ભારતીય કપાસ નિગમ દ્વારા સૌરાષ્ટ્રના કુલ ૪૧ કેન્દ્રોમાંથી હાલ ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ જિલ્લામાં કુલ ૧૦ કેન્દ્રોમાંથી હાલ બે કેન્દ્રો પર કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. આઠ ટકા ભેજનું પ્રમાણ હોય તેવા કપાસની મણે ૧૧૦૦ રૂપિયામાં ખરીદી કરવામાં આવી રહી હતી.
સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર થયું હતું. તેમ જ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં પાક ઉતારા સમયે થયેલા માવઠાને કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અમુક જિલ્લામાં ખેડૂતોએ પોતાનો પાક વરસાદથી ખરાબ ન થાય તે માટે જિલ્લાના માર્કેટ યાર્ડોમાં મૂકી દીધો હતો.
માવઠાનું ગ્રહણ દૂર થતાં જ કપાસની ભરપૂર આવકની અસર માર્કેટમાં જોવા મળી રહી છે. સતત બીજા દિવસે કપાસિયા તેલમાં ડબાએ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હતો. એક તરફ માર્કેટ યાર્ડમાં ભરપૂર આવક છે અને બીજી તરફ હજુ આવક થવાની સંભાવના છે ત્યારે ભાવમાં ઘટાડો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબાનો ભાવ ૧૨૯૦થી ૧૩૨૦ પર પહોંચ્યો હતો.
સીબીઆઇએ પાછલાં ત્રણ વર્ષમાં જોઇન્ટ સેક્રેટરીથી ઉપરના અધિકારીઓ, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ૧૬૦ કેસ દાખલ કર્યા હોવાની વાત રાજ્યસભાને જણાવાઇ હતી.
રાજ્ય કક્ષાના પર્સોનેલ પ્રધાન જિતેન્દ્રસિંહે એક સવાલના લેખિત જવાબમાં વધુમાં જણાવ્યું હતું કે ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ (૩૧ ઑક્ટોબર સુધી) નોંધવામાં આવેલા ૧૬૦ કેસમાંથી ૫૪ કેસ જોઇન્ટ સેક્રેટરી કે એથી ઉપર પદના અધિકારીઓ સામે, બૅંકો અને પીએસયુના બૉર્ડ કક્ષાના અધિકારીઓ સામે ૫૦ કેસ અને રાજકીય નેતાઓ સામે ૫૬ કેસ દાખલ કર્યા હતા. (પીટીઆઇ)
ગોટાળા પકડવા નવતર ઉપાય શોધો
કેગના ઑડિટરોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખાતામાં થતાં ગોટાળા પકડવા નવતર ઉપાય શોધવાની અને એ રીતે ભારતને પાંચ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવામાં મદદ કરવાની સલાહ આપી હતી.
એમણે એક સમારંભને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે સરકાર ૨૦૨૨ સુધીમાં પુરાવા આધારિત નીતિ ઘડવા માગે છે અને થિંક ટેન્ક બનીને અને બિગ ડેટાનું સર્વેક્ષણ કરીને કેગ પોતાનો ભાગ ભજવી શકે છે.
રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ કહ્યું હતું કે દેશમાં ૫૩૭ ટોલ પ્લાઝા પર સો ટકા ઈલેક્ટ્રિક ટોલ કલેકશન કરી શકાશે. ફાસ્ટેગ એવા પ્રિપેઈડ ટેગને કહેવામાં આવે છે જે વાહનના વીન્ડ સ્ક્રીન પર લગાવેલું હોય છે. ટોલ ચાર્જિસની રકમ આપોઆપ બાદ થઈ જતી હોય છે, રોકડ રકમ આપ્યા વગર વાહન ટોલ પ્લાઝામાંથી પસાર થઈ શકે છે.
ટોલ પ્લાઝા પર એક લેન રાખવામાં આવશે જ્યાંથી ફાસ્ટેગ ધરાવતા વાહનો અને અન્ય રીતે પેમેન્ટ આપનારા વાહનો પસાર થઈ શકશે. પહેલી ડિસેમ્બર સુધી નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા નિશુલ્ક આપશે, જેને વાહન માલિકે જરૂરી રકમથી ચાર્જ કરવાનું રહેશે.
ભારતની વસતી ગણતરી ૨૦૨૧ના પડઘમ વાગવાનો શુભારંભ થઇ ગયો છે. વસતી ગણતરી સન ૨૦૨૧ એ સન ૧૮૭૨થી સળંગ શૃંખલામાં ૧૬મી અને આઝાદી પછીની ૮મી વસતી ગણતરી છે.
ગુજરાતમાં આ વસતી ગણતરીનો શુભારંભનો પ્રથમ તબક્કો મે-જૂન, ૨૦૨૦થી શરૂ થશે અને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધી ચાલશે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૫૧ તાલુકાઓમાં વસતી ગણતરીની કામગીરી હાથ ધરાશે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર વસતી ગણતરી માટે મોબાઇલ ઍપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે. વસતી ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું હતું કે, ભારતની વસતી ગણતરી વિશ્ર્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતી ગણતરી અંતરાય વિના અવિરતપણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્રક અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પૂર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતી ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરવામાં આવે છે અને તે રીતે પૂર્ણ થઈ પણ છે.
આગામી વર્ષ ૨૦૨૧ની વસતી ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ ઍપ્લિકેશનનો ઉપયોગ કરાશે. વસતી ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર-યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતી પત્રકની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રિય કામગીરી પણ કરાશે. વસતી ગણતરી ૨૦૨૧ની ક્ષેત્રિય કામગીરીનું સંચાલન, દેખરેખ પર સેન્સસ ૨૦૨૧ના પોર્ટલ દ્વારા કરાશે.
કાંગારુંઓની ભૂમિ પર એક વિરલ વિજય પ્રાપ્ત કરવાના પ્રયાસમાં પાકિસ્તાન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર જેવા પીઢ ખેલાડીઓ સાથેની ઑસ્ટ્રેલિયાની ટીમ સામે ગુરુવારથી આરંભાતી નવી ક્રિકેટ શ્રેણીમાં બ્રિસ્બેન ખાતે ગબ્બાના મેદાન પરની પહેલી ટેસ્ટ મેચમાં રમવા ઊતરશે.
પાકિસ્તાને અગાઉ ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે, પણ ક્યારેય કોઈ સિરીઝ જીતી નથી અને તેનો છેલ્લો ટેસ્ટ વિજય ૧૯૯૫માં સિડની ખાતે થયો હતો.
નવો કેપ્ટન અઝર અલી, બાબર આઝમ અને હાલ પોતાના સારા ફોર્મમાં રહેતો અસાદ શફિક ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનની ટીમના સભ્ય હતા કે જ્યારે પ્રવાસી ટીમનો ૩-૦થી પરાજય થયો હતો. પણ, તે વેળાના સુકાની અને હાલ ટીમના વડા કોચ મિસ્બાહ-ઉલ-હસને કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં પાકિસ્તાનનો અગાઉનો દેખાવ ખેલાડીઓ પર માનસિક દબાણ મૂકશે નહીં.
મિસ્બાહે કહ્યું હતું કે યુવા ખેલાડીઓ સાથે પાકિસ્તાનની વર્તમાન ટીમને સફળતાની ભૂખ છે અને પડકાર ઉપાડવા તૈયાર છે.
આઝામ અને શફિકે ત્રણ વર્ષ અગાઉ બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી અને પાકિસ્તાન તેઓ પાસેથી ફરી સારા દેખાવની આશા કરે છે. શફિકે આ વેળા ટેસ્ટ શ્રેણીની તૈયારીમાં ઑસ્ટ્રેલિયા-એ ટીમ સામેની મેચમાં અણનમ ૧૧૯ રન ફટકાર્યા હતા અને ત્યાર પછી, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા ઈલેવન વિરુદ્ધ અણનમ ૧૦૧ રન કર્યા હતા.
ઑસ્ટ્રેલિયાની ટીમે તાજેતરમાં આયોજક ઈંગ્લેન્ડ સામે સિરીઝ ૨-૨થી ડ્રો કરી એશિઝ પોતાની પાસે જાળવી રાખી હતી અને તાજેતરમાં ટી-૨૦ શ્રેણીમાં પાકિસ્તાનને ૨-૦થી હરાવ્યું હતું.
પ્રણાલીકા પ્રમાણે ઝડપી ગોલંદાજોને મદદકર્તા બનતી અહીં ગબ્બાની પિચ પર બૉલરો કેવો દેખાવ કરશે તે જોવાનું રહે છે.
ઑસ્ટ્રેલિયા પાસે પેટ કમીન્સ, મિચેલ સ્ટાર્ક અને જોશ હેઝલવૂડ જેવા અનુભવી બૉલરો છે, પણ તેને જેમ્સ પેટીનસનની ગેરહાજરી સાલશે જેને ખેલાડીને ગાળાગાળી કરવા બદલ આ અઠવાડિયે સસ્પેન્ડ કરાયો હતો.
જોકે, વોર્નરનો એશિશ સિરીઝમાં દેખાવ નબળો રહ્યો હતો જેમાં તેણે ૯.૫ રનની બૅટિંગ સરેરાશ સાથે કુલ ફક્ત ૯૫ રન કર્યા હતા, પણ ત્યાર પછી તેણે પોતાનું ફોર્મ પાછું પ્રાપ્ત કરી લીધું છે.
સ્મિથે ઈંગ્લેન્ડમાંની શ્રેણીમાં પોતાના સાત દાવમાં કુલ ૭૭૪ રન નોંધાવ્યા હતા તથા પોતાની ટીમના બે વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
સંજોગવાર, સ્મિથે બંને રાષ્ટ્ર વચ્ચે ૨૦૧૬માં બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. બીજી અને આખરી ટેસ્ટ એડિલેઈડમાં દિવસ-રાતે રમાનાર છે.
આયોજક ન્યૂ ઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ તાજેતરમાં રમાયેલ મર્યાદિત ઓવરની મેચોની શ્રેણીમાં લગભગ સમાન પુરવાર થયા પછી, બંને રાષ્ટ્ર વચ્ચે ટેસ્ટ ક્રિકેટની હરીફાઈનો ગુરુવારથી પ્રારંભ થશે.
ઈંગ્લેન્ડે ગયા જુલાઈમાં આઈ. સી. સી. વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીત્યા પછી આ મહિને ન્યૂ ઝીલેન્ડને રસાકસીભરી ટ્વેન્ટી-૨૦ શ્રેણીમાં ૩-૨ના નજીકના તફાવતે હરાવ્યું હતું.
વન-ડે અને ટી-૨૦ મેચોની બંને શ્રેણીનું પરિણામ નક્કી કરવા ટાઈ-બ્રેકરની જરૂર પડી હતી અને હવે બંને રાષ્ટ્ર વચ્ચે ગુરુવારથી અહીં પહેલી ટેસ્ટ મેચ રમાનાર છે.
કાગળ પર પણ બંને વચ્ચે બહુ ઓછો તફાવત જોવા મળે છે જેમાં આઈ. સી. સી. (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના ટેસ્ટ રેન્કિંગમાં ન્યૂ ઝીલેન્ડ બીજું અને ઈંગ્લેન્ડ ત્રીજું સ્થાન ધરાવે છે.
પણ, ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટને યાદ છે કે ગયા વર્ષે આયોજક ન્યૂ ઝીલેન્ડ સામે તેની ટીમ બે ટેસ્ટભરી શ્રેણી હારી ગઈ હતી. ઝડપી ગોલંદાજો ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉધીએ પ્રવાસી ટીમનો આરંભિક ટેસ્ટમાં પહેલો દાવ માત્ર ૫૮ રનમાં સમાપ્ત કરાવી દીધો હતો.
રૂટે કહ્યું હતું કે આ વેળા તેની ટીમ સંભાળપૂવર્ક રમશે અને બેટ્સમેનો પોતાની વિકેટ જાળવી રાખવામાં વધુ ભાર આપશે.
શ્રેણી આઈ. સી. સી.ની વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુ. ટી. સી.)ના હિસ્સા તરીકે ન રમાશે જેથી અંગ્રેજ ટીમના નવા કોચ ક્રિસ સિલ્વરવૂડને તેમની પ્રથમ શ્રેણીમાં થોડી અજમાયશ કરવાનો મોકો મળી રહેશે.
પોતાનો અસલ કેપ્ટન કેન વિલિયમસન પાછો ફરતા ન્યૂ ઝીલેન્ડની ટીમના જુસ્સામાં વધારો થવા પામશે જે ઈજાના કારણે ટી-૨૦ મેચોમાં રમ્યો ન હતો.
માઉન્ટ મોન્ગેન્યુમાં બેય ઓવલના મેદાન પર આ પ્રથમ વાર ટેસ્ટ મેચનું આયોજન કરાશે કે જ્યાં ૨૦૧૪થી મર્યાદિત ઓવરની આંતરરાષ્ટ્રીય મેચો રમાતી આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં સતત ભૂકંપના આંચકા આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં પાંચ જેટલા નાના-મોટા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજ્યમાં ૧લી નવેમ્બરથી ૧૯મી નવેમ્બર સુધી ૯૬ ભૂકંપના આંચકા આવ્યા હતા. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં ૪૦ આંચકા આવ્યા છે જ્યારે કચ્છમાં ૩૨ આંચકા અનુભવાયા હતા જેમાં સોમવારે ૪થી વધુ તીવ્રતાનો એક આંચકો નોંધાયો હતો. ચાલુ વર્ષે ચારથી વધુ તીવ્રતાના ૫ાંચ આંચકા અનુભવાયા છે.
ભૂકંપના આંચકા મોન્સૂન રિલેટેડ હોય છે. જ્યારે પણ સૌરાષ્ટ્રમાં વરસાદ એવરેજથી વધુ થાય છે ત્યારે વધુ ભૂકંપ અનુભવાય છે. જામનગર અને ગીર જંગલમાં તલાલા ખાતે પથ્થર હાઈલી ફ્રેક્ચર્ડ છે. વરસાદ વધુ થાય તો પાણી નીચે સરક્યુલેટ થાય છે. તેનાથી પથ્થર પર દબાણ વધે છે. તેનાથી નાના નાના ભૂકંપ આવે છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે. પછી આવતા નથી.
સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા અનુસાર કચ્છમાં ઝોન-૫, સૌરાષ્ટ્ર ઝોન-૩માં આવે છે. ઉત્તર ગુજરાત અને દાહોદ ઝોન-૨માં આવે છે. ઝોન-૫ વિસ્તારમાં ભૂકંપની એક્ટિવિટી તો રહે જ છે. કચ્છમાં આંચકા આવવા નોર્મલ છે. અમે કચ્છને મોનિટર કરીએ છીએ, તો દર વર્ષે ૪ મેગ્નિટ્યૂડના ત્રણ-ચાર આંચકા વર્ષે આવે છે તેમ જ ૬-૭ વર્ષના અંતરમાં પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો પણ આવે છે. પાંચની મેગ્નિટ્યૂડનો આંચકો છેલ્લે ૨૦૧૨માં આવ્યો હતો.
૨૦૧૮માં ૪.૮નો આંચકો આવ્યો હતો. આ ૨૦૧૯ના વર્ષની વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધી પાંચ ભૂકંપ આવ્યા છે, જેની તીવ્રતા ચારથી પાંચની વચ્ચે રહી છે. ઝોન મુજબ જોઈએ તો આ નોર્મલ એક્ટિવિટી છે. આવા નાના-મોટા આંચકા આ રિજનમાં આવતા રહે છે. સૌરાષ્ટ્રમાં જે ભૂકંપ આવે છે, તે મોન્સૂન રિલેટેડ હોય છે. આવા ભૂકંપ વરસાદના ત્રણ-ચાર મહિના રહે છે.
જામનગરમાં હજુ જાન્યુઆરી મહિના સુધીમાં નાના ભૂકંપના આંચકા આવતા રહેશે. ગુજરાતમાં વર્ષે સરેરાશ ૬૦૦ જેટલા ભૂકંપના નાના-મોટા આંચકા આવે છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૨૫મી નવેમ્બરે પોતાના કારટોસેટ-૩ ઉપગ્રહ સાથે અમેરિકાના ૧૩ નેનો કમર્શિયલ સેટેલાઇટ લૉન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ૧૪ ઉપગ્રહ ભારતના પીએસએલવી-સી૪૭ મારફત આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રીહરિકોટા ખાતેના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે.
૨૫મી નવેમ્બરે સવારે ૦૯.૨૮ વાગ્યે ઉપગ્રહોને છોડવામાં આવશે. પૃથ્વીના ફોટા પાડવા માટેની ઉચ્ચ ગુણવત્તાની ક્ષમતા ધરાવતો કારટોસેટ-૩ ઉપગ્રહ ત્રીજી પેઢીનો અત્યંત આધુનિક ઉપગ્રહ છે. આ ઉપગ્રહને પૃથ્વીની ૫૦૯ કિ. મી. ની ભ્રમણ કક્ષામાં તરતો મૂકવામાં આવશે.
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઇશ્વરાસિંહ પરમારે જણાવ્યું છે કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાના લાભો પારદર્શિતાથી નાગરિકોને સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે આજે સમાજ કલ્યાણ વિભાગની વધુ 13 વ્યક્તિલક્ષી યોજનાઓ ઓનલાઇન કરાઇ છે.
તા.18મી નવેમ્બર 2019ના રોજ ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની 13 યોજનાઓનું ઓનલાઇન લોન્ચિંગ કરતાં મંત્રી શ્રી ઇશ્વરસિંહ પરમારે કહ્યું કે, ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ શિષ્યવૃત્તિ સિવાયની અન્ય યોજનાઓમાં પણ લાભાર્થી સરળતાથી, ઝડપી તેમજ પારદર્શિતાથી સહાય/લાભ તેઓના બેન્ક ખાતામાં સીધો મેળવી શકે તે હેતુથી આ વ્યક્તિલક્ષી યોજનાનો અમલ પણ ઓનલાઇન કરવાનો રાજ્ય સરકારને નિર્ણય કર્યો છે.
જેમાં મખ્યત્વે
ડો. આંબેડકર આવાસ યોજના,
માનવ ગરિમા યોજના,
કુંવરબાઇનું મામેરું યોજના,
વિદેશ અભ્યાસ લોન,
કોમર્શિયલ પાયલોટ લોન,
પંડિતદિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના,
બસ પાસ યોજના,
સાધન સહાય યોજના,
સંત સુરદાસ યોજના જેવી યોજનાઓ ઓન લાઇન કરાઇ છે. ઉપરોક્ત યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓ ‘ઇ સમાજ કલ્યાણ’ વેબ સાઇટ મારફત ઓનલાઇન અરજી કરીને સરળતાથી ઝડપી લાભ મેળવી શકશે.
શ્રી પરમારે ઉમેર્યું કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની અનુસૂચિત જાતિ કલ્યાણ, નિયામક, વિકસતી જાતિ કલ્યાણ તથા નિયામક સમાજ સુરક્ષાની કચેરી દ્વારા જુદી જુદી શિષ્યવૃત્તિ તેમજ પ્રજાલક્ષી યોજનાઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં પ્રિ એસ.એસ.સી. તેમજ પોસ્ટ એસ.એસ.સી. શિષ્યવૃત્તિઓ વર્ષ-2017-18થી ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઇન કરીને ચૂકવવામાં આવે છે.
અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં ભણવા જનારા વિદ્યાર્થીઓમાં ભારતીયોનો ક્રમ ચીન પછી બીજો છે.
ભારત ખાતેથી ૨૦૧૮-૨૦૧૯માં ૨,૦૨,૦૦૦થી વધુ વિદ્યાર્થી અમેરિકા ગયા હતા. અમેરિકા જતાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા સતત દસ વર્ષથી સૌથી વધુ રહી છે.
‘૨૦૧૯ ઑપન ડૉર્સ રિપૉર્ટ ઑન ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ એક્સ્ચેન્જ’એ જણાવ્યું હતું કે અમેરિકા ખાતે ૨૦૧૮-૨૦૧૯માં આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ચોથા વર્ષે દસ લાખથી વધુ રહી હતી.
અમેરિકાના વાણિજ્ય વિભાગના આંકડા મુજબ અમેરિકાના અર્થતંત્રમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ ૨૦૧૮માં ૪૪.૭ અબજ ડૉલરનો ફાળો આપ્યો હતો. આ રકમ આગલા વર્ષની સરખામણીમાં ૫.૫ ટકા વધુ હતી. અમેરિકામાં ચીને ૨૦૧૮-૨૦૧૯માં ૩,૬૯,૫૪૮ અને ભારતે ૨,૦૨,૦૧૪ વિદ્યાર્થી મોકલ્યા હતા. તે વર્ષે અહીં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦,૯૫,૨૯૯ હતી. આ આંકડો આગલા વર્ષની સરખામણીમાં ૦.૦૫ ટકા વધુ હતો.
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓમાં આંતરરાષ્ટ્રીય (વિદેશી) વિદ્યાર્થીઓની કુલ ટકાવારી ૫.૫ ટકા છે.
અમેરિકા ભણવા જતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન, ભારત પછી દક્ષિણ કોરિયા, સઉદી અરેબિયા અને કેનેડાના વિદ્યાર્થીઓનો ક્રમ આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.