CIA ALERT

Alert Archives - Page 518 of 521 - CIA Live

June 24, 2018
zimfe.jpg
1min14670

ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો ખાતે તા.23મી જુને થયેલા એક બોંબ વિસ્ફોટથી વ્હેંત છેટા રહીને બચી જવા પામ્યા હતા. ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટ મ્નન્ગાગ્વા બુલાવાયો શહેરના સિટી સ્ટેડીયમ ખાતે એક રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે અચાનક જ બોંબ વિસ્ફોટ થતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે પ્રેસિડેન્ટની રેલીમાં વિસ્ફોટ થયાની બીજી મિનિટે લેવાયેલી તસ્વીર

ઝિંબાબ્વેના બુલાવાયો શહેર ખાતે બોંબ વિસ્ફોટ બાદ રેડક્રોસ સોસાયટીએ ત્વરિત બચાવ રાહતની કામગીરી શરૂ કરી દીધી હતી

બોંબ વિસ્ફોટ ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટની બેઠકથી થોડા ઇંચ પર જ થયો હતો. વિસ્ફોટ અંગે ઝિંબાબ્વેના પ્રેસિડેન્ટએ ટ્વીટર પર પણ જાણકારી આપીને તેમને ઉગારી લેવા બદલ પ્રભુનો પાડ માન્યો હતો.

June 24, 2018
wifi_calling1.jpg
1min13640

જયેશ બ્રહ્મભટ્ટ

ગ્રાહક વાઇ-ફાઇ પરથી વોઇસ કોલ કરે ત્યારે ટેલિકોમ કંપનીઓને એકબીજાના ડેટા નેટવર્કનો ઉપયોગ કરવાની પણ ડોટ ઓથોરિટીએ મંજૂરી આપી છે. થર્ડ પાર્ટી કંપનીઓને પણ લાઇસન્સ મેળવીને સર્વિસ પૂરી પાડવાની મંજૂરી આપવામાં આવી હોવાથી નજીકના ભવિષ્યમાં જ મોબાઇલ યુઝર્સ કે અન્ય કોઇપણ ભારતમાં તેમના લોકેશનથી નજીક વાઇ-ફાઇ નેટવર્ક પરથી વોઇસ કોલ કરી શક્શે. નબળી કોલ કનેક્ટિવિટી ધરાવતા વિસ્તારોમાં આ સેવા ઉપયોગી સાબિત થશે.

ગઇ તા.21મી જૂનના રોજ  ટેલિકોમ વિભાગે લાઇસન્સની શરતોમાં સુધારો કર્યો હતો અને ટેલિકોમ કંપનીઓને સેલ્યુલર મોબાઇલ સર્વિસ અને ઇન્ટરનેટ ટેલિફોની સર્વિસ એમ બંને માટે એક મોબાઇલ નંબર ફાળવવા મંજૂરી આપવાનો નિર્ણય કર્યો હતો. આના કારણે ટેલિકોમ કંપનીઓ નજીકના ભવિષ્યમાં સેલ્યુર સિગ્નલ ન હોય તો પણ વાઇ-ફાઇ સર્વિસ પરથી વોઇસ કોલની સુવિધા પૂરી પાડી શકશે.

આ સેવાને કારણે મોબાઇલ યુઝર નજીકના પબ્લિક વાઇ-ફાઇ નેટવર્કનો ઉપયોગ કરીને સામે છેડાના મોબાઇલ કે લેન્ડલાઇન પર ઇન્ટરનેટ કોલ કરી શકશે. ડોટે એક નોટિસમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેટ ટેલિફોની સેવા માટે લાઇસન્સધારકે સમયાંતરે સુધારવામાં આવનારા લાઇસન્સ નિયમોનું પાલન કરવાનું રહેશે. તેણે તમામ ઇન્ટરસેપ્શન અને મોનિટરિંગ સંબંધિત જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે.

ભારતી એરટેલ, વોડાફોન ઇન્ડિયા, આઇડિયા અને રિલાયન્સ જીઓનું પ્રતિનિધિત્વ કરતા સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યુઝે જણાવ્યું હતું કે, આ હિલચાલની અસર ગ્રાહક અને ઓપરેટર્સ પ્રમાણે અલગ અલગ રહેશે. ગ્રાહક અને ઓપરેટરે તેની અસર વ્યક્તિગત રીતે મૂલવવાની રહેશે. જેમ કે ગ્રાહક પાસે વોઇસ પ્લાન હોય તો તેને લાભ થશે કારણ કે તેને નીચા ખર્ચ પ્લાનનો લાભ થશે પણ જે ગ્રાહક ડેટા પ્લાનનો ઉપયોગ કરતો હોય તેને આ વિકલ્પથી કોઈ ફેર નહીં પડે.

અગાઉ એવા અહેવાલો પ્રકાશિત થઇ ચૂક્યા છે કે  જીઓ, આઇડિયા અને એરટેલ સહિતની કંપનીઓ વાઇ-ફાઇ રૂટ પર વોઇસ ઓવર સેવા માટે છૂપી રીતે તૈયારી કરી રહી છે. આવી સેવા 4G VoLTE ડિવાઇસ પર તરત જ કામ કરી શકશે. જીઓએ આંતરિક રીતે આ સેવાનું સફળ પરીક્ષણ કર્યું હોવાનું મનાય છે.

June 24, 2018
ewayfeature.jpg
1min18200

વડાપ્રધાન મોદીએ હજુ 20 દિવસ પહેલા જ એક્સપ્રેસ-વે ખુલ્લો મૂક્યો હતો

વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ચોર-લૂંટારાઓની નજર લાગી ગઈ છે. સ્થિતિ એ છે કે વડાપ્રધાને ઉદ્‌ઘાટન કર્યું તેના ૨૦ દિવસમાં જ તસ્કરોએ લગભગ અઢી કરોડની કિંમતનું સ્ટ્રીટ ફર્નિચર ચોરી ગયા છે. તસ્કરો જેના પર હાથફેરો કર્યો છે તેમાં સોલાર પેનલ હોય કે ફુવારા, એક્સપ્રેસ વેની વાડ હોય કે સાજસજ્જાનો સામાન એમ બધું જ ચોર ઉપાડી ગયા છે.

(ચોરટાંઓ આવા સ્ટેન્ડ પર સ્થાપિત કરાયેલી સોલાર પેનલ જ ચોરી ગયા)

ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દેશનો પ્રથમ સૌર ઊર્જા સંચાલિત ૧૩૫ કિમી લાંબા હાઈવે પર લગભગ ૪૦૦૦ કિલોવોટની સૌર ઊર્જાથી ઝગમગી રહ્યો હતો પણ ચોરટાંઓ આ સોલાર પેનલ જ ઉખાડીને લઈ ગયા છે. ક્યાંકથી તેઓ કન્વર્ટર બેટરી જ ચોરી ગયા છે. બાગપતથી દાસના વચ્ચેના ૫૦ કિમીમાં ૨૫૦ સોલાર પેનલ લગાવાઈ હતી. તેમાંથી અડધાથી વધુ સોલાર પેનલની ચોરી થઈ ગઈ છે.

એક સોલાર પેનલની કિંમત દોઢ લાખ જેટલી છે. આ ઉપરાંત અંડરપાસમાં મરક્યુરી લાઈટની પણ ચોરી થઈ ગઈ છે. પ્લાસ્ટિકના પાઈપ કાપીને અનેક મીટર વીજળીના તાર પણ ચોરાઈ ગયા છે. ઈસ્ટર્ન પેરિફેરલની સુંદરતા વધારવા માટે લગભગ અંદાજે અર્ધા કરોડ રૂપિયાના આ ફુવારા લગાવાયા હતા. મોટા ભાગના ફુવારાઓ ચોરાઇ ગયા છે.

જાણકારો કહે છે કે આ હાઇવે પર રાતના સમયે ચોરી થાય છે. ચોરો અંગે સ્ટાફ દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે પણ અપેક્ષા મુજબ પોલીસ બે કલાક બાદ સ્થળ પર પહોંચે છે.

તસ્કરોએ વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ ઉપાડી લીધું

વીર જવાન જ્યોતિનું મિનિએચર પણ આ એક્સપ્રેસ વે પર સ્થાપિત કરાયું  હતું, તસ્કરોએ તેના પર પણ હાથફેરો કરી દીધો હતો. આ મિનિએચર જયપુરથી છ લાખ રૂપિયામાં આવ્યું હતું, તેની પણ ચોરી થઈ ગઇ છે.

June 24, 2018
bapufeature.jpg
1min19350

જયેશ બ્રહ્મભટ્ટ

સ્વચ્છતાના પ્રખર હિમાયતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મસ્થળ જેનું વૈશ્વિક સ્તરે ઐતિહાસિક મૂલ્ય છે, એવા ગુજરાતના પોરબંદરમાં સ્વચ્છતાની પરિસ્થિત દયાજનક છે. સ્વચ્છ સર્વેક્ષણ સ્પર્ધાના તા.22 જૂનના રોજ જાહેર થયેલા પરીણામોમાં ગાંધીબાપૂના જન્મસ્થળ પોરબંદરનો નંબર 225મો છે. કમનસીબી તો એ છે કે 2017ના સ્વચ્છ સર્વેક્ષણમાં પોરબંદરનો નંબર 184મો હતો જેમાં વધુ 41 નંબર પછડાઇને 2018માં પોરબંદર દેશના સ્વચ્છ શહેરોમાં 225માં નંબરે સરકી ગયું છે.

સમગ્ર વિશ્વના લોકો ગાંધીબાપૂમાંથી સ્વચ્છતાની પ્રેરણા લઇ રહ્યા છે. ભારતમાં સ્વચ્છ ભારત મિશનના સિમ્બોલ તરીકે મહાત્મા ગાંધી બાપૂના ચશ્માને સ્થાન આપવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર ખાતે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તેમજ સ્થાનિક રાજકારણીઓએ રાષ્ટ્રપિતાના જન્મ સ્થળને સ્વચ્છ રાખવામાં જરૂર ચૂક કરી છે.

સ્વચ્છ સર્વેક્ષણ અંતર્ગત છેલ્લા 11 મહિના દરમિયાન જે તે શહેરમાં થયેલી કામગીરીના આધારે નિર્ણય લેવાય છે જેમાં પોરબંદર ખાતે શૌચાલયોના નિર્માણ, કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા, સ્વચ્છતા જાગૃતિ વગેરે બાબતોમાં પોરબંદર નગરપાલિકાની કામગીરી કંગાળ રહેવા પામી છે. 2016માં તો પોરબંદરએ સ્વચ્છ સર્વેક્ષણમાં ભાગ જ લીધો ન હતો. 2017માં એ 184 નંબર પર આવ્યું હતું.

June 23, 2018
electricc1feature.jpg
1min15620

જયેશ બ્રહ્મભટ્ટ

દેશમાંથી પ્રદૂષણનો યક્ષ પ્રશ્ન દૂર કરવાના આશય સાથે ભારતમાં આગામી 12 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં કુલ વાહનોનો 40 ટકા હિસ્સો ઇલેક્ટ્રિક વ્હિકલ્સમાં ફેરવવાની યોજના હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ પર લેવામાં આવી છે. અને તેના ભાગરૂપે સરકાર પસંદગીનાં શહેરો અને હાઈ-વે પર 4,000 ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાજ્યોની વીજ કંપનીઓ, જાહેર ક્ષેત્રનાં સાહસો અને મ્યુનિસિપલ કોર્પોરેશન્સની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવાની યોજના આગળ વધી છે. સરકારે ગીચ વસતિ ધરાવતાં શહેરો અને મોટા હાઈ-વે પર 4,200 પબ્લિક ચાર્જિંગ પોઇન્ટ્સ માટે ₹1,050 કરોડની ગ્રાન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે. ઉપરાંત, તેમને રાહત દરે જમીન આપવામાં આવશે અને સ્થાનિક સત્તાવાળા તમામ સહાય કરશે. પરીણામે પેટ્રોલ પંપો, ડીઝલ પંપો, સી.એન.જી. ગેસ સ્ટેશનની જેમ હવે ઠેકઠેકાણે ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન્સ પણ ભારતમાં જોવા મળશે.

કેન્દ્ર સરકાર ઇલેક્ટ્રિક વ્હિકલ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની પોલિસી પર કામ કરી રહી છે. જેમાં NTPC, પાવર ગ્રિડ, રાજ્યોની વીજ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ અને પસંદગીના મ્યુનિસિપલ કોર્પોરેશન્સે સ્થળની પસંદગી કરી એક વર્ષમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનું રહેશે.

કેન્દ્ર અને રાજ્ય સ્તરની સમિતિઓ શહેરો અને હાઈ-વે અને નોડલ એજન્સીની પસંદગી કરશે. ઉપરાંત, ચાર્જિંગ સ્ટેશન્સના નિર્માણની સમીક્ષા પણ તેમણે જ કરવાની રહેશે. તેઓ એનર્જી એફિશિયન્સી સર્વિસિસ દ્વારા ચાર્જિંગ સ્ટેશન્સના બલ્ક પ્રોક્યોરમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે.


ઓલા, ઉબર, M&M, ટાટા મોટર્સ સહિતની ખાનગી કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પ્રવેશવા સક્રિય છે, પણ ઇ-વ્હિકલ્સના વેચાણમાં વધારો થાય ત્યારે જ આ કંપનીઓ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં એન્ટ્રી કરશે. સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “સરકારનું આ પગલું જરૂરી હતું. કારણ કે ચાર્જિંગ પોઇન્ટ્સના અભાવે ઇલેક્ટ્રિક વાહનો વેચાતાં નથી અને ચાર્જિંગ પોઇન્ટ એટલે બનતા નથી કારણ કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નહીંવત્ છે. ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ ગમે તે હોય પણ PSUsને પ્રારંભિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જણાવાશે.”

સરકાર 10 લાખથી વધુ વસતિ હોય એવાં શહેરોમાં દર ત્રણ કિલોમીટરે અને વ્યસ્ત રાષ્ટ્રીય હાઈ-વે પર દર 30 કિલોમીટરે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન્સ નેટવર્ક ઊભું કરવાનું આયોજન થઇ રહ્યું છે.

એપ્રિલમાં વીજમંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન્સ તૈયાર કરવા માટે ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 હેઠળ અલગ લાઇસન્સની જરૂર નહીં પડે.

June 23, 2018
whether23.jpg
1min33330

તા.23 જુન, 2018

ભારતના હવામાન ખાતા દ્વારા તા.23મી જુનને શનિવારે જારી કરાયેલી સેટેલાઇટ વેધર ઇમેજ અનુસાર સમગ્ર પશ્ચિમ ભારતમાં આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે. સેટેલાઇટ ઇમેજ પરથી સ્પષ્ટ નજરે પડે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતના વિસ્તારો પર મોન્સુન લઇને આવનારા વાદળો વ્યાપક પ્રમાણમાં છે અને તે સમય જતા ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જેને પરીણામે ગુજરાત અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

આમેય દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી જ વરસાદી ઝાપટા શરૂ થયા છે. સુરત શહેરમાં સવારે દસ વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. બપોરે એક વાગ્યાથી મૂળશધાર વરસાદ જોવા મળી રહ્યો છે.

June 23, 2018
rain.jpeg
1min15780

તા.23 જુન, 2018

આજે ભીમ અગિયારસના પવિત્ર દિવસે સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં વરસાદના વધામણા થયા છે. આજના શુકનવંતા દિવસે સવારથી જ વરસાદી માહોલ સર્જાતા શોખીન સુરતીઓ માટે મજાનું વીકએન્ડ સેટ થઇ ચૂક્યું છે. વરસાદી વીકએન્ડ માટે જાણે સુરતીઓ તૈયાર થઈ ચૂક્યા છે. શહેરમાં આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને સવારે સાડા નવ વાગ્યાથી છુટા છવાયા ઝાપટા પડ્યા બાદ બપોરે એક વાગ્યે સૂસવાટાભેર પવન સાથે ઝરમરીયો વરસાદ શરૂ થયો હતો.

સવારે 10 વાગ્યાના અરસામાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં મૂશળધાર વરસાદનું ઝાપટું આવતા જ સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બપોર પડતા સુધીમાં સમગ્ર શહેરમાં કાળા ડીબાંગ વાદળો છવાય જવા પામ્યા હતા.

દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ડાંગ વિસ્તારમાં મૉન્સૂન સિસ્ટમ ઍક્ટિવ થવાની શરૂઆત થયાને હજી માંડ બે દિવસ થયા છે ત્યાં જ આજે વહેલી સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, વ્યારા વગેરે વિસ્તારમાં વાવણીની શરૂઆત થઈ ગઈ છે. સામાન્ય રીતે વાવણી ભીમ-અગિયારસના શુભ દિવસે થતી હોય છે, એ પરંપરાને અનુસારતા આ વખતે આજે ભીમ-અગિયારસ પહેલાં જ અગિયાર દિવસ પહેલાં જ વાવણી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસું શરૂઆતના પચ્ચીસ દિવસમાં સૌથી સારું રહેતું હોવાથી આ દિવસોમાં વાવણીનો પૂરો લાભ લઈ શકાય એ હેતુથી ગુજરાતમાં ઠેર-ઠેર વાવણી શરૂ કરી દેવામાં આવી છે.

June 23, 2018
adhar-pan-cardfeature.jpg
1min6730

તા.23 જુન, 2018

કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન્સ ITR ફાઇલ કરવા તેમજ નવું પાન(PAN) મેળવવા માટે આધાર કાર્ડ સમગ્ર દેશમાં ફરજિયાત બનાવ્યું છે. પાન-આધાર લિંક કરવા માટેની પાંચ મુદતો પડી છે અને હવે છેલ્લી મુદત આગામી તા.30મી જુન 2018 છે. એ પછી કદાચ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં મુશ્કેલી પડી શકે.

જે પાનધારકોએ અત્યાર સુધી પાન-આધાર લિંકિંગ ન કર્યું હોય તેવા લોકોને સીઆઇએ માધ્યમ જણાવે છે કે તા.30મી સુધી પાન-આધાર લિંકઅપ કરાવી લે, અન્યથા બિનજરૂરી મુસિબત ઉભી થઇ શકે તેમ છે. પાન-આધાર લિંક કરવા માટેની અંતિમ મુદત 30-06-2018 નિયત કરવામાં આવી છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ આ મુદત વધારવા માટે હવે બિલકુલ રાજી નથી. કેમકે પાન-આધાર લિંક માટે સરકારે પાંચમી વખત તેની મુદત લંબાવી છે.

અગાઉ પાન અને આધારને લિંક કરવાની મુદત ગત વર્ષે ૩૧ જુલાઇ 2017, તા.૩૧ ઓગસ્ટ 2017 અને ૩૧ ડિસેમ્બર 2017 મુકર્રર કરવામાં આવી હતી. 2018માં અગાઉ તા. ૩૧ માર્ચ અંતિમ મુદત તરીકે જાહેર થઇ હતી. આધારને અન્ય વિવિધ સેવાઓ સાથે સાંકળવા માટે ૩૧ માર્ચની મુદત વધારવાના સુપ્રીમના અગાઉના આદેશને પગલે સીબીડીટીએ તેમ કર્યું હતું.

આવક વેરા કાયદાની કલમ ૧૩૯ એએ(૨)માં જણાવાયું છે કે પહેલી જુલાઇ, ૨૦૧૭ના રોજે પાન કાર્ડ ધરાવતી અને આધાર મેળવવાને પાત્ર દરેક વ્યક્તિએ તેનો આધાર નંબર ટેક્સના સત્તાવાળાઓને જણાવવાનો રહેશે.

June 23, 2018
plastic_feaure.png
1min9430

તા.23 જુન 2018

મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલા પ્લાસ્ટિક પરના પ્રતિબંધનો અમલ આજથી થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારે એક વપરાશ કરીને ફેંકી દેવામાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ જેવી કે થેલી, પ્લેટ, કપ, ચમચી તેમ જ આવી જ થર્મોકોલથી બનેલી વસ્તુઓના મેન્યુફેક્ચર, વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

પ્લાસ્ટિક વિક્રેતા અને મેન્યુફેક્ચરરને સ્ટોક પૂરો કરવા મુદત આપી હતી

મહારાષ્ટ્ર સરકારે પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર તેમજ પ્લાસ્ટિક વિક્રેતાઓને ત્રણ મહિના સ્ટોકને પૂરો કરવા કે નાશ કરવા માટે આપ્યા હતા. આ મુદત ગઇકાલ તા.22મી જૂને પૂરી થઇ જવા પામી છે. આ સાથે રાજ્ય સરકાર અને પાલિકાઓ દ્વારા ખાસ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.

મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમે લોકોને વિશ્ર્વાસ આપ્યો હતો કે સામાન્ય જનતા અને નાના વેપારીઓને રંજાડવામાં નહીં આવે, પરંતુ દોષી મેન્યુફેક્ચરર પર જ સખત કાર્યવાહી કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

સરકારે નક્કી કરેલા દંડની રકમ બહુ મોટી હોવાની ફરિયાદો અંગે તેમણે જણાવ્યું હતું કે જેઓ કાયદાનો ભંગ કરશે તેમની માટે દંડ છે, જો તમે ભંગ જ નહીં કરો તો દંડ આપવાની કોઈ જરૂરત નથી. દંડની રકમ ઓછી કરવાનો તેમણે ઈનકાર કર્યો હતો. તેમણે રિટેલ પેકેજિંગ કંપનીઓને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તેમણે પ્લાસ્ટિકના રિસાઈકલિંગ મામલે સોગંદનામું આપવાનું રહેશે. તેમના સોગંદનામાને હાઈ પાવર કમિટી સામે રજૂ કરવામાં આવશે.

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક આયાત કરનારા સીધા જેલમાં જશે

અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લાવનારાને સીધા જેલમાં ધકેલાય જશે એમ રામદાસ કદમે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ બહુ ઓછું થાય છે અને મોટા ભાગની પ્લાસ્ટિકની વસ્તુઓ ગુજરાત અથવા અન્ય રાજ્યોમાંથી આવે છે. તેમણે અગાઉ પણ જણાવ્યું હતું કે ૮૦ ટકા પ્લાસ્ટિક આઈટમ ગુજરાતમાંથી આવે છે. જો આમ થતાં કોઈ પકડાશે તો તેમને ૨૦૦૬ના વેસ્ટ મેનેજમેન્ટ એકટ હેઠળ ત્રણ મહિનાની જેલની સજા થશે.

મહારાષ્ટ્ર હાઇકોર્ટે પણ પ્લાસ્ટિક વિક્રેતાઓને દાદ ન અાપી

મહારાષ્ટ્ર સરકારે મુંબઇ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે બધી જ સ્થાનિક સંસ્થાઓને પ્લાસ્ટિકની વસ્તુઓ અને કચરાના કલેક્શન, પરિવહન અને નિકાલ માટે યંત્રણા વિકસાવવા આદેશ આપવામાં આવ્યો છે. 23મી માર્ચના રોજ રાજ્ય સરકારે નોટિફિકેશન જારી કરીને પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, વિતરણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં પ્લાસ્ટિકની ચમચી, પ્લેટ્સ, પેટ બોટલ્સ વગેરેનો સમાવેશ થાય છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ આપખુદ, કાયદાની દ્રષ્ટિએ ખરાબ અને લોકોની આજીવિકા રળવાના મૂળભૂત અધિકારનો ભંગ કરનારો છે, એમ જણાવી પેટ બોટલ્સ અને થર્મોકોલ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન્સ દ્વારા આ નોટિફિકેશનને જોકે હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એપ્રિલ મહિનામાં ન્યાયમૂર્તિ અભય ઑક અને ન્યાયમૂર્તિ રિયાઝ ચાગલાની ખંડપીઠે સરકારી નોટિફિકેશન પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

નોટિફિકેશનમાં પ્લાસ્ટિકના ઉત્પાદકો, વિતરકો અને રિટેલરોને પ્લાસ્ટિકનો નિકાલ કરવા ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જોકે સામાન્ય લોકોને તેમના ઘરના પ્લાસ્ટિકની બેગ્સ સહિતની વસ્તુઓનો નિકાલ કરવા માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

June 22, 2018
stcfea.jpg
1min8370

જયેશ બ્રહ્મભટ્ટ

cialive9@gmail.com

Dt.18 June, 2018, 10.00am

છેલ્લા નવ દાયકાથી શહેરના લબ્ધ પ્રતિષ્ઠિત લોકોને સ્પોર્ટસ, એન્ટરટેઇનમેન્ટ અને ફેસ્ટિવલ સેલિબ્રેશનનું માધ્યમ બનેલી અઠવાલાઇન્સ સ્થિત ધ સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ હોવી એ જ આજે સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. મૂળ સુરતીઓ, ખાનદાન ઘરાનાઓ માટે સુરત ટેનિસ ક્લબ એક પરિવારીક પ્રોપર્ટી સમાન છે. જેની મેમ્બરશીપની જ વેલ્યુ લાખો રૂપિયા થાય છે ત્યાં જો વહીવટની વાત આવે તો ? આ પ્રશ્નનો જવાબ સુરત ટેનિસ કલબની પ્રતિષ્ઠાભરી બની રહેલી ચૂંટણી પૂર્વે હાલ રચાયેલા માહોલ પરથી જણાય આવે છે. સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના ભાવ આજકાલ એટલા માટે જ ઉંચકાયા છે.

એક સમય એવો હતો કે જ્યારે સુરત ટેનિસ ક્લબની મેમ્બરશીપ 40 હજાર રૂપિયામાં મળતી હતી. આજે 10-12 લાખ રૂપિયા આપ્યા પછી પણ મેમ્બરશીપ ભાગ્યે મળી શકે છે. સુરત ટેનિસ ક્લબ શહેરના પોશ એરિયા અઠવાલાઇન્સ ખાતે લોકેટેડ હોવા સાથે તેની એક્ટિવિટીઝ અને ફેસ્ટિવલ સેલિબ્રેશન માટે લોકોમાં વધુ આકર્ષણ ધરાવે છે.

1927માં સ્થપાયેલી ધ સુરત ટેનિસ ક્લબના 10 સભ્યોની ચૂંટણી આગામી તા.1લી જુલાઇના રોજ યોજાઇ રહી છે. ચૂંટણીમાં બે મુખ્ય ગ્રુપ વચ્ચે જંગ છે. એક ગ્રુપ શહેરના જાણીતા સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠનું છે, જેમના હાથમાં હાલ સુરત ટેનિસ ક્લબનો વહીવટી દોર છે.

પરિવર્તન ગ્રુપ

આ ગ્રુપ હાલમાં ટેનિસ ક્લબમાં સત્તાધારી છે. તેમણે નિલેશ દેસાઇ, ધર્મેશ કાપડીયા, ડો. પ્રફુલ્લ દોશી, કેતન મોદી, ઇબ્રાહિમ ઘડીયાળી, ચિરાગ પંચાલ, પ્રજ્ઞેશ જગાશેઠ, દક્ષેશ પારેખ, વિપુલ જાગીરદાર અને ધવલ શાહને મેદાનમાં ઉતાર્યા છે. આ ગ્રુપ એવું છે જેમણે પોતાની મોબાઇલ એપ પણ બનાવી છે અને તેના થકી મેમ્બર્સમાં પ્રચાર કરી રહ્યા છે. પરિવર્તન પેનલનું આ પોસ્ટલ  હાલમાં સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સના મોબાઇલ ફોન પર સતત સેન્ડ થઇ રહ્યું છે.

 

STC નવસર્જન પેનલ

સુરત ટેનિસ ક્લબમાં હાલમાં સત્તા ધરાવતા પરિવર્તન પેનલની સામે ક્લબના જ કેટલાક મેમ્બર્સે ભેગા મળીને એક ધરી રચી છે અા ધરીનું નામ STC નવસર્જન પેનલ રાખવામાં આવ્યું છે. નવસર્જન પેનલમાં સુધીર બજાજ, સી.એ. દિનેશ દ્વિવેદી, શ્યામ લખુપોટા, સમીર શ્રોફ, પુષ્કર રાજ નકુમ, રાજીવ છાબરા, અપૂર્વ ગાંધી, વીરચંદ મહેતા, નઝીર વલી, નિલેખ કોન્ટ્રાક્ટરનો સમાવેસ થાય છે. આ પેનલ મતદારોને વધુ કાર્યક્ષમ વહીવટ તેમજ વધુ લાભો મેમ્બર્સને મળે તેવા પ્રયાસો કરવાનો કોલ આપી રહ્યું છે. STC નવસર્જન પેનલનું આ પોસ્ટર હાલ સોશ્યલ મિડીયા મારફતે સુરત ટેનિસ ક્લબના મેમ્બર્સને મોકલવામાં આવી રહ્યું છે.

સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં બન્ને પેનલના નામો જોતા દરેકે દરેક વ્યક્તિ સમાજમાં પોતાની અલગ પ્રતિભા ધરાવે છે. ટેનિસ ક્લબની આ ચૂંટણી એટલા માટે જ કહેવાય છે કે પ્રતિષ્ઠાભરી બની છે કેમકે લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચે આ ચૂંટણી જંગ લેખાઇ રહ્યો છે.

પરિવર્તન પેનલ માટે બોલીવુડની હસ્તીઓએ વિડીયો રિલીઝ કર્યા

સી.એ. પ્રજ્ઞેશ જગાશેઠની આગેવાની હેઠળની પરિવર્તન પેનલનો પ્રચાર એટલો હાઇટેક છે કે કદાચ કોઇ એમ.એલ.એ. કે એમ.પી.ની ચૂંટણીમાં બોલીવુડની હસ્તીઓ નહીં ઉતરે તેટલી સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલ માટે ઉતરી છે. બોલીવુડમાં પોતાનું અલગ નામ ધરાવતા અનુપ જલોટા, ગૌતમ ગુલાટી, મુકેશ રિશી, વિદુ દારાસિંહ, અલી મુરાની, ગૌતમ ગુલાટી, ઇન્સ્પિરેશનલ વક્તા સંજય રાવલ વગેરે જેવી હસ્તીઓએ તા.1લી જુલાઇએ સુરત ટેનિસ ક્લબની ચૂંટણીમાં પરિવર્તન પેનલને વોટ આપવા અંગેના વિડીયો જારી કર્યા છે જે ટેનિસ ક્લબના દરેક મેમ્બરના વ્હોટ્સ એપ પર આ વિડીયો મોકલાવાઇ રહ્યા છે.

એવી જ રીતે પરિવર્તન પેનલ દ્વારા પોતાની મોબાઇલ એપ પણ રિલીઝ કરી દેવામાં આવી છે. આમ, આ લબ્ધ પ્રતિષ્ઠિત લોકો વચ્ચેની ચૂંટણીએ સોશ્યલ મિડીયામાં ખાસ્સું આકર્ષણ ઉભું કર્યુ છે.