સૌરાષ્ટ્ર Archives - Page 8 of 61 - CIA Live

July 24, 2024
ausi-flood2.jpg
1min296

ગુજરાત અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ માઝા મુકી હોવાના અહેવાલો સામે આવ્યા છે. મધ્ય ગુજરાતમાં આણંદમાં બે કલાક આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે, તો વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર પહોંચી ગઈ છે, જ્યારે અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે. દક્ષિણ ગુજરાતનાં સુરતમાં મેઘ કહેર જોવા મળ્યો છે, તો ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ બની ગઈ છે. આ ઉપરાંત ડાંગમાં ભારે વરસાદ ખાબક્યા બાદ ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી થઈ છે, જોકે મહેસાણામાં હજુપણ વરસાદની ઘટ વર્તાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો મેઘરાજા અહીં મન મુકીને વરસ્યા છે. સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા છે. જ્યારે કચ્છમાં પણ મેઘ મહેર વચ્ચે માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે.

મધ્ય ગુજરાત : આણંદમાં બે કલાક આઠ ઈંચ, વિશ્વામિત્રી નદી 17 ફૂટને પાર, અંકલેશ્વરમાં ઘોડાં તણાયા

મધ્ય ગુજરાતની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ જિલ્લાના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આજે સવારે આણંદના બોરસદમાં બે કલાકમાં આઠ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે 4 કલાકમાં 13 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જેના કારણે જ્યાં નજર ત્યાં પાણી જ પાણી દેખાઇ રહ્યુ છે. જ્યારે અન્ય જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં એકથી પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની 17 ફૂટની સપાટીથી ઉપર વહી રહી છે. કેટલાક સ્થળે તો પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયા છે. આ સ્થિતિમાં અહીં સ્કૂલ-કોલેજોમાં આવતીકાલે 25 જુલાઈએ રજા જાહેર કરાઈ છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં ઘોડાં તણાયાની ઘટના બની છે.

દક્ષિણ ગુજરાત : સુરતમાં મેઘ કહેર, ભરૂચમાં હાઈવેની નદી જેવી સ્થિતિ, ડાંગમાં ગીરાધોધ સોળે કળાએ ખીલ્યો

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા વરસાદના લીધે સુરતીઓનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. શહેરના ખાડી કિનારાના રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણીના કારણે વેલંજા વિસ્તારના રાજીવનગરમાંથી લગભગ 60 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ, જેના કારણે અનેક શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. મેઘ તાંડવના કારણે ભરૂચવાસીઓ ભગવાન ભરોસે આવી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. અહીં આમલાખાડી ઓવરફ્લો થયો છે, જ્યારે હાઈવે નદીમાં ફેરવાઈ ગઈ છે. આ ઉપરાંત ડાંગ, નર્મદા, નવસારી, તાપી, વલસાડમાં પણ મેઘરાજાએ માજા મુકી છે. ડાંગ જિલ્લામાં વરસાદના કારણે ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે, જેના કારણે અહીં નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે નર્મદા જિલ્લામાં ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. અહીં સાગબારા, ડેડીયાપાડા, તીકલવાળા સહિત અનેક તાલુકામાં વરસાદ પડ્યાના અહેવાલો મળ્યા છે.

ઉત્તર ગુજરાત : લાંબા વિરામ બાદ કેટલાક જિલ્લામાં મેઘરાજાની ધમકેદાર એન્ટ્રી, મહેસાણામાં વરસાદની ઘટ

ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ઘણા દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી છે. અરવલ્લી જિલ્લામાં વરસાદને માજા મુકી છે, તો ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેતરો ભરાઈ ગયા હોવ તેવી સ્થિતિ જોવા મળી છે. અહીં મગફળી, સોયાબીનના પાકને જીવતદાન મળ્યું છે. જ્યારે બનાસકાંઠાના લાખણીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા દુકાનો આગળ પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા છે. મહેસાણામાં વરસાદી ઝાપટું પડયું છે, જોકે તેમ છતાં જિલ્લામાં ત્રણ ઈંચ વરસાદની ઘટ પડી રહી છે. જિલ્લાની સરેરાશ 10 ઇંચની જરૂરિયાત સામે સાડા 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. પાટણની વાત કરીએ તો, હારીજ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા મુખ્યબજાર સાહિત નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. આ સાથે ઉકળાટ ભર્યા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જિલ્લામાં આજે સવારથી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને અવારનવાર છુટા છવાયા વરસાદના ઝાપટાં પડયા હતા. તો બપોર બાદ હારીજ પંથકમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર બનેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમથી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવો વરસાદ પડવાની શક્યતા જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં છુટા-છવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે.

સૌરાષ્ટ્રમાં અનેક ડેમો છલકાયા, કચ્છમાં પણ મેઘ મહેર, માંડવી-નખત્રાણા-અબડાસામાં 8 ઇંચ

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડવાના કારણે ભાદર-2 અને ન્યારી-2 ડેમમાં પાણી વધતા દરવાજા ખોલવા પડ્યા છે. આ સાથે તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવાની પણ અપીલ કરવામાં આવી છે. આ વખતે સિઝનમાં સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર ઝૉનમાં ખાબક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં પાણીની આવકમાં જોરદાર વધારો નોંધાયો છે. છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવતા અહીં અનેક ડેમો છલકાયા છે. છેલ્લા બે દિવસથી ખાબકી રહેલા મુશળધાર વરસાદના કારણે સૌરાષ્ટ્રના ડેમોમાં નવા નીરની આવક સતત વધી રહી છે. ધોરાજીના ભાદર-2 ડેમમાં પાણી વધતા ચાર દરવાજા 0.66 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ભાદર-2 ડેમમાં પાણીની આવકના કારણે સુપેડી, ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, હાડફોડી, ઈસરા, કુંડેચ, લાઠી, મજેઠી, નીલાખા, તલગણા સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રનો ન્યારી-2 ડેમ પણ છલકાયો છે, ન્યારી-2 ડેમમાં આવક વધતા ડેમનો એક દરવાજો 0.076 મીટર સુધી ખોલવામાં આવ્યો છે, અને આ કારણે આજુબાજુના ગામોને સાવચેત રહેવા અપીલ કરાઇ છે. જ્યારે કચ્છમાં અઠવાડિયાથી વિશેષ સમયથી મેઘાવી માહોલ વચ્ચે સોમવારે સાર્વત્રિક વરસાદ બાદ મંગળવારે કયાંક કાચુ સોનું તો કયાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં આઠ વરસાદ નોંધાયો છે. આજે માંડવી, નખત્રાણા અને અબડાસામાં 8-8 ઇંચ, મુન્દ્રામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદના કારણે અનેક શાળા-કોલેજો બંધ

આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલીક શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.

આજે ક્યાં કેટલો વરસાદ નોંધાયો

આજે (24 જુલાઈ) બપોરના ચાર વાગ્યા સુધીમાં 205 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. બીજી તરફ નર્મદાના તિલકવાડામાં 205 મિ.મી., વડોદરાના પાદરામાં 189 મિ.મી., ભરુચમાં 181 મિ.મી., છોટા ઉદેપુરના નસવાડીમાં 151 મિ.મી. સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં હજુ ચાર દિવસ અતિ ભારે વરસાદની આગાહી

ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે અમરેલી, નવસારી, વલસાડ, દીવ અને દાદરા નગર હવેલીમાં 26 જુલાઈ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી 26 જુલાઈ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત અને મધ્ય-સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે ત્યારે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદનું જોર જોવા મળ્યું હતું. 25-26 જુલાઈના દિવસે રાજ્યમાં વરસાદી માહોલ હળવો રહેશે. જ્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લામાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમરેલી, ભાવનગર, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે, ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાત કેટલાક વિસ્તારો બાદ કરતાં 26 જેટલા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે.

July 24, 2024
reservoir.png
1min280

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

July 19, 2024
somnat.jpg
1min303

સોમનાથ મહાદેવ મંદિરમાં ફક્ત ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં પૂજાનો લહાવો લઈ સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે

સોમનાથ મહાદેવના શિવલિંગ પર બીલીપત્રપૂજાની ફાઇલ તસવીર.

શિવભક્તો માટે વર્ષના સૌથી મોટા ઉત્સવ શિવરાત્રિમાં વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે એવા સૌરાષ્ટ્રના સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને ઘેરબેઠાં બિલ્વપત્ર અર્પણ કરી શકાશે. ઑગસ્ટ મહિનાથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે સોમનાથ મહાદેવ મંદિરમાં ૨૫ રૂપિયા ભરીને ઘેરબેઠાં બિલ્વપૂજાનો લહાવો લઈ શકાશે અને સોમનાથદાદાના આશીર્વાદ મેળવી શકાશે.

શાસ્ત્રોમાં શિવજીને બિલ્વપત્ર અર્પણ કરવાનો મહિમા વર્ણવતાં કહેવાયું છે કે ‘શિવજીને ત્રણ પર્ણવાળું બીલીપત્ર અર્પણ કરવાથી ત્રણ જન્મોનાં પાપ નાશ પામે છે ત્યારે સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ભક્તો બિલ્વપૂજા ઘેરબેઠાં નોંધાવી શકાશે અને સોમનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગ પર પૂજારી દ્વારા બિલ્વાર્ચન કરવામાં આવશે. જે ભક્તજન બીલીપત્રપૂજન કરાવશે તેમના ઘરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા બિલ્વપૂજાનાં બીલીપત્ર, રૂદ્રાક્ષ અને ભસ્મ પ્રસાદ સ્વરૂપે મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રાવણ મહિનામાં ૨.૫૦ લાખથી વધુ ભક્તોએ બિલ્વપત્રપૂજાનો લાભ લીધો હતો. જે શિવભક્તોને ઘેરબેઠાં ઑનલાઇન બિલ્વપૂજાનો લહાવો લેવો હોય તેઓએ સોમનાથ ટ્રસ્ટની અધિકારિક વેબસાઇટ https://somnath.org/BilvaPooja/ પર પૂજા બુક કરાવી શકે છે.

July 19, 2024
heavy-rain-in-saurashtra.png
1min505

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાતાં પોરબંદરમાં ગઈકાલ સવારે છ વાગ્યાથી લઈને બપોરના ચાર સુધીમાં 22 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. અતિભારે વરસાદને પગલે નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દ્વારકા, ગીર સોમનાથ સહિતના જિલ્લામાં એક-એક NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ત્યારે પોરબંદર બાદ જૂનાગઢમાં જળબંબાકાર થતાં તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જેમાં અતિભારે વરસાદને પગલે અનેક ગામોમાં દયનીય પરિસ્થિતિ ઉભી થઈ હતી. જ્યારે આજે (19 જુલાઈ) રાજ્યના 94 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે દ્વારકામાં 12 ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાલા વિસ્તારમાં ફસાયેલા બે વ્યક્તિને NDRFની ટીમે રેસક્યુ કરીને બચાવ્યાં હતા.

કેસોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં પોરબંદર જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદે હાહાકાર મચાવી દીધો છે, ત્યારે જૂનાગઢના કેશોદ તાલુકમાં બે દિવસની અંદરમાં 14 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વંથલીમાં બે દિવસની અંદર 13 ઈંચ પડ્યો છે. આ સાથે મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, જૂનાગઢ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સવા ત્રણ ઈંચ, માણાવદરમાં પોણા ઈંચ, માળિયા હાટીનામાં ત્રણ ઈંચ, માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તેવામાં વિસાવદર તાલુકામાં સૌથી ઓછો 11 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ જિલ્લાના 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં

રાજ્યમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાતા 75 જેટલા રસ્તાઓ બંધ હાલતમાં છે. જ્યારે જૂનાગઢના 62 જેટલા ગામડોમાં વરસાદે ધબડાટી બોલાવી છે.

જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને લઈને કલેક્ટરે આપી જાણકારી

હવામાન વિભાગે જૂનાગઢ જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, જૂનાગઢમાં અતિભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ‘ભારે વરસાદને કારણે 75થી વધુ રસ્તાઓ પર પાણી ફરી વળતાં 65 જેટલા ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા. આ સાથે 14 રૂટ પર એસટી બસ બંધ કરવામાં આવી છે. જ્યારે નવ ડેમો ઓવરફ્લો થતા નીચાણવાળા 53 જેટલા ગામડામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.’

દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે દ્વારકામાં આખા દિવસમાં 12 ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હોવાથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે દ્વારકામાં 12 કલાકના સમયગામાં વીજળીના કડાકા-ભડાકા સાથે કલ્યાણપુર તાલુકામાં છ ઈંચ, ખંભાળિયામાં સાડા ચાર ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો હતો.

દ્વારકાના નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ફસાયેલી બે વ્યક્તિનું NDRF ની ટીમે રેસક્યુ કર્યું

ધોધમાર વરસાદને લઈને દ્વારકાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ સ્થિતિમાં ભાટિયા ગામમાં પાણી ફરી વળતા ફસાયેલ બે વ્યક્તિને NDRF ની ટીમે રેસક્યુ કરીને બચાવી લેવામાં આવ્યાં હતા. બીજી તરફ, જિલ્લા કલેક્ટરે વરસાદની ગંભીર પરિસ્થિતિને લઈને સાવચેતી રાખવા સૂચના આપી હતી.

July 12, 2024
rain-1280x720.jpg
1min348

સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થવાથી 13 July to 17 July આગામી 5 દિવસ રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડશે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા સહિત આણંદ, ભરુચ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જૂનાગઢ, બોટાદ, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 80 તાલુકામાં વરસાદી નોંધાયો હતો. જેમાં વલસાડના ઉમરગામ અને સુરતના કામરેજમાં સાડા 3 ઈંચ સહિત સુરતના અન્ય વિસ્તારોમાં સવા 3 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે વાપીમાં 3 ઈંચ, વલસાડ તાલુકામાં અઢી ઈંચ, રાજકોટના ઉપલેટા અને નવસારીના જલાલપોરમાં સવા 2 ઈંચ, અમરેલીના ખાંભા, વલસાડના કપરાડા, સાબરકાંઠાના પોશીના વલસાડના પારડી અને અમદાવાદના ધંધુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. તેવામાં નવસારીના ખેરગામમાં પોણા 2 ઈંચ, વડોદરાના ડભોઈ, નવસારી તાલુકામાં, અમરેલી તાલુકામાં, ભરૂચના હાંસોટમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો હોવાના આંકડા સામે આવ્યાં છે.  

July 10, 2024
sda-pc-1280x853.jpg
1min301
  • ભારતના મોટા શહેરો ઉપરાંત અમેરીકા, લંડન, હોંગકોંગ, દુબઇમાં પણ રોડ શો યોજાયા
  • સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5માં કેરેટ એક્ષ્પોમાં લૂઝ ડાયમડ્સ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી, મશીનરી, સોફ્ટવેર, ટેક્નોલોજીના 118 એક્ઝિબિટર્સ જોડાયા

સુરત ડાયમંડ એસોસીએશન દ્વારા આયોજિત 5મો ડાયમંડ એક્ષ્પો કેરેટ્સનું આયોજન આગામી તા.12થી 14 જુલાઇ દરમિયાન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. સ્થાનિક હીરા ઉદ્યોગ માટે આ કેરેટ એક્ષ્પો મંદીના સમયમાં ગેમ ચેન્જર પુરવાર થાય તેવી ધારણા સેવાય રહી છે. આ એક્ષ્પોમાં ભારત દેશના ખરીદારો આવે તે ઉપરાંત વિદેશી ખ્યાતનામ બાયર્સ આવે તે માટે દુબઇ, અમેરીકા, લંડન, હોંગકોંગ ખાતે રોડ શો કરવામાં આવ્યા હતા. વિદેશી ખરીદારોને સુરતના અવધ ઉટોપીયા ખાતે બિલકુલ મફત એકોમોડેશન અને એરટિકીટ આપવામાં આવી છે. સ્થાનિક સ્તરેથી કેરેટ એક્ષ્પોની મુલાકાત માટે 8 હજારથી વધુ ખરીદારોના પ્રી રજિસ્ટ્રેશન પણ થઇ ચૂક્યા છે.

કેરેટ એક્ષ્પોના આયોજન અંગે વધુ માહિતી આપતા સુરત ડાયમંડ એસોસીએશનના પ્રેસિડેન્ડ જગદીશભાઇ ખૂંટ, મંત્રી ધીરુભાઇ સવાણી, કન્વીનર વીનુભાઇ ડાભી, સહ કન્વીનર જયેશભાઇ એમવી, ચંદ્રકાંત તેજાણી, ચંદ્રકાંત તેજાણી, ગૌરવ શેઠી વગેરેએ જણાવ્યું હતું કેરેટ્સ એક્ઝિબિશનમાં લુઝ ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન,જ્વેલરી તેમજ મશીનરી, સોફ્ટવેર, ટેકનોલોજીના મળીને ૧૧૮ જેટલા એક્ઝિબિટર્સ પોતાની પ્રોડક્ટસ કે સર્વિસીસ ડિસ્પ્લે કરશે.આ વખતે ડાયમંડ ઉદ્યોગમાં ખુબ જ મંદીનો માહોલ હોવા છતાં આ વખતે ડાયમંડ મેન્યુફેકચરર્સ અને વેપારીઓ ખુબજ ઉત્સાહ સાથે કેરેટ્સ એકપોમાં જોડાવા ઉત્સાહીત છે અને તમામ બુથનું બુકિંગ ફૂલ થઇ ગયેલ છે. ગત્ત કેરેટ્સ એક્સ્પોમાં B2B વ્યવહારોને ખુબ જ વેગ મળ્યો હતો. એકજીબીટર્સને ખુબજ સારો વેપાર મળ્યો હતો. તેઓને સુરત ડાયમંડ એસોસીએશન અને તેના દ્વારા થતાં આ કેરેટ્સ એક્સ્પો પર વિશ્વાસ વધ્યો છે. અને આ વખતનો એક્ષ્પો એટલા માટે જ ગેમ ચેન્જર નિવડશે.

કેરેટ્સમાં ખરીદારો આવે તે માટે ભારતના મોટા શહેરો જેવાકે બેંગલોર, ચેન્નઈ, હૈદ્રાબાદ, વિજયવાડા, કોલકાતા, કેરલા, મુંબઈ, પુણે દિલ્હી, જયપુર, તેમજ ગુજરાતના મોટા શહેરો અને સુરત વિગેરે શહેરોમાં તેમજ વિદેશમાં દુબઈ, અમેરિકા, લંડન, હોંગકોંગ વિગેરે જગ્યાએ રોડ શો કરી જવેલર્સ અને જવેલરી મેન્યુફેકચરર્સ અને ડાયમંડ વેપારીઓને રૂબરૂ મળી CARATS – સુરત ડાયમંડ એકસ્પોની વિઝીટ કરવા ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે. કેરેટ્સની મુલાકાત માટે 8,000 થી વધારે ઓનલાઈન વિઝીટર્સ રજીસ્ટ્રેટેશન થઇ ગયેલ છે. જેમાં ૫૦૦ થી વધારે રજીસ્ટ્રેટેશન નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલથી થયેલ છે. એક્સ્પોમાં લેબોરેટરી પાર્ટનર તરીકે IGI જોડાયેલ છે.

પ્રીમીયમ બાયર્સ માટે રહેવા, જમવા સહિતની સુવિધાઓ

કેરેટ્સમાં આવીને ખરીદી કરી ચૂકેલા અને અવશ્ય ખરીદી કરતા હોય તેવા પ્રીમીયમ બાયર્સ માટે સુરત ડાયમંડ એસોસીએશને અવધ ઉટોપિયા ક્લબમાં રહેવાની સગવડ, એરપોર્ટથી તેમને પીકઅપ અને ડ્રોપની ફેસીલીટી આપી છે.આ સુવિધા તેમને બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ પૂરી પાડવામાં આવશે. તેમને સવારે બ્રેકફાસ્ટ લંચ ડીનર અને ત્રણ દિવસ માટે રૂમનું બુકિંગ પણ કરવામાં આવ્યું છે.

July 4, 2024
monsoon.jpg
1min300

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ દિવસની અંદરમાં સૌથી વધુ આજના (4 જુલાઈ) દિવસે વરસાદનું જોર રહેશે.  રાજ્યના બનાસકાંઠા, સુરત, નર્મદા અને તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે. જ્યારે રાજ્યના પશ્ચિમ ભાગના જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

આજે (4 જુલાઈ)  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, દક્ષિણના ભાગોમાં નર્મદા, સુરત અને તાપી સહિતના જિલ્લામાં વરસાદ ધબળાટી બોલાવશે. આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરુચ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી અને વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ કચ્છ, મોરબી, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ડાંગમાં ભારે વરસાદ થવાની આગાહી છે. જોકે, રાજ્યના જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદનું પ્રમાણ નહીવત જોવા મળશે.

05 જુલાઈના દિવસે રાજ્યના ઉત્તર ગુજરાત, પૂર્વ-પશ્ચિમ ભાગોના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ મધ્યમ રહેશે. આ સિવાય રાજ્યના દક્ષિણ-પશ્ચિમ, સૌરાષ્ટ્ર અને પૂર્વ ભાગ સહિતના કેટલાંક જિલ્લામાં ધીમીધારે વરસાદ પડશે.

06 જુલાઈએ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદનું પૂર્વાનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. 

07 જુલાઈમાં રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદનું પ્રમાણ મધ્યમ રહેશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

08 જુલાઈના રોજ વરસાદનું પૂર્વાનુમાન કરતા હવામાન વિભાગ દ્વારા આગાહી કરતાં જણાવ્યું હતું કે, રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી માહોલ રહેશે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલી રહેશે.

July 3, 2024
Gujrat-rath-yatra.jpg
1min259

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પ્રતિ વર્ષે અષાઢી બીજે યોજાતી પરંપરાગત રથયાત્રાની 147મી કડી શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રીએ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળોએ યોજાતી રથયાત્રા જન ઉમંગ અને ઉલ્લાસનું ધર્મપર્વ છે તે સંદર્ભમાં કહ્યું કે, ભગવાનના દર્શન માટે લોકો જુના, જર્જરીત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકા તંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. તેમણે આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ કરી હતી. અમદાવાદ મહાનગરમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં યોજાતી આ રથયાત્રા 16 કિલોમીટર લાંબા રૂટ પરની કાયદો વ્યવસ્થા તેમજ રથયાત્રા દરમિયાનની સુરક્ષા-સલામતી વ્યવસ્થાઓ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે વિસ્તૃત પ્રેઝન્ટેશન કર્યું હતું.

8,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે રહેશે

પોલીસ કમિશનરએ જણાવ્યું કે, રથયાત્રાને સફળ બનાવવા માટે આઈ.જી. કક્ષાથી લઈને પોલીસ કર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મીઓ ખડે પગે ફરજરત રહેવાના છે. રથયાત્રામાં જોડાનારા રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસ કર્મીઓ જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તૈનાત રહેશે. એટલું જ નહિં, 16 જેટલી ક્રેઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભમાં પોલીસ કમિશનરએ રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ પ્રબંધન અંગે જણાવ્યું કે, 47 જેટલા લોકેશન્‍સ પરથી 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોની સહભાગીતાથી 1400 જેટલા સી.સી.ટી.વી. કેમેરાથી પોલીસ કંટ્રોલરૂમ દ્વારા બાજ નજર રખાશે.

યાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ રથયાત્રા દરમિયાન શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરવામાં આવશે.

રથયાત્રા પૂર્વે  25 જેટલી બેઠકો યોજવામાં આવી

આ પરંપરાગત રથયાત્રા કોમી એકતા અને સંવાદિતા તથા સૌહાર્દનો ઉત્સવ બને તે માટે રથયાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા શાંતિ સમિતિની 132, મહોલ્લા સમિતિની 136 તેમજ મહિલા સમિતિની 38 બેઠકો વિવિધ ધર્મગુરુઓ સાથે 18 બેઠકો અને ભગવાનના રથ ખેંચનારા ખલાસી ભાઈઓ, અખાડા સંચાલકો સાથે 25 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. એટલું જ નહિં, એકતા કપ ક્રિકેટ મેચ, વોલીબોલ ટુર્નામેન્ટ, મહેંદી સ્પર્ધા, બ્લડ ડોનેશન કેમ્પ જેવા સામાજિક એકતાની ચેતના જગાવતા આયોજનો પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રી સમક્ષ આ પ્રેઝન્ટેશનમાં જણાવવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં જે જે સ્થળોએ રથયાત્રા યોજવામાં આવે છે ત્યાં બધે જ શાંતિ, સલામતી સુલેહના વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પાસેથી પણ જરૂરી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રથયાત્રાનું આ ઉમંગ પર્વ જન ભાગીદારી, પોલીસ તંત્રની સતર્કતા અને સુરક્ષા પ્રતિબદ્ધતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે જ તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. 

May 31, 2024
kanji_bhalala_cialive.jpg
1min417

વરાછા કો-ઓપરેટિવ બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન સહકારી અગ્રણી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ એનાયત થયો છે. 

તારીખ ૩૦-૦૫-૨૦૨૪ના રોજ દિલ્હી ખાતે મળેલ ઇફકોની ૫૩મી વાર્ષિક સાધારણ સભામાં  દેશભરમાંથી  આવેલ ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં શ્રી કાનજીભાઈ ભાલાળાને સહકારી ક્ષેત્રે નોંધનીય  કાર્ય બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ  જણાવ્યું હતું કે કાનજીભાઈ ભાલાળાએ આર્થિક જાગૃતિ અને સહકારી સંસ્થાઓના વિકાસ માટે નિષ્ઠાથી નોંધનીય કાર્ય કર્યું છે. તેથી ઇફકો તરફથી આ સન્માન આપતા અમો ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કો. ઓપરેટિવ ઇફકો તરફથી દર વર્ષે સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે પાયાનું નોંધનીય પ્રદાન કર્યું હોય તેવા વ્યક્તિને ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવે છે.

સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ઇફકો તરફથી રાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિનું જતન થાય અને છેવાડાના માણસને સહકારી પ્રવૃત્તિ સાથે જોડવા માટે વધુ નોંધનીય કામગીરી કરનારને પ્રોત્સાહન મળે તેવા હેતુથી ઇફકો સહકારીતા બંધુ એવોર્ડ અને ઇફકો સહકારિતા રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. તેમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટેના ઇફકો સહકારિતા-બંધુ એવોર્ડ માટે ગુજરાતના સહકારી અગ્રણી અને સામાજિક કાર્યકર એવા શ્રી કાનજીભાઈ આર. ભાલાળાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે સહકારિતા રત્ન એવોર્ડ યુ.પી. સરકારમાં સહકારી મંત્રી શ્રી જે. પી. એસ. રાઠોડ ને આપવામાં આવેલ છે.

         ૧૯૯૫માં વરાછા કો-ઓપરેટીવ બેંકનાં સ્થાપના કાળથી એમ.ડી., ચેરમેન અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન તરીકે સતત નેતૃત્વ કરી વરાછા બેંકના ઝડપી અને નક્કર વિકાસમાં નોંધનીય કાર્ય કર્યુ છે. ૧૯૯૨માં આરાધના અર્બન કો.ઓપરેટીવ સોસાયટીના સ્થાપક પ્રમુખ તરીકે સહકારી પ્રવૃત્તિ શરૂ કરનાર શ્રી કાનજીભાઈ ભાલાળા આજે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપ. બેંક્સ અને ક્રેડિટ સોસાયટી લિ. (NAFCUB), ન્યુ દિલ્હીના ડિરેક્ટર તરીકે કાર્યરત છે. દક્ષિણ ગુજરાતની સહકારી સંસ્થાઓ સાથે તેઓ જોડાયેલા છે. સાઉથ ગુજરાત અર્બન કો-ઓપ. બેંક્સ એસોસિએશનના ઉપપ્રમુખ તથા ગુજરાત રાજ્ય કો.ઓ.વર્કસ ફેડરેશનના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી રહ્યા છે. સુરત જિલ્લા સહકારી સંઘમાં નિષ્ણાંત ફેકલ્ટી તરીકે તાલીમ વર્ગો માટે સેવા પણ આપી છે.

         શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતની સમૂહ લગ્ન પ્રવૃત્તિમાં સ્વયંસેવક તરીકેની શરૂઆતથી આજે સંસ્થાના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. સુરત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સામાજિક જાગૃતિનું  નેત્ર દિપક કાર્ય કરી રહ્યા છે. કુદરતી કે માનવસર્જિત આફતોમાં કામ કરતી એક પાંખ સિવિલ ડિફેન્સ સુરતના ચીફ વોર્ડન છે. તેમાં તેમની દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇ ૨૦૨૧માં રાષ્ટ્રપતિ ચંદ્રક પ્રાપ્ત થયો છે. ૧૯૯૩માં કારગિલ યુદ્ધ સમયથી જય જવાન નાગરિક સમિતિ સુરત શહીદ જવાનોના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરે છે. આ સંસ્થાની સ્થાપના કાળથી ટ્રસ્ટી તરીકે ભૂમિકા નિભાવે છે.

         મૂળ સૌરાષ્ટ્ર અમરેલીના બળેલ પીપરીયા ગામના વતની અને ૧૯૭૯ થી સુરતને કર્મભૂમિ   બનાવનાર શ્રી કાનજીભાઈ ભાલાળાએ ધોરણ-૧૦ પછીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું છે. એમ.કોમ., એલ.એલ.બી કરી ઇન્કમટેક્ષ પ્રેક્ટિસનર તરીકે વ્યવસાય શરૂ કર્યાની સાથે શિક્ષણ અને સામાજિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય કામગીરી કરતા રહ્યા છે. અભ્યાસમાં ડિપ્લોમા ઇન જર્નાલિઝમ કર્યું હતું. રીયલ ટીવી ચેનલના ન્યુઝ એડિટર તરીકે પણ કાર્ય કર્યું છે. આજે ૬૨ વર્ષની ઉંમરે પણ તેઓ  ભણી રહ્યા છે.  એમ.એ. વીથ પોલિટિકલ સાયન્સની પદવી મેળવી છે અને હાલ એમ.એ. વીથ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહ્યા છે. સુરતમાં આવેલી આપત્તિ-દુર્ઘટના સમયે લોકોના જાન-માલના રક્ષણ માટે જાગૃતિ અને  સેવાના કાર્ય માટે અગ્રેસર રહ્યા છે.

         કોરોના મહામારીના લોકડાઉન ના સમયે સહકારી સંસ્થાઓ અને ગુજરાત સરકારે સાથે મળી  આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના શરૂ કરવામાં આવી હતી. રૂપિયા ૨૫૦૦ કરોડનું ધિરાણ  ખૂબ નાના વ્યક્તિઓને વગર વ્યાજે આપવામાં આવ્યું હતું. આ યોજના તૈયાર કરવામાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી. વડાપ્રધાન વીમા યોજનાઓમાં વરાછા બેંકના બે લાખથી વધુ ખાતેદારોને જોડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ૧૨૧૩ ખાતેદારોના અવસાન થતાં તેમના પરિવારોને રૂપિયા ૨૪.૨૬ કરોડની સહાય વડાપ્રધાન વીમા યોજનામાંથી અપાવવામાં આવી છે. વરાછા કો.ઓ. બેન્ક તેમના સભાસદો, ખાતેદારો અને થાપણદારોને અકસ્માત વીમા કવચ પણ પૂરું પાડે છે.

           છેવાડાના નાના માણસો સહકારી પ્રવૃત્તિઓના લાભ લે તથા નાણાકીય જાગૃતિ માટે  છેલ્લા ૩૫ વર્ષના સતત પ્રયાસો અને સફળતા તથા સહકારી ક્ષેત્રને નેતૃત્વ પૂરું પાડવા બદલ ઇફકો તરફથી શ્રી કાનજીભાઈ આર. ભાલાળાને રૂપિયા ૧૧ લાખના પુરસ્કાર સાથે સન્માન મળે છે. ૧૯૯૩થી ઇફકો તરફથી દર વર્ષે એક એવોર્ડ પુરા દેશમાંથી કોઈ એક ને આપવામાં આવે છે. ગુજરાતમાંથી ઇફકો સહકારીતા-બંધુ એવોર્ડ મેળવનાર શ્રી કાનજીભાઈ ભાલાળા બીજા ગુજરાતી છે.

ધી વરાછા કો.ઓ. બેન્ક તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તથા જય જવાન નાગરિક સમિતિ સુરત અને અનેકવિધ સંસ્થા તરફથી શ્રી કાનજીભાઈ ભાલાળાને સગૌરવ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

May 23, 2024
kiran-hospital.png
1min574

કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ  ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

     કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.

     કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે.  દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી.  કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.

     સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે.  કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.