Alert Archives - Page 326 of 518 - CIA Live

September 22, 2019
indiaVSSa.jpg
1min6260

પ્રવાસી દક્ષિણ આફ્રિકાની ટીમ સામે રવિવારે અહીં રમાનારી ત્રીજી ટ્વેન્ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ ભારત આગામી ટેસ્ટ શ્રેણી પૂર્વે વર્તમાન સિરીઝ ૨-૦થી જીતી લેવાનો પ્રયત્ન કરશે.

બૉલરોની સારી કામગીરી અને કોહલીની ભવ્ય બૅટિંગના બળે બીજી ટી-૨૦ મેચમાં પ્રાપ્ત થયેલ સાત વિકેટથી વિજય હવે ઈતિહાસ બની ગયો છે અને ટેસ્ટ મેચોની શરૂઆત પૂર્વે ભારત પોતાના ખેલાડીઓ પાસેથી હવે એક વધુ ઉત્તમ દેખાવની આશા રાખે છે.

વર્તમાન શ્રેણીમાં ધરમસાલા ખાતેની પહેલી મેચ વરસાદના કારણે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ હતી.

કેટલાક નવા ચહેરા સાથેની દક્ષિણ આફ્રિકાની ટીમ વિરુદ્ધ આયોજક ભારતની અહીંના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે એક વધુ સફળતાની આશા રખાય છે.

વિકેટકીપર/બેટ્સમેન રિષભ પંત છેલ્લી મેચમાં સારો દેખાવ કરી શક્યો ન હતો અને કેપ્ટન કોહલી તરફથી પ્રોત્સાહિત કરતી સલાહ પછી તેની પર સિલેક્ટરોની આંખ રહેશે તથા તે પોતાના ભાગ્યનો પલટો ઈચ્છતો હશે.

પંત માટે ભિન્ન ભિન્ન અભિપ્રાય રહે છે જેમાં કેટલાક લોકો તેની આવડત, શોટ મારવામાં બોલની પસંદગી અને તેના નબળા ફોર્મ માટે સવાલ ઉઠાવી રહ્યા છે તો અન્ય કેટલાક તેની પાસે રહેતા ક્રિકેટના કસબને ધ્યાનમાં રાખી તેને વધુ તક આપવાની છૂટ સાથે તેની પર બહુ સખતાઈ ન કરવાનું યોગ્ય સમજે છે.

૨૧ વર્ષનો પંત સુનીલ ગાવસકર જેવા મહાન ખેલાડીના શબ્દોથી પ્રેરીત બની શકે છે જેણે એમ પણ કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-૨૦ વર્લ્ડ કપને હવે ફક્ત એક વર્ષથી થોડો વધુ સમય બાકી રહેતા મહેન્દ્રસિંહ ધોનીની બદલી વિચારવાનો ભારત માટે હવે સમય આવી લાગ્યો છે.

મોહાલીમાં આઈ. એસ. બિન્દ્રા સ્ટેડિયમ ખાતેની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાના બૉલરો કોહલીને શાંત રાખી શક્યા ન હતા અને હવે આગામી મેચ પણ તેના પરિચિત મેદાનમાં રમાનાર હોવાથી ભારતીય સુકાની તરફથી ફરી સારા સ્કોરની આશા કરાય છે.

પણ, કોહલી પહેલા ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ કેગિસો રબાડાની આગેવાની હેઠળના હરીફ ટીમના બૉલિંગ આક્રમણમાંથી પસાર થવાનું રહેશે અને એવી આશા રખાય છે કે અહીંના મેદાનનું કદ તેઓ જેવા ફટકાબાજ બેટ્ધરોને અનુકૂળ બનશે.

રોહિત, શિખર અને કોહલીની ત્રિપુટી દક્ષિણ આફ્રિકાના ગોલંદાજોને ફરી હંફાવી શકે છે અને ખાસ કરીને મોહાલીમાં પોતાના દાવની સારી શરૂઆત કર્યા પછી નિષ્ફળ રહેલ રોહિત આ વેળા મોટો દાવ રમવા તત્પર હશે.

ભારતની મધ્યમ ક્રમની બૅટિંગમાં શ્રેયશ ઐયર ઉપરાંત, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજા જેવા સારા બેટ્સમેનો પણ છે અને ફાસ્ટ બૉલરો દીપક ચહર અને નવદીપ સૈનીએ જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્ર્વર કુમાર જેવા નિયમિત ઝડપી ગોલંદાજોની ગેરહાજરીમાં સારી કામગીરી બજાવી છે.

ચહર અને સૈની પાસે ઘણો આંતરરાષ્ટ્રીય અનુભવ ન હોવા છતાં, તેઓએ વોશિંગ્ટન સુંદર જોડે દેખાડી આપ્યું હતું કે તે બધા હરીફ બેટ્સમેનોને પડકાર ફેંકવા કાબેલ છે.

દક્ષિણ આફ્રિકાની ટીમના નવા નિયુક્ત કરાયેલ કેપ્ટન ક્યુન્ટન ડી કોકે ફરી બૅટિંગમાં વધારાની જવાબદારી સંભાળવાની રહેશે અને તે ડેવિડ મિલર તથા રીઝા હેન્દ્રિક્સ જેવાના સહકારની આશા કરે છે.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન). રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયશ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહમદ, દીપક ચહર, નવદીપ સૈની.

દક્ષિણ આફ્રિકા: ક્યુન્ટન ડી કોક (કેપ્ટન), રેસી વેન ડર ડુસેન (વાઈસ-કેપ્ટન), ટેમ્બા બેવુમા, જુનિયર ડેલા, બિયોર્ન ફોર્ટુઈન, બ્યુરન હેન્દ્રિક્સ, રીઝા હેન્દ્રિક્સ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, એન્ડીલ ફેહલુકવાયો, દ્વેઈન પ્રેટોરિયસ, કેગિસો રબાડા, ટબ્રેઝ શમસી, જોન-જોન સ્મુટ્સ.

મેચની શરૂઆત: ભારતીય સમય અનુસાર સાંજે ૭ વાગ્યે.

September 22, 2019
gullyboy-1280x720.jpg
1min11550

ડિરેક્ટર ઝોયા અખ્તરની રણવીર સિંહ અને આલિયા ભટ્ટને ચમકાવતી ‘ગલી બોય’ને ઑસ્કર ઍવૉર્ડમાં ભારત તરફથી સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે, એવી ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ શનિવારે જાહેરાત કરી હતી.

આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં દેશભરમાં આ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ ઉપરાંત વિજય રાઝ, કલ્કી કોચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને અમૃતા સુભાષે અભિનય કર્યો હતો.

આ વર્ષના ઑસ્કરની ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરીમાં ભારતની સત્તાવાર ફિલ્મ તરીકે ‘ગલી બોય’ની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે ઑસ્કર ઍવૉર્ડમાં મોકલવા માટે ૨૭ ફિલ્મમાંથી ‘ગલી બોય’ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી.

પ્રખ્યાત અભિનેત્રી- ફિલ્મ નિર્માતા અપર્ણા સેન આ વખતે પસંદગી સમિતિની જ્યૂરીના વડા હતા. ‘ગલી બોય’નું નિર્માણ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરે કર્યું હતું. ફિલ્મમાં રણવીર સિંહ એક રેપરની ભૂમિકામાં છે જે મુંબઇની શેરીઓમાં પોતાના જીવન વિશેના રેપ (એક પ્રકારની કવિતા) દ્વારા પોતાનું સપનું હાંસલ કરવા નીકળે છે.

‘ગલી બોય’ ૨૦૧૯ની વિવેચકોએ સૌથી વધુ વખાણેલી ફિલ્મ હતી.

September 22, 2019
gjepc1.jpg
1min10280

GJEPC દ્વારા હીરા ઉદ્યોગ માટે સમયસરનો કાર્યક્રમ : આ (મંદી) પણ વહી જશે, હતાશ ના થશો

ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા શનિવાર તા.21મી સપ્ટેમ્બર 2019ની રાત્રે હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીને કારણે પરેશાની અનુભવી રહેલા લોકો માટે એક સમયસરનો પ્રેરણાત્મક માર્ગદર્શનનો કાર્યક્રમ જે ડી ગાબાણી હૉલ, સૌરાષ્ટ્ર સમાજ ની વાડી, મિનિ બજાર, વરાછા, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.

જીજેઇપીસી આયોજિત અભય પ્રેરણાત્મક સેમિનારમાં મંચ પર બિરાજમાન મહાનુભાવો.

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રોજેરોજ કોઇકને કોઇક નકારાત્મક ઘટનાઓ બને છે, ક્યારેક કોઇ કંપની કર્મચારીને છૂટા કરે છે, ક્યારે કોઇક કંપની પગારકાપ મૂકે છે, ક્યારેક કોઇક આર્થિક ભીંસમાં ન ભરવાનું પગલું ભરી બેસે છે એવા સંજોગોમાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગ પારખતા શ્રી દિનેશ નાવડીયાએ ખાસ ઇનિશ્યીએટીવ લઇને અભય નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં ખીચોખીચ શ્રોતાઓથી ભરેલા હોલને શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી હરીકૃષ્ણ પટેલ, જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સી, ડો. આરતી મહેતાએ સંબોધન કરીને કેટલીક પ્રેરણાત્મક વાતો કરી હતી. શહેરના જ નહીં ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી તેમજ શ્રીમતી આરતી મહેતા એ રત્નકલાકારો ને જીવનનું મહત્વ અને સકારાત્મક અભિગમ કઇ રીતે કેળવવો અને જાળવવો એ અંગે પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગથી વાકેફ શ્રી દિનેશ નાવડીયાએ અભય પ્રેરણાત્મક સેમિનારમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમનો સૂર એ જ હતો કે જીવનમાં કશું જ કાયમી હોતું નથી. દરેક સમય વીતી જવાનો છે અને હાલ જે મંદી ચાલી રહી છે એ પણ વીતી જવાની છે. જીવનમાં ઝઝુમનારને જ સફળતા સાંપડે છે. આ ઝઝૂમવાનો સમય છે.

જે.ડી.ગાબાણી હોલમાં અભય પ્રેરણાત્મક કાર્યક્રમ દરમિયાન ખીચોખીચ હાજરી સાથે શ્રોતાઓએ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો.

હાલમાં વિશ્વના બજારમાં અને ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવર્તમાન મંદીના કારણે હીરા ઉધ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમજ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. નોકરી ગુમાવી દેવાના ભય અને અનિશ્ચિત ભવિષ્ય જેવી અફવાઓ વચ્ચે રત્નકલાકારો નાસીપાસ થયી કોઈ અગમ્ય પગલું ના ઉઠાવે તે ઉદ્દેશથી GJEPC દ્વારા એક સેમિનાર “અભય – અસ્તિત્વ આપનું – વરદાન સમસ્ત પરિવારનું “ નું આયોજન કરવામાં આવ્યું હતું.


September 21, 2019
trai.jpg
1min6440

ટૂંક સમયમાં તમારો 10 આંકડાનો મોબાઇલ નંબર 11 આંકડાનો થઇ જશે

ટ્રાઇ (ટેલિકોમ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિ.) એ દેશમાં વધતી જતી મોબાઇલ યુઝર્સની સંખ્યા અને મોબાઇલ નંબરોની વધુ માગને ધ્યાને લેતા વિકલ્પો ચકાસવા માંડ્યા છે કે ભારતમાં મોબાઇલ નંબરોની વધતી માગને પહોંચી વળવા માટે લાંબાગાળાનો કયો શ્રેષ્ઠ વિકલ્પ અપનાવી શકાય. ટ્રાઇના સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં હાલમાં 10 આંકડાના મોબાઇલ નંબરની સ્કીમ ચાલી રહી છે. જે રીતે મોબાઇલ કનેકશન્સની માગ ઉઠી છે એ જોતા હવે 10 આંકડાની સ્કીમ્સમાં લિમિટેડ નંબરો બાકી રહ્યા છે જે ભવિષ્યની માગને પહોંચી વળે તેમ નથી. આથી ટ્રાઇ દ્વારા 10ને બદલે 11 આંકડાનો મોબાઇલ નંબરવાળી યોજના અમલમાં મૂકવા બાબતે વિચારણા શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મોબાઇલ નંબર 10માંથી 11 આંકડાનો થશે ત્યારે વર્તમાન ગ્રાહકોના નંબરમાં ફક્ત એક નવો આંક ઉમેરાશે બાકીના 10 આંકડા યથાવત રહેશે.

અગાઉ ભારતમાં ટ્રાઇ દ્વારા આ પ્રકારે નંબરીંગ સ્કીમ બદલવાની કાર્યવાહી બે વખત હાથ ધરવામાં આવી હતી. 1993માં સમગ્ર દેશમાં નંબરો બદલાયા હતા અને એ પછી 2003માં નંબરિંગ સ્કીમ્સ ભારતમાં બદલવામાં આવી હતી. એ સમયે ભારતમાં મોબાઇલ યુઝર્સની સંખ્યા કરતા ડોમેસ્ટીક, લેન્ડલાઇન ફોન્સની સંખ્યા વધુ હતી. આજે પરિસ્થિતિ ઉલ્ટી છે.

હાલમાં 9, 8 અને 7થી શરૂ થતી મોબાઇલ નંબરોની સ્કીમ્સ હેઠળ કુલ 2.1 બિલિયન (210 કરોડ) મોબાઇલ જોડાણો (નંબર) આપી શકવાની કેપેસિટી છે.

જાણકારોનું કહેવું છે કે એવું નથી કે ભારતમાં મોબાઇલ ફોન યુઝર્સ અને કનેકશન્સની વધેલી સંખ્યાને કારણે મોબાઇલ ફોનના નંબરો 10 આંકડાથી વધીને 11 આંકડાના થશે પણ સાથેસાથે લેન્ડલાઇન ફોન્સ કે જે 2, 3, 5 અને 6 થી શરૂ થાય છે એની પણ હાલની સંખ્યા 7થી વધીને 10 આંકડા સુધી પહોંચે તેમ છે.

September 21, 2019
maha_election.jpg
1min6100

દેશના ચૂંટણી પંચે આજે તા.21મી સપ્ટેમ્બરને શનિવાર 2019ના રોજ મહારાષ્ટ્ર અને હરીયાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું હતું. આજથી બરાબર એક મહિના બાદ તા.21મી સપ્ટેમ્બર 2019ના રોજ મહારાષ્ટ્ર અને હરીયાણા બન્ને રાજ્યોમાં એક જ દિવસો ચૂંટણી યોજાશે અને તા.24મી ઓક્ટોબરે બન્ને રાજ્યોમાં એક સમાન દિવસે મતગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે તા.27મી ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર છે.

Maharashtra, Haryana assembly polls on October 21

Assembly elections in Maharashtra and Haryana will be held on October 21, the Election Commission announced on Saturday.

Counting of votes in both the states will be held on October 24, Chief Election Commissioner (CEC) Sunil Arora said at press conference here.

While the term of 288-member Maharashtra assembly ends on November 9, that of the 90-member Haryana assembly expires on November 2

September 21, 2019
amit-panghal-1280x720.jpg
1min6920

મુક્કાબાજીનો એશિયન ચૅમ્પિયન અમિત પંઘાલ ગઈ કાલે વર્લ્ડ બૉક્સિગં ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારો પ્રથમ ભારતીય બન્યો હતો. બાવન કિલો વર્ગમાં તેણે રસાકસીભર્યા સેમી ફાઇનલ મુકાબલામાં કઝાખસ્તાનના સાકેન બિબોસિનોવને ૩-૨થી હરાવ્યો હતો. ભારતનો જ મનીષ કૌશિક (૬૩ કિલો વર્ગ) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ખેડૂત-પુત્ર કૌશિકે પીટીઆઇને કહ્યું હતું કે ‘મને ખાતરી હતી કે હું વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં મેડલ જીતીશ જ. મેં ટ્રાયલમાં શિવા થાપાને હરાવ્યો ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે હવે હું વર્લ્ડ મેડલ જીતીશ જ.’

ભારતનો જાણીતો બૉક્સર વિજેન્દર સિંહ ૨૦૦૯ની સાલમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો અને આ સ્પર્ધામાં તેનો એ સૌથી સારામાં સારો પર્ફોર્મન્સ હતો અને કૌશિકે ગઈ કાલે કાંસ્યચંદ્રકની તેના જેવી સિદ્ધિ મેળવી હતી. જોકે, હવે પંઘાલ ગોલ્ડ મેડલ અથવા સિલ્વર મેડલ જીતીને ભારત માટે નવા ઇતિહાસનું સર્જન કરશે. પંઘાલની આજે ફાઇનલમાં ઑલિમ્પિક ચૅમ્પિયન ઉઝબેકિસ્તાનના શાખોબિદિન ઝોઇરોવ સાથે ટક્કર થશે. ઝોઇરોવે સેમી ફાઇનલમાં ફ્રાન્સના બિલ્લાલ બેન્નમાને હરાવ્યો હતો.

વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ભારત વતી વિજેન્દરની જેમ વિકાસ ક્રિષ્નન (૨૦૧૧), શિવા થાપા (૨૦૧૫) અને ગૌરવ બિધુરી (૨૦૧૭) બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા. જોકે, પંઘાલે ગઈ કાલે સેમીમાં જીત્યા પછી પત્રકારોને કહ્યું, ‘હું ગોલ્ડ મેડલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખું.’

દરમિયાન, કૌશિકનો ગઈ કાલે સેમી ફાઇનલમાં ટૉપ-સીડેડ ક્યુબાના ઍન્ડી ગોમેઝ ક્રુઝ સામે ૦-૫થી પરાજય થયો હતો.

September 21, 2019
gst.jpg
1min5840

કેન્દ્રનાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને જીએસટી કાઉન્સિલની બેઠક બાદ હૉટેલ રૂમના ભાડાં પરના જીએસટીમાં ઘટાડો કરવાની અને કૅફીનવાળા પીણાં પરના વેરામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

  • જીએસટી કાઉન્સિલે કૅફીનવાળા પીણાં પરના વેરાનો દર ૧૨ ટકા સેસ સાથે વધારીને ૨૮ ટકા કરવાની જાહેરાત કરી હતી.
  • ઍરેટેડ ડ્રિંક્સના ઉત્પાદકોને કમ્પોઝિશન સ્કીમમાંથી બાકાત રખાયા છે.
  • હૉટેલ રૂમના ભાડાં પર રૂપિયા ૧,૦૦૦ સુધી જીએસટી લાગુ નહિ પડે, જ્યારે રૂપિયા ૧,૦૦૦થી રૂપિયા ૭,૫૦૦ની વચ્ચેના હૉટેલ રૂમના ભાડાં પર ૧૨ ટકાનો જીએસટી લાગુ પડશે. આ ઉપરાંત, રૂપિયા ૭,૫૦૦થી વધુના ટેરિફ્સ પરના જીએસટીને ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરાયો છે.
  • નિકાસની જ્વેલરી માટે આયાત કરાયેલા પ્લેટિનમને જીએસટીમાંથી બાકાત રખાયું છે.
  • ૧૦થી ૧૩ બેઠકવાળા પ્રવાસીઓ માટેના વાહન પરના જીએસટી સેસમાં એકથી ત્રણ ટકાનો ઘટાડો કરાયો છે.
  • હીરાના જૉબવર્ક્સ પરના જીએસટીમાં કાપ મૂકવાનો નિર્ણય લેવાયો હતો.
  • સંરક્ષણ ક્ષેત્રના ચોક્કસ સામાનને જીએસટી દરમાંથી માફી આપવાની જાહેરાત કરાઇ હતી.
  • કટ અને પોલિશ્ડ સેમિ પ્રેસિયસ સ્ટોન્સ પરનો દર ઘટાડાયો છે. અમુક જ્વેલરીની નિકાસ કેટલીક શરતોને આધીન હોય તો તેને જીએસટી લાગુ નહિ પડે.
  • સામાનના પેકિંગ માટે વપરાતા પોલિપ્રૉપિલિન અને પોલિઇથેલિન બેગ પર એક સમાન ૧૨ ટકાનો દર લાગુ પડશે.
  • સૂકી આમલી પરનો જીએસટીનો દર નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો હતો.
  • મશીન જૉબની સપ્લાય પરનો જીએસટીનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૧૨ ટકા કરાયો છે.
  • રેલવે વેગન અને કૉચ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને ૧૨ ટકા કરાયો છે.
  • આઉટ ડોર કેટરિંગનો જીએસટી ૧૮ ટકા (ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાથે)થી ઘટાડીને પાંચ ટકા કરાયો છે.

September 20, 2019
onion.jpg
1min15650

સુરતમાં કાંદાનો હોલસેલ ભાવ કીલોના રૂ.50ને આંબી ગયો, રીટેલમાં રૂ.65 સુધી વસૂલાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ટૂંક સમયમાં ખાણીપીણીની લારીઓ પરથી ખાસ કરીને પાઉભાજી, ઇંડા, નોનવેજ વગેરેની લારીઓ પર સલાડ કે કચુંબરમાં ટામેટા અને કોબીજ મળશે, ડુંગળી (કાંદા) અદ્રશ્ય થઇ જાય તેવા એંધાણ મળી રહ્યા છે. સુરતમાં આજે કાંદાના પ્રતિ કિલોના ભાવ રૂ.65 જેટલા આંબી ગયા છે. સૌથી મોંઘા કાંદા સિટીલાઇટ, ડુમસ રોડ પર રિટેઇલ શાકભાજીવાળાઓએ વસૂલ્યા હતા.

એ સિવાય અડાજણ, રાંદેર, વરાછા વિસ્તારમાં કાંદાનો ભાવ પ્રતિ કિલોએ રૂ.55થી રૂ.60 જેટલા થઇ જતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાય જવા પામ્યું છે. કાંદાના ભાવ એવું નથી કે રાતોરાત ઉંચકાયા છે. છેલ્લા 10-12 દિવસમાં નિયમિત રીતે બે-ત્રણ રૂપિયા વધ્યા છે અને એવું કહેવાય છે કે સુરતમાં કાંદાના ભાવ રૂ.80 પ્રતિ કિલો સુધી પહોંચી જાય તો નવાઇ નહીં.

કાંદાનો શોર્ટ સપ્લાય, સુરતમાં કાંદાની 30થી 35 ટ્રક ઠલવાતી હતી એ હવે 15-20 થઇ ગઇ

સુરતમાં સામાન્ય દિવસોમાં કાંદાની 25થી 30 ટ્રકો ઠલવાતી હતી, રજા કે તહેવારોના આગલા દિવસે 35 ટ્રકો સુધી કાંદો સુરતમાં ઠલવાતો હતો પરંતુ, હાલમાં કાંદાનો શોર્ટ સપ્લાય છે અને એ.પી.એમ.સી.માં 15-20 ટ્રક કાંદા જ હાલ દૈનિક ધોરણે ઠલવાય રહ્યાનું એપીએમસીના સૂત્રોએ જણાવ્યું હતું.

સી.આઇ.એ. લાઇવની ટીમે કાંદાના ભાવ અંગે થોડી જાંચ-પડતાલ કરી તો જાણવા મળ્યું કે સુરતમાં મોટા ભાગે મહારાષ્ટ્રના નાસિક મંડીમાંથી કાંદો ઠલવાય છે અને ત્યાં કાંદાની શોર્ટેજ છે અને એના કારણે સમગ્ર ગુજરાતના બજારોમાં કાંદાના ભાવ ઉંચકાવા પામ્યા છે. જે વિસ્તારોમાં કાંદાની મબલખ પાક પાકતો હતો ત્યાં જ વરસાદી પાણીનો ભરાવો થયો છે અને તેના કારણે મોટી મુશ્કેલી પડી રહી છે.

એક એવું પણ કારણ જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રથી આવતા નવા કાંદાની ફસલ નવરાત્રીથી શરૂ થતી હોય છે અને એ ખેતરમાંથી સુરત કે ગુજરાતના અન્ય વિસ્તારોમાં પહોંચતા વધુ 15 દિવસ જેટલો સમય માગી લે છે.

મહારાષ્ટ્રના લાસલગાંવ એપીએમસી દેશનું સૌથી મોટું જથ્થાબંધ બજાર છે. આ માર્કેટમાં ગુરુવાર તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ એક ક્વિન્ટલ ડુંગળીના ભાવ 1,000 રૂપિયાને આંબી ગયા હતા. તા.19મી સપ્ટેમ્બરે મહારાષ્ટ્રમાં બોલાયેલો ડુંગળીનો ભાવ 4 વર્ષની સર્વોચ્ચ સપાટીએ નોંધાયો હતો.તા.19મી સપ્ટેમ્બરે સ્થાનિક બજાર બંધ રહ્યા ત્યારે કાંદાની હરાજીની સરેરાશ કિંમત પ્રતિ ક્વિન્ટલ 4,500 રૂપિયાને આંબી ગઇ હતી.

2015માં 16 સપ્ટેમ્બરે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવ સરેરાશ 4,300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પહોંચ્યા હતા. 22 ઓગસ્ટ 2015ના રોજ પ્રતિ ક્વિન્ટલ ડુંગળીની કિંમત 5,700 રૂપિયા હતી, જેને ઓલ-ટાઈમ હાઈ કિંમત કહી શકાય.

બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યોમાં ડુંગળીની અછત જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણી રાજ્યોમાં ડુંગણીનો સપ્લાય અને માગ બન્ને વધ્યા છે.

September 20, 2019
sensex_green.jpg
1min7120

લાંબા સમયથી મંદીમાં ભીંસાઇ રહેલા અર્થતંત્ર અને શેરબજારને એકસાથે પ્રોત્સાહન આપે તેવા નાણાપ્રધાન નિર્મલા સિતારામના મેગા બુસ્ટર ડોઝને પગલે ભારતીય શેરબજારમાં 2000 પોઈન્ટ્સથી વધુનો હાઈજમ્પ જોવા મળ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં કોઇ એક દિવસમાં આટલો જંગી ઉછાળો નોંધાયો હોય તેવી પહેલી ઘટના આજે આકાર પામી છે.

નાણાપ્રધાનની જાહેરાત સાથે જ શેરબજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી હતી અને તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

નાણાપ્રધાને કોર્પોરેટ ટેક્સ 10 ટકા ઘટાડીને 25.17 ટકા કર્યા હતા. આ ઉપરાંત નવા ઉત્પાદન એકમો માટે કોર્પોરેટ ટેક્સના દર ઘટાડીને 17.01 ટકા કરવાની જાહેરાત કરી હતી. છ વર્ષના તળિયે આવી ગયેલા દેશના અર્થતંત્રને મંદીમાંથી ઉગારવા તેમજ રોજગારીના સર્જનના હેતુથી સરકાર દ્વારા આજે શ્રેણીબધ્ધ જાહેરાતો કરવામાં આવી હતી. આ ઉપરાંત લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પરના સરચાર્જને પણ નાબૂદ કરવામાં આવ્યો હતો.

બપોરે 2.40 વાગ્યે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 2044.10 પોઈન્ટ્સ અથવા 5.66 ટકાના હાઈજમ્પ સાથે 38,137.66 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 605.05 પોઈન્ટ્સ અથવા 5.70 ટકાના હનુમાન કુદકા સાથે 11,309.85 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.50 ટકા અને 3.70 ટકા ઉછળીને ટ્રેડ થઈ રહ્યા હતા.

September 20, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12150

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

એક સમયે ફ્લાઇટ કનેક્ટીવીટી માટે તરસતા સુરત શહેરમાં આજે 27 ફ્લાઇટ્સની આવન-જાવન છે 2006ના પૂરમાં સુરત તબાહ થઇ ગયું અને હવે બેઠું નહીં થાય તેવા ભારતીય મિડીયા (લોકલ નહીં) રિપોર્ટથી વિપરીત સુરતીઓ એક મહિનામાં બેઠા થઇ ગયા. સુરતીઓએ પોતાને જે જોઇતું હતું એ બધું જ જાતે કરી લે છે.

ભારતની મહિલા ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા એટલી હાજરી થવી જોઇએ કે BCCI શું ICC પણ નોંધ લેવી પડે

સેલ્ફમેડની વ્યાખ્યામાં આવતા સુરતીઓએ કહેવાય છે કે પોતાના ઉદ્યોગ-ધંધા જાતે વિકસાવ્યા, એરપોર્ટ જાતે વિકસાવ્યું અને હવે વારો છે સુરતના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો લાવવાનો.

સુરતના સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના વર્તમાન મેનેજમેન્ટના પ્રયાસોથી હાલમાં સુરતને સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો મળી છે. મહિલાઓ માટેની પાંચ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચો સુરતમાં રમાવાની છે. સુરત માટે આ એક ગ્રાન્ડ રિહર્સલ છે ઇન્ટરનેશનલ મેચ માટેનું.

  • ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચોનું શિડ્યુલ આ મુજબ છે, પાંચેય મેચો ડે નાઇટ રમાશે
  • તા.24મી સપ્ટેમ્બર પહેલી મેચ
  • તા.26મી સપ્ટેમ્બર બીજી મેચ
  • તા.29મી સપ્ટેમ્બર ત્રીજી મેચ
  • તા.1લી ઓક્ટોબર ચોથી મેચ
  • તા.4 ઓક્ટોબર પાંચમી મેચ

ભારત વિ. દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે સુરતમાં રમાનાર તમામ મેચોની બિલકુલ ફ્રીમાં સ્ટેડીયમ પર જઇને જોઇ શકાશે

બધી રીતે સુરત હકદાર છે કે ઇન્ટરનેશનલ મેચો મળે, આઇ.પી.એલ.ની મેચો મળે.પરંતુ, જેમ ઉપર લખ્યું છે એમ ક્યાંકને ક્યાંક કોઇકને કોઇ મુદ્દાઓથી સુરતને વંચિત રાખવામાં આવી રહ્યું છે. હવે સુરતીઓએ બતાવી દેવાનું છે કે સુરતને કેમ ઇન્ટરનેશનલ મેચ આપવી પડશે કે આઇ.પીએલ.ના સ્લોટ સુરતને કેમ આપવા પડશે.

હાલ ચાલી રહેલી દક્ષિણ આફ્રિકા વુમન્સ ટીમ સામેની સિરીઝમાં સુરતીઓને આહવાન છે કે ભવિષયમાં વિરાટ, બૂમરાહ સમેતની ટીમ ઇન્ડિયાને સુરતના આંગણે રમતી જોવી હોય તો નીચે દર્શાવેલી તારીખોએ ઉમટી પડજો લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે.

ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા સાથે સુરતીઓની ગ્રાઉન્ડમાં હાજરી જોઇને ગુજરાત ક્રિકેટ એસોસીએશન અને બીસીસીઆઇએ પણ સુરતને નજરઅંદાજ કરવાનો નજરીયો બદલવો પડશે. એટલી મેદની લાલભાઇ સ્ટેડીયમ પર ઉમટી પડવી જોઇએ કે બીસીસીઆઇ શું આઇસીસી પણ સુરતના ક્રિકેટ ગ્રાઉન્ડની નોંધ લેવા માંડે.

અગાઉ ભારતની અન્ડર 19 ટીમના કોચ અને ભારતના એક સમયના સ્ટાઇલિસ્ટ સ્ટાર બેટ્સમેન રાહુલ દ્રવિડ પણ સુરતના ગ્રાઉન્ડની પ્રશંસા કરી ચૂક્યા છે.

તા.19મી સપ્ટેમ્બર 2019ના રોજ દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ મહિલા કેપ્ટન સને લૂસ તેમજ તેમના કોચ, ભારતીય ટીમ તમામ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમની પ્રશંસા કરી ચૂક્યા છે. બધી રીતે સુવિધાઓ સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશનના લાલભાઇ સ્ટેડીયમ ખાતે વિકસાવી દેવામાં આવી છે અને હજુ પણ સતત ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. બસ હવે સુરતીઓએ ઉપરોક્ત તારીખોએ મોટી સંખ્યામાં હાજર રહીને એ બતાવી દેવાનું છે કે ક્રિકેટ પ્રેમીઓનું શહેર છે સુરત.