

મુંબઈથી દેશભરની બ્લૅકમાર્કેટમાં સપ્લાય કરવા માટે વિવિધ વિદેશી બ્રૅન્ડની ઇમ્પોર્ટેડ સિગારેટ સપ્લાય કરતા ગોડાઉનમાં DRIએ રેઇડ પાડીને ૧.૦૭ કરોડ રૂપિયાનો માલ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. દિલ્હીથી આ બિઝનસ ઑપરેટ કરતો માસ્ટર માઇન્ડ દેશભરમાં માર્લબોરોસ બેન્સન, રોથમૅન્સ જેવી જાણીતી બ્રૅન્ડની સિગારેટ સપ્લાય કરતો હતો.
મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉન પર રેઇડ પાડવામાં આવી, દિલ્હીથી ઑપરેટ કરતા માસ્ટર માઇન્ડનું હતું આ ગોડાઉન

મુંબઇના મુસાફિરખાનાના ગોડાઉનમાંથી ઝડપાયેલો સિગારેટ્સનો જ્થ્થો

આ બિઝનસનું મુખ્ય હબ મુંબઈ હતું એમ જણાવીને DRIએ આપેલી માહિતી મુજબ અહીંની માર્કેટમાંથી દેશભરમાં ડિમાન્ડ મુજબ માલની સપ્લાય કરવામાં આવતી હતી. મુંબઈની ધમધમતી મુસાફિરખાનાની માર્કેટમાં મુંબઇના બે મોટા ડિસ્ટ્રિબ્યુટર્સનાં પાંચથી છ ગોડાઉનમાં વિદેશી સિગારેટ રાખવામાં આવતી હોવાની માહિતી મળી હતી. મુસાફિરખાનામાં આવેલાં કેટલાંક ગોડાઉનમાં રેઇડ પાડવામાં આવી હતી. એમાંથી વિવિધ બ્રૅન્ડની ૧.૦૭ કરોડ રૂપિયાની સિગારેટનાં બૉક્સ અને ૨.૩૧ કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં તેમ જ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ભારતનો માત્ર ૧૬ વર્ષની ઉંમરનો સૌરભ ચૌધરી ગઈ કાલે એશિયન ગેમ્સના ઇતિહાસમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો પાંચમો ભારતીય શૂટર બન્યો હતો. તેણે અહીં ૧૦ મીટર ઍર પિસ્તોલની ફાઇનલ્સમાં વર્લ્ડ તથા ઑલિમ્પિક ચૅમ્પિયનોને પાછળ રાખીને સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. સૌરભે કુલ ૨૪૦.૭નો સ્કોર નોંધાવ્યો હતો જે એશિયાડનો નવો વિક્રમ છે. સૌરભની આ પહેલી જ સિનિયર ઇવેન્ટ હતી.
આ જ ઇવેન્ટમાં ભારતના ૨૯ વર્ષીય અભિષેક વર્માએ કુલ ૨૧૯.૩ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. જાપાનનો તોમોયુકી માત્સુદા આ હરીફાઈમાં સૌરભથી જરાક જ પાછળ રહી ગયો હતો અને ૨૩૯.૭ના સ્કોર સાથે બીજા સ્થાને આવતાં સિલ્વર મેડલ જીત્યો હતો. સૌરભ ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લાના કાલિના ગામમાં રહે છે. તેના પિતા ખેડૂત છે.
સૌરભે એશિયન ગેમ્સનો ગોલ્ડ જીતીને ભારતના જસપાલ રાણા, રણધીર સિંહ, જિતુ રાય અને રોન્જન સોઢીની બરાબરી કરી છે. જોકે, સૌરભ માત્ર ૧૬ વર્ષનો છે અને એશિયાડમાં શૂટિંગનો ગોલ્ડ મેડલ જીતનારો ભારતનો સૌથી યુવાન નિશાનબાજ બન્યો છે.
સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે એશિયાડ સ્પર્ધામાં બે ચૅમ્પિયન ખેલાડીઓને પાછળ રાખીને પહેલું સ્થાન પ્રાપ્ત કરીને સુવર્ણચંદ્રક પર કબજો કરી લીધો હતો. ફાઇનલ્સ પહેલાંના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં સૌરભની સાથે સાઉથ કોરિયાનો ચાર વખત ઑલિમ્પિક ચૅમ્પિયન અને ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલો જિન યૉન્ગ-ઓહ પણ હરીફાઈમાં હતો. જોકે, સૌરભે તેને પાછળ રાખી દીધો હતો.
ફાઇનલ્સમાં બીજા નંબરે આવીને સિલ્વર જીતનારો જાપાનનો ૪૨ વર્ષીય માત્સુદા અગાઉ બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો, પરંતુ ગઈ કાલે સૌરભને તે હરાવી નહોતો શક્યો.
દરમિયાન, શૂટિંગની મિક્સ્ડ ઇવેન્ટમાં અભિષેક વર્મા અને મહિલા શૂટર મનુ ભાકરની જોડી ફાઇનલ્સ માટે ક્વૉલિફાય નહોતી થઈ શકી.
દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેડલ-વિજેતા ભારતીય નિશાનબાજોને ટ્વિટર પર અભિનંદન પાઠવ્યા હતા અને લખ્યું હતું કે ‘તમે બધાએ દેશને અનેરું ગૌરવ અપાવ્યું છે.’
સૌરભ ખેતીમાં પપ્પાને મદદ કરવાનું ન ચૂકે
સૌરભ ચૌધરી અગિયારમા ધોરણમાં ભણે છે. એશિયન ગેમ્સ પછી તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભાગ લેશે. ભારતની ટોચની મહિલા શૂટર મનુ ભાકરની જેમ સૌરભ પણ વેજિટેરિયન છે.
સૌરભે ભારતીય શૂટિંગના લેજન્ડ જસપાલ રાણા પાસે તાલીમ લીધી છે. સૌરભે તા.21મી ઓગસ્ટ 2018ના દિવસે સુવર્ણચંદ્રક જીત્યા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખેતી કરવી ખૂબ ગમે છે. શૂટિંગની તાલીમમાંથી મને બહુ સમય તો નથી મળતો, પરંતુ જ્યારે પણ મળે છે ત્યારે હું ગામમાં પહોંચીને મારા પપ્પાને મદદ કરવા ખેતરમાં દોડી જાઉં છું.’
મહારાષ્ટ્રને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)થી ફળ્યો છે. આ ટેક્સથી મહારાષ્ટ્રની આવકમાં 28 ટકા જેટલો અસાધારણ વધારો થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિનામાં રાજ્યમાં જીએસટીથી રૂ. ૪૫,૬૨૬ કરોડની મહેસૂલ જમા થઇ છે. આ આંકડો એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭માં જમા થયેલા ઇન્ડાઇરેક્ટ ટેક્સના ૨૮.૩ ટકા વધુ છે. , એમ મહારાષ્ટ્ર સ્ટેટ જીએસટી કમિશનરના આંકડા દ્વારા જાણવા મળ્યું હતું.

એપ્રિલ અને જુલાઇ, ૨૦૧૭ દરમિયાન જીએસટી અમલમાં મુકાયો નહોતો અને ઇન્ડાઇરેક્ટ ટેક્સથી રાજ્યને રૂ. ૩૫.૫૪૮ કરોડની મહેસૂલ મળી હતી. જીએસટી પહેલી જુલાઇ, ૨૦૧૭એ રજૂ કરવામાં આવ્યો હતો. જીએસટીની ચુકવણીમાં અગ્રેસર રાજ્યોમાં મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. એપ્રિલ-જુલાઇ દરમિયાનના સમયગાળાની જીએસટી ચુકવણીમાં દેશમાં મહારાષ્ટ્રનો ૧૪.૭૭ ટકા હિસ્સો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં રૂ. ૩.૮૯ લાખ કરોડ જીએસટીની ચુકવણી કરવામાં આવી હતી. તેમ છતાં જીએસટીના દરમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે ભવિષ્યમાં પણ આટલા પ્રમાણમાં જ જીએસટી દ્વારા મહેસૂલ મળશે એ એક પ્રશ્ર્ન બની રહ્યો છે. ઑગસ્ટમાં રિટર્ન ફાઇલ કરાશે ત્યારે તેનો અંદાજ આવશે.
ઉલ્લેખીય છે કે જીએસટી અમલમાં મૂકાયા બાદ વૅટ, ઓક્ટ્રોઇ તથા સ્થાનિક વેરા જેવી ઇન્ડાઇરેક્ટ ટેક્સ રદ કરાયા હતા.
Jayesh Brahmbhatt 98253 44944
એપેરલ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટન્ટનો ગેરફાયદો ઉઠાવતા કેટલાક આંતર રાષ્ટ્રીય વ્યાપારીઓ ચીનનું સસ્તું કાપડ મોટા પાયે બાંગ્લાદેશમાં ઠાલવે છે, ત્યાં કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ બનાવીને બિલકુલ ફ્રી ભારતમાં ઘૂસાડી દેવાની મોડસ ઓપરેન્ડી સામે કેન્દ્રને કરાયેલી રજૂઆતો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાપડ માટેનો ફ્રી ટેડ એગ્રીમેન્ટે ગેરલાભ ઉઠાવીને કેટલાક ભેજાબાજ વેપારીઓ દ્વારા વાયા બાંગ્લાદેશ દુનિયાભરમાંથી કાપડ ભારતમાં ઠાલવવામાં આવી રહ્યો છે. વાયા બાંગ્લાદેશ આ પ્રમાણે થઇ રહેલા કાપડના ઇમ્પોર્ટને પગલે સ્થાનિક એપેરલ મેન્યુફ્કચરર્સ કંપનીઓ મોટા આર્થિક ખાડામાં પડી રહી છે. બાંગ્લાદેશ એક ગરીબ દેશ અને પડોશી હોવાથી ભારતે બાંગ્લાદેશને સ્પેશ્યલ ટ્રીટમેન્ટ આપતા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કર્યો હતો પણ એ એગ્રિમેન્ટએ ભારતના જ રેડીમેડ ગારમેન્ટસ ઉદ્યોગને પાયમાલ કરી રહ્યો છે. બાંગ્લાદેશના રસ્તે ભારતમાં ઠલવાતા તૈયાર વસ્ત્રો ઝીરો ડ્યૂટીથી આવે છે, ચીન વાયા બાંગ્લાદેશથી આવતા આવા તૈયાર વસ્ત્રો સસ્તા દરે મળતા હોઇ ભારતના સ્થાનિક નાના અને મધ્યમ એપેરલ મેન્યુફેક્ચરર્સ મુશ્કેલી આર્થિક રીતે ખાડામાં ઉતરી રહ્યા છે.

(બાંગ્લાદેશની એપેરલ ફેક્ટરીની ફાઇલ તસ્વીર)
ગુજરાત અગ્રણી એપેરલ મેન્યુફેક્ચર સૂત્રો જણાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં ફેરફાર કરવાનો તકાજો છે, ભારતના કાપડ ઉત્પાદકો માટે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો ઘાર્ટ સર્જાયો છે. એપેરલ ફિલ્ડમાં બાંગ્લાદેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઈન ઇન્ડિયા’નો હેતુ પણ સરતો નથી. મોટા રિટેલરો તો બાંગ્લાદેશમાંથી સસ્તો માલ ખરીદીને ભારતીય બજારમાં નાંખે છે.ચીનનું કાપડ બાંગ્લાદેશ જાય અને ત્યાંથી એપેરલ બનીને ડ્યુટી ફ્રી ભારતમાં ઠલવાય
ભારતના એપેરલ ઉદ્યાગકારો કહે છે કે બાંગ્લાદેશ સાથે ભારતનો એપેરલમાં ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ છે એવું પામી ગયેલા ચીની ઉત્પાદકો હાલમાં મોટા પાયે બાંગ્લાદેશમાં પોતાનું કાપડ ડમ્પ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં જ ચીની કાપડમાંથી એપેરલ બનીને બાદમાં તેને ભારતમાં ઠાલવી દેવામાં આવે છે. આ આખું કારસ્તાન ફ્રી ટ્રેડ એટલે કે કોઇપણ પ્રકારના આયાત વેરા વગર કરવામાં આવી રહ્યું છે. ચીનનું કાપડ બાંગ્લાદેશમાં સસ્તા ભાવે જાય અને તેમાંથી એપેરલ બનીને ભારતમાં ડ્યૂટી ફ્રી હોવાને કારણે સસ્તા ભાવે ઠલવાય છે.

ભારતમાં બનેલા એપેરલ સ્પર્ધામાં ટકી રહે તેમ નથી. આ સંજોગોમાં ભારતના એપેરલ ઉદ્યોગને ટકાવવા સરકારે પગલાં લેવાં જરૂરી છે. ભારતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે વિસ્તરેલો છે સૌથી વધુ રોજગારી ઉત્પન કરતું સેક્ટર છે, ત્યારે રોજગારીને ટકાવવા પણ કેન્દ્ર સરકાર આ દિશામાં પગલાં લે તે માટે એસોસિયેશને રજૂઆતો કરવામાં આવી છે.
છેલ્લાં બે વર્ષમાં બાંગ્લાદેશથી ભારતમાં એપેરલની આયાતમાં અસાધારણ ઉછાળો નોંધાયો છે. નાણાંકીય વર્ષ 2016-’17ની સરખામણીમાં 2017-’18માં બાંગ્લાદેશમાંથી આવતા એપેરલ્સમાં 115 ટકાનો તીવ્ર વધારો નોંધાયો છે.
ભારતમાં જીએસટી લાગુ થવા અગાઉ 16 ટકા કસ્ટમ ડ્યૂટી લાગતી હતી જે હવે આઇજીએસટીના નામે બાદ મળતાં હવે શૂન્ય ટકા ડ્યૂટી રહે છે. ચીનનું સસ્તું કાપડ એપેરલ બનીને ભારતમાં આવે છે જે અહીંના ઉદ્યોગો માટે ખતરાની ઘંટી સમાન છે. ભારત સરકાર એપેરલ ઉદ્યોગને બચાવવા અને તેના ઉપાયના ભાગ રૂપે ‘સર્ટિફિકેટ ઓફ ઓરિજન’ કે સંપૂર્ણ વેલ્યૂ એડિશન જેવાં નિયંત્રણો લાદવા જોઇએ એવો મત નિષ્ણાંતો આપી રહ્યા છે.
ભારતીય મોટા રિટેલર હવે બાંગ્લાદેશથી માલ મંગાવે તો ભારતમાં ઉત્પાદિત માલ કરતાં અન્યો સાથે સ્પર્ધામાં ટકી રહે તેવો હોય છે. તેથી તેઓ માલ ત્યાંથી મંગાવે છે, જેની વિપરીત અસર દેશમાં પડી રહી છે. સાથે જીએસટી આવવાની સાથે અન્ય દેશમાં કાઉન્ટરવેલિંગ ડ્યૂટી (સીવીડી) દૂર કરીને તેને બદલે જીએસટી લાગુ પડ્યો છે, જે હવે આઇજીએસટી નામે તેઓને બાદ મળે છે.
જીએસટી બાદ ટેક્સમાં છૂટ વધુ મળતાં હાલમાં મોટા રિટેલર જે અગાઉ ભારતમાંથી માલ લઈ રહ્યા હતા તે બાંગ્લાદેશથી લઈ રહ્યા છે, એટલું જ નહીં ભારત અને વિદેશના અમારા ગ્રાહકો હવે સીધા બાંગ્લાદેશથી સસ્તા એપેરલ મેળવી રહ્યા છે, આમ એપેરલના નાના ઉત્પાદકોનાં કામકાજ ઘટી રહ્યાં છે.

ધો.12 સાયન્સ કોમર્સના પરીણામો જાહેર થઇ ગયા પછી રાજ્યની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયામાં અતિશય વિલંબ થયો છે અને તેનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓએ બનવું પડશે.
MBBSમાં એડમિશનની વાત કરીએ તો આ વખતે ડોમિસાઇલ સર્ટિફિકેટની નવી સિસ્ટમ અમલી બનતા પ્રવેશ પ્રક્રિયામાં ભારે ગૂંચવાડો સર્જાયો છે અને MBBSમાં પ્રવેશ માટે ઉપજાવી કાઢેલા અને બોગસ ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ લેવા અંગે વાલીઓ જ પીછેહટ કરી રહ્યા છે અને તેને કારણે જ MBBS જેવા કોર્સમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી જનરલ ઓપન કેટેગરીમાં 120 સીટો ખાલી પડી રહી છે જ્યારે ઓબીસી એટલે કે બક્ષી પંચ, અધર બેકવર્ડ ક્લાસ કેટેગરીમાં 24 સીટો ખાલી પડી રહી છે.
ભૂતકાળમાં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી એકેય સીટ ખાલી પડે તેવો પ્રસંગ જોવાયો નથી. આ વખતે ઓપન અને ઓબીસી બન્નેમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં MBBSમાં મોપ અપ રાઉન્ડ ચાલી રહ્યો છે. તા.22મી ઓગસ્ટ સુધી મોપ અપ રાઉન્ડ હાથ ધરવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને 2007માં તેમણે આપેલું ઉશ્કેરણીજનક ભાષણ હવે ભારી પડી શકે તેમ છે. સુપ્રીમ કોર્ટે એવા સંકેત આપ્યા છે કે તેમની સામે ખટલો કેમ નહીં ચલાવવો

૨૦૦૭માં ગોરખપુરમાં એક કથિત હેટ સ્પીચ (નફરતભર્યું પ્રવચન) આપવા બદલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે કેસ કેમ ન ચલાવવા જોઇએ તેવો સવાલ કરીને સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો છે. યોગી ત્યારે ગોરખપુરમાંથી સાંસદ હતા અને તેમણે ભડકાઉ ભાષણો કર્યાનો આક્ષેપ છે. આ કેસની સુનાવણી ચાર અઠવાડિયા પછી કરાશે.
ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડની બનેલી બેન્ચે રાજ્ય સરકાર અને ગોરખપુરના કલેક્ટરને નોટિસ જારી કરી છે. અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટે મુખ્યમંત્રી સામે કાનૂની કાર્યવાહી કરવાની અરજી ફગાવી દીધી હતી. એ પછી પિટીશનર રશીદ ખાને તેને સુપ્રીમમાં પડકારી છે.
યુપી સરકારે ૨૦૧૭માં મુખ્યમંત્રી સામે કામ ચલાવવા માટે જરૂરી મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. જાન્યુઆરી ૨૦૦૭માં આદિત્યનાથે કથિત રીતે ગોરખપુર રેલવે સ્ટેશનની બહાર એક પ્રવચન આપ્યું હતું. જેને કોમી હિંસા ભડકાવનારું ગણવામાં આવ્યું હતું. તેમના સ્પીચને પગલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ હિંસા ફાટી નીકળી હતી.
તર્લોક સિંહ તેમના યુએસના ન્યૂ જર્સી સ્થિત સ્ટોરમાં મૃત હાલમાં મળી આવ્યા હતા. તેમની છાતીમાં જીવલેણ ઘાથી તેમનું મોત થયાનું અનુમાન લાગવાઈ રહ્યું છે. છેલ્લા 3 અઠવાડિયામાં આ ત્રીજી ઘટના છે જેમાં યુએસમાં વસતા અલ્પસંખ્યક ભારતીય શિખોને ટાર્ગેટ કરી હુમલો કરવામાં આવ્યો હતો.

સૂત્રો મુજબ એક્સેસ કાઉંટી અભિયોજક કાર્યાલયે આને હત્યાનો મામલો ગણાવ્યો છે. જો કે હત્યા પાછળનો હેતુ હજુ સુધી જાણ શકાયો નથી. તેમના મિત્રો, પાડોશી અને સગાઓએ તેમને ખૂબ જ સરળ સ્વભાવના બતાવ્યા હતા. તેમના પરિવાર પત્ની અને બાળકો હાલમાં ભારતમાં રહે છે. તેમના પરિવારે ગંભીર સ્થિતિને જોતા સ્ટોર બંઘ કરી દીધો છે.
ભારતમાં રહેતા તેમના પરિવારને મદદરૂપ થવા માટે તર્લોક સિંહ પોતાનો સ્ટોર છેલ્લા 6 વર્ષથી ચલાવી રહ્યા હતા. આ ઘટનાથી શિખ સમુદાય ભારે હતાશ છે. નાગરિક અધિકાર સંગઠન શિખ કોલિશને ફેસબુક પર પોસ્ટ કરીને તર્લોક સિંહના પરિવાર, મિત્રો અને સ્થાનિક સમુદાયે દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે આગળના બે હુમલા પણ શિખ સમુદાય પર થયા હતા. જેમાં ત્યાના લોકોમાં ભારતીયો માટેની ધૃણાની ઝલક દેખાઈ હતી.
19 ઓગસ્ટ 2018ના રોજ તેઓ બાળકને જન્મ આપવા માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું

હજી થોડાક સમય પહેલાં જ ન્યુ ઝીલૅન્ડના વડાં પ્રધાન જેસિન્ડા ઍર્ડર્ને બાળકને જન્મ આપ્યો હતો, હવે આ જ દેશનાં મહિલાવિકાસ પ્રધાન અને ગ્રીન પાર્ટીનાં સંસદસભ્ય જુલી ઍન જેન્ટર પણ બાળકને જન્મ આપવાનાં છે. હાલમાં જુલીને પૂરા મહિના જઈ રહ્યા છે અને ગમે ત્યારે ડિલિવરી થાય એમ છે. જોકે તા.19મી ઓગસ્ટે તેઓ ડિલિવરી માટે હૉસ્પિટલમાં ગયાં ત્યારે તેમણે કાર કે અન્ય કમ્ફર્ટેબલ વેહિકલને બદલે સાઇકલ પર જવાનું પસંદ કર્યું હતું.



જુલીએ જાતે જ પોતાનો ફુલટર્મ પ્રેગ્નન્સી સાથે સાઇક્લિંગ કરતો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. ઑકલૅન્ડ સિટી હૉસ્પિટલ તેમના ઘરથી એક જ કિલોમીટરના અંતરે હતી અને એ તેમણે સાઇકલ ચલાવીને પાર કર્યું હતું. તેમને ઑલરેડી ૪૨ અઠવાડિયાંની પ્રેગ્નન્સી થઈ ચૂકી છે એટલે દવાઓ દ્વારા ડિલિવરી ઈન્ડ્યુસ કરવી જરૂરી હતી.