી માહિતી આપતી કે ફરિયાદી સાથે સંપર્ક તોડી નાખતી હતી. આ રીતે દેશના અલગ-અલગ રાજ્યોના નાગરિકો સાથે નાની-નાની રકમની ઠગાઈ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટ હેઠળ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

August 6, 2026
textile.jpg
1min51

Intertextile Shanghai અને SPINEXPO સહિતના આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પોમાં જવા ઇચ્છુક ઉદ્યોગકારોની 65થી 70 ટકા વીઝા અરજીઓ રિજેક્ટ; મશીનરી ખરીદી અને નવા વેપાર સંબંધો પર અસરની ભીતિ

સુરત: વિશ્વના સૌથી મોટા ટેક્સટાઇલ ઉત્પાદન અને મશીનરી બજારોમાં સ્થાન ધરાવતા ચીનમાં આગામી દિવસોમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ એક્સ્પો પહેલાં ભારતીય ઉદ્યોગકારોને મોટો ઝટકો લાગ્યો છે. સુરત, મુંબઈ, અમદાવાદ સહિત દેશભરના સેંકડો ટેક્સટાઇલ ઉદ્યોગકારો, મશીનરી આયાતકારો અને વેપારીઓની ચીનના વીઝા માટે કરવામાં આવેલી અરજીઓ તાજેતરમાં મોટા પ્રમાણમાં રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉદ્યોગજગતના સૂત્રોના જણાવ્યા મુજબ અંદાજે 65થી 70 ટકા વીઝા અરજીઓ નામંજૂર થઈ છે.

વિશેષ ચિંતાજનક બાબત એ છે કે અગાઉ અનેક વખત ચીનની મુલાકાત લઈ ચૂકેલા અને નિયમિત વ્યાપારિક વ્યવહાર ધરાવતા ઉદ્યોગકારોની પણ વીઝા અરજીઓ મંજૂર કરવામાં આવી નથી. પરિણામે આગામી 25થી 27 ઑગસ્ટ દરમિયાન શાંઘાઈમાં યોજાનારા Intertextile Shanghai Apparel Fabrics (Autumn Edition) તથા SPINEXPO Shanghai જેવા મહત્વના ટેક્સટાઇલ એક્સ્પોમાં ભારતીય પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે ઘટી શકે તેવી શક્યતા ઊભી થઈ છે.

સુરતના ગ્રે, પ્રોસેસ્ડ ફેબ્રિક, ગાર્મેન્ટ ફેબ્રિક, ટેક્નિકલ ટેક્સટાઇલ અને ટેક્સટાઇલ મશીનરી સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગકારોને ચીનના આયોજકો તથા મશીનરી ઉત્પાદકો તરફથી સત્તાવાર આમંત્રણપત્રો (Invitation Letters) અને સ્પોન્સર્ડ લેટર પણ પ્રાપ્ત થયા હતા. તેમ છતાં વીઝા ન મળતાં તેઓ પ્રવાસ કરી શકશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ચીનના ટેક્સટાઇલ એક્સ્પો માત્ર પ્રદર્શન પૂરતા મર્યાદિત નથી. અહીં નવીન ફેબ્રિક ટ્રેન્ડ્સ, ઓટોમેશન ટેક્નોલોજી, હાઇ-સ્પીડ લૂમ્સ, ડિજિટલ પ્રિન્ટિંગ, ડાઇંગ-ફિનિશિંગ મશીનરી, એનર્જી-સેવિંગ ટેક્નોલોજી અને નવા સપ્લાયર્સ સાથે વ્યાપારિક ભાગીદારી માટે મહત્વપૂર્ણ તક ઉપલબ્ધ બને છે. વીઝા ન મળતાં આ તમામ વ્યવસાયિક તકો પર સીધી અસર થવાની શક્યતા છે.

સપ્ટેમ્બરના મોટા ટેક્સટાઇલ એક્સ્પો અંગે પણ ચિંતા

ઉદ્યોગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં યોજાનારા વધુ એક મોટા આંતરરાષ્ટ્રીય ટેક્સટાઇલ પ્રદર્શન માટે પણ અનેક ભારતીય ઉદ્યોગકારોએ અગાઉથી આયોજન કર્યું છે. જો હાલ જેવી જ સ્થિતિ યથાવત્ રહેશે તો તે એક્સ્પોમાં પણ ભારતીય ભાગીદારી પર ગંભીર અસર પડી શકે છે.

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક મશીનરીમાં મોટા પ્રમાણમાં રોકાણ થઈ રહ્યું છે. નવી ટેક્નોલોજી અપનાવવા માટે ઉદ્યોગકારો ચીનની મુલાકાત લેતા હોય છે. વીઝા પ્રક્રિયામાં સર્જાયેલી અનિશ્ચિતતાથી નવા પ્રોજેક્ટ, મશીનરી અપગ્રેડેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર પર પણ અસર થવાની શક્યતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

ઉદ્યોગના આગેવાનોનું માનવું છે કે જો વ્યાપારિક વીઝા મંજૂરીમાં વિલંબ અથવા અસ્વીકારની સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ભારત-ચીન વચ્ચેના વેપાર સંબંધો ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રમાં નવા રોકાણ અને ટેક્નિકલ સહયોગ પર પણ તેની અસર જોવા મળી શકે છે.


બોક્સ : લેબગ્રોન ડાયમંડ ખરીદદારોને પણ વીઝાનો ઝટકો

ટેક્સટાઇલ ક્ષેત્ર ઉપરાંત સુરત અને મુંબઈના HPHT લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં પણ ચિંતા વ્યાપી છે. લેબગ્રોન ડાયમંડના ઉત્પાદન માટે જરૂરી મશીનરી, કાચા માલ, સાધનો અને વેપારિક બેઠકઓ માટે ચીનની નિયમિત મુલાકાત લેતા અનેક વેપારીઓની પણ ચાલુ મહિનામાં વીઝા અરજીઓ રિજેક્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ વેપારીઓ અગાઉ અનેક વખત ચીન જઈ ચૂક્યા હોવા છતાં આ વખતે વીઝા ન મળતાં વેપારિક મુલાકાતો અટકી ગઈ છે. જેના કારણે નવા સપ્લાય કરાર, કાચા માલની ખરીદી, ટેક્નિકલ ચર્ચાઓ અને વ્યવસાયિક વિસ્તરણના આયોજન પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

August 5, 2026
image-9.png
3min54

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ; આત્મનિર્ભર ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં સુરતનું વધુ એક ઐતિહાસિક યોગદાન

સુરત: સુરતના હજીરા સ્થિત AM/NS India સ્ટીલ પ્લાન્ટે દેશના સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ભારતીય નૌસેનાના સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત અદ્યતન એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વૉટરક્રાફ્ટ (ASW-SWC) INS માલવણના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલું 100 ટકા વિશિષ્ટ (Special Grade) સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ બની છે.

22 જુલાઈ, 2026ના રોજ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌસેનામાં સામેલ કરાયેલા INS માલવણના નિર્માણમાં હજીરા પ્લાન્ટની મહત્વપૂર્ણ ભૂમિકાએ સુરતને રાષ્ટ્રીય સંરક્ષણ ક્ષેત્ર સાથે વધુ મજબૂત રીતે જોડ્યું છે. આ યુદ્ધજહાજ ભારતના સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન અને આત્મનિર્ભર ભારતના વિઝનને નવી દિશા આપનાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવે છે.

AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં વિકસાવવામાં આવેલી અદ્યતન સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના કારણે આજે સુરતમાં તૈયાર થતું વિશિષ્ટ સ્ટીલ માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત રહ્યું નથી, પરંતુ દેશની સમુદ્રી સુરક્ષા અને વ્યૂહાત્મક શક્તિને પણ મજબૂત બનાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, હજીરા પ્લાન્ટ ભારતના સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસોમાં સતત મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.

AM/NS Indiaના ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ) રંજન ધરે જણાવ્યું હતું કે, INS માલવણ માટેનું વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થવું સમગ્ર ટીમ માટે ગૌરવની બાબત છે. આ સિદ્ધિ પ્લાન્ટની ટેક્નિકલ કુશળતા, અદ્યતન ઉત્પાદન ક્ષમતા અને ઉચ્ચ ગુણવત્તાના ધોરણોની સાબિતી છે. સુરતમાં ઉત્પાદિત સ્ટીલ ભારતીય નૌસેનાના આધુનિકીકરણમાં યોગદાન આપી રહ્યું છે અને દેશને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના વિઝનને સાકાર કરવામાં સહભાગી બની રહ્યું છે.

INS માલવણનું નિર્માણ કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. તે માહે-ક્લાસ ASW-SWC શ્રેણીના કુલ આઠ યુદ્ધજહાજોમાંથી બીજું જહાજ છે અને ભારતીય નૌસેનામાં સામેલ થનારું આ શ્રેણીનું પણ બીજું જહાજ છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં 80 ટકાથી વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ભારત સરકારની ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વિકસિત ભારત’ પહેલને વધુ મજબૂત બનાવે છે.

આ યુદ્ધજહાજ દરિયાઈ સર્વેલન્સ, એન્ટિ-સબમરીન વૉરફેર, માઇન વૉરફેર તેમજ દરિયાકાંઠાની સુરક્ષા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. ભારતના દરિયાકાંઠા અને સમુદ્રી હિતોની સુરક્ષામાં INS માલવણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

AM/NS India હાલમાં ASW-SWC શ્રેણીના તમામ આઠ યુદ્ધજહાજો માટે જરૂરી 100 ટકા વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે. આ ઉપરાંત કંપની અગાઉ ભારતીય નૌસેનાના INS વિશાખાપટ્ટનમ અને INS સુરત જેવા મહત્વપૂર્ણ યુદ્ધજહાજો માટે પણ વિશિષ્ટ સ્ટીલ પૂરો પાડી ચૂકી છે.

સંરક્ષણ ક્ષેત્ર ઉપરાંત હજીરા પ્લાન્ટમાં ઉત્પાદિત સ્ટીલ દેશના અનેક ઐતિહાસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં પણ ઉપયોગમાં લેવામાં આવ્યું છે. તેમાં ચિનાબ રેલવે બ્રિજ, અંજી ખાડ રેલવે બ્રિજ, બોગિબીલ બ્રિજ અને ઇન્ડિયા-આધારિત ન્યુટ્રિનો ઑબ્ઝર્વેટરી જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ રીતે હજીરા પ્લાન્ટ આજે માત્ર સ્ટીલ ઉત્પાદન કેન્દ્ર નથી, પરંતુ રાષ્ટ્રનિર્માણ, સંરક્ષણ આત્મનિર્ભરતા અને દેશના વ્યૂહાત્મક વિકાસમાં સુરતના વધતા યોગદાનનું પ્રતીક બની રહ્યું છે.


હાઇલાઇટ્સ

  • INS માલવણના નિર્માણમાં વપરાયેલું 100% વિશિષ્ટ સ્ટીલ હજીરા પ્લાન્ટમાં તૈયાર થયું.
  • ભારતીય નૌસેનાના ASW-SWC શ્રેણીના તમામ 8 યુદ્ધજહાજો માટે AM/NS India વિશિષ્ટ સ્ટીલ સપ્લાય કરી રહી છે.
  • 80%થી વધુ સ્વદેશી ઘટકો સાથે તૈયાર થયેલું INS માલવણ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને મજબૂતી આપે છે.
  • INS વિશાખાપટ્ટનમ અને INS સુરત સહિતના અનેક યુદ્ધજહાજોમાં પણ હજીરાના સ્ટીલનો ઉપયોગ થયો છે.
  • ચિનાબ બ્રિજ, અંજી ખાડ બ્રિજ અને બોગિબીલ બ્રિજ જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ હજીરાના સ્ટીલનું યોગદાન રહ્યું છે.

બોક્સ : સુરત માટે કેમ મહત્વની છે આ સિદ્ધિ?

સામાન્ય રીતે સુરતની ઓળખ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગથી થાય છે, પરંતુ હવે શહેર દેશના સંરક્ષણ ક્ષેત્રમાં પણ પોતાનું મહત્વપૂર્ણ સ્થાન બનાવી રહ્યું છે. INS માલવણ માટે હજીરામાં ઉત્પાદિત વિશિષ્ટ સ્ટીલનો ઉપયોગ એ દર્શાવે છે કે સુરતની ઔદ્યોગિક ક્ષમતા હવે માત્ર વેપાર અને નિકાસ પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વ્યૂહાત્મક આત્મનિર્ભરતામાં પણ સીધું યોગદાન આપી રહી છે. આ સિદ્ધિ સુરતને દેશના અગ્રણી ઔદ્યોગિક અને સંરક્ષણ સહયોગી શહેર તરીકે વધુ મજબૂત ઓળખ અપાવે છે.

August 3, 2026
image-8.png
1min114

બિહારના બાંકીપુર પેટાચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે, જેમાં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ધ્વસ્ત થઇ ચૂક્યો છે. જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોર 55,780 મત સાથે ભાજપના નીરજ કુમાર (38,893) અને RJDના રેખા કુમારી (12,461) કરતા આગળ છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પરિણામ બિહારના લોકોનો ભાજપને સંદેશ છે કે યોગ્ય વ્યક્તિને મુખ્યમંત્રી બનાવો. મોડી સાંજે પ્રશાંત કિશોરને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા. 29 વર્ષથી બાંકીપુરમાં ભાજપના ધારાસભ્ય ચૂંટાતા આવ્યા છે, ભાજપના આ 30 વર્ષના અજેય કિલ્લા પર પ્રશાંત કિશોરે 30 દિવસમાં જીત મેળવી લીધી છે.

બિહારના બાંકીપુર પેટા ચૂંટણીમાં ભાજપ, રાષ્ટ્રીય જનતા દળ(RJD) અને જનસુરાજ વચ્ચે ત્રિકોણીય જંગ વચ્ચે મતગણતરી ચાલી રહી છે. બાંકીપુર બેઠક નિતિન નવીનના રાજીનામાં બાદ ખાલી રહી હતી. આ બેઠક પર 27માં રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં જનસુરાજ પાર્ટીના પ્રશાંત કિશોરને 55,780 મત, ભાજપના નીરજ કુમારને 38,893 મત અને RJDના રેખા કુમારીને 12,461 મત મળ્યા છે. બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીત નિશ્ચિત છે, ત્યારે ભાજપનો 30 વર્ષનો ગઢ 30 દિવસમાં ધ્વસ્ત થાય તેવી સ્થિતિમાં છે.

જન સુરાજ પાર્ટીના સ્થાપક અને બાંકીપુરમાં પહેલા રાઉન્ડથી જ લીડ જાળવી રાખનારા ઉમેદવાર પ્રશાંત કિશોરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘અહીં ભાજપનો 30 વર્ષ જૂનો ગઢ ફક્ત 30 દિવસમાં જ તૂટી ગયો. આ ચૂંટણી ફક્ત ધારાસભ્યને ચૂંટવા માટે નહોતી. સમ્રાટ ચૌધરી સાથે મારે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નથી, પરંતુ આ ચૂંટણી દ્વારા બિહારના લોકોએ ભાજપને મેસેજ આપ્યો છે કે, સારા ચારિત્ર્ય અને યોગ્ય વ્યક્તિને બિહારનો મુખ્યમંત્રી બનાવો.’

પ્રશાંત કિશોરે વધુમાં જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી ગુજરાતની જેમ બિહાર માટે પણ એટલી જ ચિંતા બતાવવી જોઈએ. આનાથી સ્થળાંતર રોકવામાં અને અહીં બેરોજગારી ઘટાડવામાં મદદ મળશે. જેમણે અમને મત આપ્યો તેમનો હું આભાર માનું છું. જેમણે મત ન આપ્યો તેમને હું કહેવા માગુ છું કે અમે તમારો વિશ્વાસ જીતવા માટે વધુ મહેનત કરીશું. મારા ધારાસભ્ય બનવાથી બાંકીપુર બેંગલુરુ નહીં બને, પરંતુ તમે બે કે ત્રણ મહિનામાં ચોક્કસ ફરક જોશો.’

August 3, 2026
WhatsApp-Image-2026-08-03-at-17.36.03.jpeg
1min79

કર્મચારીઓના પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારોના વાર્ષિક વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને મળે તો વિકાસકાર્યોને મળશે વેગ

સુરત, તા. 3 ઓગસ્ટ :
સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડે સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીના ચીફ ઓફિસરને રજૂઆત કરીને સચીન જીઆઈડીસીમાં કાર્યરત ઉદ્યોગોમાંથી વસૂલવામાં આવતો વ્યવસાય વેરો (પ્રોફેશનલ ટેક્સ) અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો સીધો સચીન નોટીફાઈડ એરીયા ઓથોરિટીમાં જમા કરાવવાની વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરી છે. આ માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડવાની પણ રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષ 1998થી સચીન જીઆઈડીસીને નોટીફાઈડ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અહીં અંદાજે 5,000 જેટલા નાના-મોટા ઔદ્યોગિક એકમો કાર્યરત છે, જેમાં ડાઇંગ, કેમિકલ, એન્જિનિયરિંગ સહિત વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ એકમોમાં આશરે પાંચ લાખ જેટલા કામદારો અને કર્મચારીઓને રોજગારી મળી રહી છે.

સોસાયટીના જણાવ્યા મુજબ હાલ કર્મચારીઓના પગારમાંથી દર મહિને કપાત થતો પ્રોફેશનલ ટેક્સ અને ઉદ્યોગકારો દ્વારા ભરવામાં આવતો વાર્ષિક વ્યવસાય વેરો ગુજરાત સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે. જોકે, ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976 મુજબ આ પ્રકારની વસૂલાત સંબંધિત સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની હદમાં થવી જોઈએ. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી ઔદ્યોગિક એકમોનો વ્યવસાય વેરો મહાનગરપાલિકાને મળે છે, તો સચીન નોટીફાઈડ એરીયાના ઉદ્યોગો માટે પણ સમાન નિયમ લાગુ થવો જોઈએ.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ-1976ની કલમ-2 અને ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ-1963ની જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા સત્તા પ્રાપ્ત સ્થાનિક સંસ્થાઓને આ પ્રકારનો વેરો વસૂલવાનો અધિકાર છે. ઉપરાંત, ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, અમદાવાદના વર્ષ 2010ના એક ચુકાદામાં સચીન નોટીફાઈડ એરીયાને નગરપાલિકા સમકક્ષ ગણાવવામાં આવ્યું હોવાનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે.

સોસાયટીએ જણાવ્યું છે કે વર્ષોથી સચીનના ઉદ્યોગોનો વ્યવસાય વેરો રાજ્ય સરકારના વાણિજ્ય વિભાગમાં જમા થાય છે, જેના કારણે સ્થાનિક તંત્રને તેની આવકનો લાભ મળતો નથી. જો આ આવક સચીન નોટીફાઈડ એરીયાને મળશે તો રસ્તા, ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઇટ અને અન્ય માળખાકીય સુવિધાઓ સહિતના વિકાસકાર્યોને વધુ ગતિ મળશે.

રજૂઆતમાં વડોદરાના નંદેસરી જીઆઈડીસી નોટીફાઈડ એરીયાનું ઉદાહરણ પણ આપવામાં આવ્યું છે. ત્યાં સ્થાનિક ઓથોરિટી દ્વારા ગુજરાત વ્યવસાય વેરા અધિનિયમ મુજબ પ્રોફેશનલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. સચીનમાં પણ આવી જ વ્યવસ્થા અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે.

આ રજૂઆત સચીન ઇન્ડસ્ટ્રીયલ કો-ઓપરેટિવ સોસાયટીના પ્રમુખ કિશોર બી. પટેલ, સેક્રેટરી મયુર જે. ગોળવાલા, ઉપપ્રમુખ નિલેશ એમ. ગામી તથા કો-ઓપ્ટ સભ્ય મિતુલ એસ. મહેતાએ કરી હતી. તેમણે કાયદાકીય જોગવાઈ મુજબ વ્યવસાય વેરાની આવક સ્થાનિક તંત્રને સોંપવામાં આવે તો સચીન નોટીફાઈડ એરીયાના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરી.