લોકસભાની ચૂંટણીના રવિવારે યોજાયેલા છઠ્ઠા તબક્કામાં ૬૩.૩૩ ટકા મતદાન થયું હતું. આ ટકાવારીમાં થોડો વધારો થઇ શકે છે, કારણ કે ઘણી જગ્યાએ સાંજના છ વાગ્યા પછી પણ મતદારો કતારમાં ઊભા હતા.

દેશના સાત રાજ્યમાંની કુલ ૫૯ બેઠક માટે રવિવારે મતદાન થયું હતું. મધ્ય પ્રદેશની ૮, ઉત્તર પ્રદેશની ૧૪, પશ્ર્ચિમ બંગાળની ૮, દિલ્હીની ૭, બિહારની ૮, હરિયાણાની ૧૦ અને ઝારખંડમાં ૪ બેઠક માટે રવિવારે યોજાયેલું મતદાન ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના મેનકા ગાંધી, વરુણ ગાંધી, રીટા બહુગુણા જોશી, દિલીપ ઘોષ, મીનાક્ષી લેખી, કૉંગ્રેસના દિગ્વિજય સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા, શીલા દીક્ષિત, અજય માકેન, ભૂપિન્દરસિંહ હૂડા, કીર્તિ આઝાદ, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ જેવા અગ્રણી નેતાઓનું રાજકીય ભાવિ નક્કી કરશે.
દિલ્હીમાં અનેક ઠેકાણે મતદાનના ઇલેક્ટ્રૉનિક મશીનમાં ખામી સર્જાઇ હતી. સેંકડો વ્યંડળે સૌપ્રથમ વખત ‘વ્યંડળ’ તરીકે મતદાન કર્યું હતું. તેઓએ અત્યાર સુધી સ્ત્રી કે પુરુષ તરીકે મતદાન કરવું પડતું હતું. દિલ્હીમાં ૫૯.૮૮ ટકા, હરિયાણામાં ૬૨.૯૧ ટકા, મધ્ય પ્રદેશમાં ૬૦.૦૬ ટકા, ઝારખંડમાં ૬૫.૧૭ ટકા, બિહારમાં ૫૯.૩૮ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૫૪.૧૨ ટકા મતદાન નોંધાયું હતું.
પશ્ર્ચિમ બંગાળમાં સાંજે પાંચ વાગ્યા સુધી અંદાજે ૮૦ ટકા મતદાન થયું હતું.
દરમિયાન, ભોપાળમાંથી ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢ ખાતે મતદાન કરવા જઇ નહોતા શક્યા.
ફુલપૂર મતક્ષેત્રના મઉઆઇમામાં મદારી ગામ ખાતે સમાજવાદી પક્ષ અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઇ હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રવિવારે મતદાન કર્યું હતું.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને તેમના પત્ની ઉષાએ નિર્માણભવન મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.
ઘાટલના ભાજપનાં ઉમેદવાર ભારતી ઘોષની કાર પિંગલા જતી હતી ત્યારે રોકાઇ હતી. તેમના અંગરક્ષકે ગોળીબાર કર્યો હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે પોલીસને ભારતી ઘોષ સામે ફરિયાદ નોંધવા આદેશ આપ્યો હતો.
પશ્ર્ચિમ બંગાળના ઝારગ્રામ ગામમાં મતદારોએ પાણીની અછતને કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
કેશપુરમાં ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ પર હુમલો કરાયો હોવાના અહેવાલ પણ છે.
દિલ્હીમાં અંદાજે ૬૦ ટકા મતદાન થયું હતું. અગાઉ, દેશની રાજધાનીમાં ૨૦૧૪માં ૬૫ ટકા મતદાન થયું હતું.