
બંગલાદેશના ટેસ્ટ અને ટી-૨૦ મેચોની ટીમના કેપ્ટન શકિબ અલ હસનને ક્રિકેટના ભ્રષ્ટાચાર (ફિક્સિગં)ના સંબંધમાં આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ) સહિત તેનો ત્રણ વાર સંપર્ક સાધવામાં આવ્યા પછી તે વાતની સત્તાવાળાઓને જાણ ન કરવા માટે આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા બે વર્ષ માટે મંગળવારે સસ્પેન્ડ કરાયો હતો અને આ કારણે તેને રાષ્ટ્રની ટીમના ભારત ખાતેના પ્રવાસમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.
બંગલાદેશની ટીમ ૩જી નવેમ્બરથી ભારતમાં ત્રણ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ અને બે ટેસ્ટનો પ્રવાસ-કાર્યક્રમ શરૂ કરનાર છે.
૩૨ વર્ષના શકિબને પ્રવાસની તૈયારીમાં ટીમની પ્રેક્ટિસથી પણ આઈ. સી. સી.ના આદેશને અનુસરી દૂર રખાયો હતો.
“મને રમતમાંથી બાકાત થઈ જવામાં ઘણું દુ:ખ થઈ રહ્યું છે, પણ મારી ભૂલ બદલ હું આ સજાને સ્વીકારી રહ્યો છું, એમ આઈ. સી. સી. તરફથી બહાર પાડવામાં આવેલ પ્રસાર માધ્યમો માટેની યાદીમાં શકિબે કહ્યું હતું.
શકિબ આવતા વર્ષે આઈ. પી. એલ.માં અને ૨૦૨૦માં ઑસ્ટ્રેલિયામાં ૧૮મી ઑક્ટોબરથી ૧૫મી નવેમ્બર સુધી યોજાનાર ટી-૨૦ વર્લ્ડ કપમાં પણ નહીં રમી શકે.
બે વર્ષ અગાઉ એક સંભવિત ભારતીય બુકીએ શકિબનો આંતરરાષ્ટ્રીય મેચ પૂર્વે ઓફર આપી સંપર્ક સાધ્યો હતો જે વાતની તેણે આઈ. સી. સી.ના ભ્રષ્ટાચાર વિરોધી ખાતાને જાણ ન કરી હતી.
શકિબનો પ્રતિબંધ બંગલાદેશ ક્રિકેટ બૉર્ડ (બી. સી. બી.)ની પ્રવાસ પહેલાની સમસ્યાઓમાં વધારો કરશે.
તેની ગેરહાજરીમાં ટીમનો સૌથી વરિષ્ઠ ખેલાડી મુશફિકર રહીમ ટેસ્ટ મેચોમાં સુકાન સંભાળશે અને વન-ડે મેચોમાં મહમુદુલ્લાહ રિયાઢ અથવા મોસાદેક હુસેનને નેતૃત્વ અપાશે.
શકિબની આગેવાનીમાં બંગલાદેશના ખેલાડીઓએ તાજેતરમાં હડતાળ પાડી હતી, પણ બી. સી. બી.એ વધુ નાણાંની ચુકવણી સહિત તેઓની માગણી સ્વીકારી લેતા તે પાછી ખેંચી લેવામાં આવી હતી.
શકિબે ત્રણ ફૉર્મેટની ક્રિકેટમાં કુલ ૧૧,૦૦૦થી વધુ રન કર્યા છે અને ૫૦૦થી વધુ વિકેટ લીધી છે.




















