CIA ALERT

Slider Archives - Page 147 of 492 - CIA Live

May 27, 2021
night_curfew.jpg
1min407

ગુજરાતમાં કોરોનાના કેસોમાં થઇ રહેલા વધારાને કારણે રાજ્યનાં 36 શહેરમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂની મુદત 27 મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે.

વિજય રૂપાણીએ રાજ્યનાં 36 શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં 8 મહાનગર અને 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે, જેની મુદત આજે પૂર્ણ થતાં કોરોનાના કેસોની સંખ્યાઘટી રહી હોવા છતાં રાજ્ય સરકાર કોઈ જોખમ લેવા માગતી નથી. હવે આ મુદત પૂર્ણ થતી હોવાથી મુખ્યપ્રધાન રૂપાણીએ આજે રાજ્યનાં 36 શહેરમાં કર્ફ્યૂના સમયમાં એક કલાકનો ઘટાડો કરીને લોકોને આંશિક રાહત આપી છે.

સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શાપિંગ કોમ્પલેક્સ, માર્કાટિંગ યાર્ડ, હેર કાટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે 9થી બપોરના 3 સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વામિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે 50 વ્યક્તિ અને અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે. સરકારી, અર્ધસરકારી, ખાનગી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહી શકશે. પબ્લિક બસસેવા 50 ટકા મુસાફર ક્ષમતા સાથે ચાલશે. હોટલ-રેસ્ટોરાં સવારે 9થી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલુ રહી શકશે, પણ માત્ર ટેકઅવે અને હોમડિલિવરીની સુવિધા આપી શકશે. તેમજ અન્ય નિયંત્રણો યથાવત રાખવામાં આવ્યા છે. વેપાર-ધંધાને વધારાની છૂટ નહીં અપાતા વેપારીઓમાં કચવાટ ફેલાયો છે.

સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામ 36 શહેરમાં ગત શુક્રવારથી રાજ્યમાં તમામ પ્રકારની દુકાનો, શાપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ છે.

May 27, 2021
toll_plaza.jpg
1min421

નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ 26/5/21 બુધવારે જણાવ્યું હતું કે ટૉલપ્લાઝા ખાતે વાહનોએ પીક અવર્સદરમિયાન વાહન દીઠ ૧૦ સેક્ધડથી વધુ સમય રાહ ના જોવી પડે એ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

એનએચએઆઇએ જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકાને કારણે વાહનોનો પ્રવાહ સરળ અને સુલભ બનશે.

ફાસ્ટૅગ સિસ્ટમના સંપૂર્ણ અમલીકરણ બાદ દેશના ટૉલપ્લાઝા પર વાહનોની લાંબી લાઇન હવે ભૂતકાળનો વિષય બની ગઇ છે, એની નોંધ કરતા એનએચએઆઇએ જણાવ્યું હતું કે જો કોઇ પણ કારણસર ટૉલબુથથી ૧૦૦ મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન હોય તો જ્યાં સુધી લાઇન ૧૦૦ મીટરથી ઓછી ના થાય ત્યાં સુધી વાહનોને ટૉલ ભર્યા વિના જવા દેવામાં આવશે.

આ માટે ટૉલબુથ પર ૧૦૦ મીટરના અંતરે પીળી લાઇન દોરવામાં આવશે, જે જોઇને ટૉલપ્લાઝા ઑપરેટરોને તેમની જવાબદારીનું ભાન થશે.

May 27, 2021
whatsapp.jpg
1min434

વૉટ્સઍપે સરકારના નવા ડિજિટલ કાયદાને દિલ્હી વડી અદાલતમાં પડકાર્યો હતો.

વૉટ્સઍપે દલીલ કરી હતી કે એન્ક્રિપ્ટેડ મેસેજની માહિતી પૂરી પાડવાની સરકારની માગણી પ્રાઇવસી પ્રૉટેક્શનની વિરુદ્ધ છે.

અરજીમાં જણાવાયું હતું કે કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખીને તેની માહિતી સરકારને આપવાની જોગવાઇ ધરાવતી નીતિ બંધારણમાં અપાયેલા વ્યક્તિગત પ્રાઇવસીના અધિકારનો ભંગ કરે છે.

વૉટ્સઍપના પ્રવક્તાએ બુધવારે નિવેદનમાં જણાવ્યું હતું કે વૉટ્સઍપ પર કોઇ પણ સંદેશો મોકલનારી મૂળ વ્યક્તિને ઓળખવાની ફરજ પાડવાનો અર્થ વૉટ્સઍપ પર સંદેશો મોકલનારા દરેકના આંગળાની છાપ રાખવા બરાબર થાય અને તે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની નીતિની વિરુદ્ધ છે તેમ જ બંધારણમાં અપાયેલા પ્રાઇવસીના અધિકારનો પણ ભંગ કરે છે. સરકારના નવા ડિજિટલ કાયદાને જો ફેસબુક, ટ્વિટર, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા કંપનીઓ નહિ અનુસરે તો તેઓની સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે.

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સને બીભત્સ સાહિત્ય અને ફૉટા પણ જાતે જ કાઢી નાખવાનો આદેશ આપ્યો છે.

સરકારે ગઇ પચીસ ફેબ્રુઆરીએ નવા ડિજિટલ કાયદાની જાહેરાત કરી હતી.

દરમિયાન, ગૂગલ અને ફેસબુકે જણાવ્યું હતું કે અમે સરકારની નવી માર્ગદર્શિકાને અનુસરવા જરૂરી પગલાં લઇ રહ્યા છીએ.

May 27, 2021
yaas.jpg
2min454

૧૩૦-૧૪૫ની ઝડપે ફૂંકાતા પવન સાથે યાસ વાવાઝોડાએ બંગાળ, ઓડિશા સહિત પૂર્વભારતનાં કિનારાઓ પર બુધવારે ત્રાટક્યા બાદ વીસ લાખથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું અને બંને રાજ્યમાં મળીને ચાર જણે પોતાના જીવ ગુમાવ્યા હતા.

સવારે અંદાજે નવ વાગ્યે વાવાઝોડું ઓડિશાના ધામરા બંદર નજીક જમીન પર ત્રાટક્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં અનેક કાચા ઘરો પાણીના જોરદાર વહેણ સાથે તણાયા હતા.

ઓડિશામાં ૫.૮ લાખ અને પં. બંગાળમાં પંદર લાખ મળીને કુલ વીસ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

વાવાઝોડું પોતાની સાથે બંને રાજ્યોમાં ૧૩૦-૧૪૫ની ઝડપે સૂસવાટા મારતો પવન અને અતિભારે વરસાદ લાવ્યો હતો.

બંગાળની સરકારે વાવઝોડાને લીધે એક કરોડ લોકોને અસર થઇ હોવાનો દાવો કર્યો હતો.

બાલેશ્ર્વર જિલ્લાના બહાનાગા અને રેમુના બ્લૉક્સ તથા ભદ્રક જિલ્લાના ધામરા અને બાસુદેવપુરના અનેક ગામોમાં સમુદ્રના પાણી પ્રવેશ્યા હોવાની અને પ્રશાસન સ્થાનિકોની મદદથી સમુદ્રનું પાણી બહાર કાઢવાની મથામણ કરી રહ્યું હોવાની માહિતી ઓડિશાના સત્તાવાર સૂત્રોએ જણાવી હતી.

આર્મી, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ), સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એસડીઆરએફ), રાજ્યની પોલીસ તથા સિવિલ ડિફેન્સના સ્વયંસેવકો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે રાતદિવસ કામ કરી રહ્યા છે. મયુરભંજ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લીધે બુધાબાલંગ નદીમાં પૂર આવવાનો ભય ઊભો થયો છે. બપોર સુધીમાં નદીમાં ૨૧ મીટર પાણી વહેતું હતું અને ખતરાની નિશાની ૨૭ મીટરની છે. પૂનમની ભરતી અને વાવાઝોડાને લીધે આવેલા અતિથી અતિ ભારે વરસાદને લીધે બંને રાજ્યની અનેક નદીઓ બંને કાંઠે વહી રહી છે અને એમાં પૂર આવવાની શક્યતા ઊભી થઇ છે.

કાંઠાના કેટલાક વિસ્તારોમાં નારિયેળના ઝાડ જેટલાં ઊંચા સમુદ્રના મોજાં આવતા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી.

બિનસત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાડ પડવાથી ઓડિશામાં બે જણનું અને ઘર પડવાથી એક મહિલાનું મોત થયું હતું. એક વ્યક્તિનું બંગાળમાં અકસ્માતે મોત થયું હતું.

અનેક જિલ્લામાં વીજળીની લાઇનો શરૂ કરવા માટે ભગિરથ પ્રયત્ન ચાલી રહ્યા છે.

વાવાઝોડું બુધવારે મધ્યરાત્રી સુધીમાં ઝારખંડ પહોંચવાનો અંદાજ હવામાન ખાતાએ જાહેર કર્યો હતો. ઝારખંડમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ યુદ્ધસ્તરે ચાલી રહ્યું છે.

બંગાળની સરકારે રાજ્યમાં ત્રણ લાખ ઘરોને નુકસાન થયું હોવાનો અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રૂ. ૧૦ કરોડની સાધનસામગ્રી પહોંચાડી હોવાનો દાવો કર્યો હતો.

આવતા ૨૪ કલાકમાં બંને રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે.

બંગાળમાં યાસ વાવાઝોડાનો કેર: કિનારાના વિસ્તારો જળબંબાકાર

કોલકાતા: પશ્ર્ચિમ બંગાળમાં યાસ વાવાઝોડાને કારણે કિનારાના અનેક વિસ્તારોમાં છાતીસમાણા પાણી ભરાયા હતા. પૂર્વ મિદનાપુરના દિઘા સહિતના અનેક વિસ્તારો અને દક્ષિણ ૨૪ પરગણામાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વંટોળમાં સપડાયેલા લોકોને બચાવવા માટે રાજ્યના બધા જ સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષાદળના જવાનો તહેનાત કરવામાં આવ્યા છે.

કોવિડને કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે બજારો અને રસ્તાઓ ખાલી હોવાથી સ્થિતિ કાબૂમાં છે. અનેક ઠેકાણે ઝાડો ઉખડી ગયા છે અને લગભગ સમુદ્ર કિનારા નજીકના વિસ્તારોમાં પાણી ભરાયા છે. લોકો પોતાના ઢોર સાથે સુરક્ષિત સ્થળે જવા માટે મથામણ કરી રહેલા દેખાયા હતા. અનેક લોકોના ઘરોમાં પાણી પ્રવેશ્યા હતા.

શંકરપુરમાં કિનારા નજીકની એક શાળા સમુદ્રના વિશાળ મોજાને કારણે તણાઇ ગઇ હોવાની વાત જાણવા મળી

હતી.

May 26, 2021
skyscrapers.jpg
1min482

 ગુજરાતમાં ઊંચા આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણનો માર્ગ વધુ સરળ થયો છે કારણકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઈકોનિક બિલ્ડિંગ સ્ટ્રક્ચર નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ 5 મહાનગરની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઈઝ્ડ આઈકોનિક ઈમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-2017ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સૂચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ તારીખ 18 ઓગસ્ટ, 2020ના દિવસે રાજ્યના 5 મહાનગરમાં હવે સિંગાપોર-દુબઈની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચુંબી ઈમારતો-આઈકોનિક સ્ટ્રક્ચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાઈમરી નોટિફિકેશન મંજૂર કર્યું હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મગાવવામાં આવેલા હતા. મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે ગગનચુંબી ઈમારતો હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ સ્ટ્રક્ચરના નિર્માણ અંગેના જાહેરનામાને ફાઈનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરમાં આભને આંબતા હાઈરાઈઝ્ડ બિલ્ડિંગ્સ સ્ટ્રક્ચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

ઊંચી બિલ્ડિંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિદ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન તેમજ સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે. એટલું જ નહીં દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઈરાઈઝ્ડ આઇકોનિક સ્ટ્રક્ચર બાંધી શકશે. મુખ્યમંત્રીએ ઊંચા-હાઈરાઈઝ્ડ ઈમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની કડીમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.

એટલું જ નહીં વિજય રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ 3 ફાઈનલ ટી.પી. સ્કીમ અને 2 ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી. પી. સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી. સ્કીમ નં. 30 (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી. પી. સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં 51 (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-1 (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી. પી. સ્કીમ નં. 9/બી (વાસણા-હડમતિયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.

May 26, 2021
congress.jpg
1min467

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટરને પત્ર લખી કેન્દ્ર સરકારના ૧૧ મંત્રીઓની ટ્વિટ્સને મેનિપ્યુલેટેડ મીડિયા ગણાવવા માંગ કરી છે. આ મંત્રીઓમાં ગિરિરાજ સિંહ, પીયુષ ગોયલ, સ્મૃતિ ઇરાની, રવિશંકર પ્રસાદ, પ્રહલાદ જોશી, ધર્મેન્દ્ર પ્રધાન, રમેશ પોખરિયાલ, થાવરચંદ ગેહલોત, હર્ષવર્ધન, મુખ્તાર અબ્બાસ નકવી અને ગજેન્દ્ર સિંહ શેખાવતના નામ સામેલ છે.

કોંગ્રેસનું કહેવું છે કે, આ તમામ ટ્વિટર પ્લેટફોર્મનો ખોટો ઉપયોગ કરીને બનાવટી ટૂલકીટ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી રહ્યાં છે. આ તમામના સંબંધિત ટ્વિટની લિંક પણ આ પત્ર સાથે જોડવામાં આવી છે. પત્રમાં ટ્વિટર સાથે આ બાબતે અગાઉ થયેલા પત્રવ્યવહારનો હવાલો અપતાં લખવામાં આવ્યું કે, ટ્વિટરે ટ્વિટ્સના જે યુઆરએલ માંગ્યા હતા, તે અપાઇ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે દિલ્હી અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાની ઓફિસ પર દરોડાં પાડ્યાં હતાં. આ અંગે માહિતી આપતાં એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, સ્પેશિયલ સેલની બે ટીમે દિલ્હીના લાડો સરાય અને ગુડગાંવ સ્થિત ટ્વિટર ઇન્ડિયાના કાર્યાલયો પર રેડ કરી હતી. 

નોંધનીય છે કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે કથિડ કોવિડ-૧૯ ટૂલકિટના મામલે એક તપાસના સંદર્ભમાં ટ્વિટરને એક નોટિસ પણ મોકલી છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ૧૮મી મેના રોજ પોતાના ટ્વિટર હેન્ડલ કોંગ્રેસનો એક કથિત લેટરહેડ ટ્વિટ કર્યો હતો. જેમાં સરકારને ઘેરવા માટે સોશિયલ મીડિયા પર કેવા ટ્વિટ કરવા તેની માહિતી હતી. જેને પગલે ભાજપે કોંગ્રેસ પર વિશ્વમાં દેશની છબી ખરાબ કરવાનો આરોપ મૂક્યો હતો. 

બીજી બાજુ, કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને તદ્દન બનાવટી કહી ભાજપના નેતાઓ સામે પોલીસ કેસ પણ દાખલ કર્યો હતો. જ્યારે ટ્વિટરે સંબિત પાત્રા દ્વારા કરાયેલા ટ્વિટને મેનિપ્યુલેટેડ મીડિયા તરીકે વર્ગીકૃત કરતાં આ વિવાદ વધુ વકર્યો હતો. સરકારે ટ્વિટરના આ પગલા સામે રોષ વ્યક્ત કરી ટ્વિટરને મેનિપ્યુલેટેડ મીડિયાનું ટેગ દૂર કરવા જણાવ્યું હતું.

May 26, 2021
subodh-k-jaiswal.jpg
1min436

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ના નવા વડા અંગે મંગળવારે મોડી રાત્રે નિર્ણય લેવાય છે. આપીએસ અધિકારી સુબોધ કુમાર જયસ્વાલને નવા સીબીઆઈ ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. કેન્દ્ર સરકારે મંગળવારે જયસ્વાલને સીબીઆઈના નવા વડા તરીકે નિયુક્ત કરાયા હોવાની જાહેરાત કરી હતી. જયસ્વાલ 1985 બેચના ઈન્ડિયન પોલીસ સર્વિસ (આઈપીએસ) અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રમાં ડારેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા. સીબીઆઈ ડાયરેક્ટર બન્યા તે અગાઉ તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ)ના ડાયરેક્ટર જનરલ હતા.

કેબિનેટ નિયુક્તિ સમિતિએ કરેલા ઓર્ડર મુજબ જયસ્વાલ સીબીઆઈની કમાન સંભાળશે. અગાઉ ઋષિ કુમાર શુક્લાનો કાર્યકાળ ફેબ્રુઆના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થયા બાદ આ પદ ખાલી પડ્યું હતું. શુક્લાની નિવૃતિ બાદ એડિશનલ ડાયરેક્ટર પ્રવીણ સિન્હા વચગાળાના પ્રમુખ તરીકે સીબીઆઈના કેસો પર ધ્યાન આપી રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સીબીઆઈના નવા ડાયરેક્ટરની નિમણૂક માટે ઉચ્ચ સ્તરીય કમિટીએ સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ, એસએસબીના ડાયરેક્ટર જનરલ રાજેશ ચંદ્રા તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં વિશેષ સચિવ વી એસ કે કૌમુદીના નામની યાદી તૈયાર કરી હતી. આ બેઠકમાં વડાપ્રધાન ઉપરાંત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ભારતના ચીફ જસ્ટિસ એન વી રમન્ના પણ હાજર હતા. આ બેઠક વડાપ્રધાન નિવાસે યોજાઈ હતી.

May 26, 2021
hallmarking_of_golddd.jpg
1min479

વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે.

વાણિજ્ય અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા સોનાની જ્વેલરી પર ફરજિયાત હૉલમાર્કિંગ લાગુ કરવાની મુદત ૧૫ જૂન સુધી વધારાતાં દેશભરના સુવર્ણ જ્વેલર્સને સોનાની દરેક વસ્તુ પર ફરજિયાત હૉલમાર્કિંગના અમલીકરણ માટે તૈયાર થવાની તક મળશે. ઉલ્લેખનીય છે કે અગાઉ એનો અમલ ભારતમાં ૨૦૨૧ની એક જૂનથી થવાનો હતો. કન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૅઇટ)ના મહાનગર અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે કૅઇટ અને અન્ય સંગઠનો દ્વારા મુદત વધારવાની વિનંતી કરાઈ હતી. લાગુ થનારા આ નિયમ માટે ભારતીય માનક બ્યુરો અને જ્વેલર અસોસિએશન્સના અમુક વેપારીઓની એક સમિતિની રચના કરી છે, જે દેશભરમાં હૉલમાર્કિંગના સરળ અમલીકરણ માટે અને અન્ય ગતિરોધો વિશે વાતચીત દ્વારા આગામી ૧૫ દિવસમાં નીવેડો લાવીને નિયમના અમલીકરણ માટેનો માર્ગ મોકળો કરશે. પીયૂષ ગોયલે બી.આઇ.એસ. દ્વારા આયોજિત એક વેબિનારમાં કૅઇટ અને અન્ય જ્વેલરી સંગઠનો સાથે વિસ્તૃત વાતચીત બાદ જાહેરાત કરી હતી. 

May 25, 2021
maharashtra.jpg
1min420

દર્દીઓ બહાર ફર્યે રાખે છે અને બીજા લોકોને સંક્રમિત કરે છે, કોરોના આવતો નથી

કોરોનાના એસિમ્ટમેટીક (લક્ષણો નહીં ધરાવતા) દર્દીઓ કોરોના ટેસ્ટમાં પોઝીટીવ આવ્યા પછી પણ હોમ આઇસોલેટ થવાને બદલે ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, અને તેના કારણે તેમના સંપર્કમાં આવતા લોકો પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. સમગ્ર ભારતમાં આ પ્રકારે કોરોનાના લક્ષણો નહીં ધરાવતા દર્દીઓ ભારે ઉપદ્રવી બન્યા છે. મહારાષ્ટ્ર રાજ્યએ આ સમસ્યાના નિરાકરણ સ્વરૂપે આજરોજ તા.25મી મે 2021ના રોજ મહારાષ્ટ્રમાં કોરોના દર્દીઓના હોમ આઇસોલેશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે મહારાષ્ટ્રમાં કોઇપણ વ્યક્તિને કોરોના પોઝીટીવ નિદાન થાય એટલે તેમણે ઇન્સ્ટીટ્યુશનલ કોરન્ટાઇન સેન્ટરમાં ફરજિયાત પણે દાખલ થવું જ પડશે.

મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યના ઘણા જિલ્લામાં કોરોનોના કેસમાં ઘટાડો નથી આવી રહ્યો. જાણવા મળ્યું છે કે, હોમ આઈસોલેશનમાં રહેવા દરમિયાન કોરોના પોઝીટીવ લોકો ઘરમાં રહેવાને બદલે બહાર ફરતા હોય છે. આવા દર્દીઓથી બીજા લોકો પણ કોરોના સંક્રમિત થાય છે. આ ઘટનાઓને જોતા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેથી આ જગ્યાઓ પર હોમ આઈસોલેશનને સંપૂર્ણ રીતે બંધ કરી કરી દેવાશે. હવે અહીંના કોરોના દર્દીઓને કોવિડ સેન્ટરમં જવું પડશે. હવે, રાજ્યમાં બધા નવા કોરોના દર્દીઓને હોમ આઈસોલેશનને બદલે કોવિડ સેન્ટરમાં રહેવું પડશે. ટોપેએ જણાવ્યું કે, રાજ્યનો રિકવરી રેટ ઝડપથી વધી રહ્યો છે. આશા વર્કર્સને કોરોના ટેસ્ટિંગની ટ્રેનિંગ અપાશે.

મહારાષ્ટ્રમાં હજુ પણ ઘણા જિલ્લા એવા છે, જે કોરોના મહામારીના કારણે રેડ ઝોનમાં છે. અહીં હજુ પણ સતત કોરોનાનો ખતરો જળવાયેલો છે. આ જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકાથી પણ વધુ છે. તેમાં કોલ્હાપુર, સાંગલી, સાતારા, યવતમાલ, અમરાવતી, રત્નાગિરી, સિંધુદુર્ગ, સોલાપુર, અકોલા, બુલઢાણા, વાશિમ, ગડચિરોલી, અહમદનગર અને ઉસ્માનાબાદ જેવા જિલ્લા સામેલ છે.

મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું છે કે, રાજ્યના 18 જિલ્લામાં કોરોના મહામારીના દર્દીઓનો પોઝિટિવિટ રેટ હજુ પણ ઘણો વધારે છે.

May 25, 2021
gseb-1280x720.jpg
2min637

રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
……
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
…..
કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે
……..
– દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે

 સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે

 વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે

કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે

 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

 સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે

પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું

તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે

આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે, એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.