CIA ALERT

ગુજરાત Archives - Page 123 of 158 - CIA Live

May 31, 2019
garba.jpg
1min10360

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 30, 2019
hardikjig.jpg
1min5130

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કાબેલીયત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને એકે બેઠક અપાવી શકી નથી. ભાજપ વિરોધી વલણ માટે જાણીતા આ બંને આંદોલનકારીઓમાં હાર્દિકને તો કૉંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવીને રાહુલ ગાંધીની અમેઠી બેઠકમાં પણ પ્રચાર માટે મોકલ્યો હતો અને ગુજરાત સિવાયના રાજ્યોમાં પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું,

પરંતુ હાર્દિકની સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓ કૉંગ્રેસ માટે ડિઝાસ્ટર પુરવાર થઈ છે. કૉંગ્રેસના સમર્થનથી વડગામની બેઠક જીતેલાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના નેતાઓ સાથે મંચ ગજાવવાને બદલે એકલા જ બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્ય પ્રધાન આનંદી પટેલના શાસનમાં બહુ જોર પકડેલ આનામત આંદોલન સમગ્ર રાજ્યમાં જોત જોતામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંદોલને જોર પકડતા રાજ્યમાં હાર્દિક પટેલનું રાજકીય વજન વધ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 આવતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર ચરમસીમાએ હોઈ ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કર્યો હતો જેની જગ્યાએ ફકત 99 બેઠકો આવતા હાઈકમાન્ડ ચોંકી ઊઠ્યું હતું અને ત્યાર બાદ દેશમાં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આની અસર ઘટાડવા કમર કસી કૉંગ્રેસના સૌરાષ્ટ્રના વગદાર નેતાઓને અમિત શાહના ઈશારે પ્રધાનમંડળમાં સમાવવાની લાલચે ભાજપમાં લાવવાની તૈયારીઓ આરંભી દઈને અનેક કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈને રાજ્યની સ્થિતિ મજબુત કરી લીધી હતી.

લોકસભાની ચૂંટણી વખતે પાટીદાર હાર્દિક પટેલના કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં કૉંગ્રેસમાં લાવી તૈયારીઓ જ કરતી રહી અને હાર્દિક પટેલ પણ કોગ્રેસમાં જોડાઈ પોતાના ખાસ મનાતા લોકો માટે લોકસભાની ટિકિટ માટે તૈયારીઓમાં રહ્યા અને પોતાની ઉમેદવારી કૉંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની એકતરફી જાહેરાત કરી છતાં પ્રદેશના નેતાઓ ચૂપ રહ્યા. કાનૂની દાવપેચને કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કૉંગ્રેસે હાર્દિકને રાજી રાખવા અમદાવાદ-પૂર્વની જીતી શકાય તેવી બેઠક અન્ય આંદોલનકારી ગીતા પટેલને ઉમેદવાર બનાવીને કૉંગ્રેસના જ કાર્યકરોને નારાજ કરી દીધા હતા.

આ ઉપરાંત મહેસાણામાંથી એ. કે. પટેલ તેમજ જામનગરમાંથી લલીત કગથરા જેવા હાર્દિક પટેલે ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો કરાવી શક્યા નહીં અને સ્થાનિક કૉંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના વડગામ બેઠક પર કૉંગ્રેસના ટેકાથી બનેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફૂગ્ગો પણ આ પરિણામો થકી ફૂટી ગયો છે. ગુજરાતમાં કૉંગ્રેસના ટેકાથી જીતેલા મેવાણી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો માટે દલિત વિસ્તારોમાં ગણતરીના બે-ત્રણ દિવસને બાદ કરતા પ્રચાર કર્યો ન હતો. તે મોટાભાગે મુગલસરાયમાં કનૈયાના પ્રચારમાં રહ્યા હતા. તે કનૈયાની હાર થઈ છે. મેવાણીએ પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી માટે અનેક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6350

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21940

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ
May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9180

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજરોજ તા.25મી મે 2019ને શનિવારે વહેલી સવારથી જ પોતાની વેબસાઇટ પર ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામો જાહેર કર્યા હતા. પરીણામોના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે.

ગુજરાતનું સામાન્ય પ્રવાહનું પરીણામ   73.27 ટકા આવ્યું છે.  2018નુ ગુજરાતનું પરીણામ  68.96   ટકા હતું

સુરત શહેર જિલ્લાનું સામાન્ય પ્રવાહનું પરીણામ   81.67   ટકા

સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  792

સુરત શહેર જિલ્લામાંથી એ-વન ગ્રેડ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા  294

સૌથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, કે જે ગુજરાતી મિડીયમમાં આવે છે. ઇંગ્લિશમાં કુલ 57,769 વિદ્યાર્થીઓ ફેઇલ થયા છે.

એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 1 લાખ 1 હજાર 966 છે.

વિગતવાર પરીણામની ઝલક આ મુજબ છે.

રાજ્યનું જિલ્લાવાર પરીણામ આ મુજબ

 

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5420

ગુજરાતના શિક્ષણ જગત માટે વણજોઇતા નવરાત્રી વેકેશનને આખરે રાજ્ય સરકારે 2019-20ના શૈક્ષણિક સત્રથી રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. પહેલી વખત એવું બન્યું હતું કે જેમાં રાજ્ય સરકારે ફરજિયાત સ્કુલો બંધ કરીને નવરાત્રી વેકેશન માણવાનો ફતવો બહાર પાડ્યો હતો અને સ્કુલોએ વેકેશન લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ ખોટો દાખલો સરકારે બેસાડ્યો હતો અને હવે એ સરકારે ફરીથી સાચો દાખલો ગણવાની ફરજ પડી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠક રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં હવેથી શાળાઓમાં નવરાત્રિ વેકેશન નહી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં શુક્રવારે રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સમિતિની બેઠકમાં અન્ય એક નિર્ણયમાં હવેથી ધોરણ-9 અને 11માં રિટેસ્ટ નહીં લેવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતા. ગત વર્ષથી નવરાત્રિમાં વેકેશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી નવરાત્રિમાં વિદ્યાર્થીઓને વેકેશન મળતું હતું, પરંતુ હવે નહીં મળે.

May 24, 2019
bjp_logo.png
1min5140

લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પુનરાવર્તન થયું છે અને ભાજપે તમામ બેઠકો હાંસલ કરી છે. સતત બીજી વાર ગુજરાતની 26 એ 26 બેઠક પર ભગવો લહેરાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2014ની ચૂંટણી કરતા પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા છે. ગુજરાતમાં 64 ટકા થયેલા મતદાનની સામે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપના ઉમેદવારે 62 ટકા મત મેળવ્યા છે અને કોંગ્રેસના સૂપડા સાફ કરીને જાણે ગુજરાતમાં ભાજપની સુનામી આવી હોય તેવી સ્થિતિ’ સર્જાઇ છે.

રાજ્યની હાઇ પ્રોફાઇલ અને વીવીઆઇપી બેઠક ગણાતી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ’ 8, 88, 210 મત મેળવીને રાજ્યમાં સૌથી વધુ 5,54, 568 મતના સરસાઇથી જીત હાંસલ કરી છે. ત્યારબાદ નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલે 6,89,668 મતોની સરસાઇ મેળવી છે. જ્યારે સુરતના દર્શના બેન જરદોષ અને વડોદરાના રંજનબેન ભટ્ટે અનુક્રમે 5,48,230 અને 5,84,915ની લીડ મેળવી છે.

મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના 26 એ 26 ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારો સામે સરસાઇ મેળવી રહ્યા હતા. અંદાજીત સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, તમામ 26 બેઠકો પર ભાજપે દોઢ લાખથી લઇને સાડા પાંચ લાખ કરતા વધુ મતોની લીડ લઇને જીત હાંસલ કરી છે. રાજ્યમાં 26 લોકસભા બેઠક ઉપર કુલ 371 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા.

જાહેર થયેલા પરિણામને લઇને વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થવા પામી હતી. મોસ્ટ સિનિયર સાસંદ તરીકે ગુજરાતમાંથી ભરૂચના મનસુખ વસાવા બન્યા છે. તેઓ 1998થી લઇને 2019 સુધીમાં સતત છ વખત વિજયી બન્યા છે. જ્યારે સી.આર.પાટીલ સહિતના 3 સાસંદો ચાર ટર્મથી ચૂંટાઇ રહ્યા છે. સતત બીજી ટર્મમાં ચૂટાયેલા સાસંદોની સંખ્યા 11 જેટલી થાય છે. જ્યારે 2019માં પ્રથમ વખત ચૂંટણી લડીને જીત મેળવનારા સાસંદોની સંખ્યા 10ની થાય છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 16 જેટલા ઉમેદવારોને રીપીટ કરાયા હતા તે તમામની જીત થઇ છે. સાથે સાથે ભાજપ દ્વારા છ જેટલી મહિલાઓને લોકસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી તેઓનો પણ વિજય થયો છે.

જાહેર થયેલા પરિણામો સંદર્ભે કોંગ્રેસની આટલી ખરાબ હાલત થશે તેવું ભાજપના ટોચના નેતાઓએ પણ કલ્પના કરી નહોતી. સીધી રીતે કહીએ તો ભાજપે ફરી એકવાર કોંગ્રેસના પંજા ઉપર બુલડોઝર ફેરવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે,

કોંગ્રેસને જે બેઠક પર જીતવાનો વિશ્વાસ હતો તેવી અમરેલી, પાટણ, આણંદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગરની બેઠક પણ કોંગ્રેસે ખૂબ મોટા માર્જિનથી ગુમાવી છે જે કોંગ્રેસ માટે આંચકાજનક છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 12 જેટલા કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા હતા. તેમાંથી કોંગ્રેસના 8 ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે જ્યારે ભાજપના 4 ધારાસભ્યોએ ખુબ જ માર્જિનથી જીત મેળવી છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યસરકારના રાજ્યપ્રધાન પરબતભાઇ પટેલ તેમજ વિધાનસભાના ઉપદંડક ભરતસિંહ ડાભીનો વિજય થવા પામ્યો છે. જ્યારે 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે લુણાવાડા બેઠક પર ચૂંટણી લડેલા રણજિતસિંહ રાઠોડ કે જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ પંચમહાલ લોકસભાની બેઠક પરથી વિજયી બન્યા છે. જ્યારે અમરાઇવાડી બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય રહી ચૂકેલા હસમુખ પટેલ પણ આ વખતે પ્રથમ વખત લોકસભા સાસંદ તરીકે ચૂંટાયા છે.

ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલા ઉમેદવારોના હાર-જીતના આંકડા મુજબ સૌથી ઓછી લીડ દાહોદમાં રહેવા પામી છે. જે મુજબ દાહોદમાં કેન્દ્રિય પ્રધાન જશવંતસિંહ ભાભોરનો 1,27, 537 મતથી વિજય થયો છે. જ્યારે સૌથી વધુ લીડ ભાજપના નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલની 6,89,668ની’ રહેવા પામી છે.

May 24, 2019
saurashtra_bjp.png
1min5740

લોકસભાની ચૂંટણીના પરિણામોમાં સૌરાષ્ટ્રની સાત બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે અને કેંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. આ વખતે સૌરાષ્ટ્રની સાતમાંથી ત્રણ બેઠક ઉપર ભાજપ માટે કપરાં ચઢાણ હતા. ખાસ કરીને અમરેલી બેઠક ઉપર વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા એટલે કોંગ્રેસ માટે સુરક્ષિત બેઠક મનાતી હતી પણ ત્યાં પણ ધાનાણીની હારે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે.

જૂનાગઢમાં ભાજપની આંતરિક ખેંચતાણ બહાર આવી હતી અને ભાજપની નારાજગીના કારણે જૂનાગઢ બેઠક ભાજપ માટે જીતવી કપરી મનાતી હતી ત્યાં પણ ભાજપની જીત થતાં કોંગ્રેસમાં અપસેટ સર્જાયો છે. એવી રીતે સુરેન્દ્રનગરમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્યાં પણ ભાજપે જીત મેળવતાં કોંગ્રેસની છાવણીમાં સોપો પડી ગયો છે.

રાજકોટમાં મોહન કુંડારીયા 3.68 લાખની લીડથી જીત્યા

સૌરાષ્ટ્રની સાત બેઠકમાંથી રાજકોટ બેઠકની વાત કરીએ તો મોહનભાઈ કુંડારીયાએ સૌથી વધારે ઐતિહાસિક લીડ મેળવી હતી. મોહનભાઈ કુંડારીયાને 7,58,645 મત મળ્યા છે જ્યારે કેંગ્રેસના હરીફ ઉમેદવાર લલિતભાઈ કગથરાને 3,90,238 મત મળ્યા છે. એ હિસાબે મોહનભાઈ કુંડારીયા 3,68,407ની જંગી સરસાઈથી વિજેતા બન્યા છે. લલિતભાઈ કગથરાના મોટા પુત્ર વિશાલનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેમના શોકમાં રાજકોટ ભાજપના આગેવાનો, કાર્યકરો દ્વારા વિજયોત્સવ મનાવાયો નહોતો. રાજકોટ આમ પણ પહેલેથી ભાજપનો ગઢ મનાય છે એટલે અહીં ભાજપની જીત અપેક્ષિત હતી.

જામનગરમાં પૂનમ માડમે વિક્રમી સરસાઇથી વિજય હાંસલ કર્યો

રાજકોટની જેમ જામનગર બેઠક પણ ભાજપની જીત માટે અપેક્ષિત હતી. 2014ની ચૂંટણીમાં અત્યાર સુધીના જામનગરના ઈતિહાસમાં પૂનમબેન માડમે 1,75,289 મતોની સરસાઈ મેળવી વિક્રમ સ્થાપ્યો હતો. 2019ની આ ચૂંટણીમાં તેમણે પોતાનો જ આ વિક્રમ તોડીને 2,33,681 મતોની સરસાઈ મેળવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે. જામનગરમાં પૂનમબેન માડમને 5,86,357 મત અને મૂળુભાઈ કંડોરિયાને 3,52,676 મત મળ્યા હતા.

ભાવનગરમાં ડો.ભારતી શિયાળ વિજયી નિવડ્યા

ભાવનગર બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે પણ આ વખતે કોળી અને પાટીદાર ઉમેદવારો હતા એટલે ચૂંટણી જંગ જોરદાર મનાતો હતો છતાં ભાવનગરમાં પણ અપેક્ષિત પરિણામ જ આવ્યું છે અને ભાજપના ઉમેદવાર ડૉ.ભારતીબેન શિયાળનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના મનહર પટેલનો પરાજય થયો છે.

પોરબંદરમાં રમેશ ધડૂકનો આસાન વિજય

પોરબંદર બેઠક વિવાદિત બેઠક મનાય છે. આ વખતે અનુભવી ધારાસભ્ય લલિત વસોયા સામે ભાજપના નવા ચહેરા રમેશ ધડૂકને આ બેઠક કેવી રીતે ફળશે ? તેના તારણો કાઢવામાં આવતા હતા પણ અંતે આજે આ બેઠકના પરિણામો સામે આવતાં ભાજપના રમેશ ધડૂકનો વિજય થયો છે. જો કે, રમેશભાઈના વિજય પાછળ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને જેતપુરના ધારાસભ્ય તથા કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની મહેનતે પણ ભૂમિકા ભજવી છે.

સુરેન્દ્રનગર અને અમરેલીમાં કોંગ્રેસને આશા હતી પણ એ ધૂળધાણી થઇ ગઇ

સૌરાષ્ટ્રની જે બે બેઠકો ઉપર કોંગ્રેસને ભારોભાર અપેક્ષા હતી તે સુરેન્દ્રનગર અને અમરેલીમાં પણ ભાજપના જ ઉમેદવારો વિજેતા બન્યા છે અને કોંગ્રેસની આ ચપટીક આશા ઉપર પણ પાણી ફરી વળ્યું છે. અમરેલીની વાત કરીએ તો આ બેઠક ઉપર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી લડી રહ્યા હતા. પરેશ ધાનાણીની’ યુવા લડાયક નેતાની છાપ અને તેની સામે ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા પ્રત્યે આંતરિક નારાજગી કોંગ્રેસને બેઠક અપાવશે તેમ મનાતું હતું. આ બેઠક માટે રાહુલ ગાંધીએ સભા કરી ત્યારે પણ ધૂમ તડકે મેદની ઉમેટી હતી, એ જોતાં અમરેલી બેઠક ભાજપના હાથમાંથી સરકતી નજરે આવતી હતી.

 

સુરેન્દ્રનગરમાં ગયા વખતે ભાજપના ઉમેદવાર દેવજી ફતેપરા વિજેતા થયા હતા. આ વખતે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી ત્યારે દેવજી ફતેપરાના બદલે હૃદયરોગના નિષ્ણાત ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને ભાજપે ટિકિટ આપતાં આશ્ચર્ય સર્જાયું હતું અને દેવજીભાઈ નારાજ થયા હતા. એવી રીતે કોંગ્રેસ લાલજીભાઈ મેરના બદલે કદાવર નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપતાં લાલજીભાઈ નારાજ હતા અને તેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું. તેના કારણે આ બેઠકનો જંગ રસપ્રદ બની રહ્યો હતો. આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો મેદાનમાં હતા. સુરેન્દ્રનગર બેઠક માટે વડાપ્રધાન મોદીએ સભા પણ ગજવી હતી. અંતે આજે આ બેઠક ઉપર મોદી લહેર ચાલી ગઈ હતી અને ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો.

સૌરાષ્ટ્રની લોકસભાની સાત બેઠક ઉપરાંત વિધાનસભાની ત્રણ બેઠકની પેટા ચૂંટણી હતી. જેમાં જામનગર ગ્રામ્ય, ધ્રાંગધ્રા અને માણાવદર એ ત્રણેય બેઠક ઉપર ભાજપના વિજય વાવટા ફરક્યા છે. માણાવદરના કેંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાઈને મંત્રી બની ગયા બાદ આ ચૂંટણી થઈ હતી અને તેમાં તેમનો વિજય થયો હતો. જ્યારે ધ્રાંગધ્રાના ધારાસભ્ય પુરુષોત્તમ સાબરીયા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. તે ભાજપ તરફથી લડયા હતા અને વિજેતા બન્યા હતા.

એવી રીતે જામનગર ગ્રામ્યના કોંગ્રેસી ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયા ભાજપમાં જોડાયા હતા અને આ બેઠક ખાલી પડી હતી. આ બેઠક ઉપર ભાજપ તરફથી રાઘવજીભાઈ પટેલ અને કેંગ્રેસના જેન્તી સભાયા વચ્ચે જંગ હતો જેમાં ભાજપના રાઘવજીભાઈની જીત થઈ હતી. આમ, સૌરાષ્ટ્રની ત્રણેય વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેસરીયો છવાયો હતો.

May 23, 2019
bjp_logo.png
1min7590

ગુજરાતમાં 26એ 26 તમામ બેઠકો પર ફરી એકવાર ભાજપાના ઉમેદવારોના ભવ્ય વિજયના વિશ્વાસ સાથે ગુજરાત પ્રદેશ ભાજપે ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજય સરઘસની તમામ તૈયારીઓ સાથે જશ્ન શરૂ કરી દીધો છે. બુધવારે જ કમલમ ખાતે ખૂબ જ વિશાળ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. મોડી સાંજથી વિશાળ વિજય સરઘસ કાઢવામાં આવશે.

જીતના નક્કી થતાની સાથે ભાજપે ભવ્ય ઉજવણી શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મિઠાઈ, ફુલ અને ફટાકડાના ફોડવામાં આવ્યા તેમજ મીઠાઇઓ વહેંચી દેવામાં આવી છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમથી માંડીને દરેક જિલ્લા, તાલુકાના ભાજપના મુખ્ય મથકો પર જીતની ઉજવણી કરવા માટે ભાજપ દ્વારા સ્થાનિક નેતાઓને સૂચનાઓ આપી દેવામાં આવી છે. ખાસ કરીને આ ઉજવણીમાં ભાજપના ધારાસભ્ય અને આગેવાનો દરેક બેઠક પર ઉજવણી સમયે હાજર રહે તે માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ભાજપના સીનિયર લીડર્સ કમલમ ખાતે રહેશે જ્યારે ઉમદેવારનો અને કાર્યકર્તાઓને તેમના મતવિસ્તારમાં રહેવા પાર્ટી તરફથી જણાવાયું છે. મહત્વનું છે કે મોટાભાગના એક્ઝિટ પોલમાં ગુજરાતમાં લગભગ તમામ બેઠકો ભાજપને મળતી હોવાનું અનુમાન સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ ગેલમાં છે તો બીજી તરફ કોંગ્રેસ ખેમામાં નિરવ શાંતિ છવાઈ ગઈ છે.

ઉજવણીની તૈયારીઓ અંગે વાત કરતા ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ અમારા સહયોગી અમદાવાદ મિરરને કહ્યું કે, ‘પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા મળેલા ફીડબેક પછી અમે ગુજરાતમાં ફરી એકવાર ભવ્ય જીત માટે તૈયાર છીએ. પક્ષના વરિષ્ઠ નેતાઓ પક્ષ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતના નેતાઓ કમલમ ખાતે આ ઐતિહાસિક જીતના સાક્ષી બનાવા માટે ઉપસ્થિત રહેશે.’ તેમણે વધુમાં કહ્યું કે ભવ્ય વિજય સરઘસ પણ કાઢવામાં આવશે જોકે હજુ તેના સ્થળ અને સમય અંગે નક્કી કરવામાં આવ્યું નથી.

May 22, 2019
talaja.gif
1min14520

તળાજા તાલુકાના તરસરા ગામે એક તરફ લગ્નનો મંડપ નખાતો હતો તે જ સમયે પાણી ભરવા જેવી બાબતે પરિવારો હથિયાર લઈને સામસામે આવી એકબીજા પર હુમલો કરતા એક મહિલા સહિત આઠ વ્યક્તિને નાની મોટી ઇજાઓ થઈ હતી જેમાં ગોરખી ગામનો એક યુવાન ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. બનાવના પગલે લોકો દોડી આવ્યા હતા. તરસરા ગામે લગ્નપ્રસંગનો માંડવો રોપાતો હતો ત્યારે ગોરખી ગામના લોકો સાથે પાણી મુદ્દે તકરાર થઈ હતી અને છૂટા હાથની મારામારી થઈ હતી જેમાં ગોરખી ગામે રહેતા ચેતન જીવનભાઈ ડોળશિયા, જીવણભાઈ ફાંફાભાઈ ડોળાશિયા અને તરસરા ગામના બીજલભાઈ દેવશીભાઈ પરમાર, અશોક બીજલ, ભટુર બોઘા, મધિબેન ઘુઘાભાઈ પરમાર, ઘુઘા બીજલ પરમાર, નરેશબાબુ પરમાર એમ બંને પરિવારોના કુલ 8 લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તળાજા હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. આ મારામારીમાં ગોરખી ગામના ચેતન ડોળાશિયા અર્ધબેભાન અને કાનમાંથી લોહી નીકળતું હોઈ હેમરેજની સંભાવના હોવાથી ભાવનગર બંને પિતા પુત્રને રીફર કર્યા હતા.