CIA ALERT
02. May 2024
October 18, 20211min297

Related Articles



ઇદ-એ-મિલાદ

Share On :
Print Friendly, PDF & Email

ઇસ્લામી વર્ષનો ત્રીજો મહિનો રબી ઉલ અવ્વલનો ૧૨મો રોજ એટલે દીને ઇસ્લામના સૌથી છેલ્લા પયગંબર અને અલ્લાહના મહેબૂબ હઝરત મુહંમ્મદ  સલ્લલ્લાહો અલૈયહિ વઆલૈહિ સલ્લામ (સવ.) ના મિલાદ શરીફ (જન્મદિવસ) નો મહાન પ્રસંગ. દર વર્ષે મોમીનોને આ દિવ્યોત્સવનું શરફ (માન, સન્માન) સાંપડે છે અને પયગંબરે ઇસ્લામના સબક આમોઝ (બોધ આપનારા) જીવન પ્રસંગો યાદ કરીને એમાંથી મઝહબી ફરજો સાથે માનવહકોની હિફાઝત (રક્ષા) અર્થે નેક (પ્રમાણિકતાપૂર્વક, ભલાઇ અને સત્ય) કાર્યો કરવાની પ્રેરણા મળે છે.

મિલાદ યાદના અવસર પર આપણી નજર સામે હિજરી સન ૧૪૪૧-૪૨ વર્ષ પૂર્વેનો અંધકાર યુગ ઉપસ્થિત થાય છે કે જયારે અરબસ્તાનની ભૂમિ પર અજ્ઞાનતા અને હેવાનિયત (જંગલી, પશુપણું)ના ઓળા ઉતરેલાં હતા અને ફિત્ના-ફસાદોની હવા ફૂંકાતી હતી. માત્ર નામોમાં જ મુસલમાની દેખાતી હતી પરંતુ કામ ખોટાં થતાં અને ઇસ્લામની ખરી ખૂબીઓ કોઇ સમજી શકતું નહોતું. આપસમાં નાના નાના કબીલાઓ લડતા અને મરતા હતા તેમ જ નજીવી બાબતોમાં મોટા ગુના કરતા હતા. એવા વિપરીત કાળમાં અલ્લાહના ફઝલો કરમ (કૃપા, મહેરબાની)થી પયગંબરે ઇસ્લામ, હુઝૂરે અનવર (સલ.)નો જન્મ થયો અને બચપણથી જ આ બધી બદી અને બૂરાઇઓ આપને ખૂંચવા લાગી. એનો આપે સદાચારી જીવન દ્વારા પ્રતિકાર કર્યો અને આપને નબુવ્વત પ્રાપ્ત થયા પછી તો ઇસ્લામને અજવાળવા અને તેને વ્યવસ્થિત બંધારણ પર મૂકવા માટે આપે જે ભગીરથ કાર્ય કર્યું છે તે ખરેખર અજોડ છે:

* આપ અલ્લાહના મહાન પયગંબર (સંદેશવાહક) એ તવહિદ (ઇશ્ર્વર એક હોવાનો) એકેશ્ર્વરવાદનો નારો લગાવ્યો અને તમામ લોકો એક જ સફ (પંગત)માં એકત્ર થઇ ગયા.
* આપના પર પવિત્ર કુરાન નાઝિલ (ઊતરવું) થયું અને ઇલાહી આજ્ઞા અને કાનૂનની લોકોને આપે સમજણ આપી.
* માલિક અને ગુલામો વચ્ચેનાં ભેદભાવો મિટાવ્યાં.
* જહાલત (મૂર્ખ, મૂઢ) અને ઝનૂન (પાશવીપણું) દૂર કર્યાં.
* જંગલી લોકોનાં જીગર (દિલોદિમાગ)માં  ઉતરી જઇને ઇન્સાનિયત-માનવતાનાં માંડવા બાંધ્યા. 
* માતાઓને દરજજો અપાવ્યો.
* દીકરીઓને હક (અધિકાર) અપાવ્યા.
* પત્નીઓ પર અન્યાય, અત્યાચારની લટકતી તલવારને દૂર કરાવી.
* આપે આપનું પોતાનું જીવન એવી રીતે સાદાઇ અને ગરીબીમાં ગુજાર્યું કે જે આપના ઉમ્મતિ (અનુયાયી, પ્રજાજનો) માટે બોધપ્રદ બની જાય. 

મીલાદુન્નબીના આ શાનદાર અવસરે આપ હુઝૂરે કરીમ (સલ.)ની ખિદમત  (સેવા)માં ન માત્ર મુસ્લિમો તરફથી જ આપના ઇલાહી તેજના બેનમૂન આદર્શ જીવન અને ઇસ્લામ ઉપરનાં આપના અનહદ ઉપકારો બ૨દલ શુક્રગુઝારી (આભાર પ્રદર્શિત) ની સલામી સાદર કરાશે. પરંતુ બિન મુસ્લિમ મહાનુભાવોની જબાનોથી અને કલમોથી પણ આપની મહાનતાનો મહિમા ગવાશે અને સદાકાળ ગવાતો રહેશે.

આપ હુઝૂરે અનવર (સલ.)ની ઇન્સાફી જિંદગી અને માનવ પ્રેમથી સભર જીવનની તવારીખ અતિ લાંબી અને વિશાળ છે. એનાં આલેખન માટે તો આ અદના લેખકના કલમની શાહી રજ જેટલી પણ હેસિયત રાખતી નથી પરંતુ અહીં અહેસાસનો ઇઝહાર રોકી શકાતો નથી કે જયારે જયારે આપના જીવનના હાલાત વાગોળવામાં આવે છે ત્યારે ત્યારે દિલમાં આપની અઝમત (મહત્તા)નો આપની મહાનતાનો એક નવો જઝબો  (ઉત્સાહ) પેદા થાય છે. આ આપમાં રહેલ દેવી ગુણો અને ઉત્તમ ખૂબીઓ નથી તો બીજું શું છે? એથી વધુ સારી દલીલ બીજી કઇ હોઇ શકે?
ઇસ્લામ ખુશગવાર અને કાબિલેકદ્ર અને આગવી ધાર્મિક નીતિનિયમોનો ધર્મ છે. એમાં ઇન્સાફની ખુશ્બો મહેકે છે, એમાં માનવતાની મિત્રતા દેખાય છે.

મિલાદ શરીફનો મહાન અવસર એ દુઆગુઝારી સાથે મનાવીએ કે આપ અલ્લાહના રસૂલ (સલ.) ના સદાચારી જીવનપંથે ઇમાનદારીપૂર્વક પ્રયાણ કરી, સર્વદા આપ પર દિલપૂર્વક દરૂદો સલામ પાઠવીએ.
સૌને ઇદે મિલાદની મુબારકબાદ.       

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :