
રાજ્યની રાય, પારૂલ આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોઈ, તેમાં પ્રવેશ નહિ લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવી છે એમ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. રાજ્યમાં આવેલી રાય, પારુલ, આર. કે તથા અન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા બી.એસસી(એગ્રી), બી.ટેક (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ), બી.એસસી (હોર્ટી) અને કૃષિ ઈજનેરી (ડીપ્લોમા) જેવા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો શરૂ કરેલા છે. આ અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ ૨૦૦૪ની કલમ નં.૪(૪)ની વિરુદ્ધ હોઈ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ની અસરથી આ યુનિવર્સિટીઓને અભ્યાસક્રમો બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.
આ સંદર્ભે વર્ષ ૨૦૧૬થી સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા હાઇ કોર્ટમાં એસસીએ/ એલપીએ તેમ જ સુપ્રીમ કોર્ટમાં વર્ષ ૨૦૧૮માં સ્પેશિયલ લીવ પિટિશનો દાખલ કરી દાદ માંગવામાં આવી હતી. આ બાબતમાં હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદાઓ આપવામાં આવ્યા હતા જે મુજબ ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સંલગ્ન અભ્યાસક્રમોમાં આઈ.સી.એ.આર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલા ધારાધોરણોનો અમલ કરવામાં આવ્યા ન હોઈ અને રાજ્ય સરકારની મંજૂરી મેળવવામાં આવી ન હોઈ, આ અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા. ઉક્ત કારણોસર રાજ્યની રાય, પારુલ, આર. કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો માન્ય ન હોવાથી તેમાં પ્રવેશ નહીં લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાજ્ય કૃષિ યુનિવર્સિટીની કાઉન્સિલ દ્વારા સલાહ આપવામાં આવે છે.

















