બજેટ સત્રનો બીજો તબક્કો સોમવારથી એક મહિના માટે શરૂ થશે.
આ તબક્કે સરકારનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૧-૨૨ માટે બજેટમાં વિવિધ કર માટેના પ્રસ્તાવો માટે મંજૂરી મેળવવાનો રહેશે.
આ સત્ર ૮મી એપ્રિલે પૂર્ણ થશે અને સત્ર દરમિયાન સરકારના એજેન્ડામાં એમણે રજૂ કરેલા અનેક બિલ પસાર કરાવવાના છે.
પેન્શન ફંડ રૅગ્યુલેટરી ઍન્ડ ડૅવલપમેન્ટ ઑથોરિટી (સુધારા) ખરડો, નેશનલ બૅન્ક ફોર ફાઈનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઍન્ડ ડૅવલપમેન્ટ ખરડો, ઇલેક્ટ્રિસિટી (સુધારા) ખરડો, ક્રિપ્ટો કરન્સી ઍન્ડ રૅગ્યુલેશન ઑફ ઑફિસિયલ ડિજિટલ કરન્સી ખરડો જેવાં મહત્ત્વનાં ખરડાઓ આ સત્રમાં રજૂ થવાના છે.
સત્રનો બીજો તબક્કો એવા સમયે શરૂ થઇ રહ્યો છે, જ્યારે ચાર રાજ્ય પશ્ર્ચિમ બંગાળ, તમિળનાડુ, આસામ અને કેરળ તથા એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી રહ્યા છે. ચૂંટણી માર્ચ-એપ્રિલમાં યોજાવાની છે.
બજેટનું પહેલું સત્ર ૨૯મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદના બંને સદનને સંયુક્ત રીતે કરેલા સંબોધનથી શરૂ થયું હતું. એ વખતે ખેડૂત આંદોલનને ટેકો આપવા વીસથી વધુ પક્ષોએ રાષ્ટ્રપતિના સંબોધનનો બોયકોટ કર્યો હતો.
કેન્દ્ર સરકારે ૧લી ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ સતત ચાર દિવસ સુધી વિરોધ પક્ષે કૃષિ કાયદા મુદ્દે હોબાળો મચાવીને કામ ચાલવા નહોતું દીધું.
એક ટિકટોક સ્ટારના આત્મહત્યા કેસમાં નામ ચગ્યા પછી મહારાષ્ટ્રની ઠાકરે સરકારમાં વન મંત્રી સંજય રાઠોડે રાજીનામું આપી દીધુ છે. રવિવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક કરી રાઠોડે પદત્યાગ કર્યું હોવાની જાહેરાત કરી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં વન મંત્રી સંજય રાઠોડનું કહેવું હતું કે એક મહિલાની મોત પર થઇ રહેલા ગંદા રાજકારણને લીધે તેમણે રાજીનામું આપ્યું હતું. તેમના કહેવા મુજબ વિપક્ષ તેમના બહાને ઠાકરે સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું હતું. સંજય રાઠોડે એમ પણ કહ્યું હતું કે કોઇપણ નિર્ણય લેતાં પહેલા તપાસ થવી જરુરી છે, પરંતુ વિપક્ષ બજેટ સત્રમાં અડચણ ઉભી કરવાની ધમકી આપી રહ્યું હતું. રાઠોડનું કહેવુ હતું કે તેમણે મંત્રી પદનો ત્યાગ એટલા માટે કર્યો કે સત્યનો ખુલાસો થઇ શકે.
નોંધનીય છે કે, ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વિડીયો શેર કરી લોકપ્રિય બનેલી એક 22 વર્ષની યુવતીએ આત્મહત્યા કરી હતી જે પછી આ આત્મહત્યા કેસમાં સંજય રાઠોડનું નામ ચગ્યુ હતું. મહારાષ્ટ્રમાં વિપક્ષ બીજેપીના નેતાઓએ આરોપ લગાવ્યા હતા કે, આ કેસમાં એફઆરઆઇ નોંધવામાં પણ સમય લેવાયો હતો.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને હાલ ભારે હલચલ થઈ રહી છે. અભિષેકના દરવાજે સીબીઆઈના ટકોરા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ભત્રીજાને મળવા દોડી ગયા હતા.
કોલસા કૌભાંડમાં સીબીઆઈએ તપાસ માટે તાજેતરમાં સમન્સ પાઠવ્યા બાદ અભિષેકના પત્ની રૂજિરાની પૂછપરછ માટે સીબીઆઈ કોલકતા ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. આ પહેલા સીબીઆઈએ રૂજિરાની બહેન એટલે કે અભિષેકની સાળી મેનકા ગંભીરના ઘરે પહોંચી તેની 3 કલાક પૂછપરછ કરી હતી. રૂજિરાએ સીબીઆઈ નોટિસના જવાબમાં કહ્યંy હતું કે તે પૂછપરછ માટે હાજર થવા તૈયાર છે. એક પત્ર પાઠવી તેમણે સીબીઆઈને ર3 ફેબ્રુઆરીએ સવારે 11 થી બપોરે 3 સુધી પોતાના નિવાસ સ્થાને આવવા જાણ કરી હતી. જેથી મંગળવારે એક તરફ સીબીઆઈની ટીમ અભિષેકના ઘેર પહોંચી તો બીજી તરફ મમતા બેનર્જી પણ ત્યાં પહોંચ્યા હતા.
ગુજરાતની અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાઓમાં રવિવારે એકંદરે પાંગળુ મતદાન થયું હતું. બપોર સુધીમાં સરેરાશ ૩૦ ટકા જેટલુ નીચું મતદાન થતા સત્તાધારી ભાજપે મતદારોને મતદાન મથકે પહોંચીને મતદાન કરવા માટે સોશિયલ મીડિયા તેમ જ ઘરે ઘરે જઇને અપીલ કરવી પડી હતી. સાંજે છ વાગ્યા સુધીમાં અંદાજે સરેરાશ ૪૧ ટકા જેટલું મતદાન થયું હતું. મતદાનનો સમય પૂરો થઈ ગયા બાદ મતદાન બૂથ પર હાજર લોકોને જ મતદાન કરવા દેવામાં આવતું હોવાથી મતદાનમાં સરેરાશ મતદાનમાં થોડો ઘણો વધારો થઇ શકે છે. જોકે ૨૦૧૫ ની ચૂંટણી કરતા ઘટેલા મતદાનથી રાજકીય પક્ષોમાં સન્નાટો ફેલાઇ ગયો હતો.
છ મનપામાં અમદાવાદમાં સૌથી ઓછું મતદાન અંદાજે ૩૭.૮૧ ટકા જ નોંધાયું છે. જ્યારે સૌથી વધુ મતદાન જામનગરમાં અંદાજે ૪૯ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં ૩૭.૧૦ ટકા, સુરત ૩૪.૯૬ ટકા, વડોદરા ૩૪.૮૭ ટકા અને ભાવનગર ૩૮.૫૭ ટકા જેટલું સરેરાશ મતદાન નોંધાયું હતું.
મતદાન દરમિયાન ઇવીએમ ખોટવાતા તેમજ મતદાર યાદીઓમાંથી મતદારોના નામ ગાયબ થવાના તેમજ બોગસ મતદાનના અનેક બનાવો નોંધાયા હતા. મનપા ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદ અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણી તથા કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. હવે ૨૩મીએ મત ગણતરી થશે.
છ મહાનગરોમાં સવારે ૭ ના ટકોરે મતદાનની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ શરૂઆતમાં સારા ટ્રેન્ટ બાદ અચાનક મતદાનની ટકાવારી ઘટવા લાગી હતી. અડધો સમય વીતવા છતાં મતદાનનો આંકડો ૩૦થી ૩૭ ટકા સુધી જ પહોંચ્યો હતો. મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠકો માટે ૨૨૭૬ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ૫૭૭ ભાજપ, ૫૬૬ કૉંગ્રેસ અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના ૪૭૦ અને એનસીપીના ૯૧ અને ૩૫૩ અન્ય પક્ષો તથા ૨૨૮ અપક્ષો મેદાનમાં છે. ૬ મહાનગરોમાં મતદાન માટે ૧૧ હજાર ૧૨૧ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં કુલ એક કરોડ ૧૪ લાખ ૬૬ હજાર ૯૭૩ મતદારો નોંધાયા હતા જેમાંથી ૩૭ ટકાએ મતદાન કર્યું હતું. રવિવારે મતદાન બાદ ૨૩મી ફેબ્રુઆરીએ તેની મતગણતરી થશે. રાજ્યની છ મહાનગરપાલિકાઓના ઉમેદવારોનું ભાવી નક્કી થશે. મહાનગરપાલિકાઓમાં અમદાવાદની ૧૯૨, સુરતની ૧૧૬, વડોદરાની ૭૬, રાજકોટની ૭૨, ભાવનગરની ૫૨ અને જામનગરની ૬૪ બેઠકોની ચૂંટણીનું મતદાન થયું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા રાજ્યમાં આ સમાચાર ભારે વાઇરલ થયા છે. તા.14મી ફેબ્રુઆરીએ વડોદરામાં બનેલી ઘટના બાદ તેમને સારવાર માટે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બધા રિપોર્ટ નોર્મલ આવ્યા હતા પરંતુ, તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને કોરોના વાયરસના લક્ષણો પણ હળવા હોવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આ મહિને યોજાઈ રહી છે જેને લઈને વિવિધ પક્ષો પૂરજોશમાં પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ પ્રચાર અભિયાન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વડોદરામાં પ્રચાર માટે પહોંચ્યા જ્યાં તેઓ સ્ટેજ પર જ ચક્કર આવતા ફસડાઈ પડ્યા હતા. આ પછી તાત્કાલિક તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમના વિવિધ જરુરી રિપોર્ટ્સ પણ કરવામાં આવ્યા હતા જે સામાન્ય આવ્યા છે.
યુએન મહેતા હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં જણાવવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી રુપાણીની તબિયત સ્થિર છે. બુલેટિનમાં જણાવવવામાં આવ્યું છે કે રુપાણીના ECG, 2D Echo, બ્લડ ટેસ્ટ વગેરે નોર્મલ આવ્યા છે જોકે, તેમનો RT-PCR કોરોના ટેસ્ટ લેવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ આજે સવારે આવ્યો છે અને તે પોઝિટિવ છે. જેથી તેમને વધુ સારવાર માટે યુએન મહેતા હોસ્પિટલમાં જ દાખલ કરવામાં આવ્યા છે. જોકે, લક્ષણો હળવા હોવાનું જણાવવામાં આવ્યું છે.
કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ એલાન કર્યુ છે કે જો તેમની પાર્ટી સત્તામાં આવી તો ત્રણેય કૃષિ કાયદાને રદ કરી નાખશે. બુધવારે સહારનપુરમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યુ કે 19પપમાં જવાહરલાલ નેહરૂએ જમાખોરી વિરૂદ્ધ કાયદો ઘડયો હતો. પરંતુ આ કાયદાને ભાજપ સરકારે ખત્મ કર્યો છે. નવા કૃષિ કાયદા અબજપતિઓની મદદ કરશે. તેઓ ખેડૂતોની ઉપજનું મૂલ્ય નક્કી કરશે. કોંગ્રેસ આયોજિત કિસાન પંચાયતમાં પ્રિયંકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય ભાજપ નેતાઓ પર ખેડૂતોનું અપમાન કર્યાનો આરોપ લગાવ્યો હતો. વધુમાં તેમણે કહ્યુ કે નવા ત્રણ કૃષિ કાયદા કાળા કાયદા છે. કોંગ્રેસ સત્તામાં આવતા જ તેને રદ કરી નાખશે. જ્યાં સુધી તે ખત્મ નહીં થાય કોંગ્રેસની લડાઈ જારી રહેશે.
યુપીમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની આ પહેલી રેલી યોજાઈ હતી. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કિસાન પંચાયતને સંબોધન સાથે મંદિરમાં પૂજા કરવા સાથે દરગાહ પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે યુપીના ર7 જિલ્લામાં જય જવાન, જય કિસાન અભિયાન છેડયુ છે. સહારનપુરમાં કિસાન મહાપંચાયતને અનુલક્ષીને પ્રતિબંધાત્મક આદેશ જારી કરવામાં આવ્યા હતા.
બિહારમાં નીતીશ કુમારના નેતૃત્વમાં એનડીએના મંત્રીમંડળનું પ્રથમ વિસ્તરણ પુરું થયું છે. આ સાથે જ કોને કોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તે અંગેની અટકળોનો અંત આવી ગયો છે. બિહાર વિધાનસભાની 2020માં યોજાયેલી ચૂંટણી બાદ નીતીશ કુમારની આગેવાનીમાં નવી સરકાર રચાયાના 85 દિવસ પછી પ્રથમ મંત્રીમંડળનું મંગળવારે વિસ્તરણ થયું છે. મંત્રીમંડળમાં 17 મંત્રીઓએ શપથ લીધા છે. ભાજપના 9 ધારાસભ્યો તેમજ જેડીયુના 8 સભ્યોએ શપણ લીધા છે. નીતીશ સરકારમાં મુખ્યમંત્રીને બાદ કરતા 13 મંત્રીઓ છે જે પૈકી જેડીયુના ચાર અને ભાજપના સાત છે. જ્યારે વીઆઈપી કોટાના એક-એક મંત્રી છે. બપોરે 12.30 કલાકે રાજભવનના રાજેન્દ્ર મંડપમાં શપથવિધિ યોજાઈ હતી.
સૌપ્રથમ ભાજપના એમએલસી શાહનવાઝ હુસૈને થપણ ગ્રહણ કર્યા હતા. તેમણે ઉર્દૂમાં શપણ લીધા હતા. ત્યારબાદ ભાજપના નીતિન નવીન, સમ્રાટ ચૌધરી, સુભાષ સિંહ, આલોક રંજન, પ્રમોદ કુમાર, જનકરામ અને નારાયણ પ્રસાદે મંત્રી પદના શપથ લીધા હતા. આ ઉપરાંત જેડીયુમાંથી શ્રવણ કુમાર, મદન સૈની, લેસી સિંહ, મહેશ્વરી હજારી, સંજય કુમાર ઝા, જમા ખાન, સુમિત કુમાર સિંહ, જયંત રાજ અને સુનીલ કુમારે શપથ ગ્રહણ કર્યા હતા.
ફક્ત જીત નહીં, કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ ડુલ કરીને એક નવો રેકોર્ડ બનાવો : પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ
આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ઝંઝાવતી પ્રચારની શુભ શરૂઆત કરાવતા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલે સુરત ખાતે ઉતરાણ અને સરથાણા ખાતે બે જંગી જાહેરસભાને સંબોધન કર્યું હતુ.
ઉતરાણ અને સરથાણા ખાતે યોજાયેલી જાહેર સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મતદાતાઓ કાર્યકર્તાઓ ને સંબોધન કરતાં આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યુંકે, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ખૂબ જ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે. 9050 બેઠકો માટે આશરે બે લાખ કરતાં વધુ કાર્યકર્તાઓએ ટિકિટની માગણી કરી હતી. ટિકિટની ફાળવણી ખૂબ જ મુશ્કેલ હતી પરંતુ સુમેળભર્યા વાતાવરણમાં ટિકિટની ફાળવણી થઈ સૌ કાર્યકર્તાઓએ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સહર્ષ સ્વીકાર કર્યો.
ભાજપમાં કાંકરીચાળો સુદ્ધા નથી થયો જ્યારે સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારોની હાર નિશ્ચિત હોવા છતાં પણ ટિકિટની વહેંચણી બાદ કોંગ્રેસમાં તોડફોડ થઈ, ધમાલ થઈ, કોંગ્રેસ કાર્યાલયોને તાળા મારી દેવાની શરમજનક ઘટના સામે આવી. આ ફરક છે ભાજપા અને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં. ભાજપાનો શિસ્તબદ્ધ કાર્યકતા જ ભાજપાની સાચી મૂડી છે.
જીત નિશ્ચિત છે પરંતુ જીત ભવ્ય કઈ રીતે બનાવી શકાય તે અંગે માર્ગદર્શન આપતા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે જણાવ્યુંકે સો ટકા બેઠકો જીતવામાં આપણે બબ્બે વખત રેકોર્ડ નોંધાવ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 99 માંથી 98 બેઠકો જીતવાનો પણ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનો રેકોર્ડ છે. પરંતુ હવે જીત નહીં પરંતુ કોંગ્રેસની ડિપોઝિટ ડૂલ કરીને સુરત ભાજપના કાર્યકર્તાઓએ એક નવો રેકોર્ડ બનાવવો જોઇએ. હવે ફક્ત જીતથી સંતોષ માનવાનો નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ કરીને જીતને ભવ્ય બનાવવી જોઈએ. પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણયનો સ્વીકાર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યું કે ઘણા બધા કાર્યકર્તાઓ સક્ષમ અને અનુભવી હોવાં છતાંય ટિકિટ ફાળવવાની મર્યાદાના કારણે જ સક્ષમ હોવા છતાં પણ ઘણાં ઉમેદવારોની ટિકિટની ફાળવણી કરી શકાઇ નથી તે બદલ હું તમામ કાર્યકર્તાઓને માફી માગું છું.
સુરતના વિકાસ અંગે અભિપ્રાય વ્યક્ત કરતા આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલે જણાવ્યુંકે, સુરતનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના સુશાસન અને સુરત શહેરની જનતાને આભારી છે ત્યારે સુરતના વધુ વિકાસ માટે ભારતીય જનતા પાર્ટી અનિવાર્ય છે. આથી આગામી ૨૧મી ફેબ્રુઆરી ના રોજ યોજાનારી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સુરત શહેરની જનતાને ખાસ અનુરોધ કર્યો હતો.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપાનું સૂત્ર ગૂંજી ઉઠશે
તા.21મીએ ગુજરાતની મહાનગરપાલિકાઓમાં અને તા.28મીએ ગ્રામીણ વિસ્તારોમાં યોજનારી સ્થાનિક સ્વરાજ્યન ચૂંટણીને અનુલક્ષીને ગુજરાત પ્રદેશ ભાજપાએ પોતનું સત્તાવાર સૂત્ર લોંચ કરી દીધું છે.
‘ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડિખમ’. ભાજપાનું આ સૂત્રો હવે પછીના 20 દિવસ ગુજરાતભરમાં ગૂંજી ઉઠશે. સૂત્રની સાથે સાથે ગુજરાત ભાજપા પ્રમુખ શ્રી સી.આર. પાટીલે ભાજપાનું ચૂંટણીલક્ષી સોંગ પણ લોંચ કરી દીધું છે.
ચૂંટણી અભિયાન માટે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના મતદારોને રિઝવવા માટે 40 શોર્ટ ફિલ્મો, 20 એડ ફિલ્મો, 19 જીઆઈએફ અને 22 અલગ-અલગ હોર્ડિંગ્સ પણ તૈયાર કરાવીને સોશ્યલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવાનો ઘનિષ્ઠ પ્રયાસ આદરી દીધો છે.
ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આ પ્રસંગે મિડીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે ભાજપના ઘણા મુદ્દાઓનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા યોજના, રામ મંદિર અને અન્ય મુદ્દાઓમાં સાથે આવી હતી. આ તમામ નિર્ણયો દેશવાસીઓના હિતમાં છે. આગામી ચૂંટણીમાં અમે સ્લોગન, એન્થમ અને હોર્ડિંગ્સ દ્વારા તમામ લોકોને આ નિર્ણયોની ઝાંખી કરાવીશું.
ગઇ તા.3 ફેબ્રુઆરી સુધી એવી અપેક્ષાઓ સેવાઇ રહી હતી કે આ વખતે ગુજરાત ભાજપ મહાનગરોના ઉમેદવારોને સિલેકશનમાં નોંધપાત્ર સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી શકે છે, જોકે અપેક્ષાથી બિલકુલ વિપરીત ગુજરાત ભાજપાએ તા.4 ફેબ્રુઆરીએ જાહેર કરેલી સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીના પોતાના ઉમેદવારોના લિસ્ટમાં લઘુમતી સમુદાયના એકપણ ઉમેદવારને ટિકિટ આપી નથી.
સુરતમાં રાંદેર, નવસારીબજાર, ગોપીતળાવ, મુગલીસરા, લિંબાયત, ઉન, ઉધના, ઝાંપાબજાર, ચોકબજાર વગેરે વિસ્તારોમાં બહુલ મુસ્લિમ વસતિ છે, એવી જ રીતે અમદાવાદમાં મુસ્લિમનું પ્રભુત્વ ધરાવતા જમાલપુર, દરીયાપુર, સરખેજ, મક્તમપુરા, બહેરામપુરા, દાણીલીમડા, સરસપુર અને રખિયાલનો સમાવેશ થાય છે. આમ છતાં ભાજપે એકપણ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપી નથી.
અગાઉ વર્ષ 2015માં પણ ભાજપે અમદાવાદની મનપાની ચૂંટણીમાં પહેલીવાર સરખેજ, બહેરામપુરા, અને જમાલપુરમાં ચાર મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. આટલું જ નહીં પાર્ટીએ પોતાના સરખેજના ઉમેદવાર નિવૃત્ત IPS અધિકારીને મેયરના ઉમેદવાર માટે વાત કરી હતી. જોકે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાં હારી ગયા હતા.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે રાજ્ય ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકોનો દૌર તા.1 ફેબ્રુઆરી 2020થી શરૂ થયો હતો. પહેલી બેઠકમાં દાવેદારોને ટિકિટ આપવા બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જાહેર કર્યું હતું કે,’ બેઠકમાં નક્કી કર્યા પ્રમાણે, ભાજપ દ્વારા 60 વર્ષ કે, તેથી વધારે ઉંમરના નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. સાથે જ પરિવારવાદને લઇને સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ભાજપના હોદ્દેદાર કે નેતાના પરિવારના સભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત ત્રણ ટર્મથી જે પણ કોર્પોરેટરો ચૂંટાયા છે. તેમને પણ ટિકિટ આપવામાં આવશે નહીં. આમ, સીઆર પાટીલની આ જાહેરાત ચૂંટણી લડવા માગતા અનેક નેતાઓના સપનાં પર પાણી ફેરવી દીધું છે.
ભાજપા અધ્યક્ષ સીઆર પાટીલે કરેલી જાહેરાત બાદ ગુજરાત ભાજપમાં સિનિયર નેતાઓ નારાજ થયા છે જ્યારે બહુમતિ કાર્યકરોમાં ખુશી પ્રવર્તી ઉઠી છે, ભાજપાના નિર્ણયને પગલે અનેક નવયુવાનોને સ્થાન મળે તેવી શક્યતા જોવાય રહી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને’ આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકની શરૂઆત થઇ હતી. તેમાં પહેલા મહાનગરના અને ત્યારબાદ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોને સાંભળ્યા બાદ પાર્ટીમાં સંકલન સમિતિ અને પાર્લામેન્ટ્રી બોર્ડમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, 60 વર્ષથી વધારે ઉંમરવાળા કાર્યકર્તાને ટિકિટ નહીં આપવી, જેની 3 ટર્મ પૂર્ણ થઈ હોય તેને ટિકિટ નહીં આપવી, કોઈ આગેવાનોના સગાને ટિકિટ નહીં આપવી. આ પ્રકારનો નિર્ણય થયો છે. ખૂબ સારા રિસ્પોન્સ સાથે ચયન પ્રક્રિયા ખૂબ સરળતાથી ચાલી રહી છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 55 વર્ષ ઉપરનાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં અપાય તેવી જાહેરાત કરી હતી. પરંતુ ભાજપમાં મોટાપાયે ઉંમરની મર્યાદાને લઇને અસંતોષ જોવા મળ્યો હતો. જેને ખાળવા માટે આજે મળેલી સંકલનની બેઠકમાં 55 વર્ષની જગ્યાએ હવે 60 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
બીજી બાજુ વોર્ડ મહામંત્રીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટીકીટ નહીં ફાળવવા કરાયેલા નિર્ણય સામે પણ કચવાટ ઉભો થવા પામ્યો છે.
અમદાવાદ શહેરના ભાજપના 142 કોર્પોરેટરોમાંથી 20 કોર્પોરેટરો 3 ટર્મ કરતા વધુ સમયથી હોવાથી તેમને તક નહીં મળે. અમદાવાદમાં 3 કોર્પોરેટરો 5 ટર્મથી છે, 7 કોર્પોરેટરો 4 ટર્મથી ચૂંટાયેલા છે. જ્યારે 10 કોર્પોરેટરો 3 ટર્મથી ચૂંટાયેલા છે. આમ આ તમામ 20 કોર્પોરેટરોને ટીકિટ નહીં મળે.
વડોદરામાં 8 કોર્પોરેટરો 3 ટર્મથી વધુ સમયથી ચૂંટાતા આવ્યા છે તેઓને પણ ટીકીટ નહી મળે.
સુરત મહાનગરપાલિકામાં 13 કોર્પોરેટરો સતત 3 ટર્મથી ચૂંટાતા આવ્યા છે જ્યારે 14 કોર્પોરેટરો 60 વર્ષથી ઉપરના છે આમ, સુરતમાં 27 કોર્પોરેટરોની દાવેદારી ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.