હાર્દિક પટેલના આજના એક દિવસના ઉપવાસને રોકવા માટે પોલીસે અંદાજે 140 જેટલા લોકોને અટકાયતમા ંલીધા છે, જેમાં નિકોલ વસ્ત્રામાંથી 58, રાજકોટથી આવતા 26 કાર્યકરોને ચોટીલા ખાતે તેમજ બોપલ ખાતે હાર્દિકના નિવાસસ્થાને 59 લોકોને અટકાયતમાં લીધા છે.
પાસના નેતા હાર્દિક પટેલ ફરીથી ગુજરાતમાં હીરો બનવા તરફ છે. રાજ્ય સરકાર પાસ આંદોલનને ટાઢું પાડવામાં નિષ્ફળ નિવડી છે અને ફરી વખત હાર્દિક પટેલ આજે સમગ્ર ગુજરાતના પાટીદારોમાં હીરો બની રહ્યો છે. સોશ્યલ મિડીયામાં સૌથી વધુ ટ્રોલ થઇ રહ્યો છે. ગુજરાત સરકાર સામે લડી લેવાની વાતોએ ફરથી હાર્દિકને કેન્દ્ર સ્થાન અપાવ્યો છે. આજે રવિવારે સવારે નિકોલ ખાતે એક દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરવા જઇ રહેલા હાર્દિકને તેના ઘર પાસેથી જ અટકાયતમાં લઇને પોલીસે સમગ્ર ગુજરાતમાં ફરીથી પાટીદારોની ઉશ્કેરણી કરી હોય તેવો ઘાટ સર્જાયો છે.
સમગ્ર ઘટના ક્રમ અંગે મળતી માહિતી મુજબ હાર્દિક પટેલે 25મી ઓગસ્ટના આમરણાંત ઉપવાસ પૂર્વે જ સરકાર સામે બાંયો ચઢાવતા આજે તા.19મી ઓગસ્ટના રોજ અમદાવાદના નિકોલમાં પોતાની કારમાં એક દિવસનો પ્રતિક ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે તે ઘરેથી નિકળે તે અગાઉ જ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાર્દિકને ગાડીમાંથી ઉતારીને તેની તેમજ સંખ્યાબંધ સમર્થકોની પોલીસે અટકાયત કરી લીધી હતી. આ મુદ્દે પાસના કન્વીનર નિખિલ વસાણીએ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે રાજ્યની ભાજપની સરકાર લુખ્ખાગીરી કરી રહી છે અને બંધારણિય હકોના લીરે લીરા ઉડાડી રહી છે. હવે સરકાર શાનમાં નહીં સમજે તો આના પરિણામો અત્યંત ગંભીર આવી શકે છે તેવી ચિમકી પણ તેણે ઉચ્ચારી હતી.
છેલ્લા 12 મહિનામાં પતંજલિ આયુર્વેદની વૃદ્ધિને ભારે આંચકો લાગ્યો છે. આ ગાળામાં હરીફોએ અનેક નેચરલ અને હર્બલ પ્રોડક્ટ લોન્ચ કરીને બાબા રામદેવના સાહસને પડકાર ફેંક્યો છે. પતંજલિના હરીફોમાં મુખ્યત્વે બહુરાષ્ટ્રીય કંપનીઓનો સમાવેશ થાય છે.
ઓક્ટોબરથી માર્ચ 2018ના ગાળામાં પતંજલિના સેલ્સ વોલ્યુમમાં સાત ટકા વૃદ્ધિ થઇ હતી જ્યારે એપ્રિલથી સપ્ટેમ્બર 2017ના ગાળામાં 22 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી તેમ વૈશ્વિક કન્ઝ્યુમર રિસર્ચ કંપની કેન્ટર વર્લ્ડપેનલનો અહેવાલ જણાવે છે. આ આંકડા ઓક્ટોબર-માર્ચ 2017ની ૫૨ ટકા વૃદ્ધિ અને એપ્રિલ-સપ્ટેમ્બર 2016ની 49 ટકા વૃદ્ધિની સરખામણીમાં ઘણા નીચા છે.
ગયા સપ્તાહમાં ક્રેડિટ સુઇસે જણાવ્યું કે પતંજલિના નાણાકીય 2018ના સેલ્સ વોલ્યુમમાં બહુ ઓછો ઘટાડો થયો હતો જ્યારે છેલ્લા ચાર વર્ષમાં તેમાં 100 ટકાના દરે ચક્રવૃદ્ધિ વધારો થયો છે. સ્વિસ ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીએ પતંજલિના વાસ્તવિક વેચાણ કે વૃદ્ધિના આંકડા આપ્યા ન હતા. કંપનીએ કહ્યું કે તેણે બજારમાં પોતાની હાજરી પ્રસ્થાપિત કરી છે અને થોડા જ વર્ષોમાં દરેક ઘરમાં જાણીતું નામ બની ગયું છે.
દક્ષિણ કોરિયાની મહાકાય ઓટો કંપની હ્યુન્ડાઈ મોટર ભારતમાં ઇલેક્ટ્રિક
વ્હિકલ્સની તેની ફુલ રેન્જ રજૂ કરવાની યોજના ધરાવે છે. ભારતની નં.-1 કાર કંપની મારુતિ સુઝુકી સામે સ્પર્ધા કરવા માટે પ્રોડક્ટ ઓફરિંગ્સમાં વધારો કરીને બજારહિસ્સો વધારવાના પ્રયાસના ભાગરૂપે તે હવે ઇલેક્ટ્રિક કારનો કાફલો પણ રસ્તા પર ઉતારશે.
મારુતિએ 2020 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરવાની યોજના જાહેર કર્યાના ગણતરીના દિવસોમાં જ હ્યુન્ડાઈએ ભારતમાં આવા વાહનોના મેન્યુફેક્ચરિંગની દિશામાં અભ્યાસ શરૂ કર્યો હતો અને કંપની વૈશ્વિક સ્તરે સફળ ગયેલી કોના SUVને 2019 સુધીમાં ભારતમાં રજૂ કરશે.
હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયા જણાવે છે કે, “અમારો હેતુ ભારતમાં ઇલેક્ટ્રિક કારની રેન્જ મૂકવાનો અને વિવિધ કિંમતના ખરીદદારોને આકર્ષવાનો છે. કંપની અત્યારે બેટરી મેન્યુફેક્ચરિંગ અને લોકલ માર્કેટમાંથી પાર્ટ્સનું સોર્સિંગ કરવા સહિતના વિવિધ વિકલ્પોનો અભ્યાસ કરી રહી છે. અમે ભારમતાં ઇલેક્ટ્રિક વ્હિકલ્સ માટે ‘ટોપડાઉન સ્ટ્રેટેજી’ અપનાવીશું. કોના ઇલેક્ટ્રિક વ્હિકલના એસેમ્બલિંગ બાદ અમે ભારતમાં કોમ્પેક્ટ SUVs અને સેડાન ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું મેન્યુફેક્ચરિંગ કરી શકીએ છીએ કે નહીં તેની ચકાસણી કરીશું.”
ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કરવાના પગલાંથી હ્યુન્ડાઈને ભારતમાં મારુતિ સુઝુકીને સીધી સ્પર્ધા આપવામાં મદદ મળે તે જરૂરી નથી પરંતુ કંપનીને ભવિષ્યમાં સરકારની એનર્જી એફિશિયન્ટ સર્વિસિસ લિ. (EESL)ના કોન્ટ્રાક્ટમાં ભાગ લેવાના વિકલ્પો જરૂર મળશે.
બ્રહ્માંડના સર્વપ્રથમ દેવ ગણાતા વિઘ્નહર્તા ગણપતિ બપ્પાના આગમનને હવે 4 દિવસ જ બાકી રહ્યા છે. તેમની મહેમાનગતિ કરવા ભક્તો પૂરજોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. ભારત જેવા પ્રતિભાશાળી દેશમાં કળાની કોઇ કમી નથી. જો એક વસ્તુ ઉપલબ્ધ ન હોય તો વૈકલ્પિક વસ્તુનો જુગાડ કેવી રીતે કરવો એ જાણે છે. તેથી બપ્પાના આગમનમાં કોઇ પણ જાતની કમી ન દેખાય તે માટે કલાકારોએ ઘણા વિકલ્પો શોધ્યા છે જે પર્યાવરણને હાનિ પહોંચાડી શકે તેમ નથી. તેથી આજના લોકો પરંપરાને પર્યાવરણના હિતમાં રાખીને નિભાવે છે. આવી મોંઘવારીના સમયમાં ધનાઢ્ય પરિવાર હોય કે પછી ગરીબ, બધા જ સ્તરના લોકો માટે ડેકોરેશન સંબંધી વિકલ્પો ઉપલબ્ધ છે.
પૈસા છે તો વાપરો પ્લાયવુડના મકર
પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવી વસ્તુઓ પર્યાવરણને હાનિ પહોંચાડતા હોવાથી 23મી જૂનથી મહારાષ્ટ્ર રાજ્યમાં આ વસ્તુઓને બૅન કરી નાખી હતી. તેથી હવે ગણપતિના ડેકોરેશનમાં સનબૉર્ડ, પ્લાયવૂડ અને કાર્ડબોર્ડમાંથી બનાવાતા ગણપતિના મકરનું ચલણ વધી રહ્યું છે. જોકે, આવા પ્રકારના મકરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થર્મોકોલના નાના મકર પહેલા પાંચસો રૂપિયા સુધીમાં સરળતાથી ઉપલબ્ધ થઇ જતાં હતા, પણ હવે તેના વિકલ્પ તરીકે બનાવવામાં આવી રહેલા આ પ્રકારના મકરના ભાવની શરૂઆત છ હજારથી થાય છે. પ્લાયવૂડ, સનબૉર્ડ અને કાર્ડબોર્ડથી તૈયાર કરવામાં આવતા મકરનો ફાયદો એ છે કે આ મકરને સાચવીને આગલા વર્ષે પણ વપરાશમાં લઇ શકાય છે.
દાદરમાં આવેલી એક ડેકોરેશનની દુકાનના માલિકે જણાવ્યું હતું કે થર્મોકોલ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હોવાથી અમે તેના વિકલ્પ તરીકે બાયોગ્રેડ મટિરીયલનો વપરાશ કરીએ છીએ જે માર્કેટમાં થર્મોકોલ કરતાં બમણી કિંમતે વેચાણ થાય છે. પ્લાસ્ટિકબંદી થયા પહેલા થર્મોકોલથી બનાવવામાં આવેલા ગણપતિના મકરને લોકો ખરીદે એ અંગે પાલિકા સાથે વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત ગણપતિચતુર્થી બાદ થર્મોકોલના ડેકોરેશનને ડિસ્પોઝ કરી શકાય એવા મશિન પણ બેસાડવામાં આવશે, જેથી પર્યાવરણને નુકસાન ન થઇ શકે. તેમ જ મોટા મંડળ દ્વારા કરવામાં આવી રહેલા ડેકોરેશનમાં થર્મોકોલની જગ્યાએ હિટલોંગનો પણ વપરાશ થઇ રહ્યો છે.
પ્લાસ્ટિકની પ્લેટને બદલે શેરડીના ડુચાની પ્લેટ
આ તો થઇ ડેકોરેશનની વાત! જ્યારે ગણપતિ આપણા ઘરે પધારે છે, ત્યારે તેમના દર્શન માટે સગાસંબંધી તેમ જ મિત્રો પણ આવે છે. ઘરના સભ્યોનું કામ ન વધે તે માટે એ મહેમાનોને ચાયની જગ્યાએ કોલ્ડડ્રીંગ્સ અને સુકા નાશ્તા માટે પ્લાસ્ટિકની પ્લેટ્સ અને ગ્લાસની સુવિધા રાખવામાં આવતી, પણ આજે હવે તેનો પણ વિકલ્પ ઉપલબ્ધ છે. પ્લાસ્ટિક કરતાં મોંઘી કિંમત ધરાવતા કાગળ અને શેરડીના ડુચામાંથી તૈયાર કરવામાં આવતી પ્લેટ્સ, ગ્લાસ અને નાના કપની માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે.
ગણપતિ બપ્પાની મૂર્તિ વિશે વાત કરીએ તો રાજ્યમાં ઇકો-ફ્રેન્ડલી શાડુ માટીની મૂર્તિનું વેચાણ 40 ટકા જેટલું વધ્યું છે અને પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓનું પ્રમાણ ધીરે ધીરે ઘટી રહ્યું છે, જે સૌથી સકારાત્મક વાત છે. આ ઉપરાંત કાગળની લુગદીની પણ મૂર્તિઓ બનાવવામાં આવે છે, પણ તેની કિંમત સાતમા આસમાને હોવાથી તેની ખરીદી ખૂબ જ ઓછા લોકો કરે છે. હવે ધીરે ધીરે લોકો પણ પર્યાવરણનું ધ્યાન રાખીને પણ પર્વને ધૂમધામથી ઉજવી રહ્યા છે.
થર્મોકોલની સજાવટ કરનાર કલાકારોથી બાપ્પા રૂઠ્યા
રાજ્યમાં સરકાર દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવામાં આવતા આ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા વેપારીઓ અને કારીગરો મુશ્કેલીમાં મુકાયા છે. ગણોશોત્સવને માંડ એક મહિનો બાકી છે, ત્યારે પ્રતિબંધને કારણે થર્મોકોલના મકર તેમ જ અન્ય નાની મોટી સજાવટની વસ્તુઓ બનાવનાર કલાકારો હતાશ થયા છે.
ગણેશોત્સવ પૂર્ણ થતા જ આવતા વર્ષની તૈયારીમાં કલાકારો લાગી જાય છે, તેથી સરકારે થર્મોકોલ પર પ્રતિબંધ મૂક્યો તે અગાઉ જ કલાકારો થર્મોકોલના અંદાજે 70 ટકા મકર અને અન્ય સજાવટની વસ્તુઓ તૈયાર કરી ચૂક્યા હતા. થર્મોકોલના વેચાણ પર બંધી અમલમાં આવતા કલાકારોની મહેનતની સાથે કરોડોના રોકાણ પર પણ પાણી ફરી વળ્યું છે. એટલું જ નહીં તેમની રોજીરોટીને પણ મોટો ફટકો પડ્યો છે.
શ્રી થર્મોકોલ સજાવટ કલાકાર સંગઠનના જણાવ્યા અનુસાર અમારા સંગઠન સાથે અંદાજે દસથી 15 હજાર કલાકારો જોડાયેલા છે. આ કલાકારોએ પ્લાસ્ટિક બંધીના અમલ અગાઉ જ કરોડોનો માલ તૈયાર કરીને રાખ્યો હતો. પ્રતિબંધ બાદ અમે થર્મોકોલની વસ્તુઓ બનાવવાનું બંધ કરી દીધું હતું. જોકે, જે તૈયાર કરેલો માલ પડ્યો છે તે વેંચવાની મંજૂરી આપવામાં આવે તેવી માગ અમે સરકારને કરી છે. અમે લોન લઇને કરોડોનું રોકાણ કર્યું છે, જો તે નહીં વેેચાય તો તેનો ફટકો ગરીબ કારીગરોને પડશે.
સંગઠનના જણાવ્યા અનુસાર અમે થર્મોકોલ બંધીના વિરોધમાં નથી, પરંતુ જે માલ પડ્યો છે તેને આ વર્ષે ગણેશોત્સવમાં વેચવાની મંજૂરી આપવામાં આવે. આગામી વર્ષે અમે થર્મોકોલના મકર કે પછી સજાવટની અન્ય વસ્તુનું વેચાણ નહીં કરીએ. આ અંગે અમે રાજ્ય સરકાર અને રાજકીય પક્ષ સમક્ષ અમારી માગણી મૂકી હતી, પરંતુ હજુ સુધી કોઇ પ્રતિસાદ મળ્યો નથી. જોકે, હજુયે તેમને આશા છે કે રાજ્ય સરકાર અને પાલિકા ફરી એક વાર વિચાર કરીને બાકી બચેલા થર્મોકોલના માલને વેચવાની મંજૂરી આપશે.
પ્લાસ્ટિક અને થર્મોકોલ જેવા અવિઘટનશીલ પદાર્થને કારણે પર્યાવરણને થતા ગંભીર નુકસાનને ધ્યાનમાં લઇને સરકારે આ વર્ષે પ્લાસ્ટિક અને થર્મોકોલ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. જોકે, તેના અમલ અગાઉ સરકારે પ્લાસ્ટિક અને થર્મોકોલના માલના જથ્થાના નિકાલ માટે સમય આપ્યો ન હોવાની વેપારી અને કારીગરોની ફરિયાદ છે.
ઉપરવાસમાં વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે. સરદાર સરોવર ડેમની સપાટી હાલ 113.50 મીટરે પહોંચી છે. છેલ્લા 12 કલાકમાં જળ સપાટીમાં 2.5 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 1,02,414 ક્યુસેક પાણીની આવક થતા ડેમની સપાટીમાં વધારો થયો છે.
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ત્રણ મીટરનો વધારો થતા અગામી 9 મહિના રાજ્યને પીવા અને સિંચાઈ માટે ચાલે તેટલા પાણીનો સંગ્રહ થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળ સપાટીમાં શુક્રવારે 111.30 મીટરે પહોંચી છે. સતત પડી રહેલા વરસાદને કારણે પાણીની આવક વધતા જળ સપાટી દર કલાકે 3થી 4 સેન્ટિમીટર વધી રહી હતી. માત્ર 12 કલાકમાં જ જળ સપાટી 32 સેન્ટિમીટર વધી હતી. અગાઉ આ આવક 4થી 5 હજાર ક્યુસેક હતી જે વધીને 6747.0 હજાર ક્યુસેક થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદ ન આવવાના એેંધાણને કારણે નર્મદા ડેમમાં પાણીની સપાટી ઘટશે તેવી શકયતા હતી, પરંતુ મધ્ય પ્રદેશમાં વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની આવકમાં ક્રમશ: વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાના પગલે ખેડૂતોમાં પણ આનંદનું મોજું ફરી વળ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે 30 વર્ષના ગાળાં બાદ વિશ્ર્વ પ્રસિદ્ધ ઓક્સફર્ડ યુનિવર્સિટી નવી કૉલેજ શરૂ કરવાની યોજના ઘડી રહી છે.
ધ ડેલી ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે ઓક્સફર્ડની પાંચ વર્ષની યોજનામાં 1000 ગ્રેજ્યુએટ રૂમ બાંધવાનો અને ઓછામાં ઓછી એક નવી કૉલેજ શરૂ કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ અગાઉ ઓક્સફર્ડે 1990માં ફક્ત ગ્રેજ્યુએટ્સ માટેની કેલોગ કૉલેજ શરૂ કરી હતી.
નવી કૉલેજ શરૂ કરવાની યોજનાને યુનિવર્સિટીની ગવર્નિંગ બોડીએ ટેકો આપ્યો છે, પણ એ શરૂ કરવા માટે ઓક્સફર્ડના શિક્ષણવિદોની મંજૂરી મળવી જરૂરી છે. પ્રસ્તાવિત યોજના પ્રમાણે અનુસ્નાતક વિદ્યાર્થીઓની સંખ્યા 2023 સુધીમાં વધીને વર્ષે 850 અને અંડરગ્રેજ્યુએટ્સની સંખ્યા વર્ષે 200 જેટલી થશે. હાયર એજ્યુકેશન પોલિસી ઇંસ્ટિટયૂટના ડિરેક્ટર નિક હિલમેને જણાવ્યું હતું કે ઓક્સફર્ડ પોતાની સરખામણી યુકેની અન્ય સંસ્થાઓ સાથે નહીં, પણ આઇવી લિગ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે કરે છે, જ્યાં અંડરગ્રેજ્યુએટ્સ કરતા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે.
ઓક્સફર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યોજનાની રૂપરેખા હજુ બની રહી છે તથા એને માટે સલાહ લેવામાં આવી રહી છે, જ્યારે એ યોજનાની મોટેપાયે સમીક્ષા કરવામાં આવશે અને ઔપચારિક રીતે અપનાવવામાં આવશે ત્યારે યુનિવર્સિટી એ વિશે ટિપ્પણી કરશે.
કેરળમાં વિનાશક મોન્સુન વચ્ચે શનિ-રવિમાં ભારે વરસાદની આગાહી પ્રાદેશિક હવામાન કચેરી દ્વારા કરવામાં આવી છે. આઉપરાંત કર્ણાટક અને તમિળનાડુમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પહેલાં ગુરુવારે પડેલા ભારે વરસાદમાં હજ્જારો હૅક્ટર જમીનમાં ઊભો પાક ધોવાઈ ગયો હતો. માળખાકીય સગવડને પ્રચંડ નુકસાન પહોંચ્યું હતું.
નેશનલ ડિઝાસ્ટર રિપોન્સ ફોર્સ ઉપરાંત લશ્કરી દળના કર્મીઓે ઈમારતોના છાપરા, ભેખડ ધસી પડતાં રસ્તા પરના કાળમાળમાં સપડાઈ ગયેલા લોકોને ઉગારીને બચાવવાની કામગીરી આદરી રહ્યા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં અટવાઈ ગયેલા વૃદ્ધો, બાળકો અને મહિલાઓ સહિત સેંકડોને બોટ અને હેલિકૉપ્ટર સેવા દ્વારા બચાવીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ટીવી ચૅનલો પર મહિલાઓ અને શ્રમિકોને દોરડાની મદદથી નૌકા દળના હેલિકૉપ્ટરમાંથી સલામત સ્થળે ઉતારતાં હૃદય દ્રાવક દૃશ્યો પ્રસારિત કરવામાં આવ્યા હતા.
એક ગર્ભવતી મહિલાને પીડા ઊપડતાં તેને નૌકાદળની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેણે પુત્રને જન્મ આપ્યો હતો. માતા અને નવજાતની તબિયત સારી છે. ઑસ્ટ્રેલિયા, અમેરિકા અને યુકેના બિનનિવાસી ભારતીયો છેલ્લા બે દિવસથી અલ્વુઆમાં સપડાયેલા તેમના સંબંધીઓને બચાવી લેવા ટીવી ચૅનલો પર વારંવાર મદદ માગી રહેલા જણાયા હતા.
વૉટ્સ ઍપ વીડિયો ક્લિપમાં છ વર્ષના બાળક સાથે પૂરમાં સપડાયેલી માતા ખોરાક અને પાણીની મદદ માગી રહેલી જણાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાતે કેરળ પહોંચીને પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું છે.
હોસ્પિટલોમાં ઓક્સિજન ખુટી પડ્યો
અર્નાકુલમ જિલ્લાની ઘણી ખાનગી હોસ્પિટલોના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઑક્સિજનના પુરવઠાની તંગી પડતાં દર્દીઓને નજીકની સગવડ ધરાવતી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. હૉસ્પિટલોમાં પાણી ભરાતાં દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા હતા. પૂર રાહત છાવણીઓમાં રાખવામાં આવેલા લોકોએ ખોરાક અને પીવાના પાણીની અછત હોવાની ફરિયાદ કરી હતી. શુક્રવારે આફત વધી છે. હોસ્પિટલોમાં ઓક્સિજન ઘઠી રહ્યો છે, તો પેટ્રોલ પંપોમાં સ્ટોક નથી. કેરળમાં 100 વર્ષનું આ સૌથી મોટુ સંકટ છે, અને અત્યાર સુધીમાં કુલ 324 લોકો મોતને ભેટી ચૂક્યા છે. તો વડાપ્રધાન મોદીએ પણ કેરળ પહોંચીને હવાઈ નીરિક્ષણ કર્યું. પરિસ્થિતિની સમીક્ષા કરી.
કેરળના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરવા માટે પીએમ મોદી શુક્રવારે મોડી સાંજે જ અહીં પહોંચ્યા હતા. તેઓએ સવારે સીએમ વિજયન સાથે બેઠક કરી, આ બેઠકમાં પૂરથી થયેલા નુક્સાન અને રાહત બચાવ કાર્યને લઈ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર પૂરગ્રસ્ત કેરળ માટે 100 કરોડની મદદ જાહેર કરી ચૂકી છે.
ઑગસ્ટ માસની શરૂઆતથી જ વરસાદે કેરળમાં ભારે તબાહી મચાવી છે. ભારે વરસાદને પરિણામે આવેલા પૂરે 147 જિંદગીનો ભોગ લીધો છે. કેરળમાં આંકી ન શકાય તેટલી માત્રામાં લોકોની માલમિલકતને નુકસાન પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાછલાં 90 વર્ષના ઈતિહાસમાં કેરળે ચોમાસાનું આટલું રૌદ્ર રૂપ પહેલી વાર જોયું છે.
પાછલા એક સપ્તાહમાં 439 રાહત છાવણીઓમાં 53000 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે, જયારે ચોમાસા દરમિયાન 1790 રાહત છાવણીમાં 1,43,220 લોકોએ આશ્રય મેળવ્યો છે. કેરળે ચાલુ વર્ષે સૌથી ભયાનક ચોમાસાનો સામનો કર્યો છે.
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ 29 મેથી 19 જુલાઈ સુધીમાં ભારે વરસાદથી 130 લોકોના મોત થયા છે, જયારે તેમાં માત્ર ઑગસ્ટ મહિનામાં જ થયેલા મોત ઉમેરવાથી આંકડો 217ને પાર કરી જાય છે.
સરકારના જણાવ્યા મુજબ કેરળમાં રૂ. 8316 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. 14માંથી 10 જિલ્લામાં ભારે તબાહી મચી છે. ભારે વરસાદને પરિણામે કેરળના 27 બંધના દરવાજા ખોલી નાખવા પડયા છે. માત્ર ચાર દિવસમાં 37 લોકોના મૃત્યુ થયા છે. 211 જેટલી ભૂસ્ખલનની ઘટના નોંધવામાં આવી છે.
ગાડગિલ કમિટી (જેને વેસ્ટર્ન ઘાટ્સ ઈકોલોજિકલ એક્સપર્ટ પેનલ પણ કહેવામાં આવે છે)ના અધ્યક્ષ માધવ ગાડગિલના જણાવ્યા પ્રમાણે કમિટી દ્વારા વેસ્ટર્ન ઘાટ વિસ્તારોને ભારે વરસાદથી બચાવવા અંગે ભલામણ કરવામાં આવી હતી. પેનલ દ્વારા ભલામણ અંતર્ગત ખાસ સૂચનો કરવામાં આવ્યા હતાં. જે મુજબ વેસ્ટર્ન ઘાટના 140000 કિ.મી. વિસ્તારને પર્યાવરણની દૃષ્ટિએ સંરક્ષણ વ્યૂહરચના માટે ત્રણ ભાગમાં વહેંચવાનું સૂચન કરવામાં આવ્યું હતું. કેટલાક વિસ્તારોમાં કમિટીએ માઇનીંગ તથા કવૉરિંગ પર પ્રતિબંધ મૂકવા પણ ભલામણ કરી હતી, હાઈરાઈઝ ક્ધસ્ટ્રકશન પર પણ પ્રતિબંધ મૂકવા કમિટીએ સરકારને જણાવ્યું હતું.
NDRFની બચાવ કામગીરી બની ઝડપી
તો NDRFની સાથે સાથે સૈન્ય પણ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીમાં લાગ્યુ છે. રાહત અને બચાવ કામગીરી ઝડપી કરી દેવાઈ છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ રહ્યા છે. તો સેંકડો ગામ ટાપૂમાં ફેરવાઈ ચૂક્.ા છે.
રાહત અને બચાવ માટે સૈન્યના હેલિકોપ્ટર
મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૈન્યના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરાઈ રહ્યા છે. અલૂવા, કાલાડી, પેરુંબુર, મુવાડ્ડુપુઝા અને ચાલાકુડીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સ્થાનિક માછીમારો પણ પોતાની બોટ સાથે સામેલ થઈ રહ્યા છે.
લગભગ સવા બે લાખ લોકો થયા બેઘર
રાજ્યમાં લગભગ સવા બે લાખ લોકો બેઘર થઈ ચૂક્યા છે. તમામ લોકોને રાહત છાવણીમાં શરણ અપાઈ છે. NDRFની 51 ટીમ કેરળ મોકલાઈ છે
ટ્રેનથી મોકલાયું પીવાનું પાણી
રનવે પર પાણી ભરાઈ જતા કોચી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ થઈ ચૂક્યુ છે. 25થી વધુ ટ્રેન રદ કરાઈ છે, અને કેટલીક ટ્રેનોના સમય બદલાયા છે. દક્ષિણ રેલવે દ્વારા ત્રણ સ્પેશિયલ ટ્રેન દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યુ છે.
100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 100 મેટ્રિક ટન ફૂડ પેકેટ તૈયાર કરીને પૂર પ્રભાવિત વિસ્તારોમાં મોકલાયા છે. વીમા નિયામક ઈરડાડુએ તમામ વીમા કંપનીના દાવાની ચૂકવણી કરવા માટે ખાસ શિબિર લગાવવા નિર્દેશ કર્યા છે.
પૂર પ્રભાવિત કેરળ માટે પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે મુખ્યમંત્રી રાહત કોષમાંથી 5 કરોડ રૂપિયા અને ભોજન સહિત જરૂરી સામાન માટે અન્ય 5 કરોડની જાહેરાત કરી છે. તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કેરળના સીએમ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી, 10 કરોડની સહાય જાહેર કરી છે. તેલંગાણાએ પણ કેરળને મદદ માટે 25 કરોડ આપવાનું કહ્યું છે.
પાકિસ્તાનમાં પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને વડા પ્રધાન બનતા અટકાવી શકે એવા તેમને પડકારનાર વિરોધ પક્ષોની યુતિમાં તડાં પડ્યાં હોવાથી ઈમરાનનું પાકિસ્તાનના નવા વડા પ્રધાન બનવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.
પાકિસ્તાનમાં નવી જ ચૂંટાયેલી ધારાસભા અને સંસદનું નીચલું ગૃહ વડા પ્રધાનને ચૂંટવા મીટિંગ કરી હતી. ૧૫મી રાષ્ટ્રીય ધારાસભા (એનએ)માં ચૂંટણી માત્ર એક ઔપચારીકતા બનીને રહી ગઈ હતી. ૫૪ બેઠક ધરાવતી બીલાવલ ભુત્તો-ઝરદારીના વડપણ હેઠળની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) મતદાનમાં ગેરહાજર રહી હોવાથી ચૂંટણી માત્ર ઔપચારીકતા બની ગઈ હતી. ખાનને ૧૭૬ મત અને શાહબાઝને ૯૬ મત મળ્યા હતા. ખાન શનિવારે હોદ્દા અને ગુપ્તતાના સોગંદ લેશે. પાકિસ્તાનમાં સરકાર રચવા ૩૪૨ સભ્યના નીચલા ગૃહમાં ૧૭૨ મતની સરકાર રચવા માટે આવશ્યકતા હોય છે. શાહબાઝની ઉમેદવારી અંગે વિપક્ષોમાં ભારે મતમતાંતર જોવા મળ્યા હોવાથી વિખ્યાત ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાનનો વડા પ્રધાન માટેનો વિજય લગભગ નિશ્ર્ચીત બની રહ્યો હતો. સ્પીકરની કચેરીમાં ઉમેદવારી પત્રોની ઝીણવટભરી તપાસ કરાઈ હતી.
બપોરે ૩-૩૦ના સુમારે પાકિસ્તાન સંસદનું સત્ર યોજાયું હતું. રાષ્ટ્રીય ધારાસભાના સ્પીકર અસદ કૈસરે આ સત્ર યોજ્યું હતું. વિવિધ ઉમેદવારો માટેની વિવિધ ગેલેરીમાંથી ખુલ્લેઆમ મતદાન થયું હતું. ચૂંટાયેલા વડા પ્રધાન શનિવારે ૧૮મી ઓગસ્ટે શપથ લેશે.
પારસીઓનું નવું વર્ષ ગણાતા પતેતી પર્વે આજે દેશભરમાં પારસી બિરાદરોએ પરિવાર સમેત પતેતીની ઉજવણી કરી હતી. તેમણે પોતાના પરિવારજનો, સગાસબંધીઓને પતેતીની શુભકામનાઓ પાઠવી હતી.
ભારતમાં પારસી કોમ્યુનિટીમાં શિર્ષસ્થ ગણાતા ઉદ્યોગપતિ તાતા પરિવારના રતન તાતાએ પણ મુંબઇના બાંદ્રા ખાતે આવેલી ટાટા અગિયારી ખાતે પતેતીની શુભકામનાઓ પાઠવતા ઉજવણી કરી હતી. જે તસ્વીરમાં દ્શ્યમાન છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.