જયેશ બ્રહ્મભટ્ટ
એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ પર આધારિત આમીર ખાનની સુપ્રસિદ્ધ ફિલ્મ થ્રી ઇડિયટમાં એક દ્રશ્ય એ છે કે ત્રણ મિત્રો આમંત્રિત ન હોવા છતાં કોલેજના ડાયરેક્ટરની પુત્રીના લગ્નમાં જમવા માટે પહોંચી જાય છે. ફિલ્મમાં આ સીન જોવાની બહુ મજા આવે, મનોરંજક લાગે પણ કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NIT ની હોસ્ટેલમાં રહેતા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલ છોડીને તેમની આસપાસના વિસ્તારોમાં થતાં લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જાય છે, આ પ્રકારે અનેક વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને સમાજમાંથી ગંભીર ફરીયાદો ઉઠતાં કુરુક્ષેત્ર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી NITના મેનેજમેન્ટએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક નોટીસ જારી કરવી પડી છે કે જો હવે પછી તેઓ અજાણ્યાના લગ્નસમારોહમાં, વિના આમંત્રણે જમવા માટે પહોંચી ગયેલા જણાશે, પકડાશે તો તેમની સામે આકરાં શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે.
કુરુક્ષેત્ર એન.આઇ.ટી.ના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ચીફ વોર્ડનએ આ પ્રકારે નોટિસ પાઠવવી પડી છે.

કુરુક્ષેત્ર NITના ચીફ વોર્ડનએ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ જોગ પાઠવેલી નોટિસમાં જણાવ્યું છે કે વિના આમંત્રણે, ભળતા લોકોના લગ્ન સમારોહમાં જમવા માટે પહોંચી જવું એ કોઇ મજાક નથી પણ સિદ્ધાંતો વિરુદ્ધની અને અનૈતિક વાત છે અને એ સંપૂર્ણ અસામાજિક વર્તન છે. સાંખી નહીં લેવાય એવી હરકત કરવાનું હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ બંધ નહીં કરે તો આકરાં પગલાં માટે તૈયાર રહે.
કુરુક્ષેત્ર NITના વિદ્યાર્થીઓ થ્રી ઇડિયટ મૂવીના સીન પરથી પ્રેરણા લઇને હોસ્ટેલનું બીબાંઢાળ ખાવાનું છોડીને હોસ્ટેલની આસપાસના પાર્ટી પ્લોટ્સમાં યોજાઇ રહેલા લગ્ન સમારોહમાં બિન બુલાયે મહેમાનની જેમ જમવા માટે પહોંચી જાય છે. અનેક વખત આ પ્રકારે કુરુક્ષેત્ર એન.આઇ.ટી. જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના વિદ્યાર્થીઓ પકડાય ચૂક્યા છે અને લગ્ન આયોજકોએ તેમની ફરીયાદો પણ કરતા કુરુક્ષેત્ર NITનું મેનેજમેન્ટ હરકતમાં આવ્યું છે.
























