પાણી ચોરીને અપરાધની શ્રેણીમાં રાખવા
સાથે જ ચોરી કરતા પકડાવા પર બે વર્ષની જેલની સજાની જોગવાઈ કરતા ખરડાને શુક્રવારે
તા.26મી જુલાઇ 2019ના રોજ ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો છે.
ગુજરાત ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ 2019 અને ગુજરાત ડોમેસ્ટિક વોટર સપ્લાય(પ્રોટેક્શન) બિલ 2019ને બહુમત સાથે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યો. જ્યારે બિલના
વિરોધમાં કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.
આ ખરડા પસાર થતા હવે જો કોઈ વ્યક્તિ પાણી
ચોરી કરતો પકડાશે અને ગુનો સાબિત થશે તો તેને જેલ અને 2 લાખ રુપિયા સુધીનો દંડ બંને થઈ શકે છે. આ જ આધારે બેંગલુરુ વોટર
સપ્લાય અને સીવેજ સહિતના કેટલાક અન્ય કાયદા(સંશોધન) 2009 છે. જેના અતંર્ગત પાણી ચોરી કરવા પર વધુમાં વધુ 3 વર્ષની જેલની સજાની જોગવાઈ છે.
રાજ્ય વિદ્યુત મંત્રી સૌરભ પટેલ, જેમણે ઈરિગેશન અને ડ્રેનેજ સંશોધન બિલ સદનમાં રજૂ કર્યું તેમણે
કહ્યું કે, ‘આ પગલા પાછળનો મુખ્ય હેતું મોટી સંખ્યામાં થતી પાણી ચોરીને
અટકાવવાનો છે.
ગુજરાત સરકારના નાણાકિય વહિવટની કમ્પ્રોટર એન્ડ ઓડિટર જનરલ અર્થાત કેગના અહેવાલમાં આકરી ટીકા કરવામાં આવી છે. સરકાર વિવિધ વિભાગો પાસેની બચતની રકમને આવક દર્શાવી રહી છે અને વિકાસ યોજનાઓ પાછળ કરોડોનું દેવું કરી રહી હોવાના મુદ્દે કેગના અહેવાલમાં ગંભીર નોંધ લેવામાં આવી છે.કેગે સરકારના 73 બોર્ડ અને નિગમોમાં થયેલી બારેખમ ખોટ અને સામાન્ય નફા અંગેનો પણ ઉલ્લેખ કર્યો હતો. સરકારના વિવિધ વિભાગોના વાર્ષિક બજેટમાં કરાયેલી જોગવાઇ મુજબની રકમ’ ન ખર્યાય તો તેને વર્ષના અંતે પરત કરવાની જોગવાઇ છે.’ છતાં રાજ્યસરકારના સંખ્યાબંધ વિભાગોએ આવી વણવપરાયેલી બચતની રકમ સરકારમાં જમા કરાવવાને બદલે પોતાના વિભાગની મહેસૂલી આવક દર્શાવવાની ભૂલ કરી છે.’ કેગ દ્વારા આ બાબતની ગંભીર નોંધ લઇ સરકારની ભારેભાર ટીકા કરતી નોંધ કરી છે. ‘2014-15થી 2016-17 મહેસૂલી ખર્ચની રૂા.160.81 કરોડની વણવપરાયેલી સિલકો શરૂઆતમાં જી.એસ.એફ.એસ.માં મુકવામાં આવી હતી અને ત્યારબાદ સરકારના હિસાબમાં મહેસૂલી આવક તરીકે જમા કરવામાં આવી હતી.’ 12 માં નાણાંપંચ દ્વારા મહેસૂલની આવકની સામે વ્યાજની ચુકવણીનો ગુણોત્તર 15 ટકા સુધી નીચો હોવો જોઇએ એવી તાકીદ કરાઇ હોવા છતાં ગુજરાતમાં આ ગ્રોથ જળવાતો નથી. કેગના કહેવા પ્રમાણે શિસ્તબદ્ધ નાણાંકીય વ્યવસ્થાપનમાં સર્વશ્રેષ્ઠ હોવાનો દાવો કરતી રાજ્યસરકાર દ્વારા તેને મહેસૂલ તરીકે પ્રાપ્ત દરેક 100 રૂપિયા માટે 15.37 રૂપિયા વ્જાય પેટે ચુકવવામાં આવે છે. સરકારને માથે 5.44 ટકાના દરે જવાબદારીઓમાં વધારો થયો છે.કેગે એવું પણ નોંધ્યું છે કે, સરકાર જે રકમ વ્યાજે લેશે તેનો સરેરાશ દર 7.59 ટકા જેટલો છે જ્યારે સરકાર જે વ્યાજની ચુકવણી કરે છે તે દર 15.37 ટકા છે. સરકાર હસ્તકના કુલ 73 જેટલા બોર્ડ નિગમમાંથી 19 જેટલા બોર્ડ-નિગમોએ રૂા.3813 કરોડની ખોટ કરી છે’ જ્યારે 50 જેટલા બોર્ડ નિગમોએ રૂા.5113 કરોડનો નફો કર્યો હતો. બાકીના 4 બોર્ડ નિમગોમાં નફો કે નુકશાન કાંઇ થયું નથી. નફો કરતા બોર્ડ-નિગમો તરફથી સરકારને સાવ સામાન્ય વળતર મળ્યું હતું એવો ઉલ્લેખ પણ કેગ દ્વારા કરાયો છે. કેગ દ્વારા જાહેર કરાયેલા રાજ્યની નાણાંકીય પરિસ્થિતિ અંગેના ઓડિટ અહેવાલમાં નોંધાયું છે કે, ગુજરાત સરકારના 19 જેટલા અબજો રૂપિયાની ખોટ કરતા બોર્ડ નિગમોમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)એ રૂા.1564 કરોડની ખોટ કરી છે.’ જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમે રૂા.1075 કરોડની ખોટ કરી છે. તો ભાવનગર એનર્જી કંપનીએ રૂા.617 કરોડ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે રૂા.264 કરોડ અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રૂા.137 કરોડની ખોટ કરી છે. નોંધનીય બાબત એ છે કે, ગુજરાત સરકારના જે 50 નિગમોએ નફો કર્યો હતો તેણે ગુજરાત સરકારને માત્ર રૂા.97 કરોડ ડિવિડન્ડ પેટે ચુકવ્યા હતા. જે આ બોર્ડ નિગમોમાં સરકાર દ્વારા રોકાયેલા અબજો રૂપિયાના મુડીરોકાણ સામે માત્ર 1.91 ટકા જેટલું હતું.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે મુંબઈ અને અમદાવાદ વચ્ચેના ૫૦૮ કિલોમીટરના બુલેટ ટ્રેન નેટવર્કને ૨૦૨૩માં પૂરું કરવાનો લક્ષ્ય છે.
બુલેટ ટ્રેનથી ગુજરાતના ૨૯૭ ગામને અસર થવાની છે અને તેના ૯૭ ટકાથી વધુ ખેડૂતે પોતાની જમીન આપવા સંમતિ આપી છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન માટે જમીન આપવા અમુક વિસ્તારના ખેડૂત ના પાડી રહ્યા છે, પરંતુ તેઓ પણ જલદી સંમતિ આપે એવી આશા છે.
સુરેશ અંગડીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનને લીધે મુંબઈમાં ચેર (મેન્ગ્રોવ્સ)ને ઓછામાં ઓછી અસર થાય તેનું ધ્યાન રખાશે અને પાંચ ગણા મેન્ગ્રોવ્સ ઉગાડવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન માટે દરિયામાં સાત કિલોમીટરના બોગદા સહિત કુલ ૨૧ કિલોમીટરના બોગદા બનાવાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને જણાવ્યું હતું કે મુંબઈ – અમદાવાદ બુલેટ ટ્રેનનો પ્રકલ્પ સફળ થાય તે પછી દિલ્હી – કોલકાતા, દિલ્હી મુંબઈ અને અન્ય
શહેરો વચ્ચે બુલેટ ટ્રેન શરૂ કરવા પ્રયાસ કરાશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાને રાજ્યસભામાં શુક્રવારે જણાવ્યું હતું કે બુલેટ ટ્રેનમાં સરેરાશ ૩૬,૦૦૦ લોકો પ્રવાસ કરે એવી આશા છે અને તેનું લઘુતમ ભાડું રૂપિયા ૩,૦૦૦ રહેવાની શક્યતા છે.
તેમણે જણાવ્યું હતું કે ચીને ૧૯૬૪માં અતિ ઝડપી ટ્રેન શરૂ કરી હતી અને હાલમાં ચીનમાં અતિ ઝડપી ટ્રેનનું ૨૦,૦૦૦ કિલોમીટરથી લાંબું નેટવર્ક છે.
ગુજરાતમાં દારૂબંધીનો અમલ ગેરવ્યાજબી
હોવા અંગે તેમજ દારુ પીવો એ બંધારણિય અધિકાર છે અને રાજ્ય સરકાર જબરદસ્તીથી આ
અધિકાર છીનવી રહી છે એવા મતલબની ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશનના
અનુસંધાને ગુજરાત સરકારે પોતાનો જવાબ સોગંદનામા સ્વરૂપે રજૂ કર્યો હતો. રાજ્ય
સરકારે જણાવ્યું કે ખાનગી જગ્યાઓ પર પણ ગુજરાતમાં દારૂ પીવાની છૂટ આપી શકાય નહીં.
દારુબંધીના નિયમો હળવા કરવાની વાત રાજ્ય સરકારે સાફ શબ્દોમાં ફગાવતા એફિડેવિટમાં
કહ્યું છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે દારુબંધી
જરુરી છે.
દારુ પીવાની બાબતને વાણી સ્વાતંત્ર્યના
બંધારણીય હક્ક સાથે સરખાવી શકાય નહીં એવો પણ અભિપ્રાય સરકારે રજૂ કર્યો છે.
દારુ બંધી ગરીબોના હિતમાં છે એવું જણાવતા
સરકારે પોતાના જવાબમાં લખ્યું છે કે ગરીબો જ દારુના દુષણનો સૌથી મોટો ભોગ બને છે દારુના વ્યસનને કારણે જ તેઓ ગુનાખોરી તેમજ ઘરેલુ હિંસા જેવા દૂષણ
તરફ વળે છે.
દારુબંધીના નિયમો હળવા કરવા માટે
હાઇકોર્ટમાં રીટ કરનાર અરજદારોની દલીલ હતી કે સરકારે ખાનગીમાં દારુ પીવાની છૂટ
આપવી જોઈએ. જેમ બંધારણે સમાનતાનો, પ્રાઈવસીનો અને વાણી સ્વાતંત્ર્યનો હક્ક
આપ્યો છે, તે જ રીતે વ્યક્તિએ શું ખાવું કે પીવું તેનો પણ તેને હક્ક હોવો
જોઈએ.
ખાનગીમાં દારુ પીવા દેવાની માગ સામે પણ
વિરોધ કરતા સરકારે જણાવ્યું હતું કે, જો ખાનગી સ્થળો પર દારુ પીવાની છૂટ અપાશે
તો તે માત્ર સમાજના ભદ્ર વર્ગ સુધી મર્યાદિત નહીં રહે. જો આ રીતે દારુ પી શકાશે તો
સમાજનો નબળો વર્ગ પણ તેનું સેવન કરશે, અને તેનાથી સામાજીક દૂષણો ઉભા થશે.
ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી આવતા
મુલાકાતીઓને દારુ પીવા દેવાય છે, પણ ગુજરાતીઓને તેનાથી દૂર રહેવાની ફરજ
પડાય છે તેવી દલીલનો પણ સરકારે એફિડેવિટમાં જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું છે કે, રાજ્યમાં થોડા સમય માટે રોકાવવા માટે આવતા લોકોને તેમની
લાઈફસ્ટાઈલમાં પરિવર્તન કરવાની સરકાર ફરજ ન પાડી શકે.
ગઇ તા.1લી જુલાઇ 2019થી શરૂ થયેલી બાબા અમરનાથ યાત્રામાં આ વખતે
યાત્રીઓની સંખ્યામાં વિક્રમી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 25 દિવસમાં જ ત્રણ લાખ
જેટલા યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કરી લીધા છે, યાત્રા હજુ અવિરતપણે જારી છે.
પહેલા 25 દિવસમાં અમરનાથ યાત્રીઓની સંખ્યામાં ગયા વર્ષના આ સમયગાળા કરતાં 25.51%નો વધારો થયો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને
રજિસ્ટ્રેશન કરાવીને કાફલામાં આવતા ભક્તોની સંખ્યામાં 54.98 ટકાનો ઉછાળો આવ્યો છે.
2018માં કુલ 61 દિવસમાં આખી યાત્રા પૂરી થઇ ત્યાં સુધીમાં 2.85 લાખ
યાત્રીઓએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. આમ, આ વખતે યાત્રીઓની સંખ્યામાં જંગી
વધારો જોવા મળ્યો છે.
કુદરતી રીતે આકાર પામતા શિવલિંગના
દર્શનાર્થે ભારત ઉપરાંત એન.આર.આઇ. પણ મોટી સંખ્યામાં દર વર્ષે આવતા હોય છે.
આ વર્ષની યાત્રા 15 ઓગસ્ટે પૂરી થશે. હજુ 21 દિવસ સુધી યાત્રા ચાલવાની હોવાથી સત્તાવાળાઓ એવી ગણતરી માંડી રહ્યા છે કે
અભૂતપૂર્વ રીતે અમરનાથયાત્રીઓની સંખ્યા વધશે, અગાઉના કોઇ વર્ષમાં નહીં નોંધાયા હોય
તેટલા અમરનાથ બાબાના ભક્તો આ વખતે યાત્રામાં ઉમટશે એ બાબત નિશ્ચિત થઇ ચૂકી છે.
અત્યાર સુધી
અમરનાથા યાત્રામાં સામેલ થયેલા સવા ત્રણ લાખ શ્રદ્ધાળુ પ્રતિ ચોંકાવનારુ તથ્ય એ છે
કે લગભગ સવા બે લાખ લોકોએ કોઇ પણ સુરક્ષા વિના એટલે કે જમ્મુથી રવાના થતા કાફલાથી
અલગ થઇને યાત્રા કરી છે. એનો અર્થ એ થાય છે કે માત્ર એક લાખ જેટલા શ્રદ્ધાળુ માટે
જ રોડબંધી કરવામાં આવે છે, જેને કારણે લખનપુરથી લઇને યાત્રાના પડાવ
સ્થળ સુધી લાખો લોકોને પરેશાનીનો સામનો કરવો પડે છે.
આ પરેશાની માત્ર
યાત્રીઓને નહીં, પરંતુ સ્થાનિકોને પણ ભોગવવી પડે છે અને આ
યાત્રા સિવાય અહીં ફરવા આવેલા ટૂરિસ્ટોને પણ ભારે અગવડ ભોગવવી પડે છે, જેઓ લાખો રૂપિયા ખર્ચીને કાશ્મીર ફરવા આવ્યા છે.
અનંતનાગમાં રહેતા એક
વ્યક્તિ જહૂર અહમદે સવાલ કર્યો હતો કે માત્ર મુઠ્ઠીભર લોકોને કોન્વોયમાં લઇને
જવાના હોય છે તે એના માટે લાખો લોકોને શા માટે પરેશાન કરવામાં આવે છે. જહૂર અનંતનાગથી
શ્રીનગર કામ માટે આવે છે. જે દિવસથી યાત્રા શરૂ થઇ છે તે દિવસથી તેની બે કલાકની
સફર સાત કલાકની થઇ ગઇ છે. રોડબંધી અને રેલબંધીને કારણે જમ્મુના હજારો લોકો ત્રસ્ત
છે, જેમને રાજમાર્ગથી જવાનું હોય છે અને તેમને
લિંક માર્ગ પર રોકી દેવામાં આવે છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે આમ નાગરિકોને
પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયા ૧૫ ઑગસ્ટ સુધી ચાલશે.
જમ્મુ નિવાસી ૪૫
વર્ષીય અજય ખજૂરિયા છેલ્લાં કેટલાક વર્ષથી અમરનાથ યાત્રામાં સામેલ થઇ રહ્યા છે.
તેઓ આજ સુધી કોઇ પણ કાફલાનો હિસ્સો બનીને યાત્રામાં નથી ગયા. તેમણે જણાવ્યું હતું
કે અસુરક્ષાનો કોઇ માહોલ નથી. લોકોમાં ખાલી હાઉ પેદા કરવામાં આવ્યો છે. જોકે, તેમના પાછા ફરતી વખતે રોડબંધીનો સામનો જરૂર કરવો
પડ્યો છે.
24 જુલાઈ સુધીમાં રજિસ્ટર કરાવેલા કાફલામાં 1.07 લાખ લોકો આવ્યા હતા. ગયા વર્ષે આ સમયગાળામાં 69,164 યાત્રીઓ રજિસ્ટર કરાવેલા કાફલામાં ગયા
હતા. આ વર્ષે વાહનોના કાફલામાં 80.98%નો વધારો થયો છે. 24 જુલાઈ સુધીમાં વાહનોના કાફલાની સંખ્યા વધીને 4,349 થઈ છે. 2018ના પહેલા 25 દિવસમાં આ સંખ્યા 2,403
હતી.
અમરનાથની ગુફામાં દર્શન કરવા જતા લોકોની
સંખ્યામાં વધારો થવા પાછળનું કારણ આ વખતે ગોઠવાયેલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત છે. આ
વખતે નવો સિક્યુરિટી પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં લોકલ પોલીસ બંદોબસ્ત, 24 કલાક નાકા પર ચેકિંગ, સીસીટીવી અને સેટેલાઈટ ઈમેજ દ્વારા
યાત્રા પર રખાતી નજર, RFID ટેગિંગવાળા વાહનો, બચાવકાર્ય માટે પર્વતારોહકોની ટીમ, અમુક ચોક્કસ સ્થળોએ SDRFની ટીમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત
ગૃહમંત્રી અમિત શાહે ગયા મહિને જમ્મૂ-કાશ્મીર જઈને સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી
હતી. લોકસભામાં કેંદ્રીય ગૃહમંત્રાલયે માહિતી આપી હતી કે આ વખતે અમરનાથ યાત્રીઓ પર
પથ્થરમારો થવાની શક્યતા નથી.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. તો બજી તરફ ચીખલી કાવેરી નદીમાં આવેલ તરકેશ્ર્વર મહાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થઇ ગયું છે. નવસારી જિલ્લામાં ગત રાત્રીથી અવિરત વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યાં છે તો બીજી તરફ નદીઓમાં ઘોડાપૂર આવતા અને ગામો ભારે હાલાંકીનો સામનો કરી રહ્યાં છે. નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.
જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જોકે જિલ્લાના ઉપરવાસના ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં પાણીની પુષ્કળ આવક થતા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ મધુબન ડેમમાં ૮૨,૪૮૩ ક્યુસેક પાણીની આવકના કારણે ડેમનું લેવલ ૭૩.૬૫ મીટર સુધી પહોંચી ગયું હતું આથી ડેમનું રૂટ લેવલ મેઇનટેઈન કરવા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. મધુબન ડેમના આઠ દરવાજા બે મીટર સુધી ખોલી તેમાંથી ૬૮,૦૭૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેને કારણે દમણ ગંગા નદી કિનારાના લોકોને સાવચેત રહેવાનું સૂચન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લાના ઉપરવાસ એવા કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદ વરસ્યો હતો.
કપરાડામાં ધોધમાર વરસાદથી સીલધા હાટસરી ફળિયા નજીક કોલક નદીના પાણી ફરી વળ્યા હતા. તો પટેલપાડા પાસે આવેલ કોઝવે પર ચવેચા ઓહળ નદીના પાણી ફરી વળ્યા હતા. આમ ગામના બે કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
સિવિલ એવિયેશન પ્રધાન હરદીપસિંહ પુરીએ લોકસભાને જણાવ્યું હતું કે ભારતના વિમાનમાર્ગે પ્રવાસ કરતા પ્રવાસીઓની વાર્ષિક સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે અને આવનાર વર્ષોમાં એ એક અબજની સપાટી વટાવશે.
એમણે લોકસભાને ગુરુવારે વધુમાં જણાવ્યું હતું કે લખનઊ અને અમદાવાદ સહિત સરકારે દેશના છ હવાઇમથકના ખાનગીકરણનો નિર્ણય લીધો છે.
છમાંથી ત્રણ હવાઇમથક અદાણી જૂથને આપવામાં આવ્યાં છે, અન્ય બે વિશે પણ નિર્ણય લેવાઇ ગયો છે. અદાણીએ ત્રણે હવાઇમથક બીડ કરીને મેળવ્યા હતા.
સરકારે ૨૦૧૮માં અમદાવાદ, જયપુર, લખનઊ, ગુવાહાટી, મેંગલુરુ અને થિરુવનથપુરમના ખાનગીકરણનો નિર્ણય લીધો હતો.
હાલ વાર્ષિક દરે હવાઇ યાત્રા કરનાર યાત્રીઓની સંખ્યા ૩૪૫ મિલિયન જેટલી છે અને જે દરે વિકાસ થઇ રહ્યો છે, એ પરથી ટૂંક સમયમાં એક અબજનો આંકડો પસાર કરશે.
હાઇ ડ્રામા અને ધાંધલ-ધમાલ બાદ ગુરુવારે આખરે આરટીઆઇ (સુધારા) ખરડો રાજ્યસભામાં પસાર કરાયો હતો.
આરટીઆઇ (સુધારો) ખરડાને સંસદની ખાસ કમિટી પાસે વધુ વિશ્ર્લેષણ માટે મોકલવાની વાતે સરકાર અને કૉંગ્રેસની આગેવાનીવાળા વિરોધ પક્ષ વચ્ચે હાઇ ડ્રામા ખેલાયો હતો અને વિરોધ પક્ષે ચાર વખત સભા ઍડજોર્ન કરવાની ફરજ પાડી હતી.
જોકે, કમિટી પાસે ખરડાને મોકલવાના મોશનની તરફેણમાં ૭૫ અને વિરોધમાં ૧૧૭ મત પડયા બાદ એ રદ કરાયો હતો.
બપોરે સત્રની શરૂઆત બાદ નાયબ ચેરમેન હરીવંશે રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહને રાઇટ ટુ ઇન્ફર્મેશન (સુધારા) ખરડો રજૂ કરવા જણાવ્યું હતું.
ઓછામાં ઓછા પાંચ સભ્યોએ આ ખરડાને ખાસ કમિટી પાસે મોકલવાની માગણી કરતી નોટિસ આપી હતી અને સિંહે ખરડો રજૂ કર્યા બાદ ચેરને આ મામલે ચર્ચા યોજીને ત્યાર બાદ ખરડાને કમિટી પાસે મોકલવો કે નહીં એ વિશે નક્કી કરવાની વિનંતી કરી હતી.
ખરડાને કમિટી પાસે મોકલવાનો મુદ્દો ચર્ચા થયા બાદ જ લેવાની માગણી સરકારે કરી હતી, પણ કૉંગ્રેસ, ડીએમકે, સીપીઆઇ, સીપીએમ, ટીએમસી અને આપના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા રહ્યા અને એને કારણે ચાર વખત સભા બરખાસ્ત કરવી પડી હતી.
વિરોધ પક્ષના સભ્યો ચર્ચા અગાઉ જ ખરડાને કમિટી પાસે મોકલવાની જીદે ચઢ્યા હતા.
દિવસમાં ચાર વખત ૧૦થી ૧૫ મિનિટ સુધી સભા બરખાસ્ત કર્યા બાદ ફરી જ્યારે સત્ર શરૂ કરાયું ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ કાગળના ડૂચા ફેંકવા માંડયા હતા. આ વખતે નાયબ ચેરમેને જણાવ્યું હતું કે આ તમારું અશિસ્ત ગણાય અને અહીં શાળાના વિદ્યાર્થીઓ હાજર છે, તો એમના મન પર તમારી કેવી છબિ પડશે એ વિચારો.
આ દરમિયાન નાયબ ચેરમેને ઘોંઘાટ કરી રહેલા સભ્યોને વારંવાર પોતાના સ્થાને જઇને બેસવાની વિનંતી કરી હતી.
દરમિયાન, એઆઇએડીએમકેના નવનીતક્રિશ્ર્નન, શિવસેનાના અનિલ દેસાઇ અને વાયએસઆરસીપીના વિ. વિજયાસાઇ રેડ્ડીએ એમનો પક્ષ આ ખરડાને ટેકો આપે છે.
ટીડીપીમાંથી તાજેતરમાં ભાજપમાં આવેલા સાંસદ સી. એમ. રમેશ સભ્યો પાસેથી મતની સ્લીપ ભેગી કરતા હતા ત્યારે વિરોધ પક્ષના સભ્યોએ એનો સખત વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષના એક બે સભ્યોએ રમેશના હાથમાંથી સ્લીપ છીનવવાનો પ્રયત્ન કર્યો ત્યારે નાયબ ચેરમેને રમેશને પોતાના સ્થાને બેસી જવા જણાવ્યું હતું.
કૉંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે ભાજપ પર એવો આક્ષેપ કર્યો હતો કે ૩૦૩ બેઠક કઇ રીતે જીત્યા એ આ પરથી સાબિત થાય છે. ટ્રેઝરી બેન્ચે એનો વળતો જવાબ આપ્યા બાદ આઝાદની આગેવાનીમાં વિરોધ પક્ષના નેતાઓ વૉકઆઉટ કરી ગયા હતા. વૉકઆઉટ બાદ મૌખિક મતદાન દ્વારા બહુમતિથી ખરડો પસાર કરાયો હતો.
ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થયાના ત્રણ મહિના બાદ જેમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એ ગુજરાતની આર્કિટેક્ચર કોલેજોના નિયમોમાં ખાસ કરીને સીટ એલોટમેન્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
ગુજરાત બોર્ડમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે 84 ટકા સીટ, ગુજરાત રાજ્યની સેન્ટ્રલ બોર્ડ, આઇસીએસઇ બોર્ડ, આઇ.બી.બોર્ડ કે એન.આઇ.ઓ.એસ.માંથી પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે ફક્ત 6 ટકા સીટ અને ગુજરાત રાજ્ય બહારની સ્કુલના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
બી.આર્ક. અભ્યાસક્રમમાં સીટ ડિસ્ટ્રીબ્યુશન
આ વખતની સીટ ડિસ્ટ્રીબ્યુશનને જોતા એવું જણાય આવે છે કે ગુજરાત રાજ્યમાં આવેલી સેન્ટ્રલ બોર્ડ, આઇ.સી.એસ.ઇ. બોર્ડ, આઇ.બી. બોર્ડ કે એન.આઇ.ઓ.એસ. બોર્ડની સ્કુલમાંથી ધો.12 સાયન્સ પીસીએમ પાસ કરનારા વિદ્યાર્થીઓને ઓછી સીટ મળશે. આ વિદ્યાર્થીઓને ઉંચા ટકાએ પણ પ્રવેશ નહીં મળી શકે જ્યારે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે પહેલી વખત 10 ટકા સીટ ફાળવવામાં આવી છે.
આમ, ગુજરાત રાજ્યમાં આવેલી સીબીએસઇ કે અધર બોર્ડની સ્કુલોના વિદ્યાર્થીઓનો ક્વોટા ઓછો રાખવાનું કોઇ તાર્કિક કારણ જણાતું નથી. એક્સપર્ટસ એવું કહી રહ્યા છે કે સીબીએસઇ કે આઇસીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓમાં જ બી.આર્ક. કોર્સ પ્રત્યે વધુ લગાવ જોવા મળે છે અને તેમના માટે જ સીટ ઓછી કરી દેવામાં આવી છે. અહીં એ કહેવાત ફીટ બેસે છે કે બી.આર્ક.માં આ વખતે ઘરના છોકરા (ગુજરાતના સીબીએસઇ કે અધર બોર્ડ) ઘંટી ચાટશે અને ઉપાધ્યાય (ગુજરાત બહારના)ને આટો.
નિષ્ણાંતો કહે છે કે ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા વધુ પડતો છે. ફક્ત બી.આર્ક. કોર્સમાં જ ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકા સીટનો ક્વોટા રાખવામાં આવ્યો છે. આ સિવાય એન્જિનિયરિંગ, મેડીકલ, પેરામેડિકલ કે લોકલ યુનિવર્સિટીઓના કોઇ અભ્યાસક્રમમાં ગુજરાત બહારના વિદ્યાર્થીઓ માટે 10 ટકાનો ક્વોટા રાખવામાં આવતો નથી.
આમેય ગુજરાત બહારથી ગુજરાતમાં આવનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે એન્જિનિયરિંગ કે મેડિકલમાં જ અભ્યાસ કરવા આવતા હોય છે. આર્કિટેક્ચરમાં બહારના રાજ્યોના વિદ્યાર્થીઓની ગુજરાતમાં કોઇ ડિમાન્ડ હજુ સુધી વર્તાઇ નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.