છેલ્લા એક મહિના કરતા પણ વધુ સમયથી ચાલી રહેલી લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘમ શુક્રવારે શમી ગયા હતા.
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કામાં ૫૯ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. રવિવારે સાતમા તબક્કામાં પંજાબમાં ૧૩, ઉત્તર પ્રદેશમાં ૧૩, પ. બંગાળમાં નવ, બિહાર અને મધ્ય પ્રદેશ પ્રત્યેકમાં આઠ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, ઝારખંડમાં ચાર અને છત્તીસગઢમાં એક બેઠક માટે મતદાન થશે. માર્ચ મહિનામાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરના થયેલા મૃત્યુ બાદ પણજીમાં પણ પેટાચૂંટણી યોજવાનું જરૂરી બન્યું હતું.
અમિત શાહના રૉડ શો દરમિયાન ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસના સમર્થકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ચૂંટણી પંચના આદેશને પગલે પ. બંગાળમાં ચૂંટણીપ્રચાર નિર્ધારિત સમય કરતા ૨૦ કલાક વહેલો થંભી ગયો હતો.
મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પાર પડે તે માટે પૂરતી સુરક્ષાવ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ભાજપના પ્રમુખ અમિત શાહે દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યા હતા. પ્રારંભિક ટિપ્પણી કર્યા બાદ નરેન્દ્ર મોદીએ એક પણ સવાલનો જવાબ નહોતો આપ્યો.
અમતિ શાહે ભાજપ સરકારની કામગીરી પર પ્રકાશ પાડ્યો હતો. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ પણ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.



















