CIA ALERT

Slider Archives - Page 119 of 491 - CIA Live

October 19, 2021
sensex_green.jpg
1min804

ભારતીય શેરબજારોએ આજે તા.19 ઓક્ટોબર 2021ને મંગળવારે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે મંગળવારે સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી.

શેર બજારમાં જાણે દિવાળી આવે એ પહેલા જ દિવાળી જેવી તેજીનો અનુભવ થઇ રહ્યો છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.

IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

October 19, 2021
cia_edu-1280x925.jpg
1min765

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતમાં આવેલી બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમ ચલાવતી 2 કોલેજોને પ્રવેશાર્થીઓ સંપૂર્ણ પણે રિજેક્ટ કરી દીધી છે ત્યાં સુધી કે એકેય વિદ્યાર્થી સુરતની આ બે કોલેજોમાં પ્રવેશ લેવા તૈયાર નથી.

ભગવાન મહાવીર આર્કિટેક્ચર કોલેજમાં પ્રવેશ માટે એક પણ વિદ્યાર્થીએ પસંદગી આપી નહીં, 100 ટકા સીટો ખાલી

ગુજરાત સરકારે બેચલર ઓફ આર્કિટેક્ચર અભ્યાસક્રમમાં પ્રવેશ કાર્યવાહી કરવા માટે રચેલી એડમિશન કમિટીએ પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં (1) સુરતની પ્રાઇવેટ યુનિવર્સિટી, ભગવાન મહાવીર યુનિવર્સિટી હસ્તકની ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટેની સ્ટેટ ક્વોટાની કુલ 90 સીટો પ્રવેશ માટે મૂકવામાં આવી હતી. આ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત કે ગુજરાતની અધર બોર્ડની સ્કુલોના એક પણ વિદ્યાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું. પરીણામે ભગવાન મહાવીર કોલેજ ઓફ આર્કિટેક્ચરની સો એ સો ટકા 90માંથી 90 સીટો ખાલી પડી રહી છે.

વેસુની વિદ્યામંદિર આર્કિટેક્ચર કોલેજમાં પણ તમામ બેઠકો ખાલી, એકપણ વિદ્યાર્થી પ્રવેશ માટે રાજી નથી

એવી જ રીતે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચર સાથે પણ આવું જ બન્યું છે. આ કોલેજ પહેલા ફક્ત કન્યાઓ માટે જ શરૂ કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ નહીં મળતા પછી તેને સામાન્ય કોલેજ બનાવી દેવામાં આવી એ પછી પણ કોઇ પ્રવેશાર્થી આ કોલેજમાં પ્રવેશ લેવા માટે રાજી નથી. હાલ ચાલી રહેલી બી.આર્ક.ની પ્રવેશ પ્રક્રિયામાં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પછી વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરની બધી જ બેઠકો ખાલી પડી છે. વિદ્યામંદિર કોલેજ ઓફ આર્કિટેક્ચરમાં ગુજરાત બોર્ડ માટે કુલ 22 સીટો અને અધર બોર્ડ માટે 1 સીટો એસીપીસીમાં મૂકવામાં આવી હતી. જેમાં એક પણ પ્રવેશાર્થીએ ચોઇશ ફિલિંગ કર્યું ન હતું.

ગુજરાતમાં બી.આર્ક.માં પહેલા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા બાદ ખાલી પડેલી બેઠકોની માહિતી

સુરતમાં બિલાડીની ટોપની જેમ પ્રાઇવેટ યુનિવર્સિટીઓની હાટડીઓ શરૂ થઇ ગઇ છે ત્યારે કોલેજોની પસંદગી ખૂબ વિચારણા કર્યા બાદ જ કરવી

October 19, 2021
statue_of_unity.jpg
1min491

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લુ રાખવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે હવે બંધ નહીં રહે. આગામી 28થી 31 ઓક્ટોબર દરમિયાન પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની માગણીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને સઘન સુરક્ષા પણ ગોઠવવામાં આવશે.

મહત્વનું છે કે, 31મી ઓક્ટોબરે કેવડીયા નર્મદા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આઝાદી કા અમૃત મહોત્સવ થીમ આધારિત રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. પીએમ મોદી 30 અને 31 ઓક્ટોબરે કેવડીયાના પ્રવાસે હોવાથી પ્રવાસન સ્થળ પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને હાલ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આ નિર્ણય ફેરવાયો છે અને પ્રવાસીઓ માટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ખુલ્લુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

પીએમ મોદીના આગમનના કારણે તંત્ર દ્વારા પાંચ દિવસ સુધી કેવડીયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ 28મીથી 1 નવેમ્બર સુધી કેવડીયાના તમામ પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્રએ વેબસાઈટ પર નોટિસ મૂકીને ઓનલાઈન ટિકિટ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. સૂત્રોનું માનીએ તો, 30 ઓક્ટોબરના રોજ પીએમ મોદી કેવડીયા પહોંચશે.

ત્યારબાદ સાંજે નર્મદા આરતી કરીને ઘાટનું લોકાર્પણ પણ કરશે અને કેવડીયામાં જ રાત્રિ રોકાણ કરશે. ત્યારબાદ 31મી ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જયંતી નિમિત્તે કેવડીયા મુકામે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતાની ઉજવણી થશે. જેમાં સરદાર સાહેબની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલાશે. આ કાર્યક્રમને લઈને અહીં તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.

October 19, 2021
rbi.jpg
1min476

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ રૂપિયાનો મૌદ્રિક દંડ ફટકાર્યો છે. ભારતીય રિઝર્વ બેંક (ફ્રોડ્સ વર્ગીકરણ અને કોમર્શિયલ બેંક દ્વારા રિપોર્ટિંગ) 2016નામાં રહેલાં દિશાનિર્દેશોનું પાલન ન કરવા બદલ RBI દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર આ દંડ લગાવવામાં આવ્યો છે.

એસબીઆઈ બેંક ઉપર આ દંડ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 47A (1) (c)ની સાથે 46(4)(i) અને 51(1)ની ધારાઓ હેઠળ લગાવવામાં આવ્યો છે. રેગ્યુલેટરી નિયમોનું પાલન ન કરવા પર અને બેંક દ્વારા ગ્રાહકો સાથે થયેલાં કોઈપણ ટ્રાન્જેક્શન અને કરારની માન્યતા સાથે સંબંધિત નથી.

આરબીઆઈએ જણાવ્યું કે, આરબીઆઈ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોના એકાઉન્ટ અંગે સ્ક્રૂટિની કરવામાં આવી હતી. અને આ તપાસમાં સામે આવ્યું કે, બેંક દ્વારા આરબીઆઈના નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હતું. આરબીઆઈ દ્વારા ગ્રાહકોનાં એકાઉન્ટની સાથે તેનાથી સંબંધિત કોરસ્પોન્ડન્સ અને અન્ય બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ એકાઉન્ટમાં ધોખાધડીની સૂચના આરબીઆઈને આપવામાં આવી હતી.

જે બાદ આરબીઆઈ દ્વારા એસબીઆઈને આ મામલે નોટિસ પાઠવવામાં આવી હતી અને પુછવામાં આવ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેના પર કેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? જે બાદ એસબીઆઈ દ્વારા આ નોટિસનો જવાબ મોકલવામાં આવ્યો હતો. પણ જવાબથી અસંતુષ્ટ આરબીઆઈ દ્વારા દેશની સૌથી મોટી સરકારી બેંક પર 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

SBI ઉપરાંત આરબીઆઈ દ્વારા પ્રાઈવેટ બેંક સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ ઉપર પણ 1.95 કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પર નક્કી સમયગાળાની અંદર સાયબર સુરક્ષા ઘટનાઓના રિપોર્ટ કરવામાં અસફળ સહિત અન્ય કારણોથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.

October 18, 2021
social_army-1280x960.jpeg
1min644

આર્મી એટલે યોદ્ધાઓ અને સોશિયલ આર્મી એટલે સરહદની અંદર સામાજીક અને સેવાકીય કાર્ય માટે સંકલ્પીત અને કટિબદ્ધ રીતે કાર્યરત નિઃસ્વાર્થ બટાલિયન સેના. સોશિયલ આર્મી ગ્રુપ 7 પ્રકલ્પો દ્વારા સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી બની રહી છે જેમાં પર્યાવરણ રક્ષા, અન્નસાથી, ગૌસેવા, શિક્ષા, લાઈવ બ્લડબેન્ક, દવાબેન્ક, મહિલા શક્તિ પ્રોજેકટનો સમાવેશ થાય છે, રાષ્ટ્રહિત લોકજાગૃતિ રક્તદાન જરૂરિયાતમંદોને સહાય જેવા નિઃસ્વાર્થ સેવા સતકાર્યનો સમન્વય આ સંસ્થા દ્વારા જ્યારે થઈ રહ્યો હોય ત્યારે સંસ્થા દ્વારા પ્રોજેકટ શિક્ષા અંતર્ગત જ્ઞાનસાથી પુસ્તકાલય નો શુભારંભ થયો હતો.

SMC કોમ્પ્લેક્ષ, ઈન્ફિનિટી ટાવરની બાજુમાં, સુરત રેલવે સ્ટેશન નજીક આ પુસ્તકાલયનાં શુભારંભ પ્રસંગે શહેરનાં લેખન અને વાંચન ક્ષેત્રમાં રુચિ ધરાવતા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સાથે ટીમ સોશિયલ આર્મી ઉપસ્થિત રહી હતી.

સંસ્થાનાં પ્રમુખ વિશાલભાઈ બેલડીયાએ જણાવ્યું હતું કે પુસ્તક એ માણસનું મસ્તક છે, માણસ જ્યારે શારીરિક રીતે બિમાર થાય ત્યારે દવાખાને જાય છે એજ રીતે જ્યારે માનસિક રીતે બિમાર થાય ત્યારે પુસ્તકાલયમાં જવું જોઈએ, અત્યારે તણાવવાળી જીંદગીમાં માનસિક રોગો ઘર કરી ગયા છે એનો ઈલાજ કરવા માટે સચોટ ઉપાય છે સારા પ્રેરણાદાયી પુસ્તકોનું વાંચન કરવું, આ ઉમદા હેતુસર અમે પુસ્તકાલયનો શુભારંભ કર્યો છે જ્યાં શહેરીજન વિનામુલ્યે વાંચન કરી શકે છે સાથે કોઈપણ સભ્ય પોતાની પાસે વંચાય ગયેલા પુસ્તકોનું દાન અહીં કરી શકે છે જેનો લાભ અન્ય સભ્યોને વાંચન દ્વારા ઉપયોગી થશે, આ પુસ્તકાલયનો લાભ શહેરીજનોને લેવા વિનંતી છે

October 18, 2021
e_shram.jpg
1min606

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 18, 2021
Milad-un-Nabi_600.jpg
1min512

ઇસ્લામી વર્ષનો ત્રીજો મહિનો રબી ઉલ અવ્વલનો ૧૨મો રોજ એટલે દીને ઇસ્લામના સૌથી છેલ્લા પયગંબર અને અલ્લાહના મહેબૂબ હઝરત મુહંમ્મદ  સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામ (સવ.) ના મિલાદ શરીફ (જન્મદિવસ) નો મહાન પ્રસંગ. દર વર્ષે મોમીનોને આ દિવ્યોત્સવનું શરફ (માન, સન્માન) સાંપડે છે અને પયગંબરે ઇસ્લામના સબક આમોઝ (બોધ આપનારા) જીવન પ્રસંગો યાદ કરીને એમાંથી મઝહબી ફરજો સાથે માનવહકોની હિફાઝત (રક્ષા) અર્થે નેક (પ્રમાણિકતાપૂર્વક, ભલાઇ અને સત્ય) કાર્યો કરવાની પ્રેરણા મળે છે.

મિલાદ યાદના અવસર પર આપણી નજર સામે હિજરી સન ૧૪૪૧-૪૨ વર્ષ પૂર્વેનો અંધકાર યુગ ઉપસ્થિત થાય છે કે જયારે અરબસ્તાનની ભૂમિ પર અજ્ઞાનતા અને હેવાનિયત (જંગલી, પશુપણું)ના ઓળા ઉતરેલાં હતા અને ફિત્ના-ફસાદોની હવા ફૂંકાતી હતી. માત્ર નામોમાં જ મુસલમાની દેખાતી હતી પરંતુ કામ ખોટાં થતાં અને ઇસ્લામની ખરી ખૂબીઓ કોઇ સમજી શકતું નહોતું. આપસમાં નાના નાના કબીલાઓ લડતા અને મરતા હતા તેમ જ નજીવી બાબતોમાં મોટા ગુના કરતા હતા. એવા વિપરીત કાળમાં અલ્લાહના ફઝલો કરમ (કૃપા, મહેરબાની)થી પયગંબરે ઇસ્લામ, હુઝૂરે અનવર (સલ.)નો જન્મ થયો અને બચપણથી જ આ બધી બદી અને બૂરાઇઓ આપને ખૂંચવા લાગી. એનો આપે સદાચારી જીવન દ્વારા પ્રતિકાર કર્યો અને આપને નબુવ્વત પ્રાપ્ત થયા પછી તો ઇસ્લામને અજવાળવા અને તેને વ્યવસ્થિત બંધારણ પર મૂકવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું છે તે ખરેખર અજોડ છે:

* આપ અલ્લાહના મહાન પયગંબર (સંદેશવાહક) એ તવહિદ (ઇશ્ર્વર એક હોવાનો) એકેશ્ર્વરવાદનો નારો લગાવ્યો અને તમામ લોકો એક જ સફ (પંગત)માં એકત્ર થઇ ગયા.
* આપના પર પવિત્ર કુરાન નાઝિલ (ઊતરવું) થયું અને ઇલાહી આજ્ઞા અને કાનૂનની લોકોને આપે સમજણ આપી.
* માલિક અને ગુલામો વચ્ચેનાં ભેદભાવો મિટાવ્યાં.
* જહાલત (મૂર્ખ, મૂઢ) અને ઝનૂન (પાશવીપણું) દૂર કર્યાં.
* જંગલી લોકોનાં જીગર (દિલોદિમાગ)માં  ઉતરી જઇને ઇન્સાનિયત-માનવતાનાં માંડવા બાંધ્યા. 
* માતાઓને દરજજો અપાવ્યો.
* દીકરીઓને હક (અધિકાર) અપાવ્યા.
* પત્નીઓ પર અન્યાય, અત્યાચારની લટકતી તલવારને દૂર કરાવી.
* આપે આપનું પોતાનું જીવન એવી રીતે સાદાઇ અને ગરીબીમાં ગુજાર્યું કે જે આપના ઉમ્મતિ (અનુયાયી, પ્રજાજનો) માટે બોધપ્રદ બની જાય. 

મીલાદુન્નબીના આ શાનદાર અવસરે આપ હુઝૂરે કરીમ (સલ.)ની ખિદમત  (સેવા)માં ન માત્ર મુસ્લિમો તરફથી જ આપના ઇલાહી તેજના બેનમૂન આદર્શ જીવન અને ઇસ્લામ ઉપરનાં આપના અનહદ ઉપકારો બ૨દલ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત) ની સલામી સાદર કરાશે. પરંતુ બિન મુસ્લિમ મહાનુભાવોની જબાનોથી અને કલમોથી પણ આપની મહાનતાનો મહિમા ગવાશે અને સદાકાળ ગવાતો રહેશે.

આપ હુઝૂરે અનવર (સલ.)ની ઇન્સાફી જિંદગી અને માનવ પ્રેમથી સભર જીવનની તવારીખ અતિ લાંબી અને વિશાળ છે. એનાં આલેખન માટે તો આ અદના લેખકના કલમની શાહી રજ જેટલી પણ હેસિયત રાખતી નથી પરંતુ અહીં અહેસાસનો ઇઝહાર રોકી શકાતો નથી કે જયારે જયારે આપના જીવનના હાલાત વાગોળવામાં આવે છે ત્યારે ત્યારે દિલમાં આપની અઝમત (મહત્તા)નો આપની મહાનતાનો એક નવો જઝબો  (ઉત્સાહ) પેદા થાય છે. આ આપમાં રહેલ દેવી ગુણો અને ઉત્તમ ખૂબીઓ નથી તો બીજું શું છે? એથી વધુ સારી દલીલ બીજી કઇ હોઇ શકે?
ઇસ્લામ ખુશગવાર અને કાબિલેકદ્ર અને આગવી ધાર્મિક નીતિનિયમોનો ધર્મ છે. એમાં ઇન્સાફની ખુશ્બો મહેકે છે, એમાં માનવતાની મિત્રતા દેખાય છે.

મિલાદ શરીફનો મહાન અવસર એ દુઆગુઝારી સાથે મનાવીએ કે આપ અલ્લાહના રસૂલ (સલ.) ના સદાચારી જીવનપંથે ઇમાનદારીપૂર્વક પ્રયાણ કરી, સર્વદા આપ પર દિલપૂર્વક દરૂદો સલામ પાઠવીએ.
સૌને ઇદે મિલાદની મુબારકબાદ.       

October 18, 2021
kochi.jpg
1min451

કેરળમાં ભારે વરસાદને લીધે મરનારા લોકોની સંખ્યા વધીને ત્રીસ થઇ હતી. આર્મી, નેવી અને વાયુસેના બચાવકાર્યમાં સહયોગ આપી રહી છે. કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે પૂરગ્રસ્ત કેરળને કેન્દ્ર તરફથી બનતી દરેક સહાય આપવાની બાંયધરી આપી હતી. સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ૧૧ ટીમ બચાવ અને રાહતકાર્ય કરી રહી છે. 

Kerala rain: Death toll rises to 24, yellow alert in 11 districts | 10  points | Latest News India - Hindustan Times

dt.17/10/21, રવિવારે સવારે આર્મી, એનડીઆરએફ, પોલીસ અને અગ્નિશમન દળના જવાનોએ સ્થાનિક લોકોની સાથે મળીને કુટ્ટીકલ અને કોકકાયાર પંચાયત ક્ષેત્રમાં થયેલા ભૂસ્ખલનને લીધે ગુમ થયેલી વ્યક્તિઓની શોધ આદરી હતી. 

તપાસ દરમિયાન કાટમાળમાંથી કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. હજુ સુધી એમની ઓળખ થઇ શકી નથી. શનિવારે કુટ્ટીકલમાંથી બે મહિલા અને બે બાળકના મૃતદેહ મળી આવ્યા હતા.

આ અગાઉ 16/10/21 શનિવારે ઇડુક્કી જિલ્લાના કંજારમાં પૂરના પાણીમાં કાર તણાઇ હતી અને એમાં પ્રવાસ કરી રહેલા ૩૦ વર્ષના એક પુરુષ અને મહિલાનું મોત થયું હતું. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું હતું કે કોટ્ટયમમાં પહોંચેલી આર્મીની ટુકડીએ બચાવકાર્ય શરૂ કર્યું છે અને તેઓ ગુમ થયેલી વ્યક્તિઓને કાટમાળમાંથી શોધી રહ્યા છે. એમણે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હજુ કેટલાક લોકો ફસાયા છે. હાલ વરસાદ તો નથી પડી રહ્યો પણ વાદળ ઘેરાયા છે. મદ્રાસ રેજિમેન્ટની ટુકડીએ કુટ્ટીકલથી ચાર કિ. મી. દૂર આવેલા કવાલી ગામે બચાવકાર્ય શરૂ કર્યું છે.

કોચીમાં આવેલા નૌસેનાના જહાજ આઇએનએસ ગરુડા પરથી રાહત સામગ્રી લઇને નૌસેનાનું હેલિકૉપ્ટર અસરગ્રસ્ત વિસ્તાર તરફ રવાના કરાયું હતું. 
ભારતીય વાયુસેનાના બે એમઆઇ-૧૭ હેલિકૉપ્ટરને વાયુસેનાની થિરુવનન્થપુરમ ખાતેની છાવણીમાં સ્ટૅન્ડ બાય રાખવામાં આવ્યા છે. 
કેરળ-કર્ણાટકના કિનારાના પ્રદેશમાં હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મુખ્ય પ્રધાન પિનારયી વિજયને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કૅમ્પ શરૂ કરાઇ હોવાની માહિતી ટ્વિટર પર જાહેર કરી હતી. 

October 17, 2021
cia_edu-1280x925.jpg
1min772

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી વિષય સાથે 2021માં પાસ જાહેર થયેલા દેશના 13 લાખ જેટલા વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીની દિશા નક્કી કરવાનું છે એ નીટના પરીણામ અંગેનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. ગુજરાતમાં તો નીટ 2021ના સ્કોરથી મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી એમ ચારેય તબીબી અને પેરામેડીકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ફક્ત નીટનો જ સ્કોર મેરીટ તરીકે ગણવામાં આવે છે. ગુજરાતના અંદાજે 75 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ, શિક્ષકો, સ્કુલો નીટ અન્ડર ગ્રેજ્યુએટની પરીક્ષાનું પરીણામ ક્યારે જાહેર થશે એ માટે દિવસમાં 10થી 15 વખત એનટીએની વેબસાઇટ ફંફોસતા જોવા મળી રહ્યા છે.

બાયોલોજી વિષય સાથે જે વિદ્યાર્થીઓ છેલ્લા અઢી વર્ષથી જેના માટે સખત મહેનત કરી છે એ મેડીકલ, પેરામેડીકલ કોર્સમાં પ્રવેશ માટે લેવાયેલી નીટ અન્ડર ગ્રેજ્યુએટ 2021ની પરીક્ષાનું પરીણામ હવે ગમે તે ઘડીએ તા.17 કે 18મી ઓક્ટોબરે જાહેર થાય તેવી સંભાવનાઓ છે.

અગાઉ કેટલાક મિડીયામાં તા.16મી ઓક્ટોબરે પરીણામ જાહેર થશે એવી અટકળો સેવાય રહી હતી.

નીટ યુજીના પરીણામ અંગે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી કોઇ જ સત્તાવાર આગોતરી જાણકારી કે નોટિફિકેશન જાહેર થયું ન હોઇ, નિષ્ણાંતોના મત મુજબ હવે તા.17મી કે 18મી ઓક્ટોબરે ગમે તે ઘડીએ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર નીટ યુજી 2021નું પરીણામ જાહેર થઇ શકે છે. વિદ્યાર્થીઓને સતત નીટ એનટીએ વેબસાઇટ જોતા રહેવા માટે જણાવવામાં આવ્યું છે.

જનરલી એવું બનતું હોય છે કે આન્સરકી સામે વાંધો ઉઠાવવાની મુદત પૂર્ણ થયાના એક કે બે દિવસમાં પરીણામ જાહેર થાય છે. નીટ યુજી માટેની આન્સર કી સામેના વાંધા ઉઠાવવાની સમય મર્યાદા તા.14મી ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ ચૂકી છે. હવે નિષ્ણાંતો જણાવે છે કે ગમે તે ઘડીએ નીટ યુજીનું પરીણામ નીટની ઓફિશ્યલ વેબસાઇટ પર જાહેર થઇ શકે છે.

ગુજરાતમાં મેડીકલ પેરામેડીકલ કોલેજોનું વર્તમાન સ્ટેટસ

ગુજરાતની મેડીકલ કોલેજોનું 2020નું કટ ઓફ

October 17, 2021
rte-1280x719.jpg
1min494

રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી દીઠ ફીની રકમમાં સરકાર દ્વારા 9 વર્ષે વધારો કરાયો છે. અત્યાર સુધી વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 10 હજાર ચૂકવવામાં આવતા હતા, જેના બદલે હવે સ્કૂલોને વિદ્યાર્થી દીઠ મહત્તમ રૂ. 13 હજાર ચૂકવાશે. આમ, 2012 પછી RTEની ફીમાં પ્રથમ વખત વધારો કરાયો છે. આ વધારો ખૂબ જ મામૂલી હોવાનું જણાવી સંચાલકો આગામી દિવસોમાં રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

હવે સ્કૂલની ફી રૂ. 13 હજાર કરતા ઓછી હશે તો જેટલી ફી હશે તેટલી ફી ચૂકવાશે, પરંતુ જો સ્કૂલની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા વધારે નક્કી કરેલી હશે તો મહત્તમ રૂ. 13 હજાર જ ફી ચૂકવાશે. 2012 બાદ 9 વર્ષે સરકાર દ્વારા રૂ. 3 હજારનો વધારો કરવામાં આવતા સંચાલકોએ આ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

RTEનો અમલ રાજ્યમાં 2012થી કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા RTE હેઠળ ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની ફી ચૂકવવામાં આવતી હોય છે. 2012માં રાજ્યમાં RTEનો અમલ કરવામાં આવ્યો ત્યારબાદ ફીનું માળખું નક્કી કરાયું હતું. જે મુજબ સરકાર દ્વારા મહત્તમ રૂ. 10 હજાર ફી નક્કી કરવામાં આવી હતી. જેથી કોઈ સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા ઓછી હોય તો સ્કૂલની જેટલી ફી હોય તેટલી ફી સ્કૂલને ચૂકવવામાં આવશે, પરંતુ જો સ્કૂલની ફી રૂ. 10 હજાર કરતા વધુ હોય તો મહત્તમ રૂ. 10 હજાર જ ફી ચૂકવાતી હતી.

2012માં કાયદોનો અમલ કરવામાં આવ્યો ત્યારે ફીનું ધોરણ નક્કી કરાયું હતું. જોકે, ત્યારબાદ ફીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોઈ સંચાલકો દ્વારા અવારનવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ફી વધારા માટે રજૂઆતના પગલે સરકાર દ્વારા હવે તેમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જેથી હવે RTEમાં પ્રવેશ મેળનારા વિદ્યાર્થી દીઠ મહત્તમ ફી રૂ. 10 હજારથી વધારીને રૂ. 13 હજાર કરવામાં આવી છે. આમ, સ્કૂલોને હવે મહત્તમ રૂ. 13 હજાર સુધીની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.