રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે રવિવારે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. તેમણે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરતા આ નિવેદન આપ્યું હતું. ભાગવતે કહ્યું હતું કે, તમામ ભારતીયોનો ડીએનએ એક છે. પછી ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, લિન્ચિંગ કરનારા લોકો હિન્દુત્વના વિરોધી છે.
સંઘ પ્રમુખ ભાગવતે કાર્યક્રમમાં આગળ કહ્યું હતું કે, હિન્દુ મુસ્લિમ એકતા ભ્રામક છે. કારણ કે તેઓ અલગ નહી પણ એક છે. પૂજા કરવાની રીતના કારણે લોકો વચ્ચે અંતર ગણી શકાય નહી. અમુક કામ એવા છે જે રાજનીતિ નથી કરી શકતી. રાજનીતિ લોકોને એક કરી શકતી નથી. રાજનીતિ લોકોને એક કરવાનું હથિયાર બની શકતી નથી.
કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, એ સિદ્ધ થઈ ચુક્યું છે કે છેલ્લા 40,000 વર્ષથી એક જ પુર્વજોના વંશજ છીએ. ભારતના લોકોના ડીએનએ એક જેવા છે. હિન્દુ અને મુસલમાન બે સમૂહ નહી. એકજુથ થવા માટે કંઈ નથી. બન્ને પહેલાથી જ એક છે. કાર્યક્રમ માટે ભાગવત ગાઝિયાબાદમાં આયોજીત રાષ્ટ્રીય મુસ્લિમ મંચના કાર્યક્રમમાં ડો. ખ્વાઝા ઈફ્તિખાર અહેમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તકના વિમોચન માટે ગયા હતા.’ તેઓએ સમન્વય-એક પહેલ નામથી પુસ્તક લખ્યું છે.
બધા જ સાત ઇલેક્ટોરલ ટ્રસ્ટો દ્વારા બધા પક્ષોને આપવામાં આવેલા દાનની રકમમાંથી ભાજપને રૂ. ૨૭૬.૪૫ કરોડ અથવા ૭૬.૧૭ ટકાનું અને કૉંગ્રેસને રૂ. ૫૮ કરોડ અથવા ૧૫.૯૮ ટકાનું દાન મળ્યું હોવાની માહિતી ઍસોશિયેસન ફોર ડૅમોક્રેટિક રિફોર્મ્સ) એડીઆર જૂથે જાહેર કરી હતી.
રિપોર્ટમાં જણાવાયું હતું કે અન્ય ૧૨ પક્ષ – આપ, એસએચએસ, સપ, યુવા જનજાગૃતિ પક્ષ, જનનાયક પક્ષ, જેડીયુ, જેએમએમ, એલજેપી, એસએડી, આઇએનએલડી, જેકેએનસી અને આરએલડીને સંયુક્ત રીતે કુલ રૂ. ૨૫.૪૬૫૨ કરોડ મળ્યા હતા.ઇલેક્ટોરલ ટ્રસ્ટને મળેલી કુલ રકમ અને એમણે રાજકીય પક્ષોને આપેલા દાનની વિગતનો વાર્ષિક અહેવાલ જાહેર કરવાનો આદેશ ચૂંટણીપંચે પોતાની માર્ગદર્શિકા દ્વારા પારદર્શિતા જાળવવા માટે સર્ક્યુલૅટ કર્યો હતો.
વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સામે મજબૂત જંગ માટે તેમ જ આવતા વર્ષે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સામે વિપક્ષોની એકતાની શક્યતા તપાસવા રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે તા.22 જૂને યશવંત સિંહાના રાષ્ટ્રીય મંચના બેનર તળે વિપક્ષોની એક મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનું નક્કી થયું એ અગાઉ 21 જૂન 2021ની સવારે ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોર પવારને મળ્યા હતા.
પખવાડિયામાં કિશોર સાથે પવારની આ બીજી બેઠક થઇ એ મહત્ત્વની મનાય છે. આ પહેલા 11 જૂને કિશોર મુંબઈમાં પવારના નિવાસસ્થાને મળવા આવ્યા હતા.
અટલ સરકારમાં નાણા પ્રધાન અને વિદેશ પ્રધાન રહી ચૂકેલા યશવંત સિંહાએ વર્ષ 2018માં ભાજપને રામ રામ કરીને રાષ્ટ્ર મંચની સ્થાપના કરી હતી અને મોદી સરકારની નીતિઓના વિરોધમાં તાજેતરમાં બંગાળની ચૂંટણી પહેલા સિંહા મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસમાં જોડાયા હતા.
સિંહાના રાષ્ટ્ર મંચના બેનર તળે પહેલી વાર પવારે પોતાના દિલ્હી સ્થિત નિવાસસ્થાને સાંજે ચાર વાગ્યે વિપક્ષોની બેઠક બોલાવી છે. શરદ પવાર અને મમતા દીદી તરફથી સિંહાએ વિપક્ષોને આ બેઠકમાં બોલાવ્યા છે તેને કેવો પ્રતિભાવ મળે છે અને કોણ હાજરી આપશે એના પર સૌની નજર રહેશે. પવાર અને મમતા દીદી આ બેઠકના માધ્યમથી એ તપાસવા માગે છે કે વિપક્ષોની એકતા કેટલી છે અને કઇ પાર્ટી પોતાના કયા ગજાના નેતાને આ બેઠકમાં હાજરી આપવા મોકલે છે તેના પરથી આ વિપક્ષી એકતાનો અંદાજ બાંધવામાં આવે એવી શક્યતા છે. પવાર અને સિંહા વતી રાષ્ટ્રીય મંચ તરફથી કેટલીક પાર્ટીને પાઠવેલા નિમંત્રણમાં જણાવાયું છે કે હાલમાં દેશની રાજકીય પરિસ્થિતિ વિશે શરદ પવાર અને યશવંત સિંહા સાથે આ બેઠકમાં ચર્ચા વિચારણા થશે. આ બેઠકમાં હાજર રહેવા તમને નિમંત્રણ છે.
‘કોરોના પ્રૉટોકોલ વચ્ચે વિપક્ષોની આ બેઠક અૉનલાઇન નહીં પરંતુ પવારના ધરે રૂબરૂમાં મળશે અને આ બેઠકમાં 15 જેટલા વિપક્ષી પાર્ટીના નેતાઓ હાજર રહેવાની ધારણા છે. હાલમાં આ કોઇ રાજકીય મોરચો નથી પરંતુ ભવિષ્યમાં ત્રીજો મોરચો આકાર લઇ શકે છે. કૉંગ્રેસને સત્તાવાર નિમંત્રણ મોકલાયું છે કે તેના તરફથી કોઇ આ બેઠકમાં હાજર રહેશે કે કેમ એની માહિતી મોડી સાંજ સુધી મળી નહોતી.
લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળના (આરજેડી)ના નેતા મનોજ ઝા, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ અને કૉંગ્રેસના નેતા વિવેક તણખા સહિતના કેટલાક નેતાઓને આ નિમંત્રણ પાઠવાયા છે, જેઓ અગાઉ પણ રાષ્ટ્ર મંચના કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્યા છે. તામિલનાડુમાં સત્તાધીશ દ્રવિડ મુનેત્ર કડ્ઝગમ (ડીએમકે) તરફથી જણાવાયું હતું કે તેમને નિમંત્રણ નથી મળ્યું અને આ બેઠક વિશે કોઇ જાણકારી નથી. આજે દિલ્હીમાં કિશોરની પવાર સાથે બેઠક બાદ વિપક્ષોની થનારી આ બેઠકની વિગતો બહાર આવી હતી. વર્ષ 2024માં થનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપના વડપણ હેઠળના નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) અને મોદી સામે મજબૂત જંગ માટે આ બેઠકોના દોર ચાલી રહ્યાની અટકળો ચાલી રહી છે. દસ દિવસ પહેલા જ 11 જૂને મુંબઈમાં પવારના નિવાસસ્થાન સિલ્વર અૉકમાં કિશોર-પવાર વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક થઇ હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં મિશન 2024 અંતર્ગત મોદી સામે વિપક્ષના ચહેરાની ચર્ચા થશે ઉપરાંત ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકાર સામે હાલમાં જણાતા અસંતોષની ચર્ચા થશે અને યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત વિકલ્પની શક્યતા પણ તપાસાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દિલ્હી આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન મોદીને પણ મળ્યા હતા અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં શિવસેના-ભાજપ’ રાજકીય રીતે એક નથી પરંતુ વડા પ્રધાન સાથેના સંબંધો યથાવત્ છે. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસની મહા વિકાસ આઘાડીની સહિયારી સરકાર છે અને સમયાંતરે તેમાં મતભેદો પણ બહાર આવે છે. શિવસેનાએ એક વાર એમ પણ કહ્યું હતું કે અમારા દરવાજા ભાજપ માટે બંધ નથી. રાજકારણમાં કોઇ કાયમી શત્રુ કે મિત્ર નથી હોતા. પવારે જાહેર સભામાં શિવસેનાને તેની વફાદારીની યાદ પણ અપાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંગાળમાં મમતા દીદીને પ્રચંડ બહુમતીથી જીતાડનારા કિશોર હવે દીદીને ભાજપ વિરોધી ત્રીજા મોરચાના ચહેરા તરીકે આગળ કરવાના પ્રયાસોમાં છે. પવાર આ ત્રીજા મોરચાના સંયોજકની ભૂમિકા નિભાવી શકે છે.
એલજેપીના બે જૂથ વચ્ચેનો ઝઘડો મંગળવારે વધુ તિવ્ર બન્યો હતો અને બંને જૂથ પક્ષની સત્તા લેવાના માર્ગે આગળ વધ્યા હતા. ચિરાગ પાસવાને પાંચ બળવાખોર સાંસદને પક્ષમાંથી કાઢી મુકયા હતા તો પારસના જૂથે ચિરાગને જ પક્ષ પ્રમુખપદેથી હટાવ્યો હતો. પોતાના કાકા પારસ દ્વારા પ્રમુખપદેથી હટાવાયા બાદ ચિરાગે આપેલી પહેલી પ્રતિક્રિયામાં પક્ષને પોતાની માતા ગણાવી હતી અને એનો દ્રોહ ન થાય એમ જણાવ્યું હતું. બિહાર યુનિટના કાર્યકારી પ્રમુખ રાજુ તિવારીએ જણાવ્યું હતું કે લોકસભાના એમના છ સાંસદમાંથી પાંચ સાંસદે પારસનો પક્ષ લીધો હતો, ચિરાગ પાસવાનની આગેવાનીવાળા જૂથે પક્ષની રાષ્ટ્રીય કાર્યકારીણી વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી અને એમાં ૭૬માંથી ૪૧ સભ્યએ ભાગ લીધો હતો. પક્ષ વિરોધી ગતિવિધી બદલ પાંચ વિદ્રોહી સાંસદને પક્ષમાંથી હાંકી કાઢવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો હતો. પારસના જૂથે એવો દાવો કર્યો હતો કે ‘એક વ્યક્તિ, એક પદ’ના સિદ્ધાંત અનુસાર ચિરાગ પાસવાનને પક્ષ પ્રમુખપદેથી હટાવવાનો નિર્ણય રાષ્ટ્રીય કારોબારીની ઇમરજન્સી બેઠકમાં લેવામાં આવ્યો હતો.
ટ્વિટર પર પાસવાને જણાવ્યું હતું કે એણે પોતાના પિતાએ સ્થાપેલા પક્ષને એકજૂથ રાખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સફળતા ન મળી.
સુરતમાં આમ આદમી પાર્ટીને પાલિકા ચૂંટણીમાં મોટી જીત મળ્યા પછી તે ગુજરાતમાં પોતાનો વ્યાપ વધારી રહી છે અને આગામી વિધાનસભા ચૂંટણી માટે પાર્ટી કમર કસી રહી છે.
વતીકાલ તારીખ 14 જુનના રોજ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. તેઓ અમદાવાદમાં આશ્રમ રોડ ખાતે પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. ગુજરાતની આ મુલાકાત પહેલા તેમણે ટ્વીટ કર્યું હતું કે ‘હવે બદલાશે ગુજરાત, કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઈ-બહેનોને હું મળીશ’.
નોંધનીય છે કે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીને લઈને રાજકીય હલચલ તેજ થઈ છે. ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગાંધીનગરમાં ત્રણ દિવસ રોકાણ બાદ દિલ્હી જવા રવાના થયા છે અને 15મી જુને ભાજપના તમામ ધારાસભ્યોની બેઠક મળવાની છે. એવામાં આવતીકાલ તા. 14મીએ આપના અધ્યક્ષ કેજરીવાલ અમદાવાદ આવી રહ્યા છે. સુરતની સફળતા બાદ હવે આપ ગુજરાત વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણી જીતવા તૈયારી કરી રહી છે. કેજરીવાલની હાજરીમાં કેટલાક મોટા રાજકીય માથા આમ આદમી પાર્ટીમાં જોડાશે. કેજરીવાલનું બીજું લક્ષ્ય ગુજરાત વિધાનસભા છે. તેથી હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ધ્યાન વધુ કેન્દ્રીત કરશે.
કૉંગ્રેસના યુવા નેતા જિતિન પ્રસાદ બુધવારે ભાજપમાં જોડાયા હતા. સંસ્થાકીય બદલાવ અને પક્ષના દરેક સ્તરે ચૂંટણી કરવી જોઇએ તેવો પત્ર લખનારા ૨૩ નેતાઓના જૂથમાં જિતિન પ્રસાદ પણ હતા. કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ અને ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ બાલૂનીની હાજરીમાં જિતિન પ્રસાદ ભાજપમાં જોડાયા હતા. તેમણે પત્રકારોને કહ્યું કે જો કોઇ રાજકીય દળ સંસ્થાગત હોય અને સાચા અર્થમાં રાષ્ટ્રીય પાર્ટી હોય તો તે ભાજપ છે. અન્ય પક્ષો વ્યક્તિવિશેષ આધારિત અથવા ખાસ ક્ષેત્રમાં સીમિત હોય છે.
ઉત્તર પ્રદેશના અગ્રગણ્ય બ્રાહ્મણ પરિવારથી આવતા ૪૭ વર્ષીય જિતિન પ્રસાદે કૉંગ્રેસ નેતૃત્વની ટીકા કરવાનું ટાળ્યું હતું. કૉંગ્રેસમાં રહી લોકોની સેવા કરવી અને પ્રજાજનોના હિત જાળવવા શક્ય ના હોવાથી તેમણે પક્ષ છોડ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રસાદને ભાજપમાં સામેલ કરાવ્યા બાદ પિયૂષ ગોયલે કહ્યું હતું કે તેઓ પ્રજાજનોમાં મૂળિયા ધરાવનારા નેતા છે. તેમના જોડાવાથી ભાજપ મજબૂત બનશે. ગયા વર્ષે જ્યોર્તિદિત્ય સિંધિંયા ભાજપમાં જોડાયા હતા. તે પછી કૉંગ્રેસના બીજા હાઇપ્રોફાઇલ યુવા નેતાએ કૉંગ્રેસનો ત્યાગ કર્યો છે.
બુધવારે જિતિન પ્રસાદ ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડાને મળ્યા હતા. અમિત શાહે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના પ્રજાની સેવા કરવાના ભાજપના ઇરાદાને જિતિન પ્રસાદના જોડાવાથી મક્કમતા મળશે તેવો મને વિશ્ર્વાસ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા દોડી ગયા હતા. તેમની આ વન ટૂ વન મુલાકાત અંગે અટકળોની આંધી ઉઠતાં તેમણે બચાવ કર્યો કે આમાં ખોટુ શું છે હું વડાપ્રધાનને મળવા ગયો હતો, નવાજ શરીફને નહીં ! રાજકીય રીતે અમે સાથે નથી તેનો અર્થ એ નથી કે અમારા સંબંધો પુર્ણ થઈ ગયા. આમાં છૂપાવવા જેવુ કંઈ નથી. મોદી સાથે મુલાકાત માટે દિલ્હી જતાં પહેલા ઉદ્ધવ એનસીપી નેતા શરદ પવારને મળ્યા હતા. દિલ્હીમાં તેમની સાથે ના. મુખ્યમંત્રી અજિત પવાર અને મંત્રી અશોક ચવ્હાણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ઉદ્ધવે કહ્યુ કે વેક્સિનેશનની સંપુર્ણ જવાબદારી હવે કેન્દ્રએ ઉઠાવી લીધી છે ત્યારે મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોને વહેલી તકે વેક્સિન જોઈએ છે. કેન્દ્રએ આ જવાબદારી રાજ્યોને સોંપી હતી પરંતુ કામગીરી યોગ્ય રીતે થઈ નથી.
બેઠકમાં વેક્સિનેશન, મરાઠા અનામત, મેટ્રોના કાર શેડ, જીએસટી વળતર, વાવાઝોડા સહાય જેવા મુદ્દે વાતચીત થયાનું અને વડાપ્રધાને આશ્વાસન આપ્યાનું તેમણે જણાવ્યુ હતું. મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી, કોંગ્રેસ ગઠબંધનની સરકાર બન્યા બાદ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે છાશવારે તણખાં ઝરતા રહે છે.
શિવસેના ‘સામના’ના માધ્યમથી કેન્દ્ર સરકારને ઘેરતી રહી છે તેવા સમયે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત પર સૌની નજર હતી.
કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટરને પત્ર લખી કેન્દ્ર સરકારના ૧૧ મંત્રીઓની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવવા માંગ કરી છે. આ મંત્રીઓમાં ગિરિરાજ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ, થાવરચંદ ગેહલોત, હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.
કોંગ્રેસનું કહેવું છે કે, આ તમામ ટ્વિટર પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરીને બનાવટી ટૂલકીટ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. આ તમામના સંબંધિત ટ્વિટની લિંક પણ આ પત્ર સાથે જોડવામાં આવી છે. પત્રમાં ટ્વિટર સાથે આ બાબતે અગાઉ થયેલા પત્રવ્યવહારનો હવાલો અપતાં લખવામાં આવ્યું કે, ટ્વિટરે ટ્વિટ્સના જે યુઆરએલ માંગ્યા હતા, તે અપાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હી અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડાં પાડ્યાં હતાં. આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની બે ટીમે દિલ્હીના લાડો સરાય અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાના કાર્યાલયો પર રેડ કરી હતી.
નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કથિડ કોવિડ-૧૯ ટૂલકિટના મામલે એક તપાસના સંદર્ભમાં ટ્વિટરને એક નોટિસ પણ મોકલી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ૧૮મી મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ કોંગ્રેસનો એક કથિત લેટરહેડ ટ્વિટ કર્યો હતો. જેમાં સરકારને ઘેરવા માટે સોશિયલ મીડિયા પર કેવા ટ્વિટ કરવા તેની માહિતી હતી. જેને પગલે ભાજપે કોંગ્રેસ પર વિશ્વમાં દેશની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો.
બીજી બાજુ, કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને તદ્દન બનાવટી કહી ભાજપના નેતાઓ સામે પોલીસ કેસ પણ દાખલ કર્યો હતો. જ્યારે ટ્વિટરે સંબિત પાત્રા દ્વારા કરાયેલા ટ્વિટને મેનિપ્યુલેટેડ મીડિયા તરીકે વર્ગીકૃત કરતાં આ વિવાદ વધુ વકર્યો હતો. સરકારે ટ્વિટરના આ પગલા સામે રોષ વ્યક્ત કરી ટ્વિટરને મેનિપ્યુલેટેડ મીડિયાનું ટેગ દૂર કરવા જણાવ્યું હતું.
ગુજરાતના કામરેજના ભાજપના ધારાસભ્ય વિણુભાઇ ઝાલાવડિયાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે પોતે ઇન્જેક્શન આપતાં જોવા મળી રહ્યાં છે. લગભગ પાંચમું ધોરણ પાસ કામરેજના ધારાસભ્ય વિણુભાઇ ઝાલાવડિયાએ સુરતના સરથાણા સ્થિત કોવિડ સેન્ટરમાં પોતે જ રેમડેસિવિરનું ઇન્જેક્શન ભરીને લગાવતાં હોય તેવો વીડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય વી.ડી. ઝાલાવડીયાનો વીડિયો વાયરલ થતાં વિવાદ ઊભો થયો છે. જે બાદ લોકોના સ્વાસ્થ્ય સાથે રમત થતી હોવાના પણ સવાલો થઇ રહ્યાં છે.
કોરોનાની બીજી લહેર દરમિયાન પોતાના વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધતાં ધારાસભ્ય વી. ડી. ઝાલાવડીયાએ સરથાણા વિસ્તારમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું હતું. ધારાસભ્ય પોતાના કોવિડ સેન્ટરમાં દર્દીને ઇન્જેક્શન આપવા માટેની તૈયારી કરતા હોય તેવા ફોટા અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા વાયરલ થતા વિવાદમાં આવ્યા છે.
રાજકારણીઓને કૅમેરા સામે રૂપિયા લેતા દર્શાવતા નરાડા સ્ટિંગ કેસને મામલે સીબીઆઈએ સોમવારે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના ત્રણ નેતાની ધરપકડ કરી હતી.
ટીએમસીના ત્રણ નેતા સહિત ચાર રાજકીય નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવાની માગણી કરતી સીબીઆઈની અરજીને ગવર્નર જયદીપ ધનકરે ૭ મેએ જ મંજૂરી આપી દીધી હતી. નરાડા સ્ટિંગ કેસને મામલે હવે સીબીઆઈ ટીએમસીના ત્રણ નેતા સહિત અન્યો વિરુદ્ધ ચાર્જશિટ દાખલ કરશે.
કેસને મામલે સીબીઆઈએ ટીએમસીના નેતા ફિરહાદ હકીમ, સુબ્રતા મુખરજી અને મદન મિત્રા તેમ જ પક્ષના ભૂતપૂર્વ નેતા સોવન ચેટરજીની સોમવારે સવારે ધરપકડ કરી હતી. વર્ષ ૨૦૧૪માં જ્યારે આ ગુનો આચરવામાં આવ્યો હતો તે સમયે આ ચારે પ્રધાન હતા, એમ સીબીઆઈએ કહ્યું હતું.
પક્ષના પ્રધાનોની ધરપકડના તુરંત બાદ પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી સીબીઆઈના કાર્યાલયે પહોંચ્યાં હતાં અને તેમને છોડી મૂકવાની માગણી કરી હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યાનુસાર મમતા બેનરજીનું આ પગલું કોલકાતા હાઈ કૉર્ટ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવેલી તપાસની કામગીરીમાં દખલગીરી કરવા બરાબર છે.
તાજેતરમાં જ પૂરી થયેલી પ. બંગાળની ચૂંટણીમાં હકીમ, મુખરજી અને મિત્રા ફરી ચૂંટાઈ આવ્યા હતા.
ભાજપમાં જોડાવા ટીએમસી સાથે છેડો ફાડનાર ચેટરજી બંને પક્ષ સાથે કડી ધરાવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.