
દહેજ-ઘોઘો વચ્ચે રો-રો ફેરી સર્વિસ આડે સતત વિધ્નો આવી રહ્યા છે. અગાઉ નરેન્દ્ર મોદીએ ફક્ત મુસાફરો માટેની દહેજ-ઘોઘા વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરી હતી. એ પછી તેને બંધ કરીને માલવાહક ટ્રક, વાહનો સમેત મુસાફરોને લઇ જતી રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન પૂરું કરીને ગઇ તા.12મી ઓક્ટોબર 2018ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે ઉદઘાટિત કરવાનું આયોજન હતું, પણ તૈયારીઓ પૂરી ન થઇ શકતા એ તા.27મી ઓક્ટોબર 2018ના રોજ એટલે કે બે દિવસ બાદ કરવાનું આયોજન હતું. હવે તા.27મી ઓક્ટોબરે પણ રો-રો ફેરી સર્વિસ શરૂ થવા સામે પ્રશ્નો ઉપસ્થિત થયા છે કેમકે આજરોજ તા.25મી ઓક્ટોબર 2018ના રોજ ટ્રાયલ દરમિયાન દુર્ઘટના સર્જાઇ હતી અને શીપ સાથેની સેફ્ટી બોટ ડૂબી જતા 7 લોકો ડુબ્યા હતા જેમાંથી 6ને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ ઘટનાના કલાકો પછી પણ મળી આવી ન હતી.
- 12 ઓક્ટોબર 2018ના રોજ બીજા વખતનું ઉદ્ઘાટન થવાનું હતું જે મૌકુફ રહ્યું
- તા.27 ઓક્ટોબર 2018ના રોજ ત્રીજી વખત ઉદ્ધાટન થવાનું હતું એ પણ હવે અનિશ્ચિતકાલિન મૌકુફ

દહેજ ઘોઘા રોરો ફેરીમાં વાહનો પણ લઈ જઈ શકાય તેવું વિશાળ જહાજ સામેલ કરવામાં આવ્યું છે. દહેજ-ઘોઘા રોરો ફેરીની શીપ સાથે રહેલી સેફ્ટી બોટ આજે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ દરિયામાં અચાનક શીપથી છૂટી પડી ગઇ હતી અને કર્મચારીઓ હજુ કંઇ સમજે એ પહેલા તો એ દરિયાનાં પાણીમાં ઉંધી વળી ગઈ હતી. આ બોટમાં ૭ લોકો સવાર હતા. જેમાંથી ૬ લોકોને બચાવી લેવાયા છે. પરંતુ હજી પણ એક કર્મચારી લાપતા છે. જેની મરિન પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.


























