Meeting in the Plane : રત્નકલાકારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ મળવાના સંકેતો
Jayesh Brahmbhatt 98253 44944
રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી સાથે ઉદ્યોગપતિઓનું ડેલિગેશન ઉઝબેકિસ્તાન ગયું હતું. આ ડેલિગેશનમાં સૂરતના ઉદ્યોગપતિઓ સર્વશ્રી દિનેશ નાવડીયા, શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી હર્ષ સંઘવી, કાર્પ ઇમ્પેક્સના શ્રી અનિલભાઇ વિરાણી જોડાયા હતા.
ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news
SGCCI ને સરસાણા ખાતે મળવાની બાકી 10 હજાર ચો.મી. જમીન છુટી ટૂંકમાં છુટી થશે, GJEPC એવોર્ડ ફંકશનનું આમંત્રણ મુખ્યમંત્રીએ સ્વીકાર્યું
સૂરતના હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા કે જેઓ હાલ બે મહત્વના પદો, SGCCIના વાઇસ પ્રેસિડેન્ટ અને GJEPCના રિજિયોનલ ચેરમેન હોઇ આ બન્ને સેક્ટરના કેટલાક પડતર પ્રશ્નો અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને અમદાવાદ પરત ફરતી વખતે પ્લેનની મુસાફરી દરમિયાન રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં રાજ્ય સરકારના સચિવ શ્રી એમ.કે. દાસ પણ ઉપસ્થિત હતા.
ઉડતાં પ્લેનમાં મુખ્યમંત્રી રૂપાણીઅને GJEPC-SGCCIના દિનેશ નાવડીયાએ સૂરતના ઉદ્યોગોના કેટલાક મહત્વના પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી – C.I.A. Live news
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં અગ્રણી શ્રી દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું કે સૂરતના હીરા ઉદ્યોગને સ્પર્શતો મહત્વનો અને પેન્ડિંગ પ્રશ્ન એ હતો કે રત્નકલાકારોની આવક પર પ્રોફેશનલ ટેક્સ રાજ્ય સરકાર દ્વારા વસૂલ કરવામાં આવતો હતો. આ ટેક્સનો બોજ દૂર કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી હતી. દિનેશ નાવડીયાએ ભારપૂર્વક આ ટેક્સમાંથી હીરા ઉદ્યોગમાં કામ કરતા લાખો રત્નકલાકારોના હિતમાં મુક્તિ આપવાની રજૂઆત કરી હતી. તેમની રજૂઆતો સાંભળ્યા બાદ મુખ્યમંત્રી શ્રી રૂપાણી અને શ્રી દાસએ આ કાર્ય થઇ શકે તેમ હોઇ, ટૂંક સમયમાં અધિકારીઓ સાથે મિટીંગ યોજીને આ મુદ્દે સકારાત્મક નિવેડો લાવવાની કાર્યવાહી હાથ ધરવાની બાંહેધરી આપી હતી.
ચેમ્બર માટે સંપાદિત સરસાણાની જમીનનો કબજો મળશે
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સરસાણા ખાતે કન્વેન્શન સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કન્વેન્શન સેન્ટર સાથે 10 હજાર વાર જેટલી જગ્યાનો કબજો લેવાનો હજુ બાકી છે. એક યા બીજા કારણોસર અને કેટલીક ટેકનિકલ ગૂંચને પગલે ચેમ્બર ઓફ કોમર્સને જમીનનો કબજો મળી શકતો ન હતો. ઉઝબેકિસ્તાનથી પરત ફરતી વખતે દિનેશ નાવડીયાએ રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીને આ પેન્ડિંગ પ્રશ્નનો હલ તાત્કાલિક લાવી આપવા રજૂઆત કરી હતી. જેના સંદર્ભમાં પણ મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ તેમને ટૂંક સમયમાં આ મુદ્દે સકારાત્મકતાથી કામ લઇને ચેમ્બરની તરફેણમાં જમીનનો પ્રશ્ન હલ થાય તેવા સંજોગો ઉજળા બન્યા છે.
GJEPC ના એવોર્ડ ફંકશનમાં આવવાનું આમંત્રણ મુખ્યમંત્રી રૂપાણીએ સ્વીકાર્યુ
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ GJEPC દ્વારા હીરા ઉદ્યોગો દ્વારા જુદા જુદા એરીયા, સેક્ટર, વિભાગો, ક્રાઇટેરીયા વગેરેમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ હીરા ઉદ્યોગપતિઓનું જાહેર અભિવાદન કરવા માટે એવોર્ડ ફંકશન યોજવામાં આવે છે. આ એવોર્ડ ફંકશનમાં ઉપસ્થિત રહેવા અંગે GJEPC ના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાએ મુખ્યમંત્રી શ્રી રૂપાણીને નિમંત્રિત કર્યા હતા. શ્રી રૂપાણીએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો હોવાનું દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું.
સૂરતીઓ માટે મૈત્રેય હોસ્પિટલ એટલે બ્રાન્ડ ન્યુ મેડીકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
Jayesh Brahmbhatt 98253 44944
સૂરત શહેર ધંધાકીય દ્રષ્ટીએ જે પ્રકારની
પ્રગતિ કરી રહ્યું છે એ પ્રકારની પ્રગતિ મેડીકલ ટ્રીટમેન્ટ ક્ષેત્રમાં પણ થઇ રહી
છે. અગાઉના વર્ષોમાં કેટલીક ક્રિટીકલ ટ્રીટમેન્ટ તેમજ ઓપરેશન્સ માટે મુંબઇ જવું
પડતું પરંતુ, હવે સૂરત શહેર પોતે જ મેડીકલ ફિલ્ડમાં પગભર થઇ રહ્યું છે અને
બહારગામથી લોકો મેડીકલ ટ્રીટમેન્ટ માટે સૂરત આવી રહ્યા છે તેવી માળખાગત સુવિધાઓ
સૂરતમાં ઉભી થઇ છે.
મેડીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાલુ માસે સૂરતના ઉધના મગદલ્લા રોડ પર સોમેશ્વરા બીઆરટીએસ નજીક, હાર્લે ડેવિડસન બાઇક શો રુમની સામે શરૂ થયેલી મૈત્રૈય મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ સૂરત જ નહીં બલ્કે સમગ્ર દક્ષિણ ગુજરાત અને ગુજરાતના લોકો માટે મહત્વની ફેસેલિટી બનશે. કેમકે મૈત્રેય હોસ્પિટલની એક છતની નીચે સૂરતના મોટા ભાગના ખ્યાતનામ તબીબોની સેવા ઉપલબ્ધ બનશે.
મેડીકલ પ્રોફેશનમાં હાલ એક ટ્રેન્ડ શરૂ
થયો છે અને એ ટ્રેન્ડ એવો છે કે જેમાં જુદી ફિલ્ડ, જુદી જુદી સ્પેશ્યાલિટી ધરાવતા
તબીબો ભેગા મળીને એક મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું નિર્માણ કરે અને તેનો
લાભ સૂરતના લોકોને બખૂબી મળે. એક તબીબ કે થોડા તબીબોના એક જૂથથી આગળ વધીને મૈત્રેય
મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી હોસ્પિટલ બની છે કે જ્યાં હાર્ટથી લઇને
પ્લાસ્ટિક સર્જરી સુધી, એનેસ્થેટિસ્ટથી લઇને ક્રિટિકલ કેર, ડેન્ટીસ્ટથી લઇને
યુરોલોજી, હિમેટોલોજીથી લઇને ઓન્કો સર્જરી, મેડીકલ ક્ષેત્રમાં જરૂરી જણાય એવા તમામ
એક્સપર્ટસ તબીબોની સેવા અહીં મળશે. એવા અનેક ફેમિલી ફિજિશ્યન્સ તેમજ નિષ્ણાંત
તબીબો મૈત્રેય હોસ્પિટલ સાથે સંકળાયેલા છે જેઓ પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ કરશે
અને જરૂર પડશે ત્યારે ઇન્ડોર પેશન્ટ તરીકે તેમના દર્દીઓ માટે ઘનિષ્ઠ સારવારની
સુવિધા પણ મેળવી શકશે.
સૂરતના વિસ્પી ખરાદી અને ટીમ 2 Next to Impossible કૌવત દેખાડી વર્લ્ડ રેકોર્ડ ક્લેમ કરશે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
બોલીવુડના સુપ્રસિદ્ધ અક્ષયકુમાર જેને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે એ મિક્ષ માર્શલ આર્ટ તરીકે ઓળખાતા અને જેને સ્કુલ ગેમ્સ લિસ્ટમાં સ્થાન મળ્યું છે એ કુડો ની ઇન્ટરનેશનલ ઇવેન્ટ તા.22મી ઓક્ટોબરથી તા.24મી ઓક્ટોબર દરમિયાન સૂરતમાં યોજાઇ રહી છે. કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનમાં તા.24મી ઓક્ટોબરના રોજ અક્ષયકુમાર ખુદ સૂરત આવીને વિજેતાઓને પ્રોત્સાહિત કરશે અને સાથે સમગ્ર વિશ્વનું ધ્યાન સૂરત પર કેન્દ્રીત થાય એવા બે અશક્ય ગણાતા રેકોર્ડઝને સૂરતના મલ્ટી ટેલેન્ટેડ વિસ્પી ખરાદી અને તેમની ટીમ ચેઝ કરીને ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે દાવેદારી નોંધાવશે.
સૂરતમાં તા.22થી 24 ઓક્ટોબર 2019 દરમિયાન યોજાઇ રહેલી 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના આયોજન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કુડો ટુર્નામેન્ટના ફાઉન્ડર મેહુલભાઇ વોરા, સૂરતના મલ્ટી ટેલેન્ટેડ માર્શલ આર્ટ ટ્રેનર વિસ્પી ખરાદી, દારાયસ કુપર સમેત આગેવાનોએ માહિતી આપી હતી. – C.I.A. Live News Web
સૂરતમાં યોજાઇ રહેલી આ મહત્વની કુડો ઇન્ટરનેશનલ કોમ્પિટીશનની વધુ માહિતી આપતા કુડોના ફાઉન્ડર મેહુલ વોરા, વિસ્પી ખરાદી અને દારાયસ કુપરએ જણાવ્યું હતું કે કુડો એ મિક્ષ માર્શલ આર્ટ ગણાય છે અને અક્ષય કુમાર આ માર્શલ આર્ટને ખૂબ અંગત રસ લઇને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
સૂરત નસીબવંતુ છે કે અહીં 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટ તા.22 થી 24 ઓક્ટોબર વચ્ચે આ સુરત શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડીયમમાં યોજાઇ રહી છે અને ભારતભર ઉપરાંત શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને માલદીવથી પણ સ્પર્ધકો સૂરત આવી પહોંચ્યા છે.
જમ્મુ કાશ્મીર સમેત ભારતના 27 રાજ્યોના કુલ 5100થી વધુ સ્પર્ધકો કુડોની આ ઇવેન્ટમાં પોતાનું કૌવત દાખવશે.
કુડો એવો માર્શલ આર્ટ છે કે જે બિલકુલ સરળ અને બિલકુલ વિનામૂલ્યે શાળાકીય બાળકોને શીખવવામાં આવે છે. કેન્દ્ર સરકારે આ માર્શલ આર્ટને સ્કુલ ગેમ્સમાં પણ સ્થાન આપ્યું છે. યુવતિઓને ખાસ કુડો મિક્સ માર્શલ આર્ટથી સેલ્ફ ડિફેન્સ સુધીની ટેકનિક્સ શીખવવામાં આવે છે એમ કુડો ફેડરેશનના ટ્રેઝરર અને મીક્ષ માર્શલ આર્ટ કુડોના ઉચ્ચ ડિગ્રી ધારી બ્લેક બેલ્ટ રેન્સી વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું.
બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવશે
કુડોની ઇવેન્ટની સાથે સાથે ઇન્ડોર સ્ટેડીયમ ખાતે તા.23મી ઓક્ટોબર 2019ની સાંજે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે વિસ્પી ખરાદી અને તેમની ટીમ પ્રયાસો કરશે. આ બન્ને એવા કૌવત છે જે બહુ જ જોખમી છે અને માર્શલ આર્ટની દુનિયામાં તેને નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ગણવામાં આવે છે.
મોસ્ટ લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ
મોસ્ટ આયર્ન રોડ બેન્ડ વીથ નેક
ઉપરોક્ત બન્ને રેકોર્ડ માટે
વિસ્પી ખરાદી
દારાયસ કુપર
જેકી પટેલ
ભાવેશ પાનવાલા
રમીઝ વિરાણી
અબુ બકર
ખુશરુ કડવા
જમશેદ ભાઠેના અને
મનન પટેલ પણ પોતાનું કૌવત દાખવશે.
વિસ્પી ખરાદીએ જણાવ્યુ હતું કે લોખંડના સળીયાને ગરદનની પાછળના ભાગે બેઝ બનાવીને તેને 90 ડિગ્રીએ વાળવાની આ ઇવેન્ટ હજુ સુધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝ માટે એટેમ્પ્ટ થઇ નથી. તેની સાથે લેયર્ડ બેડ ઓફ નેઇલ્સ સેન્ડવીચ પણ એવું કૌવત છે જેમાં શારીરીક ઇજા થવાનું જોખમ છે. આ બન્ને માટે ગિનેસ રેકોર્ડ ક્લેઇમ કરવામાં આવશે. આ રેકોર્ડ પર દેખરેખ રાખવા માટે ખાસ લંડનથી ગિનેસ સંસ્થાની ટીમ સૂરત આવી પહોંચી છે.
ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર 24મીએ આવશે
જેના નામ પર જ સમગ્ર ટુર્નામેન્ટ યોજાઇ રહી છે એ 11મી અક્ષયકુમાર કુડો ટુર્નામેન્ટના સમાપન સમારોહ પ્રસંગે ખુદ ફિલ્મસ્ટાર અક્ષયકુમાર સૂરતના ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઉપસ્થિત રહીને સ્પર્ધકો તેમજ વિજેતાઓને પ્રોત્સાહિત કરશે.
પ્રેરણા અને તક માટે ક્યારેય કોઇએ રાહ જોવી પડતી નથી. કિસ્મતના રોદણા રડવાવાળા લોકો ભલે બદકિસ્મતીની દુહાઇ દેતા હોય પરંતુ, તક અને પ્રેરણા લેનારાઓ એને સ્વબળે પેદા કરતા હોય છે. દિલ-દિમાગ ખુલ્લા હોય તો પ્રેરણા કે તક છાશવારે સામે આવે છે. અહીં વાત કરવી છે રોટરેક્ટ સૂરત ઇસ્ટની ટીમની. રોટરેક્ટ સૂરત ઇસ્ટના વર્તમાન વહીવટકર્તાઓએ દિવાળીના તહેવારોમાં લોકોને વ્યાજબી દરે કાજૂ કતરી જેવી મીઠાઇ ગુણવત્તાયુક્ત મળે એ માટે પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
બજારમાં 800 રૂપિયો કિલોના ભાવથી શરૂ થતી અને 1200થી 1500 સુધીના ભાવે વેચાઇ રહેલી કાજૂ કતરી, કાજુ ફેન્સીની મીઠાઇઓ સામાન્ય મધ્યમર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સને પણ પોષાય એમ નથી હોતી. આથી રોટરેક્ટ સૂરત ઇસ્ટએ દિવાળીની મીઠાઇની માગને ધ્યાને લઇને સ્વયં કાજૂકતરી મીઠાઇ બનાવીને વ્યાજબી ભાવે વિતરીત કરવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો હતો.
અંદાજિત ઓર્ડર મેળવવા માટે આ કામ કર્યું
ઉપરોક્ટ પોસ્ટર વરાછા રોડના પોતપોતાના ગ્રુપોમાં મૂકીને દિવાળી પર રાહત દરે કાજૂ કતરી વિતરીત કરવાનો પ્રોજેક્ટ રોટરેક્ટ સૂરત ઇસ્ટએ શરૂ કર્યો. આ પ્રોજેક્ટને નામ આપવામાં આવ્યું મિષ્ટાનમાં મુસ્કાન. રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયા, સેક્ટરેટરી આશિષ પાંચાણી, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર નિકુંજ માલવિયા અને પ્રોજેક્ટ ચેરમેન બ્રિજેશ ધામેલિયાએ પોતાના નંબર આપીને કાજૂ કતરીનો ઓર્ડર લેવા માંડ્યા. જોતજોતામાં 660 કિલો કાજૂકતરીનો તોતિંગ ઓર્ડર મળી ગયો.
600 રૂપિયે કિલોના ભાવે વેચી 666 કિલો કાજૂ કતરી
રોટરેક્ટ સૂરત ઇસ્ટના નીતિન ધામેલિયાએ જણાવ્યું કે આજે ગુણવત્તા યુક્ત કાજૂકતરી 600 રૂપિયે કિલો કોણ વેચે, સંસ્થાએ બિલકુલ ક્વોલિટી રૉ મટિરીયલથી તૈયાર કરાવેલી કાજૂ કતરીને રૂ.600નો ભાવે વેચી અને 666 કિલો કાજૂ કતરી ફટાફટ વેચાઇ ગઇ. મધ્યમવર્ગીય પરિવારોથી લઇને કોર્પોરેટ્સ માટે 600 રૂપિયામાં કાજૂકતરી એ સાર્થક દિવાળી સમાન છે.
રોટરેક્ટ સૂરત ઇસ્ટને જે નફો થશે એ શિક્ષણના હિતમાં વપરાશે
મિષ્ટાનમાં મુસ્કાન પ્રોજેક્ટ અંતર્ગત રોટરેક્ટ સૂરત ઇસ્ટને કાજૂકતરી બનાવીને વ્યાજબી ભાવે વેચ્યા પછી જે નફો થશે એ શિક્ષણના હિતના કામોમાં ખર્ચ કરવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સંસ્થાના નીતિનભાઇ ધામેલિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રોટરેક્ટ સૂરત ઇસ્ટને આ પ્રકારે મિષ્ટાનમાં મૂસ્કાન પ્રોજેક્ટની પ્રેરણા સી.આઇ.એ. લાઇવના રક્ષાબંધન બાદના રિપોર્ટના આધારે મળી હતી. જેમાં નિર્દેશ કરાયો હતો કે મોંઘાભાવે મીઠાઇઓ વેચતા મીઠાઇશોપ કરતા સંસ્થાઓએ બનાવેલી રાહત દરની મીઠાઇઓ રક્ષાબંધને વધુ વેચાઇ હતી.
રક્ષાબંધન 2019 બાદ સી.આઇ.એ. લાઇવ ન્યુઝ પોર્ટલ એ આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો
શહેરમાં એક રિક્ષાચાલકને પોતાની રિક્ષા વેચી નાખ્યા બાદ રૂપિયા ૭૬ હજારના ૨૭૫ ઈ-મેમો આપવામાં આવતાં આ રિક્ષાચાલકની હાલત કફોડી થઈ ગઈ હતી. આટલો મોટો દંડ કરાતાં આ રિક્ષાચાલક તેની કૅફિયતની રજૂઆત કરવા પોલીસ કમિશનર કચેરી ખાતે પરિવાર સાથે પહોંચ્યો હતો.
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા યુવાનને પોલીસ કમિશનરની કચેરીમાંથી ફોન આવ્યા બાદ તે કચેરીમાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેને ૨૫૭ ઈ-મેમો આપ્યા હતા જેમાં કુલ ૭૬,૩૭૫ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. તેણે ચાર મહિના પહેલા રૂપિયા ૩૦ હજારમાં રિક્ષા વેચી નાખી હતી. આ તરફ પોલીસ દંડ નહીં ભરાતા પોલીસ રિક્ષા જમા કરવાની તૈયારી કરી રહી છે.
રિક્ષા ખરીદનાર વ્યક્તિ આ દંડ ભરવા માટે દબાણ કરી રહ્યો છે, ત્યારે પોતાના પર આવી પડેલી મુશ્કેલી મામલે આ યુવાન પરિવાર સાથે રજૂઆત કરવા પોલીસ કમિશનર ઑફિસે પહોંચ્યો હતો.
સ્મશાનભૂમિમાં લાકડાથી જ અંતિમ સંસ્કારનો આગ્રહ નહીં રખાય
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આજનો જમાનો એ સંગઠન શક્તિનો જમાનો છે. જ્ઞાતિ-સમાજોના મંડળો સંગઠિત થઇ રહ્યા છે અને સમાજના વિશાળ સંગઠનના માધ્યમથી અનેક અશક્ય જણાતા રચનાત્મક કાર્યો, સામાજિક પરિવર્તનો થઇ રહ્યા છે. દારુબંધી, વ્યસન મુક્તિ, જ્ઞાતિમાં પ્રવર્તમાન કુરિવાજો, લગ્ન પ્રસંગના ભપકાદાર ખર્ચાઓ વગેરેનું બિનજરૂરી દૂષણ સમાજ દ્વારા દૂર કરવામાં આવ્યાના અનેક દાખલા છે. પણ સૂરત સ્થિત તેરાપંથ સમાજે એક એવો સંકલ્પ જાહેર કરીને સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં દાખલો બેસાડ્યો છે કે તેરાપંથ સમાજના લોકોમાં કોઇનું મૃત્યુ થાય તો મૃતદેહને લાકડામાં બાળવાનો દુરાગ્રહ નહીં રાખતા સ્મશાનગૃહમાં ઉપલબ્ધ ગેસની ભઠ્ઠી કે ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવશે.
સૂરતના તેરાપંથ સમાજે મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ગેસ બેઝ કે ઇલેક્ટ્રીક બેઝ્ડ ભઠ્ઠીમાં કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પૃથ્વી પર વૃક્ષો બચાવવાના અભિયાનના ભાગરૂપે આ નિર્ણય લેવાયો છે.
આ અંગેનો સંકલ્પ તેરાપંથ સમાજે તા.20મી ઓક્ટોબર 2019ના રોજ સૂરતના સિટીલાઇટ ખાતે આવેલા તેરાપંથ ભવનમાં મુનિ શ્રી કમલકુમારની નિશ્રામાં યોજાયેલા વિશાળ સભામાં યોજવામાં આવી છે.
એ પૂર્વે તા.17મી ઓક્ટોબર 2019ના રોજ પત્રકાર પરીષદમાં મુની શ્રી કમલકુમારે વિશાળ મેદનીને સંબોધતા કહ્યું હતું કે પરિવર્તન સંસારનો નિયમ છે. પરિવર્તન બધે જ સમયસંજોગોને આધિન કરવું પડે છે અને પરિવર્તનને અપનાવવું પડે છે. સામાજિક ઉત્થાન હોય કે કુદરતની રક્ષા કરવા માટે હકારાત્મક પરિવર્તન માટે સમાજ અને સમાજના લોકોએ અગ્રેસર રહેવું જોઇએ.
મુનિશ્રી કમલકુમારે કહ્યું કે આજે જંગલો ખતમ થઇ રહ્યા છે, જંગલ નહીં હોય તો પૃથ્વી, પ્રકૃતિ, વાતાવરણ વિનાશ માર્ગે જશે. જંગલો, વૃક્ષો નહીં હોય તો વરસાદ નહીં પડે, માનવ જીવન આના વગર કલ્પી શકાશે નહીં. આથી જંગલો, વૃક્ષો બચાવવા માટે લાકડાનો બને તેટલો ઉપયોગ ઓછો કરવો જરૂરી થઇ પડ્યો છે. તેમણે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાના ઉપયોગનો દુરાગ્રહ છોડવાની હિમાયત કરતા કહ્યું હતુ કે આ એક સમાજ કે જ્ઞાતિની વાત નથી પણ જનસામાન્યની વાત છે.
તેરાપંથ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઇ બોથરાએ કહ્યું કે સ્મશાનભૂમિમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર લાકડાની જગ્યાએ ઉપલબ્ધ ઇલેક્ટ્રીક કે ગેસ ભઠ્ઠીમાં કરવા અંગે મોટા પાયે લોકજાગૃતિ પ્રસરાવવાની તાતી જરૂરીયાત છે.
અગ્રણી ભરતભાઇ શાહે કહ્યું કે સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર માટે લાકડાનો ઉપયોગ નહીં થાય અને વૃક્ષોને બચાવવા માટે નાના નાના ગામડાઓથી લઇને નાના શહેરોમાં ઇલેક્ટ્રીક કે ગેસથી ચાલતા સ્મશાનગૃહો તૈયાર કરવાની આવશ્યકતા છે.
સેવા સમાજ ફાઉન્ડેશન
સેવા સમાજ ફાઉન્ડેશનના શ્રી અશોકભાઇ ગોયેલએ જણાવ્યું કે વૃક્ષો બચાવવા માટે હવે યુદ્ધના ધોરણે પ્રયાસો જરૂરી થઇ પડ્યા છે. સમયનો તકાજો છે કે જો વૃક્ષો નહીં હશે તો વાતાવરણ નહીં અને વાતાવરણ નહીં હોય તો માનવ જીવન શક્ય નથી. તેમણે મૃતદેહોના અંતિમ સંસ્કારમાં લાકડાની જગ્યાએ ગેસ ભટ્ઠી કે ઇલેક્ટ્રીક ભટ્ઠીના ઉપયોગ અંગે જનજાગૃતિ પ્રસરાવવામાં સેવા સમાજ ફાઉન્ડેશન મોટા પાયે કામ કરશે એમ જણાવ્યું હતું.
સૂરત, ભીવંડી, મુંબઇ, અમદાવાદના ઉદ્યોગ-ધંધાર્થીઓ RCEP અંગે કેન્દ્ર પાસે માગશે જાણકારી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
આગામી નવેમ્બર 2019માં જેના પર ભારત સરકાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરશે એ રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમીક પાર્ટનરશીપ RCEP થી સૂરત, મુંબઇ, ભીવંડી વગેરેમાં વિકસેલા ટેક્સટાઇલ ઉદ્યોગને મોટી અસર થશે અને એવો પણ ભય છે કે સ્થાનિક ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ નામશેષ થઇ જાય. ચાઇના, હોંગકોંગ સમેતના દેશો સામે ભારતીય ઉત્પાદકો ટક્કર આપી નહીં શકે એવા RCEP અને 16 દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ શું કામ અને કેન્દ્ર સરકારનો હેતુ શું એવી વિગતો માગવાનો નિર્ણય આજે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ RCEPના મુદ્દે યોજાયેલી તમામ ઘટકસંઘોના આગેવાનોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ કેતન દેસાઇ અને ઉપપ્રમુખ દિનેશભાઇ નાવડીયાએ સૂચિત RCEP સામે સ્થાનિક ઉદ્યોગકારો, કારખાનેદારો વતી કેન્દ્ર સરકાર સામે કેવી રીતે રજૂઆત કરી શકાય એ માટેનો સેન્સ લેવા માટે આજે બેઠક યોજી હતી. જેમાં સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા યાર્ન, વિવીંગ, નીટીંગ, ટ્રેડિંગ અને ગારમેન્ટિંગ તમામ સેક્ટર સાથે સંકળાયેલા તમામ ઘટક સંઘો, અગ્રણી ઉધોગગૃહો તેમજ ઉદ્યોગપતિઓ ઉપરાંત મહારાષ્ટ્રના મુંબઇ, ભીવંડી અને અમદાવાદ જેવા વિસ્તારોમાંથી ઉદ્યોગપતિઓએ ભાગ લઇને RCEP અંગે પોતપોતાના વિચારો રજૂ કર્યા હતા.
બપોરે 4 વાગ્યે શરૂ થયેલી મિટીંગમાં 135 મિનિટ જેટલી મેરેથોન ચર્ચા ચાલી હતી. તમામનો સૂર એક જ હતો કે રિજિયોનલ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ અન્વયે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને કારણે સ્થાનિક ઉત્પાદકો, વેપારીઓને મોટું નુકસાન છે કેમકે ચીન, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જેવા દેશો બિલકુલ આસાનીથી ભારતના માર્કેટમાં પોતાના માલ કોઇપણ પ્રકારના ટેક્સ, ચાર્જ વગર ખડકી દેશે. સૂરત સમેત ભારતના ઉદ્યોગ પાસે એવી ક્વોલિટીનો માલ નથી હોતો કે નથી બનતો જે બહારના દેશોના ઉત્પાદકો બનાવી શકે. આથી સ્થાનિક ઉદ્યોગો પાયમાલ થઇ જશે.
RCEPની સૌથી માઠી અસર ટેક્સટાઇલ ઉદ્યોગકારો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે. 135 મિનિટની મેરેથોન ચર્ચાના અંતે એવો નિષ્કર્ષ આવ્યો કે RCEP રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપનો મુસદ્દો જ ચેમ્બર ઓફ કોમર્સ કે અન્ય કોઇ સંસ્થા સંગઠન પાસે નથી, તો કેન્દ્ર સરકારને કે અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆતો શું કરવી, પરીણામે બેઠકના અંતે સર્વાનુમતે એવું નક્કી કરાયું કે બનતી ત્વરાએ કેન્દ્ર સરકારના સક્ષમ મંત્રી પાસે સમય માગીને સૂચિત RCEP નો મુસદ્દો તેમજ કેન્દ્ર સરકારની આ વિષયે શું નીતિ રહેવાની છે એની જાણકારી માગવામાં આવે અને એ પછી ભાવિ લડત કે રજૂઆતોનું સ્વરૂપ નક્કી કરવામાં આવે.
આજની બેઠકમાં ધારદાર રજૂઆતો કરનારાઓમાં
રજનિકાંતભાઇ બચકાણીવાળા – ચેમ્બર પાસે ડેટા બેઝ, ઇકોનોમિસ્ટસ હોવો જોઇએ
નારાયણભાઇ અગરવાલ – એન્ટીંગ ડમ્પીંગ ડ્યૂટીના ઇશ્યુઝ પર લડવું જોઇએ
નવીનભાઇ ઠક્કર – આક્રમક રજૂઆતો જરૂરી
મિતિશભાઇ મોદી (સી.એ.) – તમામ ઉદ્યોગકારો વતી મુદ્દાસર લડત જરૂરી
બ્રિજેશભાઇ ગોંડલિયા – RCEP થી ટેક્સટાઇલના કોઇ સેક્ટરને ફાયદો નથી
લલિતભાઇ ચાંડક – એક થઇને લડવું એ જ સાચી દિશાની લડત
હેમંતભાઇ દેસાઇ– ઇનડાયરેક્ટ ટેક્સીસ સામે સરકારને કહેવું જોઇએ
સમેત અનેક આગેવાનોઓ RCEPના મુદ્દા પર પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા.
બહારગામથી આવેલા ઉદ્યોગકારોએ શું કહ્યું
ભીવંડી પાવરલૂમ્સ વિવર્સ એસોએશનના આગેવાન પૂનિત ખીમસીયા, સરોશ શેખ, હિરેનભાઇ નાગરા, મુંબઇના અનુરાગ પોદ્દાર સમેત અનેક આગેવાનોએ ઉપસ્થિત રહીને એક સાથે લડત આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
ભીવંડી પાવરલૂમ એસોસિએશનના શ્રી પુનીત ખીમસીયાએ જણાવ્યુ હતુ કે, ભારત નવેમ્બર ર૦૧૯માં ૧પ જેટલા દેશો આરસેપ અંગેનો કરાર કરવા જઇ રહી છે. આ દેશોમાં ચાઇનાનો પણ સમાવેશ થાય છે. ચાઇના ખૂબ જ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ભારતમાં ડમ્પ કરશે. જેની માઠી અસર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની આખી ચેનલ ઉપર પડશે.
ભીવંડીના શ્રી સરોજભાઇએ જણાવ્યુ હતુ કે, ચાઇના પાસે અત્યારે પ૦ બિલીયન ડોલરનો માલ પડેલો છે. આરસેપ કરારમાં ભારત સિવાય અન્ય કોઇ વિશાળ માર્કેેટ ચાઇના માટે નથી. ભારતે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવા માટે કેપીટલ કોસ્ટ ઘટાડીને ઇન્ફ્રાસ્ટ્રકચર પુરુ પાડવુ પડશે. ઇન્ડસ્ટ્રીને પગભર થવા માટે પાંચથી દસ વર્ષનો સમય આપવો જોઇએ.
આદિત્ય બિરલા ગૃપમાંથી શ્રી કિરણભાઇ પંડયાએ જણાવ્યુ હતુ કે, ચાઇનાને કોઇપણ હિસાબે તાત્કાલિક વિશાળ માર્કેટ જોઇએ. તેને પોતાની નજીકનું માર્કેટ ભારતમાં જ મળી રહેશે. આરસેપ કરાર થતાની સાથે જ ચાઇના પોતાની પાસેનો કાપડનો તમામ જથ્થો ભારતના વિશાળ માર્કેટમાં ડમ્પ કરશે. જેથી વિસ્કોસ વેલ્યુ ચેઇન આખેઆખી ડિસ્ટર્બ થશે. સરકારના મેક ઇન ઇન્ડીયા પ્રોજેકટને પણ ગંભીર અસર થશે.
ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇએ શું કહ્યું
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ અંતે એવુ સૂચન કર્યુ હતુ કે ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના દરેક સેકટરના આગેવાનો મળીને દસથી પંદર જણાનુ એક પ્રતિનિધી મંડળ ચેમ્બરના નેજા હેઠળ નવી દિલ્હીમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળશે. આરસેપ કરાર કરવામાં સરકારને શું રસ છે તે બાબત સમજીને સરકારશ્રીને આ અંગે અસરકારક રજૂઆત કરવામાં આવશે. પ્રમુખશ્રીના આ સૂચનને સર્વેએ આવકાર્યુ હતુ અને નવી દિલ્હી ખાતે મિનિસ્ટ્રી ઓફ કોમર્સને મળવાનું નકકી કરવામાં આવ્યુ હતુ. ટેક્ષ્ટાઇલ બાદ ડેરી, એગ્રી અને હેવી સહિતની અન્ય ઇન્ડસ્ટ્રીની મુશ્કેલી સમજવા માટે પણ ચેમ્બરમાં મિટીંગનું આયોજન કરવાનું નકકી થયુ હતુ.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના વિવિંગ, નીટિંગ, સ્પીનર્સ, પ્રોસેસિંગ અને ગારમેન્ટીંગ સેકટરના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હતા. આ ઉપરાંત મુંબઇ, ભીવંડી, માલેગાંવ, ઇચ્છલકરંજી અને અમદાવાદ ખાતેથી વિવિધ પાવરલૂમ્સ એસોસિએશનના પ્રતિનિધીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ મિટીંગમાં ઉપસ્થિત સર્વેએ આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને ભય હોવાનો મત વ્યકત કરી આરસેપથી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને દૂર રાખવા માટે સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાનુ નકકી કરવામાં આવ્યુ હતુ.
સુરતમાં હીરા ઉદ્યોગકારોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કર્યું ભવ્ય અભિવાદન
સૂરતના હીરા ઉદ્યોગકારોએ આજે ભેગા મળીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો જાહેર અભિવાદન કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન કર્યો હતો. હીરા ઉદ્યોગ પર લાગૂ પાડવામાં આવેલા જીએસટીના દરો ઘટાડવા સંદર્ભે કેન્દ્ર સરકારમાં પરીણામલક્ષી રજૂઆતો કરવામાં આગેવાની લેવા બદલ સૂરતના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), સૂરત ડાયમંડ એસોસીએશન તેમજ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના ઉપક્રમે સૂરતના અમેઝીયા સંકુલમાં આજે તા.14મી ઓક્ટોબર 2019ના રોજ બપોરે 3 કલાકે ગુજરાતના મુખ્યમંત્રી નીતિન પટેલનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું. સૂરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય ઘટક સંઘો, નવસારીના હીરા ઉદ્યોગકારો, ખંભાતના હીરા ઉદ્યોગકારો સમેત અનેક સંસ્થાઓએ આ પ્રસંગે નીતિન પટેલનું બહુમાન કર્યું હતું.
હીરા ઉદ્યોગને કનડી રહેલા જીએસટીના અતિશય દરોને ઓછા કરવા સંદર્ભની કાર્યવાહી હાથ ધરાય એ માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત સાંસદો સર્વશ્રી સી.આર. પાટીલ, શ્રીમતી દર્શનાબેન જરદોષ તેમજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવીયા સમેતના નેતાઓએ કરેલી ધારદાર રજૂઆતોની જાહેર નોંધ લઇને તેમનો જાહેરમાં ઋુણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
સમારંભના આરંભમાં જેજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઇ નાવડીયાએ તમામ મહાનુભાવોને આવકારતા નિખાલસ વાતો કરી હતી. તેમણે કહ્યું કે જેમ જેમ જીએસટીનો અમલ શરૂ થયો તેમ તેમ તેની નકારાત્મક બાબતે સામે આવી હતી. જીએસટી સમેત અન્ય પ્રતિકૂળતાએ જ્યારે સામે આવે ત્યારે જ તેની અસરકારકતાની પ્રતીતિ થાય. સૂરતના હીરા ઉદ્યોગકારો વતી અનેક વખત રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં, સ્થાનિક સાંસદો દ્વારા, ધારાસભ્યો દ્વારા રજૂઆતો થઇ. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલએ સમગ્ર પ્રશ્નનો સમજ્યો અને પછી કેન્દ્રમાં તેમણે પરીણાલક્ષી રજૂઆતો કરી, જેની ફળશ્રૃતિ રૂપે હીરા ઉદ્યોગ પરથી જીએસટીનો બિનજરૂરી ભાર ઓછો થયો છે.
પોતાના જાહેર અભિવાદન બદલ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલએ સૂરતના હીરા ઉદ્યોગકારો તેમજ મહાનુભાવોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.
આ લોકોએ સમારોહને શાનદાર બનાવ્યો
આ સમારોહને સફળ બનાવવામાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશભાઈ નાવડીયા, જિલ્પાબેન શેઠ તેમજ સમગ્ર કાઉન્સિલ સ્ટાફ ઉપરાંત સુરત ડાયમંડ એસોસિએશન પ્રમુખ શ્રી બાબુભાઈ કથીરિયા અને તેમની ટીમ તથા સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસીએશનના પ્રમુખશ્રી જયંતીભાઈ સાવલીયા તેમજ તેમની ટીમે છેલ્લા દસ દિવસથી ભારે જહેમત ઊઠાવી હતી.
સૂરત આજરોજ તા.12મી ઓક્ટોબર 2019ના રોજ એવી બિનરાજકીય અને રાષ્ટ્રહિતના સમર્થનમાં નીકળેલી વિરાટ રેલીનું સાક્ષી બન્યુ છે જેમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટ્યો હતો. સૂરતના જાણિતા આઇ સ્પેશ્યાલિસ્ટ તબીબ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બિનસરકારી સંસ્થા સમર્થન ગ્રુપે રાષ્ટ્ર હિતમાં કાશ્મીરમાં કેન્દ્ર સરકારે કરેલી કાર્યવાહીને સમર્થન આપવા માટે આજે સવારે 7 વાગ્યે શહેરના કારગીલ ચોક પરથી શરૂ થનારી એક્તા પદયાત્રામાં ઉમટી પડવા માટે કરેલી હાકલને લહેરીલાલા સૂરતીઓએ પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો.
સવારે સાડા છ વાગ્યાથી પીપલોદના કારગીલ ચોક પર લોકો ઉમટવાના શરૂ થઇ ગયા હતા. સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં એકલ દોકલ નહીં પણ લોકો 25-50-100ના ગ્રુપમાં જોડાઇ રહ્યા હતા. જોત જોતામાં સવારે સાતના ટકોરે કારગીલ ચોક પર પંદર હજારથી વધુ લોકો વ્હાઇટ કપડામાં સજ્જ થઇ ગયા હતા.
રેલીના આયોજકો પૈકીના સમર્થન ગ્રુપના ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ, SGCCI પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇ, જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડીયા, ડો. મુકુલ ચોક્સી, ભાજપાના સૂરત મહામંત્રી શ્રી મદનસિંહ અટોદરીયા, શિક્ષણ સમિતિ, સૂરતના ચેરમેન શ્રી હસમુખભાઇ પટેલ, સભ્ય શ્રી પરિમલભાઇ ચાસીયા, વકીલ શ્રી નિલકંઠ બારોટ, ડો.કિશોરસિંહ ચાવડા, ડો.કશ્યપ ખરચીયા, શ્રી ઇકબાલ કડીવાલા સમેત અનેક આગેવાનોએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
સવારે 7 વાગ્યે શહેરના પોશ વિસ્તારમાં માનવ કિડીયારું ઉમટેલું જોઇને આસપાસના રહેવાસીઓ સમેત વાહનચાલકો, રાહદારીઓમાં કૌતુક સર્જાયું હતું. સુરત ડુમસ રોડ પર દરરોજ વોકીંગ, જોગીંગ કરતા સેંકડો લોકો આજે સમર્થન ગ્રુપ આયોજિત એકતા પદયાત્રામાં જોડાઇ ગયા હતા. શહેરની લગભગ 500થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, સમાજ સેવી સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. વગેરેના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાતા આજની બિનરાજકીય રેલીએ અત્યંત વિશાળ બની જવા પામી હતી.
રેલીમાં સૂરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ ઉપરાંત ભાજપાના નેતા શ્રી ભરતસિંહ પરમાર, સાંસદ શ્રીમતી દર્શનાબેન જરદોષ, સૂરત મજૂરાના ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સમેત અનેક આગેવાનો જોડાયા હતા.
સૂરત શહેર ઉપરાંત સૂરતની બહાર, સૂરત જિલ્લા, વ્યારા, બારડોલી, નવસારી, ભરૂચ વગેરે વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં સમર્થન ગ્રુપ આયોજિત એક્તા પદયાત્રામાં જોડાયા હતા.
આજની આ રેલી જોઇને શહેરના જાણકારોનું કહેવું છેકે શહેરમાં રાજકીય રેલીઓ કે ધાર્મિક રેલીઓમાં લોકોને ઉમટી પડતા જોયા છે, સામાજિક હિત માટેની રેલીમાં લોકો કિડીયારાની જેમ ઉમટી પડતા જોયા છે પણ આજે રાષ્ટ્રહિતના મુદ્દા પર સમર્થન આપવા માટે સૂરતીઓએ એકતા પદયાત્રાને પ્રચંડ પ્રતિસાદ આપ્યો હતો. ગણ્યા ગણાય નહીં એટલા લોકો પદયાત્રામાં જોડાય રહ્યા હતા.
ઇન્ડિયન મેડીકલ એસો. ગુજરાત 110 બ્રાન્ચ અને 29 હજારથી વધુ તબીબો ધરાવતું સંગઠન
Jayesh Brahmbhatt 98253 44944
ગુજરાતમાં 115 બ્રાન્ચ અને 29000થી વધુ તબીબોનું સંખ્યાબળ ધરાવતા ડોક્ટર્સના એસોસીએશન, એટલે કે ઇન્ડિયન મેડીકલ એસોસીએશનની ગુજરાત સ્ટેટ બ્રાન્ચનું પ્રમુખ પદ આ વખતે સૂરત ઝોનના ફાળે આવ્યું હતું અને સૂરતના તબીબોએ સર્વસંમતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશને લીલીઝંડી આપતા આગામી તા.12મી ઓક્ટોબર 2019ના રોજ દમણની ડેલ્ટીન હોટેલ ખાતે આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ પદે સૂરતના તબીબ ડો. ચંદ્રેશ જરદોશની સત્તાવાર વરણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
ઓર્ગન ડોનેશન અને આઇડિયલ મધર કન્ટેસ્ટ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપશે આઇ.એમ.એ. ગુજરાતના નવા ચેરમેન
ઇન્ડીન મેડીકલ એસોસીએશન, આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે સૂરતના તબીબ ડો.ચંદ્રેશ જરદોશ વરાયા છે. તેઓ શનિવારથી વિધિવત રીતે આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે કાર્યભાર સંભાળી લેશે.
સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત કરતા ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે તેઓ તબીબોના પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે સતત પ્રયાસો કરશે સાથે આઇ.એમ.એ. જેવી મહત્વની સંસ્થાના નેતૃત્વ દરમિયાન ઓર્ગન ડોનેશન તેમજ આઇડીયલ મધર કન્ટેસ્ટ જેવી ઇવેન્ટ નિયમિત રીતે યોજશે.
ઇન્ડિયન મેડીકલ એસોસીએશનને સમગ્ર ગુજરાતમાં 7 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યું છે. દર વર્ષે કોઇ એક ઝોનમાંથી પ્રેસિડેન્ટની નિમણૂંક થાય તેવો ધારો અમલમાં છે. આ વખતે દક્ષિણ ઝોનનો વારો હતો. સૂરતમાં અનેક તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ માટે દાવેદાર હતા. પરંતુ, તબીબોએ અંદરોઅંદર સમજૂતિ સાધીને ડો.ચંદ્રેશ જરદોશનું નામ ફાઇનલ કર્યું હોવાની વિગતો જાણવા મળી હતી.
સૂરતના 3 તબીબો આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે
અગાઉ સૂરતના ત્રણ તબીબો આઇ.એમ.એ. ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જેમાં ડો.આર.કે. દેસાઇ, ડો. વિનોદ શાહ અને ડો.પ્રજ્ઞેશ જોશીનો સમાવેશ થાય છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.