CIA ALERT

સુરતીઓની દુનિયા Archives - Page 51 of 81 - CIA Live

September 30, 2019
s1-1280x960.jpg
1min12470

સુરતમાં હડતાળ પાડનાર શાળા સંચાલકો સામે કડક પગલાં ભરવા આદેશો જારી

આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલમાં ઘૂસીને અસામાજિકોનો કહેવાતો સાથ મેળવીને શિક્ષકને બેરહેમીપૂર્વક માર મારવાની ઘટનામાં સંડોવાયેલા લોકોને પકડવામાં વિલંબ થતાં નારાજ થયેલા સુરતના શાળા સંચાલકોએ 1200 જેટલી સ્કૂલ સમેતની શૈક્ષણિક સંસ્થાઓમાં સજ્જડ હડતાળ પાડી હતી.

જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રાજ્યગુરુએ રજૂઆત કરવા ગયેલ સંચાલકોને જણાવ્યું કે આશાદીપ સ્કુલમાં શિક્ષક પર હુમલા પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમાની લાગણી છે કે સંચાલકોએ હવે અડધા દિવસની હડતાળ પણ સમેટીને સમાજમાં એક સારો મેસેજ જાય એ માટે હડતાળ સંકેલી લેવાની જાહેરાત કરવી જોઇએ.

શિક્ષણાધિકારી શ્રી રાજ્યુગુરને શાળા સંચાલકોએ આવેદનપત્ર આપીને રજૂઆતો કરી હતી

શિક્ષણાધિકારી મારફતે મળેલી રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહની લાગણી સંદર્ભે સુરતના શાળા સંચાલકોએ તેમની વાત માનવાનો ઇન્કાર કરીને હડતાળ પૂરેપૂરી રીતે જારી રાખી હતી. શિક્ષકો, સંચાલકો પર થઇ રહેલા હુમલાની સાથે સરકાર દ્વારા અને સરકારે રચેલી ફી નિર્ધારણ કમિટી દ્વારા કરવામાં આવેલી બિનજરૂરી કનડગત અંગે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે આજે શિક્ષણાધિકારીને અનેક ખરીખોટી સંભળાવી હતી.

પણ આજે અડધા દિવસની હડતાળ સમેટીને શિક્ષણકાર્ય ફરીથી શરૂ કરવાની શિક્ષણમંત્રીની ઓફર બિલકુલ ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

હડતાળ પાડનાર સંચાલકો સામે પગલાં ભરવા કડક સૂચના

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની સુરતના શાળા સંચાલકોને હડતાળ નહીં પાડવાની અપીલ ઠુકરાવ્યા બાદ આજે સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ જબરદસ્ત ઐક્ય દેખાડીને શાળાઓ તેમજ અન્ય સંસ્થાઓ બંધ રાખી હતી. બાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુરતના જિલ્લા શિક્ષણાધિકારીની સાથે વાતચીત કરીને કહ્યું હતું કે શાળા સંચાલકોની માગણી હતી કે શિક્ષક પર હુમલામાં સંડોવાયેલા લોકો સામે પગલાં ભરવાની માગણી પૂરી થઇ છે. દસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

સુરત કલેક્ટર કચેરી સંકુલ ખાતે આજે આવેદનપત્ર આપવા આવેલા સંચાલકો

મુખ્યમાગણી સંતોષાઇ ચૂકી હોઇ, સુરતની પ્રાઇવેટ સ્કુલોના સંચાલકોએ હડતાળ સમેટી લેવી જોઇએ, જેથી લોકોમાં એક સદભાવનાભર્યો મેસેજ જઇ શકે. શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ શાળા સંચાલકોના પ્રતિનિધિઓને આ બાબતથી માહિતીગાર કર્યા હતા પરંતુ, શાળા સંચાલકો અધવચ્ચેથી હડતાળ સમેટવા બિલકુલ રાજી થયા ન હતા. પરીણામે સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હડતાળ પાડનાર શાળા સંચાલકો તેમજ હડતાળમાં જોડાનાર શાળા સંચાલકો સામે કડક હાથે કામ લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને આગામી સમયમાં શાળા સંચાલકોને પણ સાણસામાં લેવામાં આવે તેવા એંધાણ મળી રહ્યા છે.

September 29, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10090

હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ આલમ પર, હવે એ સાંખી નહીં લેવાય

સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલી આશાદીપ સ્કુલના એક શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિચકારા હુમલાની વિરુદ્ધમાં સુરતનું સમગ્ર શિક્ષણ જગત સોમવાર તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ અભૂતપૂર્વ રીતે જડબેસલાક બંધ પાળશે. અગાઉ ક્યારેય એવું બન્યું નથી કે કોઇ શિક્ષક પર થયેલા હુમલાના વિરોધમાં પ્રાઇવેટ સ્કુલો, ટ્યુશન ક્લાસીસો, બાળમંદિરો બંધ રહ્યા હોય. સોમવાર, તા.30મી સપ્ટેમ્બર 2019ના રોજ આ ઘટના બનવાની છે.

કઇ સ્કુલો બંધ અને કઇ સ્કુલો ચાલુ રહેશે

  • તમામ પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી સ્કુલો બંધ પાળશે
  • તમામ પ્રાઇવેટ બાળમંદિરો બંધ પાળશે
  • સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો બંધ પાળશે
  • સુરત શહેર જિલ્લાની તમામ સેન્ટ્રલ બોર્ડની સ્કુલો બંધમાં જોડાશે
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલશે
  • ગ્રાન્ટેડ અને સરકારી સ્કુલોમાં શિક્ષણ કાર્ય ચાલુ રહેશે.
  • જુદા જુદા શૈક્ષણિક સંઘોએ પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નિર્ણયને ટેકો જાહેર કર્યો છે.

પ્રાઇવેટ સ્કુલો, કોચિંગ ક્લાસીસો સમેત આગેવાનોની મળેલી બેઠકમાં શિક્ષકો પર થઇ રહેલા હુમલાને વખોડી કાઢવામાં આવ્યો હતો. હુમલો એક શિક્ષક પર નહીં સમગ્ર શિક્ષણ જગત પર છે. શિક્ષકો, આચાર્યો, સંચાલકો કે અન્ય કોઇ કર્મચારીઓ પર થતાં હુમલાને હવે સાંખી નહીં લેવાય. આ વખતે સમગ્ર શિક્ષણ જગત જબરદસ્ત ઐક્ય દેખાડી રહ્યું છે.

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આશાદીપ વિદ્યાલયના શિક્ષક પર શાળામાં ઘૂસીને કરવામાં આવેલા હિંસક હુમલાના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનમાં સુરત એકેડેમિક એસોસીએશ એટલે કે સુરત શહેરના તમામ કોચિંગ ક્લાસીસો પણ જોડાઇ રહ્યા છે. એવી જ રીતે પ્રાઇવેટ બાળમંદિરો પણ જોડાઇ રહ્યા છે. સુરત શહેર જિલ્લામાં આવેલી સેન્ટ્રલ બોર્ડની સ્કુલો પણ સોમવારના બંધમાં જોડાશે.

સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રીરાજ્યગુરુએ સોમવાર તા.30મી સપ્ટેમ્બરના રોજ સ્કુલોમાં શિક્ષણ કાર્ય યથાવત રાખવાની સૂચના આપી છે, અને હડતાળ પાડનાર સંસ્થા સામે પગલાં ભરવાની ચેતવણી આપી છે, આમ છતાં સુરત શહેરનું શિક્ષણ જગત સોમવારે બંધ પાળશે એમાં બે મત નથી.

11 કલાકે સંચાલકોને પોલીસ કમિશનર કચેરીએ ઉપસ્થિત રહેવા આહવાન

સુરત શહેરના સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે તા.30મી સપ્ટેમ્બરને સોમવારે સવારે 11.45 કલાકે તમામ શાળા સંચાલકોને પોલીસ કમિશનર કચેરી, અઠવાલાઇન્સ ખાતે ઉપસ્થિત રહેવા આહવાન કર્યું છે. શિક્ષકો પર થઇ રહેલા હુમલાનો વખોડી કાઢીને જવાબદારો સામે પગલાં ભરવા તેમજ ભવિષ્યમાં આવી હરકતો ન થાય તે માટે વ્યવસ્થાતંત્ર વિકસાવવામાં આવે એ સંદર્ભે પોલીસ કમિશનર, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.

September 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min7910

રાજ્ય સરકારે વી.સી. ગુપ્તા સામેની ગંભીર ફરીયાદો પર ધ્યાન ન આપ્યું ને બે ડઝનથી વધુ કેસો હાઇકોર્ટમાં થઇ ગયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે બિરાજ્યા બાદ ડો.શિવેન્દ્ર ગુપ્તા કોણ જાણે કોની દુશ્મનાવટોનો બદલો લઇ રહ્યા હોય, અનેક શિક્ષણશાસ્ત્રીઓની કારકિર્દી રંગદોળવાનો સિલસિલો તેમણે એક પછી એક હાથ ધર્યો છે. ગઇ તા.23મી ઓગસ્ટ 2019ના રોજ વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય તરીકેની માન્યતાને ગેરકાનૂની ગણાવીને તેને રદ કરી તેના આધારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનું યુનિ.ના તમામ અધિકારમંડળોમાંથી વજુદ મિટાવી દેવા સબબનું જાહેરનામું જારી કરનાર વીર નર્મદ યુનિવર્સિટીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી લપડાક મળી છે.

34 દિવસમાં ન્યાય મળી ગયો

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની ફાઇલ તસ્વીર. જેમની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના શાસનમાં કિન્નાખોરી રાખીને તેમની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કરાયેલી નિમણૂંકને રદ કરીને યુનિવર્સિટીના તમામ અધિકારમંડળોના સભ્યપદેથી તેમનું વજુદ મિટાવી દેવાની કરવામાં આવેલી પેરવીને ગુજરાત હાઇકોર્ટે લપડાક મારી છે. હાઇકોર્ટે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિને બરકરાર રાખવા સંદર્ભનો આદેશ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ કર્યો હતો.

સુરતના ડુમસ રોડ પર બિગબાઝાર પાછળ આવેલી ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તા એન્ડ કંપનીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે શું વાંકુ પડ્યું ભગવાન જાણે પણ તેમણે યુનિવર્સિટીમાંથી ડો. ચૌહાણનો કાંટો કાઢી નાંખવાની નેમ લીધી હોય એ રીતે તેમની પાછળ પડી ગયા હતા અને મનસ્વી રીતે, સરકારે વખતોવખત કરેલા હુકમોની ઐસીતૈસી કરીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને ભારતીમૈયા કોલેજના આચાર્ય પદેથી તેમની માન્યતા રદ કરીને તેમને દૂર કરવાનું રીતસર જાહેરનામું બહાર પાડ્યું હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ સામે યુનિવર્સિટીએ ખોટી રીતે શિક્ષાત્મક પગલાં ભરીને આ જાહેરનામુ ચગાવી તેમની ભારોભાર બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો

ઉપરોક્ત જાહેરનામુ ચગાવીને ડો.મહેન્દ્રસિંહ ચૌહાણને તમામ અધિકાર મંડળોમાંથી પણ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા કરાવવામાં આવ્યા હતા. ટૂંકમાં વીર નર્મદ યુનિ.માં હોનહાર કામગીરી કરી રહેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનો કાંટો કાઢી નાંખવા સબબની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હતી.

ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ એકલા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ તબીબ છે. તેમની સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી અંગે મિડીયામાં સામે ચાલીને માહિતીઓ આપીને તેમની બદનામી કરાવવામાં ડો.શિવેન્દ્ર ગુપ્તા એ કશું બાકી રાખ્યું ન હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાની સામે થયેલી કાર્યવાહીને મનસ્વી રીતે, નીતિ નિયમોથી પર થઇને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી.

દેર હોય પણ અંધેર ન હોય

મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે કરેલા આ દેશમાં જણાવ્યું હતું કે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કામકાજ કરી શકશે. યુનિવર્સિટીએ તેમની સામે કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

યોગાનુંયોગ આ હિયરીંગ આજરોજ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાયું અને આદેશ પણ આજે જ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા આજે તેમની જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસે તેમણે હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

18 મહિનામાં ડો.શિવેન્દ્ર ગુપ્તાના નિર્ણયો સામે ગુજરાત હાઇકોર્ટમાં 27 પીટીશનો થઇ ગઇ, હવે સરકાર જાગશે

જે દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ એ દિવસથી જ તેમની સામે, તેમની લાયકાત સામે, તેમની વર્તણૂંકો સામે ફરીયાદો ઉઠી હતી. રાજ્ય સરકારને વખતોવખત ફરીયાદો કરવામાં આવી પણ રાજ્ય સરકારે ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે એકેય હરફ ન ઉચ્ચાર્યો પરીણામે જેમની સાથે અન્યાય થયો તેમણે ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું. ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે કુલ 27 કેસો હાઇકોર્ટમાં થઇ ગયા.

September 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7030

(સુરતીઓ માટે અગત્યના સમાચાર) ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટમાં હવેનું સપ્તાહ નિર્ણાયક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં પીવાના, ખેતી સિંચાઇના પાણીનો એક માત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી તા.25મી સપ્ટેમ્બર 2019ને બુધવારે બપોરે 4 વાગ્યે 344.12 ફૂટ નોંધાઇ હતી. બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીની સપાટી આ સિઝનમાં નહીં બલ્કે 6 વર્ષમાં પહેલી જ વાર 344 ફૂટને પાર થઇ હતી. એ નોંધનીય છે કે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હવે પોણો ફૂટ જેટલું પાણી ડેમમાં સમાઇ શકે તેમ છે.

25 સપ્ટેમ્બર બુધવારે બપોરે 4 વાગ્યે ઉકાઇ ડેમ તેમજ તાપીના ઉપરવાસના ડેમોની પાણીની સપાટીની સત્તાવાર વિગતો

આ વખતે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું મેનેજમેન્ટ જેને વોટર લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ જડબેસલાક રીતે કામગીરી કરી અને દરેક કદમ પર, ડેમમાં કેટલું પાણી આવે ત્યારે કેટલું પાણી છોડવું એ બાબતે ચોક્કસ નિર્ણયો લઇને તેનો અમલ કર્યો તેના કારણે અત્યાર સુધીનું વોટર મેનેજમેન્ટ વખણાયું છે.

સુરત શહેરમાં સહેજેય એવી સ્થિતિનું નિર્માણ ન થવા દીધું કે પેનિક ફેલાય, અફવાઓ ફેલાય. ખુદ કલેક્ટર ડો. ધવલ પટેલએ નિયમિત રીતે ઓડિયો મેસેજિસ વીથ ટાઇમ ડેટ આપ્યા. જેને લઇને અફવાઓ બિલકુલ ફેલાઇ નહીં.

હવે ખરી કસોટી આગામી સપ્તાહમાં થઇ શકે તેમ છે. ઉકાઇ ડેમના વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને યશ મળશે કે અપયશ એ જતું ચોમાસું નક્કી કરશે. જો હવે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ તૂટી પડે અને એ પાણી ડેમમાં આવે તો હવે ડેમમાં પાણી સમાઇ શકે તેટલી જગ્યા ઓછી બચી છે અને ડેમમાંથી પાણી છોડવાની નોબત આવે તો પરિસ્થિતિ તંગ બને. આ બધું જ કુદરત પર છે અને જો અને તો પર છે. પણ અત્યાર સુધી ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ કાબિલેતારફી કામગીરી કરી છે એમાં બે મત નથી.

September 25, 2019
womeninblue-1280x853.jpg
1min6800

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે મહિલાઓની પ્રથમ ટી-ટ્વેન્ટી મૅચ રમાઈ હતી જે ભારતે સેક્ધડ-લાસ્ટ બૉલ પર ૧૧ રનના માર્જિનથી જીતી લીધી હતી. ૧૩૧ રનના લક્ષ્યાંક સામે સાઉથ આફ્રિકાએ છેલ્લી ઓવરમાં ૧૮ રન બનાવવાના હતા અને બે વિકેટ બાકી હતી. સ્પિનર રાધા યાદવની એ ઓવરમાં માત્ર ૬ રન બન્યા હતા અને બન્ને બાકીની વિકેટ પડી ગઈ હતી. ૮ રનમાં ત્રણ વિકેટ લેનાર સ્પિનર દીપ્તિ શર્માને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

ભારતે બૅટિંગ મળ્યા બાદ ૮ વિકેટે ૧૩૦ રન બનાવ્યા હતા જેમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરના ૪૩ રન હાઇએસ્ટ હતા. જવાબમાં સાઉથ આફ્રિકાની મહિલા ટીમ ૧૯.૫ ઓવરમાં ૧૧૯ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં મિગ્નૉન ડુ પ્રીઝના ૫૯ રન હાઇએસ્ટ હતા જે એળે ગયા હતા. ભારત વતી અન્ય બોલરોમાં શિખા પાન્ડે, પૂનમ યાદવ અને રાધા યાદવે બે-બે વિકેટ લીધી હતી.

September 24, 2019
pmc11.jpg
1min16040

નાણાંકીય ગેરરીતિઓ જણાતા મહારાષ્ટ્રની 139 બ્રાન્ચ ધરાવતી PMC બેંક RBI સકંજામાં

મહારાષ્ટ્રમાં મોટામાં મોટી સહકારી બેંક પૈકીની એક ગણાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક કે જેની કુલ 139 શાખાઓ કાર્યરત છે એવી મસમોટી બેંકના હિસાબોમાં કેટલીક નાણાંકીય ગેરરીતિઓ મળી આવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી આ બેંક પર છ મહિનાના કેટલાક નિયંત્રણો લાદી દીધા છે.

રિઝર્વ બેંકની પ્રેસ વિજ્ઞપ્તિ આ મુજબ છે

મહારાષ્ટ્રની પીએમસી બેંક તરીકે ઓળખાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક પર રિઝર્વ બેંક કે નિયંત્રણો લાદ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા બેંકની બ્રાન્ચો પર આજે સવારથી ભારે ધમાચકડી મચી જવા પામી છે. ખાતેદારો છ મહિના સુધી ફક્ત રૂ.1000 નો જ ઉપાડ કરી શકશે. કોઇ નવી ડિપોઝીટ બેંક સ્વીકારી નહીં શકે, કે પરત આપી નહીં શકે.

પીએમસી બેંકોની મહારાષ્ટ્ર બ્રાન્ચ પર આજે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખાતેદારોનો સોંસરવો સવાલ, બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી તો અમારો શું વાંક

સુરતમાં પીએમસી બેંકની ચાર બ્રાન્ચ

આજે સવારથી સુરત શહેરના ઘોડદોડ રોડ, અડાજણ, વેસુ અને વરાછા રોડની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંકની બ્રાન્ચો પર ખાતાદારોએ હલ્લો મચાવ્યો હતો. બેંકના સ્ટાફે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છ મહિના માટે નિયંત્રણ મૂક્યા છે એવું જણાવ્યા સિવાય ખાતેદારોના કોઇ જવાબો સંતોષકારક રીતે આપી શક્યા ન હતા. અનેક પરિવારોની રોજિંદી જરૂરીયાતના નાણાં પીએમસી બેંકના અકાઉન્ટમાં હતા. હવે ફક્ત રોજ 1000 રૂપિયા ઉપાડી શકાશે એવું જાણીને અનેક ખાતેદારોની આખોમાં ઝળહળીયા આવી ગયા હતા.

નવરાત્રી-દિવાળીના તહેવારો ટાણે હજારો ખાતેદારો મુશ્કેલીમાં મૂકાયા

આગામી સપ્તાહથી નવરાત્રી અને એ પછી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક (પીએમસી)માં ખાતું ધરાવતા લોકોએ એવા નિશાસા નાંખ્યા હતા કે સામા તહેવારોએ જો તેઓ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી નહીં શકે તો એ રૂપિયા શું કામના. બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી હોય તો તેમની સામે પગલાં ભરવા જોઇએ, ખાતેદારોએ મહેનતથી રૂપિયા કમાઇને બેંકમાં વિશ્વાસે મૂક્યા હતા, આજે ખાતેદારો વિશ્વાસઘાત થયાની અનુભૂતિ કરી રહ્યા છે.

September 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10590

આજની બે ઇવેન્ટ સુરતના વિકાસમાં નિર્ણાયક બનશે, વિશ્વની નજર સુરત પર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કહેવાય છે કે શ્રાધ્ધ પક્ષમાં શુકનવંતી શરૂઆત શક્ય નથી પરંતુ, મનમોજીલા સુરતીઓના શહેરમાં શરૂઆત કરવા માટે કોઇ મૂહૂર્ત કે ઘડીની રાહ જોવાતી નથી. તક મળે એટલે સુરત વિકાસનું ડગલું ભરી લે છે પછી ભલે એ અમાસ હોય કે શ્રાદ્ધ. આજે શ્રાદ્ધ પક્ષના દિવસે જ સુરતમાં બે મોટી ઇવેન્ટ થવા જઇ રહી છે, ભૂતકાળમાં ક્યારેય નહીં યોજાયેલી બન્ને ઇવેન્ટસ પર ભારત જ નહીં દુનિયાની નજર ઠરી છે અને આ બન્ને ઇવેન્ટસ સુરતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

આજે સુરતમાં 24,300 કેરેટ રફ ડાયમંડની હરાજી પૂર્વે વ્યૂઇંગ શરૂ થશે, ગુજરાતભરમાંથી હીરા ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા

આજે દિવસ દરમિયાન સુરતમાં પહેલી વખત 24300 રફ ડાયમંડ (કાચા હીરા)ની જાહેર હરાજી માટે ડાયમંડ વ્યુઇંગ શરૂ થશે. સુરત તેમજ ગુજરાતભરના ડાયમંડ વેપારીઓ આજે સુરત આવશે. સુરત નજીક ઇચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 24,300 રફ ડાયમંડ કે જે મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સ ખાતેથી મેળવાયા છે. આ હીરા કેવા છે એ વેપારીઓ ત્રણ દિવસ સુધી જોઇ શકશે અને ચોથા દિવસથી તેની ઓનલાઇન હરાજી થવાની છે.

અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા સુરતના હીરા ઉદ્યોગમાં અગાઉ ક્યારેય આ પ્રકારે કાચા હીરાની જાહેર હરાજી થઇ નથી. કાચા હીરા મેળવવા માટે સુરત સમેત ગુજરાતના હીરા કારખાનેદારો, ઉધોગપતિઓએ મુંબઇ કે વિદેશમાં જવું પડતું હતું. આજે પહેલી વખત યોજાઇ રહેલી 24,300 રફ ડાયમંડની હરાજી એ બાબતને નિયત કરશે કે ભવિષ્યમાં સુરતમાં ઇન્ટરનેશનલ લેવલની ડાયમંડ હરાજીઓ આકાર પામશે.

સુરત સ્થિત જીજેઇપીસીની રિજિયોનલ ઓફિસના ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમના પ્રયાસો આજે સફળ નિવડશે. તેમણે નાંખેલો પાયો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલ પર સુરતને લઇ જશે એમાં હવે કોઇ અવરોધ રહ્યો નથી.

આજે લાલભાઇ સ્ટેડીયમ ખાતે સુરતને મળેલી સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના મંડાણ, ઇન્ડિયા વિ. સાઉથ આફ્રિકાની પ્રથમ ટીટ્વેન્ટી મેચ

60 લાખની વસતિ ધરાવતા સુરત શહેરમાં એવી કોઇ સુવિધા ભાગ્યેજ નહીં હોય જે અન્ય શહેરોમાં હશે, આમ છતાં સુરત શહેરને જે સુવિધા, ટ્રીટમેન્ટ, વ્યવહાર મળવો જોઇએ એ મળવામાં વિલંબ થતો આવ્યો છે. પછી ભલે એ ફ્લાઇટ્સ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલેટીઝ હોય કે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય. વડોદરા જેવા નાના શહેરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાઇ ચૂકી છે, રાજકોટમાં રમાય છે પણ સુરતમાં હજુ સુધી એકેય મેચ રમાઇ નથી. આજે સાંજે 6 વાગ્યાથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે શરૂ થનારી ભારત વિરુદ્ધ આફ્રિકાની મહિલા ક્રિકેટ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચ સાથે સુરત નવી શરૂઆત કરશે. સુરતની નવી ઇનિંગમાં આઇ.પી.એલ. કે ઇન્ટરનેશનલ મેઇન ટીમની મેચ મળવાની શક્યતાઓ પણ વધી જવા પામી છે.

ક્રિકેટર્સ, કોચ, રાહુલ દ્રવિડ જેવા શક્તિશાળી પ્રતિભા સુરતના સ્ટેડીયમ અને અન્ય ફેસેલિટીઝના વખાણ કરી ચૂક્યા છે. પરીણામે આજની વુમન્સ ઇન્ટરનેશનલ ટીટ્વેન્ટી મેચ સુરતના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

September 22, 2019
gjepc1.jpg
1min10300

GJEPC દ્વારા હીરા ઉદ્યોગ માટે સમયસરનો કાર્યક્રમ : આ (મંદી) પણ વહી જશે, હતાશ ના થશો

ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા શનિવાર તા.21મી સપ્ટેમ્બર 2019ની રાત્રે હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીને કારણે પરેશાની અનુભવી રહેલા લોકો માટે એક સમયસરનો પ્રેરણાત્મક માર્ગદર્શનનો કાર્યક્રમ જે ડી ગાબાણી હૉલ, સૌરાષ્ટ્ર સમાજ ની વાડી, મિનિ બજાર, વરાછા, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.

જીજેઇપીસી આયોજિત અભય પ્રેરણાત્મક સેમિનારમાં મંચ પર બિરાજમાન મહાનુભાવો.

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રોજેરોજ કોઇકને કોઇક નકારાત્મક ઘટનાઓ બને છે, ક્યારેક કોઇ કંપની કર્મચારીને છૂટા કરે છે, ક્યારે કોઇક કંપની પગારકાપ મૂકે છે, ક્યારેક કોઇક આર્થિક ભીંસમાં ન ભરવાનું પગલું ભરી બેસે છે એવા સંજોગોમાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગ પારખતા શ્રી દિનેશ નાવડીયાએ ખાસ ઇનિશ્યીએટીવ લઇને અભય નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં ખીચોખીચ શ્રોતાઓથી ભરેલા હોલને શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી હરીકૃષ્ણ પટેલ, જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સી, ડો. આરતી મહેતાએ સંબોધન કરીને કેટલીક પ્રેરણાત્મક વાતો કરી હતી. શહેરના જ નહીં ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી તેમજ શ્રીમતી આરતી મહેતા એ રત્નકલાકારો ને જીવનનું મહત્વ અને સકારાત્મક અભિગમ કઇ રીતે કેળવવો અને જાળવવો એ અંગે પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગથી વાકેફ શ્રી દિનેશ નાવડીયાએ અભય પ્રેરણાત્મક સેમિનારમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમનો સૂર એ જ હતો કે જીવનમાં કશું જ કાયમી હોતું નથી. દરેક સમય વીતી જવાનો છે અને હાલ જે મંદી ચાલી રહી છે એ પણ વીતી જવાની છે. જીવનમાં ઝઝુમનારને જ સફળતા સાંપડે છે. આ ઝઝૂમવાનો સમય છે.

જે.ડી.ગાબાણી હોલમાં અભય પ્રેરણાત્મક કાર્યક્રમ દરમિયાન ખીચોખીચ હાજરી સાથે શ્રોતાઓએ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો.

હાલમાં વિશ્વના બજારમાં અને ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવર્તમાન મંદીના કારણે હીરા ઉધ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમજ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. નોકરી ગુમાવી દેવાના ભય અને અનિશ્ચિત ભવિષ્ય જેવી અફવાઓ વચ્ચે રત્નકલાકારો નાસીપાસ થયી કોઈ અગમ્ય પગલું ના ઉઠાવે તે ઉદ્દેશથી GJEPC દ્વારા એક સેમિનાર “અભય – અસ્તિત્વ આપનું – વરદાન સમસ્ત પરિવારનું “ નું આયોજન કરવામાં આવ્યું હતું.


September 20, 2019
onion.jpg
1min15660

સુરતમાં કાંદાનો હોલસેલ ભાવ કીલોના રૂ.50ને આંબી ગયો, રીટેલમાં રૂ.65 સુધી વસૂલાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટૂંક સમયમાં ખાણીપીણીની લારીઓ પરથી ખાસ કરીને પાઉભાજી, ઇંડા, નોનવેજ વગેરેની લારીઓ પર સલાડ કે કચુંબરમાં ટામેટા અને કોબીજ મળશે, ડુંગળી (કાંદા) અદ્રશ્ય થઇ જાય તેવા એંધાણ મળી રહ્યા છે. સુરતમાં આજે કાંદાના પ્રતિ કિલોના ભાવ રૂ.65 જેટલા આંબી ગયા છે. સૌથી મોંઘા કાંદા સિટીલાઇટ, ડુમસ રોડ પર રિટેઇલ શાકભાજીવાળાઓએ વસૂલ્યા હતા.

એ સિવાય અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.55થી રૂ.60 જેટલા થઇ જતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય જવા પામ્યું છે. કાંદાના ભાવ એવું નથી કે રાતોરાત ઉંચકાયા છે. છેલ્લા 10-12 દિવસમાં નિયમિત રીતે બે-ત્રણ રૂપિયા વધ્યા છે અને એવું કહેવાય છે કે સુરતમાં કાંદાના ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી જાય તો નવાઇ નહીં.

કાંદાનો શોર્ટ સપ્લાય, સુરતમાં કાંદાની 30થી 35 ટ્રક ઠલવાતી હતી એ હવે 15-20 થઇ ગઇ

સુરતમાં સામાન્ય દિવસોમાં કાંદાની 25થી 30 ટ્રકો ઠલવાતી હતી, રજા કે તહેવારોના આગલા દિવસે 35 ટ્રકો સુધી કાંદો સુરતમાં ઠલવાતો હતો પરંતુ, હાલમાં કાંદાનો શોર્ટ સપ્લાય છે અને એ.પી.એમ.સી.માં 15-20 ટ્રક કાંદા જ હાલ દૈનિક ધોરણે ઠલવાય રહ્યાનું એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવની ટીમે કાંદાના ભાવ અંગે થોડી જાંચ-પડતાલ કરી તો જાણવા મળ્યું કે સુરતમાં મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક મંડીમાંથી કાંદો ઠલવાય છે અને ત્યાં કાંદાની શોર્ટેજ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના બજારોમાં કાંદાના ભાવ ઉંચકાવા પામ્યા છે. જે વિસ્તારોમાં કાંદાની મબલખ પાક પાકતો હતો ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે.

એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા નવા કાંદાની ફસલ નવરાત્રીથી શરૂ થતી હોય છે અને એ ખેતરમાંથી સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચતા વધુ 15 દિવસ જેટલો સમય માગી લે છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસી દેશનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આ માર્કેટમાં ગુરુવાર તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ક્વિન્ટલ ડુંગળીના ભાવ 1,000 રૂપિયાને આંબી ગયા હતા. તા.19મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં બોલાયેલો ડુંગળીનો ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો.તા.19મી સપ્ટેમ્બરે સ્થાનિક બજાર બંધ રહ્યા ત્યારે કાંદાની હરાજીની સરેરાશ કિંમત પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયાને આંબી ગઇ હતી.

2015માં 16 સપ્ટેમ્બરે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ સરેરાશ 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યા હતા. 22 ઓગસ્ટ 2015ના રોજ પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 5,700 રૂપિયા હતી, જેને ઓલ-ટાઈમ હાઈ કિંમત કહી શકાય.

બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ડુંગળીની અછત જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી રાજ્યોમાં ડુંગણીનો સપ્લાય અને માગ બન્ને વધ્યા છે.

September 20, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12160

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક સમયે ફ્લાઇટ કનેક્ટીવીટી માટે તરસતા સુરત શહેરમાં આજે 27 ફ્લાઇટ્સની આવન-જાવન છે 2006ના પૂરમાં સુરત તબાહ થઇ ગયું અને હવે બેઠું નહીં થાય તેવા ભારતીય મિડીયા (લોકલ નહીં) રિપોર્ટથી વિપરીત સુરતીઓ એક મહિનામાં બેઠા થઇ ગયા. સુરતીઓએ પોતાને જે જોઇતું હતું એ બધું જ જાતે કરી લે છે.

ભારતની મહિલા ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા એટલી હાજરી થવી જોઇએ કે BCCI શું ICC પણ નોંધ લેવી પડે

સેલ્ફમેડની વ્યાખ્યામાં આવતા સુરતીઓએ કહેવાય છે કે પોતાના ઉદ્યોગ-ધંધા જાતે વિકસાવ્યા, એરપોર્ટ જાતે વિકસાવ્યું અને હવે વારો છે સુરતના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો લાવવાનો.

સુરતના સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન મેનેજમેન્ટના પ્રયાસોથી હાલમાં સુરતને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો મળી છે. મહિલાઓ માટેની પાંચ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચો સુરતમાં રમાવાની છે. સુરત માટે આ એક ગ્રાન્ડ રિહર્સલ છે ઇન્ટરનેશનલ મેચ માટેનું.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

ભારત વિ. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે સુરતમાં રમાનાર તમામ મેચોની બિલકુલ ફ્રીમાં સ્ટેડીયમ પર જઇને જોઇ શકાશે

બધી રીતે સુરત હકદાર છે કે ઇન્ટરનેશનલ મેચો મળે, આઇ.પી.એલ.ની મેચો મળે.પરંતુ, જેમ ઉપર લખ્યું છે એમ ક્યાંકને ક્યાંક કોઇકને કોઇ મુદ્દાઓથી સુરતને વંચિત રાખવામાં આવી રહ્યું છે. હવે સુરતીઓએ બતાવી દેવાનું છે કે સુરતને કેમ ઇન્ટરનેશનલ મેચ આપવી પડશે કે આઇ.પીએલ.ના સ્લોટ સુરતને કેમ આપવા પડશે.

હાલ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા વુમન્સ ટીમ સામેની સિરીઝમાં સુરતીઓને આહવાન છે કે ભવિષયમાં વિરાટ, બૂમરાહ સમેતની ટીમ ઇન્ડિયાને સુરતના આંગણે રમતી જોવી હોય તો નીચે દર્શાવેલી તારીખોએ ઉમટી પડજો લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે.

ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા સાથે સુરતીઓની ગ્રાઉન્ડમાં હાજરી જોઇને ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇએ પણ સુરતને નજરઅંદાજ કરવાનો નજરીયો બદલવો પડશે. એટલી મેદની લાલભાઇ સ્ટેડીયમ પર ઉમટી પડવી જોઇએ કે બીસીસીઆઇ શું આઇસીસી પણ સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડની નોંધ લેવા માંડે.

અગાઉ ભારતની અન્ડર 19 ટીમના કોચ અને ભારતના એક સમયના સ્ટાઇલિસ્ટ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડ પણ સુરતના ગ્રાઉન્ડની પ્રશંસા કરી ચૂક્યા છે.

તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ મહિલા કેપ્ટન સને લૂસ તેમજ તેમના કોચ, ભારતીય ટીમ તમામ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પ્રશંસા કરી ચૂક્યા છે. બધી રીતે સુવિધાઓ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના લાલભાઇ સ્ટેડીયમ ખાતે વિકસાવી દેવામાં આવી છે અને હજુ પણ સતત ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બસ હવે સુરતીઓએ ઉપરોક્ત તારીખોએ મોટી સંખ્યામાં હાજર રહીને એ બતાવી દેવાનું છે કે ક્રિકેટ પ્રેમીઓનું શહેર છે સુરત.