CIA ALERT

Slider Archives - Page 383 of 492 - CIA Live

April 2, 2019
gst.jpg
1min9930

માર્ચ મહિનામાં GST કલેક્શન વધીને ₹1.06 લાખ કરોડની નવી ઊંચાઈએ પહોંચ્યું છે. ફેબ્રુઆરીમાં સરકારની GST આવક ₹97,247 કરોડ રહી હતી. રિટર્નની સંખ્યામાં વૃદ્ધિને પગલે કમ્પ્લાયન્સમાં સુધારો થવાથી GSTના આંકડામાં વધારો નોંધાયો છે.

સત્તાવાર નિવેદન અનુસાર માર્ચ 2019માં GSTની કુલ આવક ₹1,06,577 કરોડ રહી છે. જેમાં કેન્દ્રીય GST ₹20,353 કરોડ, સ્ટેટ GST ₹27,520 કરોડ, ઇન્ટિગ્રેટેડ GST ₹50,418 કરોડ અને સેસ ₹8,286 કરોડ છે.

31 માર્ચ સુધીમાં ફાઇલ કરાયેલા ફેબ્રુઆરી મહિનાના GSTR-3B સમરી સેલ્સ રિટર્નની કુલ સંખ્યા 75.95 લાખ રહી છે. GST અમલી બન્યો ત્યારથી અત્યાર સુધીમાં માર્ચ 2019નું GST કલેક્શન સૌથી વધુ છે, જે માર્ચ 2018ની તુલનામાં 15.6 ટકા વૃદ્ધિ દર્શાવે છે.

માર્ચ 2018માં GST કલેક્શન ₹92,167 કરોડ નોંધાયું હતું. 2018-’19માં GST રેવન્યુની માસિક સરેરાશ ₹98,114 કરોડ રહી છે, જે અગાઉના નાણાંકીય વર્ષની તુલનામાં 9.2 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આંકડા દર્શાવે છે કે, ઘણી ચીજોના GST દરમાં ઘટાડો છતાં છેલ્લા કેટલાક મહિનાથી GST કલેક્શન વધી રહ્યું છે.

સરકારે 2018-’19 માટેનો GST કલેક્શન ટાર્ગેટ ઘટાડીને ₹11.47 લાખ કરોડ કર્યો છે, જે અગાઉ ₹13.71 લાખ કરોડ હતો. GST કલેક્શન એપ્રિલમાં ₹1.03 લાખ કરોડ, મેમાં ₹94,016 કરોડ, જૂનમાં ₹95,610 કરોડ, જુલાઇમાં ₹96,483 કરોડ, ઓગસ્ટમાં ₹93,960 કરોડ, સપ્ટેમ્બરમાં ₹94,442 કરોડ, ઓક્ટોબરમાં ₹1,00,710 કરોડ, નવેમ્બરમાં ₹97,637 કરોડ, ડિસેમ્બર 2018માં ₹94,725 કરોડ, જાન્યુઆરી 2019માં ₹1.02 લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં ₹97,247 કરોડ હતું. 2019-’20 માટે GST કલેક્શન ટાર્ગેટ ₹13.71 લાખ કરોડ નિર્ધારિત કરાયો છે.

ઊંચા કલેક્શનને કારણે સીધા વેરાની વસુલાતમાં ઘટ પૂરવામાં મદદ મળશે. માર્ચના અંત સુધીમાં સીધા વેરાની વસુલાતનો અંદાજ ₹11.50 લાખ કરોડ છે. કર અધિકારીઓ એપ્રિલને બદલે માર્ચના અંતમાં પીએસયુને ટીડીએસ જમા કરાવવા સહિતના ઉપાય અજમાવતા હોય છે. 2018-19 માટેના સુધારેલા અંદાજમાં સરકારે સીધા કરવેરાની વસુલાતનો આંક ₹11.5 લાખ કરોડથી વધારીને ₹12 લાખ કરોડ કર્યો છે. આમ, સુધારેલા અંદાજ કરતાં ₹60,000 કરોડની ઘટ રહેવાનો અંદાજ છે.

પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરા વિભાગના અધિકારીઓ દ્વારા વસુલાત માટેનાં છેલ્લી ઘડીનાં પ્રયાસને પગલે જીડીપીના 3.4 ટકાના રાજકોષીય ખાધનો લક્ષ્ય વસુલ થશે એવો વિશ્વાસ નાણાં મંત્રાલયે વ્યક્ત કર્યો હતો. ફેબ્રુઆરીના અંતમાં રાજકોષીય ખાધ સમગ્ર વર્ષનાં લક્ષ્ય કરતાં 34.2 ટકા વધી ગઇ હતી.

April 2, 2019
bjp_logo.png
1min9900

જયેશ બ્રહ્મભટ્ટ

લોકો અને કાર્યકરોમાં જોમ-જુસ્સો ઓસરી ગયા પછી આજે સુરત બેઠક પર ઉમેદવાર જાહેર થશે

સુરત સંસદીય મત વિસ્તાર જેવી સલામત બેઠક પર ભાજપાની કેન્દ્રીય નેતાગીરીએ તા.2લી એપ્રિલ બપોરે 12 વાગ્યા સુધી કોઇ ઉમેદવાર જ ઘોષિત નહીં કરતા સુરત ભાજપાના કાર્યકરોના નૈતિક બળ પર ઘેરી અસર થઇ છે. સ્થાનિક નેતાગીરી પણ અચંબામાં પડી જવા પામી છે. ખુદ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ શુક્રવારે સુરત ખાતે કહ્યું હતું કે મોડામાં મોડું શનિવાર, તા.30મી માર્ચે સાંજ સુધીમાં સુરતના ઉમેદવાર ઘોષિત થઇ જશે. પરંતુ, કેન્દ્રીય મોવડી મંડળ કયા પરિબળોને કારણે સુરત બેઠક પર ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં વિલંબ કરી રહી છે એ બાબત અકળ બની છે સાથે જ સ્થાનિક કાર્યકરોના જોમ-જુસ્સાને શાંત કરનારી નિવડી છે. બેશક આની સીધી અસર ભાજપાના પ્રચાર પર પડી શકે તેમ છે.

રોજેરોજ ભાજપાના ઉમેદવારો અંગે નવી નવી અટકળો બહાર આવે છે. તા.2 એપ્રિલ 2019ના રોજ સવારથી આ અટકળોમાં નીતિન ભજીયાવાળાના નામ સાથે દર્શના જરદોષ, અજય ચોક્સી, હેમાલી બોઘાવાલા, દર્શિણી કોઠીયા સિવાય નવું નામ આવ્યું અને એ પૂર્વ એમ.એલ.એ. જનક બગદાણાવાળાનું. મંગળવાર તા.2 એપ્રિલના રોજ સાંજે ક્લીયર થઇ જશે કે ભાજપાનો સત્તાવાર ઉમેદવાર સુરતની બેઠક પર કોણ હશે.

નીતીન ભજીયાવાળા કે જનક બગદાણાવાળા કે સ્કાલલેબ

Nitin Bhajiyawala with PM Narendra Modi at airport once upon a time

દરમિયાન એવી પણ વાતો ઉડી છે કે સુરત બેઠક પર નીતિન ભજીયાવાળાની સાથે પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાનું નામ કેન્દ્રીય પાર્લામેન્ટમાં ચર્ચાયું છે અને અત્યાર સુધી તેમનું નામ ક્યાંયે પીકચરમાં ન હતું પરંતુ, છેલ્લી ઘડીએ જનક બગદાણાવાળાનું નામ ફેવરીટ લિસ્ટમાં આવી ચૂક્યું છે. વધુમાં સુરતની બેઠક પર તા.2જી એપ્રિલ 2019ના રોજ સુરત સમેત ગુજરાતની તમામ બાકી બેઠકો પર ભાજપા પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી દેશે

Janak Bagadna, Ex MLA Gujarat

સુરત બેઠક માટે ભાજપાના ઉમેદવાર ઘોષિત કરવામાં કોંગ્રેસને મૂંઝવણ ઉભી થઇ શકે તે વાત માની શકાય પરંતુ, ભાજપા માટે સલામત ગણાતી સીટ પર કેન્દ્રીય મોવડીઓ વિલંબ કરી રહ્યા છે એ વાતે સ્થાનિક નેતાગીરીનો વિશ્વાસ પણ ડગી ગયો છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ એ જે ત્રણ નામો મોકલ્યા છે, સિટીંગ એમ.પી. દર્શનાબેન જરદોષ, શહેર ભાજપા પ્રમુખ નીતિન ભજીયાવાળા અને સુરત ઉત્તરના પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સી, આ ત્રણ નામો પૈકીના જ એક હોય તો એવું કયું કારણ છે કે તેમાંથી કોઇ એક નામ જાહેર થઇ શકતું નથી.

ઉમેદવાર જાહેર કરવામાં અતિશય વિલંબ થવા ઉપરાંત સ્થાનિક નેતાગીરી પૈકી કોઇને પણ કોઇ બાબતે વિશ્વાસમાં લેવાતા નથી, જેનો સીધો અર્થ એ થાય કે કેન્દ્રીય નેતાગીરી સામે સ્થાનિક નેતાઓની કોઇ વાત ચાલતી નથી, તેમને કોઇ મહત્વ અપાતું નથી. કેન્દ્ર માંથી જે આદેશ આવે તેનું જ સીધું પાલન જ કરવાનું, આવી સ્થિતિને પગલે સ્થાનિક ભાજપાના ઘણાં નેતાઓ પરેશાન છે પણ કોઇ કશું બોલી શકે તેટલા સક્ષમ નથી.

સુરત ભાજપામાંથી કોઇ નેતા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને સીધો ફોન કરવાની હિંમત કરી શકે નહીં પરંતુ, સુરતના બિલ્ડર ગમે તે ઘડીએ અમીત શાહને ફોન કરીને ટિકીટની માગણી કરી શકે છે.

April 2, 2019
hardik1-1280x720.jpg
1min8650

હાર્દિક પટેલનો કેસ ઇમરજન્સી હિયરીંગને લાયક ન ગણ્યો સુપ્રીમ કોર્ટે, ઇમરન્સી હિયરીંગ નહીં થાય, ગુજરાતમાં ઉમેદવારી કરવાની અંતિમ મુદત તા.4 એપ્રિલ બપોરે 3 વાગ્યા સુધીની જ

લોકસભા લડવા હાર્દિક સુપ્રીમ કોર્ટ રજૂઆત કરી હતી કે ચૂકાદામાં ગુજરાત હાઇકોર્ટએ ઉતાવળ કરી હતી

પાટીદાર નેતામાંથી  કોંગ્રેસ નેતા બનેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડી શકે તે માટે ગુજરાત હાઇકોર્ટે આપેલા ચૂકાદાને પડકારતી એક પીટીશન સુપ્રીમ કોર્ટમાં કરી હતી. મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કેસની તાત્કાલિક સુનાવણી માટે માગણી કરવામાં આવી હતી. પરંતુ, મળેલી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાની સાફ ના પાડી દીધી હતી. એવું મનાય છે કે હવે ચૂંટણી લડવાની હાર્દિકની મનની મનમાં રહી જશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી કરવાની પ્રક્રિયાની અંતિમ મુદત તા.4 એપ્રિલ 2019ના રોજ બપોરે ત્રણ કલાક સુધીની જ છે.

હાર્દિક પટેલ પર વિસનગર હિંસા કેસમાં સજા ફટકારવામાં આવી છે. આ સજા પર સ્ટે મૂકવાની માગણી અગાઉ કરવામાં આવી હતી. પરંતુ, ગુજરાત હાઇકોર્ટે હાર્દિકની માગણી ફગાવી દીધી હતી. પરીણામે હાર્દિક પટેલે ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકાર્યો હતો, ચૂંટણી લડવા માટેની તેની આ છેલ્લી આશા હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સાફ ના પાડી દીધી છે.

વિસનગર કેસની સજા પર સ્ટે ન મૂકાય તો લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ પ્રમાણે હાર્દિક લોકસભા ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે.

ધારાસભ્યની ઑફિસમાં કરેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ. કે. પટેલને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસમાં દોષિત જાહેર થયા બાદ લોકસભાની ચૂંટણી લડવા માટે હુકમની સામે સ્ટે માગવામાં આવ્યો હતો.

 

April 2, 2019
tejpratap.jpg
1min7210

બિહારની રણનીતિના દિગ્ગજ મનાતા લાલુ પ્રસાદ યાદવનું રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) બે ભાગમાં વહેંચાઈ ગયું છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે નવી પાર્ટી ‘લાલુ-રાબડી મોર્ચા’ની જાહેરાત કરી દીધી છે. એ સાથે જ તેમણે સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની પણ વાત કરી છે. આરજેડી વિરુદ્ધ તમારા (તેજ પ્રતાપ) મુકાબલામાં ભાજપને ફાયદો થશે? તે સવાલના જવાબમાં તેજ પ્રતાપે કહ્યું કે, ‘ભાજપને શું ફાયદો થશે, તે તો આપણ પણ ખતમ થઈ રહી છે. ઉમેદવારી પત્ર ભરવા જ્યારે જઈશ, ત્યારે બાકીની બેઠકો જણાવશે. રહી વાત રાજીનામાની તો તેમાં વાર લાગે છે ખરી.’ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ તેજ પ્રતાપ યાદવે પોતાની ઓફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર લખ્યું હતું, ‘વિદ્યાર્થી રાષ્ટ્રીય જનતા દળના મેન્ટર પદેથી હું રાજીનામું આપી રહ્યો છું. એ લોકો મૂરખ છે જે મને મૂરખ સમજે છે, કોણ કેટલા પાણીમાં છે, બધાની મને જાણ છે.’

લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે તેજસ્વી સાથે વાતચીત પર કહ્યું કે, ‘કૃષ્ણની વાત અર્જૂન માને છે ને. મહાગઠબંધનની જ્યારે પ્રેસ કોન્ફરન્સ હતી તો તેની સાથે પહેલા વાતચીત થઈ હતી. હજુ સુધી કોઈ રિસ્પોન્સ નથી આવ્યો. તારીખ પર તારીખ આવી રહી છે. રહી વાત પાર્ટીની તો મારી સામે શું કાર્યવાહી કરશે, સીધી વાત છે જનતાને નજરઅંદાજ ન કરી શકાય. અમે જે પણ છીએ તે જનતા દળને કારણે છીએ.’

તેજ પ્રતાપે કહ્યું કે, ‘અમને બે સીટ જોઈએ- શિવહર અને જહાનાબાદ. જહાનાબાદથી જે નામ તેમણે (આરજેડી)એ જાહેર કર્યું છે, તે ત્રણ વખતથી ચૂંટણી હારી રહ્યા છે. જનતા રોષમાં છે, બધી જનતા તેમને નથી ઈચ્છતી, જનતા યુવાનને ઈચ્છે છે. અમે એ લોકો માટે મોરચો ખોલ્યો છે. રાષ્ટ્રીય જનતા દળમાં જે રીતે લોકો જેમ-તેમ વાતો કરે છે, તેજસ્વીના પગની નીચે, ઘેરો બનાવીને ભાઈ-ભાઈ અને પરિવારને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે, અમારી લડાઈમાં દુશ્મન ફાયદો ઉઠાવશે.’

ઉલ્લેખનીય છે કે, તેજ પ્રતાપ યાદવ આરજેડી તરફથી સારણ લોકસભા બેઠક પર ચંદ્રિકા રાયને ચૂંટણી મેદાનમાં ઉતારવાને લઈને નારાજ હતા. ચંદ્રિકા રાય તેજ પ્રતાપ યાદવના સસરા છે.

 

April 2, 2019
urmila1.jpg
1min10770

ઉર્મિલાએ ગુજરાતીમાં ભાષણ કર્યું : રિક્ષા ચલાવીને પ્રચાર કર્યો

 બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ઉત્તર મુંબઈ બેઠક પરથી કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ ક્ષેત્રમાં મરાઠીઓની સાથોસાથ ગુજરાતીઓની પણ સારી સંખ્યા ધ્યાને લેતાં ઉર્મિલાએ ગુજરાતીમાં પણ ભાષણ કર્યું હતું.
એટલું જ નહીં, બોરીવલી વિસ્તારમાં રિક્ષામાં બેસીને તેમજ જાતે રિક્ષા ચલાવીને પણ ઉર્મિલા માતોંડકરે પ્રચાર કર્યો હતો.
આ અનોખા પ્રચારની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ હતી. આ ક્ષેત્રમાં અભિનેત્રીની ટક્કર વર્તમાન ભાજપ સાંસદ ગોપાલ શેટ્ટી સામે થશે.
April 2, 2019
badhel.jpg
1min12080

વારંવાર અરીસામાં જોઈને તમારો અસલી ચહેરો ઓળખવા પ્રયાસ કરો: બધેલ
છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અરીસો મોકલાવીને પોતાનો અસલી ચહેરો ઓળખવા કહ્યું છે. તેમણે વડાપ્રધાનને અરીસો મોકલ્યા બાદ રાજ્યમાં અરીસા યુદ્ધ છેડાઈ ગયું છે અને રાજ્યનાં અન્ય કોંગ્રેસ નેતાઓ ભાજપનાં નેતાઓને અરીસા મોકલવા લાગ્યા છે.
બધેલે મોદીને અરીસો મોકલ્યા બાદ ટ્વિટ કર્યુ હતું કે, તમને અરીસો ભેટ સ્વરૂપે મોકલવામાં આવ્યો છે. જેને લોક કલ્યાણ માર્ગનાં તમારા આવાસમાં કોઈ એવા સ્થાને લગાવજો, જ્યાંથી તમે વધુ વખત નીકળતા હોય અને વારંવાર પોતાની સિકલ જોઈને અસલી ચહેરો ઓળખવાનો પ્રયાસ કરી શકો. તમે ભલે આ અરીસાનો ઉપયોગ ન કરો પણ દેશની 12પ કરોડ જનતા આ વખતે તમને અરીસો દેખાડવાની છે.
April 2, 2019
morbi.jpg
1min17080

મોરબીમાં 16 સિરામિક કંપની દ્વારા 17.76 કરોડની કર ચોરી, બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી : રાજકોટ વાણિજય વેરા વિભાગ દ્વારા ફરિયાદ !

મોરબીમાં 16 સીરામીક કંપનીઓને ટેક્સ ચોરીથી બચવા ખોટી વેપારી પેઢી બનાવીને કરોડોની ટેકચોરી કરવાનું ભારે પડયું હતું.16 સીરામીક કંપનીઓએ વેરો ન ભરવો પડે તે માટે ખોટી વેપારી પેઢી ઉભી કરી તેનું ઇમેઇલ આઈડી બનાવી તેના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બરોબર વેચી નાખી હતી. જો કે જીએસટી વિભાગની તપાસમાં રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી થઈ હોવાનું બહાર આવતા આ મામલે 16 સીરામીક કંપનીઓ સામે ઠગાઈની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી વિગતો અનુસાર રાજકોટના વાણિજ્ય વેરા વિભાગના અધિકારી વિનોદભાઈ મગનભાઈ મકવાણાએ મોરબીની સીરામીક કંપની રાજન ટાઇલ્સ, લેરિકસ સીરામીક, ઓમકાર સીરામીક, વિનસેલ સીરામીક, હેસ્ટન સીરામીક, ડેલફાઇન સીરામીક, લેવોર્ડ સીરામીક, વિલિયમ્સ સીરામીક, વોલગોસ સીરામીક, કલાસીસ સીરામીક, કુમકુમ સીરામીક, સેલોની સીરામીક, સેમ્સ સીરામીક, ક્રિષ્ના સીરામીક, કેરોન સીરામીક, મોસ્કો સીરામીક એમ મળીને કુલ 16 સીરામીક કંપનીઓના માલિકો સામે રૂ.17.76 કરોડની ટેક્સ ચોરી કરીને છેતરપીંડી કર્યાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ 16 સીરામીક કંપનીના માલિકોએ વેરો ન ભરવો પડે તે માટે કાવતરું રચી ખોટી સીરામીક પેઢી બનાવી હતી.
ખોટી સીરામીક પેઢીના આધારે તે પેઢીના નામનું ખોટું ઇમેઇલ આઈડી બનાવ્યું હતું અને આ ઈમેલ મારફતે પોતાના ડોક્યુમેન્ટ તથા ફોટોગ્રાફ અપલોડ કરી મોરબીના સેવાસદન ખાતે વાણિજ્ય વેરા વિભાગની કચેરીમાંથી જી.એસ.ટી.નો નંબર મેળવી લીધો હતો.
જીએસટીના નંબરના આધારે આરોપીઓ કુલ 3852 ઇવે બિલ જનરેટ કરાવી નાખ્યા હતા.આથી વેરા વિભાગના અન્ય અધિકારી બી.પી.ત્રિવેદીએ આ બાબતની તપાસ કરતા 16 સીરામીક કંપનીઓએ વેરાથી બચવા ખોટા પુરાવાના આધારે રૂ.98.93 કરોડની ટાઇલ્સ બારોબર વેચીને એસ.જી.એસ.ટી. અને યુ.જી. એસ.ટીના રૂ.17.76 કરોડ નહિ ભરપાઈ કરીને ઠગાઈ કર્યાનું બહાર આવ્યું હતું .બી ડિવિઝન પોલીસે મોરબીની 16 સીરામીક કંપનીના માલિકો સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
April 1, 2019
rcb.jpg
1min8400
સનરાઇઝર્સ હૈદરાબાદનો કોહલીસેના સામે 118 રને ઝમકદાર વિજય
હૈદરાબાદ: 20 ઓવર 2/ 231 બેંગ્લોર: 19.5 ઓવર 113 બેયરસ્ટો (114) અને વોર્નર (100*) વચ્ચે પહેલી વિકેટમાં
185 રનની વિક્રમી ભાગીદારી: નબીની 11 રનમાં 4 વિકેટ
હૈદરાબાદ તા.31: પ્લેયર ઓફ ધ મેચ જોની બેયરસ્ટો અને ડેવિડ વોર્નરના રન સૈલાબમાં આરબીસીની કોહલીસેના તણાઇ ગઇ હતી. બેયરસ્ટો (114) અને વોર્નર (અણનમ 100)ની સદીથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઇપીએલના આજના પહેલા મેચમાં 20 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને 231 રનનો જંગી જુમલો ખડકયો હતો. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હૈદરાબાદની બોલિંગ સામે ઘૂંટણિયે પડીને ટીમ 19.3 ઓવરમાં 113 રનમાં જ ડૂલ થઇ ગઇ હતી. આથી સનરાઇઝર્સનો 118 રને ઝમકદાર વિજય નોંધાયો હતો. સતત ત્રીજી હારથી સિતારા ખેલાડીઓથી સજજ આરસીબીની ટીમ પોઇન્ટ ટેબલ પર તળિયે ધકેલાઇ ગઇ છે. જયારે સનરાઇઝર્સ ટોચ પર પહોંચી છે.
232 રનના પહાડ જેવા વિજય લક્ષ્યાંક સામે આરસીબીના તમામ ટોચના બેટધરો હૈદરાબાદની સ્પિન અને પેસ જોડી નબી અને શર્મા સામે પાર્થિવ (11), હેટમાયર (9), સુકાની કોહલી (3), ડિ’વિલિયર્સ (1), મોઇન અલી (2) નિષ્ફળ રહયા હતા. સૌથી વધુ 37 રન ગ્રેંડહોમે કર્યાં હતા. નવોદિત પ્રયાસ બર્મને 19 રન બનાવ્યા હતા. અફઘાન સ્પિનર મોહમ્મદ નબીએ ચાર ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી હતી. જયારે સંદિપ શર્માને 19 રનમાં 3 વિકેટ મળી હતી. આરસીબીએ 3પ રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.
આ પહેલા આરસીબીના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને દાવ આપવાની ભુલ કરી હતી. સનરાઇઝર્સના ઇન ફોર્મ બન્ને ઓપનર ઇંગ્લેન્ડના જોની બેયરસ્ટો અને ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધમાંથી વાપસી કરનાર ડેવિડ વોર્નરે બેંગ્લોરના બોલરોનો કચ્ચરઘાણ કાઢીને ધસમસતી સદી ફટકારી હતી. બેયરસ્ટો-વોર્નરના રન સૈલાબમાં આરસીબીના તમામ બોલરો તણાઇ ગયા હતા. આથી સનરાઇઝર્સ હૈદરાબાદે તેનો આઇપીએલનો સૌથી મોટી સ્કોર બે વિકેટે 231 રન ખડકયો હતો.
બેયરસ્ટોએ તેની આઇપીએલ કેરિયરની પહેલી સદી ફટકારી હતી. તેણે માત્ર પ6 દડામાં 12 ચોકકા અને 7 છકકાથી આતશી 114 રનની ઇનિંગ રમી હતી. તો ઇન ફોર્મ કાંગારૂ ફટકાબાજ ડેવિડ વોર્નર પપ દડામાં પ ચોકકા અને પ છકકાથી 100 રને અણનમ રહયો હતો. બેયરસ્ટો અને વોર્નર વચ્ચે પહેલી વિકેટમાં 98 દડામાં 18પ રનની આક્રમક અને વિક્રમી ભાગીદારી થઇ હતી.
વોર્નર અને બેયરસ્ટોની ફટકાબાજીથી કોહલીસેનાની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન્ન થઇ હતી. આરસીબીને એકમાત્ર સફળતા ચહલને મળી હતી. તેણે બેયરસ્ટોને 114 રને ઉમેશના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. વિજય શંકર 9 રને રનઆઉટ થયો હતો. પઠાણ 6 રને નોટઆઉટ રહયો હતો.
April 1, 2019
mohan_kundaria.jpg
1min6220
લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે જ રાજકોટના વર્તમાન સાંસદ અને આગામી લોકસભા માટે ભાજપના રીપીટ ઉમેદવાર એવા મોહન કુંડારીયાનો પાક વીમાના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન સબબનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પાક વીમાનો પ્રશ્ન પૂછાતા સાંસદ ખુરશી પરથી ઉભા થઈને જતા રહેતા હોવાનું દેખાય છે. આ વિડીયોએ અનેક ચર્ચા જગાવી છે ત્યારે તે વિડીયો ચાર વર્ષ જુનો હોવાનું સાંસદ કુંડારીયા જણાવી રહ્યા છે.
વિડીયોમાં જણાઈ રહ્યું છે કે એક યુવક સાંસદને કપાસ સહિત પાક વીમા મુદ્દે પ્રશ્ન કરે છે ત્યારે કુંડારીયા કહે છે કે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વીમો આપવાની જવાબદારી સરકારની છે, તમારા ધારાસભ્યની આ જવાબદારી છે. સાંસદના આ જવાબથી નારાજ થઈને યુવક કહે છે કે ‘આ તમારી રીત છે જવાબ આપવાની ?’ જેથી સાંસદ કહે છે કે ‘તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઈને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થીયરી જ ખોટી  હતી.’ આ વાતચીત બાદ મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઈને ત્યાંથી જતા રહે છે.
મોહન કુંડારીયા કહે છે વિડીયો ચાર વર્ષ જૂનો છે
સાંસદ મોહન કુંડારીયાએ વાત કરતા જણાવ્યું હતું કે ‘એ વિડીઓ ચાર વર્ષ જુનો છે. વાંકાનેરના કલાવડી નજીક પ્રતાપગઢનો છે. અમે યાત્રા લઈને ત્યાં ગયા હતા. અત્યારે કોંગ્રેસ પાસે મારી વિરુઘ્ધ કોઈ મુદ્દા નથી એટલે નેગેટીવ પ્રચાર કરે છે.’ નોંધનીય છે કે ચૂંટણીના સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીઓએ ખાસ્સી ચર્ચા જગાવી છે.
April 1, 2019
tapti-1.jpg
1min10990

તાપ્તી ગંગા એક્સપ્રેસના ચાર યાત્રિક ઘવાયા, જાનહાની ટળી :

બિહારમાં બે માસમાં બીજી ટ્રેન દુર્ઘટનાબિહારમાં બે મહિનામાં બીજી ટ્રેન દુર્ઘટના સર્જાઇ છે. બિહારના છપરામાં આજે સવારે 9 વાગ્યા આસપાસ રેલ અકસ્માત સર્જાયો હતો. છપરા-બલિયા નજીક તાપ્તી ગંગા એક્સપ્રેસના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર યાત્રિકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જો કે કોઇ જાનહાની થઇ ન હતી. અકસ્માતના બનાવને પગલે રેલ્વે દ્વારા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતુ.

બિહારના હાજીપુરમાં ગત તા.3 ફેબ્રુઆરીએ આનંદવિહાર- રાધિકાપુર સીમાંચલ એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનામાં સાત યાત્રીઓના મૃત્યુ નીપજ્યા હતા અને ઘણાને નાની-મોટી ઇજા પહોચી હતી. આજે સવારે સુરત-છપરા રૂટની 19046 નંબરની તાપ્તી ગંગા એક્સપ્રેસ છપરાથી નીકળી હતી. 45 મીનીટની સફર પુર્ણ કર્યા બાદ ટ્રેન ગૌતમ સ્થાન સ્ટેશને પહોંચતા જ ટ્રેનના 13 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેનની સ્પીડ વધુ ન હોવાથી કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ ચાર યાત્રીક ઘાયલ થતા તેઓને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે રેલ્વે વ્યવહાર ખોરવાયો હતો અને હાલ છપરા-બલિયા રૂટ પર ટ્રેનની આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે. તાપ્તી ગંગા એક્સપ્રેસ દરરોજ સવારે છપરાથી ઉપડીને બલિયા, ઉમ, વારાણસી, સતના, જબલપુર, ખંડવા થઇને આશરે 34 કલાકના સમયાંતરે સુરત પહોંચે છે.