CIA ALERT

Slider Archives - Page 374 of 492 - CIA Live

April 18, 2019
voting.jpg
1min5670

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયામાં 11મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આજરોજ તા.18મી એપ્રિલ 2019ને ગુરૂવારે સવારે 8 વાગ્યાથી દેશની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આરંભના કલાકોમાં મતદાન સાવ મંદ ગતિએ ચાલી રહ્યાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા.
બીજા તબક્કામાં આજે તા.18મી એપ્રિલના રોજ દેશના 12 રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી 96 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કુલ 1644 ઉમેદવારોનાં ભાવી આજે ગુરુવારે સાંજે 5 કલાકે ઇવીએમમાં કેદ થઈ જશે.
આજે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે 38 સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min6200
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.
April 18, 2019
bangladesh.jpg
1min7310

એક વર્ષ પહેલાં અમલી બનાવવામાં આવેલી નવી ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની યંત્રણામાં દેશનાં એપરલ નિકાસકારોને એડ્જસ્ટ થતાં સમય લાગવાને કારણે ગત નાણાકીય વર્ષ 2018-19માં એપરલની નિકાસમાં 3.46 ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલ છે.

Workers sew plaid shirts on the production line of the Fashion Enterprise garment factory in Dhaka, Bangladesh, on Monday, April 29, 2013. Bangladesh authorities said they were accelerating rescue efforts at the factory complex that collapsed last week as hopes fade for more survivors after the nation’s biggest industrial disaster. The government has decided to constitute a panel to identify garment factories in the country at risk of collapse, cabinet secretary Hossain Bhuiyan told reporters on April 29. Photographer: Jeff Holt/Bloomberg

ગત નાણાકીય વર્ષ દેશની એપરલ નિકાસ આગલા વર્ષનાં 16.71 અબજ ડૉલર સામે ઘટીને 16.13 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ નિકાસમાં 4.66 ટકાનો વધારો થયો હતો. જીએસટીની નવી યંત્રણા હેઠળ નિકાસકારોને મળતાં પ્રોત્સાહનોમાં અગાઉની વેરા યંત્રણાની સરખામણીમાં સાત ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમ જ નિકાસકારોને નવી યંત્રણામાં એડ્જસ્ટ થતાં સમય લાગ્યો હોવાને કારણે નિકાસ પર વિપરીત અસર થઈ હોવાનું એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. જોકે, એકંદરે કૉટન યાર્ન સહિત કૉટન ટૅક્સ્ટાઈલની નિકાસમાં આગલા વર્ષની સરખામણીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો થયો છે. તેમ જ કેન્દ્ર સરકારે એમ્બેડેડ ટૅક્સનાં રિઈમ્બર્સમેન્ટની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનામાં ઍપરલની નિકાસમાં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ આ વર્ષે એકંદરે નિકાસ પ્રોત્સાહિત થઈ હોવાનું ટેક્સપ્રોસિલે જણાવ્યું હતું.

April 18, 2019
Farmers-Suiciding.jpg
1min5950

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 18, 2019
maharashtra_map.jpg
1min5180

દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

April 18, 2019
kamal-haasan-mk-stalin.jpg
1min5630

સત્તાધારી એઆઇએડિએમકેએ બુધવારે ચૂંટણીપંચનો સંપર્ક સાધીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ડિએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને પ્રચાર બંધ કરવાના સમય દરમિયાન મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કર્યો હતો અને એ રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ સિવાય પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી સત્યબ્રત સાહુને એમએનએમના સ્થાપક કમલ હાસને મૂકેલી ચોક્કસ જાહેરાત સહિત અન્ય અનેક ફરિયાદો કરી હતી.

પક્ષના પ્રવક્તા આર એમ બાબુ મુરગાવેલે જણાવ્યું હતું કે સ્ટાલિને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અન્ય પક્ષના નેતાઓને વખોડયા હતા અને એ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું ગણાય. પ્રચાર બંધ કરવાના સમય મંગળવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો અને સ્ટાલિનનો ઉદ્દેશ મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કરવાનો હતો.

આ સિવાય ડિએમકેના નેતા પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ ચૂંટણીપંચે વેલ્લોર બેઠક માટેની 18મી એપ્રિલની ચૂંટણી રદ કરી હતી અને એ વખતે સ્ટાલિને ચૂંટણીપંચને વખોડયું હતું. એ વખતે પણ સ્ટાલિને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. કાંચીપુરમમાં સ્ટાલિને મતદારોને નૉટ લઇને મત આપવાની હાકલ કરી હતી. એ પણ આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય.

કમલ હાસનના પક્ષ તરફથી 16મી એપ્રિલે અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતમાં ન હોવા જોઇએ એવા ફોટાઓ હોવાથી કમલને એ જાહેરાતો બંધ કરવા માટેનો આદેશ આપવાની માગણી પણ ચૂંટણીપંચ સમક્ષ પક્ષે કરી હતી.

April 17, 2019
jet.jpg
1min6880

આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.

એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.

આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.

દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

April 17, 2019
siddhu.jpg
1min11270

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચાર માટે આવેલા કૉંગ્રેસના નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુએ દક્ષિણ ગુજરાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે મોરચો ખોલીને મિમિક્રી સાથે શાબ્દિક પ્રહારો કર્યા હતા. અબ કી બાર મોદી સરકારના સૂત્ર સામે સિદ્ધુએ વ્યંગ્ય કરતા કહ્યું હતું કે, અબ કી બાર , બસ કર યાર.. ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી સભાઓ ગજવી રહ્યાં છે. કૉંગ્રેસ દ્વારા પણ ગુજરાતમાં તેમના સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુની સભા યોજવામાં આવી છે. વાપીમાં સિદ્ધુએ કાળા નાણા અને 156 લાખ જમા થવાની વાત પર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. સભા દરમિયાન સિદ્ધુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઠેકડી ઉડાવીને આગવી શૈલીમાં પીએમ મોદીના ભાષણની નકલ કરી હતી. કાળાં નાણાં મુદ્દે પ્રહાર કરતા સિદ્ધુએ મોદીને જૂઠ્ઠા નંબર વન ગણાવતા તેમણે કહ્યું હતું કે, એક પાઈ પણ કાળું ધન પાછું આવ્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ. તો પોતાના શાયરાના અંદાજમાં સિદ્ધુએ અબ કી બાર મોદી સરકારના સૂત્રની હાંસી ઉડાવતા કહ્યું કે, અબ કી બાર બસ કર યાર.

April 17, 2019
mitish_modi_pic.jpg
1min13500

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ માટે આગામી તા.21મીએ યોજાનારી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષકુમાર સન્મુખલાલ મોદી શહેરના ઉદ્યોગોને કનડતા પ્રશ્નો, સમસ્યાઓ ખાસ કરીને જીએસટીને સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટે ટ્રબલ શૂટર બની શકે તેમ છે. ટેક્સેશન વિષયમાં એક્સપર્ટ તરીકે જાણીતા મિતિષ મોદી ટેક્સટાઇલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, ફૂડ એન્ડ એગ્રો, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, રીયલ એસ્ટેટ, બાંધકામ ઉદ્યોગ વગેરેની ભૂતકાળની સમસ્યાઓ દરમિયાન પણ ઉપયોગી સૂચનો કરી ચૂક્યા છે. આમેય હાલમાં મિતિષ મોદી સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તંત્રવાહકો વચ્ચે સમજૂતિ માટે કડીરૂપ બની રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન મિતિષ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. તેઓ માને છે કે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બરએ અલગ ભાત પાડી છે હવે સમય આવી ગયો છે કે ચેમ્બરના વહીવટને આંતર રાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં આવે અને તે માટે હું સતત પ્રયાસો કરીશ.

મિતિષ મોદીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેઓ ક્યારેય કોઇપણ વિવાદમાં આવ્યા નથી. બિનવિવાદી વ્યક્તિત્વ, મૃદુભાષી એવા મિતિષભાઇ મોદી માટે કહેવાય છે કે સ્વયંભુ ઉદ્યોગપતિઓ સમર્થન આપી રહ્યા છે. 1992માં મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં મેનેજિંગ કમિટીમાં જોડાયા બાદ સતત સક્રિય રહ્યા અને ગત તા.17-18 વર્ષ માટેની ચેમ્બરની ટેક્સેશન કમિટીમાં તેઓએ ચેરમેન તરીકે અનેક મુદ્દાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સ્પષ્ટ વક્તા હોવાના કારણે મિતિષ મોદી સૌને સ્વીકાર્ય બની રહ્યા છે. સૌને સાથે લઇને ચાલવાની કાબેલિયત અને ક્ષમતા ધરાવતા મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તમામ ઉદ્યોગોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આયોજનબદ્ધ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પદ માટે ના મજબૂત ઉમેદવાર શિક્ષિત – વિઝનરી – ડેડીકેટેડ -સૌને સાથે લઈને ચાલનારા – નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મીતીશ એસ. મોદી ના ચૂંટણી કાર્યાલયનું ચેમ્બરના સભ્યો ની હાજરીમાં એક માત્ર જંગી બહુમતીના એજન્ડા ના ઉદઘોષ સાથે દીપ પ્રાગટ્ય એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું.

April 17, 2019
mumbai1.jpg
1min16290

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં છે, પરંતુ રાજ્યનો અને ખાસ કરીને મુંબઈનો ગુજરાતી સમાજ મૂંઝવણમાં છે અથવા તો 2014 જેવો ઉત્સાહ ગુજરાતી મતદારોમાં દેખાતો નથી. 2014માં તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની ગાદીએ જોવાની ઈચ્છા દરેક ગુજરાતીને હતી અને તેથી મુંબઈના ગુજરાતીઓએ ખોબલે ખોબલે મત આપી મુંબઈની તમામ છ લોકસભા બેઠક ભાજપ-શિવસેનાને ધરી દીધી હતી, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સ્થાનિક નેતાઓ દ્વારા મતવિસ્તારના પ્રશ્ર્નો અને ગુજરાતીઓની કરવામાં આવેલી અવગણનાને લીધે તેઓ નિરાશ થયા છે.

નૉટબંધી અને જીએસટી બાદ પણ મોદીના નેતૃત્વ પર તેમને ભારોભાર ભરોસો છે, પરંતુ સ્થાનિક ભાજપ-શિવસેનાની નારાજગીનો ફટકો ક્યાંક યુતિને પડશે, તેવું જણાઈ રહ્યું છે. તમામ છ લોકસભા વિસ્તારોમાં વિધાનસભ્યો અને નગરસેવકો પણ મોટે ભાગે ભાજપ સેનાના હોવા છતાં કોઈ સમન્વય દેખાતો નથી. કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકામાં આ બન્ને પક્ષનું વર્ચસ્વ હોવા છતાં જનતાની વાત કાને ધરાતી નથી ત્યારે ગુજરાતીઓનો મોદીપ્રેમ યથાવત્ હોવા છતાં મુંબઈગરા કોને પસંદ કરશે તે કહેવું મુશ્કેલ છે.

દક્ષિણ મધ્ય મુંબઈને બાદ કરતા તમામ પાંચ લોકસભા બેઠકમાં ગુજરાતી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ વિસ્તારોના મરાઠી, મુસ્લિમ અને હિન્દીભાષી મત ભાજપ, શિવસેના, કૉંગ્રેસ, એનસીપી વચ્ચે વહેંચાશે, પરંતુ ગુજરાતીઓ પરંપરાગત ભાજપને પસંદ કરે છે તેમ માનવામાં આવે છે. જોકે વિવિધ વિસ્તારોના ગુજરાતી અગ્રણીઓ સાથે વાત કરતા જણાઈ રહ્યું છે કે તેઓ આ વખતે મોદીના નામે મત દેવાના મૂડમાં નથી. જોકે તેઓ અન્ય વિકલ્પો તરફ ઢળે તેવું પણ દેખાઈ રહ્યું નથી ત્યારે ગુજરાતી મતદારો ક્યાંક મતદાન જ ન કરે અથવા તો નૉટાનું બટન દબાવે તેવી સંભાવના વધારે જોવા મળે છે.

ઈશાન મુંબઈમાં મતદારોએ ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નગરસેવકોથી માંડી સાંસદ ભાજપના હોવા છતાં પ્રશ્ર્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. રિડેવલપમેન્ટ, જાહેર ઓરગ્યની સુવિધાનો અભાવ, ડંપિંગ ગ્રાઉન્ડ, ગંદકી વગેરે પ્રશ્ર્નો ત્યાંના ત્યાં છે. જીએસટીથી વેપારીઓને પડતી મુશ્કેલીઓ અહીંના નેતાઓએ સાંભળવાની દરકાર પણ કરી નથી. મુલુન્ડથી થાણે તેમ જ ભિવંડી જનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, પરંતુ વાહનવ્યવહારની કોઈ વ્યવસ્થા નથી અને રસ્તા બિસ્માર છે.

આ જ રીતે ઉત્તર મુંબઈના મતદારોના કહેવા અનુસાર રેલવે પરિસરોમાં સ્વચ્છતાનો અભાવ, ફેરિયાઓનું અતિક્રમણ, બિલ્ડરોની દાદાગીરી અને ગીચતાને લીધે ગંદકીની ભયાનક સમસ્યાઓ છે. વળી, નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે, તે પણ એક મહત્ત્વનું કારણ બની રહેશે. ઉત્તર મધ્ય મુંબઈમાં વિલેપાર્લે, જુહૂ, અંધેરી જેવા પૉશ વિસ્તારો આવે છે. અહીં પ્રસ્તાવિત મેટ્રો ટુને લીધે લોકો નારાજ છે. લોકોને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો જોઈએ છે, પરંતુ કરોડોનો ટેક્સ ઠાલવતા ઉપનગરો માટે સરકાર થોડા વધારે પૈસા ખર્ચવા તૈયાર નથી.

આ ઉપરાંત અહીં પણ ગંદકી અને અતિક્રમણની સમસ્યા વિકટ છે. ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈમાં પણ સ્થાનિક મુદ્દાઓ ઉકેલાયા નથી અને સ્થાનિક સાંસદની જનતા વચ્ચે કોઈ હાજરી દેખાઈ જ નથી. મુંબઈના હૃદય સમાન દક્ષિણ મુંબઈમાં ગુજરાતીઓની ભારે સંખ્યા છે અને વેપારધંધા માટેનું પણ આ હબ છે. અહીં કોલાબા-ઝવેરી બજાર જેવા વિસ્તારોમાં સોના-ચાંદીના કારખાનાને લીધે પ્રદૂષણની સોથી મોટી સમસ્યા છે. સેસ હેઠળ આવતી ઈમારતોનું રિડેવલપમેન્ટ લગભગ અટકી પડ્યું છે. લોકો જીવના જોખમે જર્જરિત ઈમારતોમાં રહે છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વિકટ છે. મેટ્રો થ્રીના કામને લીધે પડતી મુશ્કેલી અને વૃક્ષોની આડેધડ કતલથી પણ રહેવાસીઓ નારાજ છે.

તમામ પક્ષના ઉમેદવારો પોત-પોતાની રીતે ગુજરાતી મતદારોને રીઝવવાના પેતરા અજમાવી રહ્યા છે, પરંતુ કોણ કેટલું સફળ થશે, તે પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડશે.