જયેશ બ્રહ્મભટ્ટ
તા.23મીએ લોકસભાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે અને વિના વિધ્ને સંપન્ન થાય એ માટે આજે તા.22મી એપ્રિલથી જ પોલિંગ સ્ટાફ, પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવામાં આવી રહ્યો છે. સુરત ટેરેટરીની વાત કરીએ તો સુરત, નવસારી અને બારડોલી સંસદીય મત વિસ્તાર પૈકી સુરત અને નવસારીમાં ભાજપનો વિજયન નિશ્ચિત મનાય છે જ્યારે બારડોલીમાં ભાજપીઓની યાદવાસ્થળી કદાચ ફરીથી ડો. તુષાર ચૌધરીને લાઇમલાઇટમાં લઇ આવશે.
ભાજપાના વિજયની વાત કરીએ તો સુરત અને નવસારી બન્ને સીટો ભાજપા માટે સેફ ગણાય છે. સુરત નવસારી બેઠકો પર ભાજપાનો વિજય નિશ્ચિત હોવા છતાં બન્ને બેઠકોની વિક્ટરીમાં ફેર છે.

(શું ફરીથી આ તસ્વીર શક્ય બનશે…)
સુરત બેઠક પર સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા દર્શના જરદોષ પક્ષબળે ચૂંટણી જીતશે જ્યારે નવસારી બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહેલા સી.આર. પાટીલ આપબળે ચૂંટણી જીતશે.
સુરત મહાનગરનું ભાજપાનું નેટવર્ક રાજ્યના સૌથી સુવ્યવસ્થિત નેટવર્ક તરીકે માનવામાં આવે છે. સુરત ભાજપાની સંગઠનાત્મક કામગીરી, વનબુથ ટેન યુથ, માઇક્રો પ્લાનિંગ, બૂથ લેવલનું પ્લાનિંગ, પેજ પ્રમુખોનું વ્યવસ્થા તંત્ર સુરત ભાજપા મહાનગરનું એટલું વખાણાય છે કે ભાજપ અહીનું મોડેલ સમગ્ર રાજ્યમાં લાગૂ પાડે છે. દર્શના જરદોષને સુરત ભાજપાના આ નેટવર્કનો સીધો લાભ મળી રહ્યો છે.
બબ્બે ટર્મથી સુરત જેવા ચૌતરફા પ્રગતિ કરી રહેલા સ્માર્ટ સિટીના સાંસદ ચૂંટાયા હોવા છતાં દર્શના જરદોષ જમીની નેતા બની શક્યા નથી. પાર્ટી ટિકીટ આપે છે એટલે કાર્યકર્તાઓ તેમની સાથે દેખાય છે. ધારાસભ્યો અને કોર્પોરેટરો પણ તેમનું કામ એટલે કરે છે કે પાર્ટી તેમના પર વોચ રાખે છે. અન્યથા દર્શના જરદોષ માટે સ્વયંભુ કામ કરવાની ઇચ્છા બહું ઓછામાં જણાય આવે છે.

આવી પ્રચાર રેલી સી.આર. પાટીલ સિવાય કોઇ ઉમેદવાર કાઢી શકે એમ નથી
બીજી તરફ નવસારીમાં ભાજપનો વિજય સી.આર. પાટીલના સ્વબળે થઇ રહ્યો છે. નવસારીમાં ભાજપાનું નેટવર્ક સુરત ભાજપા જેવું નથી. આમ છતાં છેલ્લી બે ટર્મથી સી.આર. પાટીલ જીતતા આવ્યા છે અને તેમણે 10 વર્ષોમાં સતત પોતાના વિસ્તારમાં રહીને પોતાનું નેટવર્ક એવું જડબેસલાક બનાવી દીધું છે કે તેના પર જ તેઓ વિજયી નિવડી રહ્યા છે. સી.આર. પાટીલ માટે કોઇ ગમે તેટલો દુષ્પ્રચાર કરતું હોય પરંતુ એવો આરોપ તેમની સામે ક્યારેય નથી મૂકાયો કે તેઓ પોતાના વિસ્તારમાં ગયા નથી કે પોતાના વિસ્તારનો વિકાસ કર્યો નથી. પોતાના વિસ્તારમાં સી.આર. પાટીલ સતત રહ્યા અને ત્યાં ના લોકો પણ સી.આર. પાટીલને જાણે છે એટલે જ તેઓ પ્રચંડ લીડથી આપબળે વિજયી નિવડી રહ્યા છે. આમેય સુરત ભાજપામાં સી.આર. પાટીલને પહેલેથી જ જમીની નેતા રહ્યા છે, પાવરમાં ન હોવા છતાં તેમની સાથે કાર્યકરોની ફૌજ સતત ઉભી રહેતી, હવે તો સાંસદ છે એટલે આખી સેના તેમની પડખે સતત ઉભી રહે છે.
ડો. તુષાર ચૌધરી માટે ભાજપીઓએ જ દિલ્હીનો રસ્તો તૈયાર કર્યો
સુરત ટેરેટરીની ત્રીજા બેઠક બારડોલી સંસદીય મત વિસ્તાર. બારડોલી બેઠક જે 2014માં ભાજપાએ કોંગ્રેસના ડો.તુષાર ચૌધરી પાસેથી આંચકી લીધી હતી. પરંતુ, આ વખતે ડો. તુષાર ચૌધરી ફરીથી આ બેઠક અંકે કરવા માટે જોરદાર કમબેક કરી રહ્યા છે તેમના આ કમબેકમાં સુરત જિલ્લા ભાજપના યાદવાસ્થળીમાં રાચતાં અને નેતા બનીને ફરતા ભાજપીઓ જ આડકતરી પણ મહત્વની હેલ્પ કરી રહ્યા છે. ડિસ્ટ્રીક્ટ બેંક, સુમુલડેરી અને સુગર ફેક્ટરીઓ જેવી સહકારી સંસ્થાઓના કેટલાક નેતાઓએ જે ખેલ ખેલીને ખેડૂતો અને સામાન્ય લોકોને હાલાકીમાં મૂક્યા એ હવે એન્ટી વોટિંગ સ્વરૂપે ભાજપીઓને પરત મળે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.
બારડોલી સંસદીય મત વિસ્તારમાં જો ભાજપાની હાર થશે તો હારના થોડા જ દિવસોમાં ભાજપાના બની બેઠેલા નેતાઓ અને સંગઠનના પદો પરથી પોતાની ખીચડી પકાવી રહેલા નેતાઓ પર શિક્ષાત્મક કોકડાં વિંઝાશે એવી ચીમકી જિલ્લા ભાજપાના નેતાઓને મળી ચૂકી છે.





















