રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવેલા અનેક જળાશયોના કેચમેન્ટ એરીયામાં છેલ્લા પખવાડિયા દરિમયાન પડેલા ભારે વરસાદને પગલે જળાશયોમાં પાણીની આવક પૂરજોશમાં થઈ રહી છે.
ગાંધીનગર ખાતે આવેલા ગુજરાત સરકારના તાબા હેઠળના રાજ્ય પૂર નિયંત્રણ એકમની માહિતી અનુસાર ગુજરાતના 13 જળાશયો છલકાઈ જતા હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે પાંચ ડેમો (જળાશયો)ને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત 12 જળાશયોમાં સારી એવી પાણીની આવક થઈ રહી હોવીથી આ ડેમોના નીચાણવાળા વિસ્તારો સાવચેત રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં જે જળાશયો સૂંપર્ણ ભરાઈ ગયા છે. તેમાં નવસારી જિલ્લાના ઝૂંજ, અમરેલીના વડિયા, જામનગરના પુના, ભાવનગરનાં રોજકી અને બગડ ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર-સોમનાથનો મચ્છુન્દ્રી, જામનગરનાં ઉન્ડ-3, નવસારીનાં કેલીયા અને તાપીનાં દોસવાડા ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે.જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના રાવલ, શિંગોડા ડેમ તથા રાજકોટના ભાદર-2, જૂનાગઢના ઓઝત-2, મધુવંતી એમ કૂલ પાંચ જળાશયોને હાઈ એલર્ટ જાહેર કરાયા છે.
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે સારી એવી પાણીની આવક વધી રહી છે. હાલની સ્થિતિએ નર્મદા ડેમની જળસપાટી 111.24 મીટર છે. એટલે કે, સરદાર સરોવર ડેમ 39.79 ટકા ભરાયો છે. રાજ્યમાં કુલ જળાશયોનો જથ્થો ગણીએ તો, હાલની સ્થિતિએ ગુજરાતના તમામ જળાશયોનો સરેરાશ જથ્થો 34.41 ટકા છે. એટલે કે, ગુજરાતમાં તમામ જળાશયો (નર્મદા ડેમ સહિત)ની કુલ સંગ્રહ ક્ષમતાની સામે આ જળાશયોમાં 34.42 ટકા પાણીથી ભરાયેલા છે.
અતિભાર વરસાદની સ્થિતિની બીજી તરફ કચ્છની સ્થિતિ વિપરીત છે. કેમ કે, કચ્છ જિલ્લાના જળાશયોમાં હવે માત્ર 4.42 ટકા પાણીનો જથ્થો જ બચ્યો છે અને નોંધપાત્ર વરસાદ હજુ કચ્છમાં પડ્યો નથી. સૌરાષ્ટ્રના તમામ જળાશયોમાં હાલની સ્થિતિએ 37 ટકા પાણીનો જથ્થો છે અને આમાં વધારો થઈ રહ્યો છે. ગીર-સોમનાથ જિલ્લાના જળાશયો 85 ટકા જેટલા ભરાઈ ગયા છે. તા.18મી જુલાઇએ સવારની સ્થિતિએ ગુજરાતમાં સરેરાશ 43.83 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 29 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકમાં 16 ઇંચ વરસાદ પડ્યો છે.








.jpg)












