નર્મદા ડેમે ૭૦ વર્ષમાં પ્રથમવાર ૧૩૮ મીટરની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે ત્યારે નર્મદાના નીરના વધામણાં કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. તેઓ જન્મદિવસના એક દિવસ પહેલા આવતી કાલે ૧૬ સપ્ટેમ્બરે ગુજરાત આવી ગાંધીનગર ખાતે રાજભવનમાં રાત્રી રોકાણ કરી ૧૭મીએ જન્મ દિવસે સવારે સરદાર સરોવર નર્મદા ડેમ પહોંચી નર્મદાના નવા નીરના વધામણાં કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ભાજપ સરકાર અને સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૭૦મા જન્મ દિવસે આ ઐતિહાસિક ઘટના નમામી દેવી નર્મદેની ઉજવણી કરશે. આ ઐતિહાસિક ક્ષણે પીએમ મોદી નર્મદાના નીરના વધામણાં કરશે. કેવડિયા સહિતનો વિસ્તારમાં એસપીજી તૈનાત કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર વોચ રાખવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી માતા હીરાબાના આશીર્વાદ લઈ કેવડિયા પહોંચશે ત્યાર બાદ હેલિકૉપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે અને બાદમાં હેલિપેડ પર ઉતરાણ કરી નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.
વડા પ્રધાનના આગમનના પગલે રેન્જ આઈજીએ લેખિત ઓર્ડર કરી છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ એમ ચાર જિલ્લાના પોલીસ અધિકારીઓની રજા રદ કરી દીધી હતી. તેમ જ બીજા કર્મચારીઓની રજા કેન્સલ કરી તેમને પરત બોલાવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪માં ભાજપ સરકારના નેતૃત્વકર્તા તરીકે શાસન સંભાળતાની સાથે માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. જો કે છેલ્લાં બે વર્ષમાં પાણીની આવક ઓછી રહી હતી અને આ વર્ષે સારા વરસાદને પગલે નર્મદા બંધ છલોછલ ભરાયો છે.
























