CIA ALERT
18. May 2024
May 25, 20212min378

Related Articles



ગુજરાત બોર્ડની ધો.12ની પરીક્ષાઓ તા.1 જુલાઈથી શરૂ થશે

Share On :
Print Friendly, PDF & Email

રાજ્યના ધોરણ-૧રના ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે
……
મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોરણ-૧ર બોર્ડ પરીક્ષાના પ્રવર્તમાન કોરોના સંક્રમણના વિશિષ્ટ સંજોગોમાં આયોજન અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરાઇ
…..
કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશે
……..
– દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ માં પ૦ ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-ર માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે

 સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે

 વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે

કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે

 વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ ર૦ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

 સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ધો-૧રના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ-૧રની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તા.૧/૭/ર૦ર૧, ગુરૂવારથી યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતીમાં ધોરણ-૧રની બોર્ડ પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા-વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી વિભાવરીબહેન દવે એ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં ૧,૪૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહમાં અને પ,૪૩,૦૦૦ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ ૬,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે

તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકીર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-૧૯ પ્રોટોકોલના ચૂસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ બેઠકમાં સૂચનાઓ આપી હતી.

શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-૧ ની પ૦ ગુણની બહુવિકલ્પ પ્રકારની (MCQ) OMR પદ્ધતિથી અને ભાગ-ર વર્ણનાત્મક લેખિત સ્વરૂપની પ૦ ગુણની પરીક્ષા ૩ કલાકની યોજવામાં આવશે.

આ જ પ્રમાણે ધોરણ-૧ર સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ ૧૦૦ ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની ૩ કલાકની પરીક્ષા યોજવામાં આવશે

પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશીયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજીયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનેટાઇઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ શ્રી ચુડાસમાએ ઉમેર્યુ હતું.

શિક્ષણ મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય સાથોસાથ તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રેરક સુચન આ બેઠકમાં કર્યુ હતું

તદઅનુસાર, વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કર્યો છે

આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. જે તાલુકાઓમાં વિદ્યાર્થીઓની પુરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહી હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે.

વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બન્ને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ ર૦ વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે, એટલું જ નહિ, પરીક્ષા કેન્દ્રોને સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ કરાશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોનાના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણોસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તા.૧/૭/ર૦ર૧થી શરૂ થનાર પરીક્ષાના રપ દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી, નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે
શિક્ષણમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ધોરણ-૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, શિક્ષણ અગ્ર સચિવ શ્રીમતી અંજુ શર્મા, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :