વડાપ્રધાન મોદીએ હજુ 20 દિવસ પહેલા જ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો હતો
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચોર-લૂંટારાઓની નજર લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું તેના ૨૦ દિવસમાં જ તસ્કરોએ લગભગ અઢી કરોડની કિંમતનું સ્ટ્રીટ ફર્નિચર ચોરી ગયા છે. તસ્કરો જેના પર હાથફેરો કર્યો છે તેમાં સોલાર પેનલ હોય કે ફુવારા, એક્સપ્રેસ વેની વાડ હોય કે સાજસજ્જાનો સામાન એમ બધું જ ચોર ઉપાડી ગયા છે.

(ચોરટાંઓ આવા સ્ટેન્ડ પર સ્થાપિત કરાયેલી સોલાર પેનલ જ ચોરી ગયા)
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ૧૩૫ કિમી લાંબા હાઈવે પર લગભગ ૪૦૦૦ કિલોવોટની સૌર ઊર્જાથી ઝગમગી રહ્યો હતો પણ ચોરટાંઓ આ સોલાર પેનલ જ ઉખાડીને લઈ ગયા છે. ક્યાંકથી તેઓ કન્વર્ટર બેટરી જ ચોરી ગયા છે. બાગપતથી દાસના વચ્ચેના ૫૦ કિમીમાં ૨૫૦ સોલાર પેનલ લગાવાઈ હતી. તેમાંથી અડધાથી વધુ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે.

એક સોલાર પેનલની કિંમત દોઢ લાખ જેટલી છે. આ ઉપરાંત અંડરપાસમાં મરક્યુરી લાઈટની પણ ચોરી થઈ ગઈ છે. પ્લાસ્ટિકના પાઈપ કાપીને અનેક મીટર વીજળીના તાર પણ ચોરાઈ ગયા છે. ઈસ્ટર્ન પેરિફેરલની સુંદરતા વધારવા માટે લગભગ અંદાજે અર્ધા કરોડ રૂપિયાના આ ફુવારા લગાવાયા હતા. મોટા ભાગના ફુવારાઓ ચોરાઇ ગયા છે.

જાણકારો કહે છે કે આ હાઇવે પર રાતના સમયે ચોરી થાય છે. ચોરો અંગે સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પણ અપેક્ષા મુજબ પોલીસ બે કલાક બાદ સ્થળ પર પહોંચે છે.
તસ્કરોએ વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ ઉપાડી લીધું
વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ આ એક્સપ્રેસ વે પર સ્થાપિત કરાયું હતું, તસ્કરોએ તેના પર પણ હાથફેરો કરી દીધો હતો. આ મિનિએચર જયપુરથી છ લાખ રૂપિયામાં આવ્યું હતું, તેની પણ ચોરી થઈ ગઇ છે.























