CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 36 of 43 - CIA Live

November 20, 2018
trafic.png
1min5640
  • ઝડપી ડ્રાઇવિંગ
  • ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ
  • સિગ્નલ તોડવી
  • વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો
  • ઓવરલોડિંગ
  • કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર
  • ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે

મહારાષ્ટ્રમાં જો તમે ગાડી ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરતાં પકડાયા તો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ મહિના સુધી સસ્પેન્ડ થઇ શકે છે. મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે રાજ્યમાં પરિપત્ર જાહેર કરીને એ પ્રમાણે કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને જાણ કરી છે. ગુજરાત સરકાર ટ્રાફિકના નિયમો તોડતા લોકો સામે શેહશરમ રાખી રહી છે અથવા તો પોલીસ ભ્રષ્ટાચાર આચરીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કામ લેતી નથી.

હાઇવે ડીસીપી રુપાલી ઓંબુરેએ આ અંગે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે પરિપત્ર નો અમલ હાલમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ કરવામાં આવી રહ્યો છે, તેમાં પણ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર સૌથી વધુ નિયમોનો ભંગ થઇ રહ્યો હોવાથી અત્યાર સુધી 60 કરતાં વધુ કેસ નોંધાયા છે અને નિયમોનો ભંગ કરનારાના લાઇસન્સને જપ્ત કરીને સ્થાનિક આરટીઓમાં મોકલવામાં આવશે અને અમુક પ્રક્રિયા બાદ તેમના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે.

મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક હાઇવે પર અમલ

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં છ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સ્થાનિય આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) દ્વારા ત્રણ મહિના સુધી લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. આ પરિપત્રમાં ઝડપી ડ્રાઇવિંગ, ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ, સિગ્નલ તોડવી, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવો, ઓવરલોડિંગ, કમર્શિયલ વાહનોમાં યાત્રા કરવાના ગુનાસર ડ્રાઇવરોના લાઇસન્સને ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવશે આ ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવશે.

તેમાં મુંબઇ-પુણે એક્સપ્રેસ, મુંબઇ-અમદાવાદ એક્સપ્રેસ અને મુંબઇ-નાશિક અને અન્ય હાઇવે પર આ નિયમો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તેમાંય અત્યાર સુધી આ જીઆર અંતર્ગત સૌથી વધુ એટલે કે 60 કેસ મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર નોંધાયા હતાં. મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવે પર આ સંબંધિત ‘ઝીરો ટોલરન્સ’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં અન્ય હાઇવે પર પણ લાગુ કરવામાં આવશે.

હાઇવે એસપી વિજય પાટીલના જણાવ્યા મુજબ ત્રણ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવેલા આ પરિપત્રને હાલ સુધી લાગૂ કરાયો નહોતો, પણ દંડ ભરનારા લોકો પર તેની અસર થતી ન હોવાને કારણે નિયમોને તોડનારા લોકોને દંડ ફટકારવાની સાથે લાઇસન્સ સસ્પેન્ડ કર્યા બાદ ત્રણ મહિના સુધી ડ્રાઇવિંગથી દૂર રહેવું પડશે તો નિયમનો ભંગ કરનારા લોકોને પાઠ ભણાવી શકીશું.

November 19, 2018
mahiti2.jpg
1min6910
  • ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર સેમિનાર યોજાયોઃ
  • મીડિયા સમાજના સંદેશાવાહક, ચોકીદાર અને શિક્ષકની ત્રિવિધ ભૂમિકા ભજવી રહ્યું છે: સામાજિક અગ્રણી કાનજીભાઈ ભાલાળા
  • ડીજીટલ મીડિયાના યુગમાં આજે પણ અખબારોની વિશ્વસનીયતા ટકી રહી છેઃ નિવૃત્ત સંયુકત માહિતી નિયામક
  • અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝુમતા પત્રકારો સમાજને દિશા દર્શન કરવાની સરાહનીય ફરજ બજાવે છેઃ ભાવસિંહ રાઠવા
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, સુરતના સંયુકત ઉપક્રમે પ્રેસ-ડેની ઉજવણીના ભાગરૂપે ‘‘ડીજીટલ યુગમાં પત્રકારત્વના સિધ્ધાંતો અને પડકારો’’ વિષય પર પ્રિન્ટ/ઈલેકટ્રોનિકસ અને ડીજીટલ મીડિયાના તંત્રીશ્રી/પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં ચેમ્બર કોમર્સના સમૃધ્ધિ હોલ ખાતે સેમિનાર યોજાયો હતો.
              આ પ્રસંગે સામાજિક અગ્રણી અને વરાછા બેન્કના ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાએ મીડિયા સામેના પડકારો વિષે વિસ્તૃત અને રસપ્રદ જાણકારી આપતાં જણાવ્યું હતું કે, માનવ જીવન પડકારો અને સંઘર્ષોનો સરવાળો છે. લોકશાહીનો ચોથો સ્થંભ ગણાતા મીડિયા જગતમાં પડકારોની ભરમાર છે.  સમયની સાથે લોકમાનસ, લોકાભિગમ અને મીડિયાની કાર્યશૈલીમાં નિરંતર પરિવર્તન આવતું રહ્યું છે. ૧૫મી ઓગસ્ટ આઝાદી અને ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિન તરીકે રાષ્ટ્રીય ચેતનાનું પર્વ છે, એ જ રીતે નેશનલ પ્રેસ ડે મીડિયા ક્ષેત્રનું ઉત્તરદાયિત્વ નિભાવવાનું અને આવનારા પડકારો સામે સુસજ્જ બનવાની પ્રેરણા આપતું પર્વ હોવાનું શ્રી ભાલાળાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, સમાજજીવનને ધબકતું રાખવા, લોકસમસ્યાઓનો પડઘો પાડવા મીડિયાના પ્રહરીઓ પારિવારિક અને સામાજિક જીવનની કુરબાની આપે છે. ડીજીટલ વેબ અને સોશ્યલ મીડિયાના જમાનામાં આજે પણ એક વર્ગ એવો છે જેમની સવાર અખબાર વાંચ્યા પછી જ પડતી હોય છે. જ્યાં સુધી માનવીનું અસ્તિત્વ છે, ત્યાં સુધી  અખબારોને કોઈ ઊની આંચ નહિ આવે એમ તેમણે દ્રઢતાથી જણાવ્યું હતું.
સમાજના અભિન્ન અંગ એવા અખબારોનો વિકલ્પ મળવો મુશ્કેલ છે એમ જણાવી તેમણે પત્રકાર એ સમાજનો સંદેશવાહક, ચોકીદાર હોવા સાથે જ એક શિક્ષકની ભૂમિકા પણ ભજવી રહ્યો છે, ત્યારે પત્રકારે લોકમાનસનું ઘડતર કરવાની જવાબદારી નિભાવવી પડશે. પોતાની શ્રેષ્ઠ શક્તિઓના ઉપયોગ વડે હાથ પર લીધેલા કાર્યને દીપાવવું જોઈએ. કર્તવ્યનું પાલન કરવું એ જ સાચો ધર્મ છે એ સૂત્રને આત્મસાત કરી પત્રકારે જનહિતને સર્વોપરી ગણી અખબારી ધર્મ નિભાવવો જોઈએ એમ ઉમેર્યું હતું.
         શ્રી ભાલાળાએ વાંચન ખુબ જરૂરી હોવાનું જણાવી કહ્યું કે, પત્રકાર એક ઉત્તમ વાંચક હોવો જોઈએ, અને બહોળું વાંચન જ તેના લખાણમાં ઊંડાણ જન્માવે છે. સમાજના વિવિધ વર્ગોના વિચારો, અભિપ્રાયોને, વર્તમાન સામાજિક-રાજનૈતિક પ્રણાલીને નિષ્પક્ષતાથી રજૂ કરતા મીડિયા માટે ધાર્મિક સંસ્થાઓ અથવા રાજકીય શક્તિઓ તરફથી ભય ઊભો થઇ રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. માહિતી વિસ્ફોટના આ યુગમાં સાચા અને અર્થપૂર્ણ સમાચારોથી લોકોને વાકેફ કરી લોકમાનસનું ઘડતર કરવાની દિશામાં પત્રકારોએ આગળ પડતી ભૂમિકા ભજવવી પડશે. મીડિયા પાસે અભિવ્યક્તિની તાકાત છે, પરંતુ દરેક અધિકાર અને પાવર સાથે વિશેષ જવાબદારીઓ પણ જોડાયેલી હોય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા હોવી જરૂરી છે, તે સાથે સ્વતંત્રતાનો મર્યાદાપૂર્વકનો ઉપયોગ પણ જરૂરી છે એમ તેમણે જણાવી ઉપસ્થિત સૌ મીડિયાકર્મીઓને પ્રેસ દિનની શુભકામનાઓ પાઠવી હતી.
               નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી સેસિલ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, ડીજીટલ યુગમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિકસ મીડિયા સામે અનેક પડકારો રહેલા છે. ડીજીટલ મીડિયામાં સમાચારની સત્યતાનો અભાવ વર્તાય છે તેની સામે અખબાર વાંચવાથી જ સમાચારની વિશ્વનિયતતા નક્કી થાય છે. આમ અખબારોએ પોતાની વિશ્વસનીયતા ટકાવી રાખવી પડશે. ડીજીટલ યુગમાં પોલિટીકલ પાર્ટીઓ રોજે રોજ એક બીજાની તરફેણ- વિરૂધ્ધમાં સમાચારોનું પ્રસારણ કરતા હોય છે. લોકોને સનસનાટી ભર્યા સમાચારો ગમે છે જેને સોશ્યલ અને ડીજીટલ મીડિયા પોષે છે પરંતુ કોઈપણ ન્યુઝની સત્યતાની ચકાસણી કરીને ત્યાર બાદ જ રજુ કરવામાં આવે તે જરૂરી છે.
આ વેળાએ પ્રશ્નોત્તરી કરતા શ્રી કાનજીભાઈ ભાલાળા અને શ્રી સેસિલ ક્રિસ્ટીએ ઉપસ્થિત તંત્રીશ્રી- પત્રકારોએ ફેક ન્યુઝ, અખબારી મૂલ્યો, પત્રકારની સજ્જતા, સોશ્યલ મીડિયાના પ્રભાવ પર પૂછેલા પ્રશ્નોના માહિતીપ્રદ ઉત્તરો આપ્યા હતા.
           આ પ્રસંગે સંયુક્ત માહિતી નિયામકશ્રી ભાવસિંહ રાઠવાએ પ્રેસ કાઉન્સિલની ભૂમિકા આપી હતી. શ્રી રાઠવાએ ઉપસ્થિત તંત્રી/પ્રતિનિધિશ્રીઓને આવકારતાં કહ્યું કે, પ્રેસ કાઉન્સિલ સમાજને ઉપયોગી અને સાચી હકીકત ઉજાગર કરતા પત્રકારોને પ્રેરણા આપવાનું કાર્ય સુપેરે નિભાવી સમાજના જાગૃત પ્રહરી, નીડર મીડિયાના હિતોનું રક્ષણ કરવાની ભૂમિકા અદા કરે છે. અનેક પડકારો વચ્ચે સમાજના વૈચારિક વિકાસ માટે ઝઝૂમતાં પત્રકારો પોતાની ફરજ અહર્નિશ બજાવી સમાજનું દિશાદર્શન કરવાની સરાહનીય ફરજ બજાવી રહ્યા હોવાનું શ્રી રાઠવાએ જણાવ્યું હતું.
       સ્વાગત પ્રવચન નાયબ માહિતી નિયામકશ્રી એમ.એસ.વળવી તથા આભારવિધિ સહાયક માહિતી નિયામકશ્રી આર.આર.તડવીએ આટોપી હતી.
સેમિનારનું રસાળ શૈલીમાં સંચાલન કરતા ચિત્રલેખાના યુવા પત્રકારશ્રી ફૈસલ બકીલીએ જણાવ્યું કે, ડીજીટલ યુગના પ્લેટફોર્મના ઉપયોગ સાથે મીડીયા જગતમાં હરીફાઇ વધવાની સાથે તેની સામે પડકાર પર એટલા જ ઊભા થયા છે, જેથી સમાચારની સત્યતા જાળવવી એટલી જ કપરી બની રહી છે. જેથી ડીજીટલ યુગમાં કોઈ પણ અખબાર કે ન્યુઝ ચેનલ માટે વિશ્વનીયતા સૌથી અગત્યની છે. અને વિવેકભાન સાથે સમાજને આયનો બતાવવાનું કાર્ય થાય તે જરૂરી છે હોવાનું જણાવ્યું હતું. સમગ્ર સેમિનારનું સફળ આયોજન માટે સહાયક માહિતી નિયામકશ્રી સહાયક માહિતી નિયામકશ્રી ઉમેશ બાવીશા, માહિતી મદદનીશશ્રી મહેન્દ્ર વેકરીયા, સહાયક અધિક્ષકશ્રી અક્ષય દેસાઈ, શ્રી પરેશ ટાપણીયાએ જહેમત ઉઠાવી હતી.
               ઉલ્લેખનીય છે કે, અખબારી જગત સાથે સંકળાયેલી સંસ્થા “પ્રેસ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા” ની ૧૬મી નવેમ્બર,૧૯૫૬ ના દિવસે સ્થાપના થઇ હતી. પ્રેસ કાઉન્સીલના જન્મ દિવસને પ્રત્યેક વર્ષ સંભારણારૂપે ઉજવવા અને મીડિયાની સમાજમાં સંનિષ્ઠ લોકપ્રહરીની ભૂમિકાથી સમાજને અવગત કરાવવા માટે વર્ષ ૧૯૯૭માં ૧૬મી નવેમ્બરને નેશનલ પ્રેસ ડે રૂપે ઉજવવાનો નિર્ણય લેવાયો અને ત્યારથી સમગ્ર ભારતમાં આ દિવસની પ્રેસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.
November 18, 2018
government_gujarat.jpg
1min5010
  • 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ
  • તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય
  • વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે
  • 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય
  • 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય
  • આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે

 

રાજ્ય સરકારે 51 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કર્યા બાદ અન્ય તાલુકાના ખેડૂતોએ પણ સરકાર પાસે મદદ માગી હતી ત્યારે રાજ્ય સરકારે 51 તાલુકા ઉપરાંત અન્ય બીજા 45 તાલુકા માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર વધુ 45 તાલુકાને આર્થિક મદદ કરશે.

400 મિલીમિટરથી ઓછા વરસાદવાળા વધુ 45 તાલુકાને મદદ કરાશે. 250થી 300 મી.મી. વરસાદવાળા 14 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 6300 રૂપિયા સહાય કરાશે. જ્યારે 350થી 400 મી.મી. વરસાદવાળા 19 તાલુકાના ખેડૂતોને હેક્ટરદીઠ 5400 રૂપિયા સહાય કરવામા આવશે. નવા ખાસ પેકેજ અંતર્ગત વધુમાં વધુ બે હેક્ટર સુધી લાભ મળશે. બે હેક્ટરથી વધુ જમીન ધારકોને લાભ મળશે નહીં. સરકારે આ 45 તાલુકા માટે 1300 કરોડનું વિશેષ પેકેજ જાહેર કર્યું છે. તાલુકા દીઠ 28થી 30 કરોડની સહાય કરવામાં આવશે. આ વિશેષ પેકેજ આજથી જ લાગુ પડશે. ખેડૂતો આજથી જ નોંધણી કરાવી શકશે. જેમાં એક વખત જ લાભ મળી શકશે જ્યારે અછતગ્રસ્ત 51 તાલુકાઓને 1લી ડિસેમ્બરથી જુન માસ સુધી લાભ મળશે. આમ રાજ્યમાં કુલ મધ્યમ અને ઓછા વરસાદવાળા 96 તાલુકાને સહાય કરાશે. આર્થિક મદદ સીધી ખેડૂતોના બૅંક ખાતામાં જમા થશે.

મુખ્ય પ્રધાને તમામ કામને મંજૂરી આપી દીધી છે. વધુ 45 તાલુકામાં ધોરાજી, બેચરાજી, ઉપલેટા, ધારી, ચુડા, વઢવાણ, લાઠી, મહેસાણા, કડી, પાદરા,જસદણ, સાણંદ, વડનગર, દાંતીવાડા, ગાંધીનગર, અમીરગઢ, ટંકારા, સિદ્ધપુર, બાબરા, ધોરાજી, લાલપુર, ઉમરાળા, ગોંડલ, આમોદ, કલોલ સહિતના તાલુકાનો સમાવેશ થાય છે. આ વિશેષ પેકેજથી 10 લાખ ખેડૂતોને લાભ થશે.

November 10, 2018
dadi.jpg
1min8500

જે ઉંમરે લોકો આરામ કરવાનું પસંદ કરે છે, તે ઉંમરે એક મહિલા રોજ 35 કિલોમીટર સાઈકલ ચલાવે છે. આમ તો વાત વિશ્વાસ ન થાય તેવી છે પરંતુ 85 વર્ષના વિજયલક્ષ્મી અરોરા છેલ્લા 50 વર્ષથી આ કામ કરતા આવે છે. એટલું જ નહીં તેમની દિનચર્યામાં ચાલવાનું પણ સામેલ છે.

છત્તીસગઢના બસ્તર સંભાગના હાટકચોરા વિસ્તારમાં રહેતા વિજયાલક્ષ્મીના લગ્ન 1952માં આયુર્વેદિક ડોક્ટર સુદર્શનપાલ અરોરા સાથે થયા હતા. સુદર્શન બૈલાડીલામાં પ્રેક્ટિસ કરતા હતા. 1968માં જ્યારે વિજયલક્ષ્મી બીમાર પડ્યા તો સુદર્શન તેમને ગોરખપુર સ્થિત આરોગ્યધામમાં લઈ ગયા. અહીં ડોક્ટર કે કે મોદીએ તેમને નિયમિત કસરત કરવાની સલાહ આપી.  બસ તે દિવસ અને આજની ઘડી સાઈકલને જ તેમણે સલેહી બનાવી લીધી. ત્યારથી શરૂ થયેલી સાઈકલ યાત્રા આજે 85 વર્ષની ઉંમરે પણ ચાલુ છે.

સાઈકવાલી દાદી વિજયલક્ષ્મી સવારે 4 વાગે ઉઠે છે. સવારે 5થી 7નો સમય તેમણે ચાલવા માટે રાખ્યો છે. પછી નાસ્તો અને એક કલાકનો આરામ. પછી ફરી નીકળી પડે છે સાઈકલ લઈ. બપોરે ઘરે આવીને ભોજન કરે છે. સાંજ સુધી આરામ અને ફરી ચાલવાનું શરૂ.  આ રીત સવાર સાંજ વૉકિંગ અને 35 કિલોમીટરની સાઈકલ જ તેમની તંદુર્સીતનો મંત્ર છે.

35 વર્ષની ઉંમરે એક વખત બીમાર શું પડ્યા, કે તંદુરસ્તીની કિંમત સમજાઈ ગઈ. અને વિજયલક્ષ્મી અરોરા એ દિવસ પછી ક્યારેય બીમાર નથી પડ્યા. આ ઉંમરે પણ તમામ દાંત સલામત છે. શરૂઆતમાં તો તેમને આ ઉંમરે સાઈકલ ચલાવતા પૌત્ર-પૌત્રી, પાડોશી, વહુ તમામ લોકોએ ના પાડી. તેમની હાંસી કરી, પરંતુ વિજયાલક્ષ્મી ન માન્યા. આજે તે આખા ગામના રોલ મોડેલ છે. બાળકો તેમને સાઈકલવાળી દાદીના નામથી ઓળખે છે.

વિજયલક્ષ્મીના પત્ની તો સ્વર્ગવાસી થઈ ચૂક્યા હતા. તેમના 65 વર્ષના પુત્રનું પણ એકાદ વર્ષ પહેલા નિધન થયું હતું. શરૂઆતમાં તેમની પુત્રવધુ અને બાળકો સાઈકલ ચલાવવાની ના પાડી આરામ કરવાનું કહેતા હતા. પરંતુ વિજયલક્ષ્મીની જીદ સામે કોઈ ન ટક્યા. આજે તે પોતાના પરિવારની સાથે આખા વિસ્તારના રોલમોડેલ બની ચૂક્યા છે.

November 8, 2018
diya-stamps-by-uno-on-diwali.png
1min10650

પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્ર સંઘે UNITED NATIONS ORGANISATIONS અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.

યુનોએ ભારતના સૌથી મોટા અને મહિમાસભર પર્વે સંવેદનશીલ રીતે વર્તતા ભારતની લાગણીઓ પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડીને જીતી લીધી હતી. બરાબર ભારતમાં દિવાળીનો દિવસ હતો ત્યારે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના સત્તાધીશોએ ભારતના પ્રકાશ પર્વના દિવડાઓ સ્વરૂપની ટપાલ ટિકીટ જારી કરી હતી. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી

અમેરિકન પ્રેસિડેન્ટના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.

(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.

 

November 2, 2018
iitmadra.jpg
1min14790

ભારતનું સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ટૂંક સમયમાં તમારા મૉબાઇલ ફૉન, સર્વિલન્સ કૅમૅરા અને સ્માર્ટ મીટર ચલાવી શકશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (આઇઆઇટી) મદ્રાસ દ્વારા સૌપ્રથમ સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ની ડિઝાઇન તૈયાર કરી છે અને તેને વિકસાવ્યું છે. તેની માઇક્રૉચિપ ચંડીગઢમાંની ઇન્ડિયન સ્પૅસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સૅમી-ક્ધડક્ટર લેબૉરેટરીમાં તૈયાર કરાઇ છે. સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ‘શક્તિ’ને લીધે આયાત કરાતી માઇક્રૉચિપ્સ પર આધાર રાખવાનું ઓછું થવાની અને સાયબર હુમલા ઘટવાની આશા જન્મી છે. આ ઉપરાંત, સંદેશવ્યવહાર અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી માઇક્રૉપ્રૉસેસર ઉત્તમ સાબિત થશે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસની ‘રાઇઝ લેબૉરેટરી’ના અગ્રણી સંશોધનકાર પ્રાધ્યાપક કમલકોટી વીઝીનાથને જણાવ્યું હતું કે અલગ-અલગ સાધનો (ડિવાઇસ)ને જુદા જુદા પ્રકારના હાર્ડવૅરની અથવા નવા ફિચર્સ કે ઇન્સ્ટ્રક્શન્સની જરૂર પડે છે અને અમે આ બાબતને ધ્યાનમાં રાખીને માઇક્રૉપ્રૉસેસરની ડિઝાઇન તૈયાર કરી છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી મદ્રાસ આ માઇક્રૉપ્રૉસેસરની સ્ટ્રૅટૅજિક અને કૉમર્શિયલ ઍપ્લિકૅશન્સ માટે 13થી વધુ કંપનીના સંપર્કમાં છે. આઇઆઇટીની ટીમ સુપર કમ્પ્યુટર માટેનું અત્યાધુનિક માઇક્રૉપ્રૉસેસર ‘પરાશક્તિ’ 2018ના ડિસેમ્બર સુધીમાં તૈયાર કરવાની છે.

November 1, 2018
No_smoking-1280x1280.png
1min14950
  • જાહેર સ્થળો પર ધુમ્રપાન નહીં થાય તેવો કોપ્ટા ધારો લાગૂ છે પણ તેનો કોઇ ભય ધુમ્રપાન કરનારાઓમાં નથી
  • કેન્દ્ર સરકાર જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારાઓને દંડવાની સત્તા પોલીસ કોન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના કર્મચારીઓને આપી રહી છે
  • કોપ્ટા હેઠળ વસુલ કરવામાં આવતા દંડની રકમનું ફંડિંગ કરવા એન્ફોર્સમેન્ટ અધિકારી નોટીફાય કરાશે

દેશમાં અને રાજ્યમાં સિગારેટ એન્ડ અધર ટૉબેકો પ્રોડક્ટ્સ એક્ટ (કૉપ્ટા) હેઠળ જાહેર સ્થળો પર ધૂમ્રપાનની સખત મનાઈ છે, પરંતુ આ નિયમોનું છેડેચોક ઉલ્લંઘન થાય છે.

હાલમાં કોપ્ટા ધારો લાગૂ હોવા છતાં લોકો બેરોકટોક જાહેર સ્થળો પર ધુમ્રપાન કરી રહ્યા છે. તેમને કાયદાનો કોઇ ડર લાગતો હોય તેવી સ્થિતિ દિલ્હી સમેત કોઇ શહેરોમાં જોવા મળતી નથી. આ બાબતને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે દરેક રાજ્યમાં હેડ કૉન્સ્ટેબલ અને મહાનગરપાલિકાના અધિકારીઓને કોપ્ટા હેઠળ દંડ કરવાની સત્તા આપવા આપવાની તજવીજ હાથ ધરી છે.

દરેક રાજ્યના આરોગ્ય ખાતાના સેક્રેટરીને પત્ર લખી નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ હેડ કૉન્સ્ટેબલ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના અધિકારીઓને એડિશનલ એન્ફોર્સમેન્ટ ઑફિસર તરીકે નૉટિફાય કરે જેથી તેઓ કૉપ્ટા અંતર્ગત ફંડ એકઠું કરી શકે.

કેન્દ્રના પત્રમાં પણ લખ્યું છે કે ભારત વિશ્ર્વમાં તમાકુ ઉત્પન્ન કરવામાં દેશનું ત્રીજું અને અને સેવન કરવામાં બીજા નંબરે છે. દર વર્ષે દેશમાં લગભગ 13.5 લાખ લોકો તમાકુના સેવનને લીધે મૃત્યુ પામે છે.

October 30, 2018
train_without_engine.jpg
1min9970

દેશની સૌથી પહેલી એન્જિન વિનાની ટ્રેન ‘ટ્રેન-૧૮’ સ્વદેશી ટેãક્નકથી ૧૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે માત્ર ૧૮ મહિનામાં વિકસાવવામાં આવી

ટ્રેન-૧૮ એક હાઇ-ટેક, ઊર્જા-કાર્યક્ષમ અને એન્જિન વિના જાતે ચાલતી ટ્રેન છે. સફેદ અને બ્લુ રંગની આ ટ્રેને તા.29 ઓક્ટોબર 2018ના રોજ ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરીમાં કેટલાક યાર્ડની સફર કરી હતી. ભારતીય રેલમાં આ ટ્રેન ગેમ-ચેન્જર સાબિત થવાની આશા સેવાઈ રહી છે. આવી ટ્રેનને વિકસાવવામાં જેટલો ખર્ચ થાય છે એની અડધી રકમમાં સ્વદેશી ટેãક્નકથી આ ટ્રેન બનાવી શકાય છે. ૧૬ ડબ્બા ધરાવતી આ ટ્રેનમાં એન્જિન નથી. ૧૫થી ૨૦ ટકા ઊર્જા-કાર્યક્ષમ છે અને એ ઘણું ઓછું કાર્બન ફુટપ્રિન્ટ છોડે છે.

October 24, 2018
organic-farming.jpg
1min16270

સુરતના આંગણે તા.25મી ઓક્ટોબર 2018ના રોજ બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિષય પર એક અત્યંત ઉપયોગી સેમિનાર નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાઇ રહ્યો છે. આ સેમિનારના નિષ્કર્ષનો લાભ છેવાડાના ખેડૂતો સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવામાં આવશે.

કૃષિ રસાયણોના અતિરેકથી જમીન, પાણી, હવા અને ખોરાકના પ્રદૂષણો વધ્યા છે અને પર્યાવરણના પરિબળો અસમતોલ થતાં ઉભા થયેલા પ્રશ્નોનો એક માત્ર ઉકેલ સજીવ ખેતી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નવસારી કૃષિ યુનિવર્સિટી, ગુજરાતના બાગાયત ખાતું અને ગુજરાત બાગાયત વિકાસ પરિષદ, આણંદના સંયુક્ત ઉપક્રમે બાગાયતી પાકોમાં સજીવ ખેતી ઉપર એક દિવસીય સેમિનાર યોજવામાં આવ્યો છે.

આ સેમિનાર તા.25મી ઓક્ટોબર 2018ના રોજ સવારે 8.30 કલાકથી શરૂ કરીને સાંજે 6 કલાક સુધી ચાલશે. અઠવા કૃષિ ફાર્મ, કલામંદિર જ્વેલર્સની પાછળના ભાગે આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યુટ ખાતે આ એક દિવસીય સેમિનારમાં અધ્યક્ષ સ્થાને નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયા ઉપસ્થિત રહેશે. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો.એન.સી. પટેલ આ સેમિનારનું ઉદઘાટન કરશે. જ્યારે ગુજરાત રાજ્યના બાગાયત નિયામક શ્રી ડો.પી.એમ. વઘાસીયા મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના શ્રી મથુરભાઇ સવાણી, ઉદ્યોગપતિ શ્રી દેવરાજભાઇ આર. મુંજાણી અને અસ્પી, મલાડ-મુંબઇના શ્રી શરદભાઇ પટેલ અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેશે.

October 23, 2018
statue-of-unity.jpg
1min12900

Jayesh Brahmbhatt 98253 44944

સ્ટેચ્યુ ઓપ યુનિટી, સરદાર વલ્લભભાઇ પટેલની એવી પ્રતિમા કે જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા હશે અને એ ગુજરાતના નર્મદા જિલ્લામાં આકાર પામી છે. આગામી તા.31મી ઓક્ટોબર 2018ના રોજ સરદાર જયંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જ્યારે અનાવરણ કરશે ત્યારે એ પ્રસંગ ઐતિહાસિક બનવાનો છે. ગુજરાત માટે તો જાણે આ એવો પ્રસંગ છે કે કોઇ ઘરમાં લગ્ન પ્રસંગ ન હોય. ગુજરાત સરકાર પણ એ જ પ્રકારે મહાનુભાવોને નિમંત્રી રહી છે.

તા.31મી ઓક્ટોબર 2018ના રોજ નર્મદા જિલ્લામાં નર્મદા ડેમ સમીપ યોજાનારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કાર્યક્રમમાં સહભાગી થવા માટે ગુજરાત સરકારે લગભગ દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓ, રાજ્યપાલોને આમંત્રિત કર્યા છે અને આ આમંત્રણ આપવા માટે ગુજરાત સરકારે અનેક કમિટીઓ બનાવીને તેમને રૂબરૂ મોકલ્યા છે.

સ્ટેચ્યુઓફ યુનિટીના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવા અંગેની આમંત્રણ પત્રિકા આપવાની કમિટીઓમાં સુરતના બે નેતાઓ સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી.

સી.આર. પાટીલએ મહારાષ્ટ્રના સી.એમ. અને રાજ્યપાલને ઇન્વાઇટ કર્યા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનું આમંત્રણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનામનીની વિદ્યાસાગર રાવને આપવા માટેના પ્રતિનિધિમંડળમાં ગુજરાતના ડેપ્યુટી સી.એમ. નીતિન પટેલની સાથે નવસારીના સાંસદ અને ગુજરાતના કદાવર નેતા સી.આર. પાટીલને મોકલવામાં આવ્યા હતા.

(મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

(મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ચેનાની વિદ્યાસાગર રાવને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપી રહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલ સાથે સુરતના નેતા નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલ તેમજ અન્ય દ્રશ્યમાન છે.)

યુવા ધારાસભ્ય હર્ષ સંઘવીને બિહાર સીએમ નીતિશ કુમારને ઇન્વાઇટ કરવા મોકલાયા

સુરતના મજૂરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાતના યુવા બીજેપી નેતા શ્રી હર્ષ સંઘવીને ગુજરાત સરકારે બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર તેમજ અન્ય વીવીઆઇપીઓને આમંત્રિત કરવા માટેના પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કર્યો હતો. સુરતના નેતા હર્ષ સંઘવી સાથે રાજ્ય પ્રધાનમંડળના શ્રી જયનારાયણ વ્યાસ તેમજ સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તેમજ અન્યો જોડાયા હતા.

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને વિશેષ આદર આપ્યો .)

(બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન સમારોહની આમંત્રણ પત્રિકા આપતી વખતે નીતિશ કુમારે યુવા ધારાસભ્ય, સુરતના નેતા હર્ષ સંઘવીને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.)