ઉપરોક્ત માહિતી ઉકાઇ ડેમ ખાતે વોટર મેનેજમેન્ટ કરી રહેલા સત્તાવાર સૂત્રો દ્વારા તા.4 સપ્ટેમ્બર 2019ની રાત્રે 9.30 કલાકે જારી કરવામાં આવી હતી.
તા.4 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 9 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 339.63 ફૂટ નોંધાઇ હતી. રૂલ લેવલથી ફક્ત 0.37 ફૂટ સપાટી છેટી રહી હતી. દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 60,458 ક્યુસેક્સ થતાં સત્તાધીશોએ રાત્રે 9 વાગ્યાથી 1,08,130 ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરુ કર્યું હતું.
ઉકાઇ ડેમના ઉપરવાસમાં તા.4 સપ્ટેમ્બરના રોજ પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો વધુ થાય તેમ હોવાથી બુધવારે રાત્રે 9 વાગ્યાથી જેટલું પાણી આવી રહ્યું હતું તેનાથી ડબલ માત્રામાં પાણી ડેમમાંથી રિલીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
મધ્યપ્રદેશમાં આવેલા ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના પાણીના થઇ રહેલા આવરાને પગલે ઉકાઇ ડેમની ઉપરવાસમાં સ્થિત હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૫૧ ફૂટ પર પહોંચી ગઈ છે.
આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ના રોજ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફુટ છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૨૪૫ ફૂટ છે. જેથી હાલ તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર નજર રાખવામાં આવી છે.
ઉકાઈ ડેમમાં ૫૩૮૩૬ ક્યૂસેક પાણીની આવક થઈ કરી છે અને પાણીની આવક જેટલો જ ચાર દરવાજા ખોલી આઉટ ફ્લો રાખવામાં આવ્યો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ અને સપાટી મેન્ટેઇન રાખવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલનું રૂલ લેવલ ૩૪૦ ફૂટથી સપાટી એકદમ નજીક હોવાની સાથે જ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. શુક્રવારથી જ સપાટી ૩૪૦ ફૂટની નજીક ૩૩૯.૭૨ ફૂટની આજુબાજુ નોંધાઇ હતી. ડેમ એલર્ટ લેવલ પર હોવાથી પાણી છોડી દેવું પડે તેમ હતું.
અડાજણના શિવ ગ્રુપ આયોજિત પાંચમા ગણેશ ઉત્સવને તાપી શુદ્ધિકરણ કન્સેપ્ટ સાથે સાંકળીને સમાજને એક રચનાત્મક વિચાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
શિવ ગ્રુપ આયોજિત ગણેશ ઉત્સવમાં તાપી શુદ્ધિકરણ ભાગરૂપે છેલ્લા પાંચ વર્ષથી ફક્ત અને ફક્ત બે ફૂટની માટીની મૂર્તિ સ્થાપન કરી સમાજ તેમજ હિન્દુ તહેવારોમાં જે તહેવાર રંગેચંગે આનંદ ઉલ્લાસ થી ઉજવવામાં આવે છે એક તહેવાર પાછળ એકતાનું પ્રતિક માનવામાં આવે છે.
શિવ ગ્રુપના આયોજક વિજય પટેલ મોનાર્ક પટેલ અલ્પેશ પટેલ દર્શન પટેલ મેહુલ પટેલ મનીષ પટેલ પિયુષ પટેલ મીકુ દ્વારા સુરતની જીવાદોરી સમાન તાપી માતામાં ગણેશ વિસર્જન દરમિયાન લાખો ટન કેમિકલયુક્ત ઝેર ઠલવાતું હોવાથી પાણીની ગુણવત્તા સ્વાસ્થ્ય માટે હાનિકારક જણાતા સ્થાનિક આયોજકોએ નાની મૂર્તિ ની સ્થાપના કરી પોતાના મંડળ તેમજ પોતાના આંગણામાં જ વિસર્જનની શરૂઆત કરી હતી.
તાપી શુદ્ધિકરણ નો મેસેજ સમાજમાં તેમજ સુરત શહેરમા વહેતો મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર ગામમાં ૨૮ જેટલી સ્થાપિત મૂર્તિઓનું વિસર્જન ફક્ત પોતાના મહોલ્લામાં કરવામાં આવ્યું હતું એવું આયોજન દ્વારા જણાવવામાં આવ્યું હતું
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પણ જેની સાથે રચનાત્મક સહયોગ કર્યો છે અને જેને સુરતના બિનસરકારી રચનાત્મક મિશનમાં સૌથી સક્સેસફુલ મિશન કહેવામાં આવી રહ્યું છે એ રિડીયો મિર્ચી આર.જે. હર્ષ પ્રેરિત ટ્રી ઇડિયટ્સ એ હવે પોતિકી રીતે જ ચાલુ વર્ષે સુરત અને આસપાસના વિસ્તારોમાં 51 હજાર વૃક્ષો ઉછેરવાનો લક્ષ્યાંક સર કર્યો છે.
આ વર્ષે ચોમાસા પૂર્વેથી શરૂ કરવામાં આવેલા રેડિયો મિર્ચી પ્રેરિત આર.જે. હર્ષ સંચાલિત ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે આર.જે. હર્ષે સુરત શહેરમાં જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ, જુદા જુદા આગેવાનોને સાંકળીને વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેની તસ્વીરી ઝલક અત્રે પ્રસ્તુત છે.
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પણ રેડીયો મિર્ચી ટ્રી ઇડિયટ્સના કન્સેપ્ટને બિરદાવ્યો હતો. તેમણે આર. જે. હર્ષના આ અભિયાનને સહયોગ આપવા માટે સુરત અને ગુજરાતના લોકોને અપીલ કરી હતી. ખુદ શ્રી રૂપાણીએ હર્ષને શુભેચ્છાઓ હતી કે ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે 51 હજાર વૃક્ષો રોપવાના લક્ષ્યાંકને સર કરશે, શ્રી રૂપાણીની શુભેચ્છાઓ ફળીભૂત થઇ છે અને 51 હજારનો લક્ષ્યાંક સર થઇ ચૂક્યો છે, આ અભિયાન હજુ પણ જારી છે અને રહેશે એમ આર.જે. હર્ષે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું.
ટ્રી ઇડિયટ્સ મિશન અન્વયે સુરત રેડિયો મિર્ચી આર.જે. હર્ષએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને મળવાનું થયુંસુરત શહેરના પોલીસ જવાનો પણ વૃક્ષારોપણના કાર્યક્રમમાં જોડાયા હતા.
જ્યારે દુનિયા માં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે ત્યારે એને ડામવાનો એક જ ઉપાય છે અને એ છે ઝાડ ઉગાડવાનો..
રેડિયો મિર્ચી ૯૮.૩ એફ એમ ના આરજે હર્ષ દ્વારા “મિર્ચી ટ્રી ઈડીયટ ” activiti અંતર્ગત આ વર્ષે ૫૧૦૦૦ ઝાડ વાવનું અભિયાન હાથ ધરાયું હતું. “ખાલી જગ્યા પૂરો ,સુરત ના નકશા માં લીલો રંગ ભરો ” સૂત્ર સાથે શરૂ થયેલ આ કાર્યક્રમ માં ગુજરાત ના સીએમ વિજય રૂપાણીએ પણ જોડાઈ ને ઓડીઓ વિડિયો સંદેશ સાથે સુરતી ઓ ને જોડાવા અપીલ કરી હતી. અને આ કાર્યક્રમ ને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. જેમાં ૭ વર્ષના બાળક થી લઇ ને વડીલો પણ જોડાય હતા.
શેરીમોહલ્લા, સોસાઈટી, એપાર્ટમેન્ટ અને પ્રાઇવેટ જગ્યાઓ માં લોકો એ આરજે હર્ષ ને બોલાવી ને છેલ્લા દોઢ થી બે મહિના માં ૫૧૦૦૦ થી વધુ પ્લાન્ટ વાવી દીધા હતા અને આ અભિયાન હજી પણ ચાલુ છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિના મૂલ્યે છોડ અને સ્ટાફ ની વ્યવસથા કરાઈ રહી છે..જેનો સુરતી ઓ લાભ રહી રહ્યા છે..
ગુજરાત ગેસ કંપની દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન થયા બાદ એમના સમગ્ર સ્ટાફ , વાઇસ પ્રેસિડેન્ટ ભાસ્કર જોશી , એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ મકસૂદ શેખ વગેરેએ જોડાઈ ને આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
કંપનીના સીઈઓ નીતિન પાટિલએ, આ અભિયાનમાં જોડાઇને પોતાની કંપની ની સામાજિક જવાબદારી અદા કરવાની મુહિમને સમજાવી ઝાડ વાવવાની અપીલ કરી હતી. અત્યાર સુધી સૌથી વધુ ઝાડ સુરત ના સાઉથ ઝોન માં વવાયા છે.
જેમાં સાંસદ સી આર પાટિલ, MLA વિવેક પટેલ, છોટુભાઇ પાટિલ, કોર્પોરેટર સોમનાથ મરાઠી, સુરેશ કણસાગરા, રોહિણી પાટિલ, મજ્ઞાદેવી શુક્લાએ સ્થાનિક શાળાઓ, કૉલેજ, ઉધના પોલીસ લાઇન અને સોસાટીઓમાં આર.જે. હર્ષ સાથે હજારોની સંખ્યામાં પ્લાન્ટ ઉગાડયાં છે.
એસએમસી ગાર્ડન વિભાગ ના ગૌતમ ભાઈ અને એમના સ્ટાફ એ અદભૂત સપોર્ટ પૂરો પડીને દેશ ના નંબર ૧ રેડિયો મિર્ચી ૯૮.૩ ના આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે. અને આ કાર્યક્રમ હજુ ચાલુ છે..
વિશ્વનો એવો કોઇ દેશ નહીં હોય ત્યાં ગુજરાતી ન વસ્યો હોય અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં ગુજરાતી સંસ્કૃતિની સુવાસ પણ પ્રસરે. ગુજરાતના જ સુરતીઓની વાત આવે ત્યારે મનમોજીલા સુરતીઓ માટે કહેવાય છે કે આફતને પણ અવસરમાં ફેરવી નાંખે. સુરતીઓની સુવાસ પણ વિશ્વભરમાં પથરાયેલી છે અને આ પરંપરાને સુરતના યુવાનોએ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં પણ પ્રસરાવી છે.
જર્મનીના ક્લાઉસ્થલ શહેરમાં અભ્યાસાર્થે ગયેલા સુરતના જૈમિક મહેશ કહાર અને યશ ગાંધી અને તેમના મિત્રોએ ત્યાં ભક્તિભાવથી ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. જર્મનીમાં તપાસ કરી તો ક્યાંયે ગણેશજીની પ્રતિમા મળે નહીં સ્વાભાવિક છે. આથી તેમણે નક્કી કર્યું કે સુરતથી ખાસ માટીની મૂર્તિ મંગાવીને 10 દિવસ તેની સ્થાપના કરીને પૂજા પાઠ કરીશું.
જૈમિક કહારે સુરતમાં ટીમ એક્સપર્ટસ નામથી ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા તેમના પિતા મહેશ કહારને ગણેશજીની માટીની મૂર્તિ મોકલાવવા માટે જણાવ્યું. મહેશભાઇ કહાર એન્ડ ફેમિલીએ સરસ મજાની માટીની મૂર્તિ ખરીદીને પુત્રને બાય પ્લેન મોકલી આપી. અઠવાડીયા ગણેશ ચતુર્થી 2જી સપ્ટેમ્બર 2019ના રોજ હતી. એના અઠવાડીયા અગાઉ જમર્નીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોને ગણેશજીની પ્રતિમા મળી ગઇ. અને તા.2જી સપ્ટેમ્બર 2019ના રોજ જૈમિક અને યશ એ પોતાના રૂમમાં ગણેશજી માટે ખાસ સાફસફાઇ કરીને ભાવપૂર્ણ રીતે તેમનું સ્થાપન કર્યું હતું. જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોએ ગણેશ સ્થાપન પૂર્વે લાઇટિંગ, ફ્લાવર બુકેથી રૂમને ડેકોરેટ કર્યો અને તેમનું પૂરી શ્રદ્ધાથી આવાહન કર્યું હતું.
જર્મનીના ક્લાઉસ્થલ સિટી ખાતે રહેતા સુરતના યુવાનોએ ગણેશ સ્થાપન કર્યું
જૈમિક કહાર, યશ ગાંધી સાથે સુરતના અન્ય યુવાનો પણ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) ખાતે સાથે રહીને અભ્યાસ કરી રહ્યા છે આ તમામ યુવાનો ગણેશોત્સવમાં જોડાયા છે અને સવાર સાંજ પોતાના સ્ટડી, વર્કમાંથી હાલ સમય કાઢીને ગણેશજી મનથી પૂજા કરી રહ્યા છે.
ધન્ય છે આ સુરતી યુવાનોને કે જેમણે ભારતની સંસ્કૃતિની ઓળખ સમા ગણેશોત્સવને જર્મની જેવા અજાણ્યા શહેરમાં પણ ધબકતો કર્યો છે.
હાઇપ્રોફાઇલ ગણાતા સુરત શહેરના સૌથા નબળા કમિશનર તરીકે સુરતના બુદ્ધિજીવીઓ જેને માની રહ્યા છે એ થેન્નારાસનની આજે રાજ્યના 79 સનદી અધિકારીઓની બદલીની યાદીમાં નામ જોતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓથી લઇને અધિકારીઓ અને કેટલાક ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.
થેન્નારાસનના સમયમાં સ્વચ્છતામાં સુરત દેશમાં 4થા ક્રમેથી 14માં ક્રમે ધકેલાય ગયું
અમાસના દિવસે પનોતી ઉતરતી હોય એમ સુરતની પનોતી ઉતરી હોવાની પોસ્ટસ પણ વાઇરલ થઇ છે. સુરતમાં આમ તો એસ.આર. રાવ, જગદીશન, ગુરુપ્રસાદ મહાપાત્ર, પંકજ જોશી જેવા સ્માર્ટ કમિશનરો આવ્યા પણ વર્તમાન કમિશનર થેન્નારાસને સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે જે દાટ વાળ્યો છે એમાંથી સુરતને બેઠું થતાં વર્ષો નીકળી જશે. રાવ, જગદીશન, મહાપાત્ર, પંકજ જોશી જેવા કમિશનરોને સુરત પ્રત્યે લગાવ હતો, સુરતના વિકાસમાં તેમને રસ હતો, આ કમિશનરની સૌથી મોટી ત્રુટી એ હતી કે એ એક અધિકારી તરીકેની ઔપચારિકતા પૂરી કરતા હોવાનું નરી આંખે જણાઇ આવતું. સંવેદનશીલ સુરતને સંવેદનશીલ અધિકારીઓ ખપે.
અમાસના દિવસે સુરતના મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસનની બદલી
સામાન્ય રીતે સુરતમાંથી કોઇ સનદી અધિકારીની બદલી થાય ત્યારે તેમની ખુશામતો થતી હોય પરંતુ, અમે સી.આઇ.એ. લાઇવ સીધી સટ વાત કરવા માટે ટેવાયેલા છે.
જેમ કમિશનર તરીકે થેન્નારાસનને મળેલી સત્તાઓ અને તેના પ્રભાવમાં ભાજપ શાસકો સાથે મળીને તેમણે સુરતના લોકોના કરોડો રૂપિયા બિનજરૂરી કામોમાં વેડફી નાંખ્યા, એમ અમે પણ માર્કેટમાં તેમણે કરેલા કામો અંગે સામાન્ય લોકોના મોઢેથી સાંભળેલી વાતોને વાચા આપી રહ્યા છે.
વાંચો અહીં : અમે કેમ થેન્નારાસનને સૌથી નબળો કમિશનર કહી રહ્યા છીએ?
બ્યુટીફિકેશનના નામે ફૂટપાથો અને ફ્લાયઓવર બ્રિજની નીચે સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયા વેડફ્યા, આ કામોની જરૂર જ ન હતી
સ્માર્ટ સિટીના નામે ફૂટપાથોમાં કરોડો નાંખ્યા, આજે થેન્નારાસનના સમયમાં બનેલી કહેવાતી સ્માર્ટ સિટીની ફૂટપાથની ડિઝાઇન જાણે લારી, ગલ્લાવાળાઓ માટે પ્લેટફોર્મનું એકદમ ફીટ બેસતું સ્ટ્રક્ચર બનાવી આપ્યું હોય એ રીતે લારીગલ્લા, ખાણીપીણાવાળા ફૂથપાથ વાપરી રહ્યા છે.
સ્માર્ટ સિટીના નામે ફૂટપાથની
સ્માર્ટ સિટીમાં સુરતના લોકોના 2000 કરોડ રૂપિયા વાપરી નાંખ્યા, વર્ષે રૂ.500 કરોડનું સંયુક્ત બજેટ વાપરવાનું હતું, આ કમિશનરે સુરતના લોકોના વેરાથી ભરાતી તિજોરીના રૂ.2000 કરોડ ખર્ચી કાઢ્યા, ભાજપ શાસકોએ પણ તેમાં હામી ભરાવી.
તેમના રાજમાં સુરત મહાનગરપાલિકાની તિજોરીની એટલી દયનીય હાલત થઇ ગઇ હતી કે એક તબક્કે કર્મચારીઓને પગાર કરવાના ફાંફા પડી ગયા હતા.
સુરત મહાનગરપાલિકાએ બોન્ડ બહાર પાડવા પડે તેટલી ફાઇનાન્સીયલ ક્રાઇસીસમાં સુરત મહાનગરપાલિકાને લાવીને મૂકી દીધી. આજે બોન્ડના કેટલા રૂપિયા આવ્યા એ પણ કોઇને ખબર નથી.
સ્ટ્રીટ ફર્નિચરમાં એવા કામો કર્યા છે કે તકલાદી હોવા ઉપરાંત અત્યંત મોંઘી કિંમતે ખરીદવામાં આવ્યા હતા.
સુરત શહેરનો વિકાસ ઇન્દૌરની કોપી તરીકે કરવાની પોલિસી અપનાવી, સુરત અને ઇન્દૌર બન્ને શહેરની કોઇ કમ્પેરીઝન ન થઇ શકે આમ છતાં તેમની નીતિઓ ઇન્દૌરની જેમ હોવાની છાપ જોવા મળતી હતી.
શહેરમાંથી કચરાપેટીઓ દૂર કર્યા બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં રોડ પર થતાં કચરાના ઢગલા ઉપાડવા માટે ટ્રેક્ટરો ભાડે રાખવામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને એમાં સનદી અધિકારી સુધી છાંટા ઉડ્યા, આવું અગાઉ ક્યારેય કોઇ કમિશનર સામે થયું નથી.
જીપીએસ ધરાવતી 50 હજાર રૂપિયાની એક એવી અનેક સાઇકલ ખરીદીને લોકો માટે મૂકવાનો બિનજરૂરી પ્રોજેક્ટ હઠાગ્રહ કરીને હાથ ધરાવ્યો, આજે આ સાઇકલો ક્યાં ચાલે છે એ પણ જોવા મળતું નથી.
તક્ષશિલા કાંડમાં કાર્યવાહી કરવામાં સાવ વામણા પૂરવાર થયા. ન તો અધિકારીઓને દંડી શક્યા ન તો બચાવી શક્યા. સમ ખાઇ શકાય તેવી કામગીરી ક મને હાથ ધરી. તક્ષશીલા કાંડ પછી હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવી હોવાના સંગીન આક્ષેપો તેમના પર થયા છે.
હાઇપ્રોફાઇલ સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ ચાલુ વર્ષે તેમણે જાહેર કર્યું હતું. એકેય નવા પ્રોજેક્ટની વાત તો દૂર રહી પણ જુનાને પણ પૂરા કરી શક્યા નહીં.
સૌથી મોટી કાળી ટીલી તો સુરતના લોકોના કરોડો રુપિયાના ખર્ચીને તૈયાર કરવામાં આવેલો પાલ-ઉમરા બ્રિજ 95 ટકા તૈયાર છે, હવે તૈયાર બ્રિજ સડી રહ્યો છે. લોકો ટ્રાફિક જામમાં રોજેરોજ પીસાઇ રહ્યા છે, પણ એક કમિશનર તરીકે એટલી પણ સૂજબૂજથી કામ કરાવીને બ્રિજના એપ્રોચ રોડને નડતર અસરગ્રસ્તો સાથે સમાધાન કરી શકવામાં સાવ જ નિષ્ફળ નિવડ્યા. એક બિલકુલ તૈયાર બ્રિજ આજે વણઉપયોગી બનીને સડી રહ્યો છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સમગ્ર કોકડું ભાજપ શાસકોના માથે નાંખી દઇને પોતે એક કમિશનર, સનદી અધિકારી હોવા છતાં અસમર્થ જાહેર થયા.
તાપી નદીના એકેય પ્રોજેક્ટમાં લિડરશીપ લઇને કામ કરવા કે કરાવવામાં બિલકુલ રસ દાખવ્યો નહીં. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે
સુરતને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનું શ્રેય લેવા જતા એવો દાટ વાળ્યો કે લોકો દિવસો સુધી તેમની જોહુકમીનો ભોગ બન્યા. સ્વચ્છતા સર્વેક્ષણમાં કન્ટેનર ફ્રી સિટી હોય તો 18 માર્ક મળે એ 18 માર્ક મેળવવા માટે રાતોરાત 1016 પોઇન્ટ પરથી કચરાના કેન્ટેનરો ઉઠાવી લીધા અને પછી જે સુરતમાં કચરાના ઢગલાઓ થયા, અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
પોસ્ટ બોક્સ (ટપાલ પેટીઓ) જેવી કચરાપેટીઓ મૂકી લાખો રૂપિયા વેડફ્યા, પ્રોજેક્ટ સાવ જ ફેઇલ ગયો. ટપાલ પેટી જેવી એક કચરાપેટીની કિંમત રૂ.13 હજાર હતી. સુરતના લોકોએ વેરો ભરીને કોર્પોરેશનની તિજોરી છલકાવી હતી, જે આ સાહેબે વેડફી નાંખી. એક ઝોનમાં 200થી 250 જેટલી સંખ્યામાં આવી કચરા પેટીઓ મૂકાઇ હતી, આજે આ કચરાપેટીઓ સાવ ભંગાર અવસ્થામાં આવી ગઇ છે.
આ પ્રકારે જો તેમની નિષ્ફળતાઓ, વિવાદીત કામગીરીઓ, સુરતના લોકોના રૂપિયા વેડફવાની વાતો લખવા બેસીએ તો તેમણે જેટલા દિવસ સુરતમાં કામ કર્યું તેટલા સંગીન મામલાઓ લખી શકાય.
દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.
દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.
ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.
RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.
તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.
દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.
આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.
સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.
સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.
ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.
ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર
શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.
59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.
ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.
પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત
ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.
C.I.A. Live News સાથે વાતચીત કરતા કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.
તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી.
મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા
આગામી મહિનાઓમાં જેમ્સ એન્ડ જ્વેલરી એક્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સૌપ્રથમ વખત ડાયમંડસની જાહેર હરાજી કરવામાં આવશે. GJEPC ના ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું છે કે સુરતમાં અંદાજે 25000 કેરેટસના ડાયમંડનું અવલોકન અને ત્યારબાદ તબક્કાવાર હરાજી યોજવામાં આવશે. પણ આ હરાજીમાં એ લોકો જ ભાગ લઇ શકશે જેઓ GJEPC મેમ્બર હોય. આથી સુરતના ડાયમંડ બિઝનેસકર્તાઓને જણાવાયું છે કે જે તેમણે 25000 કેરેટ ડાયમંડના સુરત ખાતેના પ્રથમ હરાજીમાં ભાગ લેવો હોય તો સત્વરે મેમ્બરશીપ ઔપચારિકતાઓ પૂરી કરી દે.
ફક્ત GJEPC મેમ્બર ભાગ લઇ શકશે, જેઓ મેમ્બર નથી એ સત્વરે મેમ્બર બને : દિનેશ નાવડીયા, રિજિયોનલ ચેરમેન
ઇચ્છાપોર સ્થિત જીજેઇપીસી દ્વારા સૂચિત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરને સ્પેશયલ દરજ્જો મળે તે માટે જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અધિકારીઓ સાથે એક અગત્યની મિટીંગ કરી રહ્યા છે.
વધુ માહિતી આપતા GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે કાઉન્સિલ દ્વારા ગુજરાત હીરા બુર્સ, ઇચ્છાપોર-સુરત ખાતે તૈયાર કરવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કે જેને સ્પેશ્યલ નોટિફાઇડ ઝોનનો દરજ્જો મળે તે માટેના પ્રોસિડીંગ્સ શરૂ કરી દેવામાં આવ્યા છે અને હાલમાં એ કાર્યવાહી કસ્ટમ્સ વિભાગની ચકાસણી હેઠળ છે. કસ્ટમ્સ વિભાગે હીરા બુર્સ ખાતેના સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરનું ફિઝિકલ વેરિફીકેશન પણ પૂર્ણ કર્યું છે. હવે રિપોર્ટ સેન્ટ્રલ ગવર્નમેન્ટને મોકલ્યા બાદ આખરી નિર્ણય લેવાશે.
શ્રી દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે આ ઉપરાંત પન્ના માઇન્સના પ્રોડ્યુસર એન.એમ.ડીસી. લિ. દ્વારા પણ સુરત સ્થિત સ્પેશ્યલ ડાયટ્રેડ સેન્ટરની મુલાકાત લેવામાં આવી ચૂકી છે. આગામી સપ્ટેમ્બર માસ દરમિયાન સર્વપ્રથમ વખત કાઉન્સિલ મેમ્બર હોય તેવા સભ્યો માટે અવલોકન યોજવામાં આવશે અને એ પછી ઓનલાઇન પોર્ટલ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.
જે વ્યાપારી મિત્રો આ અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માંગતા હોય તેમણે અવલોકન માટેનું સભ્યપદ મેળવી લેવા અનુરોધ છે. સપ્ટેમ્બર માસમાં એન.એમ.ડી.સી. લિ. દ્વારા અવલોકન અને હરાજીમાં ભાગ લેવા માટેનું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. અને ત્યારે કાઉન્સિલનું સભ્યપદની વિગત અનિવાર્ય રહેશે. તેથી સત્વરે સભ્યપદની કાર્યવાહી પૂર્ણ કરી લેવા અનુરોધ કરવામાં આવે છે.
સુરત ખાતે આગામી દિવસોમાં અંદાજે 25000 કેરેટનું પ્રથમ ઓકશન યોજાશે અને ત્યારબાદ પ્રતિ 2-3 માસના ગાળાએ આ પ્રકારનું અવલોકન અને હરાજી કરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ વ્યવસ્થા થકી સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગકારોને હીરાની સીધી ખરીદી કરવાનું પ્લેટફોર્મ મળશે અને તેનો ફાયદો સમગ્ર હીરા ઉદ્યોગને મળશે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.