૩૧ ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂ પીને છાકટા થતાં દારૂડીયાઓ સામે ગુજરાતના મોટા શહેરો જેવા કે સૂરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ વગેરે શહેરોમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન જોખવાય એ માટે નાગરીક સુરક્ષાને લઈ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સૂરતમાં દારૂડીયાઓ સામે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. રેવ પાર્ટીઓ અને નાકોર્ટિક્સ પર ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી ક્રાઈમ ખાસ નજર રાખશે.
થર્ટીફર્સ્ટની ઉજવણી અઠવાલાઇન્સ, ડુમસ રોડ. વી.આઇ.પી. રોડ, ગૌરવપથ, અડાજણ રોડ, પાલ, સિટીલાઇટ, યુનિવર્સિટી રોડ વગેરે મેઇન રોડ પર તેમજ ડુમસ કાંઠા વિસ્તાર, ઓલપાડ વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસોમાં શોખીનો ભેગા થઇને પાર્ટી કરવાનો રિવાજ છે. થર્ટી ફર્સ્ટની સાંજથી જ અનેક રોડને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
સ્થાનિક પોલીસ દ્વારા ભીડવાળા વિસ્તારમાં અને ઉજવણીના જગ્યાએ ‘મે આઈ હેલ્પ યૂ’ના કિઓસ્ક ઊભા કરવામાં આવશે. ૧૦૦૦ સીસીટીવી કૅમેરાથી તમામ ગતિવિધિ પર નજર રાખવામાં આવશે. સ્થાનિક પોલીસ સ્ટેશનના વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. પોલીસ કંટ્રોલરૂમમાંથી સતત ગતિવિધિઓ પર નજર રાખવામાં આવશે. હોક બાઈક, ૮૫ જેટલી પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરશે.
મહલિા ક્રાઈમ બ્રાન્ચ અને ૫૨ ખાસ ટીમો પણ ખાનગી કપડામાં પાર્ટીઓ અને ભીડવાળા વિસ્તારમાં બંદોબસ્તમાં રહેશે. ૩૦૦ જેટલા બ્રેથ એનેલાઈઝર દ્વારા પોલીસ લોકોનું ચેકિંગ કરશે. ૩૧ જેટલી પાર્ટીઓ માટે પાર્ટી પ્લોટ અને ક્લબના માલિકો દ્વારા અરજી આવી છે જેની પરમિશન આપવામાં આવી છે. મંજૂરી પાર્ટી પ્લોટના માલિકોએ પોલીસની તમામ શરતોનું પાલન કરી આયોજન કરવાનું રહેશે. પાર્કિંગને લઈ પણ તકેદારી રાખવાની રહેશે. ખુલ્લા પાર્ટી પ્લોટમાં રાતે ૧૦ વાગ્યા સુધી જ પાર્ટી અને માઇક વગાડવાની મંજૂરી આપવામાં આવી છે.
સૂરતમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સૂરતના પૂણા વિસ્તારમાં દિલ્હી અને સૂરત પોલીસ બેડાના આઇ.બી. ડિપાર્ટમેન્ટ અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને બાળમજૂરી માટે ગોંધી રાખવામાં આવેલા 135 જેટલા બાળકોને છોડાવવામાં આવ્યા હતા. દિલ્હીના એક એન.જી.ઓ. જેનું નામ બચપન છે, એની ચોક્કસ બાતમીના આધારે દિલ્હી અને રાજસ્થાન પોલીસની ટીમો સૂરત આવી પહોંચી હતી અને બાળકોને બચાવવાનું અભિયાન હાથ ધરીને એક મસમોટા રેકેટનો પણ પર્દાફાશ કર્યો હતો. સવારે પાંચ વાગ્યાના અરસામાં બહુલ સૌરાષ્ટ્રવાસી વસતિ ધરાવતા સૂરત શહેરના પૂણા વિસ્તારમાં પોલીસને જોઇને લોકોમાં કંઇક અજુગતું થયાની ભીંતી પ્રવર્તી રહી હતી. જોકે, અફવાઓ ઉડે એ પહેલા સોશ્યલ મિડીયામાં માનવ તસ્કરી અંગેના સમાચારો વહેતા થયા હતા.
રાજસ્થાનથી માનવ તસ્કરી કરી સુરતમાં લવાયેલા 135થી વધુ બાળકોને ઘરમાંથી મુક્ત કરાવ્યા છે. પુણાની સીતારામ સોસાયટી પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. બાળકો પાસે મજૂરી કામ કરાવવામાં આવતું હતું. આ બાળકોનો કબજો મેળવી પોલીસે આરોપી શખ્સો વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સાડીઓમાં વેલ્યુ એડિશન માટે બાળમજૂરો સૌથી સસ્તા લેબર
Symbolic Photo
સૂરતમાં ફૂલીફાલી રહેલા ટેક્સટાઇલ ઉદ્યોગમાં હાલ સાડીઓ પર વેલ્યુ એડિશન કરાવવા માટે જરદોષી વર્ક, આર્ટીકલ સ્ટીચીંગ વગેરે કરાવવાનો ટ્રેન્ડ છે જેથી સાડીની કિંમત બેથી ત્રણ ઘણી વધી જાય છે. આ કામ માટે પ્રોફેશનલ કારીગરોનો ચાર્જ પણ તોતિંગ હોય છે એટલે કેટલાક જોબવર્કર્સ દ્વારા બાળમજૂરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળમજૂરો પાસે ટેક્સટાઇલમાં ખાસ કરીને સાડી અને ડ્રેસ મટિરીયલ પર વર્ક કરાવવામાં આવે છે. સાડીની વેલ્યુ વધારવા માટે ઓછા લેબર ચૂકવવા માટે બાળમજૂરી કરાવવામાં આવી રહી હતી. આ બાળકોને દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે જેવા રાજ્યોમાંથી બાળમજૂરી માટે લવાયા હોવાનું કહેવાય છે.
સૂરતના પૂણા વિસ્તારમાંથી વહેલી સવારે
દિલ્હી, રાજસ્થાન અને સૂરત પોલીસે હાથ સવાસો જેટલા બાળકોને છોડાવવાની ઘટના સાથે જ
માનવ તસ્કરી રેકેટનો સૌથી મોટા રેકેટનો પણ પર્દાફાશ થયો છે.
સુરતના પુણા વિસ્તારમાં આવેલ સીતારામ
સોસાયટીમાં સવારે પાંચ વાગ્યે દિલ્હી અને રાજસ્થાન પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ
દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે. આ
દરોડામાં સુરત પોલીસ અને સેન્ટ્રલ આઈબીની ટીમો પણ સાથે હતી.
સ્થાનિક લેબર વિભાગની જવાબદારી ફિક્સ કરવાનો વખત
સૂરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સમેત એવા અનેક ધંધા રોજગાર છે જ્યાં દેખિતી રીતે જ બાળકો પાસેથી કામ લેવામાં આવે છે. ઓછો પગાર આપીને તેમનું શોષણ કરવામાં આવતું હોવાના પ્રથમદર્શી પુરાવાઓ જોવા જાણવા મળે છે આમ છતાં સૂરતના લેબર વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વિભાગ સામે હવે જવાબદારી ફિક્સ કરવાનો વખત આવી ચૂક્યો છે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની કેતન દેસાઇ અને દિનેશ નાવડીયાના નેતૃત્વવાળી વર્તમાન ટીમને આજરોજ તા.27મી ડિસેમ્બર 2019ના રોજ મોટી ઉપલબ્ધિ સાંપડી છે. સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિમંડળની અપેક્ષા બહાર વડાપ્રધાન શ્રી મોદીએ તેમને ધીરગંભીરતાપૂર્વક સાંભળ્યા, પ્રશ્નો અને સૂરતની ચર્ચા કરી અને યોગ્ય પ્રતિસાદ આપ્યો હતો.
ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ આપેલી માહિતી મુજબ આજે તા.27મી ડિસેમ્બરની સવારે 11.45 કલાકે તેઓ પી.એમ. હાઉસમાં કોન્ફરન્સ રૂમમાં પહોંચ્યા હતા. એ પછી વડાપ્રધાન શ્રી મોદીએ સૂરતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિમંડળને 20 મિનિટ સાંભળ્યા હતા. સૂરતના ઉદ્યોગો વતી થઇ રહેલી રજૂઆતોમાં પી.એમ.શ્રી મોદીએ કેટલાક સવાલો પણ કર્યા અને તેના સંતોષકારક ખુલાસા ચેમ્બરના પ્રતિનિધિમંડળે પણ કર્યા હતા. શ્રી મોદીએ સૂરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળ સાથે બિલકુલ ગુજરાતી ભાષામાં વાતચીત કરી હતી.
શ્રી મોદીનો રિસ્પોન્સ જોરદાર હતો એ વાતની પ્રતીતિ ચેમ્બરના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાનની મુલાકાત બાદ તેમના દ્વારા હાથ ધરવામાં આવેલી સોશ્યલ મિડીયા એક્ટિવિટી પરથી થઇ રહી હતી.
ચેમ્બરના પ્રતિનિધિમંડળમાં આ લોકો સામેલ હતા
કેતન દેસાઇ પ્રેસિડેન્ટ
દિનેશ નાવડીયા વાઇસ પ્રેસિડેન્ટ
હેતલ મહેતા ઇમિડ્યેટ પાસ્ટ પ્રેસિડેન્ટ
પરેશભાઇ પટેલ, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ
શૈલેષ દેસાઇ
દેવેશ પટેલ, એક્ઝિબિશન કમિટી કન્વીનર
ધિરેન થરનારી
અતુલ પાઠક
મૃણાલ શુક્લ
રાકેશ જૈન
હેમંત દેસાઇ
અમિત શાહ
નીચેનું લખાણ ચેમ્બરની ફેસબુક પોસ્ટ પરથી લેવાયેલું છે.
આજ રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઈના નેજા હેઠળ ૧૨ જણાના પ્રતિનિધિ મંડળ કે જેમાં અન્ય હોદેદારો, ભૂતપૂર્વ પ્રમુખ અને ચેમ્બરના વિવિધ સેલ હેડે નવી દીલ્હી ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. સુરત અને સાઉથ ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે જેમાં એરપોર્ટ, કાર્ગો, હજીરા પોર્ટ અને તેની સાથે રેલ્વેની કનેક્ટિવિટી તેમજ ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, એમ.એસ.એમ.ઈ, ફૂડ અને એગ્રિકલ્ચરના વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ચેમ્બરની વિવિધ પ્રવુત્તિ ઉપર ચર્ચા કરી ચેમ્બરમાં આવવા આમંત્રણ પાઠવ્યું હતું.
જ્યારથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારથી સૂરતના કોઇ ઉદ્યોગપતિઓ ખાસ કરીને ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ વડાપ્રધાન, નાણા પ્રધાન કે અન્ય કોઇ મંત્રીઓ કે અધિકારીઓને મળવા, રજૂઆત કરવા જાય ત્યારે તેમની સાથે દર્શના જરદોષ કે સી.આર. પાટીલ અવશ્ય હોય જ. આ એક ટ્રેડિશન કહો કે ટ્રેન્ડ સેટ થઇ ગયો હતો. સાંસદ વગર સૂરતના કોઇ મોટા માથા પી.એમ.ને મળી જ ન શકે તેવી સિસ્ટમ જાણે ગોઠવાય ગઇ હતી. એ આજે તૂટી હોવાનો આભાસ થયો છે. આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિમંડળ સાથે પી.એમ. શ્રી મોદીની વીસ મિનિટ સુધીની ચર્ચામાં ક્યાંય દર્શના જરદોષ કે સી.આર. પાટીલ પીક્ચરમાં દેખાયા કે ચર્ચાયા ન હતા.
ચેમ્બર ઓફ કોમર્સની સત્તાવાર અખબારી યાદી
ચેમ્બરની નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી સાથે શુભેચ્છા મુલાકાત, ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચરની વધુ સવલતો આપવા રજૂઆત સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી કેતન દેસાઇની આગેવાની હેઠળ અન્ય હોદ્દેદારો, સેલ હેડ તથા ભુતપુર્વ પ્રમુખશ્રી સહિત ૧ર જણાંના પ્રતિનિધી મંડળે તા. ર૭ ડિસેમ્બર ર૦૧૯ના રોજ નવી દિલ્હી ખાતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી. જીડીપી ગ્રોથમાં ભારતમાં સુરતનુ રહેલ અગ્રસ્થાન અને સરકારની વિવિધ સ્કીમના લાભને કારણે વેપારના વિકાસને મળેલ ગતિ વિશે ચેમ્બરે સૌપ્રથમ માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર માન્યો હતો. ત્યારબાદ ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ સહિત અન્ય ઇન્ડસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો કરી તેના વિકાસ માટે વિગતવાર ચર્ચા કરી હતી.
ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રજૂઆત….
ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, સુરત એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફલાઇટો તેમજ કાર્ગોની ફેસિલીટીને વધારવા માટે રજૂઆત કરી કરવામાં આવી હતી. સુરતમાં હજીરા ખાતે અદાણી પોર્ટને વધારે ડેવલપ કરવા માટે સાયણથી કૃભકો સુધીની રેલવે લાઇનને અદાણી પોર્ટ સુધી લંબાવવાની માંગ કરવામાં આવી હતી. જેથી કરીને પોર્ટથી ઇમ્પોર્ટ–એક્ષ્પોર્ટ થતા કન્ટેનરોની અવરજવર વધી શકે. તદુપરાંત ઘોઘા અને દહેજ વચ્ચેની રો રો ફેરી ટેકનીકલ કારણોસર બંધ થઇ ગઇ છે તેને ફરીથી શરૂ કરાવી હજીરા સુધી લંબાવવા માટે રજૂઆત કરી હતી.
એમએસએમઇ ક્ષેત્રે રજૂઆત….
સુરત સહિત દક્ષિણ ગુજરાત એમએસએમઇનું હબ હોવાથી ઉદ્યોગોમાં એફીશિયન્સી, સ્કીલ, માઇન્ડસેટ અને એથીકલ બિઝનેસના અપગ્રેડેશન માટે લાંબી ચર્ચા થઇ હતી. ટેક્ષ્ટાઇલ માટે ખૂબ જ જરૂરી એવા કોમન ફેસિલીટી સેન્ટરો ઉભા થાય તેના માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. એમએસએમઇ ઉદ્યોગોને લેવલ પ્લેઈંગ ગ્રાઉન્ડ મળી રહે તેવી રજૂઆત કરી હતી. સાથે જ સુરતને ટેક્ષ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરીંગનું હબ બનાવવા માટે વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા વિનંતિ કરવામાં આવી હતી.
ડાયમંડ ક્ષેત્રે રજૂઆત….
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇનપુટ ટેક્ષ ક્રેડીટ અને લીકવીડીટીના પ્રશ્નનો સત્વરે નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સુરતમાં વેલ્યુ એડીશન માટે જવેલરી ઉદ્યોગને વધારે વિકસાવવા માટે સરકાર દ્વારા સહયોગ આપવામાં આવે તે વિશે રજૂઆત થઇ હતી. સુરતમાં લેબગ્રોન ડાયમંડ માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ટેક્ષ્ટાઇલ ક્ષેત્રે રજૂઆત….
ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિવિંગ અને પ્રોસેસિંગમાં લીકવીડીટી અને ક્રેડીટ રીફંડની પ્રોસેસ ઝડપથી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. પાવર ટેરીફના પ્રશ્ને પણ રજૂઆત થઇ હતી. સુરતના ફેબ્રિકના નિકાસ માટે વેલ્યુ એડીશન ક્ષેત્રમાં સહયોગ આપવા માટે વિનંતી કરવામાં આવી હતી. સુરતનુ કાપડ વિશ્વની સ્પર્ધામાં ટકી રહે એ માટે પણ સરકાર દ્વારા જરૂરી પ્રયત્નો થાય તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
વિવિધ ક્ષેત્રે રજૂઆત….
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચરના પ્રશ્ને તથા તેમના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત એકવા કલ્ચર, કેમિકલ અને રીયલ એસ્ટેટ સહિતની વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી.
ચેમ્બરના ‘દિવ્યાંગ એક્ષ્પો’ વિશે વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા….
ચેમ્બર દ્વારા એકસકલુઝીવ ‘દિવ્યાંગ એક્ષ્પો’ કરવાનું પ્લાનીંગ કરવામાં આવ્યુ છે. આ અંગે માનનીય વડાપ્રધાનશ્રી સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. દિવ્યાંગોના વિકાસ માટે તેમણે અંગત રસ દાખવ્યો હતો અને ચેમ્બરને કેટલાક સૂચનો પણ કર્યા હતા.
વડાપ્રધાનશ્રીને ચેમ્બરનું આમંત્રણ….
ચેમ્બરનું ફલેગશીપ એકઝીબીશન ‘ઉદ્યોગ’ જાન્યુઆરી ર૦ર૦માં યોજાશે. મે ર૦ર૦માં ચેમ્બરની વાર્ષિક સાધારણ સભા અને ઇન્સ્ટોલેશન સેરેમની યોજાશે. જયારે ડિસેમ્બર ર૦ર૦માં વાઇબ્રન્ટ ગુજરાત યોજાશે. આ ત્રણ પ્રસંગોમાં પધારવા માટે માનનીય વડાપ્રધાનશ્રીને ચેમ્બર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓની જગજાગૃતિ માટે ચેમ્બર દ્વારા સરકારશ્રીને સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.
સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે ઠેકઠેકાણે કોન્ટ્રાક્ટ, ટેન્ડર અને કામો કરાવવામાં જે પ્રકારે ભ્રષ્ટ રીતરસમો અપનાવવામાં આવી રહી છે તેના કારણે સમગ્ર સૂરતનું નામ બદનામ થઇ રહ્યું છે. સૂરતની સિવિલ હોસ્પિટલમાં દારૂના (હેલ્થ પરમિટ) પરવાના માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના પ્રમાણપત્ર પર સહી સિક્કા કરી-કરાવી આપવાની આડમાં કેટલી તોતિંગ રકમનો ભ્રષ્ટાચાર છેલ્લા ત્રણ મહિનામાં આચરવામાં આવ્યો તેની સિલસિલાબદ્ધ વિગતો જેની સરકારમાં રજૂઆત કરવામાં આવી છે એ અંગેની વિગતો પ્રકાશમાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત સરકારે નશાબંધી અને આબકારી વિભાગની નીતિમાં ફેરફારમાં દસેક મહિના જેટલો સમય લિકર પરમિટનું કામ બંધ રખાવ્યા બાદ ગત ઓગસ્ટ 2019થી નવી લિકર પરમિટ કાઢી આપવા તેમજ જૂની લિકર પરમિટ રિન્યુઅલની કાર્યવાહી ફરીથી શરૂ કરાવી હતી. સૂરતની વાત કરીએ તો સૂરતમાં નવેમ્બર 2019 સુધીમાં કહેવાય છે કે 1820 પરમિટ રિન્યુ કરી આપવામાં આવી જ્યારે 250 જેટલા અરજદારોને નવી લિકર પરમિટ ઇશ્યુ કરવામાં આવી.
હેલ્થ પરમિટ માટે સર્ટિફિકેટના રિન્યઅલના રૂ.1500 અને નવીના રૂ.2500નો ધારો પાડી દેવામાં આવ્યો હતો
સૂત્રો જણાવે છે કે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા વચેટીયાઓએ લિકર હેલ્થ પરમિટ માટે જરૂરી સિવિલ સુપરિટેન્ડન્ટના તબીબી પ્રમાણપત્ર, ફાઇલ પ્રોસેસિંગ માટેના ભાવો બાંધી દીધા હતા એ મુજબ રિન્યુ પરમિટ માટે રૂ.1500 જ્યારે નવી પરમિટ માટે રૂ.2500 પ્રતિ અરજદાર ખંખેરી લેવામાં આવતા હતા. શોખીન સૂરતીઓ માટે ભલે આ રકમ નાની હોય. પણ જ્યારે આનો સરવાળો કરીએ તો છેલ્લા ત્રણ મહિનામાં કહેવાય છે કે રિન્યુ કરાયેલી 1820 પરમિટ માટે રૂ.27 લાખ 30 હજાર જ્યારે નવી પરમીટ પેટે રૂ.6 લાખ 25 હજાર મળીને રૂ.33.55 લાખ રૂપિયાનો મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ રૂપિયાની વહેંચણીમાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે મોટી ગોલમાલ થઇ અને સમગ્ર મામલો રાજ્ય સરકાર સુધી પહોંચતા આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા અને એ પછી સૂરતની સિવિલ હોસ્પિટલમાં લિકર પરમિટના નામે ચાલતા કૌભાંડને ડામી દેવા માટે શ્રેણીબદ્ધ આવકારદાયક પગલાં ભરવાનો આરંભ કરવામાં આવ્યો હતો.
કડીરૂપ ગણેશ પરમિટ કહે નહીં ત્યાં સુધી રોગી કલ્યાણ સમિતિના સ્ટાફર રશીદો પણ ન ફાડતા
સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશ પરમિટ કે ગણેશ સાઇકલના નામથી જાણીતા એક કડીરૂપ વ્યક્તિને એટલો પાવર આપી દેવામાં આવ્યો હતો કે સિવિલ સુપરિટેન્ડન્ટની કચેરીમાં લિકર પરમિટના કામ માટે જતા અરજદારો કંઇપણ પૂછો તે કહેવાતું કે ગણેશને મળો, એ કહેશે પછી જ કામ થશે. એ ત્યાં સુધી કે પ્રોસેસ થયેલી ફાઇલના રોગી કલ્યાણ સમિતિમાં નાણા જમા કરાવવા જતા લોકોને પણ સ્ટાફ, કેશીયર એવું કહે કે ગણેશ કહેશે પછી જ રૂપિયા જમા લઇને રશીદ આપવામાં આવશે. સિવિલમાં હંગામી સ્ટાફર પણ ન હોવા છતાં આ કડીરૂપ વ્યક્તિ ગણેશ સિવિલ સુપરિટેન્ડન્ટની ઓફિસની બાજૂમાં બેસીને પરમિટની ફાઇલોનું કામ કરતો, નોટિંગ કરતો, રૂપિયા ઉસેટતો, વહેવારો કરતો હતો. આટલો પાવર કડીરૂપ વ્યક્તિ ગણેશને આપવામાં આવ્યો હોવાના વિડીયો સ્ટીંગ સરકારને મોકલવામાં આવ્યા હતા. એ પછી સરકારે સિવિલ સુપરિટેન્ડન્ટને કહીને કડીરૂપ વ્યક્તિ ગણેશને સુપરિટેન્ડન્ટની કચેરીની આસપાસ ફરકવા પણ ન દેવાની સૂચના આપી હોવાનું કહેવાય છે.
સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી આચરવામાં આવી રહેલા લિકર પરમિટના મહાભ્રષ્ટાચારમાં રોજેરોજ નવા ફણગાં ફૂટી રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સમયમાં ગણેશ નામના વચેટીયાએ દારુની પરમિટના અરજદારો પાસેથી ઉઘરાવેલા રૂપિયા વહેંચવાની તકરાર છેક રાજ્યના આરોગ્ય વિભાગ સુધી પહોંચી જતા રાજ્ય સરકારે સમગ્ર કૌભાંડ પર સ્ટીમ રોલર ફેરવીને ડો.ગણેશ ગોવેકરને તાત્કાલિક અસરથી બદલી કરી દીધી હતી.
પરમિટ કૌભાંડમાં એક એવી પણ વિગત પ્રકાશમાં આવી છે એ મુજબ ગઇ તા.1લી ડિસેમ્બર 2019ના રોજથી તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગોવેકરે રાજ્ય સરકારની કડક સૂચના બાદ એવી સિસ્ટમ અમલમાં મૂકી કે લિકર પરમિટના દરેક અરજદારોએ ફિઝિકલ વેરિફિકેશન માટે રૂબરૂ નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટની કચેરીમાં આવવું અને ત્યાંથી પ્રોસેસિંગ થાય બાદ જ અરજી પર આગળની કાર્યવાહી કરવામાં આવશે. આવી સૂચના છતાં લિકર પરમિટની 30 ફાઇલો કે જેના અરજદારો નવી સિવિલ હોસ્પિટલમાં રૂબરૂ આવ્યા નથી, ફિઝિકલ વેરિફિકેશન થયું નથી આમ છતાં વચેટીયા ગણેશના કડીરૂપ વ્યક્તિના ઇશારે નવી સિવિલ હોસ્પિટલમાંથી નશાબંધી ખાતામાં પંહોચી ચૂકી છે. જો તા.1લી ડિસેમ્બર 2019થી તા.16મી ડિસેમ્બર 2019 સુધીના સીસી ટીવી ફુટેજિસ ચેક કરવામાં આવે તો 30 પરમિટ ધારકો ક્યાંયે હાજર નહીં થયાનું ફલિત થઇ જાય તેમ છે.
આમ તત્કાલિન સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરે ખુદ સૂચના બહાર પાડી અને પડદા પાછળ સૂચનાનો જાતે જ ભંગ કરીને અરજદારો રૂબરૂમાં હાજર નહીં થયા હોવા છતાં તેમની પરમિટ પર સહીસિક્કા કરીને નશાબંધી વિભાગમાં મોકલી આપવામાં આવી હતી. આ ગેરકાનૂની કામની પાછળ પણ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ફરિયાદ રાજ્યના આરોગ્ય વિભાગને કરવામાં આવી છે.
સૂરતમાં દારૂની પરમિટમાં વચેટીયાઓના લાખોના ભ્રષ્ટાચાર પર સરકારનું સ્ટીમ રોલર
સૂરતમાં કેટલાક લોકો દારુના શોખીન છે અને એ વાતમાં કોઇ નાનમ કે શરમ નથી. ગુજરાતમાં દારુબંધી છે એટલે શોખીનો એકયા બીજા કારણોસર દારુની પરમિટ લઇને પોતાનો શોખ, ટેવને પૂરી કરે છે. દારુની પરમિટ અપાવવાના નામે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા કેટલાક લોકોએ રીતસર પરમિટ અપાવવાનો ધંધો શરૂ કરી દીધો હતો અને આ વચેટીયાઓ એટલી હિંમત કરી કે સિવિલ હોસ્પિટલમાં જ પોતાના માણસને બેસાડીને પરમિટ દીઠ રૂ.15-20 હજારની પોતાની કટકીના ઉઘરાણા શરૂ કરી દીધા હતા અને આ અંગે એક નહીં બબ્બે વખત સ્ટીંગ ઓપરેશન કરીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓને સૂરતમાં દારૂની પરમિટમાં થતાં ભ્રષ્ટાચારથી વાકેફ કર્યા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઇને દારૂની પરમિટ માટે ભ્રષ્ટાચાર આચરાયો હોવાની પુરાવા સમેતની ફરીયાદોને પગલે એ પોસ્ટ પર ડો. ગણેશ ગોવેકરને રાતોરાત ખસેડીને બાહોશ અને પ્રમાણિક એવા ડો.પ્રીતિ કાપડીયાની નિમણૂંક કરી દઇને લિકર પરમીટમાં વચેટીયાઓ દ્વારા આચરવામાં આવતા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર પર સ્ટીમ રોલર ફેરવી નાંખ્યું છે.
રાજ્ય સરકાર જો દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓને તાબે નહીં થાય તો એ દિવસો દૂર નથી કે શોખીન સૂરતીઓને દારૂની પરમિટ રૂ.8-10 હજાર જેટલી રકમમાં મળતી થાય. હવે સૂરતીઓએ જોવાનું છે કે સરકાર દબાણમાં આવીને નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે દારુની પરમિટ કઢાવી આપતા વચેટીયાઓના માનીતા ને ન બેસાડી દે.
જો સરકાર સૂરતની નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેડન્ટ પદે ફરીથી કોઇ વચેટીયાઓના માનીતાને બેસાડી દેશે તો દારુની પરમિટ માટે સૂરતીઓએ બિનજરૂરી રૂ.30 હજાર સુધીની રકમ ખર્ચવી પડશે.
હાલ તુરત તો રાજ્યના આરોગ્ય વિભાગે કોઇપણ પ્રકારના દબાણોથી પર રહીને સૂરત સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ અપાવવાના નામે ચાલતા ગોરખધંધો પર સ્ટીમ રોલર ફેરવતું હિંમતભર્યું પગલું લીધું છે એ કાબિલેતારીફ છે, અત્યાર સુધી કોઇએ દારૂની પરમિટમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે ગંભીર ફરીયાદો હતી છતાં સિસ્ટમમાં સુધારા કર્યા ન હતા. પરંતુ, હાલના ઉચ્ચાધિકારીએ સૂરત સિવિલમાં દારૂની પરમિટમાં થતો બેરોકટોક અને બેફામ ભ્રષ્ટાચાર પર રાતોરાત બંધ કરાવી દઇને રાજ્ય સરકારની પણ છબી ખરડાતી બચાવી છે.
File Photo liquor Permit
રાજ્ય સરકારે સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટમાં આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે ભરેલા પગલાંથી દારૂની પરમિટ અપાવવાનો ગેરકાનૂની ધંધો કરી રહેલા તત્વોના પેટમાં તેલ રેડાયું છે. તેમણે સૂરત સિવિલમાં તેમજ તબીબી જગત સાથે સંકળેયાલા કેટલાક લોકો મારફતે સરકાર પર દબાણ લાવવાનું શરૂ કરીને ફરીથી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે પોતાના માનીતાને બેસાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
ધનવાન, શોખીન સૂરતીઓને દારુની પરમિટ અપાવવાના ધંધામાં મહિને લાખો રૂપિયાની કમાણી જોઇ ગયેલા કેટલાક વચેટીયાએએ રાજ્ય સરકારનું ભારે દબાણ છે, પરમિટ નહીં મળે એવો ડોળ ઉભો કરીને તાજેતરમાં નવી હેલ્થ લિકર પરમિટનો ભાવ રૂ.30 હજાર પર પહોંચાડી દીધો છે. હકીકતમાં કાયદેસર રીતે લિકર પરમિટ માટે રાજ્ય સરકારને ફક્ત રૂ.2000 અને રોગી કલ્યાણ ફંડમાં નવી પરમિટના રૂ.8,000 અને રિન્યુઅલના રૂ.4,000 ચૂકવવાના થાય અને એ સિવાય પ્રોસેસિંગના ખર્ચ થાય પરંતુ, દારૂની પરમિટ અપાવતા વચેટીયાઓએ પોતપોતાના હિસ્સાઓ ભેગા કરીને એક પરમિટ પર વાસ્તવિક ખર્ચ કરતા ચાર ગણા રૂપિયા લેવાનું શરૂ કરી દેતા પાપ છાપરે ચઢીને પોકાર્યું છે.
રોગી કલ્યાણ ફંડમાં જાય તેનાથી 3 ગણા રૂપિયા વચેટીયાઓ હજમ કરી જાય છે
કેટલાક સૂરતીઓ દારૂના શોખીન છે અને પોતાના શોખ, ટેવને લીધે ક્યારેક પોલીસ અડફેટે ન ચઢી જવાય એ માટે કાયદેસર લિકર પરમિટ રાખવાનું મુનાસિબ માને છે. એટલે લિકર પરમિટ નવી લેવા કે રિન્યુ કરાવવા માટે વચેટીયાએ જેટલા રૂપિયા માંગે તેટલા સૂરતીઓ ખુશી ખુશી આપે દે છે. સૂરતના ધનવાનો, શોખીનોની આ કમાણીમાંથી નવી સિવિલ હોસ્પિટલના રોગી કલ્યાણ ફંડમાં જેટલા રૂપિયા જાય છે તેનાથી ત્રણ ગણા રૂપિયાઓ પરમિટ અપાવવાનો ધંધો કરતા લોકો હજમ કરી જાય છે.
સૂરતના બે ધારાસભ્યો, બે તબીબો સૂરત સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડટ બદલવા માટે સરકારને રજૂઆત કરી ચૂક્યા છે
દારુની પરમિટ માટે જરૂરી હેલ્થ રિપોર્ટ આપવાના બદલામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાનું પ્રકરણ છાપરે ચઢીને પોકારતા રાજ્યના આરોગ્ય વિભાગે સૂરત સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ પદે બાહોશ અને પ્રમાણિક તબીબની છાપ ધરાવતા ડો. પ્રીતિ કાપડીયાની ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરી છે. હજુ ત્રણ દિવસ પૂર્વે નવી સિવિલ હોસ્પિટલમાં સુપરિટેન્ડન્ટ પદે થયેલી આ બદલીને દૂર કરાવવા માટે સૂરતના બે ધારાસભ્યો અને બે તબીબો રાજ્ય સરકારને રજૂઆત કરી ચૂક્યા છે. અમે હાલ તુરત અહીં એમના નામ પ્રકાશિત નથી કરી રહ્યા.
સરકારે સિવિલ હોસ્પિટલના કેટલાક સ્થાપિત હિતોને આઇસોલેટ કરવાનો વખત આવી ગયો છે
સૂરતની નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ટેન્ડરથી લઇને દારૂની પરમિટ અપાવવા જેવા અનેક કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાની સંગીન ફરીયાદોને પગલે રાજ્ય સરકારે હવે નવી સિવિલ હોસ્પિટલમાં સ્થાપિત હિતોની સાફસૂફીનું મન બનાવી લીધું હોવાનું જણાય છે. હકીકતમાં રાજ્ય સરકારે આવા સ્થાપિત હિતોને ઓળખી કાઢીને વીણી વીણીને તેમને આઇસોલેટ કરવાનો સમય આવી ગયો છે. યોગાનુંયોગ રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમાર કાનાણી ખુદ સૂરતના છે. નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા તત્વોએ આરોગ્ય મંત્રી તેમજ ડો.નીતિન પટેલને પણ ગેરમાર્ગે દોરીને પોતાના સ્થાપિત હિતોને નુકસાન ન થાય એ માટે પ્રયાસો કરી જોયા છે. પરંતુ, આરોગ્ય મંત્રી શ્રી કાનાણીએ આવા તત્વોની એક કારી ચાલવા દીધી નથી. હવે એ સમય આવી ગયો છે કે નવી સિવિલ હોસ્પિટલમાં પેંધા પડેલા લોકોને દૂર કરીને તંત્રને ચોખ્ખું કરી દેવામાં આવે.
હોમલોન ધિરાણ પર 2.67 લાખ વ્યાજ સબસિડી નાની રકમ નથી
પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ કેન્દ્ર સરકારની આવાસ ધિરાણના વ્યાજ પર સબસિડી આપવાની યોજના હેઠળ પ્રતિ આવાસ રૂ.2.25 લાખથી લઇને રૂ.2.67 લાખ જેટલી જંગી રકમની વ્યાજ સબસિડી મળવાપાત્ર છે. આ યોજનામાં સૂરતની સેંકડો ફાઇલો અને દેશની હજારો ફાઇલો કેટલાક ટેકનિકલ કારણોસર અટકી જવા પામી છે.
નવસારીના સાંસદ સી.આર. પાટીલએ આજે આ મુદ્દે જણાવ્યું હતું કે તેઓ પ્રધાનમંત્રી આવાસ ધિરાણ વ્યાજ સબસિડી યોજનાના અમલીકરણ અંગેની કમિટીમાં છે અને આ યોજનાના અરજદારોને કયા કારણોસર લાભ મળતો અટકાવી દેવાયો છે એનો અભ્યાસ કરતા જાણવા મળ્યું કે આવાસ ધારકોમાં પતિ-પત્નિ બન્નેનું નામ ન હોવાના કારણે તેમને આવાસ ધિરાણ વ્યાજ સબસિડી મળતી નથી.
સી.આર. પાટીલે ઉમેર્યું કે કેટલાક કારણો જેવા કે
ફક્ત પતિનું નામ આવાસ ધારક તરીકે દર્જ થયેલું હોય તેવા કિસ્સામાં
વિધુર હોય તેવા કિસ્સામાં
અપરણિત પુરુષ હોય તેવા કિસ્સામાં
આવાસ ધિરાણ સબસિડીનો લાભ અટકાવી દેવાયો હતો. સૂરતમાં આવી સેંકડો ફાઇલો અટકાવી દેવામાં આવી છે. સાંસદ સી.આર. પાટીલએ કહ્યું કે આ પ્રકારે લાભાર્થીઓને મળતો લાભ અટકાવી શકાય નહીં. આથી એકલા પુરુષ અરજદારો હોય તેવા કિસ્સામાં માતા, બહેન કે પુત્રીનું નામ સામેલ કરાવીને આવાસ ધિરાણ વ્યાજ સબસિડીનો લાભ આપવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરી દેવામાં આવી છે.
સી.આર. પાટીલે જણાવ્યું કે ટૂંક સમયમાં આ અંગેની માર્ગદર્શક સૂચનાઓ સમગ્ર દેશમાં જારી કરી દેવામાં આવશે. એકલા સૂરતના જ નહીં પણ સમગ્ર દેશના લોકોને આ યોજનામાં અટકેલા લાભો મળવા માંડશે.
કામરેજ ટોલપ્લાઝા પર સ્થાનિકો પાસેથી ટોલટેક્સ વસુલવાના નિર્ણયને છેવટે પાછો ખેંચવો પડ્યો છે, છેલ્લા કેટલાય દિવસ ટોલટેક્સ મુકિત માટે આંદોલન ચલાવતી ના કર સમિતિના આગેવાનો અને સામાન્ય જનતાની ન્યાયી લડતનો વિજય થયો છે, જેના પગલે નવા વર્ષથી જીજે-05 સિરિઝના સ્થાનિક વાહનચાલકોએ હવે કામરેજ ટોલપ્લાઝા પર કોઈ પણ ટોલટેકસ આપવાનો રહેશે નહિ.
કામરેજ ટોલનાકા પર અત્યાર સુધી સ્થાનિક વાહનો જીજે-5 અને જીજે-19ને ટોલટેક્સમાંથી મુકિત અપાઈ હતી પરંતુ ફાસ્ટેગના અમલથી ટોલટેક્સ વસુલવાની શરૂઆત થનાર હતી. કેન્દ્ર સરકારના ફાસ્ટેગના નોટિફિકેશનના પગલે સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસુલી કરવા નીકળેલા કારભારીઓની મુરાદ પર છેવટે પાણી ફરી વળ્યું છે. કેમકે છેલ્લા 15 દિવસથી ના કર સમિતિ દ્વારા ટોલટેક્સ નાબુદી માટે લડત ચલાવાઈ રહી હતી જે માટે સાંસદો દ્વારા પણ કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રી ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેઓની રજૂઆતને પણ કેન્દ્રએ યોગ્ય રીતે ધ્યાન પર નહિં લેતા ના કર સમિતિ 15મી ડિસેમ્બરના તેના ચક્કજામના કાર્યક્રમ માટે મક્કમ હતી.
તેથી જ 15મી હજારોની સંખ્યામાં લોકો વિરોધ માટે એકઠા થવાના હોવાથી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પ્રજાનો મિજાજ અને તેમની લડતને ત્યારે સફળતા મળી જ્યારે ટોલટેકસના વિરોધમાં હાઈવે પર ચક્કાજામ કરવા એકઠા થયેલા ના કર સમિતિના આગેવાનો અને કાર્યકરોને ટોલપ્લાઝા મેનેજરે સ્થળ પર આવીને ખાતરી આપી કે જીજે-5 અને જીજે-19ના વાહનચાલકોને ટોલટેક્સમાંથી મુકિત આપવામાં આવી છે.
આ જાતખાતરી બાદ જ આંદોલનને સમેટવામાં આવ્યું હતું. સદર જાહેરાત બાદ ના કર સમિતિના આગેવાનો દ્ધારા એક કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી હતી. જ્યાં તેઓએ વિજયી લડત બાદ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી.
હીરા-ઝવેરાતની નિકાસ આખા દેશની ભલે ઘટી હોય, સૂરતની ડબલ થઇ છે : GJEPC ચેરમેન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કરવામાં આવેલા હીરાઝવેરાત ધંધાર્થીઓ માટેના સ્પાર્કલ બિઝનેસ ટુ બિઝનેસ એક્ઝિબિશનનો આજે તા.13 ડિસેમ્બર 2019ના રોજ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સેન્ટ્રલ કાઉન્સિલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલના હસ્તે આરંભ થયો હતો અને ત્યાર પછી દિવસ આથમ્યો ત્યાં સુધીનો સ્પાર્કલનો પહેલો દિવસ પ્રદર્શનકર્તાઓ માટે ફળદાયી નિવડ્યો હોવાના રિપોર્ટસ મળ્યા છે.
ગ્રીન થીમ, યુનિક સ્ટોલ ડિઝાઇન અને સિક્યુરિટીના ત્રિવેણી સંગમ સમા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે શહેરના સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત સ્પાર્કલ પ્રદર્શન આમ તો સામાન્ય લોકો માટે નથી, બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર છે આમ છતાં પહેલા દિવસની ફુટપ્રિન્ટ જોતા આયોજકો અને એક્ઝિબિટર્સને સ્પાર્કલ પ્રદર્શનથી લાભ થાય કે ન થાય પણ સમગ્ર હીરા ઝવેરાત ઉદ્યોગને જરૂર થશે.
દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે નવીન વેરાઇટી ઉપલબ્ધ
આજે સ્પાર્કલના પહેલા દિવસે 125 જેટલા જ્વેલરી મેન્યુફેક્ચરર્સે પોતપોતાના ડિસ્પ્લે ઓર્નામેન્ટસ, સ્પેશ્યાલિટી સાથે તેમના સ્ટોલ ડેકોરેટ કર્યા હતા. વિશેષતા એ જોવા મળી કે દરેક સ્ટોલ પર અલગ અલગ પ્રકારની વેરાઇટી હતી. એવું જૂજ જોવા મળતું કે એક્ઝિબિટર્સના સ્ટોલ પર કોમન ડિઝાઇનના ઝવેરાત મળી આવે. દરેક એક્ઝિબિટર્સ પાસે ઓફર કરવા માટે પોતાની વેરાઇટી અલગ પ્રકારની હતી.
GJEPC દરેક કલ્યાણકારી યોજનાઓ માટે સપોર્ટ આપશે ચેરમેન પ્રમોદ અગરવાલ
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ આજે સ્પાર્કલથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તેમના વક્તવ્યમાં કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગકારોના પ્રશ્નો માટે તેઓ સતત સરકાર સાથે વાટાઘાટ કરીને નિવેડો લાવવા પ્રયત્નશીલ છે અને આ વખતે જેટલા નોટિફિકેશન આવ્યા છે એટલા કદાચ કોઇ સરકારે ઉદ્યોગના હિતમાં જારી કર્યા નહીં હોય. તેમણે કહ્યું કે આખા દેશમાં હીરા ઝવેરાતની નિકાસ એકંદરે ઘટી છે જ્યારે સૂરતની ડબલ થઇ છે. સૂરતના હીરા ઝવેરાત ઉદ્યોગને ક્ષમતાવાળો ઉદ્યોગ ગણાવતા તેમણે કહ્યું કે હીરા ઝવેરાત ઉદ્યોગને સ્પર્શતી કોઇપણ પ્રકારની કલ્યાણકારી યોજના માટે તેઓ હંમેશા સપોર્ટ આપવા માટે તૈયાર છે. તેમણે જણાવ્યું કે સૂરત એક હીરાનું એવું હબ છે જ્યાં સૌથી નાનામાં નાની સાઇઝના હીરા પણ ડેવલપ થાય છે. સૂરતની આ ક્ષમતા વિશ્નના કોઇ શહેર પાસે નથી. શ્રી પ્રમોદ અગરવાલે સૂરત સ્થિત જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન શ્રી દિનેશ નાવડીયાના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે દિનેશ નાવડીયાને સતત કર્મશીલ ગણાવ્યા હતા.
બોટ્સવાના રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ, હાથી માટે પણ જાણીતો છે, આવો બોટ્સવાના
આજે સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે ખાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સાઉથ આફ્રિકા ખંડના બોટ્સવાના દેશના ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ ડિરેક્ટર જનરલ મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે બોટ્સવાના દેશ રશીયા પછી બીજા નંબરનો હીરા ઉત્પાદન કરતો દેશ છે, બોટ્સવાના અને સૂરત વચ્ચે એક સામ્ય છે. જેમ સૂરત ભારત દેશનું પ્રતિબિંબ ધરાવે છે એમ બોટ્સવાના સમગ્ર આફ્રિકા ખંડનું પ્રતિબિંબ ધરાવે છે. હીરા ઉપરાંત બોટ્સવાના કુદરતી સંપતિઓ અને વિશાળકાય હાથીઓ માટે જાણીતો દેશ છે. તેમણે સૂરતના હીરા ઉદ્યોગપતિઓ અને સૂરતના લોકોને બોટ્સવાનાની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું.
બોટ્સવાનાના મેડમ ગેમ્મા બેગાબોલાવેએ કહ્યું કે સૂરતના હીરા ઉદ્યોગ કે બોટ્સવાનામાં હીરા ઉદ્યોગ અંગે કોઇપણ માહિતી, યોજના, પ્રોજેક્ટ, ઇન્વેસ્ટમેન્ટ વગેરે માટે તેઓ મુંબઇ ઉપસ્થિત છે અને નિશંકોચ તેમને મળી શકાય.
ચેમ્બર ઓફ કોમર્સ ઉમરગામથી ભરૂચ સુધીના ઉદ્યોગો માટે સતત સક્રીય : ચેમ્બર પ્રેસિડેન્ટ કેતન દેસાઇ
સ્પાર્કલના ઉદઘાટન પ્રસંગે આમંત્રિતોને આવકાર આપતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ શ્રી કેતનભાઇ દેસાઇએ કહ્યું કે ચેમ્બર ઓફ કોમર્સના એવા સતત પ્રયાસો છે કે ઉમરગામથી લઇને ભરૂચ સુધીના ધંધોરોજગારનો વિકાસ થાય, તેમના પ્રશ્નોનું નિરાકરણ થાય એ માટે અમે પ્રયાસો કરતા રહીએ છીએ. શ્રી કેતન દેસાઇએ એ એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે સ્પાર્કલ પ્રદર્શન હીરા ઝવેરાતના ઉધોગ માટે આશીર્વાદરૂપ નિવડશે. અહીં આવેલા એક્ઝિબિટર્સને વધુને વધુ ફેસેલિટી આપવામાં અમે આનંદ અનુભવીએ છીએ.
દર પંદર દિવસે એક એક્ઝિબિશન હશે : દેવેશ પટેલ
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક્ઝિબિશન કમિટીના વર્તમાન પ્રમુખ શ્રી દેવેશભાઇ પટેલે કહ્યું કે હવે પછી દર પંદર દિવસે એક એક્ઝિબિશન યોજાય એવા પ્રયાસો કરવામાં આવ્યા છે. એક પછી એક જુદા જુદા ઉદ્યોગોને લગતા પ્રદર્શનથી સૂરત એક બિઝનેસ સિટી તરીકેની પોતાની છાપને વધુ અંકિત કરશે. તેમણે કહ્યું કે આજે ઇકોનોમી સ્લો ડાઉનના સમયમાં ચેમ્બર આયોજિત આ પ્રકારના પ્રદર્શનથી ઉધોગ ધંધાર્થીઓને લાભ થાય છે અને એવા આયોજનો અમે કરતા રહીશું.
સ્પાર્કલના આયોજનમાં કોઇ કચાશ છોડી નથી : જયંતિભાઇ સાવલિયા
સ્પાર્કલ ચેરમેન શ્રી જયંતિભાઇ સાવલિયાએ જણાવ્યું હતું કે સ્પાર્કલ માટે ચેમ્બરની ટીમે દિવસ રાત એક કર્યા છે. સૂરતના જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસીએશનના તેમના સાથીદારોએ પણ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. આ વખતે ગ્રીન થીમ ઉપરાંત સેફ્ટી માટે સ્ટોલ્સની ડિઝાઇન પણ બદલવામાં આવી છે. ગયા વર્ષે 100 એક્ઝિબિટર્સ આવ્યા હતા આ વર્ષે 125 એક્ઝિબિટર્સને મેળવી શક્યા છીએ.
સૌના સાથ વગર કોઇ આયોજન શક્ય નથી: દિનેશ નાવડીયા
સ્પાર્કલના ઉદઘાટન સમારોહની આભારવિધીનું કામ ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાના શિરે આવ્યું હતું. દિનેશભાઇ નાવડીયાએ કહ્યું કે ચેમ્બર તેમજ જીજેઇપીસી કાઉન્સિલ અનેક આયોજનો કરી રહી છે. એમાં સૌના સાથ કોઇ આયોજન શક્ય નથી. દિનેશભાઇ નાવડીયાએ આજે પધારેલા મહેમાનો, એક્ઝિબિટર્સ, મિડીયા, માજી પ્રમુખો વગેરે તમામનો આભાર માન્યો હતો.
આપણું સૂરત બાળકો ગૂમ થઇ જવા બાબતે બીજા રાજ્યોમાં બદનામ થઇ રહ્યું છે
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
છાશવારે ઔદ્યોગિક વિકાસ, બિઝનેસ પેરામિટર્સ, ઓટોમોબાઇલ સેલિંગ વગેરે આર્થિક પરિબળોમાં સિદ્ધીઓ હાંસલ કરવાની વાતોનું ગૌરવ લઇ રહેલા સૂરતીઓ કદાચ એ વાત જાણતા નહીં હોય કે ગુજરાત અને ભારતમાં સૂરત એક સંવેદનશીલ મુદ્દા માટે બદનામ થઇ રહ્યું છે અને એ મુદ્દો છે બાળકો ગૂમ થઇ જવાનો. સૂરતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 3002 બાળકો ગૂમ થઇ ચૂક્યા છે અને આટલી મોટી સંખ્યામાં ગૂમ થયેલા બાળકોમાં મોટા ભાગના ગુજરાત બહારના રાજ્યોમાંથી રોજગારી અર્થે સૂરત આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે. આ જ કારણે સૂરત ભારતના અન્ય રાજ્યોમાં બાળકો ગૂમ થઇ જવા અંગે વગોવાય રહ્યું છે. મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટનાને ખુદ રાજ્ય સરકારે સ્વીકારવું પડ્યું છે અને આ અંગેની સત્તાવાર માહિતી હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં આધિકારીક રીતે આપવી પડી છે.
આખી બે સ્કુલની વિદ્યાર્થી સંખ્યા જેટલા બાળકો પાંચ વર્ષમાં ગૂમ થઇ ગયા છે સૂરતમાંથી
સરકારના સત્તાવાર આંકડા મુજબ સૂરત શહેરમાંથી દર મહિને 10 વર્ષની વય સુધીના 50 બાળકો ગૂમ થઇ રહ્યા છે. યુનેસ્કો જેવી સંસ્થાના માપદંડો અનુસાર મહિને 50ની સરેરાશથી બાળકો ગૂમ થવા એ અત્યંત તપાસ માગી લે તેવી સમસ્યા કહેવાય. પણ સૂરત શહેરમાં જાણે કશું બન્યું ન હોય તેવો માહોલ છે.
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતભરમાંથી કુલ ૧૬૬૨૦ બાળકો ગૂમ થયા હોવાનું આખરે વિધાનસભાના સત્ર દરમિયાન પુછાયેલા પ્રશ્નને પગલે બહાર આવ્યું છે. આ સત્તાવાર માહિતી ગઇ તા.૩૦મી જૂન ૨૦૧૯ સુધીની છે. સૌથી વધુ બાળકો સૂરત શહેરમાંથી ગૂમ થયા છે. ગુજરાતના બિઝનેસ સિટી અને દેશના ટેક્સટાઇલ સિટી ગણાતા સૂરત શહેરમાંથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ 3002 બાળકો ખોવાય ગયાના સત્તાવાર આંકડા પોલીસ ચોપડે નોંધાયા છે. આશ્ચર્ય તો એ થઇ રહ્યું છે કે ત્રણ-ત્રણ હજાર બાળકો ગૂમ થવા છતાં સૂરતના લોકોમાં કોઇ જ પ્રતિકાત્મક સ્થિતિ સર્જાઇ નથી. સંવેદનશીલ સમાજ હોય તો આટલી મોટી સંખ્યામાં બાળકો ગૂમ થવાની ઘટના બાદ લોકો રસ્તા પર આવી ગયા હોત.
મોટા ભાગના ગૂમ થયેલા બાળકો બીજા રાજ્યોમાંથી રોજગારી અર્થે આવેલા પરપ્રાંતિય પરિવારોના હોવાનું મનાય છે
મોટી અને અસામાન્ય બાબતમાં ગૂમ થયેલા બાળકોનું શું થયું એ બાબતે પણ રિપોર્ટ કરવાની દરકાર કોઇએ લીધી નથી. આ મુદ્દામાં એટલા વ્યાપક સવાલો અનુત્તર રહે છે કે ન પૂછો વાત, ગૂમ થયેલા બાળકોના માતાપિતા, વાલીઓ, પરિવારજનો પર શું વિત્યું હશે અને શું વીતી રહ્યું હશે, ગૂમ થયેલા બાળકો ક્યાં હશે, હયાત હશે કે કેમ આવા અનેક પ્રશ્નો ભલભલા કઠોર હ્રદયને પણ હચમચાવી મૂકે એવા છે પણ બિઝનેસ સિટી બનેલા સૂરતમાં હવે સંવેદનશીલતા ક્ષીણ થતી હોવાનું જણાય રહ્યું છે.
અમદાવાદમાંથી 2143 બાળકો પાંચ વર્ષમાં ગૂમ થયા
તાજેતરમાં મળેલી વિધાનસભા સત્રની ત્રણ દિવસની બેઠકમાં રજૂ કરાયેલી અતારાંકિત પ્રશ્નોત્તરીમાં લીંબડીના ધારાસભ્યો સોમાભાઈ કોળી પટેલ દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે બાળકો ગૂમ થયા હોવાની વિગતો પૂરી પાડી હતી. જેમાં સુરતમાંથી ૩૦૦૨ બાળકો અને અમદાવાદમાંથી ૨૧૪૩, રાજકોટમાંથી ૪૯૮, જામનગરમાંથી ૩૦૩, ભાવનગરમાંથી ૪૫૫, પોરબંદરમાંથી ૧૧૮ અને કચ્છમાંથી ૨૪૮ બાળકો ગુમ થયા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સૂરતમાં શુક્રથી સોમ ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત હીરા-ઝવેરાતનું રાષ્ટ્રીય સ્તરનું સ્પાર્કલ 2019 પ્રદર્શન
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) દ્વારા આગામી તા.13થી 16 ડિસેમ્બર, શુક્રવારથી સોમવાર સુધી સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન SPARKLE 2019 સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે. 2020ના વર્ષમાં કારોબાર કરવા માટે સૂરત સમેત ભારતના ખ્યાતનામ ઝવેરીઓ, ઝવેરાત શોરૂમ્સના સંચાલકો જ્વેલરી મેન્યુફેક્ચરર્સને પોતાના ઓર્ડરો નોંધાવશે. સ્પાર્કલ 2019માં ઝવેરાતનું ઉત્પાદન કરતા એક એકથી ચઢીયાતા મેન્યુફેક્ચરર્સ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ કન્વેન્શન સેન્ટરની એક છત નીચે ચાર દિવસ સુધી સાથે રહીને કારોબાર કરશે.
સ્પાર્કલ પ્રદર્શન અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) ના પ્રમુખ શ્રી કેતનભાઇ દેસાઇ, ઉપપ્રમુખ શ્રી દિનેશભાઇ નાવડીયા, એકઝીબિશન કમિટીના ચેરમેન શ્રી દેવેશભાઇ પટેલ, જ્વેલરી મેન્યુફેક્ચરીંગ એસોસીએશનના પ્રમુખ અને સ્પાર્કલના કન્વીનર શ્રી જયંતિભાઇ સમેત અન્ય આગેવાનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફુલ સિક્યુરિટી કવર, સ્ટોલ ડિઝાઇનિંગમાં ફેરફાર અને ગ્રીન થીમ પર હીરા ઝવેરાતના રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન સ્પાર્કલનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પાર્કલમાં છેલ્લા બે વર્ષથી બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ પેટર્ન પર આયોજન કરવામાં આવે છે. આ વખતે સ્પાર્કલમાં દિલ્હીના 6, જયપુરના 5, મુંબઇના 19 તેમજ સૂરતના 75 અને અમેરીકાથી એક મળીને ઝવેરાત મેન્યુફેક્ચરિંગ સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ પોતાની પ્રોડક્ટસનું ડિસપ્લે કરશે. કુલ 125 સ્ટોલ્સ અને 1434 સ્કવેયર મીટર કાર્પેટ એરીયામાં પ્રદર્શન યોજાશે.
સ્પાર્કલમાં આ વખતે શું શું નવું
એક્ઝીબિટર્સને લોકલ ટ્રાન્સપોર્ટેશન અને હોટેલ સ્ટે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCU) આયોજકો તરફથી આપવામાં આવી રહ્યો છે.
ગ્રીન થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે સ્પાર્કલ 2019. પર્યાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે સ્પાર્કલમાં
એક્ઝીબિશન દરમિયાન ચોરી-તસ્કરીની ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખીને ડ્યુઅલ એંગલથી એક્ઝિબિશન એરીયાના ખૂણેખૂણાને સીસી કેમેરાથી કવર કરવામાં આવ્યા છે.
ફોટો આઇડી વેરીફીકેશન વગર કોઇપણ સ્પાર્કલમાં એન્ટ્રી લઇ શકશે નહીં
એક્ઝીબિટર્સ ઇચ્છશે એ વ્યક્તિને જ તેમના સ્ટોલની અંદર બિઝનેશ ટોક માટે આમંત્રિત કરી શકાશે. અન્યથા મુલાકાતીઓએ બહારથી જ ડિસ્પ્લે થયેલી જ્વેલરી નિહાળીને આગળ વધવું પડશે.
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેશનલ ચેરમેન શ્રી પ્રમોદ અગરવાલ સ્પાર્કલ 2019નું ઉદઘાટન કરશે
બોત્સવાના દેશના ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ સુશ્રી ગેમ્મા બેગાબોલાવે ગેસ્ટ ઓફ ઓનર તરીકે સ્પાર્કલના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે.
દેશભરમાંથી સ્પાર્કલમાં ઝવેરાત શો રૂમ્સના સંચાલકો આવશે અને તેમના ઓર્ડર મેન્યુફેક્ચરર્સને પ્લેશ કરશે
આ વખતે જ્વેલરી મશીનરી ઉત્પાદક એવા અમેરિકાથી એક એક્ઝિબિટર્સ સ્પાર્કલમાં ભાગ લઈ રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.