Alert Archives - Page 96 of 521 - CIA Live

October 30, 2022
cia_multi-1280x1045.jpg
1min4392

તાજેતરમાં ગુજરાત સરકારે સી.એન.જી. અને પી.એન.જી. ગેસ પર વસૂલાતા વેટના 15 ટકાના દરમાં 10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. સી.એન.જી. ગેસ પંપ ધારકોએ વાહનચાલકોને 5 ટકા વેટ સાથે ગેસ ફિલિંગ કરી આપવાનું શરૂ કરી દીધું છે પરંતુ, હજુ સુધી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ગેસ સપ્લાય કરતી કંપનીઓ) દ્વારા સીએનજી પંપ ધારકો પાસેથી 15 ટકાના દરે જ વેટ વસૂલવાનું ચાલુ રાખતા આખરે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના સીએનજી પંપ ધારકોએ તા.1લી નવેમ્બર 2022થી અચોક્કસ મુદત માટે હડતાળ પાડવાનું એલાન કર્યું છે. સીએનજી પંપ ધારકોની કમિશન વધારવા અંગેની માગણી ચારથી પાંચ વર્ષથી પેન્ડીંગ છે.

એક પત્રકાર પરિષદમાં સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર એસોસીએશનના પ્રમુખ સુરેશભાઇ દેસાઇ, સીએનજી એસોસીએશનના નિરજ મોદી સહિતના હોદ્દેદારોએ સંયુક્ત પણે જણાવ્યું હતું કે સીએનજી અને પીએનજી પર 10 ટકા વેટ ઘટાડા અંગેના રાજ્ય સરકારના નિર્ણય અંગે ગૂંચવાડાભરી સ્થિતિ જોવા મળી રહી છે. સરકારના આદેશ અનુસાર સીએનજી પંપ ધારકોએ તાત્કાલિક અસરથી સીએનજી પંપ પરથી વાહનોમાં ફિલિંગ કરી અપાતા ગેસ પર 5 ટકા પ્રમાણે વેટ વસૂલવાનું શરૂ કર્યું છે. પરંતુ, બીજી તરફ, સીએનજી પંપ ધારકોને ગેસ પુરવઠો પૂરો પાડી રહેલી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 15 ટકાના હિસાબે વેટ વસૂલવાનું જારી રાખ્યું છે. આવી સ્થિતિમાં સીએનજી પંપ ધારકોને 10 ટકા વેટની રકમની નુકસાની હાલ પ્રતિદિન ભોગવવાનો વખત આવ્યો છે. આ પ્રકારે ધંધો થઇ શકે નહીં આથી તા.1લી નવેમ્બર 2022થી સુરત અને તાપી જિલ્લામાં આવેલા તમામે તમામ સીએનજી ગેસ પંપો પરથી સીએનજી ગેસ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અચોક્કસ મુદત માટે સીએનજી પંપો પરથી ગેસ પુરવઠો નહીં મળે.

સીએનજીનો દર રૂ.43 હતો ત્યારે જે કમિશન મળતું તે આજે રૂ.83એ પણ યથાવત્

સુરત અને તાપી ડિસ્ટ્રીક્ટ પેટ્રોલ પંપ ડિલર્સ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે જ્યારે ગુજરાતમાં સીએનજી ગેસ પ્રતિ કિલોએ રૂ.43ના દરે વેચાતો હતો ત્યારે સીએનજી પંપ ધારકોને જે કમિશન મળતું હતું એ જ કમિશન આજે સીએનજીનો દર રૂ.83નો થયો છે ત્યારે પણ યથાવત છે. પંપ ધારકોના કમિશનમાં વધારાની માગણી છેક 2019થી પેન્ડીંગ છે. ઉલ્ટાનું કેન્દ્ર સરકારે વધારાનું કમિશન ચૂકવવાનો આદેશ આપ્યો છે છતાં કંપનીઓએ કરોડો રૂપિયાનું કમિશન જમા રાખ્યું છે અને પંપ ધારકોને ચૂકવતી નથી.

પંપ એસોસીએશનના હોદ્દેદારોએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની પાસેથી સીએનજી ગેસ સપ્લાય પર 5 ટકા વેટ વસૂલવાનું શરૂ નહીં થાય ત્યાં સુધી સીએનજીનું વેચાણ નહીં કરવામાં આવે.

October 30, 2022
nathdara.jpg
1min552
World's Tallest Lord Shiva Statue Vishwas Swaroopam Inauguration Today In  Rajasthan News In Hindi - Shiva Statue: विश्व की सबसे ऊंची शिव प्रतिमा  'विश्वास स्वरूपम्' का लोकार्पण समारोह आज से ...

નવી દિલ્હી : રાજસ્થાનનાં નામે આજે નવો વિક્રમ નોંધાઈ રહ્યો છે. રાજ્યના રાજસમંદ જિલ્લામાં આજે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ યોજાવાનું છે. રાજસમંદના નાથદ્વારામાં બનેલી આ શિવ પ્રતીમાની ઉંચાઈ ૩૬૯ ફીટ છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા બની રહેશે. તેનું નામ ‘વિશ્વાસ સ્વરૂપમ’ રાખવામાં આવ્યું છે.

આ પ્રતીમાનો લોકાર્પણ કાર્યક્રમ ૨૯ ઓક્ટો.થી ૬ નવે. સુધી ચાલશે. આ પ્રતીમાનાં નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. આ પ્રતિમા ‘સંત-કૃપા-સનાતન-સંસ્થાના’ દ્વારા તૈયાર કરાવાઈ છે.

આ સંસ્થાના ટ્રસ્ટી મદન પાલીવાલે આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે સવિસ્તાર માહિતી આપતા કહ્યું હતું કે, આ લોકાર્પણ યજ્ઞામાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને તે દરમિયાન મોરારી બાપુની ‘રામકથા’નું નવાન્હા-પારાયણ પણ યોજવામાં આવનાર છે.

આ પ્રતીમા શ્રધ્ધાળુઓ અને પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમ કહેતાં સંસ્થાના ટ્રસ્ટીઓ જણાવે છે કે નાથદ્વારાની ‘ગણેશ ટેકરી’ ઉપર આ રચાયેલી ૩૬૯ ફીટની આ પ્રતીમા ૫૧ વીઘા જમીનમાં સ્થાપિત કરાઈ છે. ધ્યાન-મુદ્રામાં બિરાજમાન ભગવાન શિવની આ પ્રતિમા ૨૦ કી.મી. દૂરથી દેખાશે. રાત્રીના સમયે પણ આ પ્રતીમા જોઈ શકાય તે માટે ખાસ લાઇટો ગોઠવવામાં આવી છે.

આ પ્રતીમા વિશ્વની એક માત્ર મૂર્તિ બની રહેશે કે જેમાં લીફ્ટ અને સીડીઓ તથા શ્રધ્ધાળુઓ માટેનો હોલ પણ હશે. પ્રતીમાના સૌથી ઊંચા ભાગ સુધી પહોંચવા ૪ લિફ્ટ અને ૩ સીડીઓ બનાવાઈ છે. પ્રતીમા નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. તે માટે ૩૦૦૦ ટન સ્ટીલ અને લોખંડ તથા અઢી લાખ ક્યુબિકરન સીમેન્ટ, ક્રોંકીટનો ઉપયોગ કરાયો છે.

આ મૂર્તિ ૨૫૦ વર્ષની સ્થિરતાને લક્ષ્યમાં રાખી બનાવવામાં આવી છે. તે કલાકે ૨૫૦ કીલોમીટરની ઝડપે ફૂંકાતા પવનના સૂસવાટા સામે પણ ટક્કર લઈ શકે તેવી છે. આ પ્રતિમાની ડીઝાઈનનો વીન્ડ-ટનલ-ટેસ્ટ (ઉંચાઈ પર ફૂંકાતી હવાનું પરીક્ષણ) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. વરસાદ અને તડકાથી તેનું રક્ષણ કરવા માટે તેની ઉપર ઝિંકનું કોટિંગ અને તે પછી કોપરનો કલર કરવામાં આવ્યો છે.

અહીં શ્રધ્ધાળુઓ અને વિદેશી પર્યટકોનાં પણ મનોરંજન માટે ‘બંજી-જમ્પીંગ’ બનાવાઈ છે. ઋષિકેશ પછી આ સૌથી મોટી ‘બંજી-જંપીંગ’ બની રહેશે. તે સાથે ફૂટ-કોર્ટ, ગેઈન ઝોન, ઝીપ-લાઇન, ગો-કાર્ટિંગ, એડવેન્ચર-પાર્ક તથા જંગલ-કાફેનું પણ નિર્માણ કરાયું છે.

આ ઉપરાંત લાઇટ અને સાઉન્ડનો ‘૩-ડી’ ઉપયોગ કરી શિવ-સ્તુતિનું પ્રસારણ થશે. જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ પ્રતીમાની સુરક્ષા માટે પૂરૂં ધ્યાન રખાયું છે. ફાયર સેફ્ટી સાધનો તૈનાત રહેશે. તેમને માટે પાણીનું તળાવ પણ બનાવાયું છે. આ ઉપરાંત ‘ગોલ્ફ-લિંકસ’ પણ બનાવાઈ છે. આ સર્વેની સુરક્ષા માટે ખૂબ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ રાત-દિવસ તૈનાત રહેશે.

October 30, 2022
india-vs-sa-t20.png
1min512

 વિશ્વકપમાં ગુરૂવારે ભારતીય ટીમે નેધરલેન્ડને 56 રને હરાવ્યું હતું. ટુર્નામેન્ટમાં આ ટીમ ઈન્ડિયાની સતત બીજી જીત છે. આ પહેલા મેલબર્નમાં રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. અત્યારે ટીમ ઈન્ડિયાના બે મેચમાં ચાર પોઈન્ટ છે અને ગ્રુપ બેમાં ટોપ ઉપર છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે. દક્ષિણ આફ્રિકાએ ગુરૂવારે બંગલાદેશ સામે મોટી જીત નોંધાવી હતી. જો કે દક્ષિણ આફ્રિકાનો પહેલો મેચ ઝિમ્બાબ્વે સામે હતો જે ધોવાઈ ગયો હતો. જેના કારણે બે મેચમાં ત્રણ પોઈન્ટ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમના ત્રણ પોઈન્ટ છે. હવે આવતીકાલે દક્ષિણ આફ્રિકાની ટીમ અને ભારતીય ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મેચ ભારતીય સમયઅનુસાર 4.30 વાગ્યે શરૂ થશે. ટી20 વિશ્વકપનો આ 30મો મેચ હશે. જેમાં ભારતીય ટીમ પર્થમાં પોતાનો પહેલો મેચ રમશે. જો ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવવામાં સફળ રહેશે તો ગ્રુપ બેમાં ટોચ ઉપર યથાવત રહેશે. બીજી તરફ જો દક્ષિણ આફ્રિકાની ટીમ જીતી જશે તો તે ટોચ ઉચપર પહોંચી જશે. અત્યારે ઝિમ્બાબ્વે અને દક્ષિણ આફ્રિકા બન્નેના ત્રણ ત્રણ પોઈન્ટ છે. જો કે સારી રનરેટના કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ બીજા ક્રમાંકે છે.

પર્થમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેના મેચમાં વરસાદની સંભાવના નથી. એટલે કે મેચ કોઈપણ અડચણ વિના 40 ઓવરનો રમાશે અને ક્રિકેટ ચાહકો એક રોમાંચક મેચની મજા માણી શકશે.

ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો રોહિત શર્માના નેતૃત્વમાં પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે. પહેલા મેચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું અને નેધરલેન્ડ સામે 56 રને જીત મળી હતી. તેવામાં દક્ષિણ આફ્રિકા સામે કાબુ મેળવવો ભારતીય ટીમ સામે મુશ્કેલ રહેશે નહી. જો કે દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે સારુ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ભારતીય ટીમ સાવધાન રહેવું પડશે.’

પર્થની વિકેટ ઝડપી બોલર માટે સૌથી અનુકુળ માનવામાં આવે છે. પર્થ દુનિયાની સૌથી ઝડપી પીચ છે.
જેના કારણે બેટરોને પરેશાની થઈ શકે છે. આ જ કારણથી ભારતે ટી20 વિશ્વકપની તૈયારી પર્થમાં જ કરી હતી. ભારતીય ટીમ વિશ્વકપ શરૂ થયાના એક અઠવાડીયા સુધી પર્થમાં રહી હતી અને પ્રેક્ટિસ કરી હતી. તેમજ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બે અભ્યાસ મેચ પણ રમ્યા હતા. તેવામા આ પ્રેક્ટિસ કેટલી કારગર સાબિત થાય છે તે દક્ષિણ આફ્રિકા સામે રવિવારના મુકાબલામાં જોવા મળશે.

October 30, 2022
PM_Modi.jpg
1min461

ગુજરાતના જે વિસ્તારોમાં ભાજપ ક્યાંય નબળો જણાઈ રહ્યો હોય એવા વિસ્તારોમાં પીએમ મોદી રેલી અને સભાઓ યોજીને માહોલ ભાજપ તરફી કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરી રહ્યાં છે. એના જ ભાગરૂપે વડાપ્રધાન મોદી તા.30 ઓક્ટોબરથી 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબરે બપોરે વડોદરામાં રોડ શો કર્યા બાદ લેપ્રસી ગ્રાઉન્ડ પહોંચશે અને ત્યાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓને સંબોધન કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતમાં રક્ષા ક્ષેત્રે કરોડોના રોકાણની જાહેરાત પણ કરશે. વડોદરાના કાર્યક્રમ બાદ તેઓ કેવડિયા રવાના થશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે.” વડાપ્રધાન મોદી 31 ઓક્ટોબરે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલને નમન કરી કેવડિયા માં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે.
કેવડિયાથી વડોદરા એરપોર્ટ અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમદાવાદથી થરાદ જવા રવાના થશે. થરાદમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જનસભાને સંબોધન બાદ વડાપ્રધાન અમદાવાદ પરત ફરશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન મોદી 1 નવેમ્બરે સવારે સચિવાલયથી માનગઢ જવા રવાના થશે. માનગઢમા’ જનસભાને સંબોધન કરશે. માનગઢ થી વડાપ્રધાન બપોરે જાંબુઘોડા પહોંચશે જ્યાં નવી મેડિકલ’ કોલેજ સહિતના કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. જંગી જનસભાને વડાપ્રધાન સંબોધન કરશે. જાંબુઘોડાથી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે.

ગાંધીનગર મહાત્મા મંદિરથી ભાજપના કાર્યકરોને વર્ચ્યુઅલ સંબોધન કરશે. તમામ 182 વિધાનસભા બેઠકો પર ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમને વડાપ્રધાન સંબોધશે. સ્નેહમિલન કાર્યક્રમ બાદ રાત્રે વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના થશે.

October 30, 2022
South_Korea_Halloween_Crowd_Surge.jpg
1min543

દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં શનિવારે Date 29/10/22 એક લોકપ્રિય નાઈટ સ્પોટ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા બાદ સર્જાયેલી ભાગદોડને પગલે અનેક લોકોને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો. રાષ્ટ્રપતિ યૂન સુક-યૂલે આ અંગે યોંગસાન ગૂ જીલ્લામાં આપદા ટીમને મદદ કરવા માટે આદેશ આપ્યા છે. ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલોવીન પ્રસંગે આ ઘટના બાદ ભારે ભીડની સ્થિતિમાં ભાગદોડ સર્જાઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 100 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે આ ઘટનામાં ઓછામાં ઓછા 155 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.

હેલોવીનની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એક સાંકડા માર્ગ પર એકત્રિત થયા હતા. ઓચિંતા જ સર્જાયેલી ભાગદોડની સ્થિતિમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. જેને પગલે આશરે 100 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાષ્ટ્રીય ફાયરબ્રિગેડ એજન્સીના એક અધિકારી ચોઈ ચેઓન સિકે કહ્યું કે ઈટાવન લીઝર જિલ્લામાં કેટલી સંખ્યામાં લોકોને હૃદય સંબંધિત બીમારી સર્જાઈ હતી તે અંગે ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. જોકે આ સંખ્યા કેટલાક ડઝનમાં હોઈ શકે છે. આ ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પોલીસ વ્યાપક પ્રમાણમાં તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈટાવોનના માર્ગો પર નોંધાયેલ લોકોને CPR આપવામાં આવી રહ્યા છે ,જ્યારે અનેક લોકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલે પીડિતોને તાત્કાલિક સારવાર કરાવવા અને ઉત્સવ સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવા કહ્યું છે.

October 28, 2022
Elon-Musk-Twitter.jpg
1min532

Tesla કંપનીના CEO ઈલોન મસ્ક આખરે સંપૂર્ણપણે Social Media Platform Twitter ટ્વિટરના માલિક બની ગયા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરનો કંટ્રોલ હવે તેમના હાથમાં છે. અને ઈલોન મસ્ક એક્શન મોડમાં આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. તેમણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 3 ટોચના અધિકારીઓની હકાલપટ્ટી કરી છે. ટ્વિટર હેડ ક્વાર્ટરની પણ તેમણે મુલાકાત લીધી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ઈલોન મસ્કની ડીલ ક્લોઝ થઈ ત્યારે પરાગ અગ્રવાલ અને નેડ સેગલ સેન ફ્રાન્સિસ્કો ખાતે હેડક્વાર્ટર્સમાં જ હાજર હતા, પરંતુ પછી તેમને ત્યાંથી બહાર મોકલવામાં આવ્યા હતા. ઈલોન મસ્કનો આરોપ છે કે, આ લોકોએ તેમને અને અન્ય રોકાણકારોને ગેરમાર્ગે દોર્યા હતા. હજી સુધી આ છટણી બાબતે ઈલોન મસ્ક, પરાગ અગ્રાવલ તેમજ અન્ય બે અધિકારીઓએ કોઈ ટિપ્પણી નથી કરી.

ઈલોન મસ્કના આ પગલાથી ટ્વિટરના કર્મચારીઓમાં ચર્ચા શરુ થઈ ગઈ હતી. જો કે, ઈલોન મસ્ક તરફથી ટ્વિટરના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે તે 75 ટકા કર્મચારીઓની છટણી નહીં કરે. ઉલ્લેખનીય છે કે એવી અટકળો શરુ થઈ હતી કે ઈલોન મસ્ક 75 ટકા અથવા 5600 જેટલા કર્મચારીઓને નીકાળી દેશે. રિપોર્ટ અનુસાર, ઈલોન મસ્કે બધુવારે મોડી રાતે ટ્વિટરના હેડ ક્વાર્ટરની મુલાકાત લીધી હતી અને કર્મચારીઓને સ્પષ્ટ કરી દીધુ હતું કે તે આટલા બધા લોકોને નોકરી પરથી નહીં નીકાળે.

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Twitter Incના સંપૂર્ણ માલિક બની ગયા છે. અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર ટ્વિટરની ડીલ થઈ ગયા પછી તેઓ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે કંપનીના ભારતીય મૂળના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ બે અન્ય ઉચ્ચ અધિકારીઓને છૂટા કરી દીધા છે. આ બે અધિકારીઓમાં કંપનીના પોલિસી હેડ વિજયા ગાડ્ડે અને ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલ પણ સામેલ છે. આ સાથે જ પાછલા ઘણાં મહિનાઓથી ઈલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવા માટે 44 અબજ ડોલરની ઓફર આપી હતી. પરંતુ ત્યારપછી તે પોતાની વાત પરથી ફરી ગયા હતા. ત્યારપછી ટ્વિટરે ઈલોન મસ્કને કોર્ટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. જો શુક્રવાર સુધી ઈલોન મસ્ક આ ડીલને આગળ ના વધારતા તો કોર્ટમાં સુનાવણી શરુ થવાની હતી. ટેસ્લાના CEO ઈલોન મસ્કે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી ડેડલાઈન પહેલા જ માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ પોતાના હાથમાં લઈ લીધું છે.

October 28, 2022
zim-beat-pak.png
1min533

ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં બુધવારે date 27/10/22 મોટો અપસેટ સર્જાયો છે. ઝિમ્બાબ્વેની ટીમે પાકિસ્તાન સામે રોમાંચક વિજય નોંધાવ્યો છે. ઝિમ્બાબ્વેએ લાજવાબ પ્રદર્શન કરતાં પાકિસ્તાન સામે એક રને વિજય નોંધાવ્યો છે.

પર્થ ખાતે રમાયેલી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. સારી શરૂઆત બાદ અંતિમ ઓવર્સમાં ઝિમ્બાબ્વેનો ધબડકો થયો હતો. તેમ છતાં ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં 8 વિકેટે 130 રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 129 રન જ નોંધાવી શકી હતી. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો આ સળંગ બીજો પરાજય છે. પાકિસ્તાનને અગાઉ ભારત સામે પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારત સામેની મેચનું પરિણામ પણ અંતિમ બોલ પર આવ્યું હતું.

ઝિમ્બાબ્વેની બેટિંગ થોડી પ્રભાવશાળી રહી હતી. તેની શરૂઆત સારી રહી હતી. માધેવેરે અને સુકાની ક્રેગ ઈરવિનની ઓપનિંગ જોડીએ પાંચ ઓવરમાં 42 રનનો સ્કોર નોંધાવ્યો હતો. માધેવેરેએ 17 અને ઈરવિને 19 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે મિલ્ટન શુમ્બાએ 8 રનનું યોગદાન આપ્યું હતું. ઝિમ્બાબ્વે માટે સૌથી વધુ રન સીન વિલિયમ્સે નોંધાવ્યા હતા. સીન વિલિયમ્સે 28 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. જ્યારે અંતિમ ઓવર્સમાં બ્રાડ ઈવાન્સે 15 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન માટે મોહમ્મદ વસિમે ચાર તથા શાદાબ ખાને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે હેરિસ રૌફને એક સફળતા મળી હતી.

131 રનના સ્કોર સામે પાકિસ્તાનના બેટર્સ વધારે કમાલ કરી શક્યા ન હતા. ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. જેના પરિણામે અંતિમ બોલ સુધી મેચ રોમાંચક રહી હતી. પાકિસ્તાનના સ્ટાર બેટર્સ મોહમ્મદ રિઝવાન અને કેપ્ટન બાબર આઝમ નિષ્ફળ રહ્યા હતા. રિઝવાન 14 અને બાબર આઝમ ચાર રન નોંધાવીને આઉટ થયા હતા. પાકિસ્તાન માટે શાન મસૂદે 38 બોલમાં 44 રન ફટકાર્યા હતા પરંતુ તેની ઈનિંગ્સ એળે ગઈ હતી. મોહમ્મદ નવાઝે 22 રન ફટકાર્યા હતા પરંતુ ટીમને વિજય અપાવી શક્યો ન હતો. ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝાએ ત્રણ તથા બ્રાડ ઈવાન્સે બે વિકેટ ઝડપી હતી. જ્યારે બ્રેસિંગ મુઝારાબાની અને લ્યુક જોંગ્વેને એક-એક સફળતા મળી હતી.

October 26, 2022
biden.jpg
1min535
Honoured": Joe Biden Hosts White House's Biggest-Ever Diwali Celebration

એક સમયે માત્ર ભારત સુધી મર્યાદિત દિવાળીની ઊજવણી હવે ગ્લોબલ ફેસ્ટીવલ બની ગઇ છે. વૈશ્વિક સ્તરે ભારતીયોનો દબદબો વધવાની સાથે હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઊજવણી પણ ભવ્ય બની છે. ઓસ્ટ્રેલિયાથી લઈને અમેરિકા સુધીના દેશોમાં હિન્દુઓ સહિત લોકોએ ધામધૂમથી દિવાળી ઊજવી હતી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીની સૌથી મોટી ઊજવણી કરી હતી. અમેરિકામાં આગામી વર્ષથી દિવાળીના દિવસનો જાહેર રજામાં સમાવેશ કરાયો છે. આ વૈશ્વિક સ્તરે ભારતીયોનો વધતો પ્રભાવ દર્શાવે છે.

ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા સહિત અનેક દેશોએ દિવાળીની ઊજવણી કરી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને ભારતીય મૂળના લોકો સાથે વ્હાઈટ હાઉસમાં દિવાળી ઊજવી હતી. આ સમયે ફર્સ્ટ લેડી જિલ બાઈડેન, નાયબ પ્રમુખ કમલા હેરિસ સહિત ભારતીય મૂળના ૨૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. તેઓ પરંપરાગત ભારતીય પહેરવેશ શેરવાની, સાડીમાં પહોંચ્યા હતા અને આ રંગારંગ કાર્યક્રમમાં સિતારવાદક ઋષભ વર્માએ પરફોર્મ કર્યું હતું. કાર્યક્રમમાં મહેમાનોએ ભારતીય મીઠાઈઓનો સ્વાદ માણ્યો હતો. વ્હાઈટ હાઉસમાં સોમવારની રાતે દિવાળી પાર્ટીનું આયોજન કરાયું હતું. 

અમેરિકામાં જ્યોર્જ બુશ તંત્ર દ્વારા વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઊજવણી શરૂ કરાઈ હતી. ત્યાર પછી નવેમ્બર ૨૦૦૮માં તત્કાલિન અમેરિકન પ્રમુખ બરાક ઓબામા અને ભારતીય વડાપ્રધાન મનમોહન સિંહે પરમાણુ કરાર પર હસ્તાક્ષર કરતાં ભારત-અમેરિકાના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. આજે બંને દેશના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. 

બાઈડેને કહ્યું કે, દિવાળીના પ્રસંગે વ્હાઈટ હાઉસમાં પહેલી વખત આટલા મોટા પાયે રિસેપ્શન થયું છે. અમારી સરકારમા ંઅગાઉની સરકારોની સરખામણીમાં વધુ એશિયન-અમેરિકનોનો સમાવેશ છે. દિવાળીના શાનદાર આયોજનને અમેરિકન સંસ્કૃતિનો ભાગ બનાવવા માટે બધાનો આભાર.

બાઈડેને વધુમાં કહ્યું, દિવાળીના પ્રસંગે હું દુનિયાના ૧૦૦ કરોડથી વધુ હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ ધર્મના લોકોને શુભેચ્છા પાઠવું છું. અત્યારે અમેરિકન સરકારમાં અલગ અલગ સંસ્કૃતિઓ સમાવિષ્ટ છે. ઉપપ્રમુખ કમલા હેરિસ આ પદે પહોંચનારાં પહેલાં અશ્વેત મહિલા છે. જિલ બાઈડને પણ એશિયન અમેરિકન સમાજના લોકોની પ્રશંસા કરતા કહ્યું કે, આ સમુદાયના લોકોએ અમેરિકાને આગળ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અમેરિકન ઉપપ્રમુખ કમલા હેરિસે કહ્યું કે, વ્હાઈટ હાઉસ સામાન્ય લોકોનું ઘર છે. અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેને આ ઘરનું વાતાવરણ એવું બનાવ્યું છે કે અમેરિકાનો કોઈપણ નાગરિક પોતાની સંસ્કૃતિ અને તહેવારોની અહીં ઊજવણી કરી શકે છે.

દરમિયાન હિન્દુઓને દિવાળીની ઊજવણીની શુભેચ્છા પાઠવવામાં ઓસ્ટ્રેલિયાથી અમેરિકા સુધીના કોઈ દેશ પાછળ નથી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સહિત વિશ્વના અનેક નેતાઓએ દુનિયાભરમાં દિવાળીનો તહેવાર ઊજવનારા બધા જ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થનિ અલ્બનીસે કહ્યું હતું કે, આ દિવાળી તમારા અને તમારા પ્રિયજનો માટે દરેક ખુશીઓ અને શાંતિ લઈ આવે. સાથે જ ઓસ્ટ્રેલિયામાં સિડની ઓપેરા હાઉસ પણ ટી-૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ ભારતના વિજય પછી દિવાળી પ્રસંગે ઝગમગી ઊઠયું હતું.

આ સિવાય પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પાકિસ્તાન અને દુનિયાભરના હિન્દુ સમુદાયને દિવાળી પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ટ્વીટ કરી, દિવાળી, પ્રકાશના તહેવાર પર પાકિસ્તાન અને દુનિયાના હિન્દુ સમુદાયને શુભેચ્છાઓ. આ દિવસ આપણી દુનિયામાં શાંતિ, ખુશી અને સદ્ભાવ લાવે. વિશ્વના અનેક નેતાઓએ દિવાળી પર શુભેચ્છાઓ પાઠવી. .

બાઈડેને મંચ પર બાળકોને બોલાવી તેમને ‘પ્રકાશપુંજ’ ગણાવ્યા 

વ્હાઈટ હાઉસાં આ વર્ષના દિવાળી સમારંભમાં પ્રમુખ જો બાઈડેને મંચ પર બે બાળકોને બોલાવ્યા હતા અને તેમને પ્રકાશપુંજ તરીકે ઓળખાવ્યા હતા. પાછળથી વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે, આ બંને બાળકો સાંસદ રો ખન્નાના સંતાનો સોરેન અને ઝારા છે. જો બાઈડેને ભારતીય મૂળના લોકોને સંબોધન કરતી વખતે સાંસદ રો ખન્નાના સંતાનોને મંચ પર બોલાવ્યા હતા અને સવાલ કર્યો હતો કે, તમે મંચ પર આવી શકો? તેમણે એક સાથીને બાળકોને મંચ પર લાવવા કહ્યું. આ સાથે બાઈડેને કહ્યું કે, આ બાળકો પ્રકાશપુંજ સમાન છે.

October 25, 2022
cia_multi-1280x1045.jpg
1min863

તા.24મી ઓક્ટોબરને મંગળવારની મોડી રાત્રે, જ્યારે સમગ્ર શહેરમાં લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે સુરતની હવામાં પ્રદૂષણનું પ્રમાણમાં અનહેલ્ધી એટલે કે બિમાર પાડી દે તે હદે પહોંચી ચૂક્યું હતું. તા.24મી ઓક્ટોબરની રાત્રે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 296ના લેવલને પાર કરી ગયો હતો. એર ક્વોલિટી ઇન્ડેક્ષ એવું પરીમાણ છે કે જે હવાની ગુણુવત્તા સૂચવે છે.
સુરતના એર ક્વોલિટી ઇન્ડેક્ષ અંગે ભારતની ખ્યાતનામ સંસ્થાએ જારી કરેલા ડેટા મુજબ છેલ્લા સાત દિવસથી સતત સુરતનો એક્યુઆઇ (એર ક્વોલિટી ઇન્ડેક્ષ) ઉંચે જઇ રહ્યો છે. અને તેમાં પણ પીએમ 2.5 એટલે કે હવામાં સૂક્ષ્મ રજકણોનું પ્રમાણ અતિશય વધી ગયું હતું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા પ્રમાણ કરતા સુરતની હવામાં રજકણોનું પ્રમાણ 6 ગણું વધી ગયું હતું.

સુરતના વાતાવરણના છેલ્લા એક સપ્તાહના આંકડા, એર ક્વોલિટી ઇન્ડેક્ષ ગયા બુધવારે દૈનિક સરેરાશ ફક્ત 57 હતો જે તા.25મીએ દૈનિક સરેરાશ 145 થઇ ગયો હતો.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આદર્શ હવા માટે પી.એમ.2.5નું પ્રમાણ 15 સેટ કર્યું છે જેની સામે તા.24મીએ રાત્રે 9 વાગ્યાથી તા.25મીએ સવારે 10 વાગ્યા સુધીમાં સુરતમાં બે સ્થળોએથી ચકાસાયેલી સુરતની હવામાં પી.એમ.2.5નું પ્રમાણ 90 હતું. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સુરતમાં તા.25મી ઓક્ટોબરે સવારે સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષમાં એટલો ખરાબ હતો કે જેમાં શ્વાસ લેવાથી બિમારી થઇ શકે છે. આ એક જોખમી લેવલ છે.

તા.24મી ઓક્ટોબર 2022ને સોમવાર, દિવાળીની રાત્રેસ સુરતનો એર ક્વોલિટી ઇન્ડેક્ષનું હાઇએસ્ટ લેવલ 296 નોંધાયું છે

જાણકારો કહે છે કે એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચે જવા પાછળ ફટાકડાનું પ્રદૂષણ એકલું કારણભૂત નથી પરંતુ, ફટાકડા સાથે શિયાળો બેસી રહ્યો છે એટલે શુષ્ક વાતાવરણ પણ જવાબદાર મનાય છે. હવે સુરતમાં એક્યુઆઇ ઉંચે જતો જોવા મળશે.

સુરતમાં હવાની ગુણવત્તા અત્યંત નબળી બની છે, જેને ટેકનિકલ ભાષામાં પૂઅર કહેવાય છે. હવામાં અતિસૂક્ષ્મ રજકણોનું પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નિર્ધારિત કરેલા 15ના પ્રમાણ કરતા 6 ગણું વધારે એટલે કે 90 છે.
October 25, 2022
Solar-Eclipse-Surya-Grahan.jpg
1min499

આજે Date 25/10/22 ખંડગ્રાસ સૂર્યગ્રહણ થવાનું છે, જે 2022 વર્ષનું અંતિમ અને ભારતમાં દેખાનારું એકમાત્ર સૂર્યગ્રહણ છે. ગ્રહણ સ્પર્શ બપોરે 2.28 મિનિટે થશે. ગ્રહણ મધ્ય સાંજે 4.29 કલાકે અને ગ્રહણ મોક્ષ સાંજે 6.32 કલાકે થશે. સૂર્યગ્રહણએ ખગોળીય ઘટના છે, જેનું ધાર્મિક અને જ્યોતિષની દ્રષ્ટિએ ઘણું મહત્વ રહેલું છે. આ દિવસે સૂતક પાળવામાં આવે છે અને તેથી જ મંદિરોના દરવાજા પણ બંધ રહેશે તેમજ દર્શન અને આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે.

દિવાળી ટાણે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શન કરવા માટે લાખો ભક્તોની ભીડ ઉમટતી હોય છે. જો કે, આખો દિવસ મંદિર બંધ રહેવાનો છું. આજે સવારે 4.00 કલાકે આરતી કરવામાં આવી હતી અને 4.30 કલાકે મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે. પહેલા સાંજની આરતી 6.30 કલાકે થતી હતી પરંતુ સૂર્યગ્રહણના કારણે આજે 9.30 કલાકે કરવામાં આવશે. બેસતા વર્ષે સવારની આરતી 6 વાગ્યે કરવામાં આવશે અને આ દિવસે માતાને અન્નકૂટનો ભોગ પણ ધરાવવામાં આવશે.

દ્વારકાધીશનું મંદિર પણ આજે થોડા કલાકો માટે બંધ રહેવાનું છે. 7.30 વાગ્યે ઉત્પાથન દર્શન, સાંજે 7.30થી 11 વાગ્યા સુધી દર્શન, રાતે 11 વાગ્યે મંદિરના દ્વાર બંધ થઈ જશે. નૂતન વર્ષ પર સવારે 6 વાગ્યે મંગળા આરતી થશે અને બપોરે 1થી સાંજના છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે.

શામળાજી મંદિર આખો દિવસ ખુલ્લું રહેશે
મધ્યગુજરાતમાં આવેલું પવિત્ર તીર્થસ્થાન પાવાગઢ પણ સૂર્યગ્રહણના કારણે બંધ રહેશે. તો ભક્તો પોઈચામાં આવેલા નીલકંઠ ધામના દર્શન સૂર્યગ્રહણના સમયે પણ કરી શકશે. તો શામળાજી મંદિરમાં આરતી કે દર્શનના સમયમાં સૂર્યગ્રહણના કારણે કોઈ જ ફેરફાર નહીં કરવામાં આવે તેમ મેનેજર કનુભાઈએ જણાવ્યું હતું. જણાવી દઈએ કે, ભારત સિવાય આ ગ્રહણ મોટાભાગે યુરોપ, મધ્ય પૂર્વ એશિયા અને ઉત્તર આફ્રિકા, પશ્ચિમ એશિયા અને ઉત્તર હિંદ મહાસાગરમાં જોવા મળશે.